લોકસાહિત્યમાં જીવનદર્શન: ‘સોરઠી બહારવટિયા’ સંદર્ભે

-ડો. મનોજ માહ્યાવંશી

લોકસાહિત્ય જે તે જમાનાનું ચિત્ર છે. લોકસાહિત્ય મનુષ્યના પૃથ્વી ઉપરના અવતરણ જેટલું જ જુનું છે. અને ગુજરાતી સાહિત્યમાં આ લોકસાહિત્યના ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણીનું નામ સદા અમર છે. મેં એક જગ્યાએ લખ્યું છે- “ઝવેરચંદ મેઘાણી(૧૮૯૬-૧૯૪૭) એટલે ગુજરાતી સાહિત્ય જગતમાં લોકસાહિત્યના ક્ષેત્રે ન ભુતો ન ભવિષ્યતિ જેવું નામ. ઓછા આયુષ્યમાં અઢળક સાહિત્ય આપનારા આ સર્જકને યોગ્ય રીતે જ  “પહાડનું બાળક ” તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના જ એક પ્રદેશ એવા સૌરાષ્ટ્રની ધરતીનું લોકસાહિત્ય તેમણે નિસ્બતપૂર્વક આપીને ગુજરાતી લોકસાહિત્યમાં અનોખું પ્રદાન કર્યું છે.” ઝવેરચંદ મેઘાણીના(૧૮૯૬-૧૯૪૭) મહત્વના લોકસાહિત્ય ઉપર એક નજર નાખીએ તો નીચે મુજબની યાદી બને.

          લોકકથા– કંકાવટી(બે મંડળ), ડોશીમાની વાતો, દાદાજીની વાતો, રંગ છે બારોટ, સોરઠી બહારવટિયા(ત્રણ ભાગ), સૌરાષ્ટ્રની રસધાર (પાંચ ભાગ). લોકગીત- ઋતુગીતો, ચુંદડી, ગુર્જર લોકગીતો(બે ભાગ), રઢિયાળી રાત (ચાર ખંડ), સોરઠિયા દુહા, સોરઠી ગીતકથાઓ, સોરઠી સંતવાણી, હાલરડાં. લોકસાહિત્ય સંશોધન-વિવેચન- ચારણો અને ચારણી સાહિત્ય, છેલ્લું પ્રયાણ, પરકમ્મા, લોકસાહિત્ય:ધરતીનું ધાવણ (બે ભાગ), લોકસાહિત્ય:પગદંડીનો પંથ, લોકસાહિત્યનુ સમાલોચન, સોરઠને તીરે તીરે, સૌરાષ્ટ્રના ખંડેરોમાં.

          ઉપરની યાદીમાં રહેલા લોકસાહિત્યની કૃતિઓમાંથી મારે અહી ઝવેરચંદ મેઘાણીની ‘સોરઠી બહારવટિયા’ કૃતિની ચર્ચા કરવી છે જેમાં સમાજમાં ચોર-લુટારા તરીકે જાણીતાં પરંતુ મુઠ્ઠી ઊંચેરા માનવીઓની માનવામાં ન આવે એવી સત્યકથાઓ છે. લોકોની જીભે રમતું અને લોકોના કંઠમાં સચવાયેલું લોકસાહિત્ય મેઘાણીએ જે રીતે અથાક પ્રયત્ને ભેગું કરીને રજૂ કર્યું છે તેમાં લોકજીવનનો ભવ્ય ઈતિહાસ અંકે થયો છે. ‘ફોક્લોર એટલે લોકવિદ્યા જેમાં પારંપરિક રીતરિવાજ,વિધિ ,જીવનરીતિઓ હોય છે, એ કંઠોપકંઠ સચવાયેલું એટલે કે ઓરલ લીટરેચર છે. લોકજીવનને સ્પર્શતી વાતો સામુહિક જીવનનું પ્રતિબિંબ છે.’૧  ડૉ.રમેશ ત્રિવેદી મેઘાણી માટે લખે છે-“એમના જીવનભરનું મહત્વનું કાર્ય એ સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં વસતા લોકોના કંઠમાં અને જીભ પર સચવાઈ રહેલા તળપદા સાહિત્યને અને એ રીતે લોકસંસ્કૃતિને જાળવી લેવાનું રહ્યું હતું.”૨ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર-કાઠીયાવાડના આ લોકજીવનનો પરિચય બહારવટિયા જેવા ચોર-લુટારા –ધાડપાડુંઓની વિચારધારામાં જે જીવનદર્શન રહેલું છે તે જીવનદર્શન-જીવનમૂલ્યોને આજના સમયમાં મૂલવી જોવા જેવું છે. આવું થાય તો ખબર પડે કે ‘સોરઠી બહારવટિયા’માં જે લોકસાહિત્ય રજૂ થયું છે તેમાં તાત્વિક જીવનદર્શનને અનુસરનારા પાત્રો આ ભૂમિ ઉપર જીવી ગયા અને હમેશા માટે પોતાની આગવી છાપ છોડી ગયા. મેઘાણી અહીં ચારણશૈલીમાં જે તે પ્રદેશની બોલીમાં ચિત્રાત્મક અને ગતિશીલ વર્ણન કરે છે. મેઘાણી પોતે લોકસાહિત્ય અંકે કરવામાં મોખરે છે છતાં તેઓ વ્યથા રજૂ કરતા લખે છે કે-“યથાશક્તિ મે મારા એક જ પ્રાંતની લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું, મનોરથ તો ગુજરાતભરના જુના વાણી-પોપડા ઉકેલવાનો હતો. પણ એ તો મનની મનમાં જ રહી.”૩ મેઘાણીએ પોતે કહ્યું છે તેમ તેમણે બહારવટિયાની કાળી અને ઊજળી બંને બાજુની રજૂઆત કરી છે. ગુણો અને દોષો બંનેનો આલેખ છે. એમના લોકસાહિત્યમાં જે લોકજીવન છે એ લોકજીવનને મેઘાણીએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું.

દરેક પ્રજાને પોતાનું આગવું સાહિત્ય હોવાનું જ. મેઘાણીએ સૌરાષ્ટ્રની પ્રજાનું સાહિત્ય આપણી  સામે મૂકીને તેમના નૈતિક મુલ્યો સહીત, માયા-મમતા, રાગ-દ્વેષ, કપટ, દોસ્તી-દુશ્મની, વિરતા, ત્યાગ-બલિદાન, સામાજિક લક્ષણોને રજૂ કર્યા છે. તેમના લોકસાહિત્યમાં રજૂ થયેલી કથાઓ -લોકોના કંઠે જીવેલી એ કથાઓને મેઘાણી લોકબોલીમાં સુપેરે રજૂ કરી શક્યાં છે. અહીં અનોખું જીવન અને અનોખા જીવનમૂલ્યો છે. લોકજીવનના ઈતિહાસને ગ્રંથસ્થ કરીને ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યમાં ખૂબ જ મહત્વનું કામ કર્યું છે.  હિંમતલાલ અંજારિયા લખે છે- “ મેઘાણીનું લખાણ સાદ્યંત વાંચવું ગમે તેવું છે,કથારસ અસ્ખલિત વહેતો હોય છે,નિત્યજીવનના પ્રસંગો રસભરી રીતે આલેખાયા હોય છે, શૌર્ય, ધેર્ય, પ્રેમ, છળ, કપટ, દુઃખ, દૈન્ય વગેરેનાં ચિત્ર આબેહુબ હોય છે.”૪

          અહી મેઘાણીએ આલેખેલા કાદુ મકરાણી અને જોગીદાસ ખુમાણ એ બે બહારવટિયાના જીવનનો અભ્યાસ કરી તેને લોકજીવનના મુલ્યોના ધબકાર રૂપે મૂલવવાનો મારો ઉપક્રમ છે. મફત રણેલાકર કહે છે-“સોરઠી બહારવટિયા એ નર્યા ચોર-ડાકુઓનો સંગ્રહ નથી કે કોઈ હરામખોરોની કથાઓ નથી. આ તો છે અન્યાય સામે ઝઝૂમનાર અને નેકીની પગદંડી પર ચાલનારા બહારવટિયાઓનો સંગ્રહ. જેને લોકો દેવતુલ્ય માને-મનોમન પૂજે છે. બહારવટિયા એ કાંઈ ચોર,ડાકુ કે લુંટારા નથી હોતા પણ ન્યાય અને સત્ય માટે લડનારા સ્વમાની માણસો હોય છે. એ બતાવવા માટે મેઘાણીએ ‘સોરઠી બહારવટિયા’ લખેલ છે.”૫

૧- જોગીદાસ ખુમાણ

          વજેસંગ ઠાકોરના દરબારમાં જોગીદાસ ખુમાણને ભાવનગરનો ચોર ગણાય અને કચેરીમાં એના વિશે ગમેતેમ બોલાય એ પીરની દરગાહ સાચવનારા ફકીર જેવા મુજાવર મુરાદ્શાથી સહન થતું નથી અને દુઃખી થઈ જાય છે. કહે છે- “ મને દુઃખ કેમ ન લાગે? જોગીદાસ જેવા લાખ રૂપિયાના કાઠીને ચોર-લુટારો બનાવી મૂક્યો એ તો ઠીક પણ, પણ ઉપર જતા એને નામે આ કચારી ફાવે તેમ બકે? તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે, રાવ બહાદુર! એમાં જોગીદાસને કાઈ નાનપ નથી ચોંટતી” અને સામે પક્ષે રાજા પણ સ્વીકારે કે “ સાઈ મૌલા! તમારી વાત સાચી છે. છીછરા પેટના મારા માણસો મારું સારું દેખાડવા માટે જોગીદાસને નાનપ દેવામાં ભૂલ કરી છે. મારા દલમાં એવું કાઈ જ નથી,મારા મનથી તો જોગીદાસ માઈનો પુત છે. અને એના ગરાસ સાટુ અમને સંતાપે એમાં કાઈ પણ ખોટું નથી, સાઈ! આપનો ગુસ્સો શમાવો.”

          મહારાજ વજેસંગના જુવાન દીકરાના મોતના દુઃખદ પ્રસંગે જોગીદાસ અને તમામ સાથીઓ નદીમાં સ્નાન કર્યું અને જોગીદાસ ખરખરે છુપા વેશે પહોચે અને એના રુદનના અવાજથી વજેસંગ એને ઓળખી કાઢે અને કહે- “ છાના રો જોગીદાસ ખુમાણ” “પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય તો પછી તારો વિલાપ કેમ ન વરતાય? પોતાના લોકોને તલવાર પર હાથ મુક્ત જોઇને વજેસંગ કહે છે- “ રજપૂતો આજ જોગીદાસ બાઝવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એને અફસોસે આવ્યા છે. મારા ગરાસમાં નહિ પણ દુઃખમાં ભાગ લેવા આવ્યા છે.” અને જોગીદાસ લૌકિક રીવાજ પૂરા કરી નીકળી જાય છે. જોગીદાસ પોતાના ભાઈઓ સાથે વાત કરીને પોતાના એકલા પડેલા  ૯૫ વર્ષના પિતા હાદા ખુમાણને પરણાવે છે. બે દીકરાનો જન્મ થાય અને કાઠીયાણી  હાદાને કહે છે કે દીકરાઓ સાથે બહારવટું ખેડો. દસ વરસના બહારવટા પછી જોગીદાસના આગ્રહથી હાદો ખુમાણ ઘરે ફરે. જોગીદાસ જ્યાં પણ બેસે પીઠ કરીને બેસે. એને લખમણજાતિનો જોગીદાસ તરીકે પણ ઓળખાવાય છે. હાથ-કાન-ગળાના આભુષણ નહી પણ પગના ઝાંઝર ઓળખે લક્ષ્મણ. એ જ રીતે જોગીદાસ સ્ત્રી તરફ નજર ન કરે. જોગીદાસ ઉપર ઓળધોળ થઈ ઉઠેલી સ્ત્રીને  કહે ‘તું તો મારી દીકરી કમરીબાઇ’ એકવાર રૂપાળી સ્ત્રીને જોવાઈ જતા આંખમાં મરચાની ભૂકી નાખી દે છે એવી પણ લોકવાયકા છે.

          પોતાના પિતાને મારી તેનું માથું ભાવનગર લઈ ગયા એ જાણી જોગીદાસ કહે છે ” હશે બાપ! ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકત ! ભલે હવે એ સાવજના મોને નીરખી નીરખીને જોતા.” હાદા ખુમાણને મારનારાને પહેરામણી આપવાના પ્રસંગે મેરામણ ખુમાણ વજેસંગને જણાવે છે કે આ કોઈ મોટું કામ નથી. જીવતા હાદાને પકડ્યો હોત તો એના દીકરા શરણાગતીએ આવત પણ હવે તો બદલો લેશે આ જાણી વજેસંગ હાદાના શોક ખાતર માથે ધોળું ફાળિયું બાંધે છે.. વજેસંગ આ મેરામણ ખુમાણ પાસેથી જ સલાહ માંગે અને એ રીતે  હાદાનું કારજ કરવાનું નક્કી કરે અને ત્યાં જોગીદાસને પણ બોલાવે. વજેસંગ સરાવે છે, મૂછ બોડાવે છે અને જોગીદાસને કહે છે “ હાદો ખુમાણ તમારા બાપુ, તેમ મારાય બાપુ. હું મોટેરો દીકરો” સમાધાનની વાત કરવા માટે જોગીદાસ કુંડલામાં ન પ્રવેશે કારણ કે તેણે કુંડલાનું પાણી હરામ કરેલું છે. અને એટલે વજેસંગ જોગીદાસના મુકામ એવા સાવરમાં પોતે મુકામ કરે અને  દુશ્મન પ્રત્યે માન જાળવી રાખે છે.

          એકવાર જોગીદાસ વરતેજ ગામ લુટી ભાગે. અને ઠાકોર વજેસંગ નજીક શિહોર ગામે એટલે જોગીદાસને પકડવાના સોગંદ લઈને ઉપડે. અને પકડાઈ જવાના એંધાણ અનુભવતા જોગીદાસ ભંડારિયા ગામે ચારણ ભીમ પાંચાળીયાને ત્યાં પહોચે. વજેસંગ પાછળ જ છે પણ  ચારણ જોગીદાસને જમ્યા વિના જવાની ના પાડે છે.જોગીદાસને કહે છે- ‘હું તારું રૂવાડુંય ખાડું ન થવા દઉં’ શત્રુને આશરો દીધો એટલે વજેસંગ ગુસ્સે થશે એનો વિચાર કર્યા વિના ચારણ વજેસંગ પાસે જઇને કહે છે-“ આ તો જોગીદાસ જેવો પરોણો. પરોણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યે પેટે જાય? ને પછે ક્યાં પકડાતો નથી? ભાવેણાના મહારાજને તો હજારું હાથ છે બાપા’ મહારાજે કહ્યું- ‘આજ તો તમે તમારો નહિ પણ ભાવનગર રાજનો અતિથિ-ધર્મ પાળ્યો છે,એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું. મારવાની પ્રતિજ્ઞા કરતા મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે. જાવ હું આજ જોગીદાસને જાવા દઉં છું.

          વજેસંગની પત્ની રાણીને જોગીદાસના નામે લૂટવાનું કાવતરું રાઘો ચાવડો કરે પણ જોગીદાસ પહોચી જાય અને ચાવડો એને લાલચ આપે કે-‘તારા શત્રુ વજેસંગની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે. કરી નાખ ટૂંકું.’ જોગીદાસ ચાવડાને  કહે-‘તું કાઠી ખરો પણ ચોર કાઠી! નીકર તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજેસંગ મહારાજની સાથે છે,બોન નાનીબા હારે નહિ. ઈ તો મારી મા-બોન ગણાય’ ચાવડા સાથે લડીને નાનીબાને ભાવનગરની હદ સુધી મૂકી આવે. એક ગામમાં જોગીદાસ અને સાથીઓ આવે. એ બોડકી ગામમાં વજેસંગની રખાતની દીકરીને પરણાવેલી એ જાણી લુટ માંડી વાળે-‘વજેસંગની કુંવરીના પોટલાં આપણાથી કેમ ચૂંથી શકાય? આપણે વેર તો છે વજેસંગ્જીને સાથે, દીકરી સાથે નહીં. ઈ તો આપણીયે દીકરી કહેવાય.’ રખાતની દીકરી એવું સાથીઓ કહે ત્યારે-‘ તોય ઈ તો મહારાજની દીકરી ઠરી. પેટ ભલે રખાતનું રહ્યું,પણ લોહી મહારાજનું.’ પોતાના સાથીને કહે છે કે દીકરીને ખબર પડશે કે જોગીદાસકાકો બારોબાર નીકળી ગયો તો કેવું લાગશે, દીકરીને કઇંક આપ્યા વિના ન જવાય .એવી લોકવાયકા છે કે કોઈ ખેડૂત સાથે વજેસંગની રખાતની પુત્રી માટે થોડું સોનું મોકલ્યું.

          ગાંગો બારોટ કવિતા કરે પણ ખોટા વખાણ નહીં કરે. જસદણના દરબાર શેલા ખાચર જોગીદાસને પકડવા જાય અને સાથે ગાંગા બારોટને લઈ જાય. શેલા ખાચરે ભાગવું પડે. દરબાર શેલા ખાચર પોતાના ખોટેખોટા વખાણ કરવાનું કહે તો પણ  ગાંગો જે કવિતા કરે તેમાં જોગીદાસના વખાણ અને દરબાર શેલા ખાચરે ભાગવું પડેલું એ જ વર્ણન કરે છે. ગાંગા બારોટને દરબાર શેલા ખાચર જસદણમાંથી નીકળી જવા કહે ત્યારે ગાંગો-‘થું તારા જસદણમાં’ એમ કહે છે. ખરો કવિ ખોટા વખાણ નહીં કરે.

          જોગીદાસની પત્ની અને બાળકોની સંભાળ ઠાકોર વજેસંગ રાખે છે અને આ વજેસંગ બાબતે જોગીદાસની પત્ની કહે છે કે-“ મહારાજ તો દેવનો અવતાર છે.” મહારાજે જોગીદાસની દીકરી કમરીબાઇને પરણાવેલી એક લાખનો દાયજો આપેલો. દુશ્મનખરો પણ બાપ જેવી ફરજ નિભાવેલી. એકવાર રમતાં રમતાં જોગીદાસના પુત્ર લાખાએ વજેસંગના કુંવરને લપાટ મારી કુંવરે પિતાને ફરિયાદ કરી. તો વજેસંગ કહે-‘ વાંધો નહી એનો બાપ રોજ અમને મારે છે. ભાઈ ઈ કેમ ન મારે? એના બાપા આજ પંદર વરસથી ગામગરાસ ખોઈને ડુંગરામાં ભટકે છે. પાણાના ઓશીકા કરે છે. ઈ દાઝ્નો માર્યો દીકરો આપણને ઠોઠઠપલી કરે તો ખમી ખાઈએ, ભાઈ! એને માથે દુઃખના ઝાડ ઊગ્યાં છે.” એટલે પત્ની કહે છે કે આવા દેવશત્રુના ખોળે તલવાર મૂકી એમના ભેરુ બનો.

           ગાયોને પૂરી ગયેલા અને પછી ભૂલી ગયા. વરસ પછી ગાયોના હાડપિંજર જોઈ દુઃખી થયેલો જોગીદાસ હિમાલયે શરીર ગળાવા નીકળે. એ જાણી વજેસંગ ચિંતામાં પડે કે પંદર વરસથી ધણીનું મો નથી જોયું એ એની પત્ની અહી છે અને એ જો આમ જીવનનો અંત લાવે તો ભાવનગરના મારા વંશ ઉપર બદનામી લાગે. એટલે માણસો દોડાવી એને લાવવામાં આવે અને સમાધાન થાય. વજેસંગ જોગીદાસને સમાધાનમાં કઈ રહી જતું નથીને એની ખાતરી કરે છે કારણ કે એ એવું ઈચ્છે છે કે ‘જગત અમારી સો પેઢીએ પણ ભાવનગરને અધરમી ન ભાખે’ અંતમાં પણ નાચનારી ગણિકા સ્ત્રીઓને જોવાનું પણ જોગીદાસને ગમતું નથી.-‘ ગણિકાઉ તોયે અસ્ત્રીના ખોળિયા: જનેતાના અવતાર:જેના ઓદરમાં આપણે સહુ નવ મહિના ઊઝરીએ એ જ માતાજીના કુળ:બધું એકનું એક બાપા! તમે રજપૂત ઝટ નહી સમજી શકો, પણ મને કાઠીને તો દીવા જેવું કળાય છે.’ અને નાચમુજરા બંધ કરાવાય છે.

          જોગીદાસ ખુમાણના આલેખનમાં પણ એ જમાનાની માનવતા જોવા મળે છે. રાજા અને રાજ્ય સામે લડનાર આ જોગીદાસનો આદર ખુદ રાજા કરે છે અને સમાધાન થાય ત્યારે એકબીજા માટેની આ આદરભાવના આજના સમયમાં તો આપણને અશક્ય લાગે એવી છે. અહીં પણ શૌર્ય પરાક્રમ છે અને એની સાથે જ માનવતા પણ છે. એકબીજા સાથે યુદ્ધ ખેલનારા એકબીજાને દિલથી વધાવે એ આ લોકસાહિત્યમાંથી પ્રગટતું લોકજીવન છે. બંને વીર અને પરાક્રમી છે પણ એકમેકને આદર આપનારા છે. બશીર બદ્રનો એક જાણીતો શેર છે કે-

 दुश्मनी जम कर करो लेकिन ये गुंजाइश रहे

जब कभी हम दोस्त हो जाएँ तो शर्मिंदा न हों

 જુઓ રાજા અને બહારવટિયાનું વર્ણન-

“વજો અવરંગશા વદા, દરંગો જોગીદાસ:

તણહાદલ અને વખતાતણ, આખડીયા ઓનાડ.”૬

          જોગીદાસના વર્તનમાં નૈતિકતા છે, સ્ત્રી માટે માન છે. જોગીદાસના આલેખનમાં બીજા પાત્રોની વાત થઈ છે તે બધા પણ કંઇક ને કંઇક રીતે  વિશેષ છાપ છોડે છે કારણ કે જીવનમાં નૈતિક બંધનને તેઓ વફાદાર છે. બહારવટિયાનું ખુમારીથી ભરેલું જીવન વાચકને એવા જમાનામાં લઈ જાય છે જ્યાં રાગ-દ્રેષ નથી પણ માનવતા મુખ્ય છે. ડો. જયંત પાઠક નોંધે છે કે- “ બહારવટિયાની વાતો બહારવટિયાની મનોદશા ને તેમનામાં રહેલા સારામાઠા ગુણોનું દર્શન કરાવે છે. પોતાને અને રાજસત્તાને વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજ્સત્તાની અવગણના કરી રાજ્ય બહારની વાટ પકડે એનું નામ બહારવટીયો. આ વીર પુરુષોમાં પરસ્પરવિરોધી ભાવોનો સંગમ જોવા મળે છે.”૭

૨-કાદુ મકરાણી

          બીજી ભૂમિમાંથી ગુજરાતના કાઠીયાવાડમાં આવી વસનાર કાદિર બક્સ રિન્દ બલોચ એટલે કે  કાદુ મકરાણી નામના બહારવટિયાનું ચરિત્ર મેઘાણીની કલમે વિશેષ રીતે આલેખાયું છે. કાદુ મકરાણીના પ્રશસ્તિ ગીતની બહુ જાણીતી કડી છે-

‘ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા,

દારુગોળાની વાગે ઠારમઠોર રે મકરાણી કાદુ ! ’૮

          નવાબ માટે લડવામાં અને અંગ્રેજો સામે જે વિદ્રોહ કર્યો એ માટે આ કાદુ મકરાણીનું ચરિત્ર આજે પણ લોકોને તેની કબર પાસે ખેંચી જાય છે. ગરીબો માટે ભલો એવો કાદુ મકરાણી અંગ્રેજોની ચાલમાં ફસાય એવો નથી પણ સામે પક્ષે નોકરશાહી ગમે તે રીતે આ કાદુ મકરાણીને પકડવાના પ્રયત્ન કરતી રહે છે. કાદુ મકરાણીનું જીવન મૂલ્યોથી ભરેલું છે. લોભ લાલચ વિના આ બહારવટિયો જે રીતે શૌર્યથી જીવ્યો એનો અચ્છો આલેખ મેઘાણી અહીં રજૂ કરે છે.  ફોજ દ્વારા ઈણજ ગામ પર હુમલો થાય ત્યારે અલીમહમદને મારી નાખવામાં આવે અને કાદુ અલી                 મહમદની પત્ની અને બાળકોને બચાવીને સાથે લઈ જાય છે. પણ બચીને ભાગી નીકળેલા આ લોકો માટે રાજસત્તા કાવાદાવા કરીને પકડી લેવાની યુક્તિ વિચારતા સ્ત્રી અને બાળકોને પકડવાનું ગોઠવે છે. તે સમયે કચેરીમાં બેઠેલા ખાનબહાદુર સૈયદ અલ્વી અલ એદ્રુસ વિરોધ રજૂ કરતા કહે છે- “આપ વિપરિત વાત કરો છો.રાવ સાહેબ, એના જનાના સામે લડાઈ ન હોય.”  આદેશને લીધે બડામિયા સૈયદ અને કબીરખાં સ્ત્રીઓને પકડવા નીકળે પણ કાદુ એ બેવને ઠાર કરી દે છે અને મારવા બદલ એ બેવની માફી માંગે છે. બડામિયા સૈયદ મરતા પહેલા કાદુને કહે છે- ‘તમે ક્યાં મને અંગત ઝેરથી માર્યો છે? એ તો મુકદ્દર!” વણિકને ત્યાં ચોરી કરતી વખતે પોતાના સાથીએ વણિક  કન્યાનો હાથ પકડી લીધો તો એને અટકાવીને એ ઘર લુંટવાનું માંડી વાળી એ સાથીને ખર્ચીના પૈસા આપી પોતાની ટુકડીમાંથી કાઢી મૂકે છે. કાદુ નમાઝ પઢતી વખતે બોલતો કે –‘હે ખુદા અમે જાણીએ છીએ કે અમે હરામનું ખાઈએ છીએ.અમે ત્રાસ વર્તાવીએ છીએ. અમે દોજખમાં જ જવાના. પણ શું કરીએ? દુનિયા માનતી નથી. અમારી ઈજ્જત જાય છે.”

          ધારી પલટનવાળા જેક્સન સાબ સમાધાન માટે પ્રયત્ન કરે પરંતુ નવાબ માનતા નથી પણ વાયદા મુજબ જેક્સન સાબ એકલો કાદુને મળવા આઅવે છે. અહી વાયદા-કોલનું મહત્વ જોઈ શકાય છે. સ્ત્રી તરફ તો કાદુની દ્રષ્ટિ જ નોખી છે. માંડણપુરાના મકરાણીની એક દીકરી હતી જે કાદુ પર ઓવારી જાય પણ કાદુ તો આંખ નીચી કરી જાય છે. સ્ત્રી કહે છે-“ મારે તમારી ચાકરી કરવી છે. મને તેડી નહીં જાઓ?” કાદુ તેની સોગાદ પણ લેતો નથી અને ઠંડો જવાબ આપી ચાલ્યો જાય છે. ભેસાણ ગામની લુંટનું વર્ણન છે એમાં મેજર હમ્ફ્રી જે કાદુને પકડવાની નેમ લઈને બેઠો છે એ ચિંતા કરે છે કે નજીકમાં જો બહારવટિયા હોય તો ‘મારા બાલબચ્ચાનું શું થાય? ત્યારે કાદુને ઓળખનારા સિપાઈ કહે છે કે- “ એને ઊની આંચ નહીં આવે. એ તો કાદરબક્ષ છે. નિરપરાધી ઓરત-બચ્ચાંને એ ન બોલાવે. આપ ઝટ ભાગી છૂટો.” આ ઓરત અને બચ્ચાને લઈ જતા ટાંગાને જોઈ સાથીદારો બંદુક ઊંચી ઉઠાવે છે ત્યારે કાદુ સૌને રોકતા કહે છે-“ ખામોશ! હમ્ફ્રી ગાડીમાં નથી. અંદર ઓરત ને બચ્ચું જ છે.” અલાદાદ ઓરત-બચ્ચાને મારવાનું કહે છે તો કાદુ કહે છે-“નહિ, નહિ અલાદાદ! શત્રુની ઓરત તો બહારવટિયાની માબહેન. એને હાથ અડકાડશું તો તો આપણી રિન્દ-બલોચ મા-બહેનો આપણા નામ પર થુકશે. ઓરત અને બચ્ચા તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે.” સાથીદારોની દલીલ છે કે- “કાદરબક્ષ ! ભૂલી ગયા ? રાજ્યે કેમ આપણા બાલ-બચ્ચાં પકડ્યાં હતાં?” તો કાદુ કહે છે-“ એ નાપાક પગલું હતું. હું રાજ્યની નકલ નહીં કરું.” “ કાદરબક્ષ જલ્લાદ ભલે હોય, શયતાન તો હરગિજ નથી. આપણી રિન્દ-બલોચ ઓરતો આપણા નામ પર જૂતાં મારશે. બસ,ખામોશ.” એટલું કહીને કાદુ બીજી દિશામાં ઊતરી ગયો. બહારવટિયાને પકડવાનું ઈનામ જાહેર થતાં જોગીદાસ ખુમાણનો પૌત્ર જેઠસુર ખુમાણ કાદુને પકડવા આવે અને કાદુનો ભેટો થઈ જતા હેબતાઈ જાય છે પણ કાદુ એને માર્યા વિના ગીરમાંથી નીકળી જવાનું કહે છે.

          એક ગામમાં ફકીરના વેશે દાખલ થઈને કાદુ વેપારીઓ પાસેથી સસ્તામાં વસ્તુની માંગણી કરે પણ વેપારીઓ અપમાન કરે. કાદુ  બજારમાં બોલતો-બબડતો જાય કે-“ આ ગામમાં મને ચપટી સૂકો ન મળે તો રોટલો તો મળે જ શેનો!” એવામાં આ સાંભળી એક કણબણ બાઈ કહે છે “હાલો મારે ઘેર” કાદુ તેના ઘરે જમીને પોતાની ઓળખાણ આપે અને રાતે ગામ લુંટવાના છે સમાચાર પણ આપે છે. ઘરને ટોડલે બે દીવા પ્રગટાવવાનું સૂચન કરે જેથી એ બાઈનું ઘર લૂટવામાં નહી આવે. એવું કહી કાદુ જાય ત્યારે એનાથી બોલાઈ જાય છે કે “ મારા જણ ભૂખ્યા બેઠા છે.” તો પેલી બાઈ દસ જણની રસોઈ કરીને પહોચાડે છે. રાતે વેપારીને લુંટે અને પેલી માનેલી બેનને કહે કે ‘આમાંથી જે જોઈએ તે લઈ લે.”

          રાજસત્તા વસ્તીને-નિર્દોષ લોકોને કાદુને લીધે હેરાન કરે એટલે કાદુ પોતાના મલકમાં ચાલી જવાનું આયોજન કરે પણ કરાંચીમાં પકડાઈ જાય છે ત્યારે અંબારામભાઈ તેને મળવા આવે તેની સાથેની વાતચીતમાં કહે છે કે-“ મારું દિલ અત્યારે ચિરાય છે,કેમ કે જે ધણીનું નિમક આ રૂંવે રૂંવે ભર્યું છે તેની સામે અમારે હથિયાર ઉપાડવા પડ્યા. એની રૈયતને બેહાલ કરી અમે એના ઢગલાબંધ માણસો માર્યા. અને જે દેશમાં જન્મી અમે મોટા થયા તેને જ અમે ધૂળ મેળવી દીધો. એમાં અમારો વાંક હશે. પણ,સાહેબ! અમને એક પણ તક મળી નહિ.” કાદુ હરભાઈ દેસાઈને કહે છે-“ તમે હિંદુ છો પણ મુસલમાનની ઈલમમાં પૂરા છો. એટલે મારે તમારે મોઢેથી યાસીન શરીફ સાંભળવાનો વિચાર થયો છે. તમે જો પઢો તો હું મારું મોટું ભાગ્ય સમજીશ.” અલાદાદ પણ પકડાઈ જાય છે અને  મુંબઈ કિનારેથી કાદુની બહેન ઝુલેખા અને દિન મામદ,ગુલ મામદ એ બધા પકડાઈ જાય છે. ૧૪ વર્ષના ગુલ મામદની ફાસીની સજાને નવાબ બહાદુરખાન માફ કરે છે.

         જોગીદાસ ખુમાણ અને કાદુ મકરાણીના ચરિત્રને જોતા એ ખ્યાલ આવે છે કે એક વ્યક્તિ જેની સમાજમાં અલગ ઓળખ છે એ અંદરથી કેટલો નૈતિક છે. જીવનમાં આવી પડેલી સ્થિતિમાંથી તે જે બન્યો છે એ દરમિયાન અનેક વૈચારિક મંથનો અનુભવતો તે પોતાના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને કદી છોડતો નથી. અલબત તેઓના વ્યક્તિત્વની ખરાબ બાજુઓને નદરઅંદાજ કરવાની કોઈ જરૂર નથી. મેઘાણી લખે છે- “ બહારવટું તો સદાકાળ ચાલ્યું છ; રાજ્સત્તાના અન્યાયો હશે ત્યાં સુધી ચાલશે; દરેક યુગનું બહારવટું જુદી ભાતનું, પણ સિધ્ધાંત તો એક: રાજસત્તા, ધર્મસત્તા, હરકોઈ સત્તાના અધર્મ સામે મરણિયો હુંકાર: મધ્યયુગી બહારવટિયાનું મક્કમપણું, મરણિયાપણું, ત્યાગ, સહનશક્તિ, પ્રભુશ્રદ્ધા, આત્મશ્રદ્ધા, ઔદાર્ય ને વીરનીતિ, એન્વા યુગને આરે અવતારવા લાયક: ઘાતકીપણા, નિર્દયતા વગેરે ત્યજવા ને તિરસ્કારવા લાયક.”૯

          સમકાલીન સ્થિતિમાં આ લોકસાહિત્યના પાત્રો એટલા જ પ્રસ્તુત અને આવતીકાલે પણ એટલા જ પ્રસ્તુત રહેવાના. અરાજકતા ભરેલી સ્થિતિમાં  પ્રજાનો અવાજ જયારે સત્તાધારી વર્ગ નથી સાંભળતો ત્યારે મહારાજને મોઢામોઢ સાચું કહેનારા મેઘાણીના આ પાત્રો જેવા લોકોની આજે પણ જરૂર છે અને આવતીકાલે પણ રહેવાની. મુજાવર મુરાદ્શા રાવ બહાદુરને દરબારમાં સંભળાવે,ખાન બહાદુર સૈયદ અલ્વી પણ મહારજને ટોકે અને સૂચન આપે, મેરામણ ખુમાણ વજેસંગને ભૂલ બતાવે,ચારણની વાત રાજા માને આ બધી કઈ નાનીસુની અને સામાન્ય વાત નથી પણ લોકતંત્રનો લય છે.

          ઈન્કમટેક્સની રેડ, સી.બી.આઇનો સ્વાર્થ માટે ઉપયોગ કરતા સતાધારી લોકો હોય તો  આવા સાહિત્યનું વાંચન આજે પણ એટલું જ જરૂરી અને આવતીકાલે પણ એટલું જ જરૂરી રહેવાનું. કાદું હ્મ્ફ્રીના પત્ની બાળકોને નુકશાન નથી પહોચાડતો, એને મન એલોકો એની પોતાની મા-બેન છે. દુશ્મન સાથે વિચારભેદ હોય પણ તેના કુટુંબને નુકશાન નહી પહોચાડવું એ લગભગ સંતની જ કક્ષા છે. સાંપ્રત સ્થિતિમાં એવી ઘટનાઓ પણ ઘટી ચુકી છે જેમાં અંગત ખારને લીધે વ્યક્તિને કેટલાય વર્ષો જેલમાં નાખી દેવામાં આવે આખરે નિર્દોષ છૂટે. પોતાના વિચારોને રજૂ કરતા પ્રોફેસરો લેખકોને સત્તાના જોરે  હેરાન કરનારા સત્તાધારીઓને દર વર્ષે આવા પુસ્તકો ભેટમાં આપવા જોઈએ. દુશ્મન માનતા હોવાને લીધે દુશ્મન સહીત એના કુટુંબના તમામ સભ્યોને હેરાન કરવાની વૃત્તિવાળા વામણા લોકોએ  આ લોકસાહિત્યનું પરિશીલન કરવાની જરૂર આજે પણ એટલી જ છે આવીકાલે પણ એ જરૂર રહેવાની છે. બીલો ધ બેલ્ટ  પોલીટીક્સ  કરનારા રાજકારણીઓને આ વાત ખાસ લાગુ પડે છે.

          રાજા કરે એટલે એવું જ પ્રજાએ કરવાનું એ સૌથી મોટી મુર્ખામી છે. કાદૂએ કહેલું કે ‘હું રાજ્યની નકલ નહીં કરું.’ આજે એક પક્ષના ધારાસભ્યને ૨૨ કરોડમાં ખરીદનાર બીજા પક્ષના નેતા લોકોને જોઇને કે ચુંટણી માટે ટીકીટ લેવામાં કરોડો ખર્ચતા નેતાઓને જોઇને પ્રજાએ  હેડક્લાર્કનું કે તલાટીનું પેપર ૨ લાખમાં ન ખરીદવું જોઈએ. નોકરી માટે કાવાદાવા કરીને નોકરી ન મેળવાય એ જીવનદર્શન આ લોકસાહિત્યમાં છે.

       સત્તાના જુલ્મો સામેની પ્રવૃત્તિને જે તે રાજા સમજવાનો પ્રયત્ન કરે. એની સાથે બેઠક કરે સંવાદ કરે અને સમાધાનના પણ પ્રયત્ન કરે. અહીં સત્તાનો અહમ નથી. અને આજે આની ખુબ જરૂર છે અને આવતીકાલે પણ રહેવાની છે. સરકાર સામે અત્યાર સુધી થઈ ગયેલા તમામ આંદોલનો તેમજ આજના સમયમાં આ મુદ્દાના સંદર્ભમાં આપણે કિસાન આંદોલન, કર્મચારીઓના આંદોલનને પણ જોવું પડશે. રાજસત્તા સામે અન્યાય કે અસહમતિને  કારણે કરાતો વિરોધ એ દેશદ્રોહ નથી. પોતાના દીકરાને જોગીદાસનો દીકરો લપાટ મારે પણ વજેસંગ કેટલી ઉદારતાથી પોતાના દીકરાને સમજાવે. શત્રુ પ્રત્યેનો ધર્મ પણ સમજવો રહ્યો. રાજા-પ્રજા એકમેકને સન્માન આપે એ ખૂબ જરૂરી છે. “આજનાં તોલા-ત્રાજવાં: મૂડીવાદના હત્યાકાંડો: યુદ્ધવેપાર, જાહેર જીવન, કલા-સાહિત્ય, પત્રકારત્વ, સમાજસુધારણા, પાંડિત્ય, વિદ્વતા વગેરેમાં દાતા-પદે અને નેતા-પદે રાજ કરતાં દંભ, દુરાચાર, સંહારનીતિ, પ્રજાના હ્રાસ એ બધાની સરખામણીમાં બહારવટિયો કેટલો પાપી?”૧૦ આજે રાજકારણમાં ધર્મ-જાતિના નામે મેલા કારસા મુખ્ય છે અને સામાજિક સ્થિતિનું ચિત્ર વરવું બની ગયું છે ત્યારે મુસ્લિમ-હિંદુ પાત્રો વચ્ચેની એકતા Social Harmony પણ અહિ નોંધનીય છે. કાદૂ હરભાઈ દેસાઈ પાસે યાસીન શરીફ સાંભળવા માંગે એ ધાર્મિક સૌહાર્દનું કેટલું મહત્વનું ઉદાહરણ છે ! આ ઉપરાંત નારીસન્માન,શત્રુ પ્રત્યેનો ધર્મ, એકવચનીપણું અંગ્રેજીમાં જેને કોડ ઓફ ઓનર કહેવાય છે તે  અને મુખ્યતઃ પરોપકારવૃત્તિ એ અહિ મહત્વની બાબત બની રહે છે.

          મેઘાણીના આ મહત્વના સર્જન માટે કહેવાયું છે કે ‘ત્રણ ભાગ તેર બહારવટિયાના વૃતાંત એ ગુજરાતી લોકસાહિત્યના સાચાં મોતી છે.’ અને મારા મતે મોતીની જરૂર આ પૂર્વે પણ હતી આજની રાજકીય, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિમાં તો આ મોતીની ખૂબ જરૂર છે. અને માનવીયતાને ટકાવી રાખવા ભવિષ્યમાં પણ એની જરૂર રહેવાની છે.

*-RIE-ભોપાલ દ્વારા ૨૭-૨૯/૦૧/૨૦૨૨ દરમિયાન યોજાયેલ ઓનલાઈન ‘નેશનલ કોન્ફરન્સ ઓન ફોલ્ક લીટરેચર ઈન ઈન્ડીયન લેન્ગવેજીસ: ટુડે એન્ડ ટુમોરો’માં રજૂ કરેલ પેપર સુધારા સાથે…

સંદર્ભ-

૧- આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ,ચન્દ્રકાન્ત ટોપીવાળા અને અન્ય, ગુજરાતી સાહિત્ય પરિષદ-અમદાવાદ,પ્ર.આ-૧૯૮૬,પૃ.૧૦૬.

૨- અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ,ડૉ.રમેશ ત્રિવેદી,આદર્શ પ્રકાશન-અમદાવાદ,શોધિત-વર્ધિત આવૃતિ-૨૦૦૫, પૃ.૧૮૫

૩- સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૫,ઝવેરચંદ મેઘાણી,ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદ,પુનર્મૂદ્રણ-૨૦૦૫,છેલ્લા પૂઠા ઉપર છપાયેલ લોક સાહિત્ય:ધરતીનું ધાવણનાં નિવેદનમાનું  વિધાન

૪- સાહિત્ય પ્રવેશિકા, હિંમતલાલ ગણેશજી અંજારિયા,સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ. બીજી આવૃત્તિ-સંવત-૨૦૦૮, પૃ.૩૨૨.

૫- સોરઠી બહારવટિયા ભાગ-૩, ઝવેરચંદ મેઘાણી, સં- મફત રણેલાકર, શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધી રોડ,અમદાવાદ. પ્ર.આ.-૨૦૧૪, પૃ. ૦૮

૬- સોરઠી બહારવટિયા ભાગ-૨, ઝવેરચંદ મેઘાણી, સં- મફત રણેલાકર, શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધી રોડ,અમદાવાદ. પ્ર.આ.-૨૦૧૪, પૃ.૭૭

૭- સાહિત્યિક નિબંધો,ડૉ. જયંત પાઠક અને ડૉ. જયંત પટેલ, પોપ્યુલર પ્રકાશન-સુરત. આપણું લોકસાહિત્ય નામક લેખમાંથી-પૃ.૩૩૭

૮- સોરઠી બહારવટિયા ભાગ-૩, ઝવેરચંદ મેઘાણી, સં- મફત રણેલાકર, શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધી રોડ,અમદાવાદ. પ્ર.આ.-૨૦૧૪,પૃ.૧૧૭

૯- સોરઠી બહારવટિયા ભાગ-૨, ઝવેરચંદ મેઘાણી, સં- મફત રણેલાકર, શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધી રોડ,અમદાવાદ. પ્ર.આ.-૨૦૧૪,પૃ.૯

૧૦- એજન

 ડો. મનોજ માહ્યાવંશી, આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ગવર્મેન્ટ કોલેજ-સિલવાસા, ડોકમરડી, સિલવાસા, પિન કોડ -૩૯૬૨૩0

યુ.ટી.ઓફ દાદરા એન્ડ નગર હવેલી, મો- ૯૮૯૮૬૮૪૬૦૧, E-mail: mahyavanshimanoj@yahoo.co.in