એની વહેતી આંખો સામેનું ચિત્ર થરથરી રહ્યું, તોફાનમાં બારીના કાચની જેમ. એ ચિત્રમાં એણે પોતાનું સમગ્ર અર્પી દીધું હતું. એ ખૂબ મથ્યો હતો રંગ સમેટવા; પણ હવે, ચિત્રના બધા જ રંગ એની આંખ આડેના ઝળઝળિયાંમાં ઓગળતા લાગ્યા. ચિત્રમાં ફક્ત આકારની રેખાઓ સિવાય કશું જ બચ્યું નહિ. આ જોઈ એની અંદર પીડાનો ફણગો ફૂટીને વિસ્તર્યો અને બધા જ રંગો ઝાકળ બનીને એ ફણગા પર ઝમ્યા. ફણગાની ગરમીથી રંગોના ઝાકળની ટાઢક પણ ક્ષણના અડધા ભાગમાં વરાળ બનીને ઉડી ગઈ.
શિયાળાની ઉદાસ રાત બારી બહારથી અંદર તાકી રહી હતી. એ અંદર પલંગ પર બેઠેલા વ્યક્તિને ચીપકી જવા ઉતાવળી થઈને બારીના કાચ પર ફેલાઈ પડી હતી.
હમણાં જ એકીસામટી ગળાયેલી ગોળીઓના ઘેનમાં એ વ્યક્તિને ચિત્રમાં રહેલી આંખોની ચંચળતા બારીની બહારના વૃક્ષ પર ચામાચીડિયાની જેમ ઊંધે માથે લટકતી દેખાઈ.
નાઇટલેમ્પના આછા અજવાસમાં એણે પોતાના ઓરડામાં નજર ફેરવી. પાણીની બહાર તરફડિયાં મારીને શાંત થઇ ગયેલી માછલીની જેમ વસ્તુઓ નિર્જીવ થઈને પડી હતી. સામેની દીવાલ જાણે કશી જ ખબર ન હોય એમ આંખો મીંચીને તપસ્યાનો ડોળ કરતી હતી. રેક પર મૂકેલા પુસ્તકો શબ્દોની ઓથ તળે ઘોરતા હતા. ઘરનું રાચરચીલું કોઈ અજાણ્યા ઘરમાં પેસી ગયું હોય એમ અકળાતું હતું. પોતાનું કહી શકાય એવું કશું જ ન લાગતા એણે બારીની બહાર નજર કરી. એ દૂર દૂર સુધી પથરાયેલી નિસ્તબ્ધતાને જોઈ રહ્યો. રોજની રાત કરતા આજની રાત કંઈક વધુ અંશે કાળી લાગી. એના કાળા આવરણમાં એમની પ્રેમાલાપના લીરા આધારહીન બનીને આમતેમ ફંગોળાતા દેખાયા. છેલ્લા ઘણા વર્ષોના સ્મરણો આકાશમાંથી ઝમવા લાગ્યા અને રાતની કાળાશને વધુને વધુ ઘટ્ટ બનાવવા લાગ્યા. રાતનું વજન વધતું ને વધતું ચાલ્યું.
અજાણ્યા સામે કૂતરાના ભસવાનો અવાજ, પંખીઓની પાંખનો ફફડાટ, કોઈ પસાર થતી ગાડીનો અવાજ, પવનના સુસવાટા, હિંચકાનો કીચૂડાટ, રાતરાણીની મહેક, તમરાનો લયબદ્ધ ત્રમ….ત્રમ…..અવાજ, સ્ટ્રીટલાઇટનો માંદલો પ્રકાશ, ઝુંપડામાંથી આવતો કણસવાનો અવાજ …….બધું જ કાળીરાતને ભેદવા મથી રહ્યું.
સપનાઓનો ભંગાર એની આંખોમાંથી ઠલવાઈને આખા ઓરડામાં ભરાતો રહ્યો. ખરીને કોહવાઈ ગયેલા સંવાદોની અસહ્ય વાસ એને ઘેરી વળી. મોબાઈલનો સ્ક્રિન ખોલતા જ દેખાતો અંજલિનો હસતો ચહેરો અસંખ્ય પિકસેલોમા વિખેરાઈને આકારહીન બની રહ્યો. એની સાથે થયેલી ઝીણામાં ઝીણી વાતોને સંઘરી રાખીને ઝગારા મારતો મોબાઈલ કોઈ છૂપા ચોરની માફક એના ઓશિકા નીચેથી જોઈ રહ્યો. એના શરીરનો એક એક કોષ, તંતુઓ, રક્તકણો, ઘ્રાણેન્દ્રિયો બંધિયાર હવામાં ગૂંગળાવા લાગ્યા. ચસોચસ બંધ ઓરડાની દરેક વસ્તુઓના મૃત અવશેષો એકીટશે એને તાકી રહ્યા. એકીઝાટકે ખાલી થઇ ગયેલી ઊંઘની ગોળીની પ્લાસ્ટિકની ડબ્બી પલંગ પાસે પડી પડી એની ભારેખમ થઇ ગયેલી આંખોને અનિમેષ જોઈ રહી.
એની આંખો – અંજલિની ખિલખિલ હસતી બહેનપણીઓના, અંજલિના મોબાઈલની સ્ક્રિનના, અંજલિના સોશિયલ મીડિયાના, પોતાના જીગરજાન દોસ્તોના, પોતાના કહેવાતા સંબંધોના, પિતાના ખભે, માના ખોળે, ગમતા લેખકની પંક્તિએ બધે જ ટકોરા મારી આવી હતી. પણ એની આંખોને રડવાના મુકામ મળ્યા નહિ. પછી એની આંખો ઊંડા, સુક્કા અને અંધારા કૂવામાં ગરક થઈ ગઈ. સપનાનો ભંગાર ઠલવાઈ ગયા પછી ઠાંસીઠાંસીને એકલતાથી ભરાયેલી ખાલીખમ આંખોમાં કૂવાની જીવાતો તરવરતી દેખાઈ. એની આંખોમાં હળવેથી કૂવાનું અંધારું ઉતરવા લાગ્યું.
એને થયું કે બારી ખોલીને જોરથી ચીસ પાડે અને આ ગોઝારી રાતને છેદી નાખે ; એવું કરવા એ ઊભો પણ થયો પણ એના પગ હલ્યા નહિ. એ પલંગ પરથી ઉતરીને બારી આગળ આવ્યો. એને થયું કે એ ચાલ્યો નથી છતાંયે અહીં પહોંચ્યો છે. પછી એને થયું કે એ પહોંચ્યો પણ નથી બસ થોડું સરક્યો છે. આટલું સરકવું પણ કેટલું પીડાદાયક હતું તો ચાલવું અને પહોંચવું તો પીડાનું શિખર હશે, નહિ? આવો એક વિચાર એને ઝબક્યો અને બુઝાઈ ગયો.
વિચારોને ખમી શકવાની ક્ષમતા એ ગુમાવી ચૂક્યો હતો, એના પગની જેમ જ.
એણે બારીની બહાર કણસતી રાત જોઈ, ઠંડીના ઠુંઠવારામાં કોઈ વૃક્ષને આલિંગીને અંગ મરડતી, કણસતી રાત. એ વૃક્ષની ઘટામાં સંતાયેલા પંખીઓએ પાંખ ફફડાવી, પવનના સુસવાટાએ અંદર સુધી પેસીને આખા વૃક્ષને હચમચાવી કાઢ્યું અને કણસતી રાત વિખરાઇને આમતેમ વેરાઈ ગઈ.
અંધારી રાતનો મહાકાય પડછાયો એના ઓરડામાં ફેલાઈ ગયો. નાઈટલેમ્પ હાર સ્વીકારીને ઢળી પડ્યો. એ મહાકાય પડછાયો કોઈ સિનેમાનો પડદો હોય એમ – એમણે વિતાવેલી મધુર ક્ષણોના ટુકડાઓ ગોઠવીને દેખાડતો રહ્યો. દાઝ્યા પર ડામ થયો. એનું રૂંવાડે રૂંવાડું સૂક્ષ્મ કણોમાં વિભાજીત થઈને એનાથી છૂટું પડવા લાગ્યું.
એને થયું કે એની દબાયેલી ચીસ અંદરથી ધક્કો દઈ રહી છે.
એણે બારી ખોલવા હાથ ઊંચક્યા પણ….
પણ….રાતનું અંધારું અંદર પ્રવેશ્યું નહિ, તમરાનો ત્રમ…..ત્રમ…..અવાજ પણ ઝીણો જ રહ્યો. સુસવાટા મારતો પવન એને અડી શક્યો નહિ, દૂર દેખાતી સડક દૂર ને દૂર ખસવા લાગી, રાતનાં અવશેષો ઊંચકીને વૃક્ષ પણ આઘે ને આઘે સરકવા લાગ્યું, ભસતો કૂતરો વધુ ને વધુ ભસવા લાગ્યો. ચાંદની વેરતો ચંદ્ર પણ કાળી રાતનું અંધારું પીતો કાળોને કાળો થવા લાગ્યો. પણ રાતની કાળાશ ખતમ થવાનું નામ લેતી નહોતી.
સમયના થીજી ગયેલા ચાસ પર એની નજર ફરી. થોડીવાર સુધી તો એને સમજાયું નહિ કે એની આસપાસની સૃષ્ટિ દૂર જઈ રહી છે કે એ પોતે …. એની આંખો આગળ હવે પેલી બારી પણ નહોતી, કદાચ એ પણ સરકીને દૂરના ડુંગરામાં ભળી ગઈ હતી. એણે પાછળ વળીને જોયું તો પેલા ચિત્રનો આકાર લિસોટા બનીને હવામાં ભળી ગયો હતો. પુસ્તકો, નાઈટલેમ્પ, પડદા, રેક, કબાટ, ભીંતો બધું જ રાતની ખરલમાં ઘૂંટાઈને ભુક્કો થઇ ગયું અને હવાના તળિયે જમા થતું ગયું.
અસહ્ય થઇ ગયેલી અને બહાર નીકળવા મથતી થથરતી ચીસ એના મોંમાંથી સરી પડી. એની અંદર ગૂંગળાઈને મરી પરવારેલા શબ્દો ચીસમાં રૂપાંતરિત થઈને ચિદાકાશમાં ભળતા ગયા. એને થયું કે એની ચીસ અવકાશમાં અથડાઈને પાછી એના કાનમાં સમાઈ જશે અને એનું ક્ષુબ્ધ હૃદય ખળભળી ઉઠશે, પણ એવું કશું થયું નહિ. ન તો ચીસના કોઈ પડઘા પડ્યા, ન તો કોઈ તરંગો ઉઠી. એને લાગ્યું કે એણે જાણે પાણીમાં ચીસ પાડી!
એણે વહેતી મૂકેલી ચીસ સાથે ધગધગતા સંવેદનો શાંત પડ્યા. કોઈ પ્રવાહીની જેમ એ સંવેદનો એની નસોમાંથી બહાર વહેવા લાગ્યા અને એ રિક્ત થવા લાગ્યો.
આસપાસનું બધું જ ગતિશીલ બનીને સમયના પ્રવાહમાં તણાતું રહ્યું અને પોતે કોઈ જડ પથ્થરની જેમ સ્થિર થઇ ગયો. એને લાગ્યું કે એ હવે જમીન પર નથી, જમીન એના પુરા અસ્તિત્વ સાથે એના પગતળેથી સરકી ગઈ છે. એને લાગ્યું કે એ આકાશ કે અવકાશમાં પણ નથી. દિશાઓ, સ્થળ, કાળ, ગતિ, અંતર, પ્રકાશ, ધ્વનિ, તરંગો બધાના પડળોની પેલે પાર કોઈ રૂના તાંતણાની જેમ એ ઉડી રહ્યો છે.
એને યાદ આવ્યું : કોઈ ઝાડની ઓથમાં સંતાઈને અંજલિના હોઠેથી ચોરેલું રસઝરતું ચુંબન, હળવા દાબમાં ખુંપી ગયેલા નખની અણીથી ઉઠેલી અંજલિની માદક ચીસ, એની પારદર્શક આંખોના કિનારેથી દેખાતું ખળખળ ઝરણું, એની સાથેના પ્રેમસંવાદોથી ડોલ્ફિનની જેમ ઉછાળા મારતું ખુદનું હૈયું, અંજલિના સ્પર્શથી એના શરીરમાં વીજળીવેગે ઉઠતી ઝણઝણાટી……
આ બધું યાદ આવ્યા છતાં પણ એના સંવેદનતંત્રમાં જરા સરખો પણ ઝબકારો થયો નહિ.
એની આસપાસ ઠાંસોઠાંસ અંધારું હતું. માનાં ગર્ભમાં હતું એવું અંધારું. પોતીકું અને જીવંત લાગતું અંધારું. કોઈ નવી સૃષ્ટિની મુલાકાતે લઇ જનારું અંધારું. અંદર- બહારનો ભેદ મટી ગયો હતો. અકળામણ થતા મનની સ્થિતિ એનું પરિમાણ ગુમાવી ચૂકી હતી. એની સંવેદનાઓના શૃંગ-ગર્ત સપાટ થઈને હવામાં તરતા દેખાતા હતા. સ્મૃતિનગરમાં વસતા કેટલાક ચહેરાઓના આકારો ઝાંખા થઇ રહ્યા હતા. હવામાં ઊડતી ધૂળની ડમરીની માફક એ ઊંચે ને ઊંચે ચઢતો જતો હતો. આસપાસના નર્યા અંધકારમાં પોતાનું એકે અંગ એ જોઈ શકતો નહોતો. એ ગતિમાં હતો છતાં પણ ગતિની અનુભૂતિ એને થતી નહોતી. સમયખંડના એક પછી એક પડળ વળોટીને એ અંતે શૂન્યમાં સરી પડ્યો.
શૂન્યના મહાપ્રયાણમાં એને દૂરથી પોતાની તરફ આવતી એક ચીસ સંભળાઈ. વિલાપની તીવ્ર ચીસ જે નક્કર-પ્રવાહી બધું જ ભેદીને એના તરફ ધસી આવતી હતી. એ ચિત્કારની ધ્વનિનાં તરંગો ઉઠ્યા, અંધકારનું આવરણ ધ્રૂજ્યું, બળી ગયેલી સ્મૃતિની રાખમાંથી એક- બે તણખા ઝર્યા, આ તણખામાં મહાવિસ્ફોટ કરવાની તાકાત હતી. આટલા સમયખંડ ભેદીને આ ચીસ આ નીરવતામાં કઈ રીતે પેઠી? પછી ખબર પડી કે આ ધ્વનિના પિંડમાંથી એની ચેતના ઘડાઈ હતી. આ ઉદ્ભવેલી ચીસના હૃદયનો એ એક અંશ હતો. આ ચીસ એની માની હતી. એની ચેતનાનું શૂન્યમાં રૂપાંતરિત થવાની અંતિમ ક્ષણોમાં પહોંચેલી આ ચીસે ઉત્પન્ન કરેલા તરંગોથી એને પાછા વળવાની સૂક્ષ્મ ઈચ્છા જાગી. એ રંગોના મહારાસ તરફ દ્રષ્ટિ કરે એ પહેલા જ એનો દેહ અંત્યેષ્ટિ પર હતો અને એ અનંતનો પ્રવાસી બની ચૂક્યો હતો.