મનીષ એમ. શિયાળ
સુવર્ણમૃગ કાવ્યનાં સર્જક રાજેશ પંડ્યા પર્વતમાન સમયમાં આધુનિકોની બીજી પેઢીનાં પ્રવૃત્તિ કવિ છે. કવિ રાજેશ પંડ્યા પાસેથી આપણને ‘પૃથ્વીને આ છેડે અને સુવર્ણમૃગ’ જેવા દીર્ઘ કથાકાવ્યસંગ્રહો મળે છે. તેમની રચનારીતિ મુખ્યત્વે અછાંદસ, ક્યારેક ગીત—લોકગીતલય અને ભજન—પદની સીમાએ પહોંચે છે. કવિતા ક્ષેત્રે ‘પૃથ્વીને આ છેડે’ કાવ્યસંગ્રહ આપ્યા પછી આ કવિએ એમની કલમને પુરાકથન સાથે કાવ્યનું અનુસંધાન સાધ્યું છે, એટલે અહીં આલેખમાં કવિ રાજેશ પંડ્યાની દીર્ઘ કવિતા ‘સુવર્ણમૃગ’ને પુરાકથન પ્રયુક્તિમાં ‘સીતા અને મૃગલીની કરુણ કથામાં સ્ત્રી જીવનદર્શન’ સમજાવાનો ઉપક્રમ છે.
આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં અનેક સ્વરૂપોમાં પુરાકથન—પુરાકલ્પનો વિનિયોગ થતો જોવા મળે છે. આપણે અહીં સુવમૃગ કાવ્ય સંદર્એ જોશું તો કવિ પુરાકલ્પનો સુદૃઢતા પૂર્વક ઉપયોગ કરતા જણાય છે, આખું આ દીર્ઘ કાવ્ય ગીત—પદ અને ભજનનાં લયમાં આગળ વધે છે અને એમાં રહેલી ચેતના આપણને રામાયણનાં રામ–સિતા અને મૃગલી ના કથાનક સાથે જોડી આપે છે. એટલે સુવર્ણમૃગ એક સીતા અને મૃગલી કરુણ ગાથાનું પુરાકથન કાવ્ય છે જે આજની નારીની મનોવૃત્તિ, ભાવનાઓને અભિવ્યક્તિ કરે છે;
સૂરજ ઉગે તે પ્હેલાં ચણ ચણવાને પંખી
નીસર્યા છે માળામાંથી બ્હાર રે
પંખીની પાછળ રામ અને સીતા વન જવા
નીસર્યા છોડીને રાજદ્વાર રે
દેખીતી રીતે કાવ્ય આરંભે કવિએ રામસિતાને પ્રકૃતિતત્વની સાથે જોડી રાજપાટ છોડતા દર્શાવ્યા છે. પણ કવિ અહીં રામ અને સીતાની સાથે જનાર લક્ષ્મણને પ્રત્યક્ષ કરી શક્યા નથી, અને એની જરૂર પણ અહીં નહિવત છે. કારણ કે આ કાવ્ય બે યુગલો વચ્ચેની તાદમ્યતાનું છે. એટલે અહીં માત્ર આપણે સુવર્ણમૃગમાં આવતા બે યુગલો રામસીતા અને કાળિયાર મૃગલીનાં વિખુટા પડવાની પીડાને કાવ્ય દ્વારા અભિવ્યક્ત કરવામાં આવી છે, એમાં પણ સીતા અને મૃગલીની શી વલે થાય છે એ વ્યક્ત થયું છે.
પરંપરાગત રામાયણમાં આપણે ત્યાં કથા પ્રચલિત છે કે, રામ સીતા લક્ષ્મણ જ્યારે પંચવટીમાં હતાં ત્યારે સીતા એક હરણથી મોહિત થઈ જાય છે અને રામને એનો શિકાર કરવાનો આદેશ આપે છે એ પુરાકથનને કેન્દ્રમાં રાખીને લેખકે અહીં આ રીતે કાવ્ય ગીતમાં ગૂંથયુ છે.
એક દી ની વાત છે: પ્રભાત થતા વેત
એક હરણ ખેંચાઈ આવ્યું ફળીએ
હીરા અને માણેક ટાંકેલ એની શિંગડી
ને રૂપલું મઢેલ એની ખરીએ…
***
એ હરણ હણવાને રામ જાવ તમે ઝટ
ઝટ લાવો એની કાંચળી કંચનની
કાંચળીનો કંચવો હરખભેર પે’રું
તઈ એશણા ટળે રે મારા મનની
અહીં ઉપરોક્ત પંક્તિમાં સીતાના મનની ભૌતિક સુખકામનાની વાત કરવામાં આવી છે, સીતા મોતીએ જડેલા હરણની ભૌતિકતાથી મોહિત થઈ જાય છે અને એ સોનાવર્ણ કાયાનો કંછવો બનાવી પહેરવા માંગે છે અને રામ પાસે હઠ કરી બેસે છે હરણ હણવાની. આદિથી માણસ છે એ સ્ત્રીહઠને શિરમોર સ્વીકારતો આવ્યો છે, પણ રામ સીધે સીધું નથી સ્વીકારતા એ પહેલા સીતાજીને માનવ મૂલ્ય સમજાવે છે એ સંવાદ આ રીતે અહીં વ્યક્ત થાય છે જુઓ;
સોનાની કાયા રે કાંઈ હોય નહીં કોઈને
હોય આપણી જેવા જ હાડચામ રે
કંચન—કથીર તમે એક કરી માનો
ભેદ જોનારની આંખનો તમામ રે
***
લોભ ને લાલચજ્યારે આંખમાં ડોકાય
ત્યારે કથીરે કંચન જેવું લાગે
પ્રસ્તુત કાવ્યમાં રામ સીતાને સમજાવતા કહે છે કે સોનાની કાયા એ તો માત્ર હાડસામ જેવી છે એટલે કંચનને પણ તમે કથીર સમજો આ તો માત્ર છે લોભ અને લાલચની વિટંબણાઓ જે કથીરને પણ સોનું સમજવા મજબૂર કરે છે, પણ સીતા છે એ હઠ છોડતાં નથી અને અછોવાના કહી રામના ક્ષત્રિય ધર્મને ઉસકાવી હરણ હણવા મજબૂર કરે છે. એટલે અહીં કવિ સીતા હઠના કલ્પન દ્વારા ભૌતિક સુખને ચડિયાતું દર્શાવે છે. અને રામને હથિયાર ઉઠાવ અભિપ્રેરીત કરે છે તે અહીં આ રીતે વ્યક્ત થાય છે;
સોનાનું છે તેરેલું ને રૂપલા કામઠી લઈ
હરણ હણવાને જાય વીર હે રામમૈયા રામ
***
તાકીને માર્યું છે તીર નાભિની સોંસરવું
ને કસ્તૂરીની કૂંપિયું વીંધાઈ રે
***
કંચનની કાયા ભોંય પડતામાં થઈ ગઈ
લોઢા જેવી કાળી મહેશ રે
અહીં કાવ્યમાં જોતા સમજાય છે, રામે સીતાના બોલ પાળવા પડે છે. અંતે રામ હરણને હણે છે, એ હરણ હણાતા હરણની કંચન જેવી કાયા લોઢા જેવી કાળી થઈ જાય છે, એનું ચેત છે એ જડ થૈ જાય છે, એનું મૂળ રૂપ ગુમાવે જે સીતા ઝંખે છે. એટલે અહીં હરણ હણાતા બે યુગલો નિયતિની થાપે વિખુટા પડે છે. હરણ હણાતા હરણી અને જેના લોભે હરણ હણાયો તે સીતાને રામથી વિખુટા પડવું પડે છે જેને કવિ અહીં રજૂ કરે છે;
સોનાના હરણની એ કામના સીતાને
છેક સોનાની લંકામાં ખેંચી ગઈ રે
***
રામ રામ રટણ કરું કઠણ કરી મન
ત્યાં તો હરણ હરણ જઉ બોલી
***
એક રે બાણેથી બેઉં વીંધાઈ ગયા રે રામ
મૃગ અને બીજી તારી હંસલી
હંસલી વિલાપ કરે અશોકવાટિકામાં
અને વન વન વલવલે મૃગલી
આમ, કાવ્યાન્ત છે એ ભાવકને સીતા અને મૃગલીની કરુણ પીડાએ લૈ જાય છે, આપણે ત્યાં કહેવત છે કે ’હાથનાં કર્યા હૈંયે વાગ્યાં’ એમ સીતાની અભિલાષા એ હરણ હરણાયું છે એક તીરે અહીં બે જીવ છે એ વલવલતા થઈ ગ્યાં, પ્રથમ તેમ મૃગલી અને બીજી સીતા. નિયતિ સીતાને રામથી અલગ કર છે, એની લોભ લાલસા એને છેક લંકા લઈ ગઈ. એટલે આપણે અહીં માનવ મૂલ્યમાં થતી નિયતિની સાપેક્ષતા રામસીતાના કલ્પનમાં જોઈ શકીએ છીએ, જે ભૌતિક સુખ—લોભ—લાલચ એ સીતા માટે આગળ જતાં કેટલું કરુણ બને છે તે અહીં રજૂ થાય છે. તો બીજી તરફ ભૌતિક સુખ માટે હરણનો ભોગ લેવાય છે અને હરણી પછી એકલી ભટકે છે રાનેરાન. એટલે સીતાને પણ હરણીની જેમ નિયતિનો ભોગ બનવું પડે છે, અહીં પ્રસ્તુત કાવ્યમાં આપણને બે તરફની કરુણકથની મળે છે— એક સીતાનું ભૌતિક સુખ માટે હરણને હણાવો અને હરણીનું એકલા પડવું, બીજું કાળિયાર (હરણ) હણાતા સીતાને નિયતિના નિયમનને ભોગે સોનાથી લિપ્ત લંકામાં પહોંચવું અને રામથી અલગ થવું. આ બંને ઘટનામાં નિયતિનો કર્મ સિધ્ધાંત સંદર્ભ છે એટલે અહીં સીતાએ સેવેલા લોભ લાલચ હરણીને એકલી અને લાચાર બનાવે છે તો નિયતિ સીતાને પણ રામથી વિખુટા પાડી એકલ્તવ ભોગવવા મજબૂર કરે છે. આમ, અહીં સીતા અને હરણીની કરુણ કથની કાવ્યમાં લોકલહેકા, ગીતલયથી થઈ છે.
સંદર્ભ સૂચિ;
સુવર્ણમૃગ- રાજેશ પંડ્યા, પ્રકાશન; સંવાદ પ્રકાશન ૨૩૩, રાજલક્ષ્મી સોસાયટી, જૂનાં પાદર રોડ, વડોદરા ૩૯૦૦૭, વિદ્યાર્થી આવૃત્તિ —૨૦૧૩
સંપર્ક:
- મનીષ એમ. શિયાળ,
• Ph.D. શોધછાત્ર-ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ
• ૪૮, ચામુંડા નગર મેઈન રોડ, ઉંચા કોટડા, મહુવા, ભાવનગર ૩૬૪૧૩૦
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 2 March – April 2024