સત્યના પ્રયોગોને આધારે ગાંધીજીની વાંચનયાત્રા

– ભીખાભાઈ દેસાઈ

“જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો એટલું વધુ શીખશો, જેટલું વધુ શીખશો એટલા વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે.”

  • Dr. Seuss( American author)

પુસ્તકોનું વાંચન એ એક એવું ઉપકરણ છે, જે આપણી મનની સર્જનશક્તિને પાંખો આપે છે. પુસ્તકમાં એક આખી સર્જેલી દુનિયા ધરબાઇને સુષુપ્ત અવસ્થામાં પડી હોય છે. વાંચીએ ત્યારે તે જીવંત બની જાય છે.

          “સારા પુસ્તકો રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો બહારથી જ પ્રકાશતા હોય છે, જ્યારે સારા પુસ્તકો વ્યક્તિને અંદરથી જ્ઞાન દ્વારા પ્રકાશિત કરતાં હોય છે.”                                    – ગાંધીજી

          આમ, આપણા જીવનમાં વાંચનનું અનેરું મહત્વ છે. પુસ્તકો એ હજારો વર્ષોથી જ્ઞાન વહાવતું અને વહેંચતું  છે. અહીં, આપણે ગાંધીજીએ જે પુસ્તકો વાંચ્યાં છે અને તેમની આત્મકથામાં તેનો ઉલ્લેખ કર્યો છે તેવા પુસ્તકો પર દૃષ્ટિપાત કરીએ. ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકોનું વાંચન કર્યું જે તેમના વિચારોમાં વ્યક્ત થયું છે અને તેને આચરણથી અમલમાં મુક્યું છે. ગાંધીજીએ ધર્મ વિષયક, ખોરાક વિષયક, કાયદાનાં તેમજ બાળ ઉછેરના પુસ્તકનું પણ વાંચન કર્યું છે. ગાંધીજીને જ્યારે જ્યારે સમય મળતો ત્યારે તેઓ પુસ્તકોનું વાંચન કરતા, કેટલાક પુસ્તકોએ ગાંધીના જીવનમાં ખૂબ ઊંડી છાપ પાડી છે. પુસ્તકોના વાંચનથી ગાંધીના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું તો તે ક્યાં પુસ્તકો છે જેણે ગાંધીને માનવમાંથી મહામાનવ બનાવ્યા?

સૌપ્રથમવાર ગાંધીજી તેમના પિતાશ્રીએ ખરીદેલું પુસ્તક ‘શ્રવણપિતૃભક્તિ નાટક’ અતિશય રસપૂર્વક વાંચી જાય છે. આ પુસ્તકની ગાંધીજીના બાળ માનસ ઉપર ઊંડી છાપ પડી. ગાંધીજીએ મનમાં એમ થયું કે મારે પણ શ્રવણ જેવું થવું.

ગાંધીજીના વિવાહ થયા તે દિવસોમાં નિબંધોનાં નાનાં ચોપનિયાં નીકળતાં. એમાં દંપતીપ્રેમ, કરકસર, બાળલગ્ન વગેરે વિષયો ચર્ચવામાં આવતા. જેમાં ગાંધીજી ‘એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે’. એવું વાંચે છે. જેનું માઠું પરિણામ એ આવ્યું કે ગાંધીજી એવું માને છે કે ‘જો મારે એકપત્નીવ્રત પાળવું જોઇએ તો પત્નીએ એકપતિવ્રત પાળવું જોઇએ’. આ વિચારથી ગાંધી અદેખા ઘણા બન્યા.

ગાંધીજી તેમના પિતાજીના પુસ્તકસંગ્રહમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર વાંચે છે. તેઓ નોંધે છે કે મનુસ્મૃતિમાં જગતની ઉત્પત્તિ વગેરેની વાતો વાંચી તેના પર શ્રધ્ધા ન બેઠી. ઊલટી કંઈક નાસ્તિકતા આવી. મનુસ્મૃતિ વાંચીને ગાંધી અહિંસા ન શીખ્યા. માંસાહારને મનુસ્મૃતિ ટેકો આપે છે. સર્પાદિ અને માંકડ આદિને મારવા એ નીતિ છે એમ પણ લાગ્યું. એ સમયે ઘર્મ ગણી માંકડ આદિનો નાશ પણ કર્યો.

ગાંધીજી વકીલાતનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ જાય છે ત્યારે “ડેલી ન્યૂસ”, “ડેલી ટેલિગ્રાફ”, અને “પેલમેલ ગેઝેટ” જેવાં વર્તમાનપત્રો વાંચે છે.

ગાંધીજી સોલ્ટનું ‘અન્નાહારની હિમાયત’ નામનું પુસ્તક વાંચે છે. આ પુસ્તકની ગાંધીજી ઉપર સારી છાપ પડી. આ પુસ્તક વાંચ્યાની તારીખથી ગાંધીજી મરજિયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા.

હાવર્ડ વિલિયમ્સનું “આહારનીતિ” પુસ્તક ગાંધી વાંચે છે. આ પુસ્તકમાં જુદા જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો, પેગંબરોના આહારનું અને તે વિશેના તેમના વિચારોનું વર્ણન છે. પાઈથાગોરસ, ઈશુ, ઇત્યાદિને તેણે કેવળ અન્નાહાર કરનારા સિધ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. દા.મિસિસ એના કિંક્સફર્ડનું ‘ઉત્તમ આહારની રીત’ નામનું પુસ્તક ગાંધી વાંચે છે.

આરોગ્ય ઉપરના દા.એલિન્સનના લેખો પણ ઠીક મદદગાર નીવડ્યા. દવાને બદલે કેવળ ખોરાકના ફેરફારથી જ દર્દીને સારો કરવાની પધ્ધતિનું તે સમર્થન કરે છે.

વિલાયતમાં ગાંધીજી તેમના બે થિયૉસોફિસ્ટ મિત્રોની સાથે એડવિન આર્નલ્ડ્નો ગીતાજીનો અનુવાદ વાંચે છે. ભગવદ્દગીતા અમૂલ્ય ગ્રંથ છે તેમ તે સમયે ગાંધીજીને લાગ્યું. તત્વજ્ઞાનને સારું તેને સર્વોત્તમ ગ્રંથ ગણે છે. ગાંધીજી જ્યારે જ્યારે નિરાશ થયા તે સમયે આ ગ્રંથે તેમને સહાય કરી તેવું જણાવે છે. ગાંધીજી ભગવદ્દગીતાના અંગ્રેજી તરજુમા લગભગ બધા વાંચી ગયા પણ એડવીન આર્નલ્ડનો અનુવાદ તેમને શ્રેષ્ઠ લાગ્યો.

ગાંધીજી આર્નલ્ડનું ‘બુદ્ધચરિત્ર’ ભગવદ્દગીતા કરતાં પણ વધારે રસથી વાંચે છે. આ પુસ્તક હાથમાં લીધા પછી ગાંધીજી તેને પુરું કર્યે જ છોડી શક્યા.

મેડમ બ્લેવેટ્સ્કીનું પુસ્તક “કી ટુ થિયોસોફી” ગાંધી વાંચે છે. આ ઉપરથી હિંદુ ધર્મનાં પુસ્તકો વાંચવાની ઈચ્છા થઈ અને હિંદુ ધર્મ વહેમોથી જ ભર્યો છે એવો અભિપ્રાય પાદરીઓને મુખેથી સાંભળતો તે મનમાંથી ગયો.

ગાંધીજી બાઈબલ વાંચવાનું શરૂ કરે છે. પણ “જુનો કરાર” વાંચી જ ન શક્યા. “જેનેસિસ” સૃષ્ટિમંડાણ ના પ્રકરણ વાંચતા ઊંઘ જ આવે તેવી નોંધ ગાંધીજી કરે છે. “નંબર્સ” નામનું પ્રકરણ વાંચતાં અણગમો થયો હતો એવું તે કબુલે પણ છે. જ્યારે “નવા કરાર” ઉપર આવ્યા ત્યારે જુદી જ અસર થઈ. ઇશુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે તેમણે હ્રદયમાં ઉતાર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે તેની સરખામણી કરી. “તારું પહેરણ માંગે તેને અંગરખું આપજે”, “તને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે”. એ વાંચીને ગાંધીજીને અપાર આનંદ થયો.

કાર્લાઇલનું “વિભૂતિઓ અને વિભૂતિપૂજા” પુસ્તક ગાંધીજી વાંચે છે. આ પુસ્તકમાંથી પેગંબર વિશે વાંચી ગયા. તેમને મહત્તાનો, વીરતાનો ને તનની તપશ્વર્યાનો ખ્યાલ આવ્યો.

ગાંધીજી નાસ્તિકતા વિશે પણ વાંચે છે. બ્રેડલોનું નામ બધાય હિંદી જાણે જ. બ્રેડલો નાસ્તિક ગણાય. તેથી તેમની વિશેનું કંઈક પુસ્તક વાંચ્યું. કયું પુસ્તક વાંચ્યું તેનું નામ ગાંધી ભૂલી ગયા. પરંતુ ગાંધીજી નોંધે છે કે તે પુસ્તકની મારા ઉપર કંઈ જ છાપ ન પડી.

મિસિસિ બેસંટ નાસ્તિક મટી આસ્તિક થયાં હતાં. “હું થિયોસોફિસ્ટ કેમ બની?” એ મિસિસ બેસંતનું ચોપાનિયું ગાંધીજીએ વાંચી લીધું હતું.ગાંધીજી કાયદાના અભ્યાસના ભાગરૂપે “રોમનલો” લેટિનમાં વાંચી ગયા.બ્રૂમનું “ કોમન લો” નામનું મોટું પણ રસિક પુસ્તક ગાંધીજી વાંચે છે.સ્નેલની “ઈક્વિટી” માં રસ આવ્યો, પણ સમજતાં દમ નીકળ્યો.વિલિયમ્સને એડવર્ડઝનાં સ્થાવર મિલકત ઉપરનાં પુસ્તક ગાંધી વાંચે છે જેમાં વિલિયમ્સનું પુસ્તકતેમને નવલકથા જેવું લાગ્યું. તે વાંચતાં કંટાળો જ ન આવ્યો. ગુડીવનું જંગમ મિલકતનું પુસ્તક ગાંધીજી રસપૂર્વક વાંચી શક્યા. ગાંધીજી હિન્દુસ્તાન આવ્યા પછી મેઇનનું “હિંદુ લો” નામનું પુસ્તક ખૂબ રસપૂર્વક વાંચે છે. પણ કેશ ચલાવવાની હિંમત ન આવી.

મિ.ફ્રેડરિક પિંકટે ગાંધીજીને મેલેસનનું ૧૮૫૭ના બળવાનું પુસ્તક વાંચવા કહ્યું. મેલેસનનું પુસ્તક ગાંધીજી દક્ષિણ આફ્રિકા જઈને વાંચે છે.

મિ.ફ્રેડરિક પિંકટે મનુષ્ય ઓળખને સારૂ લેવેટર અને શેમલપેનિકનાં મુખસામુદ્રિક વિદ્યા (ફિઝિયોગ્નોમિ) ઉપરનાં પુસ્તક વાંચવા કહ્યું લેવેટરનું પુસ્તક ખરીદ્યું અને વાંચ્યું, પણ તે તો સ્નેલના પુસ્તક કરતાં પણ અઘરું લાગ્યું. રોમલનિંકનું પુસ્તક તે દુકાને ન મળ્યું. કાયદામાં જમાઉધાર વિશે શીખવા માટે તથા કેસની સમજણ મેળવવા માટે નામાની ચોપડી ખરીદીને વાંચે છે.

ઇ.સ. ૧૮૯૩માં સિટી ટેમ્પલવાળા દા.પારકરની ટીકા તથા પિયર્સનનાં “મેનિ ઇનફોલિબલ પ્રુફ્સ” એટલે ઘણા સચોટ પુરાવા જેવાં પુસ્તક વાંચ્યાં. પિયર્સનનાં આ “મેનિ ઇનફોસિબલ પ્રુફ્સ” પુસ્તક બાઇબલમાં જે ધર્મ કર્તાએ જોયો તેના સમર્થનમાં પુરાવા રજૂ કરે છે. આ પુસ્તકની ગાંધીજી ઉપર કંઈ જ છાપ પડી નહીં.

બટલરની “એનેલોજી” પુસ્તક વાંચ્યું. ગાંધીજીને બટલરની એનેલોજી બહુ ગંભીર ને કઠણ પુસ્તક લાગ્યું. તે પાંચ-સાત વાર વાંચવું જોઇએ. તે નાસ્તિકને આસ્તિક બનાવવા સારું લખાયેલું પુસ્તક જણાયું. ગાંધીજીએ સેલનું કુરાન ખરીદીને વાંચ્યું.

એડવર્ડ મેટલેંડ અને એના કિંગ્સફર્ડ બંનેએ સાથે મળીને “પરફેક્ટ વે” (ઉત્તમ માર્ગ) નામનું પુસ્તક લખ્યું હતું તે ગાંધીજી વાંચે છે. આ પુસ્તકમાં પ્રચલિત ખ્રિસ્તી ધર્મનું ખંડન હતું. “બાઇબલનો નવો અર્થ” નામનું પુસ્તક પણ ગાંધી વાંચે છે. આ પુસ્તકોના વાંચનથી હિંદુ મતને પુષ્ટિ મળી.

ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : (૧) રાયચંદભાઇ (કવિ રાયચંદ અથવા રાજચંદ્ર) તેમના જીવંત સંસર્ગથી, (૨) ટૉલ્સટૉય તેમના “વૈકુંઠ તારા હ્રદયમાં છે” નામનાં પુસ્તકથી (૩) રસ્કિન “અનટુ ધિસ લાસ્ટ” નામનાં પુસ્તકથી ગાંધીજીને ચકિત કરે છે.

ગાંધીજી ટોલ્સટોયનું “વૈકુંઠ તારા હ્રદયમાં છે” પુસ્તક વાંચે છે. ગાંધીજી કહે છે કે આ પુસ્તકે મને ઘેર્યો. તેની છાપ મારા ઉપર બહું ઊંડી પડી. આ પુસ્તકની સ્વતંત્ર વિચારશૈલી, તેની પ્રૌઢ નીતિ, તેના સત્ય આગળ મિ.કોટ્સે આપેલાં બધાં પુસ્તકો શુષ્ક લાગ્યાં.

રાયચંદભાઇએ કેટલાંક પુસ્તકો મોકલ્યાં તે પણ ગાંધીએ વાંચ્યાં. તેમાં “પંચીકરણ”, “મણિરત્નમાળા”, યોગવાસિસ્ઠનું “મુમુક્ષુ પ્રકરણ”, હરિભદ્રસુરિનું “ષડદર્શન-સમુચ્ચ્ય” ઇત્યાદિ હતાં.ગાંધીજી નર્મદાશંકરનું “ધર્મવિચાર” પુસ્તક ધ્યાનપૂર્વક વાંચે છે. મેક્સમૂલરનું પુસ્તક “હિંદુસ્તાન શું શીખવે છે?” ગાંધીજી બહુ રસપૂર્વક વાંચે છે.

થિયોસોફિકલ સોસાયટીએ પ્રગટ કરેલ ઉપનિષદનું ભાષાંતર વાંચે છે. આમ, આવા વાંચનથી ગાંધીજીનો હિંદુ ધર્મ પ્રત્યેનો આદર વચ્યો. હિંદુ ધર્મની ખૂબી તેઓ સમજવા લાગ્યા. પરંતુ બીજા ધર્મો પ્રત્યે ગાંધીજીએ અભાવ ન થયો.

વૉશિગ્ટન અરવિંગકૃત ‘મહમદનું ચરિત્ર’ અને કાર્લાઇલની ‘અહમદસ્તુતિ’ વાંચ્યાં. જેનાથી પેગંબર પ્રત્યે ગાંધીનું માન વધ્યું, ‘જરથુસ્તનાં વચનો’ નામનું પુસ્તક પણ ગાંધીએ વાંચ્યું.

ટોલ્સટૉયનાં પુસ્તકોનું વાંચન વધારવાં તેનું ‘ગોસ્પેલસ ઇન બ્રીફ’ (નવા કરારનો સાર) અને ‘વોટ ટુ ડુ’ (ત્યારે કરીશું શું?) વગેરે પુસ્તકોની ગાંધી ઉપર ઊંડી અસર પડી. આ પુસ્તકોના વાંચનથી વિશ્વપ્રેમ મનુષ્યને ક્યાં લગી લઈ જઈ શકે છે એ ગાંધીજી વધારે ને વધારે સમજવા લાગ્યા.

ગાંધીજી ‘લાઇટ ઓફ એશિયા’ પુસ્તક વાંચે છે. ગૌતમ બુધ્ધની દયા મનુષ્યજાતને ઓળંગી બીજાં પ્રાણીએ સુધી ગઈ.

ગાંધીજી બાળઉછેરનો પણ અભ્યાસ કરે છે. દા.ત. ત્રિભોવનદાસનું ‘માને શિખામણ’ પુસ્તક વાંચે છે. તેમાં સુધારા-વધારા સાથે છેલ્લાં બે બાળકોને ગાંધીજી જાતે જ ઉછેરે છે. ગાંધીજી પોતાના છેલ્લા બાળકના જન્મ વખતે પ્રસવનું બધું કામ જાતે જ કરે છે. ગાંધીએ આ વિષય ‘માને શિખામણ’ માંથી સૂક્ષ્મ રીતે વાંચી લીધો હતો. તેથી તેમને ગભરાટ ન થયો.

ગાંધીજીએ જોયું કે, પોતાનાં બાળકોને યોગ્ય રીતે ઉછેરવાં હોય તો મા અને બાપ બંનેએ બાળકોના ઉછેર વગેરેનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઇએ.

ગાંધીજી વિવેકાનંદનો ‘રાજયોગ’ પણ વાંચે છે તો સાથે સાથે ‘પાતંજલ યોગદર્શન’ પણ વાંચે છે.

ગાંધીજી ગીતાનો અભ્યાસ શરૂ કરે છે. ગાંધીજી સવારે દાતણ અને સ્નાનનો સમય ગીતાના શ્લોક કંથસ્થ કરવા ઉપયોગમાં લે છે. આમ કરીને તેર અધ્યાય મોઢે કરે છે. ગીતા ગાંધીજી માટે તો આચારનું એક પ્રૌઢ માર્ગદર્શકરૂપ પુસ્તક થઈ પડ્યું. આ પુસ્તક ગાંધીજી માટે ધાર્મિક કોષ થઈ પડ્યું. આચારની મુશ્કેલીએ, તેના અટપટા કોરડા ગાંધીજી ગીતાજી પાસે ખોલાવતા. ટ્રસ્ટીની પાસે કરોડો હોય છતાં તેમાંની એક પાઈ તેની નથી, તેમ મુમુક્ષુએ વર્તવું રહ્યું એમ હું ગીતાજીમાંથી સમજ્યો.

ગાંધીજી જુસ્ટ નામનાં લેખકનું ‘રિટર્ન ટુ નેચર’ (“કુદરત તરફ વળો”) નામનું પુસ્તક વાંચ્યું. સૂકાં ને લીલાં ફળ જ મનુષ્યનો કુદરતી ખોરાક છે એ વાતનું આ લેખકે બહુ સમર્થન કયું છે. આ પુસ્તકના વાંચનથી ગાંધીજી માટીના ઉપચાર તરત શરૂ કરે છે તેની તેમના ઉપર અજાયબી ભરેલી અસર થાય છે.

ગાંધીજી જ્યારે જોહાનિસબર્ગની નાતાલ ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે ગાંધીજીને સ્ટેશન ઉપર મૂકવા આવેલા પોલાક નામના વ્યક્તિએ આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો તમને ગમશે, તેવું કહીને રસ્કિનનું “અન ટુ ધિસ લાસ્ટ” પુસ્તક ગાંધીજીના હાથમાં મૂક્યું,

ગાંધીજી નોંધે છે કે – જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. આવા પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ પુસ્તક જ કહેવાય. તેનો મેં પાછળથી તરજૂમો કર્યો, ને તે “સર્વોદય” નામે છપાયેલું છે. જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનનાં ગ્રથરત્નમાં જોયું, ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો.

ગાંધીજીની વાંચનયાત્રા ઘણી વિશાળ છે. અહીં, આપણે ગાંધીજીએ વાંચેલા અને ‘સત્યના પ્રયોગો’ આત્મકથામાં ઉલ્લેખ કરેલાં પુસ્તકોની જ રજૂઆત કરી છે. ગાંધીજીએ બાળપણમાં ઘણું જૂજ વાંચન કરેલ છે. ગાંધી જ્યારે વકીલાતનો અભ્યાસ કરવા વિલાયત જાય છે ત્યારે તેમનું વાંચન વધે છે. વળી દક્ષિણ આફ્રિકા નિવાસ દરમિયાન પણ ગાંધીજીની વાંચનયાત્રા સારી પેઠે ચાલી છે. ભારતમાં આવ્યા બાદ ગાંધીજીનો મોટાભાગનો સમય દેશની આઝાદી માટેનાં કાર્યોમાં તેમન દેશના લોકોની સમસ્યાઓના નિવારણમાં વીતવા લાગ્યો. છતાં પણ જ્યારે ગાંધીજી જેલમાં ગયા ત્યારે તેમણે પુષ્કળ વાંચન કર્યું હતું. ગાંધીજી રોજ અનેક પત્રો વાંચતા અને તેના જવાબ પણ આપતા. ગાંધીજીનું બહોળું વાંચન આપણને વર્તમાન સમયમાં આપણા દિનપ્રતિદિન ઘટતા જતા  વાંચન વધારવા માટે પ્રેરણા પૂરી પાડશે. ગાંધીનું વાંચન જોઈને આપણને પણ નવું વિચારવા અને વાંચવા પ્રોત્સાહન મળશે.

સંદર્ભ: સત્યના પ્રયોગો અથવા આત્મકથા, લેખક : ગાંધીજી (પ્ર.આ – ૧૯૨૭, પુનર્મુદ્વણ – માર્ચ ૨૦૧૪) નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.

ભીખાભાઈ વી. દેસાઈ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, મો.નં: 8980275149 / 9687544950, ઇ-મેઈલ: bhikhajetalpura9371@gmail.com