લેખ: ૫. મેઘાણીની ભાષાનું આગવું અવતરણ :‘વહુ અને ઘોડો’ : ડૉ. શક્તિસિંહ પરમાર

લોકવિદ્યા વ્યાસંગી ઝવેરચંદ મેઘાણીનાં દરેક સાહિત્ય પર લોકસાહિત્યનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. એમાંયે એમની સર્જનાત્મક કૃતિઓની ભાષા ઉપર તો તેની અસર ખાસ જોવા મળે છે. મેઘાણીની વાર્તાઓમાં કથા, પાત્રો, ભાષાકર્મ, સમાજદર્શન વગેરે પોતાના પૂર્ણ સ્વરૂપમાં વિકસિત થયેલ જોવા મળે છે. ભલે મેઘાણી પર એવો આક્ષેપ હોય કે “મનના સુક્ષ્મ સંચલનોને વ્યક્ત કરતી વાર્તા તેમની પાસેથી નથી મળતી” પણ જે વાર્તાઓ મળે છે તેનું ભાષાકીય શિલ્પ વિધાન હૃદ્ય છે. ‘ઓળીપો’, ‘મારો બાલુભાઈ’, ‘બદમાશ’, ‘સદાશિવ ટપાલી’, ‘લાડકો રંડાપો’ અને ‘વહુ અને ઘોડો’ જેવી વાર્તાઓ અવિસ્મરણીય છે.

‘વહુ અને ઘોડો’સ્ત્રી અને પશુના સ્થાનની તુલના દ્વારા સમાજના સમૃદ્ધ ઘરોના ગંદકી ભર્યા અંધારા ખૂણાને ઉઘાડા પાડવાનો પ્રયાસ છે. તેમાં ભાષા શું ભૂમિકા ભજવે છે, તે જાણતા પહેલા આ વાર્તાનું કથાનક સંક્ષેપમાં જાણી લઈએ.

ઝવેરચંદ મેઘાણીની ‘મેઘાણીની નવલિકાઓ ભાગ-૧’ ૧૯૪રમાં પ્રગટ થાય છે. ‘વહુ અને ઘોડો’ વાર્તા આ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે.

“પ્રતાપરાય શેઠની હવેલીની વહુ થવા ઝંખતી તારાનું સ્વપ્ન તો ફળે છે, પરંતુ હવેલીનાં ઘોડાની જેમ કંઈ રીતે દુર્દશાનો અંત પામે છે. એનું લાંબા પટ પર ચિત્રણ કરતી આ વાર્તા તારાનાં મુખે કહેવાઈ છે. હવેલીનું નિર્મમ વાતાવરણ, વ્યંગ્યની ધાર પર ઠીક ઠીક ઉઠાવ પામ્યું છે.”

–ચંદ્રકાન્ત ટોપીવાલા

વાર્તા શરૂઆતમાં જ વાર્તાની નાયિકા તારાની એકોકિત છે. એ આખા આત્મલક્ષી સંવાદમાં ઘેરા વિષાદની છાયા છે. તેનું પહેલું વિધાન જ વાર્તાના માહોલને સ્પષ્ટ કરી દે છે. વાર્તાની અંદરથી કયો અવાજ બહાર આવવા મથી રહ્યો છે એ પહેલા વિધાનના, પહેલા શબ્દથી જ પરખાઈ જાય છે. 

જૂઓ :

‘સ્વામીનાથ નાટક જોવા ગયા છે.”

આ વાક્ય ભાવકનાં ચિત્તમાં તરત કાર્યરત થઈ જાય છે. પહેલા તો પતિ માટેનું સંબોધન જ ધ્યાન ખેંચે છે. ‘સ્વામીનાથ’ આ શબ્દની પાછળ માલિકી ભાવનો ભયાનક ચહેરો છૂપાયેલો છે. વળી, ‘નાટક જોવા ગયા છે.’ એટલે તો આ લોકોના દામ્પત્ય જીવન વિશે પણ અટકળો થવા લાગે છે કે, પત્નીને ઘરે મૂકીને પતિ મહાશય નાટક જોવા ગયા છે? શા માટે ? શા કારણે ? પણ તારા દ્વારા કહેવાયેલી આ આખીયે આત્મલક્ષી એકોક્તિની ભાષામાં ઘેરા વિષાદની છાયા છે અને સાથે સાથે આ સંવાદમાં કાવ્યાત્મકતાની પટુતા છે. તારા જેવી ઘરેલુ સ્ત્રીને ન સુઝે એવો ભાષા સાથે તેમાં ખેલથયેલો છે. આમ તો આખી કથા તારાના મુખે જ કહેવાઈ છે. પણ જે શરૂઆત છે તેમાં કરવામાં આવેલી શબ્દરમત તારા જેવી સ્ત્રીને અરઘે તેવી નથી. તેમાં રહેલા ચિંતનનો ભાર, તેના ઉદ્દગારોની અણિયાળી ધાર, શિષ્ટ-સુસ્પષ્ટ શબ્દોચ્ચારણ આ પાત્રની વ્યક્તિતા સાથે સુસંગતતા સાધતા નથી. તે વાંચવામાં રસ જરૂર પડે, પરંતુ તે સ્ત્રી જેવા પરિવેશમાંથી આવે છે, તેને તે પ્રકારની ભાષા ભળતી નથી. લગભગ બધા જ પાત્રો એવી જ સંઘેડા ઉતાર ભાષા બોલે છે. 

હા, સંવાદો ખૂબ ઉઠાવદાર રહ્યાછે. આ વાર્તાનો એ એક મહત્ત્વનો ગુણ છે કે, હવેલીનાં પાત્રોનાં ખૂબ બધા કટાક્ષ બાણોનો ભોગ તારાને બનવું પડે છે. સમાજના જુદા-જુદા સ્તરનાં લોકો દ્વારા કટાક્ષ પ્રહારો થાય અને એ વ્યંગ્ય બાણોથી ઘવાઈને પાત્ર વધારે ને વધારે ભવ્યતા પ્રાપ્ત કરતું જાય. આમ, ભાવકની સંવેદના તારા તરફ ઢળેએ માટે આ વાર્તાકારે બહુ મહેનત કરી છે. આથી હવેલીનાં પાત્રોને તારાની વિરુદ્ધ ખડા કરી દીધા છે. તારા માટે લેખકે ભાવક પાસેથી ભારોભાર સહાનૂભુતિ ઉઘરાવી છે. આ સંવાદોનું એક દ્રષ્ટાંત જોઈએ.

જેઠાણી : “તમ આવ્યે અમારા રાંધણનાં ઘસડબોળા કંઈક ઓછા થશે એમ આશા રાખેલ ત્યાં તો તમે બાપને ઘેર પૂરું ધાન ન ખાધું હોય એવાં જડયાં અમારે કપાળે !”

દેરાણી : “આંહી શું મારી એકલીના જ બાપની આબરૂ સાચવવી છે તે મારે એકલીએ જ ભીંસાઈ મરવું?”

નાના ભાભીજી: “લાવો ભા, પાણીનું તપેલું તમારાથી નહીં ઉપડે, તમને એટલીય ભાન છે કે, મહેમાન સારું પહેલા દાતણ કરવાનું પાણી મૂકીને પછી ઝટ ઝટ ચા કરવો છે? બાપને ઘેર પાંચ પરોણા આવતા હશે ત્યાં તો મુંજાઈને…”

પુરૂષો:

“ટપાલ લેવા કોઈ ગયું કે નહીં”

“ઉનું પાણી હજી કેમ નથી આવતું? “

“ક્યાં મરી ગયા છે બધા ? ખાય છે તો થાળી ભરી ભરી પછી ચા કે ‘દિ મોકલશો?”

“આ ફાનસ હજી કેમ બળે છે ? “

“કાલે દહીં ચટણીમાં કોથમીર કેમ નો’તી નાંખી ? કોઈ જૂઓ છો કે નહી ? મારા હાળા આંધળા”

ભાભી :”તારા વહુ, દહીં ચટણી તો કાલે તમે જ કરી હતી એટલું ભાન ન રાખીએ ? કે બાપને ઘેર દહીં ચટણી કોઈ દિ…”

આ પ્રકારના સંવાદો દ્વારા ચરિત્ર ઘડાય છે અને વિકસે છે. તારા ઉપર દુ:ખનાં ઝાડ ઉગાડવા માટે અન્ય પાત્રો પાસે આવી કઠોર લીલા કરાવવી જ પડે છે. આ બધા સંવાદોમાં ભાષાનું રંગારંગપણું પ્રગટે છે. વાદાત્મક ગદ્યનો ઉત્તમ નમૂનો આ સંવાદોમાંથી મળે છે. ઘણી જગ્યાએ ભાષામાં ચિત્રાત્મકતા અને દૃશ્યાત્મકતાનો ગુણ પણ ઉજાગર થયો છે. જેમ કે, ઘોડો જોવા માટે તલપાપડ થયેલી કિશોરવયની તારાને જૂઓ:

‘બા નવડાવતી હોય તો પણ એના હાથમાંથી છોડાવીને સાબુ બળતી આંખે પણ હું ઘોડો જોવા જતી.’

તો, આ વાર્તામાં કરુણ અને ભય મિશ્રિતભાવો જેમાં પૂરેપૂરો ઉઘાડ પામ્યા છે તેવા દશ્યોનાં આલેખનો પણ સંતોષકારક પરિણામ આપી શકે છે. જેમ કે, તારાની સુવાવડનાં દ્રશ્યનું વર્ણન :

‘મારી આંખો ફાટી રહી હતી. તમારા શરીરને એકસામટા સો કાળા નાગ જાણે ભરડો લેતા હતા. ગીધડા મારા પેટમાંથી જાણે જીવતા લોચા જાણે તોડી તોડી ખાતાં હતાં. હું બુમો પાડતી હતી. બે સુયાણી મને દબાવીને ખાટલે ચડી બેઠી હતી.’

સુવાવડની ભીષણ પીડાનું અહી વેધક ભાષામાં વર્ણન થયું છે. આ જ લેખકની કલમ હૃદયનાં કોમળ ઋજુ ભાવના પણ ઉત્તમોત્તમ રીતે અભિવ્યક્ત કરી શકે છે. જેમકે, લગ્નની પહેલી રાત માટે તારાએ જે કોડભર્યા સ્વપ્નો સજાવેલું તેની શી અવગતિ થાય છે તે પણ સુંદર ભાષામાં અભિવ્યકત થયું છે.

“શરીર જાણે હમણાં ઓગળીને પાણીની અંદર સાકરની કણી જેવી દશા પામી જશે. મારું હૃદય કોઈ ધૂપિયું બની રહ્યું હતું….”

“કપુરની ગાંગડીને જાણે કોઈએ છુંદેછુંદા કરીને મોટી ભઠ્ઠીમાં ભભરાવી દીધી.” (આમ જોઈએ તો કપુર એવી બરડ વસ્તુ છે જેનો છૂંદો સંભવી ન શકે હા, ભુકકો જરૂર થઈ શકે!)

મેઘાણી તેમની વાર્તાઓને વ્યવહારનો છંદ લગાવવા પોતાને અનુકૂળ હોય તેવા શબ્દ છૂટથી વાપરે છે.અરબી ફારસી પરિવેશના શબ્દો પણ અહીં જાણે-અજાણે વપરાયા છે. ગાંધીયુગનાં ગધની એ પણ એક વિશિષ્ટતા રહી છે તેના થોડાં ઉદાહરણ જોઈએ.

“શેઠ સાહેબનો ઘોડો ઓછો મગરૂબ બનતો હશે.!”

“મોટાં મંદિલવાળા તાલુકદારો એને સરકાર..સરકાર.. કહી ઓછા ઓછા થતાહોય.”

“મારી સૂરજ, જે સંગીત બજાવે છે, તેના તાલે…. ક્યાં દિલરુબાના સૂર આવી શકે.”

“એ સુવાળા ટેરવાંનો સ્પર્શ ગેબી ભાષામાં મને વાત સંભળાવે છે.”

“તમારા દેહની આ કમબખ્તી કરશો તો હું શેરીએ શેરીએ ચીસ પાડીશ.”

ભાષાને મરડીને શ્લેષ ઉપજાવવાનું પણ મેઘાણીને ખાસ ફાવ્યું છે. આંધળી દીકરીનું નામ સૂરજ રાખીને કેવો કરુણ શ્લેષ કર્યો છે! તો વળી, તારાની તબિયત ખરાબ થતા સાસરિયાઓએ જે ચિત્ર-વિચિત્ર બાધા-આખડીઓ રાખી તેમાંથી પણ વ્યંગ ભારોભાર પ્રગટે છે.

એકના એક જ શબ્દ વારંવાર દોહરાવવા છતાં તેમાંથી વિપરીત અર્થો પ્રગટ કરવાની મેઘાણીની કલમ પણ પ્રશંસનીય છે. માત્ર ગલકાનું શાક ન મળી શકવાને કારણે તારાના પિતાજીને વર પક્ષના લોકો કેવા કેવા ઉપાલંભ આપે છે તે જોઈએ:

‘જેઠજીએ ઉદાર બની સહુને જવાબ દીધા:

“અમારે તો એ વાતનું કશુંય મનમાં નથી પણ અમે સરખું કુળ ન જોયું. અમારી વડય ન જોઈ. ફક્ત કન્યાના વખાણ પર જ અમે દોરવાઈ ગયા એટલે અમારે આરંભથી જ વેઠવું બને છે ને,ભાઈ ! હવે,મને એ વાતનું કંઈ નથી. અમે જો મોટા મન ન રાખીએ તો વહેવાર ક્યાંથી ચાલે? જેવા સંચિત અમારા! પણ એ વાતનું અમારે કંઈ નથી … માણસ જે સામેનાં કુળની ખાનદાની જૂએ છે, તે કાંઈ અમસ્તા જોતા હશે! ખેર ! અમારે એ વાતનું કશું નથી… આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું બન્યું. પણ તે તો હશે ! મારે એ વાતનું કશું નથી.”

‘ફૂંક મારતા જવું અને કરડતા જવું’ જેવી મૂષક વૃત્તિથી ઉપરનો સંવાદ રચાયો છે. જેમાં બોલનાર ‘મારે એ વાતનું કશું નથી.’ એ વાક્ય જુદા-જુદા સંદર્ભે ઉચ્ચારે છે. પણ એ વાતનું તેના મનમાં કેટલું બધું છે એ તેના સાથેસાથે નીકળેલા હાય બળાપામાં સ્પષ્ટ થઈ જાય છે.

‘વહુ અને ઘોડો’ શીર્ષક પણ ઘણે અંશે ભ્રામક છે. આપણા શાસ્ત્રમાં ઘોડો ઘણા સમયથી કોઈ ચોક્કસ પ્રકારના આવેગનું પ્રતીક રહ્યું છે. એટલે એ રૂઢ અર્થની દોરવણીમાં જઈએ તો ‘વહુ અને ઘોડો’ શીર્ષક જરા જુદી દિશામાં લઈ જાય… ભાવકને લાગે કે જૈવિક આવેગને કેન્દ્રમાં રાખીને લખાયેલી કોઈક વાર્તા છે, પણ મેઘાણીએ ઘોડાના પરંપરાગત સાહિત્યિક ઉપયોગને સાવ પલટી નાખ્યો… ત્યાં ઘોડો હતો કામ, નપુંસકતા, શક્તિનાં પ્રતીક રૂપે, અહીં ઘોડો આવે છે, ભારવાહક, બોજો ખેંચનાર, રાંક પશુ તરીકે અને એ પશુઓ સાથે સમાનતા રચાય છે ઘરની વહુ તારાની. એક બાજુ ઘરની જવાબદારીઓનું વહન કરવું… શારીરિક, સામાજિક, નૈતિક, માનસિક ભાર ખેંચવો અને બહાર સમાજનાં મોઢે રૂપકડી દેહલતા પ્રગટ કરી સુખી હોવાનો આભાસ રચવો.. સમય જતા વહુ અને ઘોડો બંનેએ પોતાના પદનો ઈચ્છા-અનિચ્છાએ ત્યાગ કરવો અને માલિકીભાવ ભોગવનાર કુટુંબીજનોએ તેની જગ્યા નવા ઉમેદવારથી ભરી પોતાની હવેલી અને ઘોડાગાડીની શાન જાળવી રાખવી. આ એક નિયમિત ઉપક્રમ હતો. સમાજનાં અતિ સમૃદ્ધ, મોભાદાર અને આબરૂદાર ગણાય તેવા ઘરોનો, અને આથી જ વહુ અને ઘોડો એકમેકને આશ્વાસન આપી શકે તેવી હાલત ભોગવે છે. બંનેનાં કુળને વારંવાર ભાંડવામાં આવે છે.. બંનેની કાળજી ઓછી લેવાય છે, બંને પાસેથી કામ ઝાઝુ કઢાવવામાં આવે છે.

મેઘાણીની ભાષામાં વ્યવહાર દક્ષતા છે. ગૃહસંસાર, ઘરકુટુંબ, શેરી-મહોલ્લાની રોજબરોજની ભાષામાં – ખાસ તો લોકવર્ણોમાં પ્રયોજાતી ભાષામાં જે પટુતા અને માધુર્ય હોય છે. તે આ વાર્તાઓમાં છે પણ ક્યાંક તેમની વાર્તામાં ભાષાકર્મ આયાસપૂર્વક થતું હોય તેમ લાગે છે. બોલીની ફાવટનો સાયાસ ઉપયોગ થાય તેવું તેમની વાર્તાઓ પરથી જણાય છે. કટાક્ષ, વ્યંગ અને વ્યંજના ઉપસાવવા ભાષાકીય પ્રચુરતાનો લાભ લેવાય, જે ક્યારેક છલકાઈ જાય છે. ઉમળકાનો ઉભરો આવી જાય છે. ક્યારેક અતિચિત્રણ થતું હોય તેવું લાગે છે. પણ તેમની વાર્તાઓ તેમની ભાષાને કારણે રળિયાત છે. તેમનાથી ગુજરાતી ટૂંકીવાર્તામાં પણ એક નવી ભાત પડી છે. તે વાત તો સ્વીકારવી રહી અને એક વાત નક્કી છે કે સમાજની વરવી બાજુને લક્ષ્ય કરતી આ પ્રકારની ‘વહુ અને ઘોડો’ જેવી વાર્તાને મેઘાણીની બહુપરિમાણીય ભાષાનો લાભ ન મળ્યો હોત તો કૃતિ માત્ર ઉપદેશ-કથા બની જાત.

‘વહુ અને ઘોડો’ વાર્તાની પ્રકૃતિ તેના લેખકની પ્રકૃતિને મળતી આવે છે. મેઘાણી જે રીતે સમાજને સમર્પિત હતા,તે રીતે આ વાર્તા પણ સામાજિક વિષયને સમર્પિત છે. વાર્તા સમૃદ્ધ વર્ગનાં જીવન પાછળ રહેલી કુરૂપતા છતી કરવા વિશે છે. આ વાત વાર્તાકાર જે વર્ગને કહેવા માંગે છે તે વર્ગ તો સામાન્ય વર્ગ જ છે. આથી સામાન્ય મધ્યમ વર્ગને ગળે ઉતરે તેવી અને જે-તે સમયની બોલીનો, ભાષા તરીકે વિનિયોગ કરવાનું જ તેમને ઉચિત લાગ્યું છે અને આથી જ તેમની વાર્તાઓમાં વધારે પડતું પાંડિત્ય પ્રવેશ્યું નથી… જીવાતાં જીવનની બોલીને તે આબાદ રીતે તેની વાર્તામાં ઝીલે છે. હવેલીના તવંગર જનોની વાણીમાં રહેલા મરડ અને તારા તેમજ તેના પિયર પક્ષના લોકોની બોલીમાં રહેલું દૈન્ય… આ બંને વિરોધી ગુણોનો જે વિરોધાભાસ રચાયો છે તે વિરોધી રંગોની ભાતથી જ આવાર્તા શોભી રહી છે. 

એક વાતની નોંધ કરવી ગમે કે, અહી આ વાર્તામાં વાર્તાકાર મેઘાણી ને લોકસાહિત્યકાર મેઘાણીની વધુ પડતી મદદ ન મળી છે તે ઉચિત થયું છે. આ પરિવેશમાં શોભે તેટલી જ તળપદી ભાષાનો અહી વિનિયોગ થયો છે. આ ઔચિત્ય જળવાયું છે એટલે આ વાર્તા હજુ પણ સમયના પ્રવાહમાં તરી રહી છે… નહી તો વધુ પડતી ગ્રામીણતાનો ભાર તેને લઈને ડૂબી ગયો હોત. 

  • ડૉ. શક્તિસિંહ પરમાર

મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ઘોઘા

જિ: ભાવનગર. પીન કોડ: ૩૬૪૧૧૦.