-વિશાલ ભાદાણી
હુરર…ફ્રૂરર…ભાગો અહીંથી…
હાંફતી-ફાંફતી ઘેર આવીને પીડિતાએ પોતાના પતિને કહ્યું, “એ કહું છું સાંભળો છો? હવે તો આ કેમેરાવાળાઓએ હદ કરી છે! ઘરની બહાર નીકળ્યું નથી થતું; કોઈ ને કોઈ કેમેરો લઈને ઊભો જ હોય છે. કોઈ ન હોય તો પણ એમ લાગે છે કે કોઈ દૂરથી લાંબી નળીવાળો કેમેરા લઈને તાકી રહ્યું છે. હું તો આ વખતની આમ સભામાં આના ઉપર જ કકળાટ કરવાની છું, તમે જોજો.”
“સભાનો સમય થઇ ગયો છે. જલ્દી ચાલ.” પીડિતાના પતિએ જવાબ આપ્યો.
“હું એમ કહું છું કે એમની સાથે એમની ભાષામાં સીધી જ વાત કરવી પડે!”
“તને એની ભાષા આવડે છે? એ સાલાઓને ખતમ કરી જ નાખવા જોઈએ.”
આમ વાતો કરતાં-કરતાં એ કપલ ઉપડ્યું આમ સભામાં. સભામાં એમના જેવા ઘણા કપલ્સ હાજર હતાં. સૌના મનમાં કોઈને કોઈ ફરિયાદ હોય એમ લાગતું હતું. સભા સંચાલકે સૌને સ્થાન લેવા કહ્યું અને સંચાલન શરુ કર્યું,
“માનનીય પ્રમુખ અને આપણા સૌના માર્ગદર્શક એવા શાર્દૂલભાઈ, સભ્યશ્રીઓ અને
આત્મજનો. આ વખતની આમ સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોઈ પણ ઔપચરીકતા
વગર આપણે સીધી જ મુદ્દા પર વાત કરીશું.” એટલું કહીને તેને સભાને ચર્ચા
માટે આહ્વાન આપ્યું.
આ વાત પર ઘણી તાળીઓ પડી, ચિચિયારીઓ અને ગણગણાટથી સભામાં એક નવો પ્રાણ ઉમેરાયો.
પીડિતાને લાગ્યું કે એણે કોઈપણની રાહ જોયા વગર એણે પોતાની વાત સૌથી પહેલાં
કહેવી જોઈએ. એટલે એણે પોતાના પતિની સામે જોઇને જાણ કરી કે હવે એ શરુ કરે
છે:
“માનનીય પ્રમુખ શ્રી અને આમ સભામાં સભ્યો. આપણે સૌએ આ કેમેરાવાળાઓનું
કંઇક કરવું જોઈએ. હવે બહુ થયું. આ આટલા બધાં કેમરા નિરાંતે શ્વાસ પણ લેવા
દેતા નથી. પર્સનલ લાઈફ જેવું કશું જ…”
પીડિતાની વાત વચ્ચેથી કાપીને બુલબુલ બોલી, “એક દમ સાચી વાત છે…તે દિવસે
અમે બધી બહેનપણીઓ નદીએ નવા ગયેલી…અને કોણજાણે ક્યાંથી એ લોકો આવ્યા અને
અમારાં “એવા” ફોટા પાડીને જતા રહ્યા. હાઉ મેનરલેસ!”
સંચાલકે આ નવી પીડિતાને અટકાવતા કહ્યું, “એક મિનીટ બેન, તમે પેલાં બેનને
પોતાની વાત પૂરી કરી લેવા દ્યો. બોલો બેન.”
“હા તો હું એમ કેહતી હતી કે પર્સનલ લાઈફ જેવું કશું જ રહ્યું નથી. એક
દિવસ હું અને આ મારાં પતિ એક ઝાડ પાછળ બેઠા હતાં. કદાચ મારા જીવનની એ ઉત્તમ
ક્ષણ હશે. એ પળને અમે અમારામાં ભરી રહ્યા હતાં ત્યાં જ અચાનક અમારી
બિલકુલ સામે ઝાડીમાં કંઇક હલનચલન સાભળ્યું. અને જોયું તો એક
લાંબી નળીવાળો કેમેરાં અમને કચ…કચ…કચ…એમ કેટલી વાર કાપી ગયો. આવું ક્યાં સુધી ચાલશે?”
“હા, આપણા અધિકારોનું શું?” બુલબુલે પીડિતાની પૂરી થયેલી વાતનો દોર
પોતાના હાથમાં લીધો અને સંચાલકે પણ નોધ્યું કે એનાથી સભાના શિષ્ટાચારનો
ભંગ થયો નથી. બુલબુલે આગળ કહ્યું, “વાત માત્ર શરીરની નથી!”
સૌના કાન ચમકયા. સૌને થયું કે ફોટા તો માત્ર શરીરના જ હોય ને!
બુલબુલે સભાની કર્ણ-અને-મર્મ-તૃપ્તિ માટે સમજાવ્યું,
“કોઈ આપણો ફોટો લે છે ત્યારે આપણા આત્માનો અમુક અંશ એ ફોટામાં કેદ થઇ જાય
છે. આત્માના કેદ થવાને બ્રાઝીલીયન આદિવાસીઓની ભાષામાં “અકારો કાબા” કહે છે. તમે એક
મિનીટ માટે કલ્પના કરી જુઓ કે તમને કોઈ પિંજરામાં પૂરે તો કેવું લાગે?”
‘પીંજરું’ શબ્દ સાંભળતા જ સભામાં ચિચિયારી અને ગણગણાટનો જુવાળ ઊભો થયો.
સૌએ પોતપોતાના મનમાં કેમેરા માટે એક પ્રકારનો વિરોધ વાવી દિધો.
સંચાલકે સભાને શાંતિ જાળવવા માટે વિનંતી કરી. શાર્દુલભાઈ બુલબુલ સામે
એકધારું જોઈ રહ્યા હતાં.
તેણે આગળ કહ્યું, “આપણને શી ખબર કે આપણો ફોટો લીધા પછી એનું એ લોકો શું
કરે છે? શાર્દુલભાઈ મારી આ વાત સાથે જરૂર સહમત થશે. મારી તો એક જ વાત છે કે આપણો આત્મા ઈશ્વરની અમૂલ્ય ભેટ છે આપણે તેને કેદ થવા ન દેવો જોઈએ.” આટલું બોલીને બુલબુલ બેસી ગઈ. સૌએ તેને આંખોથી શાબાશી આપી.
શાર્દૂલભાઈ પાણી ભારેલા ભૂતકાળના એ ખાડામાં પોતાના પરિવારનો આત્મા શોધવા
એવા તો નીકળી ગયેલાં કે સભા સંચાલકે ખૂબ નજીક જઈને સહેજ અડીને કહ્યું,
“સાહેબ? ઓ સાહેબ!” ત્યારે એ સભામાં પરત ફર્યા. અન્ય ચારપાંચ કેમરા-પીડિતોએ
પણ પોતપોતાની વ્યથાઓ કહી અને જણાવ્યું કે “કોઈએ આપણા ફોટા લેવા માટે
ક્યારેય પરવાનગી લીધી નથી કે નથી કોઈપણ જાતની રોયલ્ટી આપી! આ તો કેટલા
પ્રકારનું શોષણ કહેવાય!”
સૌની વાતને એક-બીજા સાથે જોડીને સભા સંચાલકે વાત આગળ ચલાવી, “આમ તો
સંચાલકે વચ્ચે બહુ લાંબુ બોલવું ન જોઈએ પણ એક વ્યક્તિગત અનુભવ કહેવાની
છૂટ લેવા માગું છું જો શાર્દુલભાઈ અનુમતિ આપે તો.”
શાર્દુલભાઈએ પોતાની ગરદન સહેજ નમાવીને અનુમતિ આપી.
“આભાર શાર્દુલભાઈ. ગયા વર્ષે અમારે ત્યાં એક ગેસ્ટ આવેલા. ઉનાળામાં એ
લોકોને ત્યાં પાણીની ખૂબ અછત એટલે આપણા જેવો પાણીવાળો વિસ્તાર જોઇને એ
લોકો ખૂબ ખૂશ થઇ ગયેલાં. બાળકોએ જિદ્દ કરી કે તળાવમાં નાહ્વા જવું છે.
એટલે અમે અમારા ગેસ્ટ અને એમનો નાનો દીકરો આપણા આ સામે દેખાય એ તળાવના
કિનારે પીકનીક માટે આવ્યા. ત્યારે તળાવના અમુક ભાગને ઉંડો કરવાં સરકારે
જેસીબી અને ટ્રક મોકલેલા. ટ્રકોની એક લાંબી વણજાર સતત આવ-જા કરતી. ખબર નઈ
ક્યારે પણ અમારા ગેસ્ટનો છોકરો તળાવના કાંઠેથી એ ટ્રકવાળા રસ્તે જતો
રહ્યો. એક ટ્રકે જોરદાર બ્રેક મારી અને એના ટાયરનો ઘસાવાનો અવાજ આવ્યો
ત્યારે અમારું ધ્યાન ગયું. અમે જોયું કે અમારા ગેસ્ટનો દીકરો ટ્રક નીચે!
પણ આપ સૌને જાણીને આઘાત લાગશે કે એ વખતે તળાવમાં કામ કરતાં લોકોએ અને
ટ્રક ડ્રાઈવરે પોતાના મોબાઈલ કાઢીને તેના ફોટા પડ્યા અને વિડીયોઝ
ઉતાર્યા…એને દવાખાને લઇ જવાનું કોઈને પણ ન સુઝ્યું…! શાર્દૂલભાઈ, મને
સમજાતું નથી કે આ લોકો આટલાં નિર્મમ હતાં જ કે આ કેમેરાં આવ્યા પછી થયા!”
સભામાં બેઠેલાં સૌની આંખો થોડીવાર માટે ભીની થઇ પણ તુરંત જ આક્રોશ અને
ગુસ્સાને લીધે સુકાઈ ગઈ. હવે સૌ શાર્દૂલભાઈના બોલવાની રાહ જોઈ રહ્યા
હતાં. શાર્દૂલભાઈ જેવા ઊભા થયા કે સભામાં એક અલગ અદબની સ્થાપના થઇ.
શાર્દૂલભાઈ બે ડગલાં આગળ ચાલ્યા અને કહ્યું,
“આપ સૌ. મને લાગે છે આ મુદ્દો આપણા ખોરાક અને સુરક્ષા જેટલો જ ગંભીર છે.
કારણે કે ખોરાક અને સુરક્ષા માત્ર શરીર સબંધી જરૂરિયાતો છે જયારે આત્મનું
કેદ થવું એ તાત્વિક રીતે વધારે ભયાનક છે. હજારો વર્ષ જંગલમાં રહેવાથી એક
વાત તો સમજાણી છે કે શરીર હોય કે આત્મા પિજરામાં એનો ક્ષય થાય છે. વળી એ
પણ એટલું જ સાચું કે આત્માની રક્ષા માત્ર શરીરરૂપી સાધન વડે જ થઇ શકશે.
એટલે હું અહિયાં ઉપસ્થિત દરેક પશુ, પક્ષી, જીવ-જંતુને એક નવા યુદ્ધ માટે
આહવાન કરું છું. ચાલો આપણે સૌ આપણામાં જે કંઈ પણ શરીર શક્તિ છે તેનાં વડે
આપણા આત્માને બચાવીએ. જંગલમાં ક્યાંય પણ કોઈ પણ કેમેરાંવાળો માણસ દેખાય
એટલે એના પર સીધો હુમલો જ કરો. આ માટે સંકેત-સૂચક પક્ષીગણને મારું ખાસ
નિવેદન છે આવા માણસની સુચના સૌ સુધી તુરંત પોહંચાડે. કુર્માંભાઈ, આ સંદેશ
આપણા જળચર મિત્રો સુધી પોહંચે એ જવાબદારી તમારી. આપણા સૌ નિશાચર મિત્રો,
વૃક્ષ દેવી-દેવતાઓ, પ્રાણીયોનીના ભૂત-પિશાચ સમુદાયો, ખડકો, પર્વતો, નદીઓ
અને સમુદ્રો પણ આ યુદ્ધમાં જોડાય તેવી મારી ઈચ્છા છે.”
આટલું બોલીને શાર્દૂલભાઈએ ગગનવ્યાપી ગર્જના કરી. જંગલમાં જાણે એક મોટા
યુદ્ધનો શંખનાદ થયો.
ગર્જનાની અસર એટલી જબરજસ્ત થઇ કે આ અકલ્પનિય આમ સભાને પોતાના કેમેરામાં
કેદ કરી રહેલા એક ફોટોગ્રાફર ઊંચા ઝાડ પરથી સીધા જ નીચે આવ્યા. એમના
કેમેરા તૂટવાનો અવાજ અને પ્રાણ નીકળવાનો આવાજ લગભગ સાથે જ આવ્યા.
અથવા અંત–૨
શાર્દૂલભાઈ જેવા ઊભા થયા કે સભામાં એક અલગ અદબની સ્થાપના થઇ. શાર્દૂલભાઈ
બે ડગલાં આગળ ચાલ્યા અને મોટા ખડક પર શાંતિથી બેઠેલાં મોગલી સામે જોયું
અને કહ્યું,
“મોગલી, શારીરિક રીતે તો તું મનુષ્ય જાતિનો છે પણ તારો આત્મા અમારામાનો જ
એક છો. આ કેમેરાંવાળો પ્રશ્ન તું જ્યાંથી આવે છે એ સમાજમાંથી આવ્યો છે
અને ઈશ્વરે તને બંને ભાષાઓ બોલવાનું ગળું આપ્યું છે. એટલે હું, આ જંગલના એક પ્રતિનિધિ
તરીકે એવું ઇચ્છુ કે તું તારા સમાજમાં જા અને એ લોકોને આપણી સમસ્યા વિષે
વાત કર. એમને એમ પણ સમજાવ કે એ લોકો જ્યારે પોતાના ફોટા પાડે છે ત્યારે
એમનો આત્મા પણ કેદ થાય છે. આમ જ ચાલશે તો પ્રાણી અને મનુષ્યનો જે એક
વિશ્વરૂપ આત્મા છે એને એ કેદમાંથી કેવી રીતે છોડાવીશું? મોગલી, તું આ કામ
માટે અત્યારે જ જઈશ?”
“જી મહારાજ” કહીને મોગલી મનુષ્ય સમાજ તરફ ચાલતો થયો.
લગભગ બે દિવસ બાદ મોગલીના ફોટા દરેક છાપાઓ અને સોશ્યલ મીડિયામાં વેહતા
થયા. વરુ-બાળના ફોટોગ્રાફ્સ જોઇને એવા બાળકો વધુ શોધવા અને એમને “કેપ્ચર”
કરવા અનેક લોકો જંગલમાં કેમેરા સાથે પ્રવેશ્યા.
જેણે મોગલીનો ફોટો લીધો તેને બેસ્ટ ફોટોગ્રાફ ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો અને
મોગલીનો આત્મા બે ઇંચ ઓછો થયો.
***