અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં બિંદુ ભટ્ટ નવલકથા,વાર્તા અને અનુવાદ ક્ષેત્રે પ્રદાન કરનારા સર્જક છે. તેમની નવલકથામાં ‘મીરા યાજ્ઞિકની ડાયરી’(૧૯૯૨), ‘અખેપાતર’(૧૯૯૯)નો સમાવેશ થાય છે.તો ‘બાંધણી’(૨૦૦૯)નામે આધુનિક નારીવાદી વાર્તાસંગ્રહ પણ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત ગુજરાતીમાંથી હિન્દી ભાષામાં અને હિન્દીમાંથી ગુજરાતી ભાષામાં તેમને અનુવાદો પણ કરેલા છે. ‘અદ્યતન હિન્દી ઉપન્યાસ’(૧૯૯૩), ‘આજ કે રંગનાટક’(૧૯૯૮) એ બે વિવેચન ગ્રંથ મળે છે. આ ઉપરાંત સંપાદન ક્ષેત્રે પણ એમને કલમ ચલાવેલી છે. સાહિત્યિક રીતે બહુ ઓછું લખાણ એમને કર્યું છે પણ જે આપ્યું છે તે નક્કર આપ્યું છે એવું ચોક્કસ એમનાં સાહિત્યમાંથી પસાર થતાં કહી શકાય. એવી જ એક કૃતિ એટલે ‘અખેપાતર’. જેમાં ભારતનાં ભાગલાને પશ્વાદભૂ તરીકે રાખીને કંચનબાનાં જીવનનાં વ્યથાના અક્ષયપાત્રની વાત વિગતે કરી છે. અને એમાં ભારત ભાગલાનો સમય ૧૯૪૭નો સમાજ પણ સમાંતર દૃશ્યમાન થાય છે. પ્રસ્તૃત સંધોશન લેખનો વિષય‘અખેપાતર’ નવલકથામાં પ્રતિબિંબિત થતો ૧૯૪૭નો સમાજ’ હોવાથી તેની વિગતે વાત આ પ્રમાણે છે :
‘અખેપાતર’ નવલકથામાં પ્રતિબિંબિત થતો ૧૯૪૭નો સમાજ
‘અખેપાતર’ કંચનબાનાં પર્યાય તરીકે પ્રયોજાતું આ શીર્ષક કોઈ સારા તત્વો માટે નહિ પણ જીવનમાં આવી પડતી વિપદાઓ-સમસ્યાઓનાં અક્ષયપાત્ર તરીકે આવે છે.જેમાં કંચનબાનું પાત્ર નિખરી ઊઠ્યું છે. આ પાત્રને નિખારવામાં ખાસ તો તત્કાલીન સામજિક બાબતોનો અગત્યનો ભાગ રહેલો છે. કારણ કે કંચનબા સામાજિક મુશ્કેલીનો સામનો કરતા –કરતા ઘડાય છે. અહી પશ્વાદભૂ તરીકે ભારત –પાકિસ્તાનનાં ભાગલા હોવાથી ૧૯૪૭ આસપાસના સમાજનું નિરૂપણ થયેલું જોઈ શકાય છે. જેમાં ભારત ભાગલાની સ્થિતિથી લોકોના સામજિક જીવનમાં આવેલ પરિવર્તન, આર્થિક મુશ્કેલીઓ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ, બહુપત્નીત્વનો રીવાજ જેવી વિવિધ બાબતો અહી ઉજાગર થયેલી જોઈ શકાય છે. જેને મુદ્દાસર તપાસીએ:
૧.ભારત-પાકિસ્તાનનાં ભાગલાના કારણે લોકોના સામાજિક જીવનમાં આવેલ પરિવર્તન:
સામાજિક વાસ્તવની પુષ્ઠભૂમિ સાથે રજૂ થતી આ કૃતિમાં કંચનબાનો પરિવાર જસાપર ગામ(તા.સુરેન્દ્રનગર)માંથી કરાંચી સ્થિર થાય છે. નાની કંચન કરાંચીમાં જ મોટી થઇ કરાંચીના પૈસાદાર અને નામિક કુટુંબ એવા દેવશંકરના ઘરની પુત્રવધુ અને અમૃતની પત્ની બને છે. સુખેભર્યો સંસાર માંડ પાંચેક વર્ષ વિતાવે છે ત્યાં ભારત ભાગલાની પરિસ્થિતિ ઊભી થાય છે. કરાંચી પાકિસ્તાનમાં જતું રેહવાથી મૂળ ભારતના લોકોને હિજરત કરવાની નોબત આવે છે. પોતે જ્યાં મુળિયા જમાવ્યા હતા તે ઘર –સ્થળ છોડવાની સ્થિતિનો સામનો કરવાનો સમય આવે છે. એટલું જ નહિ ઘરમાંથી શું સાથે લેવું ને શું ન લેવુનાં ધર્મસંકટ સાથે કેટલાંય સંયુક્ત પરિવાર હિજરત કરતા પોતાનાં સ્વજનોને કાયમ માટે ગુમાવે છે જેમ કે અહી કંચનબા પોતાનાં પિયરના લોકો, પોતાનો મોટો પુત્ર ગૌતમ, પતિ અમૃત વગેરેને કાયમ માટે ગુમાવે છે. એ રીતે મૂળ સાથે ઉખેડાય જવાની વેદના ધારદાર રીતે અહી વર્ણવેલી છે જુઓ…
“દર વર્ષે શરદપૂર્ણિમાની રાત્રે કેમાડી બંદરે મેળો ભરાતો. દરિયાદેવના થાનકે આકાશના નાટે ચાંદનીની સેરે ઉસ્તવનો હિંડોળો બંધાતો. ઉમંગ અને આનંદના બે છેડા મધ્યે લોક ઝૂલતું. આજે એ જ દરિયાકિનારોછે અને દરિયાદેવનું થાનક. માનસ તો માતું નથી. કીડિયારું ઊભરાયું છે. આકાશમાં વાદળ અને વાતાવરણમાં બાફ જોઇને સહુ વર્ષો જૂના દર છોડીને નીકળી પડ્યા છે. ગમે ત્યારે આ વાદળ વરસશે અને લોહીનો વરસાદ નહિ જ હોઈ એની કોઈ ખાતરી નથી. આ મૂળસોતાં ઊખડેલાં ક્યાં જઈ જાતને રોપશે ખબર નથી ! આજ સુધી ઊખડેલા ઝાડને ફરી પાંગરતા સાંભળ્યા નથી.ભ લે ઝાડ ન બચે પણ આ છોડને તો જીવાડવા જ રહ્યા. કાંખમાં, ખભે ને આંગળીએ જણ્યાંને વળગાડ્યા છે.માથે ખાનાબદોશ જીવતરનાં પોટલાં છે. બાવરી આંખો અને ભીંસાયેલા હોઠ પણ લઈને બેઠા છે કે બસ હવે તો બે-ચાર શ્વાસ બચે કે બચાવી શકાય તોય ભયોભયો !” (પૃષ્ઠ.૮૪)
મૂળથી ઊખડાય જવાની વાત તો હજી સહ્ય ગણાય પણ આગળ જતાં એ મૂળને નવી જમીનમાં –નવા ખાતર પાણી સાથે જીવંત રાખવા એ મહામુશ્કેલી બનીને લોકો માટે આવેલી એ વાત પણ અસરકારક રીતે કંચન જે રીતે અહી જસપારમાં સ્થાયી થવા માટે અને જીવન નિભાવવા માટે મુંઝવણ અનુભવે છે તે પરથી તત્કાલીન સમયનાં લોકોની વેદના અને પીડા સમજી શકાય એ રીતે તે આખી વાત મુકાયેલી છે :
‘આખી રાત મન ઊથલધડા કરતુ રહ્યું. મનોમન શબ્દો, વાક્યો ગોઠવાતું હતું,લોટ માગતી વખતે શું બોલવું ? ‘દેવવિલા’માં તો કોણ આવ્યું ને શું લઈ ગયું નો હિસાબ રાખ્યો નથી. હાથ કઈ રીતે લાંબો થશે ? જે હાથ હંમેશા ઉપર રહ્યો છે, આપતો રહ્યો છે એ હાથમાં પોતાનું આખુંય અસ્તિત્વ મૂકીને કઈ રીતે કોઈની સામે ઊભા રેહવાશે ? આપનારની આંખો અને આપતા હાથનો સામનો કઈ રીતે થશે ? (પૃષ્ઠ.૧૦૦)
આ રીતે સંપત્તિવાન પરીવાર કે સામાન્ય પરિવાર એકાએક ભારત ભાગલાની સ્થિતિને કારણે આવી પડેલી મુશ્કેલીનો ચિતાર અહી સ્પષ્ટ મળે છે.
૨. ‘અખેપાતર’ નવલકથામાં જોવા મળતી સામાજિક માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, ઉત્સવો : પ્રસ્તુત કૃતિ ‘અખેપાતર’માં કંચનબાનું પાત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું કલ્પેલું હોવાથી અહી બ્રાહ્મણ જ્ઞાતિને પાળવાનાં આચાર –વિચાર સાથે જોડાયેલી વાત વધુ આવે છે. બ્રાહ્મણનાં સંતાનો પરદેશમાં પોતાની જનોઈને શુદ્ધ રાખી શકતા નથી એવા ઘરનાં મોભીઓની માન્યતા રહેલી હોય છે :
‘બાપુજી આવ્યા એ દિવસે ભાએ બધાને ફરી નવડાવ્યા, દરેકની પાણીની ડોલમાં બે ટીપાં ગંગાજળ નાખ્યું’તું.બાપુજીએ બે દિવસ એકલું દૂધ પીને ઉપવાસ કરેલા. પછી પણ બાપુજીની થાળી-વાટકો ને પ્યાલો જુદા રાખેલા. બાપુજીની જનોઈ ને માથાના વાળની ચોટલી સલામત જોવા છતાં ભાને ભરોસો ન હતો. ઘર બહાર પગ મૂકેને ધરમ ભ્રષ્ટ ન થાય એ બને જ કેમ !’(પૃષ્ઠ.૪૩)
પરંપરાથી ચાલ્યા આવતા સામાજિક રીવાજોને જડથી વળગી રહેવાને કારણે માણસને શારીરિક પીડા થાય તો ભલે થાય. પરમ્પરા સાચવવી અને એ રીતે સમાજની રીતિ જાળવવી એ જ એમને મન સત્ય.આવી જ કેટલીક વાત અહી જગદીશનાં દાદાજીના મૃત્યનાં પ્રસંગે જગદીશની માની પીડા હોય કે કંચનના દાદા ગુજરી જવાથી ઘરનો ઢસડો કરીને ગાંઠીયા વાનો શિકાર બનતી કંચનની મા રેવાની હોય.જે અહી દ્રષ્ટિગોચર થાય છે :
‘ગામની મીરાણીઓ રોજ આવીને મરસિયાં ગાય અને છાતી કૂટે. ઘરની સ્ત્રીઓને એમાં જોડાવું પડતું. જગદીશની બા બિચારી ત્રણ દિવસથી આ ત્રાસ વેઠતી હતી. એક તો દમ ચડે ને આ રોવા-ફૂટવાનું. વળી કુટુંબીઓના ચડ્યાં-ઊતર્યાં મોં જોવાના એ જૂદું !(પૃષ્ઠ.૨૭)
અલબત આ રીવાજ કંચનબાએ આ પ્રસંગ પછીથી કાયમ માટે બંધ કરાવેલો.આજે પણ આ પ્રકારનું વલણ હજુ સમાજમાં જોવા મળી રહે છે.
માન્યતાઓની સાથે કેટલીક અંધશ્રદ્ધાઓ પણ અહી નજરે પડે છે જેમ કે હોળાષ્ટક બેસે ત્યારે ઘરની વહુને વળાવાય નહિ, બારસના દિવસે બારણું મુકાય નહિ, આ તિથીએ ફલાણી જગ્યાએ ન જવાય સામો કાળ કહેવાય, શુકન સાચવવા આગલા દિવસે પસ્તાનું કરવું, રેવાને ગાંઠિયો વા થયો હોય ત્યારે ઈલાજ કરાવવાને બદલે રાહુ નડે છે એમ માની તે અંગેની વિધિ કરવામાં માનતા કંચનનાં દાદી, તો ઘર ખાલી કર્યે ત્યારે પાણિયારે દીવો કરી પૂજાની વિધિ કરવી. સારા માઠા પ્રસંગોએ બાધા-આખડી રાખવી (રેવા પોતાને સંતાન તરીકે દીકરો આવે તે માટે બાધા રાખે) જેવી બાબતો અહી દેખાય આવે છે.
શરદપૂર્ણિમા કે તરણેતરનો મેળો ભરાવો, મનોરંજન અર્થે સિનેમા જોવા જવું,હરવું ફરવું વગેરે અનેક તહેવારો સાથે માન્યતાઓ,જડ રીવાજો, અંધશ્રદ્ધાઓ અહી દેખા દે છે જે તત્કાલીન સમાજને જ રજુ કરે છે.
૩. સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ :
‘અખેપાતર’ નવલકથામાં ૧૯૪૭ આસપાસનાં સમયમાં સ્ત્રીઓનું સમાજમાં કેવું સ્થાન છે,લોકોની સ્ત્રી વિશેની શું માન્યતા છે વગેરે વાસ્તવિક બાબતો અહી રજુ થયેલ છે જેને વિવધ મુદ્દા સાથે સમજીએ :
૩.૧ સ્ત્રીને શિક્ષણ ન આપવામાં માનતો સમાજ
કંચનનાં દાદા-દાદીથી માંડી કંચનનાં મા રેવા સુદ્ધા છોકરીને ભણાવવી ન જોઈએ એવું માને છે. આ બાબતે ધાર તો ત્યારે જોવા મળે છે કે ભણેલો-ગણેલો અને શેહરી સભ્યાતાથી પરિચિત ચંદ્રકાંત પોતાની બહેન અરુણાને સ્ત્રી-છોકરી હોવાના કારણે આગળ ભણાવવી જોઈએ નહિ એવું કંચનને કહે છે :
‘પણ બા,અરુણા આગળ ભણીને શું કરશે ?(પૃષ્ઠ.૧૦૭)
રેવા કહે છે : ‘છોકરીની જાત,ભણાવીને શું કરવું છે ? (પૃષ્ઠ.૪૯)
૩.૨ વિધવા સ્ત્રીને પળાવવામાં આવતા સામજિક રીવાજ
પ્રસ્તુત કૃતિ ‘અખેપાતર’માં ગંગાબા, શારદાબહેન, કંચનના દાદી અને કંચનના જીવનમાં વૈધવ્ય ભોગવવાનું આવે છે. વિધવા સ્ત્રી માટે પતિનું જીવનમાંથી જવું જ મોટું દુ:ખ હોય ત્યાં સમાજ તેને રિવાજના ઓછાયામાં એ દુ:ખ પણ સરખી રીતે સહન ન કરવા દે. એવો સમાજ અહી વિધવા સ્ત્રીને ખૂણો પાળવો, રંગીન કપડા ન પહેરવા, મુંડન કરવું, ચુડીકર્મ કરવું જેવી રીતિમાં જકડી રાખે છે :
‘કંચને કોઈપણ પાડોશીને બોલાવ્યા વિના જાતે જ ચૂડીકર્મ કર્યું.ચૂંક કાઢી અને ચાંદલો ભૂંસ્યો. રંગ તો આમેય એ ક્યાં ભડક પહેરતી હતી ? સફેદ સાડલો પેહર્યો.? (પૃષ્ઠ.૧૫૪)
૩.૩. બળાત્કારનો ભોગ બનતી સ્ત્રીઓ
અહી કેસર અને કંચન સાથે આ ઘટના ઘટેલી વર્ણવી છે. સ્ત્રી એકલી મળી કે તેની સાથે નરાધમો પાપ આચર્યા વગર રહેતા નથી. આપડા સમાજની કરુણ કહી શકાય તેવી વાસ્તવિક આ વાત અહી પણ લેખિકાએ મૂકી છે :
‘દૂરથી નાનાસૂના કૂબા જેવું લાગે.કેસરે વરસાદથી બચવા જાળનો આશરો લીધો. બિચારીને શું ખબર કે આ જાળનું ઝાડ તો એના દુર્ભાગ્યે નાખેલી જાળ હતી.એ જાળમાં એ ફસાઈ અને ફસડાઈ. પછીતો એને ખબરેય ન પડી કે કેટલા નરાધમોએ એને પીંખી. એ બેભાન પડી હતી ને આખી સીમ કોઈ રાક્ષસની જેમ ખાઉં ખાઉં કરતી ધાતી હતી’.(પૃષ્ઠ.૧૪૭)
આમ, અહી ભારત આઝાદ થયો પણ સ્ત્રી આઝાદ ન બની, ન તેને શિક્ષિત કરવામાં આવી કે ન આત્મરક્ષણ માટે સજ્જ કરવામાં આવી.વાસ્તવિકતની ભોંય પર ચાલતી આ કૃતિમાં રજુ થયેલ સ્ત્રીનાં જીવનમાં ખાસ કોઈ પરિવર્તન આજે પણ આવેલા જણાતા નથી. જે આપડા સમાજની દયનીય સ્થિતિ ગણી શકાય.
૪. નાની વયે લગ્ન કરવાનો સામજિક રીવાજ
છોકરા સમજણા ન થયા હોય ત્યાં માતા-પિતા દ્વારા તેમને લગ્ન કરી નાખવા કે નક્કી કરી નાખવાની રીતિ આ કૃતિમાં ગંગાબા, અમૃતના, જયાના અને જો કંચન ભણી ન હોત તો તેના પણ લગ્ન ૧૨-૧૩ વર્ષેની વયે થતાં જોવા મળે છે. એટલું જ નહિ કાચી વયે લગ્ન થતા અને સ્ત્રી જો વિધવા બને તો અધૂરા ઓરતા નાસમજ પણ પરણેલા બાળકો પાસેથી વાતો કઢાવે અને એમ પોતાને તૃપ્તિ થતી-નો ભાવ ગંગાબાના પાત્ર વડે સ્પષ્ટ બતાવેલો છે.
૫.બહુપત્નિત્વનો રીવાજ
આ કૃતિમાં રજુ થયેલ સમાજમાં જો સંતાન પ્રાપ્તિ ન થાય કે પત્નિ મૃત્યુ પામી હોય કે હાથ પગથી પાંગળી બની હોય તો પુરુષ બીજા લગ્ન કરે છે જે વાત અહી ઠાકોરસાહેબ, જેષ્ઠારામ અને અમૃતનાં પાત્રો દ્વારા તાદૃશ્ય કરાવી છે. હદ તો ત્યારે અહી બતાવી છે કે માત્રને માત્ર સંતાનપ્રાપ્તિ માટે ખોડ-ખાંપણ વાળી સ્ત્રી સાથે પરણીને એ ઈચ્છા પરિપૂર્ણ કરવામાં આવે :
‘આપડે કરાંચીમાં રણછોડલાઈનમાં રહેતા ઓલા મુગટલાલે એક આંધળી બાઈનો ભવ સુધારી દીધો ન હતો ? કહે છે કે ‘ખોડવાળી લાવીએ તો ખોટ ભાંગે’ એમણે છોકરાં માટે જ તો બીજા લગન કર્યા હતા.’(પૃષ્ઠ.૧૭૩)
આમ, ‘અખેપાતાર’ નવલકથામાં વાસ્તવિક કહી શકાય એવી ૧૯૪૭ની સામાજિક સ્થિતિનું અહી પ્રતિબિંબ પડતું જોવા મળે છે. અહી તારવી આપેલ દરેક બાબત આજે પણ સમાજમાં વત્તા-ઓછા પણે સમાજમાં દ્રષ્ટિગોચર થાય છે.
સંદર્ભ : અખેપાતર –બિંદુ ભટ્ટ
ડૉ.કિરણ આર. ખેની
આસિસ્ટન્ટ પ્રોફેસર
મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટસ & કોમર્સ કૉલેજ, નીલમબાગ, ભાવનગર,એમ.કે ભાવનગર યુનિવર્સિટી