તમે જે મજાની સૂરા સાચવી છે;
અમે એ સૂરાની મજા સાચવી છે.
મને શોધવામાં તું બહુ કામ આવ્યો,
પવન રાતભર તેં શમા સાચવી છે.
અમારા વિશે કાન ફૂંકી ફૂંકીને,
જમનાએ કોની કથા સાચવી છે ?
અરે! ભૂલ-ભૂલામણી પણ ગજબ છે,
ગમે ત્યાં ગયો તેં દિશા સાચવી છે.
પૂજારણ જે રીતે દીવો સાચવે છે,
અમે એ જ રીતે વ્યથા સાચવી છે.
જીવન -ઊર્મિને સૂર આપે એ માટે,
વિતેલાં વખતની વીણા સાચવી છે.