ડો. રાજેન્દ્ર બાંભણિયા
‘સમુદ્રાન્તિકે’ અને ‘તત્ત્વમસી’ જેવી નિરીક્ષણજન્ય કે પ્રવાસજન્ય નવલકથાઓથી લોકખ્યાત થયેલ સર્જક ધ્રુવ ભટ્ટ મે ૨૦૧૦ માં એવી જ બીજી એક અનોખી કૃતિ લઈને આવે છે – ‘અકૂપાર’. કોઈ પ્રદેશ કે સ્થળ વિશેષની મુલાકાત લઈ ત્યાંના પરિવેશનો એક અભ્યાસીની દૃષ્ટિથી ઝીણવટભર્યો અભ્યાસ કરી, ત્યાંના લોકના સારાં નરસાં પાસાંઓ અને તેમની વેદના-સંવેદનાઓને, તેમની જીવનરીતિ, તેમની બોલી, તેમની માન્યતાઓને સમભાવપૂર્વક ગ્રહણ કરી, તેને કલ્પનાના રંગો વડે સર્જકતાના ઉન્મેષનો સંસ્પર્શ કરાવી કલાકૃતિનું સર્જન કરવામાં આવે ત્યારે તેને નિરીક્ષણજન્ય કે પ્રવાસજન્ય કલાકૃતિ કહેવાય. ‘અકૂપાર’ પણ આવી જ એક નિરીક્ષણ અને પ્રવાસ આધારિત કલાકૃતિ – નવલકથાકૃતિ છે. અકૂપાર નવલકથાના વાંચન દરમ્યાન મને વારંવાર બંગાળી સર્જક વિભૂતિભૂષણ બંધોપાધ્યાયજીની આરણ્યક નવલકથાનું સ્મરણ થઇ આવતું હતું. વિભૂતિભૂષણ બંધોપાધ્યાયે ‘આરણ્યક’માં માનવ અને પ્રકૃતિના એકબીજા પ્રત્યેના અપાર લગાવનું પરમ મનોહર ચિત્ર રજૂ કર્યું છે. તેમ ધ્રુવ ભટ્ટે પણ ગીરની પ્રકૃતિ અને ત્યાંના નિવાસી માનવીઓના પાત્રનિરૂપણ દ્વારા અકૂપાર નવલકથામાં પ્રકૃતિ અને માનવના અરસપરસના અપાર સ્નેહને વ્યંજિત કર્યો છે.
રઘુવીર ચૌધરીએ અકૂપાર નવલકથાને ‘ગીરની આત્મકથા’ અને ‘ગીરનું ગાન’ કહી છે. કોઈ તેને ‘ગીરની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર’ કહે છે તો કોઈ ‘ગીરની સંસ્કૃતિ ગાથા’ કહે છે. કોઈને મન તે ‘ગીરવાસી માનવ અને પ્રકૃતિના પ્રેમની નોખી કથા’ છે. વિવિધ મુકુરીભૂત વિવેચકો દ્વારા આવા બિરુદો – ઉપશીર્ષકો પામનાર અકૂપાર નવલકથાનું શીર્ષક પણ જિજ્ઞાસાવૃત્તિને સંકોરે તેવું છે. પરંતુ નવલકથાના આરંભે જ “‘અકૂપાર’ શીર્ષક વિશે” ટૂંકું લખાણ મૂકી લેખકે ભાવકના જિજ્ઞાસારસને તરત સંતોષી પણ દીધો છે. આપણે ત્યાં એવી લોકમાન્યતા છે કે પૃથ્વી શેષનાગની ફણા અને કાચબાની પીઠ પર ટકેલી છે. પૃથ્વી પરના કોઈ પણ જીવ નિર્જીવ તત્ત્વને હાનિ પહોંચે તો કાચબાની પીઠ પર ટકેલી પૃથ્વી હલી જાય છે. આજે આપણે હવે એટલું સમજતા તો થયા જ છીએ કે આ પૃથ્વીમાં પ્રત્યેક સજીવ અને નિર્જીવ પદાર્થનું સરખું જ મહત્ત્વ છે. એક સજીવ કે નિર્જીવ પદાર્થની નાબૂદી અન્ય સજીવ અને નિર્જીવ પદાર્થોના અસ્તિત્વ પર જોખમ ઊભું કરે છે અને તદનુસંધાને લોકમાન્યતાના શબ્દોમાં કહીએ તો પૃથ્વી હલી જાય છે.
વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો સંઘર્ષ કે વ્યક્તિનો પોતાની જાત સાથેનો મનોવૈજ્ઞાનિક સંઘર્ષ અહીં બહુ નથી નિરૂપાયો. એટલે એકદમ રોમાંચક કે આકર્ષક અને ગતિશીલ પ્રસંગોની હારમાળાવાળી નવલકથાઓ વાંચવા ટેવાયેલા વાચકોનો વાંચનરસ આ કૃતિમાં થોડો ફિક્કો પડે તો ના નહીં.
નવલકથા ૨૭ પ્રકરણમાં વહેંચાયેલી છે. સર્જકે પ્રકરણોનું નામકરણ નથી કરેલ પણ તેને ૧, ૨, ૩ એવા ક્રમ આપેલ છે.
“ખમા ગય્રને.” એ નવલકથાનું પ્રથમ વાક્ય ગીરના રહેવાસી આઇમાના મુખે ઉચ્ચારાયેલું છે, જ્યારે અંતિમ વાક્ય – “ખમા ગીરને !” રાજકોટમાં રહેતી શહેરી યુવતી મિતાના મુખે ઉચ્ચારાયેલું છે. આ બંને સ્ત્રીપાત્રોના મુખે ઉચ્ચારાયેલ એકસરખા શબ્દોમાં કોમન એક જ બાબત છે “ગીર”. કૃતિમાં નિરૂપાયેલ પરિવેશ ગીરનો છે. કહો કે ગીર જ આ નવલકથામાં એક મહત્ત્વનું પાત્ર બનીને આવે છે. આ ગીર એટલે આઈમા કહે છે તેમ માત્ર સિંહોનું અભયારણ્ય નહિ, પણ જીવતું જાગતું જીવન. જે ત્યાંના નિવાસીઓના હૃદયમાં ક્યારેક હિરણ નદી બની વહે છે તો ક્યારેક વન્યજીવો પ્રત્યેની અપાર અનુકંપા રૂપે વહે છે.
નવલકથામાં આત્મકથનાત્મક (હું ના) કથનકેન્દ્રનો વિનિયોગ થયેલ છે. કૃતિમાં સાદ્યંત ક્યાંય કથાનાયકના નામનો ઉલ્લેખ નથી. કથાનાયક મુંબઈમાં જન્મેલ અને ઉછરેલ છે. વડોદરા તેની કર્મભૂમિ છે. વ્યવસાયે તે ચિત્રકાર છે. તેનો ચિત્રકાર તરીકેનો વ્યવસાય જ તેની ભાવિ કથનીનું બીજરૂપ ઘટક બની રહે છે. કથાનાયકની મિત્ર મિતાના એક ક્લાયન્ટને આંતરિક સુશોભન માટે પંચમહાભૂતોના ચિત્રો દોરાવવા છે. મિતા પાંચેય તત્ત્વોના ચિત્રો દોરવાનું કામ અલગ અલગ ચિત્રકારને સોંપે છે. એમાં કથાનાયકના ભાગે “તત્ત્વરૂપા પૃથ્વી”ના પચાસેક ચિત્રો દોરવાનું આવે છે. કથાનાયકને મૂંઝવણ એ વાતની છે કે અહીં શહેરમાં બેઠા બેઠા પૃથ્વી તત્ત્વને પામવું કેમ અને તેના ચિત્રો દોરવા કેમ ? ત્યાં એને પોતાના અંતરઆત્માનો અવાજ સંભળાય છે : “ગીર, ઘેડ કે બરડો. તારું શું માનવું છે ? એક વખતની આપણી ભૂમિ…” કથાનાયકનો અંતરઆત્મા તેને આ સ્થળો સૂચવે છે એની પાછળ એ ભૂમિ સાથે કથાનાયકનો અનુબંધ છે એવું કારણ દર્શાવે છે. એ અનુબંધ વિશે કથાનાયકને છેક નવલકથાના અંતે ખ્યાલ આવે છે અને એ જ બાબત તેની આપઓળખ માટે નિમિત્તરૂપ બની રહે છે.
નવલકથાનો આરંભ થાય છે ત્યારે તો કથાનાયક ગીરમાં પહોંચી ચૂક્યો હોય છે. ગીરમાં તે કાર્તિકના ઓળખીતા ચારણ કુળના આઈમાને નેસડે પહોંચી ચૂક્યો છે. હિમાલય, નર્મદા, દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોના અનુભવી કથાનાયકને શરૂ શરૂમાં તો ગીર જંગલ જેવું લાગતું જ નથી. પણ જેમ જેમ તે ગીરથી, ગીરના લોકોથી પરિચિત થતો જાય છે તેમ તેમ તેને એવો અનુભવ થાય છે કે ગીર માત્ર જંગલ જ નહીં એથીયે કંઈક વિશેષ છે.
આઇમાના નેસડે જવા નીકળેલ કથાનાયકને રસ્તામાં ‘સાંસાઈ’ મળી જાય છે. સાંસાઈ ચારણ કન્યા છે. “સાંસાઈ”નું વ્યક્તિત્વ નિરૂપણ સહજે આપણને ઝવેરચંદ મેઘાણીની ચૌદ વરસની ચારણ કન્યાની યાદ અપાવી જાય એવું છે. તે સ્પષ્ટભાષી અને કટાક્ષવૃત્તિવાળી છે. નાયકની જેમ કોઈ પણ અજાણ્યા પાત્રને તેની વાણી કડવી લાગે એવી છે. પણ ગીરના લોકો માટે તેની કટાક્ષવાણી સહજ થઈ ગઈ છે. તે બહાદુર છે અને સમય આવ્યે લડાયક વૃત્તિ દાખવવા પણ સક્ષમ છે. નાનપણમાં જ તેના માતાપિતા મૃત્યુ પામ્યા છે. નવલકથાના અન્ય પાત્રો માને છે તેમ આખું ગીર તેનું ઘર છે. તેને આખા ગીરની ચિંતા છે. નાયક જ્યારે આઈમાના નેસ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેને સાંસાઈ મળી જાય છે. નાયકના માર્ગમાં બેઠેલ રમજાના સિંહણથી સાંસાઈ તેને બચાવી રસ્તો પાર કરાવે છે. તે વખતની તેની વાક્છટાથી અને તેની બહાદુરીથી નાયક તેના પ્રત્યે આકર્ષાય છે. નાયકના સાંસાઈ પ્રત્યેના અનુરાગભર્યા આકર્ષણનો અનુભવ નવલકથામાં આપણે સાદ્યંત થતો રહે છે.
નવલકથાના આરંભમાં જ આઈમા નાયકને કહે છે “ખમા ગય્રને”. નાયક વિચારે છે આઈમા ગીરને કેમ ખમા કહે છે ? ખમા તો કોઈ માણસને કહેવાય. આઈમા વયોવૃદ્ધ છે તેમ છતાં ખંતીલા છે. તેઓ કાપડ પર સુંદર ચિત્રકામ કરવાનું કલાકૌશલ ધરાવે છે.
ગીર ભૂમિની આ પ્રજા જાતી ધર્મના વાડાઓથી દૂર છે. એમનો એક જ ધર્મ કે જાતી છે – ગીર. આઈમા અને સાંસાઈ જુનાગઢ જવા નીકળ્યા હતા ત્યારે જુસબ-રેશ્માના ઘરે રાત્રી રોકાણ કરે, તેમને ત્યાં જમે છે. જુસબ નાયક સાથે પોતાને ઘેર જાય છે ત્યારે ઘેર બેઠેલ આઈમાને જુસબ આવ્યાની જાણ કરતા રેશ્મા કહે છે – “આ, તમારા દીકરા આવી ગયા”. સાંસાઈ પણ જુસબને પોતાનો ભાઈ ગણે છે. નાયક જમવાની ના પાડે છે ત્યારે રેશ્મા કહે છે “કે પસી અમારું મુસલમીનનું નંઈ ખાવ ?” રેશ્માના આ પ્રશ્નથી પણ ખ્યાલ આવે છે કે ત્યાંના રહેવાસીઓનો જાતિ-ધર્મનો ભેદભાવ કટ્ટર નહીં હોય. ગીરે જાતિ-ધર્મ આધારિત વાડાઓ નથી સ્વીકાર્યા. એ તો તેને ચાહનાર, તેને પ્રેમ કરનાર ચારણ, રબારી, આહિર, મુસલમાન, માલધારી સૌ કોઈને પોતાના હૃદયમાં રાખે છે. નાયક ભાડેથી રહેવા માટે ઘર શોધતો હોય છે ત્યારે મુસ્તુફા પોતાની ઓરડી રહેવા આપી દે છે. પછી તો નાયકને મુસ્તફા અને તેના પરિવાર સાથે ઘર જેવો નાતો થઈ જાય છે. અનેકવાર નાયક મુસ્તફાને ત્યાં ચા-પાણી અને ભોજન કરે છે. ચોમાસું આવતા નાયક ઘર ખાલી કરે છે એ પણ મુસ્તફા અને તેની પત્નીને નથી ગમતું. વિવિધ ધર્મ અને જાતિના પાત્રોનું નિરૂપણ કરી સર્જકે ગીરનાં વાસ્તવિક સમાજચિત્રને સાકારિત કરવામાં સફળતા દાખવી છે. ગીરવાસીઓની સંપૂર્ણ પ્રેમભક્તિ ગીર અને તેની પ્રકૃતિ, તેના પ્રાણીઓ, તેની વનસ્પતિને સમર્પિત છે. એ જ તેમનો ધર્મ છે.
આજના આ આધુનિક સમયમાં જ્યાં માણસને માણસની પરવા નથી. ત્યાં અબોલ પ્રાણીઓ અને નિર્જીવ વસ્તુઓ પ્રત્યે પણ અપાર સ્નેહ અને દયા દાખવવી એ ગીરની પ્રજા અને આ નવલકથાની વિશેષતા બની રહે છે. મુસ્તફા આંબલા ડુંગરને રૂપાળો કહે છે. ત્યારે નાયક કહે છે “પણ અમે તો રૂપાળો શબ્દ તો ખાસ કરીને માણસો માટે જ વાપરીએ.” ત્યારે મુસ્તફા કહે છે : “ઈ તો અમારી બોલી જ એવી. અને રૂપાળો કયેં તો માણા ક્યો કે ડુંગર. વાતનો અરથ ફરી થોડો જાવાનો ?”
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી;
પશુ છે, પંખી છે, પુષ્પો; વનોની છે વનસ્પતિ”
પૃથ્વીને પોતાની જાગીર માની બેઠલ માનવજાતને પૃથ્વીનું નિકંદન ન કાઢવા અને તેનું જતન કરવાની અરજ કરતો ભાવ ક્રાન્તદર્શી ઉમાશંકરે પોતાની આ કાવ્યપંક્તિઓમાં શબ્દબદ્ધ કર્યો છે. આપણે પણ હમણાં વિશ્વ વન દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ પૃથ્વી દિવસ વગેરે દિવસો ઉજવતા થયા છીએ. એ નિમિત્તે એક બે દિવસ થોડી પૃથ્વી અને તેની પરની સૃષ્ટિની ચિંતા કરી પૃથ્વી વિશે ઘણું કર્યાનો સંતોષ અનુભવી મલકાઈએ છીએ. પણ રવાઆતા કે આઈમા જેવા વનવાસી લોકોમાં પોતાની જાત સાથે પૃથ્વીની પણ એટલી જ દરકાર કરવાનો દૃષ્ટિકોણ આદિકાળથી જન્મજાત હોય એની અનુભૂતિ આ નવલકથા કરાવે છે. અંધ અને અપરણિત રવાઆતા ઘંટલા ડુંગરાને દીકરા તરીકે દત્તક લઇ ઘંટલી ડુંગરી સાથે તેના લગ્ન કરાવે છે અને એ નિમિત્તે લોકોને જમાડી એમને ત્યાં જમ્યાનું ઋણ ચૂકવે છે. કેટલી અદભૂત અને અવિસ્મરણીય કલ્પના છે. ડુંગરાને દીકરા તરીકે દત્તક લઈ તેના લગ્ન કરાવવા એ વિચાર જ તેમની અચેતનમાં પણ ચેતન નિહાળવાની વિશિષ્ટ દૃષ્ટિની પરિચાયક બની રહે છે. ગીરનો રહેવાસી ત્યાંની સજીવ સૃષ્ટિની માફક ત્યાંની તમામે તમામ નિર્જીવ સૃષ્ટિને પણ એવા જ માનવીય ભાવથી ચાહે છે એ વાતની અનુભૂતિ આ પ્રસંગ સુપેરે કરાવે છે.
નવલકથામાં આઈમા અને સાંસાઈ ગીરના ડુંગરોમાં ઊગી નીકળેલ કુંવાડિયાથી ચિંતિત છે. પશુ-પ્રાણીઓ માટે અખાદ્ય કુંવાડિયો બીજું ખાવાલાયક ઘાસ પણ ઊગવા દેતો નથી. તેથી આઈમા અને સાંસાઈ માલધારીઓને સમજાવે છે કે તમારા ઢોર ગમે ત્યાં ના ચરાવો. આઇમાના શબ્દોમાં જ એમની આ ચિંતા જુઓ : “‘માલને ગમે ન્યાં સારવા મંડ્યા. એટલે કુંવાડિયા ફૂટી નીકળ્યા. ખડનો મલાજો ભૂલવા બેઠા સે. ઈ તો કીધું.’ આઈમા બોલ્યાં. ‘ને તું ય કે, આયાં માલધારી કે એનો માલ એકલા થોડા રેય સે ? હજાર જાત્યનાં પહુડાંય આ ગય્રનાં ખડ માથે જીવે. ને ઈ પહુડાં સે તો ગય્રમાં સ્હાવજનાં પૂસડા સે. ભાય, ગય્ર તો જીવતા રે’વાની અને જીવતાં રાખવાની સરતે ઊભી સે. એકબીજાની આમન્યા નો રાખીયે તો પસી આયાં રેવા રેખું કાંય નથ્ય.’”૯૨ સાવ સામન્ય લાગતી આ બાબત દ્વારા આઇમાએ સૃષ્ટિ-સંતુલનની કેટલી મોટી વાત કરી દીધી એ અંગે નાયકની સાથે હું પણ આશ્ચર્ય અનુભવું છું. પૃથ્વી પર જીવસૃષ્ટિ ટકાવી રાખવી હોય તો દરેક જીવે અન્ય જીવની આમન્યા રાખવી પડશે. દરેક જીવે અન્ય જીવની ચિંતા કરવી પડશે. “‘તો ભૂરી, તને કે મને કુંવાડિયો નો ગમે, પણ થાય સ્હું ? નેવકું કાંય પેરણું નો રેય ઈનાં કરતાં કુંવાડિયો પેર્યો સ્હારો. વસ્તર પેર્યું તો કે’વાય!’” અહીં પણ સર્જકની નવોન્મેષ સભર કલ્પનાનો સુંદર પરિચય થાય છે. પૃથ્વીને પણ વસ્ત્ર ઓઢવા તો જોઈએ જ ! પૃથ્વીને પણ શરીર-અંગ છે અને એ અંગ એ ઢાંકવા મથે છે. આમ પણ જોઈએ તો વસ્ત્ર એ અંગ ઢાંકવાની સાથે સાથે શરીરની સુંદરતામાં પણ અભિવૃદ્ધિ કરે છે. એવી રીતે આ પૃથ્વીની સુંદરતામાં એણે વસ્ત્રરૂપે ધારણ કરેલ વનસ્પતિઓ, જંગલો પણ તેની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે. પૃથ્વીને પણ પોતાનું અંગ ઢાંકી રાખવું હોય, પોતાની સુંદરતા જાણવી રાખવી હોય. પૃથ્વી ઘાસ ઉગાડે તો પશુઓ એ ઘાસ મૂળ સમેત ખાઈ જાય એટલે પૃથ્વી વસ્ત્રહીન થઈ જાય છે. જો કુંવાડિયો ઉગાડે તો કોઈ પશુ એ ખાતું નથી અને એમ પૃથ્વીનું અંગ ઢંકાયેલું રહે છે.
“‘ગય્રમાં જીવ માતરની એક જાત્ય ને એક વંશ. આવું નો માનીએ તો ન્યાં રઈને જીવી નો હકાય.’ ચારણે કહ્યું, ‘ગય્ર અને ઈનાં જીવને આધારે અમીં સંઈ અને અમારે આધારે ઈ સ્હંધાય સે. તમીં ઈનેં મારો કે અમને, સ્હંધુંય એકનું એક. ગય્રમાં સ્હાવજનાં પૂસડા સે તો અમીં સંઈ. પસી તો અમીંય નંઈ હોઈં.’”ર આદિકાળથી માનવ પોતાના વિકાસ – વિસ્તાર માટે થઈને પૃથ્વી અને તેના પરની અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચાડતો આવ્યો છે. પણ આ જગતમાં રવાઆતા જેવાય કેટલાક લોકો છે જે પ્રાણીઓનું અસ્તિત્વ છે એટલે અમારું અસ્તિત્વ છે એમ માને છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે માનવજાત અને અન્ય પ્રાણીસૃષ્ટિ પરસ્પર એકબીજા પર આધારિત છે. બંનેમાંથી એકેય એકબીજા વિના ટકી શકે નહીં.
પ્રાણીઓ વિચારી શકતા હશે કે કેમ એ અંગે તો મને આજેય શંકા છે. પરંતુ એમનામાં સંવેદના તો ભારોભાર હોય છે. એમની સંવેદનશીલતાના પ્રસંગ મેં ઘણાં જોયાય છે અને આ નવલકથામાંથી પણ તેના ઉદાહરણ મળે છે. એમાંય આશ્ચર્યની વાત એ છે કે સિંહ જેવું માંસભક્ષી પ્રાણી પણ માનવ પ્રત્યે સંવેદના દાખવે છે. કથાનાયક આઈમાને નેસ જતો હોય છે ત્યારે સાંસાઈ રસ્તામાં બેઠેલ રમજાના સિંહણ સામે જઈને ઊભી રહી જાય છે. એટલું જ નહીં એમની નજીકથી પસાર પણ થઇ જાય છે. તેમ છતાં સિંહણ કશું નથી કરતી. આઈમા અને અન્ય ગીરવાસીઓ માને છે તેમ સાંસાઈ તો નાની હતી ત્યારથી સિંહબાળને રમાડતી પણ હતી. ધાનુ કહે છે તેમ સિંહ તેના પર હુમલો કરે છે ત્યારેય સિંહ ઇચ્છત તો એક જ પંજામાં તેને ખતમ કરી નાખત. પણ સિંહ એવું નથી કરતો એ ધાનુને ઈજા જ પહોંચાડે છે. પ્રાણીઓ પોતાના ખોરાક માટે થઈને શિકાર કરે એ જુદી વાત છે. બાકી મોટાભાગના પ્રાણીઓ જ્યારે પોતાના અસ્તિત્વ બાબતે ભય અનુભવતા હોય ત્યારે જ સામેવાળા પ્રાણી પર હુમલો કરતા હોય છે. જ્યારે માણસ તો પોતાની મોટપ દેખાડવાય આવા નિર્દોષ પ્રાણીઓને નિશાન બનાવે છે. ટ્રેપથી એક સિંહને મારવામાં આવે છે ત્યારે સાંસાઈ નાયક સાથે આ હત્યા કરનાર કોણ છે એની શોધ કરવા નીકળે છે. એ પ્રસંગે ગીરની હદની વાત નીકળતા “સાંસાઈએ કહ્યું, ‘સ્હાવજું વધી ગ્યા એટલે બારા નીકળી ગ્યા સે ઈ બધી વાત્યું છાપાની. ગય્ર ક્યાં લગણ કેવા’ય ઈનીં બાય્રનાંવને સ્હું ખબર પડે ? સ્હાસું તો ઈ સે કે ગય્રની માલીકોય્ર આપડે રે’વા મંડ્યા; તોય ગય્રના જીવ માતરે આપડી આમન્યા રાખી. ઈનીં જીગ્યા દબાતી ગય એમ ઈ અંદર જાતા ગ્યા. પસી વધતું જ જાય તો સ્હાવજ ક્યો કે બીજાં જીવ, જાય ક્યાં. ?’” આજે સિંહ કે અન્ય માંસભક્ષી પ્રાણીઓ માણસ પર હુમલા કરે છે એવા સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ. પણ એની પાછળ પણ ઉપર સાંસાઈએ કહ્યું એ જ કારણ જવાબદાર છે. ભૌતિક સુખસગવડો માટે થઈને આપણે જંગલો કાપતા જઈએ છીએ. પરિણામે પ્રાણીઓને રહેવાની જગ્યા ઓછી પડતી જાય છે. પરિણામે ત્યાંના કેટલાક નાના મોટા પ્રાણીઓ નાશ પામે છે તો કેટલાક સ્થળાંતર કરી જાય છે. આથી માંસભક્ષી પ્રાણીઓને પૂરતો ખોરાક નથી મળતો. મજબૂરીવશ તેમને જંગલમાંથી બહાર આવવું પડે છે. ભૂખ અને અસુરક્ષાના ભાવને કારણે તે માનવભક્ષી બને છે. કદાચ આપણે જ એમને વધારે ને વધારે માનવભક્ષી બનાવી રહ્યાં છીએ.
નવલકથામાં ગીરવાસીઓની અંધશ્રદ્ધાઓનું પણ નિરૂપણ થયેલ છે. નાયક વિક્રમને શોધતો હોય છે ત્યારે સાબા અને રામી નામની બે સ્ત્રીઓ મળે છે. સાબાનો દીકરો બોલતા નહોતો શીખ્યો એટલે એ રોજ તેને ટ્રેન દેખાડવા લઇ આવતી. પછી તેનો દીકરો ધીમે ધીમે બોલતો થવા લાગ્યો એટલે એને વિશ્વાસ થયો કે ટ્રેનના કારણે જ તેનો દીકરો બોલતા શીખ્યો છે. એટલે તે ટ્રેનના એન્જિન પર નાળિયેર વધેરવાની માનતા રાખે છે અને એ માનતા પૂરી કરે છે. નાયકને પહેલા તો સાબાના આ અંધવિશ્વાસથી હસવું આવે છે. પણ જ્યારે ટ્રેનનો ડ્રાઈવર કહે છે કે “એને એટલો વિશ્વાસ હશે ત્યારે જ ને ? બાકી આમ જુવો તો મંદિરમાં મૂર્તિય અંતે તો પાણા વિના બીજું સ્હું છે ?” ડ્રાઈવરનો આ વિચાર નાયકની સાથે આપણને પણ વિચારતા કરી મૂકે છે કે સાબાની માનતાને અંધશ્રદ્ધા કહેવી કે એ જ સાચી શ્રદ્ધા ? સર્જકે નિરૂપેલ આ પ્રસંગ આપણને શ્રદ્ધા અને સર્વધર્મસમભાવનો પાઠ શીખવે છે.
ગુજરાતી નવલકથાને કેટલાંક એવા વડીલ પાત્રો મળ્યા છે જે ખરેખર ગુજરાતી સાહિત્યના અમર પાત્રો બની રહ્યા છે જેમ કે મળેલા જીવનો ભગત, દર્શકકૃત ઝેર તો પીધાં છે જાણી જાણીમાં આવતું ગોપાળબાપાનું પાત્ર કે અહીં આ નવલકથામાં આવતું આઈમાનું પાત્ર. આ પાત્રો એવાં છે કે જેમણે જનસમાજ અને જનમાનસમાં એક આગવું અને મહતત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનો અનાદર કરવાનો કોઈને વિચાર પણ ના આવે.
જેને આપણે વનવાસી કે જંગલમાં રહેનારી પ્રજા કહીએ છીએ; જેને આપણે અસંસ્કૃત કે ગામઠી પ્રજા કહીએ છીએ તેમનામાં રહેલી સંસ્કારિતા કે માનવતાની પીંછાન આ નવલકથામાં થાય છે. ગીર ભૂમિની વનવાસી પ્રજાની ઉદારતા અને ભોળપણ અહીં આબેહૂબ નિરૂપાયા છે.
સૌરાષ્ટ્રની ભૂમિ આતિથ્ય ભાવના માટે ખૂબ વખણાય છે. પ્રસ્તુત નવલકથાના નાયકને ગીરમાં મળેલ આવકાર અને પ્રેમ એ આ મંતવ્યની સાક્ષી પૂરે છે.
પ્રસ્તુત નવલકથા સંદર્ભે સર્જક તરીકે ધ્રુવ ભટ્ટનું બીજું એક મહત્ત્વનું જમા પાસું છે એમની ભાષા. માત્ર ગીરની ભૂગોળ, ત્યાંના રહેવાસીઓના વિચારો, સંવેદનો અને તેમની માન્યતાઓ જ નહિ એમની ભાષાને પણ લેખકે ખૂબ જ જહેમતપૂર્વક આ નવલકથામાં અવતારી છે. નવલકથામાં નિરૂપાયેલ ગીરનો પરિવેશ તેની સાથે વિનિયોગ પામેલ ત્યાંની લોકબોલીના કારણે જીવંત બની રહે છે. સર્જક ત્યાંની લોકબોલીના જ્ઞાતિગત/ધર્મગત અને પ્રદેશગત બોલીભેદથી બરાબર વાકેફ છે એની અનુભૂતિ આપણને નવલકથાના જુદાં જુદાં પાત્રોના સંવાદોથી સતત થતી રહે છે. ગીરવાસીઓના ‘સ’ ના ‘હ’ મિશ્રિત ઉચ્ચારણને નાયક બરાબર પકડી પાડે છે. ક્યાંક ક્યાંક નાયકમુખે સર્જક આ બોલીભેદો વિશે વાત પણ કરે છે. નવલકથામાં નિરૂપાયેલ લોકબોલી આપણને સર્જકે કરેલ એ લોકબોલીના ઝીણવટભર્યા અભ્યાસની ખાતરી પણ કરાવે છે.
નવલકથામાં ઠેકઠેકાણે નિરૂપાયેલ વિષયવસ્તુને અનુરૂપ ચિત્રો પણ મૂક્યા છે. આમતો નવલકથાના રસિયા વાચકોના ચિત્તમાં તેમની કલ્પનાશક્તિ મુજબ વર્ણ્ય વિષયવસ્તુને અનુરૂપ એક કલ્પનાચિત્ર તો કંડારાતું જતું જ હોય છે. પણ માત્ર કથા વાંચનનો જ આધાર લઈને આવા સરસ મજાના અને સજીવ ચિત્રો દોરી આપનાર શ્રી કુરંગ મહેતાની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિ ભાવકની કલ્પનાશક્તિને વધારે સતેજ કરવામાં કામિયાબ નીવડી છે એ સ્વીકારવું રહ્યું.
Dr. Rajendrakumar Rameshbhai Bambhaniya
Assistant Professor, Department of Gujarati,
Government Arts & Commerce College, Bhilad
At & Po : Bhilad, Tal : Umargam, Dist : Valsad – 396105
Email Id : bambhaniya22@gmail.com