જીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. જૂની ટેવો-કુટેવો કોરોનાનાં દુઃસ્વપ્નને ધૂંધળું બનાવીને નિત્યધર્મ પ્રત્યે પુનઃ સક્રિય થઈ રહી છે. નિશાળોની ઘંટડીઓ ફરી રણઝણી રહી છે. ઉચ્ચારણોની અશુદ્ધિઓ સાથે ભાવપૂર્ણ પ્રાર્થનાઓનાં પ્રલંબ ગાનથી વિદ્યાલયો પુનઃ ધબકતાં થયા છે. વરસાદની કંજૂસી અને ઉત્સવોની યાંત્રિક શુષ્કતા વચ્ચે હમણાં થોડાં દિવસોથી રિયલ અને વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં ચહુદિશ ઝવેરચંદ મેઘાણીનો જયજયકાર ગાજી રહ્યો છે. મેઘાણી માટે વિવિધ પદક્રમ સાથે અનેકવાર કહેવાયેલું વાક્ય સાંભળવા મળી રહ્યું છે: “અનેક વિશ્વવિદ્યાલયો કરી શકે એટલું કામ માત્ર આ એક વ્યક્તિએ અલ્પ આયુષ્યમાં કરી બતાવ્યું.”
મેઘાણી દૂરંદેશી મનીષી હતા. એવી એવી લોભામણી વાતોના અહીં વિધાનો નથી કરવા, પણ એટલું કહ્યા વિના રહી શકાતું નથી કે સમયસરિતાના સ્થિર ભાવે સરી જતા પ્રચંડ ગતિશીલ પ્રવાહનાં તાણને મેઘાણીએ સમયસર પારખ્યું. કીડી અને ઉધઇની દાઢ કરતા પણ ઝીણી દાઢે મહાન સંસ્કૃતિઓને ચાવી જનાર કાલદેવતાની દાઢમાં ભરડાઈને ભૂકો થઈ રહેલા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાંસ્કૃતિક ચૈતન્યને મેઘાણીએ શબ્દના શિલાલેખોમાં કંડારવાની શક્યતમ શીઘ્રતાથી શરૂઆત કરી દીધેલી અને એના પરિપાક રૂપે, ગુજરાતી ભાષાના પુણ્યે જે કંઈ સંચિત કરી શકાય તે આ એક ફાંટ ભરીને પુસ્તકોનાં પાને સંઘર્યું અને ગુજરાતનાં હૃદયે ધર્યું. આજે આપણે સહુ મેઘાણીના શબ્દોને ધોઈ-ધફોઈને, ઉટકી-માંજીને ચકચકીત કરવાની પોડાબારશ ઉજવી તો રહ્યાં છીએ. પણ આ પુરાતન ચળકાટને આવનારી પેઢીનાં અંતર દર્પણો સુધી પહોંચાડવાની જવાબદારી સહિયારી છે. સામાં પક્ષે નવી પેઢી પાસે પણ એટલી અપેક્ષા રહે છે કે, તે મેઘાણીના શબ્દને માત્ર ડાયરાઓ, જયજયકાર, હાહાકાર, અને દેકારામાં ગુમાવી ન બેસે, પરંતુ મેઘાણીનાં હૃદયમાં રાષ્ટ્રભાવનાની જે જ્યોત હતી, તેમાં નવા તેલ પૂરી એને અખંડ જગતી રાખે.
આટલી અરદાસ સાથે ‘પ્રયાસ’નો વધુ એક અંક આપને અર્પણ…
સ્થળ: ભાવનગર
તારીખ : ૩૧ ઑગસ્ટ, ૨૦૨૧