આ કૂતરી આજેય નથી ચાલવાની એવું લાગે છે…
આઠ-દસ વાર બટનો દબાવ્યાં છતાં લિફ્ટ ટસની મસ ન થઈ એટલે મનોમન લિફ્ટને ભાંડતા એમણે દાદર વ્હાલો કર્યો. ત્રણ માળ ચઢ-ઉતર કરવામાં હવે ઘૂંટણ આનાકાની કરવા લાગ્યા હતા. પૂછવું હતું કે, ‘લિફ્ટ પાછી કેમ માંદી પડી?’, પણ ગ્રાઉન્ડ ફ્લૉર પર ચોકીદારનો પડછાયોય ન દેખાયો. પાર્કિંગ લૉટનું પરિભ્રમણ કરીને નજર છેક ગેટ સુધી રખડી આવી, પણ એ કામચોરનો થપ્પો ન કરી શકી.
બધ્ધાં નક્કામા છે, સાલા… બબડતા તેઓ ગેટ તરફ ચાલ્યા. રસ્તે પડ્યાં-ન-પડ્યાં, ત્યાં તો વળાંક પર ટોળેવળેલાં લુખ્ખાં ઝાડીઝાંખરાં દેખાયાં. લાલ-પીળા ટી-શર્ટ ને ઘૂંટણે ફાટેલા જિન્સ ઠઠાડીને મવાલીગીરી કરતા આડેધડ ફૂલેલાં-ફાલેલાં, કાંટાળા જંગલી ઝાંડવાં. જ્યારે જોવ ત્યારે ભેગાં જ હોય. જતાં-આવતાંને હલકટ આંખો અને બેશર્મ જબાનથી ચુભતા રહે. કૂતરીની પેટના સાલા…
‘એ આઇટમ, કહાં ચલી…’ સ્ત્રૈણ અવાજ કાઢતો એક કૂતરો ભસ્યો ને બાકીના હસ્યા. રોજની જેમ.
ખીજ તો ખૂબ ચઢતી, પણ એ હડકાયાંઓની સામુ થવામાં માલ નહોતો, એ જાણતા હોવાથી જાણે કે સાંભળ્યું જ ન હોય એમ ચાલ્યા જતા.
બોલે ત્યાં સુધી તો ઠીક, પણ કૂતરીનાઓ એમની ચાલની મશ્કરી કરતા ત્યારે કાળજે આગ લાગી જતી. થતું, મારી ચાલ ખરેખરે ઢીલી છે..? બૈરાં જેવી છે..?
ના હોય..! અરીસામાં અનેકવાર જોઈ-તપાસી લીધું હતું. એ તો છે જ એવા અભણ એટલે…
પણ પેલા ઑફિસવાળા તો ભણેલા-ગણેલા છેને..! એ લોકો પણ શું કામ..? પેલો ટાઇ ચાવતો રહેતો આખલો માથુરીયો. ભૂંડની જેમ આખો દિ ભચડ-ભચડ ઠૂંસ્યે રાખતો જાડિયો કમલીયો. ને એમની અભદ્ર ટીખળ પર ખિખિયાટા કરતી સ્વીટી. કૂતરી સાલી… એ અમથું-અમથું હસતી એટલે જ પેલા બેને ઓર જોર આવતું. લાગ મળ્યો તો ત્રણેને…
ઝાડીઝાંખરાં વટાવીને મેઇન રોડ પર આવ્યા ત્યારે કંઈક રાહત થઈ. લાલ ડબ્બો સમયસર આવતો દેખાયો એટલે મુસ્કુરાયા, પણ એ આનંદેય ઝાઝો ન ટક્યો. રોજની જેમ જ આજે પણ ઘેંટાં-બકરાંથી ફાટફાટ થતો હતો. માંડ ચડ્યા.
‘કસા કાય, રાવસાહેબ..?’ કન્ડક્ટરે ટિકિટ કાપતાં પહેલાં સસ્મિત બોલાવ્યા, એ ગમ્યું. જવાબમાં એમણે પણ સ્મિત રેલાવ્યું. રોજની જેમ.
બધાં એમને રાવસાહેબ કહીને જ બોલાવતા. વર્ષોથી. નામ તો ક્યારેક ક્યાંક સહી કરવાની હોય ત્યારે એમણે પોતેય યાદ કરવું પડે એટલું ધૂંધળું થઈ ચૂક્યું હતું. ચીમન કે ચમન કે ચંપક જેવું કંઈક હતું ખરું, પણ જલદી મનમાં ઉગતું નહોતું.
ઝોલા-ગોદા-ઠોંસા ખાતાં-ખાતાં ઠેકાણે પહોંચ્યા ખરા. ઉતરતી વખતેય કોઈ કૂતરીનાએ પાછળથી ધક્કો માર્યો તે માંડ ભોંયભેગા થતાં બચ્યા. ધૂંઆપૂંઆ થતા ચાલ્યા ઑફિસરસ્તે.
કીબોર્ડ પર ખટખટાખટ-ખટ નાચતી આંગળીઓનું કોરસગાન ઑફિસ ગજવતું હતું. રોજની જેમ. પોતાની જગ્યે બેઠા કે તરત પ્યૂન પાણી લઈ આવ્યો. રણમાં વીરડીસમો જગ્ગુ. ઑફિસમાં સીધે મોંએ વાત કરતો એકમાત્ર માણસ. બીજાની જેમ છાશવારે પાંચ-પચાસ પકડાવીને એને હાથમાં-દાબમાં-કહ્યામાં-ઓશિયાળામાં રાખવાની કોઈ ચેષ્ટા ન કરતા હોવા છતાં એમની વયને માન આપીને હસતાં-હસતાં કામ કરી આપતો જગ્ગુ.
પાણી ગટકાવીને કામે વળગ્યા. ટેબલ પર પડેલી ફાઇલો ફંફોસી. એકાદ ફાઇલમાં જેમતેમ ઠૂંસેલાં ઢગલાબંધ કવર સરકી પડ્યાં. ટેબલ પર. ફર્શ પર. ખોળામાં. એક-બે તો એટલાં હોશિયાર નીકળ્યાં કે જાતે જ પોતાના ગંતવ્યસ્થાને જઈ બેઠાં. ડસ્ટબિને એમને સહર્ષ વધાવ્યાં.
ચીડ ચઢી. આમ બધું વારેવારે વેરવિખેર કેમ થઈ જતું હતું, એ નહોતું સમજાતું. હરાયાં કવરીયાં ઉઠાવીને એક ઠેકાણે મૂક્યાં. પછી હળવેકથી ક-મ-પ્યુ-ટ-ર ઓન કર્યું. શોધી-શોધીને કી દબાવી ત્યારે માંડ ખુલ-જા-સિમ-સિમ થયું. ઑફિસના કીબોર્ડ-કોરસગાનમાં સૂર પૂરાવવાની ભરચક કોશિશ કરતા હોવા છતાં તેઓ ક્યારેય પહોંચી ન શકતા. ક્યારેક ક-મ-પ્યુ-ટ-રને સૂતેલું જ રાખીને કીબોર્ડ પર અમથું-અમથું જ ખટખટાખટ-ખટ કરીને જુવાનિયાઓ સાથે સ્પર્ધામાં ઉતરવાની ઈચ્છા થઈ આવતી, પણ એમ કરવામાં આખ્ખો દિવસ છીછીટીવીમાં આંખો ખોડીને બેસી રહેતા પેલા જમરાજની ઝપટે ચઢી જવાનો ડર રહેતો. આમેય એ જમરો એમનું પત્તું કાપવાની ફિરાકમાં હતો જ. છાશવારે છટણી કરવાની ધમકી આપીને સ્ટાફને ઉચ્ચક જીવે રાખતો, એમાં ક્યાં એને બહાનું આપવું. પોતે ક્યાં પેલા આખલા ને જાડિયાની જેમ એની મસ્કાપાલિસ કરી શકવાના હતા..! ને પેલી ખિસકોલીની જેમ લટુડાપટુડા કરવાનુંય ક્યાં આવડતું..! ને આવડતું હોય તોય શોભે..? આ ઉંમરે..?
ત્રણે નાલાયકો જીહજૂરી કરીને જ તો ટકી રહ્યા છે, કૂતરીનાંવ…
ગાળને નામે એમને આ એક જ શબ્દ આવડતો- કૂતરી. જરૂર મુજબ ગાળની જાતિ અને વચન બદલીને કામ ચલાવી લેવાની ફાવટ હતી ખરી, પણ મૂળ શબ્દ તો એ એક જ. બીજાં લોકો તો કેવી-કેવી ગાળો બોલતાં..! બ ને ભ ને મ… ઑફિસ, બસ, મહોલ્લો… જ્યાં જુઓ ત્યાં બ ને ભ ને મ વગર તો લોકોને જાણે કે ચાલતું જ નહીં. બૈરાંઓય ક્યાં પાછળ હતાં એમાં..! ઓ, બાપ..! આપણે તો એવા સંસ્કારેય નહીં ને એવી જબાનેય નહીં..!!
પીઠ પાછળ થતી મશ્કરીને અણસાંભળી કરીને કામમાં જીવ પરોવ્યો. એકડા-બગડા-તગડા અહીંથી તહીં ગોઠવ્યા. ભેગા કર્યા. કાપી ફેંક્યા. મઠાર્યા. રોજની જેમ.
લંચ ટાઇમમાં ખાવા બેઠા. એકલા જ. રોજની જેમ.
શાકનો ડબ્બો ખોલ્યો ત્યાં તો સેંકડો ખદબદતાં જીવડાં..! મોં કટાણું કરીને તરત ડબ્બો બંધ કરી દીધો.
કૂતરીએ આજે પાછું…
બાકીના ડબ્બા ખોલ્યા વિના જ ગુસ્સામાં ટિફિન હડસેલી દીધું. જગ્ગુને હાક મારી. ચા મંગાવી. ભૂખ મારવાનો રામબાણ ઈલાજ. હાથવગો. ને સસ્તો.
ચા પતાવીને ફરી ક-મ-પ્યુ-ટ-ર પર ગોઠવાયા ત્યારે ખૂણામાં જગ્ગુ પેલા જીવડાં મજેથી ઝાપટતો હતો.
આછી ખુસરપુસર, દબાયેલા તુચ્છકાર અને થોડીક સુગંધિત ભચડભચડ વચ્ચે સુસ્તાતી બપોર વીતી. કૂતરીનાંવ હળવુંહળવું કનડતાં રહ્યાં. રોજની જેમ. જોકે, ઑફિસના બીજાં જંતુઓનો ખાસ કોઈ ઉપદ્રવ નહોતો.
સવા છનો કાંટો પકડીને ઉઠ્યા. જમધામમાં ફાઇલો જમા કરાવવાની હતી. રોજની જેમ. ગાળો ખાવાની હતી. રોજની જેમ.
જમરાએ ફાઇલો ઉથલાવી. કામમાં ખોડખાંપણ કાઢી. નાક ચડાવ્યું. હાથ પછાડ્યાં. થોડું ન ઓકવા જેવું ઓક્યો. રોજની જેમ.
આ બાજુય નાગે ફેણ ચઢાવી, પણ જીભ ઝેર ઓકવામાં સાથ નહોતી આપતી. પહેલેથી જ.
થોડીવાર ખમી ખાધું, પણ પછી ન સહેવાયું એટલે ઝૂકીને સેન્ટર ટેબલ પર પડેલું પેપરવેઇટ ઉઠાવ્યું. ભીંસ્યું. ખેંચ્યું. ને તાક્કીને માર્યું.
ધડ્… કરતુંક ટીંચાયું જઈને સીધ્ધું જમરાજના કપાળે. એકાદ ઓહ્…ની પાછળ બેએક આહ્… ધસી આવી. સાથેસાથે ત્રણ-ચાર બ-ભ-મ-નેય લેતી આવી.
દળદળ વહેતું લોહી ચાટવા જમરાજનો ભેંસો ક્યાંકથી દોડી આવ્યો. ચપચપચપ કરતોક કપાળ ચાટવા લાગ્યો. ખૂન્નસભરી આંખે રાવસાહેબને ઘૂરી રહ્યો.
‘નીકળું છું…’ કહ્યા વિના જ રાવસાહેબ ચાલી નીકળ્યા. પાછળથી ધસી આવેલા, પીઠ પર વળગી પડેલા થોડા નવા બ-ભ-મ-ને ઑફિસમાં જ ખંખેરીને નીકળી ગયા.
બસ સ્ટૅન્ડે દોરી જતી બે ગલીઓમાં બધ્ધેબધ્ધાં મકાનો કાળા કાપડથી ઢાંકેલાં હતાં. જાણે કે મરસિયાં ગાવા બેઠેલી તોતિંગ રૂદાલીઓ. અચરજ થયું. મરમ્મત પામી રહેલાં મકાનનાં તૂટ્લાફૂટ્લા અવયવો જ્યાં-ત્યાં ન વેરાય એ માટે એને લીલે લૂગડે લપેટે એ તો જોયેલું, પણ આ તો..! કાળા કપડાની નવી ફૅશન આવી કે શું..? લીલા કરતા કાળો વધારે સારું કામ આપતો હશે..? આંખો તાણીને એ ઓછાડ સોંસરવું જોવાની કોશિશ કરી, પણ કંઈ કરતાં કંઈ જ ન દેખાયું.
બસ સ્ટૅન્ડે પહોંચ્યા. લાઇનમાં ઊભા રહ્યા. રોજની જેમ.
એટલામાં ક્યાંકથી માછલીની તીવ્ર ગંધ આવીને વળગી પડી. આમતેમ ડાફરિયાં માર્યા તો સહેજ દૂર લારી પર શેકાતી માછલી દેખાઈ. બપોરે ખાધું નહોતું એટલે ભૂખ તો લાગી જ હતી, પણ આમ રસ્તે ઊભા-ઊભા તો કેમક… એય પાછું એકલા-એકલા… કોઈ ઓળખીતું જોઈ લે તો..! કેવું લાગે..!?
બસ આવી ત્યાં સુધી નજર શેકાતી માછલીને બટકાં ભરતી રહી. મોંમાં વછૂટતા લાળના ફુવારાથી જ પેટ ભરાઈ જશે એવું લાગ્યું.
બસમાં બેઠા. બેઠા તો શું..! લટક્યા..! રોજની જેમ.
અચાનક, અચાનક જ માથામાં સણકો ઉપડ્યો. ડાબું લમણું ફાટફાટ થવા લાગ્યું. થોડીવાર ખમી ખાધું, પણ દુખાવો ભૂરાટો થયો ત્યારે ન સહેવાતા ડાબો હાથ આપોઆપ જ લમણે જઈને ચંપાયો. તર્જની જોરથી દબાવી, એટલી જોરથી કે ચામડી ચીરીને એ માંસમાં ખૂંપી ગઈ; ખોપરીના હાડકાં સોંસરવી થતી ભેજા સુધી પહોંચી ગઈ. પાછળ-પાછળ અંગૂઠાએય મસ્તિષ્ક-પ્રવેશ કર્યો. બંનેએ ભેગાં મળીને દુખતી રગને શોધી, જકડી અને પછી બહાર ખેંચી કાઢી.
હવામાં તરફડતા નસના છેડાને બરાબરનો દબાવ્યો, જાણે કે દમદાટી દીધી, અને પછી એને ફરી અંદર ધકેલી દઈ યથાસ્થાને ગોઠવી. અંગુલી-અંગુઠાને બહાર કાઢીને બાકોરું સમુંસૂતરું કર્યું, સહેલાવી-પંપાળીને પૂરી દીધું, હતું એમ કરી દીધું. હાઆઆઆશ થઈ. પાકેલું ગૂમડું દબાવતાં રાહત થાય એવું હળવું-મીઠું કળતર માણતાં જૈસેથે ઊભા રહ્યા.
થોડીવાર થઈ ત્યાં આગળ ઊભેલી મહિલાનો હાથ એના ખુલ્લા વાળ પર જતો દેખાયો. બે સુંવાળી આંગળીઓ માથાને ખંજવાળવામાં પરોવાઈ.
રાવસાહેબની નજર એના વાળ પર ચોંટી ગઈ. હવાની છેડતીનો ઠાલો પ્રતિકાર કરી રહેલા કાળાભમ્મ વાળના મબલખ જથ્થા વચ્ચે કંઈક સળવળાટ જણાયો. તાક્કીને જોયું તો ખરેખર કંઈક હતું. કંઈક ઝીણું-ઝીણું. કંઈક કાળું-કાળું. કંઈક…
બે પળ, ચાર પળ વીતી, અને વાળની ઓથમાંથી એક માછલી બહાર આવતી દેખાઈ.
ઘરડી આંખોમાં ચમક આવી. એકાએક પેલી શેકાતી માછલીની ગંધનું સ્મરણ થયું અને ઘ્રાણેંદ્રિય તરબતર થઈ ઊઠી. મોંમાં લાળના છુંકારા થવા લાગ્યા. ભૂખ આળસ મરડીને બેઠી થઈ.
સોનેરી, રૂપકડી, નાનકડી, માંસલ માછલી હવામાં તરતી-તરતી પોતાની તરફ જ આવતી દેખાઈ એટલે તેઓ સાબદા થયા. મોં અધખુલ્યું, અને પેલી નજીક આવી કે તરત ઝપ્પ દઈને એને દાંત વચ્ચે જકડી લીધી. અડધી સેકન્ડમાં તો મોં બંધ ને માછલી અંદર. ચાવ્યા વિના જ, કાચી ને કાચી, આખેઆખી ગળચી ગયા. સહેજ જોર પડ્યું, પણ માછલીએ કોઈ પ્રતિકાર ન કર્યો એટલે કામ આસાન થઈ ગયું. કશા જ વિરોધ વિના એણે સરેન્ડર કરી દીધું, એમાં રાવસાહેબને વિજયાનુભૂતિ થઈ.
ક્ષુધા શાંત થઈ. સહેજ.
ચકળવકળ ડોળા ઘુમાવીને ખાતરી કરી લીધી કે કોઈએ જોયું નહોતું. ખુશ થયા.
પણ એમ કંઈ એક કોળિયે પેટ ધરાય..? જઠરે ગડગડાટી બોલાવીને બીજું કંઈ નાંખવાની માંગ કરી. પેલી ઓરતના વાળ પર નજર જમાવી રાખી, એ આશામાં કે ફરી કંઈક… પણ…
બસ અટકી. ધક્કા ખાતાં-ખાતાં ઉતર્યા. રોજની જેમ.
નુક્કડ પર ટોળે વળેલાં નફ્ફટીયાં સવાર કરતાં સાંજે વધારે માત્રામાં ફકરીને ફેલાઈ જતાં હતાં. એમને જોયા જ ન હોય એવી બનાવટ કરતા રાવસાહેબ ચાલતા રહ્યા. થોડા હરામમસ્તીભર્યા શબ્દો થૂંક પર સવાર થઈને હવામાં ઉડ્યા અને રાવસાહેબને આવીને વાગ્યા. થોડા બિભત્સ ખિખિયાટા. થોડા અશ્લીલ ચેનચાળા. બસ એક-બે મિનિટ, પછી બધું શાંત.
સોસાયટી ગેટમાંથી અંદર પેઠા, ને રાહત થઈ. પેલા લુખ્ખાઓ પર ચઢેલી બધી ભડાસ વૉચમેન પર ઓકી નાંખવી હોય એમ ખીજપૂર્વક તાડૂક્યા, ‘સવારે ક્યાં મરી ગયો હતો? ન લિફ્ટના ઠેકાણા, ન તારા..!’
સાંભળ્યું જ ન હોય એમ ખુરશી પર બેઠેલો વૉચમેન નાકને આંગળી વડે ખોતરતો રહ્યો.
બે વાક્યોના વમનેય થોડી રાહત આપી. નબળો ધણી બૈરી પર શૂરો, પણ અહીં તો બૈરી સામુ થવાય એમ હતું જ નહીં એટલે અડિયોદડિયો બધો વૉચમેન પર જ…
લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. પકડીને ઉડ્યા ત્રીજે માળે.
ટિંગ…ટોંગ… કર્યું. ખુલ્યું. એમના ડાચા પર નજર સુદ્ધાં નાખ્યાં વિના અર્ધાંગિની અંદર સિધાવી ગયાં. શરૂ-શરૂમાં એની આવી લુખ્ખાઈ અપમાનજનક લાગતી, પણ પછી તો… લગભગ બધે આમ જ થવા લાગેલું એટલે આદત પડી ગયેલી. કોઈ સારી, મીઠી, ગમે એવી વાત છેડવામાંય પેલી છંછેડાઈ જતી, એટલે એવી કોશિશો પણ પડતી જ મૂકી દીધેલી પછી તો.
એનો પિત્તો કાયમ સાતમે આસમાને જ હોય એટલે ઘરમાં દાખલ થાય કે તરત રાવસાહેબે દિવસભરના ગુસ્સા-હતાશા-ચીડ-ખૂન્નસનું પડીકું વાળીને મનના કો’ક અંધારિયા ખૂણે ધરબી દેવું પડતું.
કપડાં બદલતી વખતે એકાએક ઉદરમાં ઓડકાર ઉઠ્યો ને ધસમસતો બહાર નીકળવા મથ્યો. માછલી ખાધી હતી, એની વાસ ઘરવાળીને ન આવે એ માટે એ ગંધગોળાને ગળામાં જ ગૂંગળાવી મારવાની કોશિશ કરી જોઈ. છતાં પેલો અડધોપડધો તો બહાર સરકી જ આવ્યો. પણ અવાજ ન થાય એની તકેદારી રાખવામાં એ પૂરા સફળ થયા. મંગળાને માંસ-મચ્છીની ભારે ચીડ હતી, પછી ભલેને એ પોતે લોહી પીવાની શોખીન હોય.
હાથ-પગ-મોંને પાણી બતાવીને બાલ્કનીમાં પડેલી ખખડધજ ખુરશીમાં ગોઠવાયા. જાળીમાંથી નીચે જોયું. એકથી વધુ લારીઓ અથડમઅથડી કરતી જતી હતી. સબ્જીવાળો. કટલરીવાળો. બરફગોળાવાળો. ફૂગ્ગાવાળો. ટિફિનવાળો. આવાળો. તેવાળો. આટલે ઊંચેથી બધા સરખા જ લાગ્યા. એકબીજાની કાર્બન-કૉપી જેવા.
ચા લઈને આવેલો હાથ ટેબલ પર કપ પટકીને જતો રહ્યો. એની સામુ જોવાનું જોખમ તો કેમક લેવાય. ઘણીવાર તો દિવસો સુધી એનો ચહેરો જોયા વિના જ ચલાવી લેવાતું. ને ક્યારેક અછડતી નજર પડી જતી ત્યારે પ્રશ્ન થતો કે, બૈરી મારી જ છેને..! એના ચહેરા પર અચાનક આટલી બધી કરચલીઓ ક્યાંથી..?
ચા પીવાનું શરૂ કર્યું. પૂરી સાવધાનીથી. રોજની જેમ. છતાં ગરમ એટલી હતી કે એક નાનકડો-આછકડો સબડકો બોલાઈ જ ગયો. ખલાસ..! અંદરથી કર્કશા તાડૂકીઃ કેટલી વાર કીધું કે આમ ઢોરની જેમ સબડકા ન બોલાવો..! તમે તે કંઈ…
ચાલુ. થઈ ગયું ચાલુ. એકવાર ટવરવાનું ચાલુ કરે પછી અટકે જ નહીં. અડધી કલાકેય ચાલે ને કલાકેય ખેંચી કાઢે. રસોડે બેઠીબેઠી જ ટાઇમટ્રાવેલ કરી આવે. જૂનું, વર્ષો જૂનું દટાયેલું બધું ઉખેડી-ઉખેડીને માથે મારે. સાસુ-નણંદના ઉધાર રહી ગયેલાં મેણાં-ટોણા સૂતસમેત વસૂલે. ક્યાંની વાત ક્યાં લઈ જાય. ને પોતે બસ, સાંભળતા રહી જાય. ન પ્રતિકાર કરવાની હિંમત. ન ફરિયાદ કરવાની આવડત.
મૂંગા-મૂંગા સાંભળતા રહ્યા. જગદંબાના કાળઝાળ શબ્દો એટલા જલદ હતા કે ચા પણ સમય કરતાં વહેલી ઠરીને ઠીકરું થઈ ગઈ.
લાગ્યું કે સામેની બાલ્કનીમાં કોઈ હસી રહ્યું હતું. ગુલાઆઆઆમ… જેવા એકાદ-બે શબ્દો હવામાં ગૂંજી ઊઠ્યા.
આકાશ તરફ મીટ માંડી તો દેખાયો અનિયમિત આકારનો એક મોટ્ટો ચક્કો. આભને અભડાવતો કાળોભમ્મ કૂવો. રોજેરોજ મોટો થતો જતો કાળોતરો ડાઘ.
એમ જ ઊભા રહ્યા. કાળા ધાબાને તાકતા. લાગ્યું કે એની અંદર કંઈક હતું જે બહાર આવવા મથી રહ્યું હતું.
થોડી વારે અંદર ગયા. બાથરૂમમાં લૂગડાં પટકતી કાગડીનો ટવરાટો ચાલુ જ હતો. કા-કા-કા-કા…
નજરે એકાએક કિચન પ્લૅટફૉર્મ પર પડેલું ચાકુ ચડ્યું. ખબર નહીં ક્યાંથી હિંમત આવી, પણ ‘આજે તો એનું કરી જ નાંખું’ વિચારતાં ચાકુ ઉપાડ્યું અને ધસી ગયા એની તરફ.
કા-કા-કા… કરતા એના ગળામાં ચાકુ હુલાવવા જતા જ હતા ત્યાં તો…
…કુલામાં કંઈક તીક્ષ્ણ ભોંકાયું. તીવ્ર વેદના થઈ. ચીસ પાડી ઉઠ્યા. આંખો સજ્જડબંધ ભીંસાઈ.
ખુલી ત્યારે બધું સફેદસફેદસફેદ હતું. દીવાલો. છત. ચાદર. કફની. પાયજામો. અને હવામાં તોળાયેલું ઇન્જેક્શન…
સામે ઊભેલા હતા બે આકાર. એક બટકો-કાળો-જાડો. બીજો ઊંચો-ગોરો-પાતળો.
‘ક્યૂં રાવસા’બ, કૈસા રહા આજ કા દિન?’ બટકા આકારે મશ્કરી કરી, ‘ઑફિસ હી ગયે થે યા કહીં ઔર, હં..?’
ઊંચો આકાર ચૂપચાપ સાંભળતો રહ્યો.
‘સબ ઘૂમઘામ કે વાપિસ આ ગયે ના ઠીક સે..? મૈંને જલ્દી તો નહીં બુલા લિયા..?’ કાળો ખિખિયાટો ઉછળ્યો. ‘ચલો અબ સો જાઓ; કલ સુબા વાપિસ જાના હૈ ના કામ પે..?’
ગોરા આકારે સવાલ કર્યો, ‘ઇસકા સિર્ફ એક હાથ ક્યૂં બંધા હૈ..?’
જાડા આકારે જવાબ આપ્યો, ‘ઈસકા જ્યાદા મચમચ નંઈ હૈ. ગાય હૈ બેચારા ગાય. અખ્ખા દિન મુંબઈ મેં ઘૂમઘામ કે અપની બિતી હુઈ જિંદગી કો દોબારા જીને કી કોશિશ કરતા હૈ. રાત કો જબ ગાંડ મેં સૂઈ ઘૂસતી હૈ તો વાપિસ ઈસી ખટિયા પે…’
રૂમની ઉદાસીન હવામાં વળી એક ખીખીખી લહેરાયું.
‘કહાની ઇન્ટરેસ્ટિંગ લગતી હૈ ઈસકી.’
‘અરે, બ્હોત ઇન્ટરેસ્ટિંગ હૈ..! કભી બૈઠના ઈસકે બાજુ મેં, ખુદીચ કૉમેન્ટ્રી દેગા.’
બંને આકાર ધીમેધીમે બહાર સરકવા લાગ્યા. જૂનો આકાર નવા આકારને કહી રહ્યો હતો, ‘કલ સે યે તેરી ડ્યૂટી. મેરે લિયે જ્યાદા ખતરનાક જિમ્મેવારી આ રહી હૈ.’
‘ઔર ઇસકે ઘરવાલે..?’ પાતળા આકારે સવાલ કર્યો.
ખાટલે પડેલા રાવસાહેબના કાન સરવા થયા. ઘરવાલે-વિષયક માહિતી વહેતી મૂકાઈ, પણ એમને કંઈ ખાસ સંભળાયું નહીં. અડધા-અધૂરા શબ્દો આમતેમ વેરાઈ જતાં દેખાયા. રાવસાહેબ એમને એકઠા કરીને સમજવાની મથામણમાં પડ્યા. રોજની જેમ.