‘સુંદરમ્’ની ટૂંકી વાર્તાઓમાં અભિવ્યક્તિકલા

– મુકેશ શિયાળ

        માણસ વાર્તાપ્રિય પ્રાણી છે. તેને વાર્તા સાંભળવી પણ ગમે છે.  અને કહેવી પણ ગમે છે. માણસ માટે વાર્તા એ આનંદનું એક સાધન છે. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન સમયમાં વાર્તા આપણને પદ્યવાર્તા સ્વરૂપે જોવા મળે છે જે અર્વાચીન સમયમાં તેનું રૂપ બદલાઈ જાય છે. ગુજરાતી સાહિત્યમાં ભિન્ન ભિન્ન સર્જકોએ વિવિધ ટૂંકી વાર્તાઓ રચી છે. જેના વિષયોમાં સમાજની કોઈ ચોક્કસ સમસ્યાઓને કે ઘટનાઓને કેન્દ્રમાં રાખીને વાર્તાઓ લખી છે. ગાંધીયુગના સમર્થ વાર્તાકાર ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર ટૂંકી વાર્તા માટે ખૂબ જાણીતા સર્જક છે. ‘સુંદરમ્’ ઉપનામ ધારી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારને લોકો હવે ‘સુંદરમ્’ ના નામે જ વધુ ઓળખે છે. ગાંધી યુગના સમર્થ સર્જકોમાં જેનું નામ ગૌરવપૂર્વક લઈ શકાય તેવા ગુજરાતી ભાષાના ઉત્તમ કવિ અને વાર્તાકાર બની રહ્યાં છે.

        ગાંધીયુગની વાર્તાઓમાં પહેલી હરોળમાં જેનું નામ સમ્માન સાથે લઈ શકાય તેવા ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનાં મિયામાતરમાં થયો હતો. બાળવયમાં જ ‘સુંદરમ્’ના લગ્ન થઈ ગયેલા. નાનપણથી વાચનનો શોખ ધરાવતા ‘સુંદરમે’ ‘શ્રીમદ ભાગવત’, ‘સરસ્વતીચંદ્ર’, ‘કલાપીના કાવ્યો’, ‘કાવ્યદોહન’, નારાયણ વિસનજી ઠકકુરની નવલકથાઓ, બોટાદકરની કવિતાઓ વગેરેનું રસપાન કર્યું હતું. જ્યારે 1934માં અમદાવાદ આવીને વસવાટ કરે છે ત્યારે રામપ્રસાદ શુક્લ, રામનારાયણ પાઠક, રસીકલાલ પરીખ, ઉમાશંકર જોશી, બ. ક. ઠાકોર વગેરેનું માર્ગદર્શન અને સાહિત્યિક સહવાસ મળ્યો હતો. જેના કારણે તેની કાવ્યશક્તિ અને વાર્તાની કળા સોળે કળાએ ખીલી ઉઠી હતી. ‘સુંદરમ’ના સાહિત્યને અભ્યાસ ખાતર બે ભાગમાં વહેચવું હોય તો વહેંચી શકાય : શરૂઆતનું સર્જન ગાંધી આદર્શોના પ્રવાહમાં અને અંતનું સર્જન શ્રી અરવિંદની આધ્યાત્મિક ભાવનાની અસરા તળે રચાયેલું જોવા મળશે. ‘સુંદરમે’ ટૂંકી વાર્તાઓ રચીને જગતમાં પોતાની છાપ  બધાથી અલગ ઊભી કરી છે. તેમણે હીરાકણી અને બીજી વાતો (1938), ખોલકી અને નાગરિકા (1939), પિયાસી (1940) ઉન્નયન (1945), તારીણી (1977), પાવકના પંથે (1940) ટૂંકી વાર્તાઓના સંગ્રહો આપ્યા છે.

        ‘સુંદરમ્’ લુહારની ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ પ્રસિદ્ધી પામેલી વાર્તાઓમાં ‘ગોપી’, ‘પુનમડી’, ‘ખોલકી’, ‘નાગરિકા’, ‘માજા વેલાનું મૃત્યુ’, ‘પની’, ‘માને ખોળે’, ‘મીન પિયાસી’, ‘ઈવનિંગ ઇન પેરિસ’, ‘એઇ  દિકે’, ‘તારિણી’ જેવી વાર્તાઓનો સમાવેશ થાય છે. રમણલાલ જોશીએ ‘સુંદરમ્ની પ્રતિનિધિ વાર્તાઓ’ રૂપે તેમની વાર્તાઓને સંપાદિત કરી છે. તેની પ્રશસ્તિનું મુખ્ય કારણ તેમની વાર્તા કહેવાની રીતના કારણે. તેમની અભિવ્યક્તિની વિશિષ્ટ કલાના કારણે ગુજરાતી ભાવકને તેમની વાર્તાઓ વારંવાર વાચવી ગમે છે. નવલકથાની જેમ અહી લાંબો લાંબો વિસ્તાર નથી પણ ટૂંકમાં જ કહેવાની રીતના કારણે તેમની વાર્તાઓ આસ્વાદક્ષમ બની છે. વાર્તા કળા સિદ્ધ કરવા અંગે પણ ત્રિ.પુ.લુહારનો અભિપ્રાય, એમના વાર્તાસર્જનના સંદર્ભે ખપ લાગે તેવો છે. “ પહેલી વાર્તા લખતાં જે એક આંતરિક ભય મેં અનુભવ્યો હતો તે ભય છેલ્લી વાર્તા લખતાં પણ તેવો જ ઉગ્ર રીતે અનુભવું છું. એ ભય છે વાર્તાની અટપટી કળાનો. એમાં ભૂલો થઈ જવાની એટલી બધી સગવડ છે કે સફળ વાર્તા લખાય તેને કળાનો પ્રસાદ જ માનવો ઘટે એમ મને લાગે છે.” (‘હીરાકણી’, પ્રથમ આવૃતિનું નિવેદન) ત્રિ.પુ.લુહારની વાર્તાઓની શરૂઆત ખૂબ રોચક હોય છે, તેમની વાર્તાની શરૂઆત  ધીમેથી શરૂ થઈને ભાવકને ખબર ન પડતાં હળવેકથી કોઈ સમસ્યાની વચ્ચે લઈ આવે છે. અને વાર્તાના કોઈ વિલક્ષણ વિસ્ફોટને તેઓ ભાવકના ચિત્તમાં રમતો કરી દે છે. ગોપી, માને ખોળે, માજાવેળાનું મૃત્યુ, મીન પિયાસી વગેરે વાર્તાઓ તેમની આ પ્રકારની વાર્તાઓના ઉદાઝરન બની શકશે. સમાજની કોઈ વિડંબનાને વાર્તાકાર ખૂબ સારી રીતે રહસ્યગર્ભ ક્ષણો ઉબભી કરીને ભાવકને વિચારવા વિવશ કરી દે છે. વાર્તાકારે ગુજરાતનાં ગામડાઓમાં કેટલીક જ્ઞાતિગત ઘર કરી ગયેલી સમસ્યાઓને ઓળખી અને પોતાના અભિવ્યક્તિનું માધ્યમ બનાવ્યું છે.

        તેમની તે સમસ્યાઓને રજૂ કરવાની અભિવ્યક્તિ એટલી અસરકારક છે કે વાર્તામાથી પસાર થતી વેળાએ પાત્રોના દુખના પ્રસંગો ભાવક પોતે પણ અનુભવે છે. ઉમાશંકરે નોધ્યું છે તેમ  સર્જક  જે કહેવા ઈચ્છે છે તે એવુને એવું જ, તે જ ભાવ સાથે ભાવક સમસંવેદન અનુભવતો હોવો જોઈએ. ‘સુંદરમ્’ની વાર્તાઓમાં આપણે તે સારી રીતે જોઈ શકીશું. ‘ગોદડીની ઊંઘ’ની નાયિકાની જે મન:સ્થિતિ છે તે આપણે સૌ સમજી શકીએ છીએ. ભૌગોલિક સુખ પ્રાપ્ત કરવાની ખોખલી મનોકામના જ દૂ:ખનું કારણ છે. તે સૌ કોઈ સમજી શકશે. અભિવ્યક્તિની નવીનતમ શૈલી ‘સુંદરમ’ના ઝીણવટ ભર્યા વર્ણનોમાં, પાત્રોમાં, પ્રસંગોમાં તથા સ્થળોના સંકેતોમાં જોવા મળશે. ‘ગોપી’ વાર્તા  પણ ગોપાલ પ્રત્યે જોવાનો તેના પિતા મોતીરાવળનો અભિગમ સાવ અલગ છે. ‘ખોલકી’ વાર્તામાં ચંદનનો બીજી વારનો ધણી વારંવાર સિગારેટના ધુમાડા કાઢતો રહે છે તેમની અમુક ચોક્કત ચેષ્ટાઓમાં તેમની વિકૃતિ છતી થાય છે. ચંદનને ભોગવવી કે બીડી પીવી બંને જાણે એકબીજાના પર્યાય બને છે. દરેક વાર્તામાં આ રીતે પાત્રોના વર્તન થકી વાર્તાકારે માણસની નબળી માનસિકતાના સંકેતો રચી આપ્યા છે.

        વાર્તાકાર ‘સુંદરમ્’ની ચિત્રાંકન – દ્રશ્યાંકનની આ કલાને ઉમાશંકરે આમ જોઈ છે : “ ગદ્યમાં, ખાસ કરીને ટૂંકી વાર્તાઓમાં , સુંદરમની શક્તિ Still Lifeના ચિત્રણની સ્થિર આલેખનની છે. સુંદરમ આખું એક નજરમાં સુરેખ પામી જાય છે. અને તંતોતંત નિરૂપવામાં સફળ થાય છે. વાર્તામાં સ્થિરજીવન – ચિત્રણની ફાવટ એ સુંદરમની ગુજરાતી વાર્તાકાર તરીકેની મુખ્ય વિશેષતા છે. એમની વાર્તાઓ હજી પણ વાચકો પર પકડ જમાવી રહે છે તેનું શ્રેય તેમની આ શક્તિને ફાળે જાય છે.” (‘તપોવન’ – ઉમાશંકર જોશી) વાર્તાકાર કેટલૂક સત્ય સીધે સીધું જણાવતો હોતો નથી. કેટલાક સૂચક શબ્દો અને વર્ણનોના આધારે ભાવકે કેટલૂક સમજી જવાનું હોય છે. ત્રિ.પુ.લુહારે તેમની વાર્તાઓમાં આ બધી તકો ખૂબ જ કુનેહપૂર્વક ઝડપી લીધી છે. વાર્તાકાર સમાજ સુધારક નથી, પણ તેમ છતાં વાર્તાકાર સમાજનો અવિનાભાવી અંગ તો છે જ. તે સમાજની વચ્ચે રહીને બનતી કેટલીક ઘટનાઓનો સાક્ષી હોય છે. એથી તેમની કૃતિમાં રજૂ થતું સત્ય માત્ર સાહિત્યનુ જ સત્ય હોતું નથી પણ સામાજિક રીતે પણ કેટલાક સુધારાઓ તેમાં જરૂરી હોય છે. ‘નાગરિકા’ નામની વાર્તામાં વાર્તાનો નાયક કેવો રૂઢિચુસ્ત અને પુસ્તકિયો કીડો છે, લગ્નજીવનની પ્રથમ સુહાગ રાતે પણ તે પત્ની પાસે ના જતાં પુસ્તકમાં જ રમમાણ રહે છે. નાયિકાની મહત્વાકાંક્ષાઓ કે સુખની અભિલાષાઓ તે પૂરી કરતો નથી. પુસ્તક વાચવાનો રસ હોવો તે સારી બાબત છે પણ તેનો  યોગ્ય સમય હોય છે. નાયકનાં આવા વર્તનની આપણી સામાજિક વિડંબનાના વાર્તાકારે પ્રત્યક્ષ દર્શન કરાવ્યા છે.

        સાથે સાથે એ પણ નોંધવું જોઈએ કે વાર્તાકાર પાત્રોના મનોજગતને બરાબર સારી રીતે ઓળખે છે, આ બધી વાર્તાઓના પાત્રોના વર્તનનું મનોવિજ્ઞાન આપણો વાર્તાકાર સારી રીતે જાણે છે. એટલું જ નહી પણ ભાષાના સુચારું ઉપયોગ દ્વારા તેને વાર્તાકાળામાં કઈ રીતે પ્રયોજવું તેનું શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવે છે. માટે જ વાર્તા વધુ રોચક બનવા પામી છે. ત્રિ.પુ.ની આ વાર્તા સૃષ્ટિમા આ બધા પાસાઓ એકમેકની સાથે કેવા અવિનભાવી રીતે જોડાયેલા છે તે સામાન્ય ભાવકને નહી ખબર પડે. તે એક વિશેષ અભ્યાસનો વિષય બની જાય છે. પાત્રના વર્તન પાછળનું કારણ અને તેના વર્તન પછીથી બનનારી ઘટનાના સંકેતો વાર્તામાં જોવા મળશે, વાર્તાકારની સમાજમાં બનતી ઘટાનાઓ પાછળ કેવી સૂક્ષ દ્રષ્ટિ છે અને તેનું ઘટનાને જોવાનું કેવું નિરીક્ષણ છે તે વાર્તાનો આસ્વાદ કરતાં જાણવા મળશે. ‘માને ખોળે’માં પિયરમાંથી થતી શબૂની વિદાય અનેક રીતે વાર્તા કારે સૂચક બનાવી છે. ઘર સુધી પહોચતા પૂર્વે જ અધવચ્ચે ષડયંત્ર રચીને શબૂ નો સસરો તેની શંકાના આધારે હત્યા કરવાનો છે તે કેવી કરૂણ ઘટના છે. ‘પુનમડી’ની નાયિકા પાતળી, મજબૂત બાંધાની મહેનતુ  મુગ્ધા છે. કામ કરી કરીને તેનું શરીર કેવું કસાયેલું છે. પણ કજોડા વ્યક્તિ જોડે તેનું લગ્ન થતાં તેનું સંસાર જીવન કેવું નિરર્થક બને છે તે જોઈ શકાશે. ‘ઈવનિંગ ઇન પેરિસ’ની અંજના પણ દાંપત્યની વિસંવાદિતાનો સામનો કરે છે. પ્રેમાળ, રસિક અને ઉદાર પતિ મળ્યો હોવા છતાં અહમ તથા મિજાજને કારણે બંનેના દાંપત્યમાં તિરાડ પડે છે. ‘તારિણી’ વાર્તાની હારિણીનું પાત્ર વિલક્ષણ છે. તારકને એ ચાહે છે. બંને પરસપરનું સાનિધ્ય અનુભવે છે, પરંતુ એમાં દૈહિક લાલસાનો અભાવ છે. તારક માટે હારિણી જીવન પ્રેરક, સમર્થક, સહાયક બની રહે છે. આધ્યાત્મિક દિશાનો વિકાસ સ્ત્રી-પુરુષના સહયોગમાં કેવો હોય શકે છે તેનું ઉદાહરણ મળી રહેશે. ‘પની’ વાર્તાની નાયિકાનું પણ કઈક આવું જ છે. પનીનો પતિ ઝીણિયો દારૂડિયો અને જુગારી છે. વહેમ હોવાથી યુવાન પત્નીને તે મારપીટ કરે છે. પણ પની  મારખાઈને પણ કામે ચડી જાય છે. તે પણ આપણાં સમાજની વિષમતા જ છે. આ બધા પાત્રોનું નિરૂપણ તે સમાજના કોઈ ચોક્કસ વર્ગોનું પ્રતિનિધિત્વ કરે છે. સમાજિક રીતે તરછોડાયેલા, દબાયેલા અનેચોક્કસ વર્ગો દ્વારા દૂર રખાયેલા સમાજનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અંતે ગુજરાતી ભાષાના સમર્થ વિવેચનું અવતરણ બાંધી પૂરું કરીએ : “ ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસના પ્રારંભમાં ધૂમકેતુએ ઉપસાવેલા ઊર્મિવાસ્તવને અને રા.વી. પાથકે ઉપસવેળા વિચારવાસતવાને પછીથી ઉમાશંકર જોશીનું તલવાસ્તવ અને સુંદરમનું વર્ગવાસ્તવ અનુસર્યું છે. એમાય સુંદરમની ‘માજા વેલાનું મૃત્યુ’ જેવી ટૂંકી વાર્તામાં તો વર્ગવાસ્તવ કલાની નક્કર ભૂમિ પર ઊભું છે. ‘આ વાર્તામાં કોઈ કટાક્ષ નથી’ કે પછી ‘આખીએ વાર્તા એક વેધક કટાક્ષ બની રહે છે’ જેવા અભિપ્રાયો આ વાર્તાની વિશિષ્ટતાને ચીંધી શક્યા છે પણ એની વિશિષ્ટતા પર આંગળી મૂકી શકયા નથી. ખરી વાત તો એ છે કે આ વાર્તાની વિશિષ્ટતા માટે નવી જ સંજ્ઞા ઊભી કરવી પડે તેમ છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં મૂંગી વક્રતા (Mute irony) છે. આ વાર્તા કશું જ કહ્યા વગર સંવેદનશીલવાચકમાં છેલ્લે વ્યંજિત પ્રશ્ન ઊભો કરવાની ક્ષમતા ધરાવે છે.” (‘શબ્દસૃષ્ટિ’ જુલાઇ, ચંદ્રકાન્ત ટોપીવાળા)

                                                                          મુકેશ એમ શિયાળ  

સંદર્ભ :

‘સુંદરમ્’ની પ્રતિનિધિ વાર્તાઓ’ સંપાદક – રમણલાલ જોશી

‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ 5 – ગુજરાતી સાહિત્ય પરિષદ

‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ – ધીરુભાઈ ઠાકર

‘હીરાકણી’, પ્રથમ આવૃતિનું નિવેદન

‘તપોવન’ – ઉમાશંકર જોશી

‘શબ્દસૃષ્ટિ’ જુલાઇ, ચંદ્રકાન્ત ટોપીવાળા

મુકેશ એમ. શિયાળ, મુ.પો. કળસાર, તા. મહુવા, જી. ભાવનગર. 364130

Email : parimal1781@gmail.com

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 2 March – April 2024