સંપાદકીય

અતિરેકનો યુગ

સાંપ્રત સમયમાં જે પણ થાય તેનો અતિરેક થતા વાર નથી લગતી. ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સાંપ્રત સમય ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો છે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. આજે ભારતમાં જ ૭૦૦ મિલિયન (એટલે કે ૭૦૦૦૦૦૦૦૦) ઈંટરનેટ યુઝર છે. ફેસબૂક, ટવીટર, વોટ્સએપ, યુટ્યુબ વગેરે અનેક પ્લેટફોર્મ છે.  આ તમામ માધ્યમોમાં સર્જનાત્મક અભિવ્યક્તિની પણ ભરમાર જોવાં મળે છે. આજનો સર્જક મોટાભાગે પોતાનાં સર્જનને પ્રથમ કોઈને કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરે છે. 

          કોઈ સર્જક કોઈ એક પ્રકારનો નવોન્મેષ પ્રગટાવી ખૂબ બધી કોમેન્ટ્સ મેળવે તો બીજા અનેક સર્જકો એવા જ પ્રકારના નાવોન્મેષો પ્રગટાવી પોતાની ઓળખ સ્થાપિત કરે-કરવા માથે છે. તેમાં ટેક્નોલોજી સહાયક-ઉપકારક સાબિત થાય છે. ઉ.ત. કોઈ સર્જક દિન વિશેષ નિમિત્તે કાવ્ય રચે અને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરે. થોડી જ કલાકોમાં ડિજિટલ પ્લેટફોર્મ પર એ દિન વિશેષ નિમિત્તેના કાવ્યોની ભરમાર થાય. ભાવક-વાચકને પણ પોતાની પસંદગીનું વાંચન શોધવા મથામણ કરવી પડે. પરિણામે ભાવક-વાચક ધીમેધીમે સાહિત્ય-કલાથી વિમુખ થતો જશે, થઇ રહ્યો છે. 

          આવાં અતિરેકના યુગમાં સર્જકો અને ભાવકોને યોગ્ય પ્લેટફોર્મ અને સામગ્રી પૂરી પાડે એવાં  ડિજિટલ પ્લેટફોર્મ- ડિજિટલ પ્લેટફોર્મ પરનાં સામયિકોની પણ તાતી જરૂર છે. આવા સમયે ગુજરાતી ભાષાનાં મોટાભાગનાં સામયિકોએ નવાં કલેવર ધારણ કરવાં જરૂરી છે. આવા સમયના પટ પર કેટલાંક ગુજરાતી ભાષાનાં સામયિકો આરંભથી જ ડિજિટલ સ્વરૂપની નેમ સાથે કાર્ય કરી રહ્યાં છે. એમાંનું એક એટલે ‘પ્રયાસ’.

          વિશેષ નોંધ : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ આરંભ થઇ ચૂક્યો છે. કેટલાંક દેશો વચ્ચે પણ યુદ્ધ થવાની સંભાવનાઓ છે, એમાં ભારત-પાકિસ્તાન, ચીન-તાઇવાન, ઉત્તર કોરિયા- દક્ષિણ કોરિયા જેવાં નામો હાલ ગણાવી શકાય. યુદ્ધની કથાઓ આનંદ આપનારી હોય છે પણ યુદ્ધ નહીં. તમામ કલાઓએ અને કલાકારોએ યુદ્ધો રોકવા તરફ પોતાની કલાને વાળવી પડશે. એમાં કલાત્મકતાનો ભોગ પણ લેવાશે. આ સદીમાં જો શાંતિ સ્થાપી નહીં શકાય તો….  તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨