વાર્તા: ૧ `આજકાલમાં’ – એસ. આર. પરમાર

એ હંમેશા સહદેવની વહુ તરીકે ઓળખાતી.

આખા મહોલ્લામાં કોઈને ખબર ન હતી કે એનું નામ શું હતું..

મોટાભાગે ચુપ રહેતી, ઘરમાંથી ભાગ્યે જ બહાર નીકળતી..

ક્યારેક બે પાંચ રૂપિયાનું શાક લેવા,

ક્યારેક છાલીયા જેવડી તપેલીમાં બે પાવળા દૂધ લેવા પૂરતી જ એ ઘરની બહાર નીકળતી.

ઓછા પાણીએ ઉજરેલ, સુકાય તવાઈ ગયેલી વેલ જેવી, એનું સાવ જળહીણુ શરીર તેજ વિહીન સ્થિતિમાં જીવ્યે જતું હતું..

ક્યારેક કોઈ એને ખબર અંતર પૂછી લે તો પૂછનારને ડર લાગે એવું વિચિત્ર હસતી…

બંને આંખો નીચે પાણી ભરાઈ ને નાના પરપોટા બાજયા હોય તેવા સોજા ચડેલા રહેતા.

લોકો વાતો કરતા કે સહદેવ એની પહેલી પત્ની મરી ગયા પછી બે વર્ષ સુધી ગામ સગામાં ખૂબ ઝાવા મારીને થાકયો… પણ બીજી સ્ત્રી મળવી એના માટે એવી વાત હતી જેવી પગારદાર મજુરને 

સહદેવની પહેલી પત્ની સાવ કઠોર હતી.

સહદેવ બીચારો આખો દિવસ કારખાનામાં લઢ્ઢા લઇને આવ્યો હોય,

માંડ બચાવેલા બે-પાંચ પૈસામાંથી છે ચાલીને વાસ સુધી ગયો હોય, થોમસના ઓટલેથી દસ વીસની  કોથળીનો મેળ પાડ્યો હોય, દારૂ પીધા પછી પણ દારૂ ચડ્યો ન હોય અને એના લીધે ઘણીવાર ગુસ્સે થઈ જતો હોય તો ઘરની બૈરી પર માણસ દાઝ ન ઉતારે તો ક્યાં ભીત સાથે માથું અફાળે, અને સહદેવે એવું કોઈ દિવસ એને લોહીઝાણ તો મારી જ નહોતી.. ક્યારેક બે પાંચ ઢીકા પાટૂ, તો ક્યારેક મારતા મારતા બહુ સરત ન રહેતી ત્યારે વહુના માથેથી વાળની બે પાંચ લટની લચ્છી સહદેવની મુઠ્ઠીમાં ખેંચાઈ આવતી, એમાં ગામને કહેવાનો મોકો મળ્યો.. કે બાઈ સહદેવના લીધે મરી ગઈ, પણ એ તો સૌની સૌ આવરદા લખાવીને જ આવ્યું હોય છે, સહદેવનું તો  કાગનું બેસવું ને ડાળનું ભાંગવું..

ને દુઃખ તો કોને નથી પડ્યા હૈ!?

સતી સીતાએ દુઃખ સહન કર્યા એમ દુઃખ ખમી ખાવાનું આજકાલના બૈરાંનું ગજુ નહીં.. 

 સહદેવની પહેલી પત્ની સાવ તકલાદી નીકળી… જગતના ઝેર બધાને તો ઝરતા નથી…

એક દિ’ બાઈએ બે ધોલ ખાધી ન ખાધી… વળતો સહદેવ માથે હાથ ઉપાડી લીધો. સહદેવ તો શું કોઈ આદમી આ સહન કરી જાય..?! કાલ ગામમાં ખબર પડે તો શું મોઢું બતાવે મરદ માણસ?

એણેય જીવવાનું તો આ ગામમાં જ ને એટલે બીજે દિ’ રાતે બાઈને ઊંઘતી હતી એ જ હાલતમાં ખાટલા સરસી બાંધી દીધી.. પણ બાઈ જબરી હોં કે..

મોંઢામાં ગાભાનો ડૂચો માર્યો હતો તેમ છતાં જંપીને પડી ન રહી.. બાઈને બાંધીને સહદેવ રસોડામાં ખાંખાખોળા કરે પણ બિચારાને આંખનું કાચું તે કાંઈ જડે નહીં.. એમાં ય રસોડું તો બૈરાનો ઈલાકો.. ક્યાં શું મેલ છાંડ કરી એ તો બૈરા જ જાણે.

અહીં ઓરડીમાં બાઈ

એ બાંધેલી હાલતમાં પણ ઉલાળા ભરે.. આખેઆખો ખાટલો ખખડાવે..

પણ સહદેવે એક કામ પહેલા જ કર્યું હતું દોરડું બાંધ્યા પછી દોરડાને માથે અડધો ગ્લાસ પાણી રેડ્યું હતું ને ગાંઠ ને ખેંચી ખેંચીને ને બરોબર મડાગાંઠ બનાવી દીધી હતી.

ખાટલાની ધડાપીટ અડખે પડખેની ઓરડી સુધી પહોંચી..

અડખે પડખેની ઓરડીના  મરદો એ ખિખિયાટા કર્યા કે “એલા સહદેવ જરા હળવો રે…

આમ ઘરના ખાટલા તોડીને ઘરનું નુકસાન નો કરાય.. ઈ બધું જોર રેલવે ટેશન ઓલી પા રહે ઈ વણઝારણ બાયું ઉપર કઢાય..” પણ સહદેવને બિચારાને આ મીઠા વિનોદ માણવાની ક્યાં વેળા હતી?! 

 દારુના ઘેનમાં સહદેવને બચાડાને એય યાદ નહોતું કે એનું બે મહિનાનું છોકરું એની મા ભેગું જ ગોદડામાં ગોટવાઈને પડ્યું હતું..

અંતે સહદેવને પતરાનો ડબ્બો મળ્યો એણે ખખડાવીને જોયું, એકાદ-બે છાલક ડબ્બામાં ઉછળી… ડબ્બાનું ઢાંકણું દોઢે ચડી જતું હતું સહેલાઇથી ખોલતા એની વહુને જ આવડતું.. એ તો અત્યારે ખાટલામાં હાથ પગ ના કાંડા બંધાવીને બેશરમ થઈને પહોળી થઇને પડી હતી..

વહુને એમ હતું કે હમણાં આદમી ભૂખ્યો થાશે  મને ખાટલેથી છોડીને રસોડામાં ધકેલશે.. વહુને છેક સુધી એમ જ હશે કે ભૂખ્યા પેટમાં લાય બળતી હશે એટલે કાંક ખાવાનું શોધતા હશે.. પણ મોઢું બંધ કહેવું કેમ..?

વહુ પડી‌ પડી ચિંતા કરતી હતી કે મારા મોઢામાંથી ગાભાનો ડૂચો ખોલે તો કહું..

કે પતરાના પિંજરામાં, અલમોનીયમના વાટકામાં ભીંડાનું શાક છે.. પછવાડાની શેરી વાળી દેસાઈની વહુએ આપ્યું. હતું..

મહામહેનતે સહદેવે કેમ કરી ને બધું ભેગું કર્યું..

દાંત ભીસીને ડબ્બાનું પતરાં નુ ઢાંકણું ઉઘાડ્યું

બાંધેલી વહુની પથારીમાં જ હતું એટલું ઘાસલેટ છાંટ્યું..

બાઈએ ઘણા ધમપછાડા કર્યા હશે.. પણ એમ કાચી ગાંઠ વાળે તેવો સહદેવ ન હતો..

અંતે એક-બે દીવાસળી બગડ્યા પછી સહદેવે બીડીનો એક સટ ખેચ્યો ને અડધી બળેલી દીવાસળી પથારી માં નાખી…

આખી પથારીમાં લીલી ભૂરી લેપેટો સડેડાટ ફરી વળી. સહદેવની વહુ ખાટલો તૂટી જાય એ હદે ઊછળી ઊછળીને પડી હશે. છોકરા સોતી વરના હાથની અખંડ ચુંદડી ઓઢીને ગઈ.

આજે એ વાતને આઠ મહિના થયા પણ સહદેવની ઓરડીમાંથી હજી ઘાસલેટ ની વાસ જાતી નથી.

મહોલ્લામાં બે દિવસ વાતું થઈ કે બાઈ કેવી કજાત અને કઠણ છાતીની કહેવાય.. બે મહિના ના છોકરાંને પણ પોતાની સાથે જ બાંધી ને બળી મરી. પોતે તો આપઘાત કરી ને ગઈ પણ… 

પોલીસ વાસ સુંઘતી સુંઘતી આવી પણ જે ઘરમાં ઉંદરડા ય ભૂખે મરતા હોય ત્યાં થી કાંઈ મળવા ની આશા જ શી રાખવી. એમ સમજીને આ હોળીને આઘેથી જ રામરામ કરી ને નવા શિકારની શોધમાં નીકળી ગઈ.

છ મહિને ઘરમાંથી બૈરાનો પગ જતાં ઘર ભંડકિયા જેવું ભેંકાર બનવા મંડ્યું.. અને સહદેવ આમ ગુજરાતમાંથી ક્યાંક નવી વહુ લઈ આવ્યો. નવી વહુ ને પોતે નવી છે એ ખબર હતી પણ એની પહેલા કોઈ જૂની હતી એ નહોતી ખબર.. ઘરની ભીંતે આંધળા થવા આવેલાં કાચ ઉપર ચીકાશથી ચોંટી ગયેલી એકાદ બિંદી… નાવાની ઓરડીના જાળિયા માં પડેલી એકાદ પીન.. નાવાના નળ ફરતે વિટાળેલી બાંધણીના લૂગડાની ચીંથરી.. આ બે પાંચ વસ્તુઓ એ ચાડી ખાવા જરાક મોઢું ખોલ્યું પણ નવી વહુ કાંઈ એવી ગણતરી જાણે નહીં.. એને કાંક અજાણી વાળ બળવાની ગંધ આ ઘરની ભીંતોમાંથી આવ્યા કરે…  ઘાસલેટ ની વાસ કેમેય કરીને ઓરડી માંથી જતી નહીં..

આ નવી આવેલી વહુને પછી ખબર પડી કે આ ઓરડીમાં પહેલા કોઈ બાઈ રહેતી હતી..

સહદેવ આ નવી વહુને બહુ પ્રેમ કરતો.

એની માટે ભામણનગરના નાકેથી ક્યારેક ગાંઠિયા નું પડીકુ લાવતો.

 પણ  સહદેવ ની વહુના ડીલમાં કોઈ દિવસ કાંટો આવ્યો જ નહીં..

 જાણે કુવાની ધાર ઉપર ઊંઘતી હોય એમ આખી રાત કાઢતી..

 સાવરણી ઘસી ઘસીને ઓરડીની ભીતો સાફ કરવા કરતી પણ હંમેશા એને એમ થતું કે ઊંઘી જાવ છું પછી આ ભીંતો જીવતી થતી હશે.

 ભીત ઉપર લાગેલી મેશ આખા દિવસમાં એને ક્યાંક ને ક્યાંક ડાઘો લગાડતી..

આજે બકાલુ લેવા કાછીયણની રેકડી પાસે આવીને ઊભી હતી.

શાકવાળી બાઈ એને બે પુણી ભાજી વધુ લેવા સમજાવતી હતી.. કે

આટલી તો તમારે પરમ દિ’ સુધી હાલશે…

કોઈનો વિરોધ ન કરી શકે એવી આ અશક્ત બાઈ એને પોતાને પણ માંડ સંભળાય એવું કંઈક બબડી કે પરમ દિ તો ઠીક, કાલ હશું કે‌ કેમ  કોણ જાણે છે ?!

લેખક :  એસ.આર. પરમાર