લલિતકલાઓમાં સર્વશ્રેષ્ઠ કળા તરીકે સાહિત્યકલા બિરાજમાન છે. સાહિત્યમાંથી નર્યો આનંદ જ અભિપ્રેત હોય છે. ઉપદેશ ઈત્યાદી પછીના ક્રમે આવે છે. વર્તમાન સમયમાં ટેક્નોલોજીનાં વ્યાપક ઉપયોગને કારણે દેશ વિદેશમાં સર્જાયેલાં અને સર્જાતા સાહિત્યથી સાહિત્યરસિકો તેનું રસપાન કરી શકે છે. સમૂહમાધ્યમોનાં જમા-ઉધાર એમ બન્ને પાસા હોવાનાં જ. પરંતુ સાહિત્યરસિકોને પહેલાં જે સાહિત્ય ઝડપથી સપર્કમાં નહોતું આવતું અને હવે ઝડપથી હાથવગું થાય છે એ જમા પાસું ક્યારેય ભૂલવું ન જોઈએ. આંગળીનાં ટેરવે મનપસંદ કૃતિનું રસપાન કરી શકે છે આ સમૂહમાધ્યમનાં વ્યાપના કારણે. થોડા વર્ષો પૂર્વે સાહિત્યકૃતિઓ અને સાહિત્યિક સામયિકોની કાગડોળે રાહ જોવી પડતી હતી પરંતુ વર્તમાન સમયમાં કૃતિ કે સામયિક પ્રગટ થતાની સાથે જ ભાવકો સુધી પહોંચી જાય છે અને હાલમાં તો ઘણાં સામયિકો ઓનલાઈન માધ્યમથી જ પ્રગટ થતાં હોય છે. ઓનલાઈન માધ્યમથી પ્રગટ થવાને કારણે કાગળનો ઉપયોગ આપો આપ ટાળી શકાય છે. જેના પરિણામે પ્રકૃતિ બચાવમાં એક નાનકડું યોગદાન આપ્યાનો સંતોષ મળે છે.
હમણાં હમણાં આપણે સૌએ ઘણાં બધા સંકટોનો સામનો કર્યો છે. આ મહામારીમાં મનોબળ મજબુત રાખવામાં કળાકૃતિઓનું યોગદાન ઘણું છે. આ કળાકૃતિઓમાં ઘણીબધી કૃતિઓ અને સામયિકો ઓનલાઈન માધ્યમથી જ પ્રગટ થયાં છે અને માનવમનને ખોરાક આપતાં રહ્યાં છે. આ સામયિકોમાં ‘પ્રયાસ’ સામયિકનો પણ નાનકડો ફાળો છે એમ કહી શકાય.
આપ સૌ જાણો છો કે ‘પ્રયાસ’ દર બે મહિને પ્રગટ થતું કળા અને સાહિત્યને આવરી લેતું સામયિક છે. સર્જન, સમીક્ષા, આસ્વાદ, ચિત્ર, ફોટોગ્રાફી વગેરે પાસાને અહીં આવરી લેવામાં આવે છે. આપ સૌ ભાવકોનો બમણો સાથ સહકાર મળતો રહે એવી અપેક્ષા સહ.
સંપાદક
પ્રયાસ સમિતિ
ડૉ. વિપુલ કાળિયાણીયા, મદદનીશ અધ્યાપક (ગુજરાતી), રાષ્ટીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કૉલેજ, ચોટીલા.