લેખ: 5 હિન્દ છોડો આંદોલન અને પાદરનાં તીરથ: સ્વાતંત્ર્ય સંગ્રામની સામાન્ય પ્રજાજન પર અસર

-મોઢવાડિયા ભરત એલ.

          `નવલકથા’, `નોવેલ’ કે `ઉપન્યાસ’ એ આપણાં ગુજરાતી સાહિત્યમાં ખીલેલું એક પરદેશી પુષ્પ છે. કાળ અને ઘટનાના પ્રવાહે વહેતાં વહેતાં આ સ્વરૂપ આજે વિરાટ વટવૃક્ષ બની ગયું છે. આપણે ત્યાં ‘કરણઘેલો’ થી માંડીને ‘કલ્પતરુ’ સુધી આવતાં આપણી ગુજરાતી નવલકથાએ કેવો વિકાસ સાધ્યો છે, કેવું પરિવર્તન પામ્યું છે તે નવલકથાની વિકાસરેખા તપાસતાં ખ્યાલ આવે. નવલકથાનો સર્જક કાળ અને ઘટનાના તાંતણે બંધાયેલો રહે છે. આપણે કોઈ પણ નવલકથા કેમ ન લઈએ ! દરેકે દરેક નવલકથામાં ઘટના અને કાળનું ચોક્કસ સ્થાન રહેલું હોય છે.

          સમગ્ર ભારતવર્ષના ઇતિહાસમાં ઇ.સ. 1941 થી ઇ.સ. 1957 સુધીનો કાળ ભારત માટે અરુણોદયનો રહ્યો છે. મહાત્મા ગાંધી અને તેમની સાથે જોડાયેલા ક્રાંતિકારીઓએ સ્વરાજ પ્રાપ્તિ માટેની જે હાકલ પાડી છે તેનો પડઘો એ સમયે સમગ્ર વિશ્વમાં ગુંજ્યો હતો. ભારત સહિત તમામ દેશો આ ચળવળથી પ્રભાવિત થયા હતા. આ સમયે સૌથી વધુ અસર જો કોઈ પર થઈ હોઈ તો એ સાહિત્ય સર્જકો હતા. સમગ્ર ભારતભરના સર્જકોએ આ સમયગાળાને પોતાની કલમે આબેહૂબ આલેખ્યો છે. ઘણા સર્જકો આ ચળવળનો હિસ્સો પણ બન્યા અને આપ અનુભવે એમાં કલ્પનાના રંગો ભરી સાહિત્ય સર્જન કર્યું.

          ગુજરાતી સાહિત્યમાં ‘કરણઘેલો’થી માંડીને આજ સુધીના નવલપ્રવાહમાં ઘણી નવલકથાઓએ આ ઘટનાઓને આવરી લીધી છે. જેમાં ઈચ્છારામની `હિન્દ અને બ્રિટાનિયા’,
ર.વ. દેસાઈની `દિવ્યચક્ષુ’, `ભારેલો અગ્નિ’, `સ્નેહરશ્મિ’ તરીકે જાણીતા જીણાભાઇ રતનજી દેસાઈની `અંતરપટ’, મનુભાઈ પંચોળી `દર્શક’ની `બંધન અને મુક્તિ’, `કલ્યાણયાત્રા’, `બંદિઘર’, `પ્રેમ અને પૂજા’, જયંતી દલાલની `ધીમુ અને વિભા’, `પાદરનાં તીરથ’, મોહનલાલ પટેલની `ભવ-પ્રપંચ’, `ડેડ ઍન્ડ’, મોહનલાલ મહેતાની `અંતરની વાતો’ (જેને અંગ્રેજ સરકારે જપ્ત કરી લીધેલી), ગૌતમભાઇ શર્માની `જ્યોતિ’, બચુભાઈ શુક્લની `અધુરી વાત’, `અધુરું જીવન’ અને `અધુરો આદર્શ’ પુષ્કર ચંદરવાકરની `લીલુડા લેજો’, `ઝાંઝવાના નીર’, જયમલ્લ પરમારની `ખંડિત ક્લેવરો’ અને `અણખુટ ધારા’, રતિલાલ શાહની `સ્વતંત્રતાનો શહીદ’ જેવી નવલકથાઓ આ ઘટના પ્રવાહની સાક્ષી પૂરે છે. તેમાંની એક નોંધનીય નવલકથા `પાદરનાં તીરથ’ સ્વાતંત્ર્ય સંગ્રામથી અભિભૂત છે. જેમાં 1942ની લડતની અસર સામાન્ય પ્રજાજન પર કેવી થાય છે ? તે તપાસવાનો અહીં ઉપક્રમ રહ્યો છે.

          જયંતિ દલાલકૃત `પાદરના તીરથ’ નવલકથાનું પ્રકાશન ઇ. સ.1946માં થયું હતું. જે ઇ. સ. 1942ની ક્રાંતિ વખતે લખાયેલ નવલકથા છે. આ નવલકથાનું વસ્તુ કુલ 13 ખંડોમાં વિસ્તર્યું છે. કથાના કેન્દ્રમાં ચાર સ્થળ છે નંદપુરા, નવાપરા, ભંગારા અને છાપરી. નવાપરા ભલા ડૉક્ટરનું કર્મસ્થાન છે, તો ભંગારા પશીમાનું વિશેષ સ્થાન છે. આ કથાના ચાલકબળ તરીકે સૌથી બલિષ્ઠ દૃશ્ય નંદપુરાનું સ્થાન છે. લોકટોળા દ્વારા બાળવામાં આવતું આ સ્ટેશન અને તેનાં પરિણામો તપાસતા ઉતરી પડતા બ્રિટિશ પોલીસ તંત્રના વર્તન અને અત્યાચાર એ કથાલેખનનો સૌથી યશસ્વી અંશ છે. નવલકથાના પહેલા ખંડમાં લોકટોળાનું સ્ટેશન બાળવા માટેનો હુમલો અને બીજા ખંડમાં એના ઘેરા પરિણામરૂપ પોલીસ તંત્રનો વધતો અત્યાચાર કથામાં કેન્દ્ર સ્થાને છે. ઇ.સ.1942ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કલ્પેલી એક ઘટનાને વર્ણવતી જયંતી દલાલની આ નવલકથા, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્ત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવે છે. અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમિયાન એક ગામનો માનવસમુદાય ઉત્તેજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવેસ્ટેશનને સળગાવે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોકો પર એકાએક થતા અત્યાચારોમાં પ્રગટતી હિંસા અને વાસનાની પાશવી વૃત્તિ મોટા આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભોજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલ ને ઊંડી સમજ ધરાવતા ડૉકટર નગીનદાસ સમક્ષ ફોજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી રકમની લાંચના બદલામાં છોડવાનો પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિષ્ઠા ને સદ્-નિષ્ઠા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની કરુણા ડૉકટરના મનમાં દ્વિધા જગવે છે ને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને વેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજનો, સ્વરાજ ભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક ક્રાંતિવાદી યુવક કેદી જગુ સ્વમાનભેર જેલ વેઠવાનું પસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પશી ડોશી પણ પુત્રવત્સલતાથી સહેજ દ્વિધામાં જરૂર મુકાય છે પણ વિચલિત થતાં નથી. એક સ્વાર્થી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિનો, વચલા માણસો તરીકે ગેરલાભ લે છે. ન છૂટતા કેડીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કોઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે.

          એક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિડંબિત કરી મૂકતા સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે તે જીવનની ઊંડી સૂઝ ધરાવતા જોવા મળે છે. જેમાં જગુ, ભલા ડૉકટર, પશીમાં, નગીનભાઈ જેવા ઉદાર પાત્રો અહીં વણાયેલા છે. આ નવલકથાનો સમય ઇ.સ.1942ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાનનો છે. સ્વરાજ્ય લેવા નીકળેલું ટોળું, નવાપરામાંથી ઉઠેલો ઈન્કલાબનો ઘાટો, શહેરમાં ક્રાંતિ જોઈને આવેલો તરબોરિયો યુવાન જગુ, ફોજદાર અને સિપાઈઓના અભાન અપરાધમાંથી પ્રગટ થતો સમભાવ, રેંટિયો કાતતા કાતતા કોઠાસૂઝથી સાધાસાધ્યની વાતો કરતાં પશીમા આ સર્વે પાત્રો તત્કાલીન સમાજના નિર્દેશોના પરિઘ નિર્માતા છે, અહીં નવલકથામાં પાત્ર તરીકે એક વ્યક્તિ નહીં પણ આખો સમૂહ છે.

          એક બાજુ કેદીઓને છોડાવવા નિસ્વાર્થ ભાવે મથતા ડૉક્ટર અને બીજી બાજુ તેની સામે કમાઈ લેવાની દાનતવાળા અંબાલાલ વકીલ અને ફોજદાર છે. આ બે ભિન્ન હેતુથી પ્રેરાઈને આપણી સામે આવતી અને યુવાન પુત્ર જગુ માટે લાંચ બાબતે સહેજ પણ મચક ન આપતી પશીમા ત્રિદર્શ સંઘર્ષ રચે છે.

          ઇ. સ.1942ની ક્રાંતિએ સૌ કોઈના મન પર ઘેરી અસર કરી હતી. જેનાં પરિણામ સ્વરૂપ અનેક લોકો સ્વરાજપ્રાપ્તિની આ લડતમાં જોડાયા. એ યુગમાં સામાન્ય લોકજીવનમાં પ્રગટેલા ક્રાંતિકારી બળોએ જીવનમૂલ્યોને બદલી નાખ્યા હતા. નંદપુરાના લોકો આજુબાજુના વાતાવરણથી ઉત્તેજાઈને ‘પોતે પણ કંઇક કરવું જોઇએ’ એવા ભાવથી નંદપુરાનું સ્ટેશન બાળી નાખે છે, રેલના પાટા ઉખેડી નાખે છે, આના પરિણામ “હું કોઈને ઓળખતો નથી, તમે કોઈને ઓળખતા નથી, કોઈ કોઈને ઓળખતું નથી.” આવે છે. આ ક્રાંતિની અસર માનવજીવન પર કેવી પડી એની ચિંતા જગુ અને પશીમાના સંવાદોમાં જોઈ શકીએ છીએ.

          જગુ: બા, માનવીએ દુનિયાની શી શિકલ બનાવી છે ?

          પશી: જગુ, બેટા એમાં આપણે શું કરી શકીએ?

          જગુ: તમે, આમ કહો છો?

          પશી: ભાઈ, આપણે નિરાધાર છીએ, દુનિયાને શિખામણ આપવા જઈએ તો એનો કશો અર્થ નથી.

          જગુ: તો આપણે કશું… કાંઈ… કશું…?

          પશી: ના, હું અને તું. એક એક વ્યક્તિ ઘણું કરી શકે. પોતે શું કરવું છે એનો નિશ્ચય કરીને પોતે એ જ મુજબ કરવા માંડે, દુનિયા શું કહેશે કે કરશે એની ઝાઝી તમા ન રાખે. પોતાને જે સાચું લાગે એ જ આચરે.

          પશીડોશીના આવા શબ્દો જગુને દ્વિગુણિત કરે છે અને જરા પણ ક્ષોભ વિના પોતે જેને સાચું માનવું છે. તેને વળગી, તેને ખાતર ભોગ આપવા એ તૈયાર થાય છે. અત્યાચારની પરાકાષ્ઠા ને અહીં જયંતિ દલાલ બખૂબી વર્ણવે છે. “અણીને વખતે હકીકત કલ્પનાને ક્યાંય પાછી પાડી દે છે, વામણી અને પેગુ બનાવી દે છે.” જે આ કૃતિને આબાદ લાગુ પડે છે.

          ઇ. સ.1942ની માનવી પર થયેલી ઘેરી અસરે માનવનું માનવીપણું અણઘણ રૂપે પ્રગટી આવ્યું છે. ભાવકને આશ્ચર્યમુગ્ધ કરી દેતી માનવમનની વૃત્તિઓ વાસ્તવિક છે કે કલ્પિત તે આપણે નક્કી કરી શકતા નથી. ઉત્સાહભેર માણસ કંઈ પણ કરી બેસે છે પણ તેના કેવા દયનીય પરિણામો આવે છે, અને આ સ્થિતિમાં માણસે કેવી રીતે પોતાનું માનવીપણું ટકાવી રાખવું એની ભાત આ નવલકથામાં જગુ, પશિમા અને ડૉક્ટર નગીનદાસના પાત્રોમાં જોવા મળે છે.

          આમ, આ કૃતિમાં લેખકે ઇ.સ.1942ની આઝાદીની લડતનું વાતાવરણ નિમિત્ત બનાવી આ લડતના પરિણામે માનવીના વર્તન અને તેની પરિસ્થિતિ કેવો બદલાવ સાધે છે, તે વાત અહીં દ્રષ્ટિગોચર થાય છે. વિજય શાસ્ત્રી આ કૃતિ વિશે કહે તે સાર્થક છે કે, “મારા મતે સમગ્ર નવલકથા પરિસ્થિતિ પ્રત્યેના પાત્રોના આઘાત-સંઘાત અને પ્રત્યાઘાતની કથા છે.”

  • સંદર્ભ-

– `પાદરનાં તીરથ’, લે. જયંતી દલાલ (આવૃત્તિ-2008, આદર્શ પ્રકાશન)

નામ: મોઢવાડિયા ભરત એલ.

જે. આર. એફ. સ્કૉલર

ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

મો.9099552766

ઇમેઇલ- bharatmodhavadiya9099@gmail.com