– ડૉ. ભીખાભાઈ વી. દેસાઈ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ઈ.સ. 1924માં પ્રગટ થઈ. વર્ષ 2024 માં આ ઇતિહાસને 100 વર્ષ પૂર્ણ થયાં. ગાંધીજીની આત્મકથા પછી જેનો નંબર આવે તેવું આ પુસ્તક છે. મૂળ ગુજરાતીમાં લખાયેલો આ ઇતિહાસ છે. આ પુસ્તકમાં ગાંધીજીના ઘડતરનો સૌથી મહત્વપૂર્ણ સમય અને સત્યાગ્રહની તેમની શોધનો સમય તેમની કલમે લખાયો છે. દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. આપણે એવા ઘણા ઇતિહાસો જોયા છે કે જેમાં માત્ર યુદ્ધો જ ખેલાયાં છે. ઘણા ઇતિહાસો લોહિયાળ રહ્યા છે. ઘણા ઇતિહાસોમાં રાજાઓની ગૌરવગાથાઓ જ પ્રાપ્ત થાય છે. આ ઇતિહાસ એ કોઈ હાર-જીતનો ઇતિહાસ નથી પરંતુ આ ઇતિહાસ તો ન્યાય અને સત્ય માટે આપેલી અહિંસક લડતને આપણી સમક્ષ રજૂ કરે છે.
ગાંધીજીના જીવનકાળ દરમિયાન જ્યારે જ્યારે તેમને આત્માના ઊંડાણમાં જઈને જોવા-વિચારવાનું આવતું ત્યારે તેઓ આફ્રિકાના પોતાના જીવનની વાતો અને અનુભવો યાદ કરતા. શ્રી વાલજીભાઈ દેસાઈ આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો છે.
દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ કુલ બે ખંડમાં લખાયો છે. પ્રથમ ખંડમાં 24 અને બીજા ખંડમાં 26 પ્રકરણો આપવામાં આવ્યાં છે.
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકના પ્રથમ ખંડનું પ્રથમ પ્રકરણનું નામ ભૂગોળ છે. આ પ્રકરણમાં ગાંધીજીએ આફ્રિકાની ભૂગોળ વિશે વાત કરતાં નાતાલ, જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલ, પ્રિટોરિયા જેવાં શહેરોની તથા ત્યાંના ભૌગોલિક પરિવેશમાં ખેતી, પર્વતો, નદીઓ, પશુપાલન, વૃક્ષો, ફળો તથા પાતાળિયા કૂવાઓ વીશે જેમ એક નવલકથાકાર વર્ણન કરતો હોય તે રીતે વર્ણન કર્યું છે.
બીજા પ્રકરણ ઇતિહાસમાં હબસી પ્રજા જ મૂળ આફ્રિકાની વતની છે તથા હબસી પ્રજાનો ખોરાક, પોશાક, ભાષા વગેરેની વાત રજૂ થઈ છે, ત્યાં લગભગ ચારસો વર્ષ પૂર્વે વલંદા લોકોએ થાણું નાંખ્યું. વલંદા એટલે ડચ પ્રજા કે જેને દક્ષિણ આફ્રિકામાં ‘બોઅર’ને નામે ઓળખવામાં આવે છે. બોઅર પ્રજા તેની ભાષા અને ભાષા પ્રત્યેનો પ્રેમ પણ આલેખન પામ્યો છે. આમ, દક્ષિણ આફ્રિકામાં વલંદા (ડચ) અને અંગ્રેજ પ્રજા વચ્ચેની લડાઈ કે જે બોઅર લડાઈના નામે ઓળખાય છે. તેની પણ ચર્ચા પ્રસ્તુત ‘ઇતિહાસ’ નામના પ્રકરણમાં થઈ છે.
હિંદી મજૂરો 16-05-1860ના રોજ નાતાલ પહોંચે છે. ઍગ્રીમેન્ટમાં ગયેલા મજૂરો ગિરમીટિયાના નામે ઓળખાય છે. નાતાલમાં સ્વતંત્ર વેપારી અને તેનો સ્વતંત્ર નોકરવર્ગ તથા ગિરમીટિયા આમ, બે પ્રકારના હિંદીઓ હતા.
ગાંધીજીએ હિંદી પ્રજાને પડતી મુસીબતોનું સિંહાવલોકન નાતાલ, કેપટાઉન, ટ્રાન્સવાલ વગેરે સ્થળોને ધ્યાનમાં રાખીને કર્યું છે. નાતાલના ગોરા માલિકોને માત્ર ગુલામ જોઈતા હતા. ત્રણ પાઉન્ડનો કર, હિંદી મતાધિકાર તથા કાળા ગોરાના ભેદની સુંદર રજાત આ ઇતિહાસ ગ્રંથમાં થઈ છે. હિંદી પ્રજાએ તેની ઉપર થતા હુમલા ઝીલ્યા હતા. હુમલાની સામે પડકાર ફેંકી શકે તેવા લોકોની સંખ્યા થોડી હતી.
આફ્રિકામાં ગિરમીટિયાઓને ‘કુલી’ને નામે ઓળખવામાં આવતા. વેપારીઓને પણ કુલી વેપારી કહેવામાં આવતા. આફ્રિકામાં વસતી હિંદી કોમ પાસે અંગ્રેજી ભાષાના જ્ઞાનનો અભાવ હતો છતાં પણ તે લોકો દુઃખની સામે ઝઝુમતા. તેઓ ગોરા વકીલોની મદદ લેતા હતા અને અરજીઓ ઘડાવતા. ગાંધીજી આવા હિંદી ભાઈઓ વચ્ચે મે, 1893માં ડરબન પહોંચ્યા.
ગાંધીજીને મેરિત્સબર્ગ સ્ટેશને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. હિંદી વેપારીઓ તો અનેક વખત આવા કડવા અનુભવ લઈ ચૂક્યા હતા. બાપુને પણ કોરટોમાં, ટ્રેનમાં, રસ્તામાં અને હોટલોમાં રહેવાની મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.
દાદા અબ્દુલ્લાની પેઢીનો કેસ 1893 થી 1894 એમ એક વર્ષ માટે લડવા ગયેલા. ગાંધીજી જ્યારે 1894માં ભારત આવવાની તૈયારી કરે છે ત્યારે ‘મર્ક્યુરી’ છાપામાં ‘હિંદી મતાધિકાર’ ‘ઇન્ડિયન ફ્રેંચાઈઝ’ વિશેની વિગત વાંચે છે અને હિંદી ભાઈઓના આગ્રહથી વધારે રોકાય છે. દસ હજાર હિંદી લોકોની સહી અરજી ઉપર કરાવી અને તે લૉર્ડ રિપનને મોકલી. 1894માં ‘નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ’ની સ્થાપના કરી. 1896ની સાલના મધ્યમાં ગાંધીજી ભારત આવ્યા. ફિરોજશાહ, લોકમાન્ય ટિળક, ગોખલે, મહાદેવ ગોવિંદ રાનડે, પ્રો. ભંડારકર વગેરેને મળ્યા.
1896ના નવેમ્બર માસમાં ‘કુરલૅન્ડ’ નામની સ્ટીમરમાં પરિવાર સાથે ગાંધીજી આફ્રિકા જાય છે. નાતાલના લોકોએ ગાંધીજી ઉપર નિર્દય હુમલો કર્યો. નાતાલના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની પત્નીએ ગાંધીજીનો આબાદ બચાવ કર્યો. તે દિવસ 1897ના જાન્યુઆરીની તેરમી તારીખનો હતો. આમ, ગાંધીજીએ અને હિંદી કોમે પોતાની સ્થિતિ સુધારવા પ્રયત્નો કર્યા અને પોતાની પ્રતિષ્ઠા વધારી.
વલંદા અથવા ડચ લોકો દક્ષિણ આફ્રિકામાં ‘બોઅર’ ને નામે ઓળખાય છે. ઈ.સ. 1899ની સાલમાં બોઅર લડાઈ થઈ. ગાંધીજીને મનોમન થયું કે જો હું બ્રિટિશ રૈયત તરીકે હકો માગી રહ્યો હતો. તો બ્રિટિશ રૈયત તરીકે બ્રિટિશ રાજ્યના રક્ષણમાં ભાગ આપવાનો મારો ધર્મ હતો. અંગ્રેજો અને બોઅર પ્રજા વચ્ચેની આ લડાઈ હતી. લડાઈ લાંબી ચાલી હતી. હિંદી લોકોએ ઘવાયેલા લોકોની સારવાર કરી. બે મહિના સુધી સેવા આપી. લડાઈ તો બહુ લાંબી ચાલી હતી. પરભુસિંગ નામના એક ગિરમીટિયાની તોપની ચેતવણી આપતો ટકોરો વગાડવાના કામની નિષ્ઠાને લોર્ડ કર્ઝને ભેટ આપીને બિરદાવી હતી. બોઅર લડાઈનો મુખ્ય ભાગ 1900ની સાલમાં પૂરો થયો. બોઅરોએ જીતેલો બ્રિટિશ સંસ્થાનોનો બધો ભાગ બ્રિટિશ સલ્તનતને હસ્તક પાછો આવી ચુક્યો હતો. (પૃ.81)
આફ્રિકાના ટ્રાન્સવાલમાં નવા હિંદીઓને આવતા અટકાવવા તથા જૂના હિંદીઓની નોંધ લેવા માટે જૂના પરવાના જપ્ત કરી લીધા અને તમામને નવા પરવાના આપવાનું નક્કી કર્યું. બધા હિંદીઓએ નવા પરવાના આપવાનું નક્કી કર્યું. બધા હિંદીઓએ નવા પરવાના કઢાવી લીધા હતા. આ કામ હિંદી કોમનું ન હોવા છતાં પણ એક સંપથી, સચ્ચાઈથી, સાદાઈથી, વ્યવહારકુશળતાથી કામ કર્યું તે તેમની સમજણ અને નમ્રતાની નિસાની હતી. હિંદી કોમે સરકાર સાથે ખૂબ જ વિવેક દાખવ્યો હતો.
ટ્રાન્સવાલમાં રહેતા દરેક હિંદીના નામ, ઠામ, જાત, ઉંમર, શરીર ઉપરની મુખ્ય નિશાનીઓ તથા અરજદારનાં બધાં આંગળાં અને અંગૂઠાની છાપ લેવાનું નક્કી થયું આ કાયદાને ગાંધીજીએ ‘ખૂની કાયદો’ એવું વિશેષણ આપ્યું.
ખૂની કાયદાનો અમલ કરવાની કાર્યવાહી શરૂ કરી ત્યાં જ સત્યાગ્રહનો જન્મ થયો. સત્યાગ્રહ કરવા માટે બધા જ હિંદીઓને કોઈ પણ સંજોગોમાં ડગી ન જવું તેની ખાતરી કરવામાં આવી. જો બધા જ સત્યાગ્રહી પોતાના નિર્ણય પ્રત્યે અડગ રહે તો ‘ખૂની કાયદો’ પસાર પણ ન થાય, થવા પસાર થાય તો તરત રદ થાય. (પૃ.107)
ગાંધીજીએ હિંદીઓને કહ્યું હતું કે – ‘મક્કમ રહેવાનો નિશ્ચય કે તેમ કરવાની શક્તિ ન હોય તો, તમે પોતે પ્રતિજ્ઞા ન લેશો.’ (પૃ.109)
એ સમય દરમિયાન ગાંધીજીએ તે લડતને ‘પેસિવ રિઝિસ્ટન્સ’ના નામથી ઓળખાવી હતી. પરંતુ તે સમયે ગાંધીજી એ શબ્દનું રહસ્ય પણ સમજતા ન હતા. તથા એ મહાન યુદ્ધને અંગ્રેજી નામથી ઓળખાવતાં બાપુને શરમ લાગી. વળી કોમની જીભે એ શબ્દ પણ જલદી ચડી ન શકે તેવા હતા. આવા કારણોથી ‘ઇન્ડિયન ઓપીનિયન’માં સારામાં સારો શબ્દ શોધી કાઢે તેની માટે નાનું સરખું ઈનામ જાહેર કર્યું. મગનલાલ ગાંધીએ ‘સદાગ્રહ’ શબ્દ આપ્યો. બાપુએ તે શબ્દને બદલે તેમાં ‘દ્’ નો ‘ત્’ કરી તેમાં ય જોડીને ‘સત્યાગ્રહ’ નામ બનાવ્યું.
‘પૅસિવ રિઝિસ્ટન્સ’ અને ‘સત્યાગ્રહ’ શબ્દની વચ્ચેનો ભેદ જણાવતાં ગાંધીજી જણાવે છે કે – ‘સત્યાગ્રહ એ કેવળ આત્માનું બળ છે અને જ્યાં અને જેટલે અંશે હથિયાર એટલે શરીરબળ કે પશુબળનો ઉપયોગ થતો હોય અથવા કલ્પાતો હોય ત્યાં અને તેટલે અંશે આત્મબળનો ઓછો ઉપયોગ હોય છે.’ (પૃ.114)
ખૂની કાયદામાં ઓરતોને બાદ કરવામાં આવી હતી. બાકી ખરડો જેવો બહાર પડ્યો તેવો જ પસાર થયો હતો. મિ. હાજી વજીરઅલ્લી અને ગાંધીજી બંને ડેપ્યૂટેશન બનાવીને ખૂની કાયદો નામંજૂર કરાવવા રવાના થયા. અહીં, સિમંડ્ઝ નામના એક અંગ્રેજ માણસનું પણ ગાંધીજીએ સ્મરણ કર્યું છે. તેને પરદુઃખભંજનનું વિશેષણ આપ્યું. ભૂતકાળમાં સિમંડ્ઝની મળેલી મદદે ગાંધીજીના મનમાં એક વસ્તુ સ્પષ્ટ કરી હતી કે – ‘પરોપકાર એ ઘઉંવર્ણી ચામડીનો જ વારસો નથી.’ (પૃ.124)
ગાંધીજીએ ડેપ્યુટેશનના ખર્ચનો હિસાબ ખૂબ ચોકસાઈપૂર્વક રાખવામાં આવ્યો હતો. મદિરામાં ખૂની કાયદો નામંજૂર કરવાનો જે ઠરાવ સર રિચર્ડ સૉલોમનની સાથે મસલત કરીને લૉર્ડ એલ્ગિને કરેલો. પરંતુ તે માત્ર નામની ખાતર કાયદો રદ થયો તેથી ‘વક્ર રાજનીતિ’ એમ તે રાજનીતિને ગાંધીજીએ ‘વક્ર’ વિશેષણથી ઓળખાવી. મદિરા શહેરમાં ગાંધીજી જેટલે આનંદ પામ્યા તે બધો આનંદ આફ્રિકામાં આવતાં નિરાશામાં પરિણમ્યો.
ખૂની કાયદાને સહન ન કરનાર અહમદ મહમદ કાછલિયા આ ઇતિહાસ ગ્રંથનું એક વિરલ પાત્ર છે. તેમની સાદાઈ અને નિરાભિમાનપણું અનુકરણ કરવાલાયક હતાં. કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે. કાછલિયાની ભિષ્મ પ્રતિજ્ઞા જૂઓ :
‘‘હું ખુદાના કસમ ખાઈને કહું છું કે હું કતલ થઈશ, પણ આ કાયદાને વશ નહિં થાઉં અને હું ઈચ્છું છું કે આ સભા પણ એ જ નિશ્ચય પર આવે.’’ (પૃ.135)
ગાંધીજી કહે છે કે – ‘એ મહાન લડતમાં ઘણાઓની જેમ પોતાની પ્રતિજ્ઞાનું અક્ષરશઃ પાલન કરનાર કાછલિયા શેઠ હંમેશાં અગ્રેસર રહ્યા. કોઈ દિવસે તેમનો રંગ બદલાયેલો મેં જોયો જ નહીં.’ (પૃ.135)
કાછલિયાએ પોતાના દીકરાને પણ ટૉલ્સ્ટૉય ફાર્મની કેળવણી વડે સાદો અને પ્રજાસેવક બનાવવા મોકલ્યો હતો. ખૂની કાયદાના પરવાના કાઢવાની ઑફિસો ખૂલી. લડતને અંગે એવી પણ એક ટોળી ઊભી થઈ હતી કે જેનું કામ, સ્વયંસેવક બન્યા વિના, છૂપી રીતે, પરવાનો કાઢનારને મારપીટની ધમકી આપવાનું કે તેને બીજી રીતે નુકસાન પહોંચાડવાનું હતું. અમુક દુકાનમાં અમુક માણસો પરવાના રાત્રે કાઢવાના હતા. રાતના દસ-અગિયાર વાગ્યે કેટલાક આગેવાનોએ પરવાના કઢાવ્યા. તેના કારણે એકસૂર ચાલતી વાંસળીમાં ફૂટ પડી.
રામસુંદર નામનો માણસ કોઈ સામાન્ય ગુનેગાર નથી એમ તેનો આદર થતો. તેમને એક મહિનાની સાદી જેલ મળી. મહિનો પૂરો થતાં રામસુંદર છૂટ્યા પણ રામસુંદર ફૂટી બદામ નીવડ્યા. તે તો પોતાની ગિરમીટ પૂરી કર્યા વિના જ ભાગી આવેલા.
સત્યાગ્રહની લડતની સાથે ‘ઇન્ડિયન ઓપીનિયન’ સાપ્તાહિકનો પણ પરિચય કરાવવાનું ગાંધીજી ચૂક્યા નથી. આ છાપું કાઢવાનો જશ મદનજિત વ્યાવહારિક નામના ગુજરાતી ગૃહસ્થને છે. મનસુખલાલ નાજર બિનપગારી અધિપતિ થયા. આ સાપ્તાહિક હિંદી, ગુજરાતી, અંગ્રેજી અને તામિલ ભાષામાં પ્રગટ થતું. પાછળથી હંદી અને તામિલ લેખકો ન મળવાથી બંને વિભાગ બંધ કરવામાં આવ્યા. ઇન્ડિયન ઓપીનિયન દ્વારા લોક જાગૃતિ અને કેળવણીનું ખૂબ મોટું કામ થયું.
બીજી બાજુ સત્યાગ્રહીઓને જેલમાં પૂરવામાં આવતા હતા. સત્યાગ્રહી કેદીની સંખ્યા 150 ઉપર થઈ હતી. એક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીજીને જનરલ સ્મટ્સની પાસે લઈ ગયા. સ્મટ્સે જણાવ્યું કે તમારામાંના ઘણા પરવાના લઈ લેશો એટલે એશિયાટિક ઍક્ટ રદ કરવામાં આવશે. એમ કરીને ગાંધીજીને છૂટા કર્યા, બીજા સાથીઓને તેની પછીના દિવસે છૂટા કરવાની વાત થઈ.
ગાંધીજી જ્યારે દસ આંગળીઓ મૂકીને રજિસ્ટર નિકાળવા ગયા હતા ત્યારે મીરઆલમે ગાંધી ઉપર હુમલો કર્યો. મીરઆલમના સાથીઓએ પણ ગાંધીજીને માર માર્યો હતો. ખૂની કાયદામાં ગાંધીજી સત્યાગ્રહી તરીકે આગળ વધ્યા હતા. મીરઆલમને પોલીસે પકડ્યો પણ ગાંધીજીએ તેને માફ કર્યો હતો. છતાં સરકારી વકીલે મીરઆલમ અને તેના એક સાથીને ફરી પકડ્યા અને ત્રણ મહિનાની સજા કરી.
દક્ષિણ આફ્રિકાની લડતમાં કેટલાક ગોરા લોકોએ પણ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. તેમની સાથેનાં સ્મરણો પણ આ ગ્રંથમાં છે. ગાંધીજીને આ ઇતિહાસ ગ્રંથ લખતાં લાગ્યું કે આ ગ્રંથમાં ગોરા સહાયકોની સ્તુતિ નહિ આવે તો ઇતિહાસની ખામી ગણાશે. સાથે સાથે એમને એ પણ બતાવવું છે કે સત્ય પ્રવૃત્તિઓ કરવામાં અનેક પ્રકારની શુદ્ધ અને નિઃસ્વાર્થ મદદો વિના પ્રયાસે મળતી રહે છે. હવે ગોરા સહાયકો વિશે ટૂંકમાં પરિચય મેળવીએ.
આલ્બર્ટ વેસ્ટ નામના માણસને ગાંધીજી પ્રથમ યાદ કરે છે. તેમની સાથે એક ભોજનગૃહમાં ઓળખાણ થઈ હતી. 1904માં જોહાનિસબર્ગમાં સખત મરકી ફાટી નીકળી હતી. ગાંધીજીને બે દિવસ ઉપરાઉપરી ભોજનગૃહમાં ન જોતાં તેઓ સવાર સવારમાં ગાંધીજીને મળવા છેક ઘર સુધી આવ્યા.
મિસ એડા વેસ્ટ કે જેઓ 35 વર્ષનાં થયાં પણ કુંવારી અવસ્થામાં જ હતાં. તેમણે ફિનિક્સનાં બાળકોને કેળવણી આપી હતી. આ ઉપરાંત રસોડાનું અને છાપખાનાનું કામ પણ તેઓ કરતાં હતાં.
પોલાકની ઓળખાણ પણ ભોજનગૃહમાં થઈ હતી. તેમણે પણ ઇન્ડિયન ઓપીનિયનમાં મદદ આપી હતી. હર્મન કૅલનબૅક કે તેઓ જર્મન હતા. તેમણે ગોખલેને પોતાના બંગલામાં રાખ્યા હતા. જોહાનિસબર્ગનું પોતાનું 1,100 વીઘાનું ખેતર સત્યાગ્રહી કેદીઓના કુટુંબને રાખવા આપ્યું હતું.
મિસ શ્લેશિન કે જેમને ગોખલેએ હિંદી અને ગોરા બધામાં સૌથી પ્રથમ પદ આપ્યું હતું. આ બાઈ હિંદીઓની લડતમાં કોઈપણ સ્વાર્થ વગર અમૂલ્ય સેવિકા બની રહ્યાં.
મિસ ડિક કે જેઓ શોર્ટહૅન્ડ (બોલાતા શબ્દોને લખવાની ટૂંકાક્ષરી) અને ટાઇપિસ્ટ હતાં. તેમની વફાદારી અને નીતિનો કોઈ પાર ન હતો.
એશિયાટિક અને ખૂની કાયદાનો વિરોધ કરનાર સિંહની માફક ગર્જના કરતો માણસ વેરસ્ટેન્ટ. ભરી સભામાં ખૂની કાયદાનો વિરોધ કરવા બદલ પ્રમુખે તેને બેસી જવા કહ્યું હતું પણ તેઓ બેઠા ન હતા.
મિસહોબહાઉસ કે જેઓએ પણ ખૂની કાયદો રદ થવા વિશે બોઅર મંડળોમાં તેનાથી બની શકે એટલું કામ કર્યું. ઓલિવ શ્રાઈનર નામનાં એક બાઈ કે જેઓ સાદાઈ, નમ્રતા અને વિદ્વતા જેવા ગુણોથી શોભતાં. તેમણે પણ આફ્રિકાના ગોરાઓમાં જે કંઈ વજન પડી શકે તે બધું હિંદીઓની તરફેણમાં વાપર્યું હતું. માસ મોલ્ટીનો નામની એક બાઈએ પણ યથાશક્તિ મદદ કરી હતી.
ઉપર્યુક્ત બનાવો ખંડ એકના છે. હવે દક્ષિણ આફ્રિકાના ઇતિહાસનો ખંડ બે જોઈએ. બીજા ખંડના પ્રથમ પ્રકરણમાં અહમદ મહમદ કાછલિયા અને ગોરા વેપારીઓની વાત છે. એક વરસની દર કાછલિયાના માલમાંથી ગોરા વેપારીઓને સો સો ટકા મળી ગયા. ગાંધીજી આ ઇતિહાસમાં વારંવાર વાંચનાર પણ ટકોર કરતા રહ્યા છે તો ક્યારેક વાંચનારને આંગળી પકડીને આગળ લઈ જતા હોય તેવું લાગે છે. તેઓ ઘણી વાર કહી ચૂક્યા છે કે – વાંચનારે યાદ રાખવું જોઈએ, વાંચનાર જોઈ શકશે, વાંચનારે આગળના પ્રકરણમાં જોયું, વાંચનાર એમ ન માને… વગેરે જેવી ભલામણો આવતી રહે છે.
ખૂની કાયદાને વશ ન થવા સારું પરવાનાની હોળી કરવાનું નક્કી થયું હતું. ગાંધીજીએ જાહેર કર્યું કે કોઈને પરવાના બાળવાનો વિરોધ નોંધાવવો હોય તો જણાવે ત્યાં મીરઆલમ ઊભો થયો અને ગાંધીજીને મારવામાં તેની ભૂલ હતી તે સ્વીકારી અને પોતાનો પરવાનો બાળવા આપ્યો. સભામાંથી પણ અવાજ આવ્યા કરતો હતો કે – ‘અમારે પરવાના પાછા નથી જોઈતા – એની હોળી કરો.’ (પૃ.207) 2000 ઉપર પરવાના આવ્યા તેની ગાંસડી એક કઢાઈમાં પધરાવી, ઉપર ઘાસતેલ રેડ્યું અને ગાંધીજીએ દીવાસળી મેલી. આમ, તો પરદેશની ધરતી ઉપર જઈને આવી હિંમત બતાવવી એ કોઈ ખાવાના ખેલ તો ન હતા.
હવે જનરલ સ્મટ્સે નવા આવનારા હિંદીઓને અટકાવનારો ‘ઇમિગ્રન્ટ્સ રિસ્ટ્રિક્શન ઍક્ટ’ નો ખરડો રજૂ કર્યો. આવા નવા નવા કાયદાઓ આફ્રિકામાં વસતા હિંદીઓની જિંદગીમાં દુઃખો ઊભા કરતા હતા.
ગાંધીજીએ આ ઇતિહાસ ગ્રંથમાં જુદાં જુદાં પાત્રોનું પણ સરસ આલેખન કર્યું છે. જેમાં સોરાબજી શાપુરજી અડાજણિયા વિશે જોઈએ. તેઓ પારસી હતા. સોરાબજી અનુભવ થતાં રતન નીવડ્યા હતા. તેમના વિશે ગાંધીજીએ લખ્યું છે કે – ‘પરિણામે તો સોરાબજી પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડ્યા. લાંબામાં લાંબી જેલ ભોગવનારા સત્યાગ્રહીઓમાં તે એક હતા.’ (પૃ.214)
કોઈપણ આડંબર વગરનું વ્યક્તિત્વ એવા સોરાબજીને તીવ્રક્ષય થયો. જેમ કોમની ઘૂંસરી ઊંચકતાં કાછલિયાએ વિદાય લીધી હતી. તેવી જ રીતે કોમનો નવો પ્રેમ સંપાદન કરી કોમને રોતી મૂકીને સોરાબજીએ પણ જગતમાંથી વિદાય લીધી.
શેઠ દાઉદ મહમદની પણ આ ઇતિહાસગ્રંથમાં બાપુએ નોંધ લીધી છે. તેઓ જૂના વેપારી હતા. તેઓ ખૂબ ચતુર હતા. તેઓ સખાવત ચલાવતા. કોમી ફાળામાં પણ સારી મદદ કરી હતી. આજે એ દાઉદ શેઠ નથી તેનો ગાંધીજીને વસવસો છે. આ બધાં પાત્રો સત્યાગ્રહનું રહસ્ય સમજાવવા અને વિજય કેવી રીતે થયો તે બતાવવા રજૂ થયાં છે.
દરેક સત્યાગ્રહીઓએ આફ્રિકામાં અનેક મુશ્કેલીઓનો ખૂબ હિંમતભેર સામનો કર્યો હતો. પાયખાનાં સાફ કર્યાં. પથ્થર ફોડાવ્યા, તળાવો ખોદાવ્યાં આ બધાં કામો કર્યા. ખૂની કાયદામાં ત્રણ પ્રકારની સજા હતી. દંડ, કેદ અને દેશનિકાલ. કેદીઓને સખત ઠંડીમાં જેલમાં રાખ્યા. શિયાળો એટલો કઠણ પડતો હતો કે સવારમાં હાથ ઠંડા થઈને અકડાઈ જતા.
એક જુવાન કેદીનું આ વર્ણન જૂઓ :
‘જે જેલમાં કેદીઓને રાખ્યા ત્યાં કોઈ તેઓને મળવા પણ ન જઈ શકે. આ ટુકડીમાં નાગપ્પન કરીને એક જુવાન સત્યાગ્રહી હતો. તેણે જેલનાં નિયમો પાળ્યા. જેટલી સોંપવામાં આવે તેટલી મજૂરી કરી. તે સવારે વહેલો સડકોની પૂરણી ભરવા જતો. તેમાંથી તેને સખત ફેફસાંનો વરમ લાગુ પડ્યો ને છેવટે તેણે પોતાનો વહાલો પ્રાણ આપ્યો. નાગપ્પનના સાથીઓ કહે છે કે તેણે અંત લગી લડતનું જ સ્તવન કર્યું.’ (પૃ.226)
જનરલ બોથા તરફથી એક સંદેશો આવ્યો હતો જેમાં હિંદીઓની નાની નાની માગણીઓ કબૂલ રાખવાનું જણાવ્યું હતું. પણ ‘એશિયાટિક ઍક્ટ’ રદ કરવા તેઓ તૈયાર ન હતા. કાયદામાં રહેલો કાળા ધોળાનો ભેદ પણ રદ કરવાની તેઓએ ના પાડી. ગાંધીજીએ પ્રતિજ્ઞા પાલનને અર્થે ખુવાર થવા રાજીપો બતાવ્યો હતો. લડત ચાલુ રાખવા માટે સૌ હિંદીઓ તૈયાર હતા.
ટૉલ્સ્ટૉય ફાર્મ એ એક એવી જગ્યા છે કે જ્યાં સત્યાગ્રહીઓ રહ્યા, બાળકો રહ્યાં, બહેનો રહી, ગાંધીજી રહ્યા. આ જગ્યાની 1100 એકર જમીન મિ. કૅલનબૅકની હતી. તેમણે તેનો ઉપયોગ સત્યાગ્રહીઓને સારુ આપ્યો હતો. પ્રકૃતિથી હરીભરી આ સુંદર જગ્યા હતી. આશ્રમમાં દરેક સત્યાગ્રહી પોતાનું કામ જાતે જ કરતા અને રહેતા હતા. આશ્રમમાં સ્વચ્છતાનો આગ્રહ રહેતો. આશ્રમમાં બાળકોને કેળવણી આપવામાં ભાષાનો પ્રશ્ન થયો. જુદા જુદા ધર્મના અને જુદા જુદા પ્રદેશમાંથી કુટુંબો રહેતાં હતાં.
આશ્રમમાં જુવાનિયાઓ બાળાઓની મશ્કરી કરતા હતા. ગાંધીજીએ રાત જાગીને મનોમંથન કર્યું. સવારમાં બાળાઓને વિનંતી કરીને તેમના લાંબા વાળ ઉપર કાતર ચલાવી. પરિણામ સુંદર આવ્યું હતું. ફરિવાર મશ્કરીની વાત સાંભળવા મળી ન હતી. આશ્રમમાં સાદું ભોજન આપવામાં આવતું. ગોખલે પણ ટૉલ્સ્ટૉય ફાર્મમાં આવ્યા હતા. કૅલનબૅક પણ ભૌતિક સુખ-સાધનથી દૂર રહીને આશ્રમમાં વસ્યા. તેમની અંદરથી આટલું મોટું પરિવર્તન થયેલું જોઈને ગોરાઓ તેમને ‘મૂરખ’ અથવા તો દીવાના ગણી મૂક્યા હતા. આશ્રમમાં રહીને તેમણે માળીનું કામ કર્યું.
એક જર્મન વ્યક્તિ આલ્બર્ટને કૅલનબૅક આશ્રમમાં લઈ આવ્યા હતા. આલ્બર્ટ એક વિશિષ્ટ પ્રકારનો માણસ હતો. તે ગરીબ હતો, અપંગ હતો. તેની ખૂંધ ખૂબ વળી ગઈ હતી. તેથી તે ટેકા વગર ચાલી ન શકતો. તેની હિંમતનો પાર ન હતો. તે નિર્ભય રીતે સર્પોની સાથે ખેલતો. નાનકડા સર્પોને પોતાના હાથમાં લઈ આવે અને હથેળી ઉપર રમાડતો હતો.
ટૉલ્સ્ટૉય ફાર્મના નિવાસ દરમિયાન અનેક કડવા મીઠા અનુભવો થયા. અહિંસાના પૂજારી બાપુએ પણ હિંસા માટે આપેલી પરવાનગીનો એક પ્રસંગ જોઈએ.
એક દિવસ મિ. કૅલનબૅકની કોટડીમાં એક સર્પ એવી જગ્યાએ જોવામાં આવ્યો કે જ્યાંથી તેને ભઘાડવો અથવા પકડવો અસંભવિત જેવું લાગ્યું. એક વિદ્યાર્થીએ તેને મારવાની પરવાનગી માગી. મારવાની રજા દેવાનો હું ધર્મ સમજ્યો અને મેં રજા દીધી.
આશ્રમમાં ગાંધીજી ખોરાકના પ્રયોગો કરતા અને કરાવતા હતા. એકવાર 70 વર્ષની ઉંમરનો લુટાવન નામનો બુઢ્ઢો અસીલ ટૉલ્સ્ટૉય ફાર્મ ઉપર આવ્યો હતો. તેને તમાકુનું ભારે વ્યસન હતું. તેને દમ અને ઉધરસનો વ્યાદિ હતો. બાપુએ ખોરાકના પ્રયોગો તેની ઉપર કર્યા પણ રાત્રે ઉધરસ અને દમ ઉપડે. બાપુને શક ગયો કે તે તમાકુ પીએ છે. એકવાર રાત્રે ઊઠીને દીવાસળી સળગાવીને બીડી પીતો હતો. બાપુ તો જાગતા જ હતા. તેમણે તેને જોયો અને તેની પથારી પાસે જઈને ઊભા રહ્યા. લુટાવને માફી માગી. લુટાવનની બીડી ગઈ અને તેની સાથે બે કે ત્રણ દિવસમાં દમ અને ખાંસી મોળાં પડ્યાં. એક માસની અંદર બંને બંધ થયાં. લુટાવનમાં ખૂબ તેજ આવ્યું અને તેણે વિદાયગીરી માગી.
ગાંધીજીએ બીજા એક બાળકને ડૉક્ટરે ટાઈફૉઈડ છે એમ કહ્યું હતું તેની ઉપર પણ પ્રયોગ કર્યા. તેને પણ આરામ થઈ ગયો. આવા ઘણા અખતરા ટૉલ્સ્ટૉય ફાર્મમાં કર્યા હતા. એકેયમાં તેમને નિષ્ફળતા મળી ન હતી.
આ જ સમયગાળા દરમિયાન ગાંધીજીએ અને કૅલનબૅકે દૂધનો ત્યાગ કર્યો. રાંધેલા ખોરાકનો પણ ત્યાગ કર્યો. કેવળ ફળાહાર ઉપર જ તેઓ પાંચ વર્ષ સુધી રહ્યા હતા.
કાળા કાયદાને વશ ન થવું અને તેમ કરતાં જે કાંઈ દુઃખ પડે તે સહન કરવાં તેવી પ્રતિજ્ઞા સૌ સત્યાગ્રહીઓ રાખી રહ્યા હતા. આવા સમયે ગોખલે આફ્રિકામાં આવ્યા હતા. ગોખલે સિવાય કોઈ પણ નેતાએ આફ્રિકામાં વસતા હિંદીઓની સ્થિતિ તપાસવા મુલાકાત કરી ન હતી. ગોરાઓની વચ્ચે ગોખલેનું ખૂબ માન હતું. દક્ષિણ આફ્રિકામાં તેમના માનમાં એક મોટું ખાણું પણ આપવામાં આવ્યું હતું.
કાળો કાયદો કેવળ ટ્રાન્સવાલના હિંદીઓને જ લાગુ પાડવામાં આવ્યો હતો. તેથી નાતાલ, કેપકૉલોની ઇત્યાદિથી ભરતી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો ન હતો. આરંભમાં હિંદીઓ તરફથી એવી પણ માગણી થઈ હતી કે બીજા દુઃખોને પણ લડાઈના હેતુઓમાં ભેળવી દેવાં. પરંતુ તેમાં સત્યનો ભંગ થતો હોવાથી એવું ન કર્યું.
જનરલ સ્મટ્સે પાર્લમેન્ટમાં એમ જાહેર કર્યું હતું કે નાતાલના ગોરાઓ ત્રણ પાઉન્ડનો કર રદ કરવા તૈયાર ન હોવાથી દક્ષિણ આફ્રિકાની સરકાર તે રદ કરવાનો કાયદો પસાર કરવા અસમર્થ છે. જ્યારે ત્રણ પાઉન્ડના કરને લડાઈમાં સ્થાન મળ્યું ત્યારે ગિરમીટિયા હિંદીઓને પણ સત્યાગ્રહમાં ભાગ લેવાનું સ્થાન મળ્યું. આ ઉપરાંત ન્યાયધીશે એક એવો ઠરાવ આપ્યો કે દક્ષિણ આફ્રિકાના કાયદામાં ખ્રિસ્તી ધર્મ પ્રમાણે થયેલ વિવાહ – વિવાહના અમલદારની પાસે જે રજિસ્ટર થયેલ હોય તે સિવાયના વિવાહને સ્થાન નથી. એટલે હિંદુ, મુસલમાન, પારસી વગેરે ધર્મક્રિયા પ્રમાણે થયેલા વિવાહ આ ઠરાવ પ્રમાણે રદ ગણાયા. હવે સમય એવો આવ્યો કે બહેનો પણ જેલ જવા તૈયાર થઈ. કેટલીક બહેનોને ધાવણાં બાળક પણ હતાં. કસ્તૂરબા પણ જેલ જવા તૈયાર થયાં હતાં.
ત્રણ પાઉન્ડના કરની લડતને અટકાવવા માટે ન્યુકેસલની કોલસાની ખાણોના હિંદી મજૂરો પણ જોડાયા. સ્ત્રીઓને નાતાલની રાજધાની મૅરિત્સબર્ગમાં રાખવામાં આવી હતી. સ્ત્રીઓને દુઃખ આપવામાં આવ્યું. ખોરાકની કાળજી ન રાખવામાં આવી. સ્ત્રીઓને ધોબીનું કામ સોંપવામાં આવ્યું.
વાલિયામા નામની અઢાર વર્ષની બાળાનું બલિદાન અમર છે. બીજી સ્ત્રીઓની જેમ વાલિયામા પણ જેલમાં ગઈ હતી. અઢાર વર્ષની વાલિયામાનો સ્વદેશપ્રેમ જૂઓ ગાંધીજી સાથેના સંવાદથી રજૂ થયો છે :
‘‘વાલિયામા, જેલ જવાનો પશ્ચાતાપ તો નથી ના ?’’
‘‘પશ્ચાતાપ શાને હોય ! મને ફરી પકડે તો હું હમણાં જ જેલ જવા તૈયાર છું.’’
‘‘પણ આમાંથી મોત નીપજે તો ?’’ મેં પૂછ્યું.
‘‘ભલે નીપજે. દેશને ખાતર મરવું કોને ન ગમે ?’’
આ વાત પછી વાલિયામા થોડા દિવસમાં મૃત્યુ પામી. તેનો દેહ ગયો પણ આ બાળા પોતાનું નામ અમર કરી ગઈ છે. (પૃ.282)
આ પવિત્ર બાઈના સ્મરણાર્થે ‘વાલિયામા હૉલ’ બાંધવાનો કોમે ઠરાવ કર્યો પણ વિઘ્નો આવતાં તે શક્ય ન થયું. પરંતુ જ્યાં લગી ભારતવર્ષનું નામ છે ત્યાં લગી દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં વાલિયામા છે જ. સત્યાગ્રહી સ્ત્રી વલિયામાની શહીદીને પણ 100 વર્ષ થઈ ગયાં. વલિયામા, ઘણું જીવો !!
ઉપર જણાવ્યું તેમ બહેનોએ જે ત્યાગ કર્યો તેની અસર મજૂરો ઉપર અદ્દભૂત થઈ. મજૂરોએ પણ હડતાળ પાડી. પાંચ હજાર માણસો એકઠા થયા. ન્યુકૅસલથી ટ્રાન્સવાલની સરહદ 36 માઈલ હતી. ગરીબ, અભણ અને અણસમજુ મજૂરોએ દૃઢતા જાળવી રાખી. સત્યાગ્રહી લોકોને ભોજનમાં રોટી અને ખાંડ જ મળતી. આ હડતાળમાં સૌ માણસોએ ખૂબ સહકાર આપ્યો. જમવામાં જે મળ્યું તે હસતા મુખે સ્વીકારી લીધું.
અહીં, વચ્ચે બે પ્રસંગોની નોંધ લેવી છે. ન્યુકૅસલમાં દ્રાવિડ બહેનો જેલ ગઈ તેથી બાઈ ફાતમા મહેતાબથી ન રહેવાયું એટલે તે પણ પોતાની મા અને સાત વર્ષના બચ્ચા સાથે જેલ જવા ઊપડી ગઈ ! મા-દીકરી તો પકડાયાં, પણ બચ્ચાને લેવાની સરકારે ચોખ્ખી ના પાડી. બાઈ ફાતમાનાં આંગળાંની છાપ લેવાની પોલીસે કોશિશ કરી. પણ બાઈ ફાતમા નીડર રહી અને પોતાનાં આંગળાં ન જ આપ્યાં. (પૃ.273)
બીજો પ્રસંગ એવો છે કે બે માતાઓ પોતાનાં બાળકડાં સહિત કૂચમાં જડાઈ. એક બાળકને શરદી થઈ ને તે મરણને શરણ થયું. બીજીનું બાળક એક વોંકળો ઓળંગતાં તેની કાખેથી પડી ગયું અને ધોધમાં તણાઈ ડૂબી મૂઉં. પણ માતા નિરાશ ન થઈ. બંનેએ પોતાની કૂચ જારી રાખી. તેમણે જીવતાંની સેવા કરવાને ધર્મ માન્યો. (પૃ.273)
સ્ત્રીઓની આટલી દૃઢતા અને ત્યાગની ભાવનાથી સમગ્ર દક્ષિણ આફ્રાનો ઇતિહાસ રળિયાત બન્યો છે. લડત હવે આગળ ચાલે છે. સંઘ, કાફલો કે યાત્રાળુઓ ચાલ્યા. ટ્રાન્સવાલમાં પ્રવેશ કર્યો. મિ. કૅલનબૅકે હિંદીઓની કૂચનો હેતુ સ્પષ્ટ કર્યો. તેમણે ગોરાઓને જણાવ્યું કે હિંદીઓ શુદ્ધ ન્યાય ઇચ્છે છે. ગાંધીજીની રાત્રે જ ધરપકડ થઈ. તેમણએ બીજા સાથી પી.કે. નાયડુને ભલામણ કરી. ગાંધીજીને પચાસ પાઉન્ડના જામીન ઉપર છોડ્યા. તરત જ બીજે જ દીવસે ફરી વાર ગાંધીજીને સરકારે પકડ્યા. ગાંધીજીના અન્ય સાથીઓ પણ પકડાયા હતા. વોક્સરસ્ટની જેલમાં ગાંધીજી, મિ. પોલાક અને મિ. કૅલનબૅક એમ ત્રણ જણ સાથે મળ્યા. ત્રણેયને ત્રણ ત્રણ માસની જેલ મળી.
ગાંધીજી જ્યારે વોક્સરસ્ટની જેલમાં હતા ત્યારે ત્યાં હંમેશાં નવા કેદીઓ આવતા. આ સત્યાગ્રહી કેદીઓમાં એક હરબતસિંગ કરીને બુઢ્ઢો હતો. તેની ઉંમર 75 વર્ષની હતી. ગાંધીજીએ તેને જેલમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યાં હરબતસિંગે કહ્યું કે – ‘મેં કૈસે રહ સકતા થા, જબ આપ, આપકી ધર્મપત્ની ઔર આપકે લડકે ભી હમ લોગોં કે લિયે જેલ ચલે ગયે ?’ (પૃ.306)
ગાંધીજીએ હરબતસિંગને જેલ છોડવા કહ્યું. હરબતસિંગ કહે છે કે, ‘મૈં હરગિજ જેલ નહિં છોડૂંગા. મૂઝે એક દિન તો મરના હૈ, ઐસા દિન કહાં સે મેરા મોત યહાં હો જાય.’ (પૃ.306)
આ નીરક્ષર જ્ઞાનીની આગળ ગાંધીજીનું મસ્તક નમ્યું. જેવી હરબતસિંગની ભાવના હતી તેમ જ થયું. હરબતસિંગનું મૃત્યુ જેલમાં જ થયું. આવા હરબતસિંગ આ લડાઈમાં અનેક હતા પરંતુ જેલમાં મરણનું સદ્દભાગ્ય હરબતસિંગને જ મળ્યું, તેથી તે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસને પાને ચડે છે.
જ્યાં કોઈ હિંદી જઈ જ ન શકે તેવી ઑરેન્જિયાની રાજધાની બ્લૂમફૉન્ટીનની જેલમાં ગાંધીજીને લઈ ગયા. મિ. કૅલનબૅકને પ્રિટોરિયાની જેલમાં અને પોલાકને જરમિસ્ટનની જેલમાં મોકલ્યા. પરંતુ સરકારની આ બધી ગોઠવણ નકામી હતી કારણ કે નાતાલના ગિરમીટિયા હિંદીઓ સૂંર્ણતાએ જાગી ઊઠ્યા હતા. તેમને કોઈ પણ સત્તા રોકી શકે તેમ ન હતી.
હિંદી મજૂરોએ માર અને ગાળો તથા બીજા અત્યાચારો પણ સહન કર્યા. આ સંદેશા હિંદુસ્તાન ગયા અને ખળભળાટ મચી ગયો. લોર્ડ હાર્ડિંગે તેમનું પ્રક્યાત ભાષણ કર્યું જેમાં વાઈસરૉય અને બીજાં સંસ્થાનોની ટીકા કરી. તેણે સત્યાગ્રહીઓનો બચાવ કર્યો. હવે સરકારે બંદૂકનીતિ હાથ ધરી. ગોળીબાર કર્યા. ઘણા લોકો ઘાયલ થયા. છતાં પણ લોકોનો જુસ્સો મોળો પડ્યો ન હતો.
જનરલ લ્યુકિને પોતાના સિપાઈઓને લોકો ઉપર ગોળીઓ ચલાવવાનો હુકમ કર્યો ત્યારે પારસી રુસ્તમજીનો નાનો દીકરો બહાદુર સોરાબજી કે જેની ઉંમર 18 વર્ષની હશે તે અહીં આવી પહોંચ્યો તેણે ગોળીબારના હુકમને રોકીને લોકોને સમજાવ્યા પછી લોકો પોતાને કામે ચડ્યા. આમ એક જુવાનિયાની સમયસૂચકતા, નિર્ભયતા અને પ્રેમથી ખૂનો થતાં અટક્યાં. (પૃ.310, 311)
પરંતુ છેવટે દક્ષિણ આફ્રિકામાં જે ત્રણ પાઉન્ડના કરનું રક્ષણ કરવા એ અત્યાચાર થયો, તે જ કર દૂર થયો. આમ, અનેક વેળા સહન કરેલાં દુઃખો આખરે સુખમાં પરિણમ્યાં. આ દુઃખોનો નાદ બધેય સંભળાયો આ લડતમાં ગાંધીજીએ જોયું કે જેમ લડનારાનું દુઃખ વધ્યું તેમ લડતનો અંત આગળ આવતો ગયો. આ ઉપરાંત એ પણ જોવા મળ્યું કે આવા નિર્દોશ, નિઃશસ્ત્ર અને અહિંસક યુદ્ધમાં અણીને વખતે જોઈતાં સાધનો અનાયાસે આવી રહે છે.
કોમને જે જે વસ્તુ જોઈતી હતી તે બધું આપવાની ભલામણ કમિશને કરી. એટલે કે ત્રણ પાઉન્ડનો કર, હિંદી વિવાહ તેમજ અન્ય ઝીણી વસ્તુઓ આપવાની ભલામણ કરી. હિંદને રાહત દેનારા કાયદાથી અને ગાંધીજી તથા જનરલ સ્મટ્સ વચ્ચેના પત્રવ્યવહારથી સત્યાગ્રહની લડતનો અંત આવ્યો હતો. આમ, આઠ વર્ષને અંતે આ સત્યાગ્રહની મહાન લડત પૂરી થઈ અને આખા દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓને નિરાંત વળી એમ મનાયું.
ગાંધી બાપુએ દક્ષિણ આફ્રિકામાં એકવીસ વર્ષ નિવાસ કર્યો અને જીવનના અસંખ્ય કડવા-મીઠા અનુભવો લીધા. દક્ષિણ આફ્રિકા છોડવું ગાંધીજીને દોહ્યલું લાગ્યું. ગાંધી આફ્રિકા છોડતાં દુઃખી થયા. અંતે એટલું સમજાય છે કે આ મહાન લડત ન ચાલી હોત તો દક્ષિણ આફ્રિકામાં વસતા તે સમયના હિંદીઓની મુશ્કેલીઓ દૂર ન થઈ હોત. પરંતુ, હિંદી કોમ દ્વારા થયેલો સત્યાગ્રહ ખરેખર સરાહનીય છે.
____________________________________________
સંદર્ભ : દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, ગાંધીજી, (પ્ર.આ. 1924, બારમું પુનર્મુદ્રણ – નવેમ્બર2015), નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-380014
ડૉ. ભીખાભાઈ વી. દેસાઈ
આસિસ્ટંટ પ્રોફેસર
નલિની – અરવિંદ એન્ડ ટી. વી. પટેલ આર્ટ્સ કૉલેજ – વલ્લભ વિદ્યાનગર – આણંદ – ૩૮૮૧૨૦
ઈ – મેઈલ : bhikhajetalpura9371@gmail.com
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 4 July – August 2024