સંપાદકીય

બી.એ. એમ.એ. ભણતાં તે દરમ્યાન ‘દાંડિયો','સંસ્કૃતિ', ‘નવજીવન’, ‘પ્રસ્થાન’, ’20મી સદી’ જેવા સામયિકોએ આકર્ષણ જન્માવેલ. ભાવનગર યુનિવર્સિટીના ભાષાભવનમાં ભણતાં ભણતાં ‘પ્રતિબિંબ’ સામયિકની પ્રક્રિયામાંથી પસાર થયાંં. ભવનની બીજી એક પ્રવૃત્તિ સમસામયિકને કારણે અવનવા વિષયો અને કૃતિઓથી ભરપૂર એવા ‘કવિતા’ ,’પરબ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘એતદ’, ‘સમીપે’ જેવા સાંપ્રત સામયિકોનો વિશેષ પરિચય મળ્યો. આ ઘટનાને આજે ખાસ્સો સમય વીત્યો છે. હવે સામેની પાટલીથી ઉભં થઈ અમે ચોક ડસ્ટરની દુનિયામાં પ્રવેશ્યાંં. એક શૈક્ષણિક સંસ્થા અને એના કર્મચારીના ધ્યેયમાં શિક્ષણ ઉપરાંત સંશોધન અને એક્સટેન્શન પણ છે. વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં શૈક્ષણિક કાર્ય નાની- મોટી અડચણો સાથે ચાલી રહ્યું છે. એ માધ્યમે એ અમે પણ નવું નવું શીખી રહ્યાં છીએ. ક્યારેક કોઈ સેમિનાર કે અન્ય શિબિર કે મુલાકાતી વ્યાખ્યાન અર્થે થોડું ઘણું સંશોધન પણ થતું રહે છે. પરંતુ આઈસટેન્શનનું કાર્ય બહુ જૂજ થતું હોય છે…

કોરોનાના સમયમાં લોકડાઉનમાં થોડી નવરાશ મળી, વિચારવા અને સમજવા માટે સમય મળ્યો. ઘણાં વર્ષોથી મનમાં ક્યાંક સામયિક માટેનો અનુરાગ ફરી સળવળ્યો. પણ આટલું મોટું સાહસ એકલા કેમ કરવું ? અને અમારા મા જેવા માસ્તર મહેન્દ્રભાઈને મળ્યા, વાત વાતમાં વાત નીકળી કે સાહેબ કંઈક નવું કરવાનું વિચારીએ છીએ. એક સામયિક કરવાનું વિચારીએ છીએ. સાહેબ તો રાજી થયા ‘કરો …કરાય… અટકો ત્યાં કહેજો….’ બસ એમના આટલા શબ્દોએ અમારામાં ઉર્જા ભરી દીધી….. ગુરુના આ વેણે અમારામાં હિંમતનો સંચાર કર્યો અગાઉ જેમ કહ્યું તેમ શિક્ષણ, સંશોધન અને એક્સટેન્શન આ ત્રણેય ધ્યેય સામયિક દ્વારા સફળ થતાં જણાયા. પણ એક સામયિકનું નામ લેવાથી સામયિક થોડું શરૂ થઈ જાય છે. સામયિક્નુ નામ શું રાખવું ? સંપાદક કોણ ?સામયિકમાં અન્ય વિદ્યાઓ જોડવી કે નહીં ? સામયિક માસિક, દ્વીમાસિક કે …. આવા તો અનેક પ્રશ્ન…એક પછી એક પ્રશ્નોના જવાબો શોધતા ગયા. સંપાદકી ટીમમાં પણ લોકો જોડાતા ગયા…… પ્રથમ વિચારે ગુજરાતી ભાષાથી શરૂ થયેલ વિચાર સાહિત્ય અને અન્ય કળાઓ સુધી વિસ્તર્યા પરામર્શક તરીકે મહેન્દ્રભાઈ બિંદુબેન ભટ્ટ અને દિલીપભાઈ બારોટ નો સહયોગ સાંપડ્યો.

કોરોનાના આ સમયે જીવનની ક્ષણ ભંગૂરતાના દર્શન કરાવ્યા. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઇ. પરંતુ show must go on જીવન જેનું નામ… ડિજિટલ ક્રાંતિનો સદુપયોગ થયો. મોબાઈલ, ઇ- માધ્યમો હવે માત્ર મનોરંજનના સાધન ન રહેતાં એના માધ્યમે શિક્ષણ, સંશોધનને ધીમે ડગલે આગળ વધવાનું શરૂ કર્યું. અમે પણ આ સામયિકને ઓનલાઇન માધ્યમથી પ્રગટ કરવાનું નક્કી કર્યું. બદલાતા સમયના સમીકરણોને ધ્યાનમાં લઈએ તો હવે તમામ ક્ષેત્રે ડિજિટલાઇજેશન એક જરૂરિયાત બનતી જાય છે. ડોક્યુમેન્ટ, પત્ર, કૃતિઓ, લેખ લાંબા ગાળા સુધી સાચવી શકાય. કોઈપણ વિદ્યાર્થી, ભાવક, સંશોધક કોઈપણ સ્થળેથી તેનો ઉપયોગ કરી શકે છે. ધીરે ધીરે સાહિત્ય, શિક્ષણ સંશોધન ઓનલાઇન તરફ ગતિ કરી રહ્યું છે. ત્યારે અમે પણ પ્રયાસ An Extension…ને આપ સમક્ષ ઓનલાઇન માધ્યમથી લાવી રહ્યા છીએ.

આ પ્રથમ અંક માટે સર્જનાત્મક, વિવેચન, સંશોધનની સાથોસાથ ત્રણ ચિત્ર કૃતિઓ પણ રસિકભાવિકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અમારાં એક જ કહેણ પર કૃતિઓ /લેખ/ ચિત્રો મોકલનાર સર્વે મિત્રોના આભારીએ છીએ. આ સામયિક દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્ય, સંશોધન, વિવેચન, આસ્વાદ સર્જનાત્મક સાહિત્ય અને અન્ય કલાઓને એક જ સ્થાન પર લાવવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. જેમાં સાહિત્ય સાથે દૃશ્યકળા તરીકે ચિત્રકળાનો પણ સમાવેશ કર્યો છે. આવતા અંકોમાં શ્રાવ્ય અને દૃશ્યકળાનો સમાવેશ કરવાનો પણ આશય છે.

આપનાં સૂચનો તથા પ્રતિભાવની પ્રતીક્ષા રહેશે.

ડૉ. શક્તિ શ્રી પરમાર અને ડૉ. જિજ્ઞાબા રાણા

સ્થળ :ભાવનગર

તારીખ 20 નવેમ્બર 2020