કોરોના. આ શબ્દ છેલ્લા બે વર્ષથી આપણને સૌને હંફાવી રહ્યો છે. જીવનના તાણાવાણા ઘુંચવાઇ રહ્યાં છે, તૂટી રહં છે તો ક્યાંક છૂટી રહ્યા છ., જે સાહિત્ય રસિકો અને ભાવકો દરિયાની લહેર જોઈને રોમાંચિત થતા હોય એ આ રોગની લહેરો સામે જાક જીલી રહ્યાં છે. આ તમામ ઘટનાઓએ માણસના હૃદય પર ઊંડી અસર પહોંચાડી છે. આ અસર સાહિત્ય અને કળા સુધી પણ પહોંચી છે. ભવિષ્યમાં આ સમયગાળા વિશે વાત થશે ત્યારે આ સમયના સાહિત્ય અને કળા વિશે પણ ચર્ચા થશે જ.
અરે! પણ આપણે તો ‘ગુજરાતી માડું’. ગમે તેવા તોફાનોને હસીને પાર કરવાની હામ રાખનારા. એ પછી કોરોના હોય કે તાઉતે , ભૂકંપ કે પુર. એક મેકના સાથથી સાતથી બેઠી થનાર પ્રજા. આવા અડગ મનવાળા ગુજરાતીઓ સમક્ષ ‘પ્રયાસ’ના ચોથા અંક સાથે અમે તમારી સમક્ષ પ્રત્યક્ષ આવી રહ્યા છીએ ત્યારે અમારો આનંદ આપ સૌ સાથે વહેંચાઈને બમણો થવાનો છે. આ સામયિક અમારું ન રહેતા આપણું બને એ માટે બનતા પ્રયત્નો અમારા તરફથી અને તમારા તરફથી પણ થાય એવી અભિલાષા.
હાલ ગુજરાતી અને અન્ય ભાષામાં અનેક સામાયિક કાર્યરત છે. ત્યારે કોઈ નવો ચીલો ચાતરવાનો કે કોઈ વિશેષ આકર્ષણ ઊભું કરવાનો આશય બિલકુલ નથી. આ સામયિક સાહિત્ય અને કળાની ગંગામાં એક અંજલી સમાન છે. સૌ વાચક લેખક અને સંશોધક મિત્રોના સહયોગથી આ યાત્રા આગળ ચાલતી રહેશે એવી આશા સાથે શબ્દ જ્યોત આપ સૌ વચ્ચે મૂકીએ છીએ.
ડૉ. શક્તિસિંહ પરમાર અને ડૉ. જિજ્ઞાબા રાણા
સ્થળ : ભાવનગર
તારીખ : 30 જૂન 2021