૨ આજ બાજાર બંધ હૈ : ડૉ. જિજ્ઞાબા રાણા

‘‘હું તને મીઠું બોલાવું ? હે… મીઇઇઇઅટ્ઠુઉઉઉ’’

          એમ કહેતાંક મેં મીઠુંનું પીંજરું ગોળ-ગોળ ફેરવ્યું. મીઠુંએ પીંજરામાં ઉડવાના વ્યર્થ પ્રયત્ન કર્યા અને ફરી પીંજરાના ઝૂલા પર બેસી ગયું. તને પણ અમારી જેમ વિરોધ કરવાનો ક્યાં અધિકાર છે નહીં મીઠું ? હઅઅઅ… ’’ મારાથી લાંબો નિસાસો નખાઇ ગયો.

          ‘‘આમ જોને મારું નામ તો સુરેખા પણ… પણ અહી દીદીએ મને ચમેલી નામથી બોલાવી. હું … પણ તારી જેમ … ચુપ રહી…’’

          દીદી હમણાં થોડાં દિવસ પહેલાં જ એક કબુતરનું બચ્ચું લાવ્યા છે. અહીં મારા માટે આ જ મારી સખી સહેલી તેની સાથે વાત કરવી મને બહું ગમે. અમારા બન્ને વચ્ચે મને એક સમાનતા લાગે; આ પીંજરાંની તેનું પીંજરું નરજે જોઇ શકાતું અને મારું પીંજર એટલે નજર. દીદીની નજર.

          ‘‘અબે ઓય ચમેલી થોડા ટાઇમ મીલા નહીં ઉભી રહી ગઇ ત્યાં પીંજર કે સામને’’

          ‘‘દીદી આજ તો બાજાર બંધ હૈ ના ફીર કાહે શોર કરે હો?’’ દીદી ગુસ્સામાં મને કંઇ કહેવા જતાં હતા ત્યાં જ ડેલો ખખડ્યો. મારી અને દીદીની એક નજર ડેલા પર જઇ સામ-સામે આવીને ઊભી રહી. કોઇ સામાન્ય દિવસ હોત તો દીદી બનાવટી સ્મિત સાથે ડેલો ખોલવા ગયા હોત પરંતુ… કાલે… હા કાલે પોલીસની રેઇડ પડી ડેલામાં અફડાતફડી મચી ગયેલી. પેલી કાજલ અને તેનો ધરાક પુરા કપડા પણ પહેરી શકેલા નહિ અને….

          ‘‘પકડ સાલાને … ઓય… ઓય… ભાગે છે ક્યાં … દે ધોકા બે દે… લાગના જ છે મારા સાસરીનાંવ હરામખોરો…. ’’ આવા પોલીસના ઉદ્ગારો અને બીજી બાજુ

          ‘‘ જાવા દ્યો સાહેબ, જાવા દ્યો… કોઇ દી નઇ આવીએ.’’ એમ બે હાથ જોડી કરગરતતા ઘરાકો.

          ‘‘નાખો બધાને જીપમાં અને લઇ લ્યો પોલીસ સ્ટેશન.’’

          ઘરાંકની સાથે અમને પણ પોલીસ સ્ટેશન લઇ ગયા. હું તો ડરની મારી ધ્રુજતી ખુણાંમાં બેઠી બેઠી આ બધં શું થઇ રહ્યું હતું એ સમજવાનો પ્રયત્ન કરતી હતી. મોડી રાત્રે બધી પૂછપરછ પુરી થતાં અમે દીદી સાથે  ઘરે આવ્યા અમ્માને પોલીસે ન છોડ્યા. અમ્મા મારી નહિ દીદીની અમ્મા. અહીં બધા એને અમ્મા કહે તો હું પણ…તેમના પર કેસ કર્યો હતો હવે અમ્મા થોડાં દિવસ જેલમાં રહેશે એવું દીદીએ કહ્યું. અમ્માને પોલીસ શું કામ જેલમાં રાખશે એ મને સમજાતું નહોતું. મારા આવા સવાલનો જવાબ કોણ આપે? અને મને મીઠું યાદ આવ્યો. આજ બધી વાત હું મીઠું સાથે કરતી હતી ત્યાં ડેલો ખખડ્યો.

          દીદીએ મને બારણું ખોલવા ધકેલી અને કડક સુચના કરી કે, ‘‘ ઘરાંક હોય તો બોલ દેના આજ બાજાર બંધ હૈ!’’

          ફફડતા હૈયે હું ડેલો ખોલવા ગઇ ધીમેથી સાંકળ ઉતારી અડધોક ડેલો ખોલી કોણ આવ્યું એ જોવાનો પ્રયત્ન કરું એ પહેલાં એક લઘર-વઘર માણસ અંદર ઘૂસવા લાગ્યો. તેના કપડા સાવ અસ્ત-વ્યસ્ત હતાં માથું જીથરેહાલ હતું. તેના શરીરમાંથી દેશીદારૂની ખૂબ જ ગંધ આવતી હતી. મેં એને અટકાવ્યો તો એ અડધા ગાંડા જેવા માણસે તેના ખીસ્સામાંથી સો-સોની નોટ બતાવી લોલુપ નજરે મારી સામે જોઇ રહ્યો. હું એને કાંઇ કહું એ પહેલા તો દીદી દોડમ દોડ આવ્યા અને તે ગાંડાને ધક્કો મારતા બોલ્યા…‘‘ ચલા જા …જા  પતા નહિ આજ બાજાર …’’

          દીદીના ધક્કાથી  અને થોડુંક નશાથી સમતુલન ગુમાવી દેનાર એ પુરુષ સો-સોની નોટને મુંઠીમાં ભીસી એક ધારદાર નજર અમારા તરફ કરી ચાલતો થયો. એની એ નજરે મને વધુ ડરાવી દીધી. પછી તો દીદીએ જ ડેલાનું બારણું બંધ કર્યું. અમને બધાને ભેગા કરી ડેલો ન ખોલવાની સૂચના આપી અને આરામ કરવાનું કહ્યું.

‘‘જાઓ આરામ કરી લો… મૌકા અચ્છા હૈ. વરના રંડીઓ કે નસીબ મે આરામ નહિ હોતા.’’

          બધા પોતપોતાની ખોલીમાં આરામ કરવા ગયા અને હું… ક્યાં જાવ… મીઠું પાસે…

          બપોરના બારેક વાગ્યા હશે. જમવાનો સમય થતો હતો અને ત્યા ફરી ડેલો ખખડ્યો આ વખતે દીદી પોતે ડેલાના બારણાં તરફ આગળ વધ્યાં અને મારા કાન અને આંખ પણ …

          દૂરથી ડેલાની સામેની બાજુ એક મજૂર જેવો દેખાતો માણસ દેખાતો હતો. તેના બે હાથ જોડેલા હતાં, આંખમાંથી આંસૂ નિકળ્યા હોય કે, પછી ધૂળ ગઇ હોય જે કારણ  હોય એની આંખમાં દૂઃખની લાલાશ હતી.

          દીદી એને અહીંથી ચાલ્યો જવાનું કહેતા હતાં. પણ એની નજર અંદર કોઇને શોધતી હતી. એ રીતસરનો કરગરી રહ્યો.

          ‘‘મારી …છોડી… આયવી સે આય… તણ વરસની આ.. આ..વડીક આવડીક નાની સે.’’ એણે બે હાથના ઇશારાથી દીકરીના કદને વર્ણવવાનો પ્રયત્ન કર્યો.

          ‘‘ હમણાં આયાં જ સામે હું પાયો ખોદું સું ન્યાં જ રમતી’તી, ક્યાં ગઇ મારી છોડી’’ આટલું કહેતા તો એ મજબૂત માણસ રડી પડ્યો.

          દીદી એને કોઇ આશ્વાસન આપી શકે એમ ન હતાં.

          ‘‘ભગવાન ન કરે તેરી લડકી કભી યહાં આયે ઔર તું ચાલ્યો જા અહી સે યે અચ્છી જગહ નહિ હૈ’’ આટલી વાત તે માણસના કાને પહોચે ન પહોચે એ પહેલા દીદીએ ડેલો ધડામ દઇને બંધ કર્યો. પણ હજૂ એ ડેલાની તીરાડમાંથી પેલા મજૂરની નજર તેની છોકરીને શોધી રહી હતી.

          આ વાતને પૂરા ત્રણ દિવસ થઇ ચૂક્યા હતાં ધંધો પણ પોલીસથી છૂપ્યો છૂપાવ્યો ચાલુ થઇ ગયો હતો. હું મીઠુંને પાણી પીવડાવતી હતી ત્યા જ રેશ્મા દોડમદોટ આવી અને ઘરના ફળીયામાં આવી બૂમાબૂમ શરૂ કરી ઓ ચમેલી, ઓ…શન્નો, દીદી,જૂબી સૂનો સબ… આટલું બોલતા તો તેને હાંફ ચડી ગયો. દોડવાના કારણે એના પેટમાં આટી વળી ગઇ હતી એટલે જમણાં હાથે જમણાં પડખાને પકડી બેડવ વળી હાંફી રહી.

          આખાં ડેલામાં ફરી અફરાતફરી મચી થોડાંક લોકો ઘરમાં છૂપાવા લાગ્યા કોઇ સેટી નીચે તો કોઇ કબાટમાં તો  થોડાંક ભાગવા માટે વંડી ઠેકવાના પ્રયત્ન કરવા લાગ્યા. પુલીસ… પુલીસ…

          રેશ્માનો શ્વાસ હવે થોડો હેઠો બેઠો હતો. એક લાંબો શ્વાસ લઇએ બોલી ‘‘ પુલીસ નહીં આ રહી.’’

          હાશ! બધાના જીવ હેઠા બેઠા. ‘‘તો આટલી હાંફળી ફાંફળી બધાને શું કામ બોલાવે છે?’’ બધાના વતિ મે તેને સવાલ પૂછી લીધો જેમાં ‘‘હઅઅઅ’’ કહી હોંકારો ભરી તમામની નજર નવા પ્રશ્નના જવાબ માટે રેશ્મા તરફ મંડાઇ.

          ક્રોધ અને ડર મીશ્રીત આખો મોટી કરતી રેશ્માબોલી ‘‘વો પુલીસથાને મેં…’’

          ‘‘ક્યાં પુલીસથાને મેં … કઇંક ડર સાથે દીદી બરાડી ઉઠી ઠીક સે બતા ક્યા પુલીસથાને મેં.’’ આટલું પુછતા તો દીદીએ બે હાથે રેશ્માને જકજોરી નાંખી. પછી કઇંક યાદ આવ્યું હોય એમ એમની આંખો પહોળી થઇ.

 ‘‘અમ્મા… અમ્મા તો ઠીક હૈ ના !’’

          રેશમાએ દીદીને સાત્વના આપતા શ્વરે કહયું ‘‘અમ્મા ઠીક હૈ…’’

          તો ….?  મારી જેમ બધાના મનમાં આ જ સવાલ હતો.

          ‘‘વો પુલીસથાને સે થોડે દૂર ખંડેર હૈ વહાં સે એક બચ્ચી કી લાશ મીલી હૈ.’’ આંટલું બોલતા તો રેશ્મા થાકી ગઇ હતી.

          મારી નજર સામે એક મજૂર માણસ તરવરી રહ્યો.

          ‘‘આવડી.. આવડી નાની સે મારી છોડી…’’

          “કોઇએ ઉસકા રેપ કરકે માર ડાલા બચ્ચી કો.” આ શબ્દો સાંભળતા જ અરેરાટી થઇ ગઇ. અમે રંડીઓ છીએ રોજ અમારા શરીર ચૂંથાય છે … પણ એ શરીરમાં ક્યાંક હ્રદય હજૂ જીવતું હતું. એ સ્ત્રી હૃદય આજે ચિત્તકાર કરી ઉઠ્યું . ‘‘ કોણ હશે એ નરાધમ! ’’ ‘‘સાવ નાનકડી છોકરી!’’ ‘‘જરાય વિચાર ન આવ્યો એ…” “સાલા હલકટ હરામી.’’ ‘‘એના મા-બાપ બીંચારાં’’ ‘‘કીડાં પડવા જોઇએ….’’, ‘‘જીન્દાં જલા દેના ચાહીયે સાલે કો’’

          હા,  આ વાક્યો રંડી બજારમાં બોલાઇ રહ્યા હતા. જ્યાં રોજ સ્ત્રીના શરીરની એક ચીજની જેમ બોલી લાગે છે. એટલે જ આ રંડીઓથી વધારે એ બાળકીની પીડા કોણ સમજી શકે ?

          ત્યાં જ કબૂતરનો અવાજ સંભળાયો રેશ્માની બૂમાબૂમને કારણે હું મીઠુંનું પાંજરું બંધ કરવાનું જ ભૂલી ગઇ હતી. હું દોડકમદોડ મીઠું તરફ ગઇ ત્યાં જઇને જોયું તો પાંજરાંમાં મીંઠુંનાં પીંછા માત્ર હતાં ‘‘મીઠું ક્યાં?’’ ડર સાથે મીંઠુંને શોધવા મારી નરજ આમ તેમ ફરતી વંડીએ પહોંચી. ‘‘ઓહહહ…’’ એક બીલાડાએ મીઠુંને તેના દાંતમાં ભીસી દીધું હતું ‘‘છોડ હરામી… નરાધમ છોડી દે એને ’’ એમ કહી તેના પર મીઠુંને પાણી પીવાની વાંટકી છૂ…ટીમારી બીલાડો એને છોડવાને બદલે દાંતમાં વધૂ ભીંસી મારી સમક્ષ ધારદાર નજર કરી ઘૂરક્યો.  એજ નજર હાઆઆ…એ જ…. બીલાડો મીંઠુને લઇને ચાલ્યો ગયો અને… અને હું લાચાર કઇં જ ન કી શકી ત્યાં જ સ્તબ્ધ બનીને ખોડાઇ રહીં. મને હજૂ પણ કળ ન વળત પણ ત્યાં ફરી ડેલો ખખડ્યો ડેલામાંથી એક અવાજ પ્રવેશ્યો ‘‘આજ બાજાર બંધ હૈ ક્યા?’’    

          દીદીએ બનાવટી સ્મીત સાથે ઘરાકને આવકારતા બૂમ પાડી ‘‘ઓ ચમેલી… ’’ હું મીંઠુંના દુઃખને ખંખેરી ખોલી તરફ આગળ વધી મારી પાછળ એક બીલાડો લોહી વાળા મોઢેં હજૂ મારા તરફ ધૂરકી રહ્યો હતો.