લોકસાહિત્યના સંશોધક :  મધુભાઈ પટેલ

  • ભૂમિ પ્રજાપતિ

લોકસાહિત્યના સંશોધનક્ષેત્રે અનેક સંશોધકોએ મહત્ત્વનું કાર્ય કર્યું છે. જેમાં ફ. બ. માસ્તર, શોરાબજી ચીકન, બમનજી પટેલ, ઝવેરચંદ મેઘાણી, પુષ્કર ચંદરવાકર, જીવરામ અજરામર ગોર વગેરેના નામો જાણીતા છે. તેમાં એક મહત્ત્વનું નામ મધુભાઈ પટેલનું છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પહેલી બેઠક(૧૯૦૫)માં રણજિતરામ મહેતાએ લોકગીત ઉપર એક વિસ્તૃત નિબંધ વાંચીને લોકસાહિત્ય તરફ ધ્યાન ખેંચ્યું હતું. તેમને ખાસ રસથી ગુજરાતમાં લોકગીતોનું પણ પ્રથમ વાર સંશોધન-સંપાદન ‘લોકગીત’ નામથી પ્રગટ કર્યું હતું. સૌરાષ્ટ્રનું કંઠસ્થ લોકસાહિત્ય ઝવેરચંદ મેઘાણીએ અને કચ્છનું લોકસાહિત્ય દુલેરાય કારાણીએ સંગ્રહિત કર્યું. ત્યાર પછી ગુજરાતનું લોકસાહિત્ય ભેગું કરવાની જરૂર ઊભી થઈ. ઝવેરચંદ મેઘાણી ગુજરાતનું લોકસાહિત્ય ભેગું કરવા ગુજરાતમાં ગયા અને મહી કાંઠાના કેટલાક પ્રદેશ પણ ખૂંદી વળ્યા હતા. આ કાર્ય પૂર્ણ થાય એ પહેલા જ એમને અચાનક ચિરવિદાય લઈ લીધી અને એ કામ અટકી પડ્યું. મેઘાણીના અવસાનના થોડા સમય પહેલા મધુભાઈ પટેલ એમને મળ્યા હતા. એમને સંગ્રહિત કરેલાં ગુજરાતનાં સાતસો લોકગીતો મેઘાણીભાઈએ જોયા ને સાંભળ્યા. વિશેષ તો પુસ્તક માટે પ્રસ્તાવના પણ લખી આપી. મધુભાઈ સાથેની મુલાકાત પછી સાત દિવસ પછી મેઘાણીભાઈએ ‘છેલ્લું પ્રયાણ’ સાધી લીધું હતું. એમના આખરી ઘડી પહેલાં જ ‘સંસ્કૃતિ’ માટે ‘દક્ષિણ ગુજરાતના લોકગીતો’ના શીર્ષક હેઠળ એમના જીવનનો અંતિમ લેખ તથા એમના મિત્રને મધુભાઈની મુલાકાતથી થયેલો આનંદ વ્યકત કરતો, એમના હાથનો છેલ્લો પત્ર લખી એમણે જતાં જતાં પણ ગુર્જરરાષ્ટ્રને મધુભાઈના આ પ્રયાસની પિછાન આપી.

 સુરતથી લગભગ ૩૦ કિલોમીટર દૂર સરવ ગામમાં મધુભાઈ પટેલનો જન્મ અને ઉછેર. મધુભાઈએ અમલસાડ ખાતે કળાના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ઈ.સ. ૧૯૪૨ની ભારત છોડો રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા, જેના પરિણામે તેમને લગભગ એક વર્ષ જેલવાસ ભોગવવો પડ્યો. તેમનામાં રહેલી કળાને જોઈને ન્યુ એરા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વ્યાસ તેમને મુંબઈ લઈ આવ્યા. પરંતુ મૂળે તો તેઓ લોક-સંસ્કૃતિના માણસ હતા.

મધુભાઈ પાસેથી ‘ગુજરાતનાં લોકગીતો’(૧૯૫૦), ‘દક્ષિણ ગુજરાતના લોકગીતો’, ‘સંતના ગીતો’, ‘સ્વર્ણંકિત લોકગીતો’ અને ‘Folksongs of South Gujarat’(1974) જેવા મહત્ત્વના સંગ્રહો પ્રાપ્ત થાય છે. તેમને લોકકથાઓ, લોકગીતો અને સામુદાયિક જીવન પર આધારિત ઘણા ફીચર પ્રોગ્રામ્સ અને નૃત્ય-નાટકો પણ લખ્યા છે. તેમના લેખો બુદ્ધિપ્રકાશ, સંસ્કૃતિ, અખંડાનંદ વગેરે પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકોમાં સમયાંતરે પ્રગટ થયા છે. તો લોકસંસ્કૃતિની પરિષદોમાં ઘણાં પેપર રજૂ કર્યા છે. ઈ.સ. ૧૯૭૨માં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે ‘ઓલ ઈન્ડિયા ફોક કલ્ચર કોન્ફરન્સ’(અલ્હાબાદ)એ તેમને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરીને ‘લોકરંગાશ્રી’ના બિરુદથી નવાજ્યા હતા.

લોકસાહિત્યનું શુદ્ધ અને શાસ્ત્રીય દૃષ્ટિએ સંશોધન કરવા જનતાના નીચેના થરો સુધી પહોંચવું પડે. આવું કપરું કામ મધુભાઈએ પૂરી લગન અને ઉત્તસાહ પૂર્વક કર્યું છે, તેમાંય આ કામને બિરદાવતા મેઘાણીભાઈ પ્રસ્તાવનામાં લખે છે કે, “આ ભાઈએ એક બે વાતો કહી, એક ડોશીને કહે ગાઓ: ડોશી કહે મને તો દળતાં  દળતાં યાદ ચડે, વારુ માડી! દળો અને ગાઓ: પણ ભૈ! દળું તે શું? મારાં કાળજાં? આ રેશનિંગમાં દાણા ક્યાંથી કાઢું? સંગ્રાહકે ઘરેથી દાણા લઈ જઈ દળાવ્યું ને ગવરાવ્યું.

સીમમાં ભરવાડને કહ્યું, ઝેરિયાં ગાઓ : જવાબ જડ્યો, ‘લાખ્યા વિના કઈ ગવાય?’

‘લાખ્યા વગર’ એટલે પેટમાં તાડી નાખ્યા વગર! પવાલી લાવીને આપી, તેનું પીણું પીને પછી ભરવાડ કહે કે , ‘લે હવે માંડ લખવા!’ ઝેરીયાની ઝડી વરસી. લખનારો થાકે, ગાનારો ન થંભે.

છેવટે સંગ્રાહકે બુઢ્ઢી માને મનાવી, માનાં પચાસ વર્ષનાં ભીડેલા ઉર-કપાટ ઊઘાડયાં” (પૃ.૨૦)

સતત અઢી વર્ષ રખડી, અનેક મુશ્કેલીઓ પાર કરીને મધુભાઈએ લોકગીતો ભેગા કર્યા છે. આ લોકગીતો માત્ર સુરત જિલ્લાના અબ્રામા ગામની આજુબાજુથી જ મેળવેલાં છે. એમાં અનાવિલ, કણબી, કોળી, દૂબળા, ભરવાડ, હરિજન વગેરે કોમનાં ગીતોનો સમાવેશ થયો છે. ‘વડીલના વાત્સલ્યથી આંગળી પકડીને લોકસાહિત્યમાં જેમણે મારો પ્રવેશ કરાવ્યો.’ એવા મેઘાણીભાઈને મધુભાઈએ ગ્રંથ અર્પણ કર્યો છે. આ અનમોલ વારસાની પ્રસ્તાવના પણ મેઘાણીભાઈએ ‘આશીર્વાદ’ શીર્ષક હેઠળ લખી છે.   

         ગુજરાતના લોકગીતો ગ્રંથ ઈ.સ. ૧૯૫૦માં સસ્તું સાહિત્ય મુદ્રણાલય દ્ધારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે કુલ ૨૯ પ્રકરણો અને ૨૬૪ પૃષ્ઠમાં વહેંચાયેલ છે. અહીં સમાવિષ્ટ ગીતોમાં સીમંતના, જન્મ, પ્રસૂતિ, હાલરડાં, બાળકૂદણાં, લગ્ન, શણગાર, પ્રેમ-વિરહ અને મૃત્યુ જેવા વિભાગોમાં ગોઠવ્યા છે. આ ગીતો પછી તો તેઓ મુંબઈના રેડિયો પર ગ્રામ કાર્યક્રમમાં ગાતાં. અને આમ લોકસાહિત્યની સાથોસાથ ગુજરાતનું લોકસંગીત પણ તેમને વહેતું રાખ્યું હતું. ગુજરાતનું પોતાનું વિશિષ્ટ દેશી સંગીત, પોતાનું સંગીતધન એનાં લોકગીતોના ઢાળોમાં છે. આપણા લોકગીતોમાંથી જ સારોદ્ધાર પામી સોરઠ, ગુર્જરી ઈત્યાદિ રાગસ્વરૂપોએ ભારતીય સંગીતમાં પોતાનું યોગદાન આપ્યું છે. તો ‘લોકગીતનું સંગીત’ શીર્ષક હેઠળ રમણલાલ મહેતાએ લોકગીતના સંગીતતત્ત્વનું મહત્ત્વ સમજાવ્યું છે. “ગીતોના મીઠા સૂરોનો સ્ત્રોત ગામડાં હોય છે. એ મૂળ ઢાળોને શ્રી મધુભાઈએ ઝીલ્યા છે. એમની પાસેથી અને એમની જોડે ગામડે જઈને લોકગીતોનું સંગીત સાંભળવાની તક મને સાંપડી છે. મારો અનુભવ છે કે સ્વ. મેઘાણીએ અથાગ મહેનતથી એકઠાં કરેલાં લોકગીતો એના સ્વરાંકનને અભાવે ભુલાતા જાય છે. સ્વ. મેઘાણી એના સ્વરાંકન માટે એટલી મહેનત લઈ શક્યા હોત તો આપણને કેવળ લોકસાહિત્ય ન મળત, લોકસંગીત પણ મળત. મધુભાઈએ એમણે સંગ્રહેલા લોકગીતોનું આયુષ્ય લંબાવવા આવી જહેમત લઈ શકે છે”(પૃ.૨૩) ‘ગુજરાતનાં લોકગીતો’ પૂર્વભૂમિકામાં લોકના ગામડાંનો પરિચય આપી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પહેલા જન્મ સમયના ગીતોથી શરૂ કરે છે.  

બાળકના જન્મની ઘડી માત્ર માતા માટે જ નહીં, સર્વ પરિવારજનો તેમજ આડોશ-પાડોશના જનોમાં ઉરમાંય આનંદના ફુવારા લાવી દે છે. સ્ત્રી બાળકને જન્મ આપે તેનાં શુભ આગમન-અવસરનાં આપણે ત્યાં અનેક લોકગીતો ગવાય છે. આપણી પરંપરામાં જન્મ આપનાર દરેક માતા જશોદા અને જન્મનાર બાળક કૃષ્ણ છે. ‘હીરના ચંદરવાનેરેશમની દોરી / ઝુલાવે જશોદા ગોરી રે; / ચાલો જોવાને જઈએ!(પૃ.૩૦) બાળક જન્મે છે ત્યારે આડોશ-પાડોશની સ્ત્રીઓ એકઠી થઈ વાતોએ વળગે છે.

   આઈ પાડોશણ-બાઈ પાડોશણ દીવડલો અજવાળો રે,

ક્યારે રે જનઈમા નાનાં બાળ !            જાનકી

ચીર ફાડીને પારને ઝોળી બાંધું રે,

       હો પટોળું ફાડી કરું બરોતિયાં !      જાનકી   (પૃ. ૩૧)

“લોકજીવનનું પારણું કેવું? માતા પોતાનું મોંઘેરું ચીર ફાડીને ઝોળી બનાવે છે અને પટોળું ફાડીને બાળોતિયું બનાવે છે. ઝોળીમાં બાળોતિયું પાથરી બેટડાને પોઢાડે છે.”(પૃ.૩૧) અહીં જન્મ સમયના અનેક ગીતો જોવા મળે છે.

         હાલેરાં શીર્ષક હેઠળ પુત્ર અને પુત્રી બન્નેનાં હાલરડાં મળે છે. આપણે ત્યાં મોટાભાગે પુત્રનાં જ હાલરડાં પ્રાપ્ત થાય છે. પણ આ ગ્રંથમાં સંગ્રાહક પુત્રીના હાલરડાં પણ આપવાનું ચૂક્યા નથી. અહીં ‘હાલો તો ઘણો વા’લો રે ભાઈને’, ‘ભાઈ તો મારો ડાહ્યો રે…..’ જેવા પુત્રના હાલરડાં પ્રાપ્ત થાય છે. પુત્ર જેટલી જ પુત્રી પણ વહાલી છે. દીકરીને જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે માતા દીકરીને સમજાવે છે કે આકાશમાં ઉડતાં પંખી પણ સુઈ ગયા. તું કેમ નથી સૂતી અને એને સુવડાવવા માટે હાલરું ગાય છે: ‘સૂવે સૂડાને સૂવે પંખી, એક ના સૂવે બેન રાજવંશી’ ઉપરાંત ‘એક તો ઘડી ન સમે બેન મારી પારણિયામાં રમે’, ‘હાલરડું વા’લું રે, બેન તારું પારણિયું ઘુમાવું!’ અને ‘કાકાને કાલી બેન તું, મામાને ઘણી વા’લી!’ જેવા હાલરડાં છે. આવા હાલરડાંમાં માતાનો દીકરી પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે.

બાળકોના રમવા-કૂદવામાંથી ઉદ્દભવેલાં ગીતો એટલે બાલકૂદણાં. બાળક ચાલતું થાય છે ત્યારે માતા સૌથી વધારે ખુશ થાય છે. બાળકને પાપા પગલી ભરતું જોઈને ‘કીકો આઈવો માઝમ રાત, કીકા લેલકડું!’આ ઉપરાંત ‘ધરમપોરની થાળી રે મહીં રમે વનમાળી’, ‘ચાંદા પોળી, ઘીમાં બોળી’ જેવા બાળગીતો છે. બાળક મોટું થાય એટલે નવી નવી રમતો રમે છે. તેની રમતોના જોડકણાં-ગીતો પણ અહીં છે. બાળકોની રમતો જળ, સ્થળ અને આકાશ સાથે સંબંધ ધરાવે છે. આવી રમતોમાં બાળક પોતાની જાતને સંપૂર્ણ અભિવ્યક્ત કરે અને રમતોના ગીતો અહીં સંગ્રહીત થયેલાં છે.

ખાયણાં દક્ષિણ ગુજરાતનાં લોકગીતોમાં ખાયણાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ખાયણાં ત્રણ પંક્તિઓની બનેલ બહુ નાની કવિતા છે. સામાન્ય રીતે તો યુવાન અપરણિત છોકરીઓ ખાયણાં ગાય છે. હીંચકે ઝૂલતી અને ખાયણાં ગાતી કન્યાઓ ગીતો દ્વારા સંસાર-સ્વપ્નની અનોખી કલ્પના કરે છે. અહીં અલૂણાં વ્રતમાં ગવાતા ખાયણાં, શણગારના ગીત, વીરાને સંબોધીને ગાવાતા ગીત, ભાભીના ગીત તેમજ સાસરીયામાં ઝગડો થાય એ લડાઈનું સ્વરૂપ કેવું ભવ્ય કે ડુંગર પણ ડોલાવી દે એવું ગીત જોઈએ:

તળાવની પાળે સાસુ-વહુ બે લડ્યાં,

ડુંગર તો ડોલ્યા,

                    કે મારા બાપના!    (પૃ. ૫૨)

બહેનોના હૈયામાંથી વહેતા આ ખાયણાં સાચું લોકધન કહેવાય છે.

          પ્રણયગીત : લોકસાહિત્યમાં ખાસ કરીને લોકગીતોમાં પ્રણયી યુવક-યુવતીનાં જે પ્રણયભાવનું નિરૂપણ આલેખન થયું છે તેમાં પ્રણયભાવ નિમિત્તે નારી કેન્દ્ર સ્થાને રહી છે. લોકગીતોમાં પ્રણયભાવનું નિરૂપણ નારી જીવનના ભિન્ન ભિન્ન તબક્કાઓ સાથે સંકળાયેલી પ્રાસંગિક ગેય રચનાઓમાં થયું છે. યુવાન યુવતી પ્રણયની શોધમાં નીકળી પડે છે. મોરવેલની વાડીમાં એમનું પ્રથમ મિલન થાય છે. તેનું ગીત જુઓ:

મોરવેલી વાડીની મધ્યે તલાવડી,

સોનલા બેડું ને રૂપલા ઈંઢોણી,

એ ગોરાણી પાણી ભરવા જાય રે!

ત્યાં તો…. ભાઈ ઘોડી પાવા જાય રે!

કહો રે દેસાણ તમારાં બેડલાંનાં મૂલ રે!

તમારો ઘોડો, અમારાં બેડલાં,

ચાલો કરીએ મૂલ રે!     (પૃ. ૫૪,૫૫)

આમ મોરવાડીમાં ગોરાણીના મૂલ અંકાય છે. પ્રેમનો સોદો થાય છે, પ્રેમની મીઠી ગોષ્ઠી થાય છે. નયન એક થતાં સ્નેહની ગાંઠે બંધાય છે. કન્યા પોતાના પ્રેમની વાત માતા-પિતાને કઈ રીતે કહી શકે એટલે ભાઈને કહે છે તે ભાભી સાંભળી જાય છે. ભાભી આગળ પોતાનું હદય ખોલે છે:  

સરોવરની પાળે એક જોગી ઊભેલો,

તેની સાથે મનડાં બાઈઝાં રે ભાભી! (પૃ. ૫૬)

‘જોગી તારા હાથમાં લવંગિયા લાકડી’, ‘મારો હાંકળિયો કુંપડો ઠેકી આવ’, ‘વેંગણનાં રાતેરાં ફૂલ રે, ઝૂલણ લે વણજારી’, પેલી ચાંલ્લાવાળી કોણ?’ વગેરે ગીતો અંહી આપ્યા છે.

વિવાહગીત : મનુષ્ય જીવનમાં જન્મ, લગ્ન અને મૃત્યુ આ ત્રણ પ્રસંગો મહત્ત્વના છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. આપના સોળ સંસ્કારઓમાંનો એક સંસ્કાર એટલે લગ્ન. લગ્ન એ ઉત્સવનું મહાપર્વ છે. લગન નક્કી કરવામાં આવે ત્યાંથી માંડીને છેક કન્યા વિદાય સુધી અનેક પ્રસંગોમાં અનેક ક્રિયાઓ-રીત-રિવાજ મુજબ લગ્નગીતો ગાવામાં આવે છે.

         ‘સાહ્યબા’ને સુરત શહેરની ઝાઝેરી છોકરીઓમાંથી એકાદ ‘કોલી કન્યાને’ને પસંદ કરી આવવાની સલાહ એનાં સ્નેહીજનો આપે છે તેનુ ગીત જુઓ;

સુરત જજે રે સાહ્યબા પરણેવા,        મોતીવાળા ભમરજી.

સુરતમાં ઝાઝેરી છોરી રે,             મોતીવાળા ભમરજી.

જી રે કઈને પરણું ને કઈ ને આદરું?    મોતીવાળા ભમરજી.

કાળી કન્યા રખે પરણતા,              મોતીવાળા ભમરજી.

કાળી તો કટંબ લજાવશે,               મોતીવાળા ભમરજી.

જી રે કોલી કન્યા તમે પરણજો,         મોતીવાળા ભમરજી.

            જી રે કોલી કટંબ શોભાવશે,            મોતીવાળા ભમરજી.  (પૃ. ૬૨)

પરણનારને તો કોઈ બીજી નારી સાથે સ્નેહ બંધાયો છે માટે વીરાને વિનંતી કરે છે; ‘વીર દેશ જોયા રે દેશ માળવા, વીરે એક ના જોઈ રે ગુજરાત’ પોતાના વીરાના લગ્નનો પ્રસંગ ધૂમધામથી ઉજવાય તે માટે બહેનની દોડધામ વર્ણવતું ગીત પણ અહીં મળે છે. ‘એક સુરતનાસરસૂબાભાઈ તમને વીનવું/ મારેઘેરેછેવીરાના વેવા તો ઘોડલા જોઈશે!’ લગ્નના થોડાં દિવસ પહેલા વર-કન્યાને આંગણે રોજ સવારે પ્રભાતિયાં સંભળાય છે; ‘સૂરજ ઊગ્યો રે કેવડિયાની ડાળે કે વાણેલાં ભલે વાયાં!’, ડુંગરાને કેડાણે સૂરજી ઊગ્યા’ વગેરે અંહી મળે છે.

         લગ્ન નજીક આવે એટલે કંકોત્રી લખાય છે. પછી સગાસ્નેહીઓને નિમંત્રણ આપવા જાય છે. બહેન પોતાના વીરાને કંકોત્રી લખે છે:

કંકુ છાંટી કંકોતરી મોકલી,

મહીં લખશે સુભદ્રાબેન — વીરા રે વેલા આવોને! (પૃ. ૬૭)

ભાઈને લગ્નમાં લાવવાની વિગતોની યાદી આપે છે તેનું ગીત:  ‘તમારા બનેવીને સારુ વીરા પામરી, છેડે બત્રીસ ભમરીના મોર’ પછી ગીતમાં અનુક્રમે બેન માટે ચૂંદડી, ભાણેજ માટે મોળિયો, સસરા માટે ધોતિયું, સાસુ ને લૂગડાંની જોડ, જેઠ, જેઠાણી, કાકીસાસુ, પાડોશણને નાળિયેરની જોડ એમ યાદી આપે છે. આમાં નિમંત્રણગીતો, મંડપગીતો, ‘ઊંચો માંડવો મઘતેલો રોપાવો રે’, અલંકારગીત ‘સાંજ પડે ને ઘેરે દોશીડો આવે, દોશીડો આવે સારાં પાનેતર લાવે’, ‘ચાંદલો ચાલે રે ઉતાવળો’, ‘બંદરે આઈવાં રઘુભાઈ સોનાનાં વહાણ’, ‘સોનાનો બંગલો રૂપાની કામળી, અમદાવાદની થાળી, ધરમપોરની ઝાળી’ જેવા ગીતો અંહી ગુજરાતનાં સુરત પ્રદેશને રજૂ કરે છે. “વિવાહનો વર્ણવેલો આટઆટલો ખર્ચ, આટાઆટલી વિધિ અને એવા અનેક સૂક્ષ્મ પ્રસંગોનું સૂચન કડીએકડીએ સાનુક્રમ ગવાયું છે અને એ રીતે લોકજીવનના લગ્નસંસ્કારનું આદર્શ ઝરણું સમય સાથે વહેતું આવ્યું છે.” (પૃ.૭૨)

         લગ્ન પ્રસંગ એટલે ગીતો ગાવાનો પ્રસંગ. ગણેશ સ્થાપનાથી માંડીને કન્યાવિદાય સુધીના ગીતોનો સમાવેશ થાય છે. અહીં ઈષ્ટદેવની પૂજાના ગીતો, ગ્રહશાંતેકની વિધિના ગીતો ‘વાજિંતર વાજે છે’, ‘રાઘવજી રે પરણે રખોમણી રે!’, ‘આભને ઝાલે ઘાલ્યા માંડવા’, ‘ચોરીમાં શું રે હોમિયાં રે’, ‘સવામણ સોનાની છે દીવી.’ બહેનને ત્યાં લગ્નનો અવસર આવે એટલે ભાઈ મોસાળું લઈને આવે છે. ‘શેરી શેરી ઘૂઘરડો વાગે રે, કોઈ મોટો મોસાળિયો આવે!’ કલગી, ફૂલહાર અને હાથમાં નાળિયેર સાથે સજ્જ થયેલા લાડકા વરરાજા માટે તેજીલી ખંભાતી ઘોડી શણગારાય છે. ‘ખડી રે ખંભાતની ઘોડી રે શણગારો!’, ‘મદભરીઓ હાથી ને લાલ અંબાડી’, ‘વડી વેલમાં જાય જિયાવર…’, ‘વર ઊતર્યો વર વાડીમાં રે’ ને વરજાન આવી પહોચે છે. આ જાણી પીઠી ભરેલી કન્યાના આનંદનો પાર રહેતો નથી.

“લગ્નોત્સવ એક એવો પ્રસંગ છે, કે જ્યારે શૃંગાર, હાસ્ય, કરૂણ, શાંત વગેરે સાહિત્યના નવ રસોનો નિધિ છલકાય છે. આનંદના એ પ્રસંગમાં હાસ્ય-વિનોદનું સ્થાન અનોખું છે. લગ્નમાં વિનોદને ખાતર વિનોદ ખેલાય છે. વિનોદગીતોમાં તરી આવતો ઉપહાસ શિયાળાની તાપણી જેમ બધાંને ઘડીક મઝા આપી જાય છે. એમાં ઝડપાતી વ્યક્તિઓ(ખાસ કરીને વેવાઈ, વેવાણ, વર અને વહુ) પોતાને સંબોધીને ગવાયેલો ઉપહાસ સહર્ષ વધાવી લે છે.”(પૃ.૮૮)

આ પ્રકારના વિનોદગીતોમાં ‘સગે સસરે જમવા નોતઈરાં જો, જનમના જોગી રે રાજા ભરથરી!’, ‘સામી ટેકરીએ ઊતરી વરની જાન જો’, ઉપરાંત ‘જમણ’ના ગીતોમાં ‘તારી ફાટેલી બાજ રે દૂર કરો!’, ‘વેવાઈને આંગણે માણો ધંતૂરો માંજરો રે?’, લાડકડા જમાઈને સાસુ કલવો ધરે છે ‘મારું ખાંડ ખજૂરનું ખાવું, ખાખા રે છોરા કલેવો!’, ‘લાડી લોધણ તો લઈખાં કાગળ મોકલે!, વેવારિયા વર વે’લા ચાલો’ આવી દર્શનભૂખી કન્યાનો સંદેશો સાંભળીને વરરાજા અને તેનું સાજન વરઘોડે નીકળે છે. આવા ‘વરઘોડા’ના ગીતોમાં ‘આજે વરઘોડા નીસર્યાં રે!’ ગાતું સ્ત્રીમંડળ વરઘોડા સહિત વાજતેગાજતે વેવાઈની શેરીએ આવી પહોંચે છે. પછી ‘માહ્યરાં’નાં ગીતો શરૂ થાય છે. વરવધૂ માહ્યરાંમાં મંગળફેરા ફરે છે ત્યારે ‘સખી પહેલેરું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે!’ કન્યાદાન પછી વેવાઈઓ અને વેવાણો પ્રેમથી ભેટે છે ત્યારે બન્ને વેવાઈની સરખામણી કરતું વોનોદગીત જુઓ;

લેરી રે લેરી મારા લાલુભાઈ છે લેરી!

છોડે કોથડીનો બંધ,

કાઢે રૂપિયાની જોડ,

ચીપટ રે ચીપટ પેલો વેવાઈ છે ચીપટ!

છોડે કોથડીનો બંધ, કાઢે કાંકરાની જોડ   (પૃ. ૯૯)

‘છોરી શું જુએ શું જુએ રઘુભાઈનાં રૂપ રે?’ એના પ્રતિધ્વનિ રૂપે ‘છોરા શું જુએ, શું જુએ રાધાબાઈનાં રૂપ રે? આમ, ગીતો દ્વારા આગળ વધતા આનંદપ્રસંગનાં પ્રારંભ અને પૂર્ણાહુતિમાં અગ્ર ભાગ ભજવી વિનોદગીતો પ્રસંગને જીવંત રાખે છે. અંતે ‘કન્યાવિદાય’ની ઘડી આવી પહોંચે છે. મહિયરની માયા મૂકી સાસરિયાનો પંથે જવાનો આ પ્રસંગ કરૂણ છે. આવા કરૂણ પ્રસંગે કરૂણરસભર્યાં ગીતો ગવાય છે. ધીરે પગલે ને ભારે હૈયે પાદર સુધી વળાવવા જતાં સ્નેહીઓ આ સીતા સરીખી લાડકી કુંવરીની આ સમયની મનોદશાને રુંધાયેલ કંઠે સચોટ આલેખે છે : ‘સીતાએ રડીરડી ભઈરાં તલાવ રે, સીતા રે ચાઇલાં સાસરે!’, ‘તમે તુલસી ડગલાં ભરજો બેન’ કહીને સાસરે કઈ રીતે રહેવું તેની શીખામણ આ વિદાયગીતમાં રજૂ થઈ છે. ભાઈ પરણીને ઘરે આવે ત્યારે, ‘બેની ઝાંપલિયા ઉઘાડો રે, લેલકડું!, વીરો લાઈવો બીજની નાર રે, લેલકડું! વરની માંને માટે એ દિવસ ધનધન દિવસ છે.

દાંપત્યજીવન : ‘દાંપત્ય એટલે જીવનનું તડકા-છાંયડા અનુભવતું ઝગમગતું મધ્યાહન.’ (પૃ.૧૦૬)  જીવનમાં રોજબરોજની ઘટનાઓ, મસ્તી, રિસામણાં-મનામણાં, વિરહવ્યથા, સાસરિયાના સુખ-સંતાપ વગેરે દાંપત્યજીવના લોકગીતોમાં વણી લેવામાં આવે છે. સાસરીયામાં આવેલી નવવધૂને અનેક ઓરતા હોય છે જેમ કે, “જઈને જિયાવર જોડે મેડીએ મધડાં પીશું!” મધુરજની માટે ‘રે આજ ઝીણા મારુજીની ઝીણી પછેડી પથરાય રે’ અને પ્રભાતે પતિને ઉઠાડવા ‘ઓ મારા નંદજીના લાલા રે’ જેવા ગીતો નવવધૂ લલકારે છે. દાંપત્યજીવનના મધુરજનીના, પ્રભાતના અને શણગારના ગીતો અંહી મળે છે.

ઝેરિયાં : ઝેરિયાંની સમજૂતી આપતા મધુભાઈ લખે છે : ‘શાસ્ત્રીય સંગીતમાં જેમ શરૂઆતમાં સ્થાયી, પછી દુર્ગન અને છેવટે ત્રિગન એવા લયના વિભાગો હોય છે, તેવી જ રીતે ગરબામાં પણ શરૂઆતમાં ધીરી લયમાં ગવાતા રાસ ને ગરબા, એનાથી બમણી ગતિમાં ગવાતી ગરબી અને સૌથી વધુ જલદ ગતિમાં ગવાય છે ઝેરિયાં’(પૃ.૧૧૩) આવા ઝેરિયાંમાં સ્ત્રી જીવનની ઝરમર જોવા મળે છે. અંહી ‘રાધણાં રાંધતી સાસુજી રામૈયા રામ’, ‘ઘોડે બેસીને ગોવિંદજી રે ચાઈલા’ જેવા ઝેરિયાંમાં સાસરિયા-મહિયરિયાના સુખદુખો, રોજબરોજના જીવનના છાયા-તડકા, આશા-નિરાશાઓ, ઘરેણાં અને સુંદર વસ્ત્રોની હોંશ તેમજ રોજીંદા પરિશ્રમની વાત આવા ઝેરિયાંમાં ગવાઈ છે. આ ઉપરાંત અર્વાચીન ઝેરિયાંમાં અંગ્રેજ સામે માથું ન નમાવનારા નાથુ બાવાની પ્રસસ્તિ ગવાઈ છે. તો સામાજિક વિષયો વાળા ઝેરિયાં જેમાં રાષ્ટ્રીયતા જોવા મળે છે તેવા ધરાસણાના મીઠાના સત્યાગ્રહને વર્ણવતું ‘બેન ધરાસણા ગયેલી! અચકો મચકો કારેલી’ અને દાંડીકુચનું ‘કાચી સિમેન્ટની પાયરી બાંધી, ગાંધી ઉતઈરા તળાવમાં જીરે!’ જેવા ઝેરિયાંમાં રાષ્ટ્રીયતાના રંગો પણ રેલાય છે.

શ્રમગીતો : શ્રમગીતો એટલે કામ કરતી વેળાએ ગાવાનું શ્રમવિષયક ગીત. શ્રમને હળવો કરવા માટે ગવાતું સંઘગીત. ડાંગર રોપતાં ગાવાના રોપણીગીતો, નીદંણના ગીતો, ઘાસ કાપતી વેળાએ ગાવાના ગીતો, લણનીના ગીતો, ઘર ચણતા ગાવાના ટીપણીગીતો અને ખાંડવા દળવાનાં અથવા ગૃહકાર્ય કરતી વેળાએ ગાવાના વિધવિધ શ્રમગીતો અહીં સંગ્રહિત કરીને સમજૂતી સાથે મૂકી આપ્યા છે. ખેતરે નીંદવા જાય ત્યારે, (કેડ સમો સામો ઘૂટંણ સમી બાજરી, ચાલોને નીંદવા જઈએ છબીલો સામો!), ઘાસકાપણીનું રમણીય દૃશ્ય (ઘાસ કાટવા ગયેલી ઝવેરી), ઘાસની મજૂરીમાંથી એનો પતિ ઘણું લઈ આપે છે. એ બધુ મળતાં જાણે એ જગ જીતી ગઈ હોય એમ ગાય છે:

ખરાં લોઢાનું મારું દાતરડું રે લોલ,

ઘડ્યું પેલા લાલિયા લુવારે, મારા બાલમજી હો;

હવે ના જાઉં ઘાસ કાટવા રે લોલ!          (પૃ. ૧૨૨)

ખરા લોઢાનું દાતરડું ઘડનારા ગામના લાલિયા લુહારની જેમ સુરત શહેરના સુથારી, અમદાવાદના રંગારી અને વાંકાનેરના લુહારી પણ લોક-ઈતિહાસને પાને અમરત્વ મેળવી જાય છે જુઓ;

સુરત શેરના સુથારી બોલાવો રે,

હો ઘડે તો ઘડાવું જોબન ખાંડણું! હો ઘડે તો

અમદાવાદી રંગારા બોલાવો રે,

હો ઘડે તો ઘડાવું જોબન ખાંડણું! હો ઘડે તો

વાંકા તે નેરના લુહારી બોલાવો રે,

                          હો ઘડે તો ઘડાવું જોબન ખાંડણું! હો ઘડે તો (પૃ. ૧૨૩)

હોબેલાં : હોબેલું પણ શુદ્ધ શ્રમગીતનો જ એક પ્રકાર છે. ભારે પરિશ્રમ વાળા કામ કરતી વખતે હૈસાનો સૂર સંભળાય છે. દા.ત., વહાણ કે ગાડીમા માલ ચડાવતી કે ઉતારતી વખતે, કુવામાં બોરિંગ નાખતી વખતે કે પછી ઘરનો મોભ ચડાવતી વખતે હોબેલાંના હૈસોના સૂર નીકળે છે. આવા ઉદ્ગારો સમૂહને ઉર્જા અને જુસ્સો પૂરો પાડે છે. અહીં ‘લાગ લાગ રે ખલાસી ભાઈ, હોબેલાં-હે સમાલ હોબેલાં!’, ‘હે બંગલા બેરી, હૈસો!’ જેવા દરિયાઈ ગીતો જે આબવાણી તરીકે ઓળખાય છે. શ્રમની આવી વિવિધ શાખાઓનું નિરાળું સંગીત જાણે ગૂર્જરભુમિની અજોડ સંસ્કૃતિનો પૂરાવો રજૂ કરે છે. શ્રમ દરેક દેશમાં લોકો કરતા હોય છે પણ ગુજરાત જેવું સંગીતમય શ્રમ સન્યોજિતા અને રસિકતા આપણને ક્યાંય જોવા મળતી નથી.

વિરહગીતો : “જૂના સમયમાં આગગાડીએ જ્યારે ગુજરાત નહોતું જોયું, ત્યારે ઊંટ-બળદની વણજારો માલ ભરીને દૂર દેશાવરમાં વેપાર કરતી અને દરિયાકિનારે વસતા લોકો પણ આઠઆઠ માસ સુધી ઘરબાર છોડી વેપારાર્થે દરિયો ખેડતા. આજે પણ ગુજરાતની દુનિયા દરેક દેશમાં વેપાર કાજે નીકળી પોતાની પત્નીને વિરહી દશામાં મૂકી જાય છે. પતિ-પત્નીના વિયોગમાંથી જન્મ્યાં વિરહગીતો.” (પૃ.૧૩૩) વિજોગણને તો રાત્રે ચંદ્રની શીતળતા પણ સાલે છે. ત્યારે ‘જી રે ચાંદો તો નિર્મળ નીર’ ગાય છે. તો દિવસે પણ વિયોગ ‘પોપટડી! પોપટ ક્યારે આવશે?’ આ રાત્રિ અને દિવસના વિરહની વાત છે. પરંતુ જ્યારે લાંબો વિયોગ આવે ત્યારે પતિને ન જવા વીનવે છે: ‘હવે તમને કેમ ગમશે, ઓધવજી?’ આ ઉપરાંત લોકકાવ્યના રાજા રામ સીતાને ઘરે મૂકીને પરદેશના વનવાસ જાય છે તેનું ગીત જુઓ:

કાળો ઘોડો ને કાળો કામળો રે,

રાજા રામ ચાલ્યા વનવાસ!

તમે તો ચાલ્યા રે રાજા ચાકરી રે,

તમારી રાણીને કોનો આધાર રે,

                   રાજા રાણીને કોણો આધાર?          (પૃ. ૧૩૭)

ઉત્તરમાં પતિ પહેલા રેંટીયો અને કપાસ પછી બીજા ક્રમે ‘તમને સોંપુ રે સુંદર સાસરી રે, બીજા સોંપુ છું માય ને બાપ’ ત્યારે પત્ની પોતાને સાથે લઈ જવા વીનવે છે; ‘પાન સરીખી રે હું તો પાતળી રે, મને બીડલે વાળી લઈ જાવ રે!’ પછી અનુક્રમે સોપારી, એલચી અને સોટી સાથે સ્ત્રીની આવી ઉત્તમ ઉપમાઓ અપાય છે. આવી આર્જવભરી વિનંતી કે મને સોટી જેવીને હાથમાં ઝાલીને લઈ જાવ! હું તમને જરાય ભારરૂપ નહીં લાગું! ‘ઋતુના રાસ’માં રાજા ભરથરી જ્યારે વિદેશગમન માટે સંચરે છે તેનું ગીત ‘પિયુ હમારા શીદ ચાઈલા પરદેશ રે, વા’લા!’ તો બંગડીઓના રણકાર સાંભળીને ઉંબરે ઊભેલી સ્ત્રી ગણગણે છે:

સુરત શેરમાં ગુજરી ભરાય રે,

ભલી ભલી બંગડી વેચાય રે;

       આજ મારો બાલમ ઘેરે નહિ રે!      (પૃ. ૧૪૪)

‘કૂવાને ટોડે વાટ જોતી, શામળિયા વા’લા!’, આ ગીતમાં ગામમાં કાગળ વાંચનાર કોઈ નથી કારણ કે થોડું ઘણું ભણેલાને તો શહેર ખેંચી ગયું છે એટલે આખા ગામમાં નિરક્ષરતાનું પ્રમાણ વ્યાપેલું છે એ પણ આવા ગીતોમાં વણાય આવે છે ત્યારે એ સમયની સાંપ્રત સ્થિતિનો ચિતાર પણ મળી રહે છે. નવસારી જતા ને વાડીએથી ઘરે આવતાં એકલવાયું લાગે અને સુરત શહેરનાં કાગળિયા આવે એવા ભિન્ન ભિન્ન વિષયોના વિલાપસૂરો આ વિરહગીતોએ વહાવ્યા છે. “આ વિરહગીતો તો ગુજરાતની લોકસાહિત્યની ફૂલવાડીના મીઠા મઘમઘતા મોગરિયા છે.”

આ ઉપરાંત સાસરિયું અને મહિયરિયુંના ગીતો પણ આપ્યાં છે. સાસરિયું અને મહિયરિયું એટલે સ્ત્રીજગતના ઉત્તર-દક્ષિણના બે ધ્રુવ. એક તરફ સાસુના સ્નેહની ઉત્તર દિશા અને બીજી બાજું માના અણમોલ મમતાની દક્ષિણ દિશા બતાવે છે. આ બે આકર્ષણોની મધ્યે સ્થિર રહીને સ્ત્રી પોતાનું જીવન જીવતી હોય છે. અંહીં ‘મારા વીરાના વાડામાં મોગરિયો’ તો સાસરિયામાં દોહ્યલાં દુ:ખ વર્ણવતું ગીત ‘દાદા ઓ દીકરી છંઈ એ કે હમજી / વાગડમાં ના દેશો રે છંઈ’ પછી તો દિવાળીને તહેવારે પિયર જવા માટે પિયરીયાને સંદેશો મોકલે તેનુ, ભાઈ આવે ને તેના માટે ભોજન બનાવવું, તળાવની પાળે મા ને દીકરીનું મિલન વગેરે ગીતો અંહી જોવા મળે છે. સાસરિયાના ગીતોમાં ‘આસો માસે શરદ પૂનમની રાત જો’, ‘મોરલી તો ચાલી રંગરુસણે રે!’, લવંગ કેરી લાકડીએ રામે સીતાને માઈરાં જો!’ ‘રામ પ્રભાતને પહોર, દેવકીએ દાતણ માગિયાં’ અને ‘સોનારૂપાનું મારું બેડલું’ જેવા ગીતો સંગ્રહિત કરીને મૂકી આપ્યા છે.

વાંઝિયામહેણાં : સંસારના દરેક નર-નારીને લગ્ન પછી આંગણે એક દિસવ સંતાન રમતા જોવા ગમે છે. ઘરને કિલ્લોલથી ગજવી મૂકતા બાળુડા રમતાં જોવા ગમે છે. આવી આશાઓ લગ્ન પછી પૂરી ન થાય ત્યારે એ વાંઝિયાણીની વેદનામાંથી પ્રગટે છે આવા ગીતો. પતિ-પત્નીને નિસંતાન જીવવું પીડાદાયક લાગે છે. સ્ત્રી-પુરૂષને એમાં ખાસ સ્ત્રીને વાંઝિયાંમહેણાં સાંભળવા પડે છે. ‘એક મારે શોકનું સાલ/બીજું મારે વાંઝણું મેણલું રે!’, દેવ પાસે પણ યાચના કરે ને માનતાઓ માને છે ‘એકસો ને સાઠ મેં તો દે’રી બંધાવી’, એની આશાઓ ફળે છે ત્યારે પિયરમાં કહેણ મોકલે છે ‘બેનીએ મોકઈલાં, બેનીએ મોકઈલાં કાગળિયા બેચાર’ પછી તો બાળક પણ જન્મે છે ને ખુશીનો માહોલ રચાય જાય છે.

યાત્રાગીત : જીવનનું સમગ્ર ઘડતર ધાર્મિકતાના પાયા પર રચાયેલું છે. રોજબરોજના જીવનમાં ધાર્મિકતાનું મહત્ત્વ સીકારાયું છે. તેથી જીવન, સાહિત્ય કે કળા એ દરેકમાં ધર્મ આવ્યા વગર ન રહે. આવી ધર્મભાવનામાંથી જ ભજનો અને દેવદર્શન માટે તીર્થ યાત્રા આવ્યાં. લોકો પોતાની ધર્મભાવના સંતોષવા તીર્થ યાત્રાઓ કરે છે. અહીં શરૂઆતમાં તીર્થ યાત્રા વિશે સમજૂતી આપી લોકો ક્યારે અને કેવી રીતે યાત્રાઓ કરે છે તેની માહિતી આપી છે. પગપાળા યાત્રા કરનારા યાત્રાળુઓ જોમ પૂરવા માટે ને લાંબો પંથ કાપવા માટે યાત્રા ગીતો લલકારે છે. ‘જીવણભાઈ તો કહે રે હું તો જાતરા જાઉં’, ‘ચાલો ચાલો જશોદા કા’ન જાતરા જઈએ રે!’, ‘સંઘ ને ચાલિયો સંઘ ઉલટિયો/જઈને દ્વારકામાં વસિયો રે’, ‘સાતપાંચ સખીઓ ટોળે વળી/ચાલોને જાતરા જઈએ રે!’, ‘બાર બાર વર્ષથી માનતા માની હોય તે પૂરી કરે છે ‘બારબાર વરસની બાધા જો/નમો નારાયણ રૂડા નામને!’ ને અંતે માતાજીને ગરબો ગવાય છે અને વાતાવરણ આનંદદાય બની રહે છે.

ઘેરિયા રાસ : ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબા. એવું જ એક ગરબા પ્રકારનું આદિવાસી નૃત્ય એટલે ‘ઘરૈયા રાસ’. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, અને વલસાડ જિલ્લાના આદિવાસીઓ આ નૃત્ય કરે છે. માનવીના જન્મથી મૃત્યું સુધીની શિખામણ આપતું આ નૃત્ય છે. ઘેરિયાનો પોષાક અર્ધનારેશ્વર જેવો હોય છે. અહીં ઘેરિયાના પોષાક, તેઓ કઈ રીતે નૃત્ય કરે છે, માતાના મંદિરે તેમજ બાળકો માટે કેવા ગીત ગાય છે તેની વિસ્તૃત વાત કરી છે. આનંદ અને આરાધનાના સયોગને માટે આદિવાસી સમાજ દેવ-દેવીઓને ઘેરનૃત્યના માધ્યમથી વ્યક્ત કરે છે. ઘેરૈયાનો થનગનાટ જોનારાની આંખો અને અંતર બન્નેને થતી અનુભૂતિ અનોખી હોય છે. મા પોતાના બાળક માટે માનતા રાખે છે કે એ પણ પોતાના પુત્રને માતાની ઘેર આગળ ઘોડીએ ચડાવશે. તેનું ગીત જુઓ:

હે….કે કીકા રે ભાઈ ઘોડીએ ચઈડા,

             ઘોડીએ ચઈડા          ભીલોભીલ   (પૃ. ૧૭૫)

ઘેરૈયાના ગીતમાં પોતાનું નામ દેવરાવીને ઘોડીએ ચઢવું એને યાત્રાળુઓ યાત્રાના સુંદર લ્હાવા સમાન ગણે છે. દિવાળીના માંગલિક ઉત્ત્સવો પછી રાસ ગવાય છે. ‘આજ દિવાળી અજવાળી મારે ઘેર આઈવા વનમાળી’, ‘ઘેરિયા રમાળે તે તો રાસ રમાળે રે!’ અને ‘ભગુભાઈ બેઠા ઓટલે ચડી/ને માજન બેઠું પાછળ ફરી’, ઘેરૈયાઓ પોતાને મળેલી ભેટ સ્વીકારીને આશીર્વચનો બોલતા બોલતા પોતાના માર્ગે નાચતા-કૂદતા આગળ વધે છે: ‘રહો સુખી ને બાંધો ઘેર/તમને પરસન થાય નારાયણ’ અંતે ગ્રામજીવનના ધર્મ સાથે સંકળાયેલ આ કલા ધીમે ધીમે વિસરાવા લાગી છે તેની ચિંતા પણ વ્યક્ત કરી છે.

         ‘નૃત્યગીત’ શીર્ષક હેઠળ ભીલ હળપતિ(દુબળા)ઓના વિશિષ્ટ સમૂહ નૃત્ય ‘તુરથાળી’ વીશેના નૃત્યગીતો જોવા મળે છે. પ્રકરણની શરૂઆત ‘રાંદેરી બોર રે, લે’રી મીઠાં બોર છે!’ ગીતથી કરી છે. જમીનદારોને ત્યાં હાળી(હળ ખેડનાર) તરીકે મજુરી કરતાં હળપતિઓનાં જીવંશૈલી અને ઉત્સવ વિશે વાત કરી છે. તેઓ કઈ રીતે નૃત્ય કરે છે તેની પણ અહીં સમજૂતી આપી છે. જીવનભર મજુરી કરતી આ પ્રજાના શ્રમ, તેમાંથી પ્રાપ્ત થતાં પૈસા, એ પૈસા દારુ-તાડીમાં માટે વાપરે છે અને એમાંથી જે આનંદ મળે છે. આ આનંદ એમના ગીતના વિષયો બને છે જુઓ:

વાંકી ખજૂરીની તાડી મારા છેલિયા,

                ઠોબલે તો પીધી જાશે રે લોલ!         (પૃ.૧૮૧)

 બે પંક્તિનું આવું ગીત ગાતા ગાતા તેઓ તૂર(પખવાજ જેવું પણ ટૂંકું ને એક બાજું પહોળું વાદ્ય)-થાળીના વાદન સાથે ગોળ ગોળ કુંડાળામાં ફરે છે. પોતાના જીવનની રંગબેરંગી બાજુઓને તેઓ આવા ગીતોમાં વર્ણવે છે. એમાં તૂરિયો અવનવા અભિનય કરે છે એનું અનુકરણ નૃત્ય કરતું ટોળું કરે છે. લાકડાં વેચીને દારુ પીવે છે : ઈંધણનો ભારો લાવી આઈલા રેવલા / પૈસાનો દારૂ પીધો અઈલા રેવલા’. જેમ નૃત્યના અનેક પ્રકારો છે તેમ એમના નૃત્યના પણ પ્રકારો છે. આ પ્રકારોને તેઓ ‘ચારો’(ચાળો) કહે છે. એમાં સસલા-ચારો, ઘો-ચારો, વાંદર-ચારો, દેડકા-ચારો, હુંહવાર(મગર)-ચારો, મરઘી-ચારો વગેરે છે. આમ તેઓ પશુ-પંખીઓના સ્વભાવ અનુસાર ચાળાઓ પાડે છે ને નાચે છે. ઉપરાંત એમના જીવનના છૂટાછ્વાયા પ્રસંગો પણ એમનાં ગીતોમાં આવે છે ‘અરરર…..મા વીંછુડો!’, ઊમરાની ઓરે રમવા ગઈલી દિયરિયા છેલ/તાં મારું લે’રિયું ખોવાયું રે લોલ!’, જેવા ગીતો એમનાં મસ્તી અને આનંદના દ્યોતક લાગે!

         લાવણી : ‘લાવણી’ એટલે ગોપકાવ્યો. શરૂઆતમાં જ ગુજરાતના ગર્વિષ્ઠ આહીરનાં દેખાવ, પહેરવેશ અને તેમની બોલી વિશે અલંકૃત ભાષામાં વર્ણન કર્યું છે. લોકસાહિત્યને શોભાવે એવી લાવણીઓ આહિરોના કંઠેથી ઝરે છે. આવા મધુર ગીતોને તેઓ લાવણી કહે છે. સ્ત્રીનું સૌંદર્ય, એનાં લાડીલા ઘેટાંબકરાં અને કુદરતી શોભા વગેરે લાવણીના વિષયો બને છે. ક્યારેક એમની વાતો કે વઢવાડમાં પણ લાવણીનો જ ઉપયોગ કરે છે. લાવણીમાં કાઠિયાવાડી દુહાની જેમ બે જ પંક્તિઓ હોય છે. બંને પંક્તિઓમાં ઉપમાભર્યો અને અર્થવાહી વિચાર રજૂ થાય છે. પોતાના ઘેટાંબકરાને ચરાવા લઈ જાય છે ત્યારે પાદરે તે લાવણી લાલકારે છે :

ઘેરે ઘેરેની ગાવલડી છૂટે ને પાદરે ટોળે થાય,

               જાતાં ચારું મોહી-ઝીંઝવો મે આવતાં નાગરવેલ!   (પૃ.૧૮૮)

આ ઉપરાંત લગ્નમાં, હાથકાંતણના ગૃહઉદ્યોગને લગતા રેંટિયાની, સ્ત્રીના અનુપમ સૌંદર્યની તેમજ પતિની પ્રતિક્ષા, વિરહ વગેરે વિષયને વણી લઈને અનેક લાવણીઓ લલકારે છે.  

મેહુલો : સમસ્ત સૃષ્ટિનું સંચાલન કરાનારી મહાન અદૃશ્ય શક્તિના વિવિધ તત્ત્વો જેવા કે સૂર્ય, વાયુદેવ, અન્નદેવ, સમુદ્રદેવ, રાંદલમા, ગૌમા, જલદેવી, નાગદેવ વગેરેની પ્રજાએ સમયાંતરે આરાધના કરી છે.શક્તિઉનાળાના આકરા તાપ પછી ખેડૂતની સાથે સમગ્ર સૃષ્ટિને રાહ જોવડાવતા મેઘ રાજાની પણ આરાધના કરવામાં આવે છે અને તેમના ઉત્સવગીતો ગવાય છે. ગ્રામજીવનનો એ ઉત્સવ એટલે મેઘનિમંત્રણનો- ઈન્દ્રદેવના આહ્વાન અથવા વર્ષાની વધામણીનો ઉત્સવ. લોકભાષામાં એને ‘મેવલો’ કહેવામાં આવે છે. આવા મેવલા(મેહુલિયા)ના અનેક લોકગીતો અહીં આપ્યાં છે. અષાઢ બેસતા ગામની વીસપચીસ નારીઓ એક એક સ્ત્રીના માથા પર માટીના ઇન્દ્રદેવ બેસાડી તેના ઉપર ઘીલોડી(ટિંડોળા)ના વેલા ઓઢાડી ગાતા ગાતા ગામમાં ફરે છે તેને ‘મેવલો’ કહેવાય છે. જેના માથે મેવલો છે તે નારી ઉપર દરેક આંગણે જળથી નવડાવે છે ત્યારે આ નારીઓ મેઘ વરસ્યાની કલ્પના કરી આનંદ સાથે ગીતો ગાતી ગાતી આખા ગામમાં ફરે છે:

તું તો ચારેય ખંડનો રે મેવલિયો,

તારી ધરતી ધણિયાણી જુએ વાટ,

     ઓ દલીના મેવલિયા!    (પૃ.૧૯૨)

આવા મેવલિયાની રાહ સર્વત્ર જોવાય છે. ધોરીડા, પંખીઓ તેમજ વિજોગણ નારી પણ આ મેહુલાની  મીટ માડી રહી છે. ‘મેઘની માડીએ એમ કરી પૂઈછાં’, ‘પાણી જાતી બાઈ બેનડી રે, બેની પાણીલાં પાવ!’ ને મેહુલો પ્રસ્ન્ન થાય ત્યારે ‘નદીઓના નીર સુકાઈ ગયાં/તાં તો ગવરી નાખે સરાપ રે/એટલે આઈવો મૈયારો મેવલો!’, ‘મેવલિયા રે તું ધીમો વરસ, ધીમો વરસ, ભીંજે ગોરાણીની ચૂંદડી!’આવો વર્ષાનો સમય વિરહિણીના દુખ-વિરહને સતેજ કરનારો બને છે. ચાર મહિના ચોમાસું ઘેરે આવો રે વા’લા/જીરે આ, ચોમાસાની હેલી તમુને લાગશે મારા વાલા! આવો ગાજતો વીજ ચમકાવતો મેહુલો ધરણીને તૃપ્ત કરીને ચાલ્યો જાય છે.

કથાગીતો : ‘કોઈ વાસ્તવિક યા કલ્પનિક અથવા પાર્થિવ યા અલૌકિક ઘટનાને સત્ય સ્વરૂપે કે કર્ણમાધુર્ય અર્પી શ્રોતા સમક્ષ રજૂ કરવી તેનું નામ કથા.’(પૃ.૧૯૮) આવી વાર્તાઓ-કથાઓ વાંચા-સાંભળવાની વૃત્તિ માનવીમાં જન્મથી જ હોય છે. આવી કથાઓ સાંભળવાથી માનસને કેવા કેવા લાભ થાય ઉપરાંત કથાકાર કથાની માંડણી કઈ રીતે કરે છે તેની ચર્ચા કરી ‘ભીલડી’, ‘પ્રેમ-ઇર્ષ્યા’, ‘અબોલડા’, જેવી ગીતકથાઓ અંહી આપી છે. ‘સોનબાઈ’ની કથા પણ અંહી સંગ્રહિત કરીને મૂકી છે. સાત સાત ભાઈઓ વચ્ચે સોનબાઈ નામે એક લાડકી બહેન. મા-બાપ કાશીની યાત્રા કરવા જાય છે. ભાઈઓ પણ બહેનને ભાભીઓને સોંપીને વેપાર અર્થે પરદેશ જાય છે. પરંતુ ભાભીઓ તો સોનબાઈ પર જુલ્મ વરસાવે છે. વગર દોરડે પાણી ભરવા મોકલે છે. દોરડા વગર કૂવામાંથી પાણી કઈ રીતે ખેંચાય! એટલે સોનબાઈ રડે છે ત્યારે ત્યાંથી પસાર થતા નાગને દયા આવે છે અને તેની પાસે જઈને કહે છે: ‘બેન, ડરીશ મા! હું તારો ભાઈ છું! તું મને રસી ગણી નિર્ભયતાથી પાણી ભરી લે!’ અને એમ સાપને દોરડું બનાવી સોનબાઈ પાણી ભરી ઘરે જાય છે. સોનબાઈને જોઈને સાતેય ભાભીઓને નવાઈ લાગે છે. પછી તેને ડાકણી, ધુતારી કહીને ઘરનું બધું કામ કરાવે. એજ પ્રમાણે ફરી વાર ભાભીઓ તેલવાળાં કપડાં આપી તળાવે ધોવા મોકલે છે. સોનબાઈ તો મા-બાપ ને ભાઈઓને યાદ કરતી રડવા લાગે છે:

માય ને બાપ તો કાશીએ ગયાં,

સાતેવ ભાઈ તો વાણે ચડ્યાં;

                        ને સોનબાઈ બેનને મેલી ગયા!             (પૃ.૨૦૭)

તેનું રુદન સાંભળી બગલા તેની મદદ કરે છે. આ પછી અનુક્રમે વગર આંકડીએ જંગલમાં લાકડાં લેવા મોકલે છે તો ત્યાં વાંદરાં મદદ કરે, વગર ખાંડણે ડાંગર ખાંડવા આપે ત્યારે ચકલીઓ મદદે આવે. આટઅટલાં કામ પછી પણ ભાભીઓ ત્રાસ ચાલુ રાખે છે. આથી કંટાળીને સોનબાઈ દરીયા કિનારે જઈને વીરાઓની વાટ જોતી બેઠી હોય છે. ફરી પોતાનું દુખ દરિયાને સંભળાવે છે ને રડે છે. એ સમયે દરિયામાં તોફાન આવે છે. સોનબાઈ પોતાના વીરાના ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરે છે. એટલાંમાં એક વાહણ આવે છે પણ એમાં સોનબાઈના ભાઈઓ નહતા. સોનબાઈ તેમને પોતાના ભાઇઓ વિશે પૂછતા ખબર પડે છે કે એ દરિયામાં ફસાઈ ગયા છે. સોનબાઈ તો તરત દરિયામાં ‘ઓ ભાઈ હું આવું છું…આવું છું…’ બોલતી ઝંપલાવે છે ને પોતાના ભાઈઓને બચાવે છે. ભાઈઓ દરિયાકિનારે હેમખેમ આવે છે. સોનબાઈ વિશે પૂછતા ખબર પડે છે કે એ તો તેમને બચાવવા દરિયામાં કુદી ગઈ. તોફાની દરિયામાં સાત સાત ભઈઓની લાડલી સોનબાઈ દરિયામાં સમાઈ ગઈ હતી. અંતે દરિયામાંથી પણ સોનબાઈનું એજ કરુણ ગીત સંભળાય છે. આ ઉપરાંત ‘આવી ત્યાં જા!’, ‘અમર વહુવારુ’, ‘વણજારાની પોઠ’, ‘વીરો ન ઓળખ્યો’ અને ‘બલિદાન’ જેવી વૈવિધ્યસભર ગીતકથાઓ મળે છે.

હરિકીર્તન શીર્ષક હેઠળ લોકભજનો આપ્યાં છે. શરૂઆતમાં જ ‘જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ મીરાંનું જ્ઞાનમાર્ગી ભજન છે. જીવનની ઉત્તરાવસ્થામાં માનવી હરિનું ભજન-કિર્તનમાં જોડાય છે. તેની વાત કરી ગ્રામસમાજમાં વૃદ્ધો કઈ રીતે કેવા કેવા પ્રસંગોએ ભજનોની વાણી વહાવે છે તેની વાત કરે છે. ભજન એટલે જીવનની ઉંડી ફિલસૂફીનું ગીત. કહી તેમને અહીં મધ્યકાળના નરસિંહ, મીરાં, ભોજો, ધીરો, કબીર જેવા સંતોને પણ યાદ કર્યા છે. ભજન સંગીત વિશે વાત કરવાનું પણ સંગ્રાહક ચૂક્યા નથી. કિર્તનનો આરંભ ગણેશજીથી કરે છે : ‘દૂંદાળો દુ:ખભંજનો, સદાય બાળે વેશજી! / પ્રથમ પહેલા સમરિયે, ગૌરી-પુત્ર ગણેશજી!’, ‘કોઈ રામને સંભારો તારું મટી જાય ઘોર અંધારું!’, ‘તમે રમૈયાનું ભજન ભૂલશો ના ભઇ’ તો રામભક્તો ભજનોમાં સીતા-સ્વયંવર આલેખાયો છે :

રાજા દશરથના રે કુમાર જનકપુરમાં આવ્યા હરિ!

દેશદેશના ભૂપતિ આવ્યા લંકાના સરદાર રે;

અયોધ્યા નગરીથી કોઈ ન આવ્યું,()

        કોને રે આરોપું વરમાળ? જનકપુરમાં.               (પૃ. ૨૩૮)

લોકસાહિત્યમાં રામ પછી રાધા-કૃષ્ણને કેન્દ્રમાં રાખીને અનેક ભજનો લખાયા છે. ‘વા’લો મારો ગૌ ચારીને ઘેરે આવે!’ તો દાસ ધીરા ભગતનું ભજન ‘લાંબી સોડે સૂતો રે સુખની તો સજ્યા કરી’, ઉપરાંત કબીરના ભજનો પણ અહીં મળે છે.    

મૃત્યુગીત : ભારતીય ધર્મશાસ્ત્રો પ્રમાણે સોળ સંસ્કારોમાંનો અંતિમ સંસ્કાર એટલે મૃત્યુ. જેમ જીવનાના દરેક ઉત્સવમાં ગીત ગાવાની પ્રથા છે તેમ મૃત્યુ ગીતો પણ ગાવામાં આવે છે. પરંતુ ભેદ માત્ર એટલો જ છે કે આ પ્રસંગે દુ:ખને કારણે કરુણ ગીતો રેલાય છે. આવા ગીતો ‘મરશિયા’ તરીકે ઓળખાય છે. મરશિયા ગુજરાતમાં પણ જાણીતા છે. આવા ગીતોમાં મૃતકના ગુણગાન ગાવામાં આવે છે. આમ જીવનના દરેક પ્રસંગે ગીત ગાતું ગ્રામજીવનમાં મૃત્યુનું પણ સંગીત હોય છે. જો જન્મના ગીતો હોય તો યમપુરીની યાત્રાના ગીતો કેમ ન હોય? “જેને પારણીએ પોઢતાં માડીના મીઠડાં ગીત સાંભળ્યા હતાં, વરઘોડે ચઢતાં સ્નેહીઓ પાસે લગ્નગીત ગવડાવ્યાં હતાં, પત્નીના પ્રેમવિયોગના રાસ ઝીલ્યા હતા અને શ્રમજીવીઓના શ્રમગીતો સુણ્યાં હતાં એવી સંગીતઘેલી ગ્રામવ્યક્તિ આટઆટલા સંગીતમય જીવનને અંતે રુદનનો કરુણનાદ કેમ સાંભળી શકે? એને તો છેલ્લી વેળા પણ ગીત સાંભળી જવું ગમે છે.” (પૃ.૨૪૩)

હરિ હરિ કરતાં આણાં આઈવાં!

                તેડાં આઈવા શ્રીરામનાં રે, હવે આ શેનો વાર? (પૃ.૨૪૪)

શ્રીરામના તેડાં આવ્યા એટલે હવે વિલંબ ના ચાલે. પરંતુ  જીવને હજું થોડું જીવ્યાની આશા રહી છે તેવી કલ્પના સાથે ગાય છે : ‘જોગીડો તો આઈવો છે પરોણલો! / હું તો મારી ઝૂંપડીની રહેનારી રે / જોગીડા તું મને કયા મૂલક લઈ જાય?’ યમપુરીએ જતો જીવ પાછું વળીને જોવે છે કે સાથે કોણ કોણ આવે છે. પરંતુ કોઈ સ્વજન સાથે નથી આવતું. સાથે તો આવે છે :

તાંબાની તોરડીમાં આગજોરે બેની!

લીલા વાંસની પાલખીજોરે બેની!

દાભ દરોઈનો સાથરો રે બેની,

                તે ઓ પણ આવે રે સંઘાત, જો રે બેની!  (પૃ.૨૪૭)

જીવનને જન્મથી મૃત્યુ પર્યંત ગીતસરિતામાં વહાવતી વૃદ્ધની કાયા નદીના કાંઠે બળી રહી છે. ‘ભાઈની સોનલા કેરી ચિહા સીંચાઈ/ભાઈની રૂપલા કેરી કાયા બળે, હો રામ!’ ગ્રામજીવના ચારેકોર ગુંજતા અનેકવિધ જીવનસૂરોને સમેટતો બળતી ચિતા સોનલો ઘુમાડો આકાશે જઈ રહ્યો છે ને જીવનનું છેલ્લું ગીત સંભળાઈ રહ્યું છે.

         માનાવજીવનનો સમગ્ર માર્ગ સંગીત અને ગીતોમાં વ્યકત થાય છે. હિંદુ ફિલસૂફિ પ્રમાણે કહીએ તો ‘જો બાળકના જન્મની ઉજવણી કરવી હોય તો મૃત્યુની ઉજવણી કરીને એટલો જ આનંદ શા માટે ન કરવો જોઈએ?’  મૃત્યુ પછી શરીર પુનર્જન્મ માટે જૂના શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે. ગીતો તો ગીતો છે. આવા ગીતોમાં સંતાનની ઈચ્છા ધરાવતી વેળાના સ્ત્રીના ગીતો, જન્મના, પારણાના, બાલકૂદણાંના, અપરણિત છોકરીઓના વ્રતનાં, પ્રેમનાં, લગ્નનાં, આનંદ અને રમૂજનાં, વિદાયનાં, શ્રમનાં, લોકનૃત્યનાં, દરિયાનાં, ભરવાડનાં, તીર્થયાત્રાનાં, વરસાદનાં, ભગવાનને ભજવાના ભજનો અને મૃત્યુનાં ગીતો. આમ માનવજીવન સંગીત સાથે વણાયેલું છે. જન્મથી મૃત્યુ સુધીનો દરેક પ્રસંગ ગીતો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે.

ભારતના લોકસાહિત્યને સમૃદ્ધ કરવામાં ગુજરાતનું ઘણું યોગદાન રહ્યું છે. તેનો દરિયા કિનારો, વિશાળ મેદાનો, ડુંગરાળ જંગલો વગેરે લોકગીતોની વિવિધતાને આવરી લે છે. પરંતું સ્થળનું ગૌરવ ‘ગરબા’ નૃત્યને જાય છે. જે ગ્રામ અને શહેર બન્ને લોકમાં ખૂબ લોકપ્રિય સ્થાન ભોગવે છે. તો દક્ષિણ ગુજરાતના સંગીતની પણ અસાધારણ વિશેષતાઓ છે. જેમકે, અવિવાહિત છોકરીઓ દ્વારા ગવાતા સુંદર ગીતો ‘ખાયણાં’ ભરવાડાના લયબદ્ધ લલકારાતા ‘લાવણી’ ગીતો, માછીમાર અને ખલાસીઓ દ્વારા વહાણમાં અવિરતપણે ગાવામાં આવતા  દરિયાઈ ગીતો જે ‘આબવાણી’ નામે પણ ઓળખાય છે, ‘ઘેરૈયા’ નામનું આદિવાસીઓમાં પ્રચલિત નૃત્યગીત, સમૂહમાં ચોરે બેસીને વૃદ્ધો દ્વારા ગવાતા ભજનો આદિવાસીઓના સંગીત સાથે ગવાતા અનેક ગીતો આ પ્રદેશની ઓળખ બની રહે છે. આવો આપણાં ગુજરાતનો અમૂલ્ય વારસો કાળની ગર્તામાં દટાઈ જાય એ પહેલાં એકત્રિત કરી, સંગ્રહીત કરી સાચવી લેવો જોઈએ અને આ નિમિત્તે મધુભાઈએ મહત્ત્વનું કાર્ય કર્યું. જે લોકસાહિત્ય સંશોધન-સંપાદનના ઇતિહાસમાં કાયમી સ્થાન ભોગવશે. 

         મેઘાણીભાઈ પ્રસ્તાવનામાં લખે છે કે “એમની દરિયાકાંઠાની સુરતી જન્મભોમનાં જે લોકગીતો સંભળાવ્યાં તેણે અંતર ભીજાવી આપ્યું. એ ગીતોના શબ્દોએ અને સ્વરોએ ગુજરાતની ધરતીને બોલતી કરી. તાલલયની અનેકવિધતા, ભાવોની વેધકતા અને ગુજરાતના એક નાના શા પ્રદેશમાં બોલાતી લોકબોલીની લહેન્કતી મિષ્ટતા, એણે પ્રતીતિ આપી, કે કોઈ પણ એક ખૂણેથી ગુજરાતને નિહાળો, ગુજરાત સોહામણી છે, અધિકાઅધિક અને અવનવી નમણાઈ ધારણ કરીને એ આપણી સન્મુખ પ્રકટ થાય છે.” (પૃ.૧૨)

મધુભાઈના આ ભગીરથ કાર્ય પાછળનું કારણ જણાવતા મેઘાણીભાઈ લખે છે : “આ ભાઈએ મને છેલ્લી વાત કહી ચમકાવ્યો: તમારા ‘ચુંદડી’ નામે લગ્નગીત સંગ્રહની પ્રસ્તાવનામાં એક સુરતી ફટાણું ટાંકીને તમે જે કઠોર ટીકા કરી છે તે વાંચીને જ મને ચાનક ચડી કે સુરત પ્રદેશની આ અવહેલનાનો ઉત્તર આપું; માટે જ મારી આ પ્રવૃત્તિ થઈ.” (પ્રસ્તાવના, પૃ. ૨૧) આ સાંભળીને મેઘાણીના મનમાં થાય છે કે, “આવી ચાનક જો બીજા પ્રદેશોના પુત્રોને પણ ચડતી હોય તો તો લ્યોને તેની ભૂમિનું પણ હોંશથી કઇંક ઘસાતું લખું!” (પ્રસ્તાવના, પૃ. ૨૧) મહેણું ક્યારેક કેટલું ઉપકારક બની જતું હોય છે તે અંહી દેખાય છે. જેમ નરસિંહ મહેતાને ભાભીએ મહેણું માર્યું તો શ્રી હરિ પ્રાપ્ત થયા. તેમ મેઘાણીભાઈના મહેણાંને કારણે આવો મહત્ત્વનો સંગ્રહ મધુભાઈ પાસેથી પ્રાપ્ત થાય છે.

તેમનું બીજુ મહત્ત્વનું પુસ્તક છે ‘Folksongs of South Gujarat.’ જે ‘ઇન્ડિયન મ્યુઝિકોલોજીકલ સોસાયટી’ દ્વારા ઈ.સ. ૧૯૭૪માં પ્રકાશિત થયું છે. આ સંગ્રહ ૨ વિભાગ અને ૧૨૨ પૃષ્ઠમાં વિભાજિત છે. પ્રથમ વિભાગમાં લોકગીતો સંગ્રહીત છે. જ્યારે બીજા વિભાગમાં કુલ ૨૪ લોકગીતોને પશ્ચિમી સંકેતલિપિમાં મૂકી આપ્યા છે. ગ્રામજીવનના સુખદુ:ખના મોટા ભાગના પ્રસંગો વણી લેતા ગીતો અહીં અનુવાદિત કરીને મૂકી આપ્યા છે. પ્રસ્તાવનામાં મધુભાઈ તેમના ગામ, લોકો અને આસપાસના વિસ્તારની માહિતી આપી છે. આ પુસ્તકમાં બાળકના જન્મના ગીતોથી લઈને પારણાના ગીતો, બાળકૂદણાં, ખાયણાં, ફટાણાં, જોડકણાંથી લઈને પ્રેમ અને લગ્ન ગીતો, દરિયાઈ ગીતો(આબવાણી), શ્રમગીતો તરફ દોરી જાય છે. વિરહનાં ગીતો, લોકનૃત્યનાં ગીતો, વરસાદનાં ગીતો, પૂજાનાં ગીતો અને મૃત્યુનાં ગીતો. પુસ્તકનો બીજો મહત્ત્વપૂર્ણ વિભાગ છે સંગીત સંકેતો. ભારતીય લોકગીતો સંલેતલિપિ(નોટેશન)માં ભાગ્યે જ ઉપલબ્ધ હશે. લોકગીતો ભારતમાં અન્ય કોઈ પ્રાદેશિક ભાષામાં ભાગ્યે જ ઉપલબ્ધ હશે. હિન્દીમાં જોવા મળે પરંતુ તેનો અંગ્રેજી અનુવાદ ભારતના અન્ય ભાગોમાં પહોંચવાની શક્યતા વધુ બતાવે છે. આમ અંગ્રેજી દ્વારા વિશ્વ સુધી પહોંચવાના ફાયદા ખરેખર સ્પષ્ટ જોઈ શકાય. આ પુસ્તક લેખકની મહેનતનું ફળ છે. ગુજરાતી લોકગીતોના આ અનુવાદમાં મધુભાઈને મિસ ગે હેલિયર, શ્રીમતી જુડિથ બ્રુક્સ અને ઈંગ્લેન્ડના શ્રી એન્ડ્રુ સોમરવિલે મદદ કરી હતી.

મધુભાઈ પટેલના આ કાર્યમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે તેઓએ લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે પાયાનું અને મહત્ત્વનું કાર્ય કર્યું છે. જેના કારણે લોકસાહિત્ય સંશોધન-સંપાદનના ઇતિહાસમાં મધુભાઈ પટેલનું નામ ગૌરવપૂર્ણ રીતે યાદ રહેશે.  

સંદર્ભ :

૧. ‘ગુજરાતનાં લોકગીતો’, મધુભાઈ પટેલ, પ્રકાશક: સસ્તું સાહિત્ય મુદ્રણાલય, રાયખડ-અમદાવાદ,

     પ્રથમ આવૃત્તિ-૧૯૫૦

૨. ‘Folksongs of South Gujaraat’, Mdhubhai Patel, Published by R. C. Mehta, On behalf of the      

     Indian Musicological Society, jambu bet, Dandia Bazar, Baroda, October 1974

૩. ‘ગુજરાતી સાહિત્યકોશ (પ્રકીર્ણ) ખંડ’– ૩, ચંદ્રકાંત ટોપીવાળા, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ,

    પ્રથમ આવૃત્તિ-૨૦૨૧

ભૂમિ પ્રજાપતિ

SRF, ગુજરાતી વિભાગ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 6 issue 1 January – February 2025