પૂર્વભૂમિકા :-
ઝવેરચંદ કાળીદાસ મેઘાણી એટલે કે જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું અને પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રકના વિજેતા એવાં સૌરાષ્ટ્રની ધરતીનું એક આગવું રતન. શિષ્ટ અને પ્રિય એમ સાહિત્યના બંને પ્રકારના રૂપોમાં સમાન રીતે લખનાર અને બંનેમાં સફળ એવા સર્જક મેઘાણી વિશે અને મેઘાણીના સાહિત્ય વિશે અવારનવાર અવનવા મુદ્દાઓ ઉપસી આવે છે. આ એક એવા સર્જક છે કે જેમણે સર્જક તરીકે પોતાની જાતને ક્યાંય બાંધી નહિ છતાં ઓતપ્રોત થઈ રસાળ શૈલીમાં સર્જન કર્યું છે. જ્યારે પણ જ્યાં જ્યાં વસવાટ કર્યો ત્યારે ત્યાં ત્યાં તેમની સર્જક દૃષ્ટિએ કંઇક ને કંઇક નવું શોધી કાઢ્યું છે અને સાહિત્યમાં એનું કોઈને કોઈ રીતે પ્રતિબિંબ પાડ્યું છે. ઉદા.’વેવિશાળ’ નવલકથામાં નાયક સુખલાલને મુંબઈ મોકલી મુંબઈનો પરિવેશ ખડો કર્યો છે. એટલું જ નહિ તે સાથે તળ ભૂમિની મહેંક પ્રસરાવવાનું પણ ભૂલતા નથી. મેઘાણી એક એવા સર્જક છે કે જે જેટલું બાહ્ય અને ભૌતિક રીતે જુએ છે એટલું જ તેને ઊંડાણ અને સૂક્ષ્મ રૂપ પણ આપે છે.બંગાળ જાય છે ત્યારે બંગાળી સાહિત્યના સંપર્કમાં આવી બંગાળી સાહિત્યને અનુવાદ રૂપે ગુજરાતીમાં લઈ આવે છે. સર્જક દૃષ્ટિ સદાય જાગ્રત રહે છે.પરિણામે ભરપૂર માત્રામાં સાહિત્યનો ખજાનો તેમની પાસેથી મળ્યો. મેઘાણી એક એવા સમયમાં જીવ્યાં કે જ્યાં અગવડો અનેક હતી. એ તમામ અગવડોને સગવડો બનાવી સર્જન કરતા રહ્યા. નોકરી અને વ્યવસાય અર્થે મુસાફરી કરવાનું થયુ. એ દરમિયાન તેમની દૃષ્ટિ સાહિત્યપરક રહી.જ્યારે કોઈ જગ્યાએ સ્થિર થયા ત્યારે જે-તે પ્રદેશની અસલ સોડમ પ્રસરાવતા રહ્યા.
મેઘાણી એક એવા સર્જક છે કે જેમના સાહિત્યમાં ગામ અને નગર, શિક્ષિત અને અશિક્ષિત, સંસ્કારીતા અને તોછડાઈ એમ બધા તત્વો સમાન રૂપે નીરૂપાતા રહ્યા.ક્યારેક ખૂણામાં પડેલી કેટલીક વાસ્તવિકતાઓ તરફ આંગળી ચીંધી છે તો ક્યારેક નરી આંખે જોઈ શકાય એવા સાધારણ વિષયને પણ પોતાની લેખન શૈલીએ રસાળ બનાવી દિધો છે…
- મેઘાણીની વાર્તાઓમાં સંચાર માધ્યમો
મેઘાણીનો સર્જનકાળ એટલે ગાંધીયુગ. એટલે કે હજી સુધી આધુનિક જીવન શૈલીથી દૂર સંચાર, પ્રત્યાયન કે યાતાયાતની સુવિધાની સીમિતતા. અલબત્ત, ટ્રેન જેવી અંગ્રેજ સરકારની દેન ઉપલબ્ધ હતી. પરંતું,રેડિયો, ટેલિવિઝન, સિનેમા કે ઈન્ટરનેટ જેવી આધુનિક સંચાર સુવિધાઓ વિકસવાની હજુ વાર હતી. કહો કે સામાન્ય જન જીવનમાં ખાસ પ્રસર્યા નહોતા. એ સિવાય ઘોડાગાડી, બળદગાડું, ઊંટ જેવા માનવેતર સુષ્ટિના પ્રાણીઓ મારફતે જ લોક વ્યવહાર ચાલતો. તેની ઉપલબ્ધતા જ એક પ્રતિષ્ઠા મનાતી. વહાણવટું તો ખૂબ મોટી સફર મનાતી. એવા સમયમાં આ બધા માધ્યમો માનવજીવન સાથે વધુ ગાઢપણે સંકળાઈ ગયા હતાં. તેની અસર સાહિત્યમાં વિશેષ વર્તાય છે. આ માધ્યમોના કારણે જે-તે સમયના જનસમાજની એક તસવીર ખડી થાય છે. ઉદા.`અમારા ગામના કૂતરાં'(ઘોડાગાડી), `છાલિયું છાશ'(બગી,ઘોડાગાડી), `કાનજી શેઠનું કાંધુ’ (બળદ ગાડું), `પાનકોર ડોશી'(બળદ ગાડું) `વહુ અનેઘોડો'(ઘોડાગાડી), `વાલો નામોરી'(ઘોડા, ઊંટ) જેવી કેટલી બધી વાર્તાઓમાં આ પ્રાણીઓ આવ્યા છે. જેના કારણે આખો પરિવેશ ખુલવા પામ્યો છે. જે તે વખતે પ્રાણીઓ પ્રત્યાયનના માધ્યમો બની રહેતા તેથી આ માધ્યમો સાથે કથાઓ પણ આપોઆપ જોડાઈ જતી. તેનો અંદાજ આ વાર્તાઓમાં આવે છે.
ઔધોગિક ક્રાંતિના પરિણામે આવેલ ટ્રેન (આગગાડી)સાહિત્ય સર્જન માટે મોકળું મેદાન પૂરું પાડે છે. આજે પણ ટ્રેન એક યાતાયાતનું માધ્યમ હોવા છતાં તેમાં માનવજીવન ધબકતું રહે છે. મેઘાણીના સાહિત્યમાં આ માધ્યમ ખૂબ આવ્યું છે.ઉદા. `ડાબો હાથ’, `રેલગાડીના ડબ્બામાં’, `બદમાશ’, `ગંગા તને શું થાય છે’, `અનંતની બહેન’ જેવી વાર્તાઓમાં ટ્રેન(એક યાતાયાતનું)માધ્યમ આવ્યું છે. આ માધ્યમોમાં ધબકતું માનવ જીવન કથાનો વિષય બને છે. પરિણામે માધ્યમ અને સાહિત્ય બંને સમૃદ્ધ બને છે.
આ ઉપરાંત લેખિત માધ્યમો ખાસ કરીને પત્ર અને ચીઠ્ઠી જેવું નાનું છતાં મહત્ત્વનું માધ્યમ પણ મેઘાણીની વાર્તાઓમાં આવે છે. આ માધ્યમો જે-તે વાર્તાના સંકલનમાં અને સંવેદનનોને કલાત્મક ઘાટ આપવામાં મહત્ત્વના પુરવાર થાય છે.જેમકે ;`હું’,(પત્ર), કિશોરની વહુ'(ચીઠ્ઠી), `મંછાની સુવાવડ'(કાગળ), `કેશુના બાપનું કારજ'(કાગળ) `બદમાશ'(પત્ર, તાર, ટ્રેન) જેવી કેટકેટલી વાર્તાઓમાં આવા સંચાર માધ્યમોને નવું રૂપ મળ્યું છે.
આ સમય દરમિયાન વર્તમાનપત્ર જેવું સમૂહ માધ્યમ પણ સાહિત્યમાં આવ્યું. આપણે ત્યાં સંચાર માધ્યમો મારફતે રચાતા સાહિત્યની ચર્ચા થઈ છે. પરંતુ, સાહિત્યમાં આવતાં સંચાર માધ્યમો વિશે ચર્ચા નથી થતી. જો આ ચર્ચા થાય તો મેઘાણી એ સમયના સંચાર માધ્યમોને સાહિત્યમાં લાવનારા પ્રથમ હરોળના સર્જક સિદ્ધ થાય જ. મેઘાણીના સાહિત્યમાં સંચાર માધ્યમો એક પ્રયુક્તિ તરીકે પણ ઓળખાવી શકાય એટલા સબળ રૂપે નીરૂપાયા છે.હવે કેટલીક વાર્તાઓમાં આવતા સંચાર માધ્યમો વિશે ચર્ચા કરીએ.
૧) બદમાશ :-
- ટ્રેન
- વાર્તા સંકલનમાં મહત્ત્વ :-
મેઘાણીની બહુખ્યાત વાર્તાઓમાંની એક વાર્તા એટલે `બદમાશ’. આ વાર્તામાં ટ્રેન, પત્ર અને તાર એમ ત્રણ સંચાર માધ્યમો આવે છે. વાર્તાની શરૂઆત જ ટ્રેનના વર્ણન દ્વારા થાય છે. “આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઇએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફગાવ્યાં. રૂક્ષ્મિણીએ એ પછડાટમાંથી ઊઠી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રૈન સ્ટેશન-યાર્ડને વટાવી ગઇ. વાર્તાના રહસ્ય પ્રેરક આરંભમાં ટ્રેનનું ચાલતા થવું મહત્ત્વનું બને છે. એ સાથે જ ટ્રેન એ સમયે એક એવું વાહન વ્યવહારનું માધ્યમ કે જેનો નિયત સમય ચૂકી જવાય તો અન્ય વાહનો (એટલી ઝડપથી અને એટલી હદે લાંબો પથ કાપનારા સસ્તા દરે ઉપલબ્ધ) મળે જ નહિ. તેથી જ ટ્રેન ચાલવાનું શરૂ કરી દે તોપણ લોકો તેમાં ચડવાનું ચૂકે નહિ. પડતાં આખડતા પણ ચડે તો ખરાં જ. અર્થાત્ એ વખતની આ માધ્યમની અનિવાર્યતા શરૂઆતમાં જ દેખાઈ આવે છે.વળી,આ જ વર્ણન જરા પ્રતીકાત્મક રીતે જોઈએ તો; આગગાડીના પૈડાંએ પહેલું ચક્કર તો ફરી જ લીધું હતું અર્થાત્ ચિત્તને ચકડોળે ચડાવનાર અલારખો અને તેની ટોળકી એ ડબ્બામાં બેસી જ ચૂક્યા હતા. એ પછી જોઈએ; રામલાલે બારણું ખોલી પત્નીને છેલ્લા ડબ્બામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યા અર્થાત્ એ સાથે જ આ ચક્કર છે તે ઘૂમવા લાગ્યું. આમ, વાતના પ્રારંભિક છેડાને શરૂઆતથી જ ગુંથવામાં ટ્રેનનું ગમન મહત્ત્વનું નીવડે છે. ત્યારબાદ આખી વાર્તા પત્રમાં ખૂલે છે. ત્યારે પત્રમાં ટ્રેનમાં થયેલી ક્રિયા પ્રતિક્રિયા અને ભવાનુભવ વગેરે ખૂલે છે ને વાર્તા પૂરી થાય છે. એ રીતે વાર્તાનો ઉપાડ ટ્રેનના કારણે થયો તેનો મધ્ય ભાગ ટ્રેનમાં ખુલ્યો અને અંત ટ્રેનમાંથી રૂક્ષ્મણીના ઉતરવાથી થયો.આમ, વાર્તાના સંકલનમાં ટ્રેન અનિવાર્ય અંગ બની જાય છે.
- પાત્રના મનોમંથન નિરૂપવામાં મહત્ત્વ :-
પત્ની અને બાળકોને ટ્રેનમાં વિદાય કર્યા પછી ટ્રેનના પૈડાં ફરવા લાગે છે. એ પછી વાર્તામાં રામલાલના ચિત્તના પૈડાં એકમેક ઉપર ફરતાં રહે છે. રામલાલને ખ્યાલ આવે છે કે જે ડબ્બામાં પોતે પત્ની અને બાળકોને નિર્જીવ પોટલાંની જેમ ફેંક્યા હતા એ ડબ્બામાં શહેરનો નામિચો ગુંડો બદમાશ અલારખો અને તેની ટોળકી બેઠી હતી. એ જ અલારખો કે જેણે એકવાર ટ્રેનમાં મુસાફરી કરતા રામલાલ અને તેની પત્નીના ડબ્બામાં સંતાવા માટે આજીજી કરી હતી.કબૂલ્યું પણ હતું કે પોતાની પાછળ પોલીસ પડી છે. પણ રામલાલે તેની કોઈ વાત સાંભળ્યા વગર તેને પોલીસના હવાલે કર્યો હતો. એ અલારખિયાએ કહ્યું હતું કે છુટીને તને છોડીશ નહીં. જેમ જેમ ટ્રેન આગળ વધતી જાય છે તેમ તેમ રામલાલનો ડર પણ વધતો જાય છે. રામલાલનું ચિત્ત અને વિચારો ટ્રેન જેટલી ઝડપથી જ દોડતાં રહે છે. અર્થાત્ ટ્રેન અહીં એક પાત્રના માનસના લેખાંજોખા નીરૂપવામાં માધ્યમ બન્યું. રામલાલ તાર ઓફિસે જઈ તાર કરાવવાનો વિચાર કરે છે.પણ તારના રોકડાં રૂપિયા ત્રણ ખરચતાં જીવ નથી ચાલતો એ સમયની તેની માનસિક સ્થિતિ જોઈએ;
`ખરેખર શું ત્રણ રૂપિયા ખરચવા જેવું સંકટ ઊભું થયું છે? શું મારી પત્ની પોતાની જાતે જ અક્કલ ચલાવી ડબ્બો બદલી નહિ નાખે? શું મારાં આટલા વર્ષોના સહવાસ પછી પણ એનામાં અક્કલ નહિ વધી હોય? કોણ જાણે ? બૈરું છે, સ્ત્રીની બુદ્ધિ હમેશાં પાનીએ જ હોય છે; ભૂલ ખાઇ બેસશે… પણ શું એ કંઇ વિપત્તિ પડતાં સાંકળ નહિ ખેંચી લ્યે? એ બેઠી હશે ત્યાંથી સાંકળ તો નજીક જ હશે ને? પણ સાંકળ કદાચ જામ થઇ ગઇ હશે તો? અમસ્થાય આ રેલવેવાળાઓ સંકટ – સાંકળને ક્યાં ચાલુ સ્થિતિમાં રાખે છે?… પણ તો પછી શું એ ચીસ નહિ પાડી શકે? શું કીકો ચીસ નહિ પાડે? પેલા ડાકુ અલારખાનો પંજો એના મોંને દબાવી રાખશે તો?…’ વિચારોના વમળમાં અટવાતા અંતે તે તાર કરાવે છે.પણ એ તારનો વળતો જવાબ રામલાલની કપરી હાલતને વધુ કપરી બનાવે છે.’ગાડી પાંચ મિનિટ પહેલાં જ છુટી ગઈ છે’
- `તાર’ – ટ્રેન સાથે સંકળાયેલ અન્ય માધ્યમ :-
ટ્રેન સાથે જ એ સમયનું અન્ય એક માધ્યમ પણ દેખા દે છે. `તાર’ તે પરથી તાર એટલે એક એવું માધ્યમ કે જેમાં માત્ર એકાદ બે વાક્યોમાં સંદેશો લેવા દેવામાં આવે. અહી રામલાલના તારનો જવાબ એક વાક્યમાં આવે છે પણ તેની અસર ખૂબ તીવ્ર છે.એ રીતે માધ્યમની અંદર બીજા માધ્યમનું પ્રયોજન પણ સિદ્ધ થાય છે. રા.વિ પાઠકની `મુકુન્દરાય’ વાર્તામાં આવતો તાર સંદર્ભ રૂપે તરત યાદ આવે. જેમાં પણ એક જ વાક્ય આવે મુકુંદ તેના મિત્રો સાથે આવે છે.
આમ, આ વાર્તાના પ્રારંભે બે માધ્યમો આવે છે.જેનું કામ મુખ્યત્વે ભૌતિક રહે છે.પરંતુ સાહિત્યમાં તે આવવાના કારણે તેનું આખું સ્વરૂપ જ બદલાઈ જાય છે. ટ્રેન અને તાર તો દિવસમાં અનેકવાર આવ જા કરતા રહે છે પરંતુ, તેમાં પડઘાતા માનવ જીવન અને અને ધબકાર મેઘાણી જેવા સર્જક ઝીલે છે.
- પત્ર :-
વાર્તામાં આગળ જતાં એક બીજું માધ્યમ આવે છે પત્ર. આધુનિક સમયમાં પણ વધતે ઓછે અંશે જેનું સ્વતંત્ર સ્વરૂપ અસ્તિત્વમાં રહ્યું છે એવું માધ્યમ એટલે પત્ર. મેઘાણીના પત્રો તો આખો એક અલગ અભ્યાસ વિષય બન્યો છે. એ સિવાય પણ સાહિત્યના સ્વરૂપોમાં પત્રો આવ્યા છે અને જે તે કૃતિને ઘાટ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કથા નાયક રામલાલ તારનો વળતો જવાબ વાંચી માનસિક રીતે ભાંગી પડ્યો છે.એવામાં પત્ની રૂક્ષ્મણી તરફથી સમાચાર આવે તો જ તેને ટાઢક વળે તેવી સ્થિતિ સર્જાઈ છે અને રૂક્ષ્મણીનો પત્ર આવે છે. એ માત્ર વાર્તાના કથાનકને જ ઉપયોગી નથી નીવડ્યો પણ અન્ય કંઈ કેટલાંય તાંતણા વણી લે છે. રૂક્ષ્મણીનો પત્ર અહીં મૂકીને વાત આગળ વધારીએ; લેખક પોતે કહે છે તેમ ‘આ કાગળ એક ઓછું ભણેલી, અણઘડ સ્ત્રીની ભાષામાં હતો.શરૂઆત ‘વહાલા’ અથવા ‘મારા વહાલા’ અથવા ‘મારા પ્રાણપ્રિય વહાલા સ્વામીનાથ’ જેવા કોઇ સંબોધન વડે ન થતાં સીધેસીધી વેપારી શૈલીએ મુદ્દાની વાત વડે જ થઈ હતી; એથી કરીને એ પત્ર એન્જિનથી શોભતી જૂની આગગાડીને બદલે વગર એન્જિનની વીજળીક ટ્રેઇન જેવો બાંડો ને બેડોળ લાગતો હતો. આ રહ્યો એ કાગળ-એમાં ફક્ત વિરામચિહ્નો અમારા કરેલાં છે’
તમને તે કાંઇ વિચાર થયો? મેં કેટલું કહ્યું કે મને ભલા થઇને, પાણીનો એક કૂંજો અપાવો – પિત્તળનો નહિ ને માટીનો અપાવો. પણ તમે તો એકના બે ન થયા; કહ્યું કે, ટેશને ટેશને પાણી મળે છે, તો લોટાથી કેમ ન ચાલે? ઠીક લ્યો તમારો બોલ રિયો. રસ્તે પાણીની વપત પડી. છોકરાં નાનાં – રાડ્યો પાડે. ભેળા હતા તેમણે ખાવાનું ચોખામું હિન્દુનું અપાવ્યું. છોકરાં ‘પાણી’ ‘પાણી’ કરે, ને ટેશને ટેશને એ ભાઇ દોડી દોડી પાણી આણી આપે; મને તો કાંઇ પૂછે-કરે નહિ, પણ જોડનાને ક્યા કરે: ‘ઇસકા ધણીએ અમકું બોલ્યા – ઇસકું ધ્યાન રાખજો !’
નૈ નૈ ને પચાસ વાર એણે આ – નું આ વચન ગોખ્યું હતું: ‘ઇસકા ધણીને અમકું ક્યા હે કે, ઇસકા ધ્યાન રખજો !’ બોલતો જાય – ને શું રાજી થાય !
હવે માંડીને વાત કરું છું: ગાડી ઊપડ્યા પછી તરત જ એણે પેલી બાઇને પોતાના- મૂવું શરમ આવે છે – ખોળામાંથી ઉતારી મૂકી કહ્યું કે થોડી છેટી બેશ. ભેળા હતા તેમને તમામને કહ્યું કે ‘ખિલખિલ હસવું બંધ કરો ને બીડીના ધુમાડા ઓ બાજુ મત કાઢો; કેમ કે ઇસકા ધણી અમકુ બોલ ગિયા કે, ઇસકા ધ્યાન રખજો.
પછી બધાં ધીરે ધીરે ધીરે વાતો કરતા હતા. પછે તો ઘણાખરા ઊંઘી ગયા; પણ એ ભાઇ કે’ કે, ‘અમ નૈ ઊંઘું; ઇસકા ધણી અમકુ કહે ગિયા કે…’ વગેરે.
એ બેઠો જ રહ્યો. મને તો કાંઇ ફાળ ને ફડકો – કાંઇ ફાળ ને ફડકો ! કોણ જાણે શા કારણે જાગતો હશે, મને કહે કે, અમા, તમ સૂઇ જાવ. પણ હું શે સુખે સૂઉં? ખોટેખોટું સૂતી. બબલી રૂવે… રૂવે… બૌની બૌ રૂવે. એ ભાઇ ઊઠ્યો; મને કહે કે, ‘અમા, કપડા દે.’
મેં ધાર્યું કે, લૂંટવા આવ્યો છે. મેં હાથ જોડીને રોતે રોતે કહ્યું : ‘ભાઇ, વીરા, આ બધુંય લઇ જા, ફક્ત મારા શરીરને અડકીશ મા, ને મારાં ત્રણ છોકરાંને ઝાલીશ મા.’ હું તો ઉતારવા માંડી ડોકના દાગીના. એ તો ઊભો ઊભો દાંત કાઢે. ઘોડિયાનું ખોયું પોટકીમાં ખોસેલું, તે એણે પોતાની જાતે જ ખેંચી લીધું. પોતાની કને દોરી હતી. ડબાનાં પાટિયાં જોડે ઘોડિયું બાંધ્યું. બબલીને અંદર સુવાડી. છેટે બેઠો હીંચોળ્યા કરે, ને એની પઠાણી બોલીમાં કોણ જાણે શાંયે હાલાં ગાય ! મને થયું કે, ‘જો તો ખરી, મોઇ ! તાલ છે ને ! એક તો હસવું, ને બીજી હાણ્ય. આ દાઢી-મૂછોનો ધણી, સાત હાથનો ઊંચો ખવીસ, કોણ જાણે ક્યાંથી બાયડીના જેવો કંઠ કાઢીને ગાય છે !’ ગાતો ગાતો એ તો મંડ્યો રોવા: આંસુડાં તો ચોધાર ચાલ્યાં જાય. ખૂબ રોઇને મનમાં મનમાં બોલતો જાય કે ‘બીબી ! બચ્ચા કિધર ! તું કિધર ! હમ કિધર !’
બબલીયે રાંડ કેવી ! હું રોજ મરી – પીટીને ઊંઘાડું – ને આંઇ તો આને હીંચોળ્યે ઘોંટી ગઇ. અરેરે ! તમે કોઇ દાડો મારી બબલીને હીંચોળી છે? કોઇ દાડો હાલાંનો એક રાગડોય કાઢ્યો છે ! તમે તો જ્યારે હું વીનવું ત્યારે, બસ એમ જ કહીને ઊભા રહો કે ‘એ મારૂં કામ નહીં; હું મરદ છું. જોજો – મરદ જોયા ન હોય તો !’
ઠીક, મૂકો એ વાત. એમ કરતાં તો રાતના ત્રણેક વાગ્યા હશે. એક જંકશન આવ્યું. અમારા ડબાની સામોસામ બગલથેલીઓને બિસ્તરાનો એક ઢગલો લઇ વીસેક ખાખી દરેસવાળા આવી ઊભા. પ્રથમ તો એ ભાઇ બેઠા હતા તે ખાના ઉપર ગયા… પણ જઇને તરત પાછા ફર્યા. મારા ખાના ઉપર આવીને, કહે કે, ‘બાઇ, આ ખાનું તમારે ખાલી કરવું પડશે.’
મેં કહ્યું : ‘શા માટે?’
એ કહે: ‘ખબર નથી ? લોકસેવકની સવારી જાય છે !’
હું સમજી ન શકી. મેં પૂછ્યું: ‘તમે સરકારવાળા છો?’
એ લોકો હસ્યા, કહે કે,’હા, હા, આજની નહિ પણ આવતીકાલની સરકારવાળા ! ચાલો-ઊતરો; તમને બાજુના ડબામાં બેસારી દઇએ.’
મેં દીન બનીને કહ્યું:’ભાઇ, મારાં નાનાં છોકરાં ઊંઘી ગયાં છે. મારી કને ઝાઝો સામાન છે.’
એ કહે: ‘શરમ છે, બાઇ ! લોકસેવકને ચરણે જ્યારે બીજી સ્ત્રીઓ દરદાગીના ને હીરા-મોતીના હાર ઠાલવે છે, ત્યારે તમે એક ખાનું ખાલી નથી કરી શકતાં? તમને એટલુંય નથી થતું કે લોકસેવકને ત્રીજા વર્ગના ડબામાં જ બેસવાનું વ્રત છે? અરેરે, તમને પેલી ‘શ્રેષ્ઠ ભિક્ષા’ વાળી કથાય નથી યાદ?’
હું તો કશું સમજી નહિ. મારાથી બોલાઇ ગયું કે, ‘મૂવા તમારા લોકસેવક ! જીવ શીદ ખાવ છો?’
મારા મોંમાંથી કવેણ તો નીકળી ગયું; પણ સાંભળીને પેલા કહે કે, ક્યાં જઇશ ! ટૂંકમાં, મારા માથે માછલાં ધોવા મંડ્યા, ને મારા પોટલાં ઊંચકી બાજુમાં કાઢવા ઉપર ચડયા. હું ‘એ ભાઇશાબ…’ એટલું કહું ત્યાં તો સામેના ખાનામાંથી પેલો ઊઠ્યો, ઉપર ચડેલા પીળા દરેસવાળાની બોચી ઝાલી, ઝાલીને આંખો ફાડી એટલું જ બોલ્યો કે ‘ઇસકા ધનીએ અમકું કહ્યા હેં કે, ઇસકા ધ્યાન રખના-માલૂમ?’
પેલા બધાની તો આંખો જ ફાટી રહી; ને પેલાને બોચીએથી ઝાલેલો તો વાદીના હાથમાં જેમ ચંદન – ઘો ટટળે એમ ટટળી રિયો. પછી કોની મગદૂર કે મારા ખાનામાં ચડે ! પેલો જે મને ઊતરવાનું કે’તો હતો, ને ‘લોકસેવક’ ‘લોકસેવક’ કરતો’તો, તે જ તરત કહેવા મંડી પડ્યો કે, ‘ભાઇઓ, ચાલો બીજે ડબે. કોમી એકતાને તોડવી ન જોઇએ. આપણે ગમે ત્યાં સાંકડમોકડે ભરાઇ જઇશું. પઠાણો તો આપણા સાચા ભાઇઓ છે.’
ને પછી કોઇક્ની જય બોલાવી, ‘અલા-હું-અકબર’ના અવાજ કર્યા ને રવાના થઇ ગયા.
એકલો પડીનેય પેલો તો જાણે કે પોતાના મનને કહેતો કે, ‘અમકું બોલા- ઇસકું ધ્યાન રખજો, સાબાશ !’
એમ લવતો લવતો એ પોતાને જ હાથે પોતાની છાતી થાબડતો હતો; ઘડીક પોતાની છાતી થાબડે, ને ઘડીક પોતાની પીઠ થાબડે; ગાંડો જ થઇ ગયો હતો એ તો !
સવારે હું ઊતરી ત્યારે એણે બચલાને, જેન્તીડાને તેમ જ ટપુડાને ઝાલી ઝાલીને બચીઓ ભરી; માથા ઉપર હાથ મૂકી કહ્યું કે, ‘સલામ માલેકુમ.’
મેં કહ્યું: ‘ભાઇ, તમે મારી બહુ પત રાખી. મુંબઇ આવો તો અમારે ઘેર આવજો. અમારું ઘર અમુક અમુક ગલીમાં છે, ને જેન્તીડાના બાપનું નામ “ર” અક્ષર ઉપર આવે છે.’ મારા ભાઇને મેં કહ્યું: ‘ભાઇ, આમને તમારા બનેવીનું પૂરું નામ તો આપો..’ મારા ભાઇએ કહ્યું: ‘રામલાલ ચુનીલાલ મેશરી.’ કહેતાં જ એના કાન ચમક્યા: ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા. પછી એ હસી પડ્યો. મારા ભાઇએ એને આપણું સરનામું લખીને ચબરખી આપવા માંડી, પણ એણે હસીને ના પાડી; આકાશ સામે આંગળી ચીંધાડી. -લખિતંગ રૂખમણી.
- ચરિત્ર ખોલવામાં મહત્ત્વ:-
રૂક્ષ્મણીનો પત્ર આ નવલિકાનું મધ્યસ્થ બિંદુ છે. વાર્તાના આરંભથી જે એક તણાવ રચાયો છે તે આ પત્રથી દૂર થાય છે. અલારખો કે જેના નામ માત્રથી જ કથા નાયક રામલાલ ભાવિ ભયથી ફફડી રહ્યો છે તે કેટલો પોકળ છે તેનો ખ્યાલ આ પત્ર પરથી આવે છે. અલારખો કે જેને બદમાશ ગુંડો અને શહેરનો એક નામચીન વ્યક્તિ તરીકે ઓળખાવી તેના નામે થયેલી લૂંટફાટો વગેરે વિશે સ્ટેશન પરના લોકો જે સંભળાવે છે એ ખરેખર તો એક સાચો સંવેદનશીલ માણસ છે.કોઈપણ વ્યક્તિ કે જે પોતાના સ્વજન, સંતાનને પરિવારથી દૂર રહે છે તેનો ભાર તે હૃદયમાં દબાવી રાખે છે. પણ ભાવોનું દમન અમુક સમય પૂરતું જ થઈ શકતું હોય છે. સમય અને સંજોગો પ્રમાણે તે આપોઆપ વ્યક્ત થઈ જતાં હોય છે.બદમાશ અલારખો પણ એવો જ એકલો થઈ ગયેલો ને ઉંધે માર્ગે ચડી ગયેલો પણ `માણસ’ છે. અજાણી રૂક્ષ્મણી(સ્ત્રી)ના સ્ત્રીત્વનનું રક્ષણ કરે છે. વારેવારે બોલે છે `ઇસકા ધણીને અમકું બોલ્યા – ઇસકું ધ્યાન રાખજો.’ માત્ર એક વાક્ય જ આ માણસને માટે પર્યાપ્ત છે. દુનિયા આખી તેને નાલાયક માને છે પણ એક વ્યક્તિ (રૂક્ષ્મણીના પતિએ)એ તેને જવાબદાર માન્યો છે. પરિણામે અંતરમાં છૂપાયેલી સાચી ભાવના જાગ્રત થાય છે. આ અલારખો રૂક્ષ્મણીના બાળક માટે અભિજાત લાગણી અનુભવી એને સાચવે છે.સ્ટેશને સ્ટેશને ઉતરી પાણી અને ખાવાનું લાવી આપે છે. વળી, હિંચકાવતો હિંચકાવતો હાલરડાં પણ ગાય છે. અંતે બોલી ઉઠે છે ‘બીબી ! બચ્ચા કિધર ! તું કિધર ! હમ કિધર !’ એ જ અલારખો અંતે રામલાલનું સરનામું લેવાની ના પાડે છે. એ ધારે તો રામલાલનો બદલો લઈ શકે.પણ તેમ નથી કરતો.મેઘાણી કૃત માણસાઈના દીવા ચરિત્ર ગ્રંથ અહીં યાદ કરવો ઘટે. જેમાં બુરાઈ તો માણસે સંજોગોવશાત પહેરેલ એક મ્હોરું માત્ર હોય છે. અંતે તો દરેક માણસની શોધ પ્રેમ અને શાંતિની જ હોય છે. અલારખાના વ્યક્તિત્વમાં આ ગુણ પમાય છે. વિરોધાભાસ છે છતાં સહજ સ્પર્શનીય બનવા પામ્યો છે.
- વસ્તુ વિકાસમાં મહત્ત્વ :-
આગળ કહ્યું તેમ આ કૃતિનો મધ્ય ભાગ પત્રમાં જ છે. રામલાલે ટ્રેનમાં પત્ની અને બાળકોને બેસાડી દીધા પછી શું થયું…? એ રહસ્ય નિર્માણમાં સ્ટેશન પરના લોકોના સંવાદો મહત્ત્વના બન્યા છે. પણ હજુ આગળ શું થશે તે વિશે ભાર તોળાય છે. એ સમગ્ર ઉપર્યુક્ત બનાવો ટ્રેનમાં બને છે.જેનો ખ્યાલ પત્ર દ્વારા આવે છે. આ ઉપરાંત ટ્રેનમાં લોકસેવકની સવારી આવે છે. જે રૂક્ષ્મણીને જગ્યા ખાલી કરી દેવા ધમકાવે છે.એ વખતે તેનો બચાવ અલારખો કરે છે. ને અંત સુધી રૂક્ષ્મણીની દેખભાળ પોતાના સ્વજન જેમ કરે છે.આ ઉપરાંત રૂક્ષ્મણીના પોતાના પતિ દ્વારા પણ જે બાળકી છાની ન્હોતી રહેતી એ બાળકી આ અલારખાથી છાની રહી જાય છે. જેને પતિએ ક્યારેય રમાડી ન્હોતી. એ અંગેનો સ્ત્રી સહજ રોષરૂક્ષ્મણી પતિ સામે ઠાલવે છે.પરિણામે કથાના તાણાવાણા બંધાતા જાય છે. એક ગૃહસ્થ સ્ત્રીની નજરે જોયેલા-અનુભવેલા બનાવો ખૂલવા લાગે છે.
- પરિવેશ ઉઘાડવામાં મહત્ત્વ :-
આ વાર્તામાં ટ્રેન, તાર અને પત્ર એમ ત્રણેય માધ્યમો દ્વારા એ સમયનો પરિવેશ ખુલવા પામ્યો છે. ટ્રેનમાં બેઠેલી સ્વછંદ રીતે વર્તતી અલારખાની ટુંકડી જ એ સમયના પરિવેશને જીવંત કરે છે. જાહેર સ્થાનોએ પણ પોતાની મરજી મુજબ અન્યનો વિચાર કર્યા વિના હરતી ફરતી ગુંડાગીરી કરતી ટોળકીનું પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. આ ઉપરાંત લોક સેવકોના નામે સામાન્ય પ્રજા પર જોહુકમી કરતા વિધર્મીઓ પણ દેખા દે છે. આ બધું ટ્રેનમાં બને છે. અર્થાત્ પરિવેશ ઉઘડવામાં ટ્રેન માધ્યમ બને છે.
- વાર્તા રસ ખીલવવામાં મહત્ત્વ :-
રૂક્ષ્મણીનો પત્ર અનેક રીતે મહત્ત્વનો બન્યો છે. ભલે એ એક ઓછું ભણેલી અણઘડ સ્ત્રી દ્વારા લખાયેલ છે. તેમાં ભાવની સરસાઇ છે. તેમાં એક એવી સ્ત્રી દેખાય છે કે જેણે બહારની દુનિયા ભલે નથી જોઈ પણ અંદરની દુનિયાની જાણકાર છે. એ સાચદિલ સ્ત્રી સાચદિલ માણસની ભાવનાની કદર કરે છે. ત્યારે એમાં ભાવોનું તાદાત્મ્ય અનુભવાય છે. તેની અનુભૂતિની અભિવ્યક્તિ ખૂબ સહજ બની છે. પત્રમાં એક ઘરેલું સ્ત્રીના વિચારો અને વાસ્તવિક અનુભવો શબ્દોરૂપે મિષ્ટ બન્યા છે. ઉદા.’…એ બેઠો જ રહ્યો. મને તો કાંઇ ફાળ ને ફડકો – કાંઇ ફાળ ને ફડકો ! કોણ જાણે શા કારણે જાગતો હશે, મને કહે કે, અમા, તમ સૂઇ જાવ. પણ હું શે સુખે સૂઉં? ખોટેખોટું સૂતી. બબલી રૂવે… રૂવે… બૌની બૌ રૂવે. એ ભાઇ ઊઠ્યો; મને કહે કે, ‘અમા, કપડા દે.’ વિચારો સાથે વાતચીતની લઢણ ને લય લહેકો ભળતાં રસનો અનોખો જ અનુભવ થાય છે.ભયાનક ને અદભુત રસમાં ફેરવી નાખનારી આ અભણ અણઘડ સ્ત્રીએ પત્ર દ્વારા આખી વાર્તાને બીજી દિશામાં વાળી દીધી છે.
આમ, આ વાર્તામાં પત્ર અને ટ્રેન બે ખૂબ મહત્ત્વના માધ્યમો બન્યા છે. આ બંને માધ્યમો સાહિત્યમાં આવતાં કળા તો સિદ્ધ થાય છે l. સાથે પોતે પણ સમૃદ્ધ બને છે. અર્થાત્ બંને પરસ્પર પૂરક નીવડે છે.
૨) વહુ અને ઘોડો
વહુ અને ઘોડો પણ મેઘાણીની એટલી જ મહત્ત્વની વાર્તા છે. જેમાં તત્કાલીન જનજીવન સાથે સંકળાયેલા માધ્યમ (ઘોડો)અને વર્તમાન પત્ર જેવું સમૂહ માધ્યમ આવ્યા છે. આ બંને માધ્યમો પણ સાહિત્યિક પ્રયુક્તિ તરીકે ઓળખાવી શકાય એટલા સભર બન્યા છે. ઘોડો તો અલબત્ત, જાતીયતાના પ્રતીક તરીકે પહેલેથી ચિન્હિત કરવામાં આવેલ છે જ. પણ અહીં ઘોડો એ સંદર્ભ પૂરતો સીમિત નથી રહી જતો.વાર્તામાં આવતો ઘોડો અને વર્તમાનપત્ર અગત્યના બને છે.
- ઘોડો
- વાર્તા સંકલનમાં મહત્ત્વ
કથાના આરંભ મધ્ય અને અંત સુધી ઘોડાની હાજરી વર્તાય છે. અહીં શેઠ ઘરની ઘોડાગાડી અને તેમાં બેઠેલી વહુવારુઓને જોવા અધીરી બનતી કથા નાયિકા છે.તેને મન આ બહારથી દેખાતું સુખ જ જાણે સાચું લાગે છે. પરંતુ,ગામ આખું જાણે છે કે આ ઘોડાઓ વારંવાર બદલતા રહે છે.એક ઉપર બીજો લાવવામાં આવે છે. એ જ રીતે આ શેઠ ઘરની વહુઓ પણ બદલાતી રહે છે. પરંતુ, એ મૃત્યુ સહજ નથી હોતું.શેઠ ઘરના શેઠિયાઓ આ સ્ત્રીનો ઉપભોગ કરી તેમને મરવા વાંકે છોડી મૂકે છે. તેમને સોનાના ઘરેણાં પહેરાવવામાં આવે છે પણ ખવડાવવામાં નથી આવતું.બહારથી આવનાર મહેમાનો માટે ખર્ચો કરવામાં આવે છે પણ ઘરની વહુવારુઓ માટે ભોજનની કાળજી લેવાતી નથી. કથાની નાયિકા માત્ર બાહ્ય દેખાવથી પ્રભાવિત થઈ જાય છે.તે જ્યારે ભમરી ના ઝાળા તોડે છે ત્યારે રતનમા કહે છે. રહેવા દે પાપણી ઓલે ભવ તને શેઠ ઘરની વહુ થવું પડશે.ત્યારે તારા (કથા નાયિકા) વિચારે છે. એવું જો થવાનું હોય તો તો હું આવું પાપ કરું જ…અરે શેઠના ઘરની વહુ તો શું તેના ઘરનો ઘોડો થવા મળે તોપણ તે રાજી થાય છે. વિચારે છે કે જેના ઘરે ઘોડાને પણ આટલો શણગારવામાં આવે છે અરે માખી કે મચ્છર ના કરડે એ માટે આખા શરીર ઉપર જાળી બાંધી છે એ ઘરની વહુવારુઓ કેટલું સુખ પામતી હશે.
એવામાં શેઠના ઘરની એક વહુ બીમાર પડી .તેની બીમારી લાંબી ચાલી નહિ અને તે મૃત્યુ પામી.અને શેઠ ઘરની વહુ તારા બની જાય છે. શેઠ ઘરે આવ્યા પછી તારાને બધી હકીકત સમજાય છે. જે ઘોડાને આટલો શણગારીને બહાર કઢાતો એ ઘોડાને ખાવા અપાતું નહિ. એ જ્યારે મરવા પડે ત્યારે તેને અન્યને મૂર્ખ બનાવી વેચી નખાતો ને એના પર બીજો લવાતો.
શેઠ ઘરમાં જેટલો તિરસ્કાર ઘોડાનો થાય છે એટલો જ તિરસ્કાર તારાનો થાય છે. જેટલાં વાકબાણ ઘોડાને તેની મા ને બાપના નામે મરાય છે એટલા જ તારા ને મરાય છે. તારા ત્યારે ઘોડાને પોતાનો ભાઈ માને છે. ઘરમાં બંનેની સ્થિતિ સરખી છે. કશાય વાંક વગર બંનેનો ભોગ લેવાય છે.વાર્તાના અંતે ઘોડો બદલાય છે. ઘોડાની દોરી છોડાય છે ત્યારે તારા વિચારે છે કે ઘોડો તો છું ટી ગયો. પણ પોતે ક્યારે છૂટશે..? ને એક વેધ ક અંત સાથે વાર્તા પુરી થાય છે.
- જાતીયતાના પ્રતીક તરીકે મહત્ત્વ
ઘોડો સાહિત્યમાં જાતીયતાના પ્રતીક તરીકે આવે છે. આ વાર્તામાં પણ એ સંદર્ભે આવે છે. અહીં શેઠ ઘરે ઘોડો મરવા પડે ત્યાં સુધી તેની પાસેથી કામ લેવામાં આવે છે અને પછી તેને વેચી દે છે. એ જ રીતે જાતીયતા સંતોષવા એક પછી એક સ્ત્રી લાવવામાં આવે છે. સ્ત્રીઓને પણ ઘોડાની માફક શણગારવામાં આવે છે. સોનાના ઘરેણાં પહેરાવવામાં આવે છે. એ ઘરેણાં જ્યારે સ્ત્રી પ્રથમ વાર પહેરે છે ત્યારે ફીટ બેસે છે પણ પછી તે મોકળા થતાં જાય છે. તેને દોરા વડે બાંધી સાચવી રાખે છે આ સ્ત્રીઓ.જેમ ઘોડો બીમાર પડતાં બદલી નાખવામાં આવે છે પણ સ્ત્રીને તો મોત સુધી છુટકારો નથી મળતો. શેઠિયાઓ જ્યાં સુધી ધરાય નહિ ત્યાં સુધી તેઓ સ્ત્રીનો ઉપભોગ કરી તેને રોગિષ્ઠ બનાવી મરવા માટે છોડી દે છે. એ રીતે જાતીયતાના પ્રતીક તરીકે ઘોડો મહત્ત્વનું માધ્યમ બન્યો છે.
- પરિવેશ ઉઘાડવામાં મહત્ત્વ
આ વાર્તામાં ઘોડો અને ઘોડા ગાડી બંને મહત્ત્વના નીવડ્યા છે. શેઠ ઘરના વહુવારુઓ ઘોડા ગાડીમાં બેસી ગામમાં નીકળે છે ત્યારે ગામ આખું એ સવારી જોઈ રહે છે. તેના જ કારણે કથા નાયિકા શેઠ ઘરની વહુ થવાનું સપનું જુવે છે. આ ઘોડાને માખી કે મચ્છર ના કરડે એ માટે આખે અંગે જાળી પહેરાવવામાં આવે છે.તેની ડોકે ઝુલ ઝૂલે છે. ઘૂઘરા ઘમકે છે. આ સવારી જોઈ ને સૌ તેને ચાલવા રસ્તો કરી દે છે.આ સવારીમાં બેઠેલા શેઠ ઘરની વહુવારુઓને જોવા લોકો ઉમટે છે. પણ દરેક વહુવારુઓ લાંબા ઘૂમટા તાણી બેઠેલી એના હાથની બંગડીઓ પડવા વાંકે લટકી રહી હોય છે. એ હાથ લોહી ઉડી ગયેલા હોઈ ગોરા દેખાય છે. અર્થાત્, શેઠ ઘરની અસલિયત સંકેત રૂપે આ ઘોડાગાડીમાંથી જ થઈ જાય છે. શેઠ ઘરની બાહ્ય રીતે દેખાતી શાન કેટલી પોકળ છે એ અંદર જોતાં ખ્યાલ આવે છે. વર્ણ વ્યવસ્થા મજબૂત છે પરિણામે અન્યને તેનો ખ્યાલ આવતો નથી. અને બાહ્ય દેખાવ જ સાચો માની લે છે.
- મુખ્ય નાયિકાના મનોજગતને ઉઘાડવામાં મહત્ત્વ
કથા નાયિકા તારાના સાસરિયામાં તારા નું પોતાનું કહી શકાય એવું જો કોઈ હોય તો ઘોડો છે. બીજા અર્થમાં કહી શકાય કે ઘોડા જેટલી જ કિંમત તારની છે. તારાના જેઠ ઘોડાને સંબોધીને જે કટુ વચનો બોલે છે તે સાંભળતા તારા પોતે વિચારે છે કે ઘોડો મને મારા સગા ભાઈ જેવો લાગે છે. આ ઘરમાં જેટલા મારા બાપના નામે માછલાં ધોવાય છે એટલા આ ઘોડાને માથે ધોવાય છે.
- વર્તમાન પત્ર
આ વાર્તામાં વર્તમાન પત્ર નહિ પણ વર્તમાનપત્રની દૈનિકતા કેન્દ્રમાં છે. વર્તમાનપત્રના કોઈ સમાચાર પણ મહત્ત્વના નથી.પણ એનો વેચનાર કેન્દ્રમાં છે. કથામાં રસિક રસિક નામનો છાપા વેચનાર માણસ છે. જે રોજ ગામમાં છા પું નાખવા જાય છે. જેનો પ્રત્યક્ષ કોઈ સંવાદ પણ નથી.કથા નાયિકા તારા મોટી થાય છે ત્યારે તેના માતા પિતા તેના માટે મુરતિયો શોધવાનું વિચારે છે ત્યારે મજાક મશ્કરી રૂપે રસિકનું નામ લેવાય છે. પણ તારાને એના પગની કાળી પડી ગયેલી પિંડીઓ જોઈ તેનાથી નફરત થાય છે. વાર્તાના અંતે એક બાજુ ઘોડો છોડાઈ રહ્યો છે ત્યારે બીજી બાજું તારાને રસિકની પગની કાળી પિંડિયું યાદ આવે છે. કે એ જાણે આવી રહ્યો છે અને પોતાને લઈ જશે.રોજ છા પુ નાંખવા જતો રસિક ક્યારેક આ બાજુ આવી ચડે ને તે તેની પિંડીયું સાથે નીકળી પડે. એ રીતે વર્તમાનકાળ અને ભૂતકાળ સામ સામે અથડાય છે…
- ૩) જટો હલકારો
`જટો હલકારો’ મેઘાણીની એક તળ પ્રદેશની સત્ય હકીકત આધારિત વાર્તા છે. આ વાર્તામાં ટપાલ જેવું માધ્યમ આવ્યું છે. સુખ દુઃખની ટપાલોનો પોટલો લઈને એક ગામથી બીજે ગામ જતો જટો હલકારો કેન્દ્રમાં છે. ઘૂઘરા ઘમકાવતો નિજાનંદે જતો હલકારો મૂળે ટપાલી છે. આ વાર્તામાં આંબલા ગામમાંથી પસાર થતા રજપૂત અને રાજપૂતાણી છે. રજપૂતાણી એ અંગે સોનાના ઘરેણાં પહેર્યા છે. પોતાને ગામ જતાં આ રાજપૂતાણી ને અચાનક પ છવાડેથી ઘૂઘરા ઘમકવાનો અવાજ આવે છે. એ છે જટો હલકારો. જેની પાસે ટપાલોનું પોટલું છે. રાજપૂતાણી ને ખબર પડે છે કે એ પોતાના પિયર સનોસરાથી આવી રહ્યો છે એટલે પિયરના કુશળ પૂછે છે. ધીમે ધીમે પથ કપાતો જાય છે. હલકારો ઘૂઘરા ઘમકાવતો આગળ ચાલે છે એટલામાં કોળીઓની ટોળી લૂંટવા આવી ચડે છે. બાઈ પાસેથી ઘરેણાં તો છીનવી લે છે પણ ઘરેણાં ઉતાર્યા પછી બાઈની સુંદર દેહ આ કોળીઓ માટે આકર્ષણનું કારણ બને છે અને તેની સાથે છેડતી શરૂ થાય છે. અને રાજપૂતાણી એ જટાના નામની બૂમ પાડે છે. જટો તેની વારે આવે છે ને મરે છે. રાજપૂતાણી તેના શૌર્ય પાછળ સતી થાય છે. આજે પણ સનોસરા અને રામધરી વચ્ચે જટા હલકારાની સ્મૃતિ ખડી છે. કથા રૂંવાડા ખડા કરી દે છે.
અહીં પણ ટપાલ કે પત્ર જેવા માધ્યમોના કારણે પરિવેશ ખુલ્યો છે. એક સમયની વાતને દસ્તાવેજી રૂપ આપે છે. જન માનસનો જીવંત દાખલો મળી રહે છે. વીરતા અને પ્રામાણિકતા સભર જીવનની છબી મળે છે. અન્ય માધ્યમોની અવેજીમાં ટપાલીએ પગપાળા પ્રવાસ કરી પત્ર કે ટપાલ પહોંચતી કરવાની થતી. તેમજ પગે ઘૂઘરા બાંધવા પાછળ જાનવરોથી બચવાનું કારણ પણ હોઈ શકે. આ વાર્તામાં પત્ર જ માત્ર નહિ પણ પત્રનો લાવનાર અને લઈ જનાર વિશિષ્ટ બને છે.
- માનવમૂલ્યનું દસ્તાવેજીકરણ કરવામાં મહત્ત્વ
વાર્તામાં પત્રનો વહેંચણીનાર ટપાલી કશાય આગળ પાછળનો વિચાર કર્યા વિના પોતાના જીવનનું બલિદાન આપી દે છે. જે માનવ જીવનના સાચા મૂલ્યો પૈકીનું એક છે.જેમાં પદ પ્રતિષ્ઠાને કોઈ સ્થાન નથી. માત્ર સાચા સંવેદનની જ પરાકાષ્ઠા છે. પરિણામે દસ્તાવેજી રૂપ બની જાય છે.તેથી કહી શકાય કે અહીં પત્ર સાથે એક સાચી કથાનું દસ્તાવેજીકણ થયું છે.
- પરિવેશ ખોલવામાં મહત્ત્વ
વાર્તા જોતાં જણાય છે કે આ માધ્યમ સમય અવધિ વધુ લેતું. તેમાં દૈનિક્તા જળવાતી નહિ. તેમજ પ્રતિભાવ પણ તરત મળી શકતાં નહિ. યાતાયાતની સુવિધાઓ ખાસ વિકસી નહિ હોય એ સ્પષ્ટ થાય છે. કારણ અહીં રાજપૂત અને રાજપૂતાણી જેવા ઉચ્ચ વર્ણના લોકો પણ ચાલતાં એક ગામથી બીજે ગામ જાય છે. અને જ તો હલાકારો પણ. આ ઉપરાંત જંગલી પશુ પ્રાણીઓનો ભય પણ રહેતો હશે. જેમાં એકલા વ્યક્તિ માટે મુસાફરી કરવાનું અઘરું બની જતું હશે. તેથી પગપાળા જતો જટો પોતાના પગે ઘૂઘરા બાંધી ચાલે છે.
- ભાવિ સંકેત રચવામાં મહત્ત્વ
હા, એટલું અનુમાન લગાવી શકાય કે આ બનાવ પણ કોઈ પત્રમાં અવશ્ય આવ્યો હશે. કારણ જટો હલકારો જે આખું પોટલું લઈને નીકળે છે તેમાં અનેક પત્રો છે. અને તેમાંથી કોઈ પત્રની રાહ જોવાતી હશે. કે કોઈ પત્રના પ્રત્યુતરની રાહ જોવાતી હશે એવો સંભવ છે. પત્રોનું પોટલું તો એકબાજુ ફેંકાઈ ગયું હશે. પછી એ પત્રો કોઈને હાથ લાગ્યા હશે. એ પછી આ બનાવ પાછો પત્રોમાં સચવાયો જ હશે. એ રીતે એ પત્રોએ એક આખી વાર્તા માટે રહસ્ય ઉભુ કર્યું છે.
આમ, પત્ર સાથે તત્કાલિન પરિવેશનો અંશ આપોઆપ જોડાઈ જાય છે.
- ૪) એ આવશે
મેઘાણીની ઓછી ચર્ચાયેલી અથવા નહિવત્ ચર્ચાયેલી નવલિકા એટલે `એ આવશે’. પરદેશી ભાવ વિશ્વમાં લઈ જતી કથા. મેઘાણીએ સાહિત્ય ક્ષેત્રે લગભગ તમામ માધ્યમો લઈ આવ્યા છે. આ વાર્તામાં જહાજ જેવું તત્કાલીન જનજીવનનું માધ્યમ આવ્યું છે. જેમાં સફર લાંબા સમયની અને લાંબા માર્ગની છે. જીવન તો દરેક ક્ષણે અને દરેક સ્થિતિમાં જીવાતું જ રહે છે. જીવન એ તમામ પરિસ્થિતિમાં નવો અનુભવ આપે છે. સર્જક મેઘાણી એ રંગો ઝીલી લે છે. `એ આવશે’વાર્તા તેનું જીવંત દૃષ્ટાંત છે. અહીં નિરૂપિત કથાબીજ આગળ કહ્યું તેમ પરદેશી છે પણ તેનો આરંભ અને અંત સ્વદેશી બને છે. વાર્તામાં જહાજમાં બેસીને વાર્તા નાયક પરદેશમાં જાય છે. એક એવા ભૌતિક સ્વર્ગ પર કે જ્યાં સપનાની પરીઓ જેવી પણ સાચી યુવતીઓ ભોગવવા મળે છે. એ પણ પસંદગીની. મેઘાણી આ વ્યવસાય સાથે સંકળાયેલા બનાવો અને તથ્યો નીરૂપતા નથી પણ તે સાથે આકાર લેતી એક પ્રેમ અને સચ્ચાઈની કથા ગુંથે છે.
- જહાજ
આગળ નોંધ્યું તેમ આ વાર્તામાં જહાજનું માધ્યમ આવ્યું છે. જેમાં એક દેશથી બીજા દેશ સુધી મુસાફરી શકય બને છે. અલબત્ત,આ મુસાફરી પણ સામાન્ય માણસ નથી કરી શકતો.ધનવાન કે ધંધાકીય રીતે અગ્રેસર હોય તે જ મુસાફરી કરી શકે.કારણ કે એક તો આ
લાંબા સમયની મુસાફરી અને મોંઘી કહી શકાય એવી મુસાફરી.તેથી વાર્તામાં આવતા બંને પાત્રો શેઠ છે. તેમનો દેખાવ તેમની વર્તણૂક બધું એ સ્પષ્ટ કરે છે.હવે આ માધ્યમ વાર્તામાં કઇ રીતે સંકળાયેલું છે તે જોઈએ ;
- વાર્તા સંકલનમાં મહત્ત્વ
સંચાર માધ્યમની રીતે જોઈએ તો જહાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને કથા શરૂ થાય છે જહાજ એ જગ્યાએથી પાછું ફરે છે ત્યારે કથા વિસ્તરે છે અને જહાજ ફરી એની એ જગ્યાએ આવે છે ત્યારે કથા વિરમે છે. એ રીતે કથાના આરંભ મધ્ય અને અંતના અંકોડા જોડવામાં જહાજનું માધ્યમ મહત્ત્વનું બન્યું છે. આ ઉપરાંત જહાજ જેવા સામાન્ય મુસાફરીના માધ્યમ સાથે કથા ભળતાં માધ્યમનું પણ મહત્ત્વ વધી જાય છે. કથા નાયક અને તેનો મિત્ર જહાજમાં બેસીને એક એવા દેશમાં પહોંચે છે કે જ્યાં સુંદરીઓ ભોગવવા મળે છે. આ દેશમાં સુંદરીઓ પોતાના ઘર છોડી વારાંગના બને છે અને પોતાના પરિવારને આર્થિક મદદ પહોંચાડે છે. એ પછી અમુક વખતે પાછી પણ જતી રહે છે. અને કુલીન ઘરની વહુઓ બની જાય છે. વળી, અહીં પરદેશી પુરુષ સાથે બે ચાર મહિનાના મુદતી લગ્ન કરી પૈસો કમાઈ છુટી જતી અને ફરી પોતાના દેશના પુરુષ સાથે લગ્ન કરી સ્થિર થઈ જતી સુંદરીઓ છે. કથાના આરંભે જ જહાજ લાંગરે છે. તેમાંથી ઊતરેલો કથા નાયક આમાંની એક યુવતી સાથે મુદતી લગ્ન કરે છે. સાથે જ કથાનો આ અંશ પણ વણાય જાય છે.
જહાજ પાછું ફરે છે. કથા નાયક આ યુવતીને વચન આપતો જાય છે.ચકલાં પાછાં માળા બાંધશે ત્યારે તે પાછો આવશે.જહાજ પાછું જતાં કથા પણ અટકે છે. આ નાયકના પાછાં આવવાની રાહ જોયા કરે છે. ફરી લગ્ન નથી કરતી. એટલું જ નહિ એ નાયકના દેશમાં જઈ પૂછાવે પણ છે કે શું તમારા દેશમાં ચકલાં દર વર્ષે માળા નથી બાંધતા?
કથાના અંતે નાયક જહાજમાં પાછો ફરે છે. નાયિકા તેની રાહ જોઈ રહી છે.પણ નાયક તેની પાસે છેલ્લી વિદાય લેવા આવ્યો હોય છે. નાયિકા તો પોતાના બાળકને બતાવવા તલ પાપડ હોય છે. પણ નાયક પોતાની પત્નીને બતાવે છે. એટલે આ વિરહિણી નાયિકા ગળે ચાકુ હુલાવી આત્મહત્યા કરી લે છે. નાયક પાછો ચાલ્યો જાય છે. તેની રિક્ષાની ટોકરીનો અવાજ સંભળાય છે અને આ બાજુ પેલી યુવતી ઢળી પડે છે. એ સાથે જ આ કરુણ કથા પૂરી થાય છે.
- પરિવેશ નાવીન્યમાં મહત્ત્વ
વાર્તા પરિવેશ ખોલવામાં જહાજ મહત્ત્વનું માધ્યમ બન્યું છે. આ એક એવું માધ્યમ છે કે જે તત્કાલીન માધ્યમોની તુલનાએ વધુ સક્ષમ છે. લાંબા ગાળાનું અંતર કાપવાને કારણે આ માધ્યમને બીજાં પ્રદેશના સંપર્કમાં આવવાનું થાય છે. એક પ્રદેશ કે દેશના લોકો અન્ય દેશ પરદેશના લોકોના જીવન અને જીવનના મૂલ્યોના સંપર્કમાં આવે છે. પરિણામે કથાઓ આપોઆપ આપ- લે થાય છે. અહીં પણ કથાનું કારણ માધ્યમ ગણાવી શકાય. માધ્યમે એક એવા પરિવેશનો પરિચય કરાવ્યો કે જ્યાં દેહ વિક્રય સામાન્ય બાબત ગણાય છે અથવા દરિદ્રતાનો પર્યાય આ વ્યવસાય બની ગયો છે. આ બાબત એટલી સામાન્ય હોવા છતાં સામાન્ય બનીને રહી જતી નથી. અહીં પણ સાચા માનવ મૂલ્યો જળવાય છે. પરિણામે પરદેશી ભાવ વિશ્વમાં સ્વદેશી સોડમ પ્રસરે છે.દરિયા જેવા જીવનમાં આવી કંઈ કેટલીય કથાઓ આકાર લેતી અને વિરમાઈ જતી હોય છે. એ પ્રકારના વિષયને વ્યક્ત કરવામાં આ માધ્યમ ઉચિત પુરવાર થાય છે
પૂર્વભૂમિકામાં નોંધ્યું તેમ મેઘાણી ક્યાંય બંધાયા નથી અને છતાં જે પણ વિષયમાં કલમ ચલાવી એ વિષયને રસપ્રદ બનાવ્યો. આ વાર્તા તેના ઉદા. રૂપ જોઈ શકાય.
- ૫) પાનકોર ડોશી
`પાનકોર ડોશી’ વાર્તા એક ગરીબ અને આખું ગામ જેને અભાગી દુર્ભાગી અને ડાકણ માની રહ્યું છે એવી વૃદ્ધ સ્ત્રીની વાર્તા છે. વૃદ્ધ સ્ત્રીનું પોતાનું કહી શકાય તેવું કોઈ રહ્યું નથી. માત્ર પોતાના દીકરાના બે નાનાં બાળકો જ રહ્યા છે. આ બાળકોના બાપને સરકારી નોકરી હતી પણ હવે બાપ બચ્યો નથી.તેથી તેના નામે મળતાં પેન્શનની રકમ મંજૂર કરાવવા માટે તે જાય છે. સંવેદનસભર આ વાર્તા સાથે તત્કાલીન માધ્યમ બળદ ગાડું સંકળાય જાય છે.
- કથાના કથ્યને પુષ્ટ કરવામાં મહત્ત્વ
ગામમાં હજુ યાતાયાત ની સુવિધા વિકસી નથી.એટલે ગાડું જ માત્ર એક માધ્યમ છે. જેનાથી લોકો એક ગામથી બીજે ગામ જાય છે. પણ જે લોકો આ ગાડામાં પણ બેસી શકવા સક્ષમ નથી તેઓ ગાડાની પાછળ એની રાહે રાહે ચાલતા જાય છે. પાનકોર ડોશી એવી અભાગી/દુર્ભાગી સ્ત્રી છે.ગામ સમગ્રને લાગે છે કે ડોશીને કારણે જ તેના ત્રણ ત્રણ દીકરા માર્યા ગયા.અને હવે ગામ સમગ્રને માટે ડોશી ભાર રૂપ બની ગઈ છે. આ સમગ્ર ઘટના બની ચૂકી છે.હવે ડોશી જીવવા માટે પેન્શનની રકમ મેળવવા ઝઝૂમે છે.કથાનાયક ના ગાડા પાછળ થોડું છેટું રાખીને તે રાત્રિ દરમિયાન ચાલે છે. કથા નાયકને જ્યારે આ સમગ્ર બાબતની જાણ થાય છે ત્યારે તેને પણ ડોશીની દયા આવે છે. જેનાથી પોતે પણ ડરતો હતો એ ડોશીને ગાડામાં ચડાવવા કહેવાનું તે વિચારે છે. કથામાં ગાડું આગળ વધતું જાય છે તેમ તેમ કથા વધુ કરુણ બનતી જાય છે.અને ધીમે ધીમે વિરમતી જાય છે.
- સમીક્ષા
સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં સંચાર માધ્યમો ફરી વળ્યા છે. દેખીતી રીતે આ માધ્યમો માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં હોય છે.અથવા પત્ર જેવા માધ્યમો માહિતીનું આદાન પ્રદાન કરતા હોય છે. પણ સર્જક દૃષ્ટિ તેમાં કળાના રંગો પૂરે છે. પરિણામે માધ્યમો સાથે કથા વણાતી જાય છે. માધ્યમો પણ સમૃદ્ધ બનતા જાય છે.એમ કહી શકાય કે સાહિત્યને કારણે માધ્યમો સભર બન્યા છે.અને સાહિત્ય પણ સમૃદ્ધ બન્યું છે. મેઘાણીની વાર્તાઓમાં જ નહિ નવલકથાઓમાં પણ સંચાર માધ્યમો વિશેષ આવ્યા છે. મેઘાણી માત્ર નહિ પણ લગભગ તમામ સર્જકોના સાહિત્યમાં માધ્યમોનું પ્રયોજન રહ્યું છે. સ્થૂળ માધ્યમો હોવા છતાં તેનું સૂક્ષ્મ પ્રયોજન પ્રયુક્તિસભર રહ્યું છે. અન્ય સર્જકોના સાહિત્યની તપાસ કરતા અન્ય માધ્યમો આવ્યા છે. જેમાં ઇલેક્ટ્રિક ટ્રેન પણ આવે છે જેમાં આધુનિક જીવન સંઘર્ષનો પડઘો પડે છે. તેની વિગતે ચર્ચા થવી જોઈએ.
સંદર્ભ :
૧. મેઘાણીની નવલિકાઓ ખંડ -૧ લે. ઝવેરચંદ મેઘાણી, મેઘાણીની નવલિકાઓ ખંડ -૨, પ્રતિલિપિ એપ્લિકેશન.
૨. સાહિત્ય અને સમૂહ માધ્યમો – પ્રીતિ શાહ
- ડૉ. અલ્પા વિરાશ
આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ, પાલીતાણા
ઈ મેઈલ: alpavirash@gmail.com, ફોન: 8320946087