– ડૉ. વીરેન પંડ્યા
સંગીત, ચિત્ર કે સાહિત્યની જેમ ફોટોગ્રાફી પણ લલિતકળાનો એક હિસ્સો છે. પહેલાનાં સમયમાં બધાં પાસે કેમેરા નહોતા, પણ હવે તો દરેકનાં મોબાઈલમાં ઉપલબ્ધ એવાં કેમેરામાંથી એક ફોટો ક્લિક કરવો એમાં તે વળી શી કળા ? એવો પ્રશ્ન કોઈને થાય અને એ પ્રશ્નનો સર્જનાત્મક જવાબ જો કોઈને જોઈતો હોય તો એ જવાબ છે : વિવેક દેસાઈ કૃત ‘બનારસ ડાયરી’. જીવન અને જગતને જોવાની એક આગવી દૃષ્ટિ આપતું, બનારસનો છબી અને શબ્દ બંને દ્વારા વિશિષ્ટ અનુભવ કરાવનારું આ કલાત્મક આલેખન -ફોટોગ્રાફી કેવી વિશિષ્ટ કળા છે, તેનો પરિચય સુપેરે કરાવી આપશે.
જાન્યુઆરી ૨૦૦૨માં પ્રથમ વખત સર્જક બનારસ જાય છે અને જાન્યુઆરી ૨૦૨૧માં આ પુસ્તક પ્રગટ થાય છે. વચ્ચેનાં ૨૦ વર્ષ દરમિયાન સર્જકની બનારસની મુલાકાતો દરમિયાન એમણે જોયેલા બનારસના સ્થળો, ગંગા નદી, બનારસના વિશિષ્ટ વ્યક્તિઓ અને બનારસમાં મળેલાં ફેરિયાઓ, સાધુઓ, ફોટોગ્રાફરો, રિક્ષાવાળાઓ, હોડીવાળાઓ એમ અનેક લોકોની તેમજ અનેક સ્થિતિઓની માત્ર કેમેરાથી ન ઝીલી શકાય, એવી હૃદયથી ઝીલેલી છબીઓથી આ સંગ્રહ સમૃદ્ધ છે. સર્જકના સંવેદનશીલ હૃદયથી થયેલું બનારસનું આકંઠ પાન આ સંગ્રહ દ્વારા દરેક ભાવકને બનારસ-મય બનાવી મૂકે છે.
બનારસમાં સૌ પ્રથમ સર્જકને પેડલરિક્ષાવાળો શંકર મળે છે, ને પછી દીવા વેચનારો ભોલુ. શિવની નગરી બનારસમાં જાણે શિવ સ્વયં જુદાં-જુદાં રૂપે સર્જકનું માર્ગદર્શન કરી રહ્યા હોય એવો આધ્યાત્મિક અનુભવ થવા લાગે છે. મણિકર્ણિકાઘાટ પર સર્જકનો ધુમ્મસમય વાતાવરણમાં પ્રવેશ હૃદયને ભારે કરી દે છે. પણ પછી મરણ માટે પ્રસિદ્ધ કાશીના આ ઘાટ પર મૃત્યુ કેટલું સહજ છે ? તેનાં અનેક ચિત્રો સર્જક એક પછી એક આપણી સામે મૂકે છે. આ રીતે મૃત્યુ અને તેની સાથે જોડાયેલી ક્રિયાઓનાં વર્ણનથી સર્જક વાત શરુ કરે છે. જાણે સર્જક કહેવા માંગતા હોય કે, આ બનારસ છે, ત્યાં મૃત્યુ એ અંત નથી, પણ શરૂઆત છે !
ત્યાર પછી બનારસના સંગીત ઘરાનાની સફરે સર્જક લઈ જાય છે. ભારતરત્ન બિસ્મિલ્લાહખાંસાહેબને કેવી મહામહેનતે મળી શકાય છે અને કેટલી ગાળો ખાવી પડે છે, એ વર્ણન સર્જકની ધીરજનો પરિચય કરાવે છે. કિશન મહારાજના ફોટો પાડવા ગયેલા સર્જક પણ એ જ રીતે અપમાનિત થઈને રડમસ ચહેરે પાછા ફરેલા ને ફરી માંડ હિંમત કરીને કિશન મહારાજના ફોટો લઈ શકાયા અને તે કિશન મહારાજના અંતિમ ફોટો બની રહ્યા, એ પ્રસંગ પણ હૃદયસ્પર્શી છે. ગિરિજાદેવી સાથેનો સર્જકનો મેળાપ આટલો વિકટ નથી બનતો, માતાને મળ્યાં હોય એવી હૂંફ અને લાગણીથી ભીંજાઈને સર્જક ગિરિજાદેવીનાં ફોટો લઈને પરત ફરે છે. સંગીત ઘરાનાની આ સૂરીલી સફર પછી, સર્જક લઈ જાય છે દિગંબર સાધુઓની જમાત વચ્ચે. બનારસમાં શિવરાત્રી નિમિત્તે આવેલા સાધુઓ વચ્ચે રહીને તેમની દિનચર્યા કેમેરામાં કેદ કરવા સર્જક મુખ્ય સાધુ પ્રાણગિરિસ્વામીને મળે છે. ફોટો પાડવા માટે ચરસ-ગાંઝો પીવાની પ્રાણગિરિસ્વામી શરત મૂકે છે, સર્જક એ સ્વીકારે છે. ને પછી સર્જક પાસે એક ભારે નિર્ણયની ક્ષણ આવીને ઊભી રહે છે. સર્જકના જ શબ્દોમાં જોઈએ :
““દેખો બચ્ચા હમારે સાથ રહના હૈ તો કપડે ભી ઉતારને પડેંગે” એ હસ્યા.
એ પછીની પાંચ મિનિટમાં જે બન્યું એમાંથી આ તસવીરો નીકળી છે. એમને કે મને બેમાંથી કોઈનેય મારા તરફથી આવા જવાબની કે આચરણની અપેક્ષા ન હતી. મેં કહ્યું, “આપ બોલો તો અભી ઉતાર દૂં. બસ, મુઝે મેરી સાધના કરને કી વ્યવસ્થા મિલની ચાહિયે.” ચાંદીની કોતરણીવાળી ચલમમાં ચરસની ગોટી ને તમાકુ ભરતાં ભરતાં એ રીતસર અટકી ગયા. મારી સામે એકીટશે તાકી રહ્યા. હું અવાક હતો. અચાનક જ મારી એકદમ નજીક આવ્યા. ખભે હાથ મૂક્યો ને કહ્યું, “ઠીક હૈ. ઉતાર દો સબ કપડે. ઔર ગંગાજી મેં સ્નાન કરકે આઓ.”
મેં ક્ષણનોય વિલંબ કર્યો નહીં. આજુબાજુથી પસાર થતા સાધુઓ પ્રાણગિરિસ્વામીને વંદન કરીને આગળ વધતા હતા. પ્રવાસીઓની અવરજવર ખાસ ન હતી. બપોરના બારેક વાગ્યા હશે. તમામ કપડાં કાઢીને મેં પ્રાણગિરિસ્વામીની સમક્ષ મૂક્યાં. પગે લાગ્યો.”(પૃ. ૬૧)
પોતાની ફોટોગ્રાફીને સાધના કહેનાર સર્જક નિર્વસ્ત્ર થઈને પોતે ખરા સાધક છે તેની પ્રતીતિ કરાવી આપે છે અને પછીથી આઠ દિવસ સુધી નિર્વસ્ત્ર રહીને સાધુઓની દિનચર્યાના ફોટોગ્રાફ્સ સર્જક ઝીલે છે. આ બધાં સાધુઓમાં અઘોરી સાધુ જટાયુ સાથે સર્જકને થયેલો અનુભવ અલૌકિક અને બિહામણો છે. ગંગાજીમાંથી શબ બોલાવીને તેનું લોહી પીતો આ અઘોરી ક્યાંય સુધી ચિત્તને વિચલિત કરી મૂકે એવો ભયંકર ઝીલાયો છે. આ સાધુઓના ફોટોગ્રાફ્સ લેવામાં સર્જકને મદદરૂપ થયેલી ઇઝરાયલની ફોટોગ્રાફર YEAL, અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભણાવતી ANNA મહામાયા અને સ્પેનની વાનેસા –આ ત્રણેય વિદેશી મહિલાઓનો સંવેદનશીલ સ્વભાવ અને તેનામાં રહેલી માનવતા પણ સર્જકે આબાદ ઝીલી છે.
સંગ્રહના ઉત્તરાર્ધમાં બીનિયાબાગ અખાડાના રામુકાકા, હોડીવાળા ગોલુચાચા, ‘શ્રી કાફે’ના માલિક સંતોષકુમાર, હનુમાન તરીકે જાણીતો અનવર, લાશોનો ફોટોગ્રાફર કિશન અને શીંગ વેચનારો ઈશ્વર જેવાં સામાન્ય છતાં વિલક્ષણ વ્યક્તિઓનાં શબ્દચિત્રો સર્જકે આલેખ્યાં છે. નોટબંધીની જાહેરાત થતાં વિદેશી પ્રવાસીઓને મફતમાં જમાડતો સંતોષકુમાર કે કોમી એકતાના પાઠ શીખવતો અનવર ભૂલ્યા ભૂલાય એવાં નથી.
પુસ્તકનાં આરંભથી જાણે બનારસમાં જ હોઈએ એવું વાતાવરણ આપણી આજુબાજુ રચાતું જાય છે. સાધુઓ સાથેના પ્રસંગમાં સર્જક અનુભૂતિની ચરમસીમાનો અનુભવ કરાવે છે. તો ઉત્તરાર્ધમાં સર્જકનું ભાષા પરનું પ્રભુત્વ અને ભાવવાહી ગદ્ય ધ્યાન ખેંચે છે. વાનેસામાં ગંગાજીને જોતા સર્જક ભાવકની દૃષ્ટિને પણ આધ્યાત્મિક બનાવી દે છે. મણિકર્ણિકાઘાટ પર બળતી ચિતાનાં પ્રથમ દર્શનના દૃશ્યથી પુસ્તકનો આરંભ થાય છે અને અંતિમ પ્રકરણમાં શીંગ વેચતા ઈશ્વરના અગ્નિસંસ્કાર સર્જક પોતે કરે છે. આમ મૃત્યુથી શરુ થયેલી વાત મૃત્યુ પર આવીને અટકે છે અને એ રીતે એક ભાવવર્તુળ પૂરું થાય છે. પણ આ આરંભ અને અંતના મૃત્યુની વચ્ચે પડેલું જીવન કેટલું સંવેદનાથી ભર્યું-ભર્યું છે, એનો સ્પર્શ આ છબીઓમાંથી પસાર થનારને જરૂર અનુભવાશે. અને આ પુસ્તકને ‘નિર્મળ દૃષ્ટિનું હાર્દિક સૌંદર્ય’ કહીને આવકારતા દીપક દોશીના આ ઉદગારો સાથે કોઈપણ સહૃદય ભાવકને સહમત થયા વિના નહિ ચાલે :
“જેમણે બનારસ નથી જોયું એમને માટે આ પુસ્તક તીર્થ બની રહેશે, જેમણે બનારસ જોયું છે એમને માટે આ પુસ્તક બનારસને અનુભવવાનું એક ભાથું બની રહેશે.”
બનારસથી તરબતર ભીંજવતી આ ડાયરીમાં હજી બનારસી પાનનો સ્વાદ અને બનારસ હિંદુ યુનિવર્સિટીની મુલાકાત ન થઈ શકી, તેની અધૂરપ અનુભવાય છે. પણ વિવેક દેસાઈ હજુ વર્ષો સુધી બનારસ જવાના છે અને બનારસની ગંગામાં મારેલી એમની દરેક ડૂબકી નમૂનેદાર મોતી ગુજરાતી ભાષાનાં ચરણે ધરવામાં નિમિત્ત બનવાની છે. એ પરંપરાના પ્રથમ સોપાન તરીકે ‘બનારસ ડાયરી’ દુનિયાને વિશિષ્ટ નજરથી જોતા શીખવનાર સર્જકની હૃદયથી ઝીલેલી છબીઓ તરીકે ભાવક હૃદયમાં અકબંધ રહેશે.
બનારસ ડાયરી –વિવેક દેસાઈ; પ્રકાશક : નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ; પુનઃમુદ્રણ : ૨૦૨૧
ડૉ. વિરેનકુમાર ય. પંડ્યા, મદદનીશ પ્રાધ્યાપક : ગુજરાતી, ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગઢડા(સ્વા.), જિ. બોટાદ – ૩૬૪ ૭૫૦.
પ્રયાસ An Extension… (A Peer Review Literary E- Journal) Volume 3, Issue 6, November-December: 2022