સાકુરા સંગાથે (જાપાન પ્રવાસ-અનુભૂતિ)

                           કુવાડિયા અસ્મિતા આર.                                           

       વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ ભારતી રાણે વિશ્વ પ્રવાસના શોખીન છે. એમની પાસેથી પ્રથમ પ્રવાસ વૃત્તાંત ‘ઈપ્સિતાયન’ નામે પ્રાપ્ત થાય છે. જેને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક(૨૦૧૬). ૨૦૧૭માં આ પુસ્તક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.ના અભ્યાસક્રમમાં પસંદ થયેલ. ત્યારબાદ એમની પાસેથી ક્રમશઃ ‘પગલાનાં પ્રતિબિંબ’, ‘રણ તો રેશમ રેશમ’, ‘ઉજાસનો પ્રવાસ’, ‘હિમાગ્નિનો વિસ્મયલોક’, અને ‘સાકુરા સંગાથે’ જેવાં પુસ્તકો પ્રાપ્ત થાય છે. એમનાં આ પ્રવાસ નિબંધો પુસ્તક રૂપે આકાર પામતાં પહેલાં સામયિકમાં કે સમાચાર પત્રમાં પ્રગટ થયેલા છે. પ્રવાસ એટલે શું? તેનાં વિશે ભારતી રાણે કહે છે કે, ‘સ્થળ પ્રવાસે મારા જીવન-પ્રવાસને સાર્થક અને ઉલ્લાસમય બનાવ્યો છે. પ્રવાસે મારા જીવનને ઘડ્યું છે, એમ કહું તો એમાં ક્યાંય અતિશયોક્તિ નથી. પરમ સદ્ભાગ્યની વાત એ છે કે, પ્રવાસ પ્રત્યેની ઘેલછા અમારા બંનેમાં એકસરખી‌. નિસર્ગના સાન્નિધ્યથી ઊંચું બીજું કંઈ ન લાગે, સ્વભાવ પણ બંનેનો સરખો જ. એકબીજાના એકાંતને અકબંધ રાખીને સાથે ફરતાં અમે વિશ્વથી અને એકબીજાથી નજીક આવ્યાં છીએ. સમષ્ટિના હર રંગ સાથે તદ્રુપ થઈને પ્રવાસ કરતાં અનેકવાર અનુભવ્યું છે કે, કોઈ સ્થળ, કોઈક દૃશ્ય, કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ, કે કોઈ અનુભૂતિ ચેતનાને સ્પર્શી જઈને હૃદયમાં સદાને માટે અંકિત થઈ જતી હોય છે. જેમ-જેમ આપણે સમયના ચઢાણ ચડતાં જઈએ, તેમ-તેમ ખીણમાં ઝળહળતાં ગામ જેવું સ્મૃતિઓનું વિશ્વ અંતરમાં રચાતું જાય છે.

       પ્રવાસ સાહિત્ય પણ આત્મકથાની જેમ અનુભવની તીવ્રતા પર આધાર રાખે છે. આપણાં દેશમાંથી વર્ષે દહાડે હજારો લોકો વિશ્વનાં અનેક દેશોમાં પ્રવાસ કરે છે. કંઈ બધાં પોતાની અનુભવો લખી શકતાં નથી, અને  ક્યારેક કોઈ લખે છે તો પ્રવાસવર્ણન બનતાં નથી. તે ગાઈડ બુક કે ભોમિયાપોથીથી વિશેષ નથી હોતાં. અહીં ભારતી રાણે પ્રવાસ ખાતર પ્રવાસ કરનાર પ્રવાસી છે. પ્રકૃતિએ જ્યાં છૂટાં હાથે સૌંદર્ય વેર્યું છે તેવાં દેશમાં જઈ નિરાંતે રહેવું તેમને વધારે પસંદ છે. આ પ્રવાસ વૃત્તાંતમાં જાપાનની પ્રવાસાનુભૂતિ છે. ભારતી રાણે જાપાનનાં પ્રવાસે સાકુરાના ફૂલોની સિઝનમાં જાય છે. આ ફૂલોનું એમને ખૂબ જ આકર્ષણ છે. જાપાન જવા માટેનું સ્વપ્ન ઘણાં વર્ષોથી જોયેલું અને અંતે તે સાકુરાના ફૂલોના સમયે જ જવાનું થતાં પુરું થાય છે.

     જાપાનની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે તે અનેક ટાપુઓમાં વિભાજિત થયેલો દેશ છે. પોતાના પર જે અણુબોંબ ફેંકાયા તેનું પરિણામ આજે પણ જાપાનની પ્રજા ભોગવી રહી છે. વિતેલી યાતનામાંથી બહાર નીકળ્યાં પછી અહીંના લોકોની માનસિકતા એકદમ શાંત છે. તેનામાં પ્રતિશોધની ભાવના ક્યારેય ન હતી. પોતાના પર વિત્યું તેવું કોઈનાં પર ન વિતે તેવી તેમની ઈચ્છા છે. ચારેક હજાર ટાપુઓથી બનેલો આ આખો દેશ જીવતા જ્વાળામુખીઓનાં પ્રકોપને કારણે ઉદ્ભવતા ધરતીકંપથી વખતોવખત ધણધણી ઊઠે છે. યુગયુગાન્તરથી વિનાવેરતા ધરતીકંપમાં વિસર્જિત અને નવસર્જિત થતી એની સંસ્કૃતિ અનેક રીતે વિશિષ્ટ છે. આમ તો એ એક નાનકડો દેશ છે, પણ એની અસ્મિતા અદ્ભુત છે. બેજોડ પરિશ્રમ, અનન્ય ખુમારી, અને બેશુમાર સૌંદર્યનો ત્રિવેણી સંગમ જાણે ! અને આ સૌની ઉપર શિરમોર સમી છે, આ દેશમાં વસતી પ્રજાની શાંતિપ્રિયતા.

           “વિશ્વના અન્ય દેશોથી આ દેશને અનોખો સાબિત કરતી હકીકત એ છે કે, આ પ્રજાના મનમાં, વાણીમાં તથા વર્તનમાં છવાયેલી શાંતિ સ્વયંભૂ છે. એ બુદ્ધ, મહાવીર કે ઈસુ જેવી વિભૂતિઓએ શીખવેલી શાંતિ નથી, એ કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક ઉપદેશોમાંથી પ્રાપ્ત થયેલ ઘટના નથી; એ તો મહાવિનાશકારી ધરતીકંપોથી ધરાશાયી થઈને પુન:સર્જીત થતાં તથા બીજા વિશ્વયુદ્ધ વખતે નેસ્તનાબુદ કરી દેનારા અણુબૉમ્બના પ્રહારો ઝીલ્યા પછી પુન:જીવિત થતાં પ્રગટેલી નિષ્પાપ પારદર્શક શાંતિ છે. કોઈ પર્વત ઉપર વ્રજાઘાત થયા પછી નિર્મળ જળનાં ઝરણાં ફૂટ્યાં હોય, તેવી ઘટના. આ દેશની અસ્મિતાની તથા પ્રજાની માનસિકતાની  એ જ સાચી ઓળખાણ છે. અને એ જ ઓળખાણ અન્ય અગણિત કારણો કરતાં પણ વધારે સ્પર્શે હ્રદયસ્પર્શી રીતે જાપાનનો પરિચય કરાવે છે.” (પૃ.૩)

      પ્રવાસવૃત્તાંત સ્થળવિશેષ સાથે જોડાયેલ સાહિત્ય પ્રકાર છે. પ્રવાસી જે-તે સ્થળની મુલાકાત લઈ તે દેશ વિશે, પોતે જે જોયું, જાણ્યું, માણ્યું, અનુભવ્યું છે તેને પોતાના વિચારો થકી રજૂ કરવાનો પ્રયાસ કરે છે. અહીં લેખિકા જાપાનનાં રીત-રિવાજ અને માન્યતાનું વર્ણન કરે છે. ભારતી રાણે જાપાનનાં પ્રવાસમાં કોઈ હૉટેલ કે રિસૉર્ટમાં રહેતા નથી, પણ જાપાનના પરંપરાગત નિવાસ સ્થાનમાં રહે છે. જાપાનનું પરંપરાગત નિવાસ સ્થાનને ‘રિયૉકાન’ કહેવામાં આવે છે. રિયૉકાનમાં નિવાસ એટલે જાપાનીઝ જીવનશૈલીનો, ત્યાંની સંસ્કૃતિનો તથા જાપાનના આતિથ્યનો જીવંત અનુભવ. આપણે ત્યાં સરાઈ કે ધર્મશાળા હતી, તેનું જ આ જાપાની સ્વરૂપ. તે જમાનામાં કેટલાંક રિયૉકાન સાવ સાદાં, પ્રાથમિક સગવડવાળા હતા. અતિથિ ભલે ગરીબ હોય કે તંવગર, રિયૉકાનમાં દરેકનું સ્વાગત તથા સરભરા અત્યંત શ્રમ લઈને હૃદયપૂર્વક કરવામાં આવતી હોય છે. હાર્દિક આતિથ્યની પરંપરા આજે પણ જાપાનમાં એવી ને એવી જ જળવાયેલી જોવા મળે  છે. જાપાનીઝ ઘરોમાં પગરખાં પહેરીને પ્રવેશાતું નથી. પગરખાં કાઢીને મૂકો, ત્યાં જ કપડાંની બનેલી સપાટો મૂકેલી હોય, જે પહેરીને ઘરમાં ફરી શકાય. તેઓ પગરખાં કાઢી મોટી બધી સપાટો ચડાવે છે પણ તેમાં ચાલતાં ફાવતું નથી, એટલે એને પહેરવાનું માંડી વાળી, ખુલ્લા પગે ને ખુલ્લા મનથી જાપાનના જનજીવન સાથે હળીમળી જવાનું લેખિકા પસંદ કરે છે. 

      ‘પ્રવાસી મનુજ’, ‘રખડું પંખી’ જેવાં વિશેષણોથી એમને સંબોધી શકાય. વિશ્વના ઘણાં બધાં દેશોનો લેખિકાએ પ્રવાસ કર્યોં છે, પણ આંખ-કાન ઘરે મુકીને નહીં સરવા કરીને, તેઓ પ્રવાસે જાય છે. તેથી તેઓની સૌંદર્યદૃષ્ટિ સામાન્ય માણસ કરતાં સતેજ છે. તેનું ઉદાહરણ જોઈએ: “શહેરની જાણીતી ને અજાણી અનેક ગલીઓમાં ઘૂમ્યાં, લોકજીવનને અને પ્રજાની આસ્થાને ઓળખવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ અહીંના નિવાસ દરમિયાન સૌથી વધારે પ્રભાવશાળી  અને ચિત્તહર હતાં અહીં પુરબહાર ખીલેલાં સાકુરાનાં પુષ્પો. શહેરની ગલીઓમાં ને સીમમાં, નદીકિનારે અને બાગબગીચામાં, શહેરને ઘેરીને ઊભેલી ટેકરીઓના ઢોળાવ ઉપર અને તેને પાર ફેલાયેલાં મેદાનોમાં, જ્યાં જુઓ ત્યાં ગુલાબી ફૂલે મઢેલાં વૃક્ષો આંખોને રંગથી ને નિજાનંદથી  તરબતર કરી દેતાં હતાં. સંસ્કૃતિ અને નૈસર્ગિક સૌંદર્ય બધું જ અહીં અકબંધ સચવાયેલું છે.”  (પૃ.૮૭)

      પ્રવાસ સાહિત્યમાં સ્થળવિશેષનાં આલેખન સાથે પ્રવાસીનું વ્યક્તિત્વ, નિરીક્ષણ પણ પ્રવાસ દરમિયાન ઊપસી આવે છે. ભારતી રાણેનાં નિરીક્ષણો પણ જાપાનને લઈને કંઈક આવાં જ છે. જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અણુબોંબ ફેંકાયા હતાં. આ તવારીખ ને, આ દૃશ્યોને જાપાનની પ્રજાએ એક મ્યુઝિયમમાં સાચવીને રાખ્યાં છે. તે દૃશ્ય ફિલ્મ સ્વરૂપે પ્રવાસીઓને બતાવવામાં આવે છે. આ સ્થળની મુલાકાત ભારતી રાણે લે છે. આ ફિલ્મનું દૃશ્ય હ્રદયદ્રાવક છે. લેખિકા પણ આ બધું જોઈને હચમચી જાય છે, અને મનોમન પ્રાર્થના કરે છે કે જાપાનના લોકો પર વિત્યું તેવું કોઈનાં પર ન વિતે. એમને આ બધું શાંતિથી સહન કર્યું છે પણ આવું બીજી કોઈ પ્રજાને ન થાય. દરેક પ્રવાસીની આંખો આ દૃશ્ય જોઈને ભીની થઈ જાય છે. કોમળ હ્રદયનાં ભારતી રાણેનાં સ્મૃતિપટથી આ દૃશ્ય જતું નથી. એમની આંખો પણ ભીની થઈ જાય છે.

   ‌ “ભૂરી સળગતી ચિનગારીઓ મારી ચામડી ઊતરડી રહી છે. રક્તરંજિત આંખોમાં સૂરજ પણ ધૂંધળો છે. કાંકરીયાળી રેતી પર, લડખડાતા પગલે, વાંસનો સહારો લઈને હું ભાગ્યો. કોઈનાં આંસુ હાડકાં પર ચમકી રહ્યાં છે. સડક પર પોતાના મૃત શિશુને વળગીને બેઠેલી એક મા   કાળા લોહીની ઊલટી કરતી કરગરી રહી છે. ‘બળતરા થઈ રહી છે મા, બહુ બળતરા થઈ રહી છે !’ નશીલી જેવી એની આંખો, ચિનગારીઓથી બળી ગયેલાં કપડાં – હાઈસ્કૂલમાં ભણતો એ છોકરો દર્દથી તરફડતો લોહીના પરપોટા કાઢી રહ્યો છે. રૂંવાડા ઊભા થઈ જાય તેવા આકાશ તરફ ઊઠેલા હાથ શું માગી રહ્યા છે ? જીવન કે મૃત્યુ ? દૂષિત ચહેરા નદીમાં વહી રહ્યા છે… કાટમાળ વચ્ચે બચી ગયેલાં લોકો જીવ લઇને શહેર તરફ ભાગી રહ્યાં હતાં. એમની ચામડી શરીર પરથી નીચે લબડી રહી હતી. એમને સમજાતું પણ નહોતું  કે આ શું થઈ ગયું?  મેંશ અને ધૂળથી ખરડાયેલાં શરીર લોહીથી લથબથ એવાં ચીંથરેહાલ કપડે, લથડતા પગલે સુરક્ષિત સ્થાન શોધી રહ્યાં હતાં. બળબળતા શહેરથી મહામુશ્કેલીએ ભાગેલાં એ લોકોમાંથી થોડાકને જ હોસ્પિટલમાં જગ્યા કે દવાઓ મળી શકી અને તેમનો ઈલાજ થઈ શક્યો. જેને જ્યાં જગ્યા મળી ત્યાં જ આડું પડી ગયું. કોઈ પાણી, પાણી એમ પોકારી રહ્યું હતું. એ લોકોમાંથી કેટલાંયે લોકો પાણી પીધા વગર તથા પોતાના પરિવારને મળ્યા વગર જ  તરફડી-તરફડીને મૃત્યુ પામ્યાં… અણુબૉમ્બનાં વિકિરણોને કારણે પીગળતા મીણ જેવું  ઓગળી રહેલી આંગળીઓ તથા લબડી રહેલી ચામડીવાળાં મનુષ્યોનાં પૂતળાં દેખાય છે. એ જ દૃશ્ય તરફ તાકી રહેતી હું, એ ને એ જ વાક્યો ફરીફરીને સાંભળતી રહું છું. સમયને પાર પહોંચી જવાયું છે. આસપાસની દુનિયાનું  જાણે  કોઈ મહત્વ જ રહ્યું નથી. સમસંવેદનથી પૂર્ણતઃ દ્રવિત હ્રદય આંખોમાં વહી આવ્યું છે. પળભર તો થાય છે કે, આગળનું કશુંય જોઈ શકવાની માનસિક ક્ષમતા બચી નથી. મહામુશ્કેલીથી મન મક્કમ કરીને આગળ વધુ છું.” (પૃષ્ઠ-૧૪)

     આ પુસ્તકની બીજી એક વિશેષતા એ છે કે  લેખિકાએ જે સ્થળની મુલાકાત લીધી છે તેનાં રંગીન સચિત્ર ફોટાઓ આપ્યાં છે. જેમાં સ્થળોનાં ચિત્રોને આવરી લેવામાં આવ્યા છે, એટલે તેને લીધે  ભાવક વાંચન સાથે જે-તે પ્રવાસન સ્થાનનાં ફોટાઓ જોઈને જાતે પ્રવાસ કર્યાનો આનંદ માણી શકે છે. વિવિધ પ્રકરણનાં નામ જે-તે પ્રવાસનાં સ્થળને અનુલક્ષીને આપેલ છે. એક પ્રવાસમાં ઘણાંબધાં દેશમાં ફરી લેવું, તેવું જે ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં જોવા મળે છે. તેનાંથી તદ્દન સામા પક્ષે ભારતી રાણેનાં પ્રવાસવૃત્તાંત છે. તેઓ ઘણા વર્ષોથી વિશ્વ પ્રવાસ કરે છે પણ નિરાંતે. એક પ્રવાસમાં એક દેશને જ જોવા, જાણવાં, અનુભવવાની તેમની ઈચ્છા હોય છે. આથી ભારતી રાણેનાં  પ્રવાસ વૃત્તાંત વાંચતા સમયે પ્રવાસિની ભાવકની આંગળી પકડીને ચાલતા હોય તેવી અનુભૂતિ થાય છે.

              અહીં  ‘સાકુરા સંગાથે’ શીર્ષક યોગ્ય સાર્થક થાય છે. સાકુરાના ફૂલો ખીલવાનાં સમયે જાપાનનાં પ્રવાસે જવાનું થાય છે. આ સમયે જવાનું થાય તેવું લેખિકા વર્ષોથી સપનું સેવતા હતા, થોડાં સમયનાં અંતરાલ બાદ આ સ્વપ્ન સાકાર થાય છે. સાકુરાનાં ફૂલોની સુવાસ સાથે એમનો જાપાન પ્રવાસ પણ સુવાસિત થાય છે.

સંદર્ભ ગ્રંથ-‘સાકુરા સંગાથે’-ભારતી રાણે, પ્રકાશન-ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ

કુવાડિયા અસ્મિતા આર., શોધછાત્રા, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર, યુનિવર્સિટી, ભાવનગર. EMAIL:asmitakuvadiya17@gmail.com

Prayas An Extension … a peer reviewed literary e -Magazine ISSN:2582-8681 Volume 5 issue 4 July – August 2024