૧ બાલમંદિરનો બાકડો – શ્યામ શાખરા

” બાલ મંદીર નો બાંકડો , છાતીએ રૂમાલ

ગાલ કાળા અશ્રુથી , કાજલ નો કમાલ

સાઇકલ પૈડાં ચારની , ખડ ખડ ખડ અવાજ

પાણી જૂલે ડોકમાં , દફતરમાં અનાજ “

” લાંબી સોટી રાખે , માસ્તર કરે રુઆબ

ના વાંચેલા પ્રશ્ર્નોનો, એ માંગે જવાબ

ત્યાંતો ડંકો ગાજે લાંબો , જમવાનો વિરામ

કેરી આંબલી જામફળ , ફિકા કાજૂને બદામ “

” તહેવારોની લ્હાણી , હોય અનેરો ઉમંગ

ફોડયું લવીંગિયું , જાણે જીતી હોય જંગ

હોય ભલેને એક , એક ટિમ સમાન

ધોક્કો બને બેટ , ફળિયું હોય મેદાન “

” દસમુ ‘ને બારમું આવ્યું , અપેક્ષાઓ લાવ્યું

કોઈ સફળ કોઈ નિષ્ફળ , બધાને નો ફાવ્યું

રાખો નજર લક્ષ્ય પર, જુઓ માછલીની આંખ

મેં ધીરેથી પાછળ જોયું , ન રહી એક પાંખ “

” માયા મિલકત મોજના , એવાં આવે તુફાન

એ બાળપણના ખેતર , બને સુન્ન વેરાન

પાઠ ભણ્યા ધગશના ,’ને પુછાણા ત્યાગ

દૂર હતું એ માપી લીધું , નજીકનો ન જડ્યો તાગ”

” મન ઝંખે એ મિત્રોને , એ નિ:સ્વાર્થ સંબંધોને

જીવન કુરુક્ષેત્રમાં , આજે લડતા શૂરવીરોને

વ્યોમ એની યાદી આપે , શબ્દોને વરસાવી

સફળ થાય કવિતા , બને કોઈ તાળાની ચાવી “

-શ્યામ શાખરા