ડૉ. મોન્ટુકુમાર પટેલ
ભારતીય સાહિત્યમીમાંસામાં કાવ્ય સ્વરૂપની પ્રક્રિયા અને કાવ્યનાં આસ્વાદ સાથે સંકળાયેલ અને સૌથી વધુ ચર્ચાયેલ જો કોઈ સંજ્ઞા કે સિદ્ધાંત હોય તો એ છે ‘સાધારણીકરણ’. ભટ્ટનાયકે ‘સાધારણીકરણ’ શબ્દ સર્વપ્રથમ આપ્યો છે, જેનો આચાર્ય અભિનવગુપ્ત પણ સ્વીકાર કરે છે. પરંતુ ભટ્ટનાયકના ભાવકત્વ અને ભોજકત્વ વ્યાપારને અભિનવગુપ્ત સ્વીકારતા નથી.
ભટ્ટનાયકને વિષે સામાન્ય રીતે વિદ્વાનોએ એવી છાપ ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે કે ‘સાધારણીકરણ’ની વિગતોનો તેમણે જ સૌપ્રથમ નિર્દેશ કર્યો. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં સીધી રીતે સાધારણીકરણ શબ્દનો પ્રયોગ કર્યો નથી પરંતુ તેમણે રસ નિષ્પત્તિ સંદર્ભે “एभ्यश्च सामान्यगुणयोगेन रसा: निष्पद्यन्ते |” કહ્યું છે તેમાં સાધારણીકરણ વ્યાપારનો સંકેત મળી રહે છે તથા અભિનવગુપ્ત સાધારણીકરણ વ્યાપારની સ્પષ્ટતા કરતા જણાવે છે કે સાધારણીકરણ દ્વારા કવિ-નિર્મિત પાત્ર વ્યક્તિ વિશેષ ના રહેતા સામાન્ય પાત્ર બની જાય છે. નાયક-નાયિકાનો ભાવ સહૃદયમાં પરિવર્તિત થઈ જાય છે. સાધારણીકરણની પહેલી ચર્ચા ભરત મુનિના ‘નાટ્યશાસ્ત્ર’ પરની અભિનવગુપ્તની ટીકા ‘અભિનવભારતી’ માં મળે છે.
સાધારણીકરણનો સંબંધ રસ નિષ્પત્તિની પ્રક્રિયા સાથે સીધી રીતે જોડાયેલો છે. રસ નિષ્પત્તિની પ્રક્રિયાનાં વિવિધ અર્થઘટનો થયા છે. જેમાંથી ભટ્ટનાયકનાં ભુક્તિવાદનું નોંધપાત્ર પ્રદાન છે. ભટ્ટનાયક રસ નિષ્પત્તિને સમજાવવા માટે ત્રણ વ્યાપાર આપે છે. અભિધા, ભાવના કે ભાવકત્વવ્યાપાર અને ભોગીકૃતિ. ભટ્ટનાયકનાં માટે ભાવકત્વવ્યાપાર એટલે જ સાધારણીકરણ. સાધારણીકરણ એટલે અસાધારણને સાધારણ બનાવવાની પ્રક્રિયા. ‘કાવ્યપ્રદીપ’ના લેખક ગોવિંદ ઠક્કુરના શબ્દોમાં, કાવ્ય કે નાટકની વિશિષ્ટ નાયિકાનું સામાન્ય રીતે કામિની રૂપે ગ્રહણ થવું એનું નામ સાધારણીકરણ અથવા સાધારણીભવન છે.
કાવ્ય કે નાટકના વિશેષ પ્રસંગમાં પાત્રને પોતાના વ્યક્તિત્વથી સંબદ્ધ પણ સમજતો નથી કે અસંબદ્ધ પણ સમજતો નથી અને પાત્રને બદલે સામાન્ય યુવકને સમજે છે. આ ભાવો મૂળ પાત્રના નથી, મારા નથી, પરંતુ સામાન્ય યુવકના છે, એમ માનવાની ક્રિયાને સાધારણીકરણ કહે છે.
ગુજરાતી વિવેચનક્ષેત્રે અનેક વિદ્વાનો-વિવેચકોએ સાધારણીકરણનાં સિદ્ધાંતને સમજાવવાના પ્રયાસો કર્યા છે. ડોલરરાય માંકડ ભટ્ટ નાયકે આપેલા સાધારણીકરણનાં સિદ્ધાંતને આ રીતે સમજાવે છે. ૧. ભાવકત્વ વ્યાપાર એ જ સાધારણીકરણ. ૨. સાધારણીકરણ વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવનો થાય છે. ૩. સાધારણીકરણ દ્વારા ભાવકના ગાઢ મોહરૂપી વિઘ્નનું નિવારણ થાય છે. ૪. એ વિઘ્નને દૂર કરવામાં દોષનો અભાવ તથા ગુણ અલંકારનો ભાવ નાટકમાં અભિનયને મદદરૂપ થાય છે. નરસિંહરાવ દિવેટિયા સહભોગના આનંદને સાધારણીકરણ માને છે.
સામાજિક માટે, ભાવક માટે ભારતીય મીમાંસામાં વપરાતો શબ્દ છે ‘સહૃદય’. સહૃદય જ્યારે કોઈ નાટક જુએ કે કોઈ કવિતા વાંચે કે સાંભળે ત્યારે તેને તેમાંની ઘટનાઓ, પાત્રની વૃત્તિઓ વગેરેની પ્રતીતિ થાય છે. તેની આ પ્રતીતિનું સ્વરૂપ વિશિષ્ટ હોય છે. કાવ્યમાં કે નાટકમાં જે વસ્તુ રજૂ થયું હોય છે તે જાણે કે સાચેસાચું હોય છે, વાસ્તવિક હોય છે તેવું તે અનુભવે છે. એ વસ્તુ કે ઘટના પ્રત્યક્ષ કે સાક્ષાત હોય તેવી તેને લાગે છે પરંતુ તેની આ પ્રતીતિ રોજિંદા વ્યવહાર જગતમાં થતી પ્રતીતિ કરતાં જુદા જ સ્વરૂપની કે વિલક્ષણ હોય છે. વ્યાવહારિક જગતની પ્રતીતિ કાં તો સત્યની હોય, મિથ્યાની હોય, સંશયની હોય કે પછી સંભાવનાની હોય છે. જેમ કે,
પેલું ખરેખર વૃક્ષ છે.
એ વૃક્ષ નહોતું, તેનો આભાસ હતો.
પેલું વૃક્ષ છે કે માણસ છે.
એ કદાચ વૃક્ષ પણ હોય.
વળી વ્યવહાર જગતનો અનુભવ કોઈ ખાસ સ્થળ, કાળ અને વ્યક્તિ સાથે સંકળાયેલો હોય છે. જ્યારે એનાથી વિરુદ્ધ કાવ્ય કે નાટકમાં રજૂ થતાં વસ્તુનું સ્વરૂપ સત્ય, મિથ્યા, સંશય કે સંભાવના વગેરે રૂપે પ્રતીત થાય અથવા ના પણ થઈ શકે. કાવ્ય કે નાટકમાં રજૂ થતાં સ્થળ, કાળ અને વ્યક્તિ સાથે સંકળાયેલી ઘટનાઓ, ચિત્તવૃત્તિઓ, તેની વિશિષ્ટતાઓથી, મર્યાદાઓથી પર એવા રૂપમાં સામાન્ય ભાવકને પ્રતીત થાય છે. મતલબ કે એ ઘટનાઓ કે ચિત્તવૃત્તિઓને સહૃદય સર્વ સાધારણરૂપમાં પામે છે એટલે કે એનું સાધારણીકરણ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કાવ્ય કે નાટકના પાત્રની ચિત્તવૃત્તિ સહૃદય માટે પરકીયની ચિત્તવૃત્તિ તરીકે પ્રતીત થતી નથી તેમ સ્વકીયની ચિત્તવૃત્તિ તરીકે પ્રતીત થતી નથી. પરંતુ તે પાત્રોની સાથે સહૃદય તન્મય થતાં, સહૃદયનો એ ચિત્તવૃત્તિઓમાં અનુપ્રવેશ થતાં તે સર્વસાધારણ ચિત્તવૃત્તિ તરીકે પ્રતીત થાય છે. કલાનો આસ્વાદ માણતી વેળાએ સહૃદય પરિચિત પ્રમાતા રહેતો નથી. બધા અધિકારી સહૃદયોને એ ચિત્તવૃત્તિ સમાન ભાવે સાધારણ ચિત્તવૃત્તિ તરીકે પ્રતીત થાય છે.
સાધારણીકરણ પ્રક્રિયા શું છે? જ્યારે આપણે કોઈ નાટક જોઈએ છે, ફિલ્મ જોઈએ છીએ કે કવિતા વાંચીએ છીએ ત્યારે પ્રથમ એવો ખ્યાલ આવે કે આપણે કોઈ નાટક જોઈએ છે, ફિલ્મ જોઈએ છીએ કે કવિતા વાંચીએ છીએ પરંતુ તે પ્રસ્તુતિનાં ભાવમાં ધીમે ધીમે ડૂબતાં જઈએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણે નાટક જોઈએ છે કે કવિતા વાંચીએ છે. નાયક કે નાયિકા વચ્ચેથી ખસી જાય છે અને એક એવી સ્થિતિ બની જાય છે કે આપણે તે પાત્રનાં સુખમાં અને દુ:ખમાં સહભાગી જઈએ છીએ. આ પ્રક્રિયા કવિ, વાચક, શ્રોતા, દર્શક અને કવિના હૃદયમાં સમાનરૂપે થાય છે. આ પરિસ્થિતિને જ સાધારણીકરણ કહેવામાં આવે છે.
રામાનંદ સાગર કૃત બનાવવામાં આવેલ રામાયણ સિરિયલમાં રામાયણનાં મૂળ પાત્રોને જુદા જુદા અભિનેતાઓ ભજવે છે, તેનો અભિનય કરે છે. એ અભિનય એટલો સુંદર, સાચો અને સહજ રીતે રજૂ કરવાને કારણે રામાયણ સિરિયલ જોનાર તમામ વર્ગ કે સહૃદય એમ સમજે છે કે આ જ સાચા રામ છે કે સીતા છે કે રામાયણ છે. પ્રશ્ન થાય કે આવું શા માટે થાય છે? આ જે પાત્ર ભજવાઈ રહ્યું છે એની અંદરનાં રામને માણી રહ્યા છો કે એ પાત્રના અભિનયને. ‘આ મારા’ અને ‘આ બીજાના’ ‘આ સ્વ’ અને ‘આ પર’ એવા ભેદો નાશ પામી બંને તાદાત્મ્ય પામી સર્વસામાન્યતા પામે તે સાધારણીકરણ છે.
વ્યવહાર જગતના સુખદુ:ખમય અનુભવની કાવ્ય કે કલાના આનંદમય અનુભવનો જે મૂળગત ભેદ છે તેનો ખુલાસો આપવાનું કામ સાધારણીકરણના સિદ્ધાંતનું છે. વ્યવહારની સૃષ્ટિમાં આપણે અંગત આશક્તિથી, સ્વાર્થની કે લાભાલાભની વૃત્તિથી પ્રવર્તીએ છીએ. જ્યારે કાવ્ય કે કલાના અનુભવ વખતે આપણી વૃત્તિ નિ:સ્વાર્થ અને અંગત લાભાલાભના ભાવથી પર હોય છે. પરિણામે કાવ્યની સૃષ્ટિના ભાવો પોતાના કે પારકાંનાં નહીં પણ સાધારણીકૃત તરીકે અનુભવાય છે. તેથી કાવ્ય કે કલાનો અનુભવ કેવળ આનંદમય કે વિશ્રાંતિપરક હોય છે.
આમ, સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ અને ગુજરાતી વિદ્વાનોએ ‘સાધારણીકરણ’ને સમજાવવા માટે પોત-પોતાના મતો-મંતવ્યો રજૂ કર્યા છે. જેના આધારે સ્પષ્ટ રીતે કહી શકાય કે કવિ, સહૃદય અને ભાવાભિવ્યક્તિ સાધારણીકરણના ત્રણ મુખ્ય તત્ત્વો છે અને સાધારણીકરણ એ રસાનુભૂતિનું સાધન છે. સાધારણીકરણ એ ભારતીય કાવ્યશાસ્ત્રની એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ કહી શકાય છે.
સંદર્ભગ્રંથો:
૧. રસ સિદ્ધાંત : એક પરિચય, પ્રમોદકુમાર પટેલ.
૨. ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારપરંપરાઓ, પ્રો- તપસ્વી નન્દી.
૩. અભિનવગુપ્તનો રસ વિચાર અને બીજા લેખો, નગીનદાસ પારેખ.
૪. રસ-સિદ્ધાંત, ડૉ. નગેન્દ્ર.
૫. ગુજરાતી વિશ્વકોશ.
ડૉ. મોન્ટુકુમાર એ. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ
સરકારી વિનયન કૉલેજ, રાણાવાવ, map2487@gmail.com