વાર્તા: ૧. ઘંટલો : રવિરાજ ચૌહાણ

ઘરડ… ઘરડ…
ઢળતી તડકિયે  ડેલાની પછીતે બુંગણ ઢાળી વદુબા નવા વો’વના પીરમાંથી આવેલી તુરદાળ ભવડતા ઘંટલાના મોઢામાં ડૂસકે ડૂસકે મુઠી છોડતા ને ઘરડ… ઘરડ… કરતો ઘંટલો અધકચરા ચાવેલુ ધાન બધી બાજુ ઠેલતો જાતો..
ઘંટલાના અવાજે શેરીમાં ટેમ જાહે ઇ લાલસે ઓસરીને ઘરમાં ટેભો- ટિંકલને ભરત ભરતી ગઢવીની શીતલ, ઘોરીની મધુડીને સમજુબા  ઘંટલાને ઘેરી વળ્યાને પછી તો હૈય..ને.. ઘંટલાના ભરડાત હારે વાતુ ભરડાવા લાગી
“હે..વદુ દાળ તો હારી લાઇટ વાળી લય આવી છો ને કાઈ”
દાંતણને હાથે વળગાડી વદુબાના પાંહે પડેલા દાળના ઢગલામાંથી એક જાલક લઇ ઘુરતા સમજૂબા બોલ્યા
“તે હોય જ ને નવા વેવાય એ મોકલીસ ઓણ એને બોવ થયસ “
વદુબાએ ઢગલામાંથી મુઠી લઈ ઘંટલાના મોઢામાં મૂકી ..ક્યારની મોરલાના પાંખમાં ભરવા વારે વારે તુટતા દોરાથી કંટાળી શીતલી બોલી
“આ ભમરાળો ..જીત્યો જોને કેવા દોરા પકડાવ્યા છે .. મુવા જરી ખેંચો ને તૂટી જાય”
“છોડી તારા બાવડા એવા છે”
દાતણની સળી ચાવતા સમજુ બાએ કીધું ને મધુડીને વદુબા દાંતે ખડી પડ્યા..ક્યારનો ઘરડ.. ઘરડ.. ઘુરકિયું કરતો ઘંટલો ઘડીક થંભ્યોને કપાળે વળેલા પરસેવાને લીલા કાસ સાડલાને કોરે લેતા વદુબાએ વાત ઉચ્ચારી..
“હે.. આ લાલાના વો’વ ને પાછા સારા’ દિ છે”
“હા વદુબા આ પાંચમી સુવાવડ છે વસનભાભીને અભાગણી તો જોવો ચાર છોડિયુ  બેશ્શારી ને “
મધુડીએ ફાટેલાં બુશકોટની બાંય હાંધતા કીધું
“કપરા દાડા છે વસનભાભીને તો ઘરનો ધણી ગણે નય ને મંજુબા જેવી કટકના ઘોડા જેવી હા’હુ  કામ કરાવી રહેસી નાખી છે.. જાણે છોડીયુ જણી મોટુ પાપ કરુ હોય”
વાત કરતી શીતલીને હડસેલો મારી સમજુ બા એ કીધું
” એ.. છોડી તે પાપ જ ને ઓલા ભવના કે આ ભવના ..મુઇના પેટમાં  મેલ્ય તંયજ જણયમાં નીહરે છે બાકી તો ઉપરવાળ એ દીધોનો હોય કેદુ’નો કાનકુંવર જેવો “
દાંતણના સોતા ડોશીના મોઢામાં હલવાણા ને થું.. થું..કરી બૂંગણ ની કોર ભણી થૂંકી દીધું
“હઅઅન…અમારા ઘરે લગનમાં તો ઘોડો ખુંદવા ઊભી ન જ થય તે એમ કયાંય ખુધ્યાં વગર ખમીધર મળતા હસે “
વદુબાએ  ઘંટલાના હાથાએ કાપડનો પટ્ટો સંતાણ વાળતા કીધું
“એ સમજુ બા કેસેને એને પિતૃ નડે’સ બે છોડિયું આવ્યુંને પછી ગોબર ભૂવા પાંહે માળામાં જોવરાવ્યુ તુ.. ભુવા એ તો બેય વાર છોકરો જ કીધુ પણ આવ્યો નય હાશ…આ દોરો.. શીતલી નો દોરો ફરી તૂટયો મોમાં મમળાવી પાછી સોય પર નજર સજ્જડ કરી..
“પણ આવ્યો કેમ ન્ય હે..શીતલી “
ઉતાવળી થાતા મધુ એ પુછી લીધુ
” કે છે માળામાં તો છોકરો જ કે છે પણ પિતૃ આડેથી લય જય છે ક્યાંક ઘોંહો છે “
શીતલીએ પોરવાય ગયેલ દોરાની બીજી કોર લાંબી ખેંચી ..
“પિતૃનું તો બાપા વહમુ .. ધાંધણીયા ધુણાવી દે..પણ ગોબર ભુવા એ કાંઇ મારગ ન કીધો”
વારે વારે ઊડતી બુંગણ ની કોર પર સમજુબાએ પગ લાંબો કરતા કીધુ..
“અરે ..ભાયુ ભેળા કરી માંડલું બેહાડ્યું જોવો તો કુળદેવીના ભુવાને પઢિયાર ભુવા હોતી જમાત બેહાંડીને ડાકલાંની ડમડમાટી તો જોવો બાય અડધી રાત લગી..પણ દીલોભાઇ કે ‘તો તો કાઈ કળ પકડાણી નય” નિહાહો નાખતાં શીતલી એ પાંખમાં પાછી સોય પોરવી.. ઘંટલા ના હાથા પર સંતાણ પટ્ટો બંધાય જતા ઘરેરાટી પાછી શરૂ થય…
ઘરડ…ઘરડ..ખટટ…
એકસરખો ચાલતા અવાજનો તાર તૂટયોને પટેલની ખડકી અધુકડી ખુલી લીલી બાંધણી વાળી જશી કાકી આંગળીએ ટીનની બરણી વળગાડી નીકળી..
“એ… જશી  બે ઘડી બે’હવા હાલ્ય નય ટાણુ સુકી જા..”
સમજુબા એ ચવાય ગયેલા દાતણને બજરની ડાબલીમાં બોળ્યું ..
“નારે…બા .. આ ઘી દેવા ગય તી..જોવો ને”
સમજુબાએ બુંગણ પર લાંબા કરેલ પગ ટુંકો કર્યો  ને જશી હાડલો હંકોરતી બેઠી..
“લ્યો જશીકાકીને ખબર હસે.. પાડોસી રયા ને”
પોરવેલી સોય જશીકાકી ભણી ચીંધતા મધુ એ કીધુ
“હુ..હે ..કોની વાત કરોસ..”
જશીકાકી મધુડી ભણી ખસતા બોલી
“ઓલી લાલ્યાની વો’વ વસનની..કે..સે..એને સુવાવડ છે”
ઘંટલાની ધમરાટી વચ્ચે વદુબા  બોલ્યા
“હાસ્તો બા આ આવતી તીજે આઠમો હોંતન બેહી જહે ..આલ્યખર તો મંજૂબા કે સે હારા હમાચર જ છે વસન ને”
જશીકાકીએ શીતલીના ભરતમાં નજર નાંખી પાછી સમજુબા પર ફેરવી
“તંય પિતૃનો ઘોહો પતી ગ્યો લાગેસ”
સમજુબાએ બજરમાં બોળેલુ દાંતણ ડાબી દાઢે ચડાવુ ..
“ના..રે..બા કે છે અમદાવાદ વાળા જમાઈ ન્યા લય ગયા તા દાક્તર પાહે ઓલુ હું.. આવે..જશીકાકી ઘડીવાર કપાળ પર હાથ મૂકી વિચારી બોલ્યા “ઓલુ પેટ ઉપર ભૂંગળુ મૂકે ને ટી.વી.માં બતાવે અંદર બાળકને એમાં જોવરાવુ સે આલ્યખર તો છોકરો જ છે”
“ભાગ્ય એના પછી…. તો બીજુ હું..”
સમજુબાએ બજરની પિચકારી ધુડમા કરી થુંક ઉપર ધુડ નાંખી
“તંય તો બોવ ખરચ થ્યો હસે ..સિરિયલમાં મે જોયુસ ઇ તો સાનામુના કરાવુ પડે નતર  દંડાવાલા નાખી દે જેલમાં”
ખાલી ચડેલા પગ ભટકાડતા મધુ બોલી
“વેલો વધારવા તો ખરચ થાય તોય હુંસ..આ હેથકની છોડીયુ ઢંકાયને હકાબાપાનેય વયાજની લાલસ હોય જ ને છોડીયુ તો થાપણ કે’વાય”
ભરડાયેલી દાળ તગારામાં ભરતા વદુબાએ કીધુ
“હાંચું જાણ્યું બા તમે”
હુંકારમાં જશીકાકીએ માથુ ધુણાવ્યુ  વાદળમાં ઘડીવાર સુરજનારાયણ ભરાણો ને ભૂંગણ પર થોડી આછપ પથરાણી ચોકમાંથી પવનની લહેરકી દોડતી આવીને બુંગણ વચ્ચે દોટ મુકી હારે તૂરદાળની ફોતરી વળગીને સાડલાના કોરે ટિંગાયેલ  છોકરાંની જેમ લંગરાતી બજારમાં ચડી..

            ************************* “વુઅમમ…વુઅમમ…”
એવી જ એક ઢળતી તડકીયે એજ પછીતેથી એમ્બ્યુલન્સ નીહરી પટેલની ડેલીએ નાંખેલા તાજા કેરી નદીના કાંકરામાં થોડી ફસડાણી ને પાછી સનનન…. કરતી રામાપીર વાળી શેરીમાં વળી ગય પણ આટલી ઘડીમાં તો આખી શેરીના કાન સરવા કરતી ગય..
“હે…છોડી કઈ બાજુ વળી”
શેરીની શરૂઆતથી એમ્બ્યુલન્સના પૂંઠે પૂંઠે આવતા સમજુબાએ પુછ્યું
“રામાપીર વાળી શેરીમાં”
એમ્બ્યુલન્સનો અવાજ સાંભળી ભરતને હાથમાં લય દોડી આવેલી શીતલીએ કીધું
“હે…રામ…બાપડો કોણ હશે ? ક્યાંક મેરાભાઇના બાપુ તો નયને ઇ માંદા છે ઇ ભણી તો “
કેરીના અથાણાંના હવેજ વાળા હાથથી હાથ ચીંધતા વદુબાએ કીધુ
“મેરાનો બાપો તો મુવો એમ મરે એમ નઈ …રામ જાણે કોને મૂકવા આવી હશે “
સમજુબા શીતલીના ડેલાના ઓટલે ખોડાણા. ઓલી ભણીથી મધુડી દોડતા આવીને સમજુબા પાંહે પોગતા તો સુવાસ ચડી ગયો..
“હું.. છોડી હડીયાપાટી કરસ ..લંકા લૂંટાય ગય હોય એમ”
“સમજુબા …. સમજુબા… વસનભાભી…”
સુવાસ એ શબ્દોને નિહરવા ન દીધા ને વાત અધૂરી ભાંગી પડી
“છોડી બે ઘડી થાપ ખાં….ને પછી બોલ”
“સમજુબા..વસનભાભી ગયા…ઓપ થય ગયા”
ટુંકા ટુંકા સુવાસ લેતી મધુથી માંડ લાંબો સુવાસ લેવાણો
“અરર…મારા રામ વસન…બાય ઇ તો સુવાવડી હતી કેવી કઠણાઈ લખીસ બાપ તે જીવતર માં “
વદુબાએ હવેજ વાળા હાથ ખંખેરા
“હેથકની છોડીયુ ને આ સુવાવડે તો હું થયું હોય શી ખબર રામ….રામ…”
સમજુબા એ કપાળે હાથ મૂકી માથુ ધુણાવ્યું ચાર – પાંચ ધોળા બુશકોટ વાળા ગળે ફાલીયા નાંખેલા આદમીન શેરીમાંથી નિહરા ને વદુબાએ માથેથી સરી ગયેલા સાડલાને અવળુ ફરી ઓઢ્યો ..નીચે મોઢે બધાય આદમીન રામાપીર વાળી શેરીમાં વળી ગયા સમજુબાનું રામ..રામ …હજુ શરૂ હતું ને શીતલીને મધૂડી આદમીન ને છેક સુધી તાકી લીધા તા..
“હાલ્ય એલી વદુ આપડે નય જાવું જોહે હનાન માં”
સમજુબા ઓટલેથી ઉભા થય સાડલો ખંખેરો
“લ્યો આ હાથ ધોઈને સાડલો બદલી નાખું નાકમાંથીય કાઢવું જોહે નય”
વદુબાએ નાકે હાથ દય સોનાનો દાણો સંભાળ્યો
“એ છોડીયું હાલોને મારી ભેળ્યું હોગમાંથી પાણી નય સિંચાઇ મારાથી સીંચી દોને ગરમ કરી રાખો ત્યાં હુ જરીક હનાનમાં થાતી આવુ વો’વ ઘરે નથ નતર ક્યાં ચિંધવાનું હોય”
સમજુબા મોર મોર હાલતા થયા.
“તમને ગાગરને રાંઢવુ ચીંધી દવ હાલો છોડીયું”
ને પાછળ પાછળ શીતલીને મધુડી ગય વદુબા એની ડેલીમાં ગયાને ઘડીવાર શેરી સુનસાન થય.
“લ્યો છોડીયુ આ ગાગરને પણે દાદરા હેઠે તપેલુંને આ લાકડા આંયાં છે છાણાના નાખતું ઇ મે’ મા પલી ગયા છે ધુમાડો કરશે નકરો ” સમજુબા એ ફળિયાંમાં રહેલા ચુલા બાજુ ચીંધી “રામ…રામ..” કરતા ડેલી ઠેકી ગયા. હજુ ગાગરનો ગાળીયો કર્યો ન કર્યો ત્યા તો વાહનોની હાર એક પછી એક જોવો તો ફટ…ફટ…કરતા ડમરી ચડાવતા રાજદૂતને ટેમ્પાને ઇટીલીટીના ડાગળામાં કાળા સાડલા પેરેલી બાયું ને જણ. શીતલીને મધુડી હંધુય પડતુ મૂકી ડેલાની બાંખોરમાંથી આ હંધીય હડીયાપાટી જોત્યું તુ. આ હડીયાપાટી ઘડીવાર થંભી ત્યાં ચોકબાજુથી લાંબો સાદ સંભળાતો આવ તો તો.
“હે…મારી દીકરી…મારા ભાણેજરુની મા….મારા પેટની જાણ્ઇ…મારી વસન….”
એક કાળા સાડલા પેરેલી બાયને બેય હાથ ઝાલી પાચ – છ બાયુનું ટોળુ નીકળું વચ્ચેની બાય તાણી તાણી  વેણ બોલતી’તી ને આજુબાજુ વાળ્યુ તેને છાજીયા ના લે એટલે બાવડા થોભ્યા’તા લથડાતી બાય માંડ માંડ હાલતી’તી
“શીતલી એના પિરિયા લાગેસ “
આગલિયાના કાણામાં જોતા મધુડીએ કિધુ. બાય થોડુ હાલી હસે ત્યાં પછાડી ખાય પડી ગય આજુબાજુ વાળીઓએ સાડલાના પાલવથી પવન નાખ્યો. ઘડીવાર ધણ બાયના ફરતે ફરતે થોભાણુ ઘૂંટડોક પાણી પાયુને બાયનો સાદ પાછો શરૂ થયો…
“માડી રે….. મારી વસન …”
બાવડા જાલી બાયનો સાડલો સંકોરી ઊભી કરી લાજ કઢાવી પાછુ ટોળુ રામાપીર વાળી શેરીમાં વળી ગયુ. હવે ઘડીવાર સોંપો પડી ગયો હતો. ક્યારની હડીયાપાટી થતી બજાર હવે સુનસાન ભાંસતી તી.. ..
આ બાજુ ગાગરને ગાળ્યો પેરાવી મધુડીએ તપેલું ભરી લીધુ’તુ ને શીતલી એ લાકડાના કટિકા કરી ચુલામાં ગોઠવ્યા..
“હે..મધુડી હનાન આંહીથી નીકળશે “તપેલું ચુલા પર મૂકતા કીધું
“નારે.. બાર બારા લય જાંહે આમ જો દી’ય પૂરો થવા આવ્યો છે હવે તો ઉતાવળ જ કરશે “
આજુબાજુ ઘાસલેટનું ડબલું ગોતતા નજર ફેરવતા મધુએ કીધુ
“હે..હું.. થયુ હસે વસ ભાભીને સુવાવડમાં કાઈ તક્લીફ થય હસે”
ચુલા પાંહે બેસતા મધુ બોલી
“રામ જાણે..”
ચુલાની પાછળ ઘાસલેટનો ડબો લય ચુલામાં નાખ્યોને દીવાળી નાખતાં ભડ….ભડ..કરતો તાપ ભળવા માંડ્યો. ચૂલાનો તાપ જાણે સમશાનનો તાપ હોય એમ કાળામશ ધુમાડા ઉપર ચડ્યા ને થોડો ઘણો તાપ મધુ ને શીતલની આંખમાય ઉતર્યો..
                       ****************
ઠક….ઠક…
ખડકી ખખડી ને શીતલીને મધુડી જબકી ગય મધુડીએ દોડીને ખડકી ખોલી પાણીથી તરબરતર ને ધ્રુજતા સમજુબા હતા.
“છોડી પાણી ગરમ થયુ ” થરથરતી દાઢીએ સમજુબાએ કીધું
“આ તૈયાર છે સમજુ બા ” ચૂલામાં કટિકા હંકોરતા શીતલીએ કીધું ફળીયામાં રહેલી ચોકડીમાં ડેલે આડુ કરી સમજુબા એ ખંખોલિયું  ખાધું ને શીતલીને મધુડી ઓસરીના કોરે બેઠ્યુ કબાટમાં સાડલાની ગડીમાંથી આછા ભૂરા રંગનો સાડલો લય સમજુબા ઓસરી માં આવ્યા…
“હે.. સમજુબા હું.. થયુતુ વસનભાભીને હે..”
ઉતાવળી થાતા મધુએ પૂછ્યુ
“કે..તા તા કે કાલે હાંજે પેટમાં દુખવા આવુ તે દવાખાને લય ગયા’તા ભાવનગર. ન્યા દાક્તર ને બતાવુ તો કે અબઘડી જ સુવાવડ કરવી જોંહે ને એમાંય બાળક કાં માં એક બસાવી  બેયનું બસવુ તો અઘરુ છે”
સાડલાને વીંટતા સમજુબા એ કીધું બેય છોડીયુની નજર સમજુબા પર ટકી રહી
“તે પછી હું..કર્યું” શીતલીએ પુછ્યુ
“હું..કરે કે.. છે મંજુડીએ કીધું કે માંડ માંડ દેવે દીકરો દિધો ને અમથાય આ છોડીયુનો ભાર બાયથી થોડો ઊભો રેવાનો છોકરાને બસાવી લો..બાયને એના ભાગ્ય પર મેલો બીજુ તો હું.. કરવુ”
સાડલની પાટલી વાળતા સમજુ બા એ કીધું
“પણ બાય બચાવી હોત તો છોકરો તો પછીય જણી ઇકાય ને ” મધુ એ કીધું
“ચાર છોડીયુ આવી હવે સુ માથુ છોકરો જણત  દેવ એકવાર દે .. એ…મંજુ એ  હાંચુ સમજી કિધુ.. બાય માણહ તો બીજુય કરી શકાય”
સાડલાને ખોસતા સમજુબા એ કીધું
“તે.. સાંજે જ પાસા થય ગયા’તા હે.. સમજુ બા”
“ના..રે..કે..સે..બાય બપોર લગી ટટળી છોકરો તો ઉપરથી લય લીધો ને ઇય અધુકડા મયને આવો એટલે કાસની પેટીમાં રાખ્યો .. અભાગણી તો જો છોકરાનું મોઢું જોવાય ન પામી “
ભીના વાળનો સમજુબાએ અંબોડો લય લીધો ને મંદિરનાં ગોખલામાં “રામ…રામ..” સમરતા દીવો પેટાવી આખ્યું બંધ કરી. કોરે બેઠેલી શીતલીને મધુડીનાં મગજમાં હજુ વસનભાભી તગતગતા’તા શેરીમાં અવાર નવાર બોલેલા ને ભળેલા, ને કપાસિયા સોંપવા હારે આવેલા, ને ઇ હંધૂય આંખ આડેથી નીકળતુ’તુ, ને છેલ્લે તો વસનભાભી દવાખાનામાં રિબાતા હોય એવુંય આવ્યું…
ધીમે ધીમે સૂરજ વાદળમાં ગળાતો ગ્યો  ‘ને સમજુબાના ફળીયામાં અંધારુ રેડાણુ…