૨. પણ ક્યાં લગી : રીનલ પટેલ

હોઠ પર તાળું લગાવી રાખશો, પણ ક્યાં લગી!
સત્ય છે રંજાડશે તો ભાગશો, પણ ક્યાં લગી!
સજ્જ છે, તૈનાત છે, કરવા ચઢાઈ મન ઉપર;
વ્યસ્ત છો એવું બતાવી ટાળશો, પણ ક્યાં લગી!
એ તરફની દોર કાપી એ કશે ચાલ્યા ગયાં;
આ તરફની દોર ઝાલી રાખશો, પણ ક્યાં લગી !
જિંદગી અણમોલ છે તો પ્રેમ કરવો જોઈએ જ
કાચનું વાસણ છે એ, સાંભળશો પણ ક્યાં લગી!
કોણ છે જોયા વગર જાણ્યાં વગર બટકું ભરે
એ અહમને પાળશો પંપાળશો, પણ ક્યાં લગી!
એકના એક પર વાહવાહી દાદ ખૂબ લીધી કવિ
એકનું એક જ આપશ્રી લલકારશો, પણ ક્યાં લગી!