ડો. વર્ષા વાળા
મંગળવારનો દિવસ સવારના 07:00 વાગે અચાનક ફોનની રીંગટોન વાગી રૂમમાંથી ઊભી થઈ એક સ્ત્રી હોલમાં આવીને ફોન ઉપાડે છે, ફોનમાં વાત કરતા અચાનક એના ચહેરા પર પરસેવો વળવા લાગે છે બસ એટલું જ કહે છે કે પણ મેં તો રજા મૂકી છે. ફોનમાં સામે રહેલા વ્યક્તિની વાત સાંભળી ગભરાતી એ સ્ત્રી એ ‘ઠીક!’ કહીને હોલમાંથી ચાલી જાય છે. બેડરૂમમાં પોતાનું બાળક સૂતું છે. તેની સામે જોઈ આંખ ભીની થઈ જાય છે. બાળકને નિહાળતી તે સ્ત્રી ક્ષણિક સ્તબ્ધ થઈને ઉભી છે, અચાનક સજાગ બની તે સ્ત્રી ઝડપથી રસોડામાં જઈને રસોઈ બનાવવા લાગે છે, અચાનક તેનું બાળક ઊઠીને રૂમમાંથી બહાર આવીને તેની મમ્મીને ભેટી પડે છે. મમ્મી કાલીઘેલી બોલીમાં પૂછે, `મમ્માં તું મને છોડી ના જઈશ ને મને તારા વિના નહિ ગમે.’ તે સ્ત્રી ગદગદિત અવાજે કહે `નહીં મારા સ્વીટુ તને મૂકીને ક્યાંય નહિ જાવ.’ રસોઈ બનાવતા બનાવતા દીકરાને હૈયે લગાડી વહાલ કરવા લાગે છે. દીકરાને બેસાડીને રસોઈ બનાવવા લાગે છે. દીકરાને નાસ્તો કરાવી દવા પીવડાવી ફરીથી બાળકને સુવડાવી દે છે અને મનમાં વિચારોના વમળમાં ઘેરાયેલી તે સ્ત્રી ઘરમાં બાળકને એકલું મૂકીને નોકરી પર જવા નીકળે છે, રસ્તામાં પર પણ અભાન અવસ્થામાં વાહન ચલાવીને જતી સ્ત્રીની નજર સમક્ષ તેનું બીમાર બાળક જ તરવરી રહ્યુ હતું. અચાનક તેની ગાડી આગળ રોડ ક્રોસ કરતી એક માતા સાથે બાળક આવી જાય છે. તે સ્ત્રી ગાડી કંટ્રોલ કરી ઉભી રાખી દે છે. ખુબજ ગભરાય ગયેલી આ સ્ત્રી ગાડીમાંથી ઝડપથી નીચે ઉતરે છે પેલા બાળકને તેડીને હૈયે લગાડી દે છે અને બાળકની માતાની માફી માંગે છે. બાળકને તેની માતાને આપી ફરી ફરી માફી માંગતી અને બાળકને નિહાળતી એ સ્ત્રી ગાડીમાં બેસી નીકળી જાય છે. અચાનક તેને પોતાના પતિને મેસેજ આપવાનું યાદ આવતા ગાડીને રસ્તાની બાજુમાં ઉભી રાખી પોતાના પતિને મેસેજ કરે છે,
`તમે રજા મૂકી ઘરે આવી જજો, મારે અચાનક સંસ્થા પર જવાનું થયું છે. દીકુ એકલો જ ઘરે સૂતો હસે. તેને હજુ પણ તાવ ઉતર્યો નથી. તમે અને સમય થતાં ડોકટર પાસે લઈ જજો ત્યાં સુધીમાં હું આવી જઈશ કંઈ વધારે તબિયત ખરાબ થાય તો કહેજો.’ તે સ્ત્રી વિચારોના વંટોળ સાથે સમયસર સંસ્થા પર પહોંચે છે.
મેડમ શ્રી અધિકારીની ઓફિસમાં મંજુરી લઈને પ્રવેશ કરી કહે,…
‘ ગુડ મોર્નિંગ મેડમ ..’ સ્વસ્થ બની મેડમ સમક્ષ પોતાની વાત રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. એ સ્ત્રી કાંઈ બોલે એ પહેલા તો સંસ્થાના વડા મેડમે મોટા અવાજે કહ્યું
`આમ ન ચાલે તમે વારેવારે રજાઓ મૂકો છો. આ કામ તમારે પૂરું કરવાનું છે.’
તે સ્ત્રી નીચા અવાજે જવાબ આપ્યો કે, ’મેડમ આપે જ રજા મંજૂર કરેલ.’ `મારે એ કંઈ નથી સાંભળવું.’
અધિકારી મેડમે કડક શબ્દોમાં બોલે છે.
‘મને રજા મજૂર કરવાની અને નામંજૂર કરવાના સત્તા છે. એ આપ જાણો જ છો. મેં જીગ્નેશ ભાઈને રજા આપી છે કારણ કે એને લગ્નમાં જવાનું છે અને મારે સ્ટાફ પાસે કામ કરાવવું જરૂરી છે.’
`… પરંતુ મેડમ, મેડમ’ એ સ્ત્રી ધ્રૂજતા અવાજે કહે છે, `મારું બાળક બીમાર છે, એને રાત્રે સખત તાવ હતો, આજે પણ છે. હું એને મૂકીને આવી છું. મારા કાર્યનો ચાર્જ જ્યોતિબહેનને આપેલ જ છે.’
મેડમ અધિકારશ્રીએ ફરી પાછા ઉંચા આવાજે કહ્યું `તમારુ આ રોજનુ છે. બાળક બિમાર છે કે સાસરે કામ છે.. એ પ્રશ્ન મારો નથી મારે તો મારી સંસ્થામાં સમયસર કામ જોઈએ અને તમારું કામ તમારે જ કરવાનું રહેશે, બીજા કોઈ તમારું કામ નહિ કરે એ મારો આદેશ છે.’
જ્યોતિબહેને ચિતાયુક્ત અવાજ સાથે કહ્યું `કેમ છે તમારા બાળક ને?’
સ્ત્રીની ગળુ ભરાઇ આવ્યુ. હળવે અવાજે તેણે કહ્યું `સખત તાવ છે.’
‘મે કેટલુંક કામ કરી નાખ્યું છે.’ એમ કહી જ્યોતિબહેને ફાઈલ તે સ્ત્રીને આપી. જ્યોતિબહેને તે સ્ત્રીના ખભે હાથ મૂકી માફી માગી. તે સ્ત્રી `ઓકે મેડમ’ કહીને પોતાના સોપાયેલા કામમાં ઝડપથી વળગી ગઈ. સ્ટાફના બધા જ કર્મચારી આ વાતને સાંભળી રહ્યા હતા. એમાંથી કેટલાક લોકો તે સ્ત્રીને ઠપકો મળતા આનંદ માણી રહ્યાં હતાં અને કેટલાકને દુઃખ થતું હતું. રમણીકભાઇ ઊભા થઈને તે સ્ત્રી પાસે આવ્યા અને કહ્યું બહેન તમારું કામ ઝડપથી થાય માટે કાંઈ મદદની જરૂર હોય તો મને કહેજો મારી અનુકૂળતા મુજબ આપને મદદ કરીશ તે સ્ત્રી કહે ‘થેન્ક યુ સાહેબ. પણ મેડમે ના પાડી છે, તમે મને મદદ કરશો તો એ તમારી સાથે કંઇક’ એટલું કહીને તે સ્ત્રી બોલતા અટકી ગઈ. થોડી વારમાં પટાવાળાએ જાહેરાત કરી કે, ‘આજે સમગ્ર સ્ટાફે એક કલાક વધારે રોકાવાનું છે, મેડમનો આદેશ છે.’
પેલી સ્ત્રી નિસાસો નાખી ફરી પોતાના કાર્યમાં જોડાઈ ગઈ. કાર્ય પૂર્ણ કરી, તે સ્ત્રી રજા પડવાના સમયની રાહ જોતી હતી. આજે તે સ્ત્રીને એક એક પળ એક એક યુગ સમાન લાગતી હતી. આજે જાણે ઘડિયાળ પણ ધીમી ગતિએ ચાલતી હોય એમ લાગતું આજે તેને એક – એક પળ વિતાવવી કપરી લાગતી હતી. સમય જાણે થંભી ગયો ના હોય. તેના પતિને મેસેજ કરી બાળક વિશે જાણતી રહે છે. આજે તેના મનમાં જાણે વિચારોના વંટોળ ભમી રહ્યો હતો. સમય પૂર્ણ થતાં તે સ્ત્રી જાણે આજુબાજુના વાતાવરણથી અલિપ્ત હોય તેમ સંસ્થામાંથી નીકળી ગઈ.
રસ્તા પર ગાડી ચલાવતા સમયે તે સ્ત્રી એકદમ ગમગીન સ્થિતિમાં હતી. મનમાં ઝડપથી ઘેર પહોંચે તેની તાલાવેલી હતી. અચાનક તેને બાળકની દવા લેવાનું યાદ આવતા રસ્તા પર મેડિકલ સ્ટોર પાસે ગાડી ઉભી રાખી ઝડપથી મેડિકલ સ્ટોર પર જઈને દવા લેવા ઉભી રહી. અચાનક તેને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. તે ચોંકી ઉઠી આજુબાજુ નજર નાખી તો રસ્તા પર એક વૃક્ષના છાયડામાં સાડીના બાંધેલા હિચકામાં બાળક રડી રહ્યું હતું. તે બાળકની માતા રસ્તા બનાવામાં મજૂર તરીકે કામ કરી રહી હતી. બપોરના ત્રણેક વાગ્યા હશે. ધોમધખતો તાપ હતો, ગરમી અસહ્ય હતી જાણે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય. બાળકનો રડવાનો અવાજ સાંભળી મજૂર સ્ત્રી બાળક પાસે આવી પાણી પીવડાવી પાછી કામે લાગી ગઈ. બાળક કદાચ એકાદ વર્ષનું હોય એવું લાગ્યું. બાળક હજુ પણ ધીમે અવાજે રડતું હોય એવું લાગ્યું. આ બધું પેલી સ્ત્રી જોઈ રહી હતી. તેને દવા લઈ આજુ બાજુ નજર નાખી અને ઝડપથી રસ્તો ક્રોસ કરી દૂધની સ્ટોર પરથી દૂધ લઈ આવી. મેડિકલ સ્ટોર માંથી દૂધની બોટલ લીધી. ગાડીમાંથી પાણીની બોટલ કાઢી દૂધની બોટલ સાફ કરી તેમાં દૂધ ભરી પેલા બાળક પાસે ગઈ. તે સ્ત્રીને જોઈને પેલી મજૂર સ્ત્રી ઝડપથી આવી ગઈ. દૂધની બોટલ બાળકના મોંમાં દેતા બાળક શાંત થઈ ગયું, બંને સ્ત્રી એક બીજા સામે જોઈ રહી બંનેના હૈયાં ગદગદિત અને આંખોમાં છલકાયા વિનાના આંસુ.