મોના લીયા
મોટીબેનનો ફોન આવ્યો હતો. “તારાં બનેવીની સ્મૃતિમાં સનાત્ર પૂજા રાખી છે. નજીકનાં સગાંને બોલાવ્યાં છે. તો તમે ત્રણેય જણાં આવી જજો.” વાત પૂરી થઈને એમને અજંપો ઘેરી વળ્યો. સમય જાણે ગોકળગાય બની ગયો. બળજબરી પૂર્વક કશેક ધકેલાવાની લાગણી મનને કોરતી હતી. એકવાર પ્રસંગ પતાવી ઘરે પાછાં આવશે પછી હાશકારો થશે.
“પપ્પા કાલે ઓફિસ જતાં તમને મૂકતો જઈશ.” રાત્રે જમતી વખતે જીત બોલ્યો.
“હા, એ તો ઠીક આ સનાત્ર પૂજામાં આપણા તરફથી કઈ લઈ જવાનું…” એમણે પ્રશ્ન કર્યો.
“મેં માસી બાને પૂછેલું એમણે કહ્યું, આપણે કઈ ના હોય.” સોનાં એ ખુલાસો કર્યો.
બીજાં દિવસે સવારે નાહી-ધોઈ તૈયાર થઈને બાલ્કનીમાં તડકો ખાતાં હતાં. ટેબલ પર મૂકેલી ગરમ ચા ઠંડી પડતી હતી. આખરે આમ ક્યાં સુધી..! એમનાં મનમાં પ્રશ્ન ઊઠ્યો. ચામાં મલાઈની પરત બાજવાથી પ્રવાહી પરનું સ્તર થોડું ઘટ્ટ દેખાતું હતું. આ પ્રકારનાં કેટલાંય રૂપાંતર વર્ગમાં સમજાવ્યા હતાં. પદાર્થ સતત બદલાય છે ઘન, પ્રવાહી અને વાયુ એક પણ સ્વરૂપ સ્થાયી નથી. એ બોલતાં હોય ત્યારે આદાન-પ્રદાન વિશેષ થાય. એમનો ખાસ આગ્રહ રહેતો, પ્રશ્નો પૂછો, ચર્ચા કરો, શંકા થાય તો બોલો. એમ કરવાથી વિષય વધુ ખૂલશે.
આ સતત બદલાવું, સ્થાયી ન હોવું એ જીવનમાં પણ આમ જોડાયું હશે !
ખબર ન હતી. કદાચ પોતાને કંઈ ખબર ન હતી !
“આ વિચારો પછી કરજો પેલાં જટ ચા પીઓ. પાછાં કહેશો ઉમા ચા તો ઠંડી થઈ ગઈ.” એમણે આસપાસ નજર કરી. એ આમ બેસી રહેતાં ત્યારે ઉમાનો આ ટહુકો કાને પડતો.
“તે તમે બધી જ્ગ્યાએ આવવાની ના ના કરો છો. કાલ સવારે આપણા ઘરના પ્રસંગમાં કોણ હાજરી આપશે?” ઉમા આ પ્રશ્ન અચૂક ઉઠવાતી.
એમની પાસે કોઈ જવાબ ન હોય મોટાભાગે મૌન રહેતાં. ઉમાની સામે એમની બોલતી બંધ થઈ જતી. શી ખબર એની વાતો સાચી હતી? પરંતુ પોતે પણ ક્યાં ખોટાં હતાં! એમને પોતાનાં ગમા-અણગમા પ્રમાણે જીવવાની આદત હતી. ઉમાને ગયે છ મહિના થઈ ગયાં. સમયનાં આ ટૂકડામાં એક નાનકડો બદલાવ આવ્યો.
થોડું અટકી એ ધીમે ધીમે વાતો ખોલતી જાય. “બિચારા વિનોદભાઈ, આખી ગ્રેજ્યુટી પેલાં દિકરીને મેડિકલનું ભણવવામાં ને બાકી રહી એ લગનમાં ખર્ચી નાખી. તોય લોકોને વાતો માટે કૈંક મળી રહે.”
“તને તો ખબર છે, હું એટલે જ નથી આવતો.” બોલતાં એમનાં ચહેરા પર સ્મિત રમતું.
“હા.. તમતમારે મોજમાં રહો હું બેઠી છું ને..!” બોલતાં થોડું અટકે પછી કૈંક યાદ આવ્યું હોય એમ જોડે, “આજે તો મને બહુ કામ છે. સાંજે મોટાંભાઈ-ભાભી સાથે મામેરાંની વસ્તુઓ લેવા જવાનું છે.” એ ઊભી થઈને ઉતાવળે કામમાં પરોવાઈ જાય.
ચાના ખાલી થયેલાં કપને મૂકતાં પૌંઆ-બટેટાંથી ભરેલી ડિશ પર નજર ગઈ. ખબર નહીં કેમ થોડાં સમયથી યાદ નથી રહેતું. ના, આમ તો આ વર્ષો જૂની ટેવ. પહેલાં પણ આવું થતું. એ સ્કૂલથી વહેલાં-મોડાં આવે ઉમા એ બધી રસોઈ ડાઈનિંગ ટેબલ પર મૂકી હોય તો પણ એમાંથી એકાદ રહી જાય. કચુંબર, પાપડ તો ઠીક સમજયા. કયારેક કોઈ ધૂનમાં હોય તો દાળ-ભાત એમ જ પડી રહેતાં.
“પપ્પા.. રેડી?” જીતે સૂઝની દોરી બાંધતા અવાજ આપ્યો. એ ઊભાં થઈ દરવાજાની દિશામાં તરફ ચાલવા લાગ્યાં.
ગાડીનાં કાચમાંથી બહાર નજર કરી. કોલેજિયનું ટોળું હાથમાં બેનર લઈ રસ્તાં પર નીકળ્યું હતું. લાઈન બંધ વાહનો સિગ્નલ ખૂલવાની રાહમાં ઊભાં હતાં. એક વૃદ્ધ માણસ શાકભાજીથી ભરેલી હાથલારી સાથે પસાર થતો હતો. કેટલાંક લોકોની ભીડ બસની રાહ જોતી હતી. દુકાનો, ઓફિસ, શોપિંગ કોમ્પ્લેક્ષ, બિલ્ડીંગો તો બધે પથરાયેલાં હતાં. પુલ પર પસાર થતી ગાડીની બંને તરફ નદીનું પાણી હતું. એકાદ-બે સ્ત્રીઓ પૂજાપો પધરાવી રહી હતી. થોડાં કાગડાં પુલની પાળી પર પડેલાં ગાઠિયાં ખાઈ રહ્યાં હતાં.
દહેરાસરની બહાર ગાડી ઊભી. એ થોડી સેકન્ડ સીટ પર એમ જ બેસી રહ્યાં.
જીતે એમની સામે જોયું. “ઘરે જવા રિક્ષા અહીંથી મળી જશે. પહોંચો એટલે એક મેસેજ ડ્રોપ કરી દેજો.”
એ હજુ એમજ બેઠાં હતાં.
“ચાલો પપ્પા, હું નીકળું..” બોલતાં જીત પપ્પાનાં ઊતરવાની રાહ જોઈ રહ્યો.
એમને થયું, જીત પોતાનો બાપ છે! પોતે બળજબરી ટયૂશન મોકલતાં એનો બદલો લઈ રહ્યો છે. એ ઊતર્યા એટલે જીતે ગાડી દોડાવી.
દહેરાસરનાં પ્રાંગણમાં પરિચિત ચહેરા જોઈ એમનાં પગ થોડાં ધીમા પડી ગયાં. લાઈન બંધ ખુરશી પર સ્ત્રીવર્ગ બેઠેલો હતો. નાનાં ટાબરિયાં આમ તેમ ભમી રહ્યાં હતાં. સામેની સાઈડ પુરુષો માટે રખાયેલી હારબંધ ખાલી ખુરશીમાંથી એક પર બેઠાં. ભાભીઓ, બહેનો અને વહુઓ સામે સ્મિતની આપ-લે થઈ.
સામે ઊંચા આસન પર ચાંદીનાં નાનકડાં મંદિરની સ્થાપના કરેલી હતી. પાછળ લાલ રંગનાં કપડાં પર સોનેરી દોરીથી અષ્ટમંગલ પ્રતીક બનેલાં હતાં. એક મોટી પાટ પર વિવિધ ફળ અને મીઠાઈની ડિશ ગોઠવેલી હતી. એની ફરતે ચોખાનાં દાણામાંથી સ્વસ્તિક, ચંદ્ર અને બીજાં કેટલાંક શુભ પ્રતીક ચીતરેલાં હતાં. ધૂપ-દીપ અને ફૂલોની સજાવટથી વાતાવરણ શોભતું હતું.
મોટીબેનનાં બંને દિકરાં તીર્થંકર મૂર્તિની ચંદનથી પૂજા કરી રહ્યાં હતાં. વહુઓ હાથમાં ચર્વણો લઈ નૃત્ય કરતી હતી. પરિવારની ઉપસ્થિત સ્ત્રીઓ સ્તવન ગાઈ રહી હતી.
“એ ત્રિશલાના જાયા માંગુ તમારી માયા..
સાચો રાહ સૂજાડો સ્વામી, હે પ્રભુ મહાવીર સ્વામી.”
રાગમાં રેલાતાં શબ્દો સાથે મંજીરાં, ખંજરી અને ઢોલનો નાદ વાતાવરણમાં ભળી રહ્યો હતો.
થોડી ક્ષણો આસપાસની પરિસ્થિતી જોવામાં પસાર થઈ. એમણે કાંડા ઘડિયાળમાં જોયું, હજુ તો અગિયાર થયાં હતાં. મન કહેતું હતું, એક-દોઢ વાગ્યા સુધી તો પોતે અહીં આમ કેટલુંક બેસશે..? એવી કોઈ વ્યક્તિ પણ દેખાતી ન હતી જેની સાથે ઊભાં રહી બે વાતો થઈ શકે. સાળા અને સાઢુભાઈ નોકરી ધંધામાં હોય એટલે કદાચ મોડેથી આવે, ન પણ આવે. બધાંની પત્ની કે વહુ-દિકરી તો હાજર હતી. ઉમા કહેતી ને ઘરનું એક માથું હોવું જોઈએ. પણ ઉમા હોત તો પોતેય..
એ ખુરશી પરથી ઊભાં થઈ મોટીબેન પાસે ગયાં.
‘જય જિનેન્દ્ર’ કહેતાં રજા માંગી.
“તું એકલો કેમ આવ્યો? જીત-સોનાં નથી દેખાતાં..?” મોટીબેને પ્રશ્ન કર્યો.
“બંનેની ઓફિસ.” એમણે ટૂંકમાં પતાવ્યું.
“કહ્યું છે ને જમવા સુધી આવી રહે.” મોટીબેન આગ્રહ કરતાં હતાં.
એ નિ:શ્બ્દ રહ્યાં. “હું રજા લઉં.” એમનાં હોઠ સ્વગત ફફડયા.
સ્તવન સાથે વાજિંત્રનો ધ્વનિ સંવાદમાં હાજરી પૂરાવતો હતો.
“શું કહ્યું ?” મોટીબેને કાન પાસે હાથ મૂકી સાંભળવાનો પ્રયાસ કર્યો.
“હું આવું થોડીવારમાં..” એ શબ્દો શોધતાં બોલ્યાં.
“હા.. તું તારે નિરાંતે આસપાસ આંટો મારી આવ.” બોલતાં મોટીબેન સ્તવન ગાવામાં પરોવાયા.
એ પ્રાંગણ વટાવી બહાર આવ્યા. રસ્તા પર પસાર થતી એક રિક્ષાને હાથ આપ્યો.
“ક્યાં જવું છે સાયબ?” રિક્ષાવાળા એ પૂછ્યું.
ઘરનું સરનામું સમજાવી એ રિક્ષામાં બેઠાં. થોડાં દિવસ પહેલાં રાતનાં એ આવી જ રીતે રિક્ષામાં ઘરે આવતાં રહ્યાં હતાં. મોટાભાઈનાં દિકરી-જમાઈની એનિવર્સરીનાં બધાં એમની અગાસી પર ભેગાં થવાનાં હતાં. ભત્રીજી કિરણનો ફોન આવેલો, “કાકા, આ વખતે તમારું કોઈ બહાનું નહીં ચાલે. આવવાનું જ છે.” જમાઈ એ પણ ખાસ્સો આગ્રહ કર્યો હતો. જીત-સોનાં બંનેનો એક જ મત હતો, “પપ્પા, આટ-આટલું કહ્યું છતાં તમે નહીં આવો તો કેવું લાગશે!” ઉમા હતી તો સમજતી ને જરૂર પડે બધું સંભાળી લેતી.
એનિવર્સરીમાં કેક કટિંગ, જમવાનું.. યંગસ્ટર્સે કપલ ડાન્સનો પ્રોગ્રામ બનાવ્યો. વડીલો પણ સાથે જોડાયાં. ઉમા વગર એમને સંકોચ થતો હતો. એ ખુરશી પકડી બેઠાં રહ્યાં. બધાં એકપછી એક હાથ પકડીને ખેંચી રહ્યાં હતાં.
बेखयाली में भी तेरा ही ख्याल आये
क्यूँ बिछड़ना है ज़रूरी ये सवाल आये
હાઈ વોલ્યમ સ્પીકરમાં વાગતાં ગીત અને એલઈડી લાઇટ્સની ચમક-ભમકથી એ કોઈ અજાણ્યાં પ્રદેશમાં ખોવાઈ રહ્યાં હતાં. જ્યાં બધાં રસ્તાં હિંચકાની જેમ ડોલતાં હતાં. એ સ્થિર ઊભવાં આધાર શોધી રહ્યાં. કોઈ દુકાનનાં પગથિયાંની ગ્રીલને હથેળીમાં ઝકડી ઊભા રહી ગયાં. જાહેરાતનાં બોર્ડની લિપિ અપરિચિત લાગતી હતી. આસપાસનાં લોકોની ભાષા એમને સમજાતી નથી.
“કાકા.. કાકા..” ફોટો પડાવવા કિરણ બોલાવતી હતી. એ બધાં સાથે ઊભાં રહ્યાં. મોઢું વાકું કરી ચિત્ર-વિચિત્ર ફેસ બનાવતાં લોકો કોઈ પર ગ્રહવાસી હતાં કે શું…?
“મારો ઊંઘવાનો સમય થાય છે.” કહી એ ત્યાંથી ભાગી છૂટ્યા હતાં.
એમને થયું જાણે કોઈ અદૃશ્ય રસી એમને બાંધતી હતી. પોતે એ માંથી છુટવા મથતા હતાં એમ પકડ વધુને વધુ તીવ્ર થતી હતી.
“આ રામનગર સોસાયટી. અહીં રાખું કે આગળ ઊતરવાનું છે?” રિક્ષાવાળો બોલ્યો.
એ દરવાજાનો લોક ખોલી ઘરમાં આવ્યાં. જમણી તરફ ઉમાનો હસતો ચહેરો દેખાયો. એણે હવે સુખડની માળા પહેરી લીધી હતી. એ સામેની આરામ ખુરશી પર બેઠાં.
“આટલાં જલ્દી આવી ગયાં? ક્યારેક મારી સાથે આમ આવ્યાં હોત તો.. હુંય કેટલી હરખાત. તમને થોડી ટેવ પડી જાત.” ઉમાની તસવીર સામે જોયું. એનાં ચહેરામાંથી ગુલાબી સ્મિત વેરાતું હતું.
ગેટ ખુલવાનો અવાજ આવ્યો. બહાર ચોકડીમાં શાંતિ વાસણો ઉટકવા લાગી. એમને યાદ આવ્યું હજુ પોતાનું જમવાનું બાકી હતું. રસોડામાં જઈ પ્લેટફોર્મ જોયું તો બધું સાફ સૂતરું હતું. અરે હા.. આજે તો પૂજા પછી ત્યાં જ જમવાનું હતું એટલે સોનાં એ મૂક્યું નથી.
મફતલાલ ટિફિનવાળાને ફોન કર્યો. સામેથી જવાબ આવ્યો, “છોકરો હમણાં જ તમારી સાઈડનાં ટિફિન લઈને નીકળી ગયો.”
છાપામાં ઘણાં સમયથી પાર્સલ સર્વિસના ફરફરિયાં આવતા હતાં. ટેબલ પર આમતેમ જોયું. ‘ફૂડીઝ’નું પેમ્પ્લેટ હાથ આવ્યું. એપ ડાઉનલોડ કર્યો. હોટલના લાંબા લિસ્ટમાં ‘આનંદો’નો મેનૂ ખોલ્યો. ત્યાંનું સાઉથ ઇન્ડિયન એમને વર્ષોથી પ્રિય. ઈડલી સંભાર અને મેંદુવડા ઓર્ડર કર્યા. વીસ મિનિટમાં તો આવી જશે.
“તમે હવે તો બધે જતાં થયાં ને.. જનમ-મરણ, લગન, વાસ્તુ, બર્થડે..” ઉમાનો અવાજ એમનાં કાને પડ્યો.
એમણે ફોટા સામે જોયું. એ હતી ત્યારે તો પોતે ઘણખરું ચૂપ રહ્યાં હતાં. પણ આજ તો જવાબ આપવો જ રહ્યો.
“તને તો ખબર છે આમેય હું ઓછો મળતાવડો. કામ સિવાય કયારે કોઈથી વાત ન કરી. સમજણ આવી એમ જોયું. હાજર ન હોય એની કુથલી.. હોય એની વાહવાહી.. કદાચ આ રીતભાત મને સડી જ નહીં. હવે તો ઘડેઘડપણે વાતોય શું કરવી..? બધે હોકર ભણું. હું ન જાઉં તો છોકરાં ને રજા પાડવી પડે. બંનેની કારકિર્દીનાં દિવસો ને છાશવારે પ્રસંગો.. તું મને સમજતી, હું એમને..”
ડોરબેલ વાગી. જમવાનું આવી ગયું હતું. કડકીને ભૂખ તો લાગી જ હતી. એ જમવા બેસતાં હતાં ને રિંગ વાગી.
“પપ્પા, ફોઈ સાથે વાત કરવી છે.” જીતનો ફોન હતો.
“પણ હું તો ઘરે આવી ગયો.”
“આટલાં જલ્દી, તમે જમ્યા ?”
“મારું ફેવરેઇટ આનંદોનું સાઉથ ઇન્ડિયન સામે પડ્યું છે. જો આ બેઠો.” કહેતાં એ ખુરશી પર ગોઠવાયાં.
“પપ્પા, તમે હજુ એવાં રહ્યાં ને..” જીતની વાત સાંભળી એ ખડખડાટ હસી પડ્યાં.