સારસ્વત મિત્રો,
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આપ સૌને આ યાદગાર પર્વની શુભકામનાઓ. આ વર્ષ ઘણા બધા સાહિત્ય સેવી ગુણીજનોને યાદ કરવાના નિમિત્તો આપતું રહ્યું છે. બધી વિદ્યા સંસ્થાઓમાં કોઈકને કોઈક પ્રકારના સાહિત્યલક્ષી કાર્યક્રમો થઈ રહ્યા છે. શબ્દ સાથે ગુજરાતી ભાવકનો નાતો સઘન બની રહ્યો હોય એવું લાગે રહ્યું છે.
પુસ્તક મેળાઓ, સાહિત્ય યજ્ઞો, શિબીરો અને સેમિનારોથી સોશિયલ મીડિયા સતત ઝગમગી રહ્યું છે. આ ખરેખર આનંદનો વિષય છે. આ બધા જ કાર્યક્રમની ફલશ્રુતિ ભલે નાનામાં નાના સ્વરૂપે મળતી હોય તો પણ કશું ખોટું નથી. કોરોનાએ ઘણા બધા દુઃખદ સ્મરણો આપ્યા છે પણ સાથે સાથે થોડી સારી બાબતો પણ એ વિભીષિકામાંથી નીપજી આવી છે. ઓનલાઇન કાર્યક્રમોની સગવડ અને સરળતા સાહિત્યનાં સંવર્ધનમાં ઘણી ઉપકારક નીવડી રહી છે.
પણ એક ચિંતા વ્યક્ત કરવાનું અહીં મન થાય કે, સાહિત્યનાં, સાહિત્યિક યુગચેતનાનાં ઘડતરમાં જે તે સમયનાં સાહિત્યિક સામયિકોનો ખૂબ જ મોટો ફાળો રહેતો. એવાં અનેક ઉદાહરણો છે કે જેમાં સાહિત્યિક સામાયિકના તંત્રીઓ અને સંપાદકો ખૂબ જ ખેવનાપૂર્વક સાહિત્યિક સામગ્રીઓના ચયન અને પ્રકાશન બાબતે ગુણવત્તાના ધોરણ સાથે ક્યારેય સમાધાન કરતા નહીં. પરિણામે આછું પાતળું, ગુણવત્તા વિહીન સાહિત્ય આ ચાળણી લાગતા આપોઆપ દૂર થઈ જતું, અને માત્ર સારતત્વ સ્વરૂપ ઉચ્ચકોટિનું સાહિત્ય જ સામયિકો દ્વારા ભાવકવર્ગ સુધી પહોંચતું. પરંતુ હવે આ દૃશ્ય થોડું અલગ છે, સોશિયલ મીડિયા પર જે સ્વતંત્રતાની સાથે સ્વૈરવિહારનો લાભ મળે છે તેના થોડા દુષ્પરિણામો પણ છે. પાંચ પચ્ચીસ મિત્રો ની વાહ વાહ અને સહમતિ મળતા જ સર્જક પોતાને સ્થાપિત સર્જકોની પંક્તિમાં સ્વયં પ્રતિષ્ઠિત કરી દે છે, આ એમની સર્જકતાની ગુણવત્તા ના ધોરણ માટે ઘણું નુકસાનકારક છે. ભાવક પક્ષે તો વાંચીને ભૂલી પણ જવાતું હશે, પરંતુ મળેલા પ્રતિભાવના આધારે સર્જક પોતાની આગામી સર્જનયાત્રાની કેડી પસંદ કરતો હોય છે. જો સાધારણ કક્ષાના સાહિત્યને જ સારો પ્રતિસાદ મળે તો તેણે આગળ વધારે મહેનત કરીને ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરવાનો પરિશ્રમ કરવાનો રહેતો જ નથી અને આમ સમગ્ર સાહિત્ય પ્રવાહ તો પાતળો બને જ છે, પરંતુ સર્જકની પોતાની કલમ પણ ક્ષયગ્રસ્ત બને છે. ભાવક વર્ગને એક નમ્ર અનુરોધ એ છે કે આ પ્રકારની સાધારણ કૃતિઓને પ્રતાડિત ન કરીએ, પ્રોત્સાહન જરૂર આપીએ જેથી આગળ જતા સારી કૃતિઓ નીવડી આવે. પણ એ અપૂર્વ કૃતિ છે, આનાથી સારું કંઈ હોય જ ના શકે એવી મિથ્યા પ્રશંસા કરી જે તે સર્જકને નુકસાન ન કરીએ. મિથ્યા પ્રશંસાથી સર્જક જે તે સમય પૂરતો ખુશ થશે પરંતુ તેની અંદર વહેતી સર્જકતાની સરવાણી ધીમે ધીમે લુપ્ત થતી જશે.
સાહિત્ય સર્જન એનામાં હાથે ડાબા હાથનો ખેલ બની રહેશે. હું જે કંઈ ‘યદ્ વા તદ્ વા’ લખું એ વંચાય છે અને પોંખાય છે એવી એક વૃત્તિની ગાંઠ ધીમે ધીમે સર્જક ચિત્તમાં વૃદ્ધિ પામતી જશે. આ વલણ ઉભય પક્ષે નુકસાનકારક નીવડશે.
આ અંક સાથે સહુ સહૃદય લેખક મિત્રોને સહર્ષ સૂચિત કરવાનું કે,
ગત વર્ષની વાર્તા લેખન સ્પર્ધા ને સફળ રીતે પૂર્ણ કર્યા બાદ
`પ્રયાસ – એન એક્સટેન્શન’ ઓનલાઇન સામાયિક દ્વારા આગામી વર્ષની ‘વાર્તા લેખન સ્પર્ધા’નું આયોજન થવા જઈ રહ્યું છે.
`વાર્તા લેખન સ્પર્ધા’ના નિયમોની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.
તો સહુ લેખક મિત્રો પોતાની કલમને પુનઃ એકવાર સજ્જ કરે, તે માટે આદરભર્યું આહ્વાન કરવામાં આવે છે.
આપ સહુને સવંત્સરીની શુભકામનાઓ. મિચ્છામી દુકડમ.
ડૉ. શક્તિસિંહ પરમાર (મદદનીશ પ્રાધ્યાપક – ગુજરાતી)
તા. 31 ઓગષ્ટ 2022 (સંવત્સરી)