ગ્રીક સંસ્કૃતિનો પ્રારંભ હોમર પૂર્વે થયો હોવાનું મનાય છે. પરંતુ ગ્રીક તત્વજ્ઞાનનો શાસ્ત્રીય પદ્ધતિએ પ્રારંભ પાછળથી થયેલો જોવા મળે છે. સોક્રેટીસના અતિ વિખ્યાત શિષ્ય પ્લેટોએ પોતાના પુરોગામીઓની સાહિત્ય વિચારણાને વ્યવસ્થિત રીતે સંકલિત કરી આપી. `રિપબ્લિક’ નામના ગ્રંથમાં તેમણે `આદર્શ નગરરાજ્ય’ અને `આદર્શ મનુષ્યની’ કલ્પના કરી છે. દરેક વસ્તુઓનું મૂલ્યાંકન સત્યની દ્રષ્ટિએ કરવાનો આગ્રહ રાખનાર પ્લેટોની ભૂલો સુધારવાનું કાર્ય તેમના જ શિષ્ય એરિસ્ટોટલે કર્યું. એરિસ્ટોટલ તર્કવાદી હતા. `પોએટિક્સ’ નામના ગ્રંથમાં તેમણે કવિતાની વિવેચનના સિદ્ધાંતો આપ્યા. તેમણે `અનુકરણ એટલે પુનઃસર્જન’ એમ કહી અનુકરણને સર્જનનો પર્યાય ગણાવી દીધો. કાવ્યસંબંધી ચર્ચા પછી એરિસ્ટોટલે પોતાના ગ્રંથોમાં જેને સવિશેષ મહત્ત્વ આપ્યું છે તે છે ટ્રેજેડી. `ટ્રેજેડી’ શબ્દ તેમણે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં પ્રયોજ્યો છે. કોમેડી અને મહાકાવ્યના સંદર્ભે પણ તેમણે ટ્રેજેડીની ચર્ચા કરી છે.
ઉદાત પ્રતિભા ધરાવનાર સર્જક ઉદાત્ત ચરિત્રનાયકના ભવ્ય કાર્યોનું અનુકરણ કરે છે. અને ઊત્તરતી પ્રતિભા ધરાવનાર સર્જક ઊતરતી કક્ષાના મનુષ્યોના કાર્યોનું અનુકરણ કરે છે. ચરિત્રના ભવ્ય કાર્યોના અંતે સર્જક કરુણાંતિકા સર્જે છે. એરિસ્ટોટલે કરુણાંતિકા સાથે `કેથાર્સિસ’ શબ્દ પ્રયોજ્યો છે. કેથાર્સિસ એ ટ્રેજેડીનો અનિવાર્ય અંશ છે. એટલે કરુણાંતિકા વિશે એરિસ્ટોટલ કહે છે કે નાટક કે ટ્રેજેડીમાં ભાવો અને પ્રસંગો દ્વારા ભાવકના મનમાં જે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા ચાલે છે તે કેથાર્સિસ. કેટલાક વિદ્વાનો કેથાર્સિસ માટે `વિરેચન’ કે `શુધ્ધિકરણ’ એવા પર્યાયો પણ યોજે છે. વૈદકમાં કેથાર્સિસનો અર્થ ‘વિરેચન’ અને ધાર્મિક પરિભાષામાં તેનો અર્થ `શોધન’ થાય છે જ્યારે મનોવિજ્ઞાનમાં તેનો અર્થ `શમન’ એવો થાય છે. લાગણીઓના અતિરેકને દૂર કરીને મનને સ્વસ્થ બનાવવાનું કાર્ય ટ્રેજેડી કરે છે. એવો અર્થ એરિસ્ટોટલને અભિપ્રેત હોવાનું જણાય છે.
ટ્રેજેડી સંદર્ભે વાત કરવી છે ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ કાન્તના ખંડકાવ્ય `ચક્રવાક મિથુન’ની. એરિસ્ટોટલના કહેવા મુજબ ટ્રેજેડી કેટલાક અનિવાર્ય ઘટકતત્વો ધરાવે છે. (૧)વસ્તુ સંરચના (૨) ચરિત્ર (૩) વિચાર (૪)કાવ્યબાની (૫)માધુર્ય અને (૬)દ્રશ્ય સામગ્રી.
વસ્તુસંરચના એટલે ઘટનાઓની ગોઠવણી. `ચક્રવાકમિથુન’ ખંડકાવ્યની વસ્તુસંરચનામાં કવિ કાન્તે પક્ષીયુગલ પર લાગેલા શાપને કેન્દ્રબિંદુ બનાવી કરૂણાંતિકા સર્જી છે. પ્રણયવિશ્વના આદર્શ પ્રેમી ચક્રવાક ચક્રવાકી એકબીજાના પ્રેમમાં મશગુલ રહેનારા છે. આ પ્રણયીયુગલને વિરહ ખૂબ આકરો લાગે છે. બંને વચ્ચેના ગાઢ સ્નેહને કારણે એકનું મૃત્યુ બીજાને પણ મૃત્યુની ગતિએ દોરી જાય છે. રહસ્યમય સાંકેતિક શરૂઆત એ કાન્તના ખંડકાવ્યોનું આગવું લક્ષણ છે.
“પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલ રાજની” (પૃ.૮૪)
ગિરિમાળાના શિખરોની પશ્ચાદભૂમાં કંઈક ગહન, અસાધારણ બનાવ બને તેવું કલાત્મક સૂચન છે. ખંડકાવ્યનો આરંભ જ નાટ્યાત્મક, જીજ્ઞાસા પ્રેરક ચિત્રકાવ્ય જેવો છે. એરિસ્ટોટલના કહેવા મુજબ ઉત્તમ સર્જક નાટકના આરંભના દ્રશ્યોને પણ મૂળ કથાનકને ઉત્તમ નીવડે તે રીતે આલેખે છે. જેમકે `રોમિયો એન્ડ જુલિયટ’ માં શેક્સપિયરે બે કુટુંબો વચ્ચેના સંઘર્ષને, `મેકબેથ’ના આરંભે ત્રણ ડાકણોના ભયાનક નૃત્યને, તો `શાકુંતલ’ના આરંભે ફૂલોને જરા જરા ચૂમીને ચાલ્યા જતા ભમરાની વાત કરી, આગળ સર્જકે દુષ્યંતની ભ્રમરવૃત્તિનું આલેખન કર્યું છે. `ચક્રવાકમિથુન’માં પણ ટ્રેજેડીની વસ્તુસંરચનાને અનુરૂપ કવિ કાન્તે શરૂઆતમાં જ અનિષ્ટ ભાવનો અણસાર આપ્યો છે. જાણે કે પ્રથમ શબ્દ કે પ્રથમ પંક્તિમાં જ કાવ્ય પ્રસરે છે, વિકસે છે, ને વિસ્તાર સાધે છે. જીજ્ઞાસાપ્રેરક આરંભ પછી તરત જ કવિ કાવ્યના મૂળ વિષય પર આવી જાય છે. પ્રણયભાવને પોષક પ્રકૃતિદર્શન આ મિથુનને વિરહ વ્યાકુળ બનાવે છે. તેથી ચક્રવાક, ચક્રવાકીને પોતાના હૃદયસરસી ચાંપી દે છે. આથમતા સૂર્યના પ્રકાશમાં દેખાતા ગિરિ ઉપરના શૃંગની ઉત્પ્રેક્ષા પણ મનોરમ્ય લાગે છે. મિલનના આનંદમાં ગેલ કરતા આ પ્રણયીયુગલના ગાઢ પ્રેમને વિકસાવવા માટે સર્જકે નાના નાના સરોવરો, કિનારાઓ, પાણી નીચે વહેતો ઢાળવાળો રમણીય પ્રદેશ, દૂર-દૂરથી સંભળાતો આહ્લાદપ્રેરક ધ્વનિ – સમગ્ર સૃષ્ટિમાં સર્જકે સુંદરતાનું અદ્ભુત દર્શન કરાવ્યું છે. તો :
“પ્રણયની પણ તૃપ્તિ થતી નથી પ્રણયની અભિલાષા જતી નથી.” (પૃ.૮૫)
દિવસ દરમિયાન સ્નેહસભર સૃષ્ટિમાં આનંદ કિલ્લોલ કરતું આ યુગલ રાત્રિના આગમનનું એંધાણ આપતી સંધ્યા જુએ છે કે દુઃખી થવા લાગે છે. કારણ કે તેમને શાપ છે કે `તેઓ રાત્રે સાથે નહીં રહી શકે.’ એરિસ્ટોટલના કહેવા મુજબ ટ્રેજેડીમાં મુખ્ય પાત્રના જીવનસંદર્ભે સર્વાંગી વિચારોનું મહત્વ હોય, અને પાત્રના પતનની ઘટના તથા ભાવિ જીવનનુ ચિંતન પણ પાત્રમાં હોવું જોઈએ. આ ખંડકાવ્યમાં `સ્નેહબાલ’ પક્ષીયુગ્મ વિધિ નિર્મિત વિયોગથી ખૂબ દુખી છે. છતાં ચક્રવાક- ચક્રવાકી એકબીજાના સાનિધ્ય અર્થે નિયતીની ક્રૂર યોજના સામે ઝઝૂમે છે, લડે છે.
“ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ,
ઊંડા બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન તેમ:” (પૃ.૮૬)
એરિસ્ટોટલના કહેવા મુજબ ટ્રેજેડીના મધ્યમાં સંઘર્ષ જરૂરી છે. આ ખંડકાવ્યમાં પણ સામ- સામે બેઠેલુ પક્ષીયુગલ રાત્રે પ્રણય માણી શકતુ નથી. આમ ક્યાં સુધી ? આ વિચારોથી સંવેદના તંત્ર પણ કંપી ઊઠે છે. વિરહથી વ્યાકુળ પ્રેમીઓની કેવી કરૂણ સ્થિતિ સર્જકે આલેખી છે.
” પાષાણોમાં નહીં નહીં હવે આપણે, નાથ ! રહેવું:
શાને આવું, નહી જ રે ! આપણે નાથ સ્હેવું!
ચાલો એવા સ્થળ મહી, વસે સૂર્ય જેમાં સદૈવ,
આનાથી કૈ અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દેવ.” (પૃ.૮૭)
`પાષાણ’ થકી કવિએ વિધિગત નિર્દયતા,નિષ્ઠુરતા પ્રતિબિંબિત કરી છે. ચક્રવાકીની વેદના કેવી વેધક, હૃદયસ્પર્શી ને સચોટ છે. જે પાત્રના મનોગતને અપૂર્વ કૌશલ્યથી પ્રગટાવે છે. તેથી તો આ પ્રણયીયુગલ આ નિષ્ઠુર દુનિયા ત્યજી દયાવાન, પ્રેમાળ ઇશ્વરની સૃષ્ટિમાં જવા ઇચ્છે છે. પણ ચક્રવાક (નાયક) તેને સ્વપ્નોની દુનિયા તરફ ન લઈ જતાં કઠોર વાસ્તવાભિમુખ કરે છે. આ વિધિની વિષમતા ને વિચિત્રતા. કેવો અભિશાપ ! જીવનની આ અસહ્ય પરિસ્થિતિ ક્યાં સુધી સહ્યા કરવાની? કદાચ મૃત્યુ સુધી. તેનાથી બચવાનો કોઇ માર્ગ ખરો? હા, એક જ છે ને તે આપઘાત. ચક્રવાક ને ચક્રવાકી શાશ્વત એકતા પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરે છે. જીવવું તો સાથે ને, મરવું તોય સાથે. એમ વિચારી ઊંચે ઊંચે આકાશમાંથી નીચે પડતું મુકી મૃત્યુને વ્હોરે છે.
ટ્રેજેડી સંદર્ભે ખંડકાવ્યને મૂલવીએ તો કોઈ સંપૂર્ણ સજ્જન દુઃખ પામે કે દુષ્ટ માનવી સુખ પામે એનાથી આપણી નૈતિક માન્યતાઓને આઘાત લાગે છે. દુષ્ટ મનુષ્ય જો દુર્ભાગ્ય પામે તેમાં કશું ખોટું નથી. દુર્યોધન કે દુશાસનનો અંત આવો જ હોવો જોઈએ. રામના હાથે રાવણ મરાવો જ જોઈએ. એમ એરિસ્ટોટલનું ટ્રેજેડી સંદર્ભે માનવું છે. આ ખંડકાવ્યમાં ચક્રવાક- ચક્રવાકીનો કોઈ જ અપરાધ નથી. પરંતુ વિધિનો અભિશાપ તેમના જીવનને મૃત્યુ તરફ ધકેલે છે. એરિસ્ટોટલ જેને `પરિસ્થિતિની વિપરીતતા’ કહે છે. તે અહી છે, નાયક-નાયિકાના ભાગ્યમાં કશોક ફેરફાર થાય અને વિરુધ્ધ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. નાયકનું જીવન સફળતા તરફ આગળ ગતિ કરી રહ્યું હોય ત્યાં જ એકાએક સંજોગો જ એવો વળાંક લે છે કે નાયકનું જીવન દુર્ભાગ્ય તરફ ગતિ કરવા માંડે છે. `ચક્રવાકમિથુન’ માટે એકબીજાના પ્રેમમાં મત્ત બનેલા ચક્રવાક ને ચક્રવાકી અંધકારમાંથી કાયમ માટે મુક્ત થઈ ઉજાસ તરફ ગતિ કરે છે. જ્યાં શાશ્વત પ્રકાશ હોય એવી દુનિયામાં જ્યાં સર્વત્ર ચૈતન્ય દિસે એ દિશામાં પક્ષીયુગલને ગતિ કરતું સર્જકે દર્શાવ્યું છે. કાવ્યના અંતે તેમણે આપઘાતનો એકમાત્ર રસ્તો ચક્રવાક- ચક્રવાકી માટે ખુલ્લો મૂક્યો છે. કાવ્યનો અંત કરુણ છે.
આ ખંડકાવ્યની વસ્તુસંરચના સંકુલ પ્રકારની છે. વસ્તુસંરચના દયાજનક અને ભયજનક ઘટનાઓનું અનુકરણ કરે છે. ચક્રવાક ને ચક્રવાકીએ શાપ જેવા દુર્ભાગ્યમાંથી બચવાના એકમાત્ર વિકલ્પ મૃત્યુને સ્વીકારી સદભાગ્ય તરફ ગતિ કરી છે. ચક્રવાક અને ચક્રવાકીનું આલેખન (ચરિત્ર ચિત્રણ) એટલું વાસ્તવિક અને જીવંત લાગે છે કે તે વિશિષ્ટ વ્યક્તિની પ્રતીતિ કરાવે છે. ટ્રેજેડીની લાક્ષણિકતા અનુસાર ચક્રવાક- ચક્રવાકી ખંડકાવ્યના આરંભે જે પ્રકારના છે તે અંતમાં રહેતા નથી. કાવ્યાન્તે તે પરિવર્તન સાધે છે. `ઈડિપસ’ નાટકમાં કથાનાયક ઇડીપસ કથાન્તે પોતે જ અંધાપો અને દેશવટો વ્હોરી લે છે. એ પણ એક રીતે જોઈએ તો મૃત્યુ જ છે. એરિસ્ટોટલ વિસંવાદિતામાંથી સંવાદિતા તરફ જવાની માનવસહજ વૃત્તિની વાત કરે છે. ટ્રેજેડી પણ અંતે તો આવી વિસંવાદિતામાંથી સંવાદિતા તરફ જ ગતિ કરે છે. એને જ `કેથાર્સિસ’ (વિરેચન) કહેવાય. આ ખંડકાવ્યમાં પણ ચક્રવાક- ચક્રવાકીએ કાવ્યના અંતે પોતાનો ભોગ આપીને આ વિસંવાદી બની ગયેલા જગતને ફરી એકવાર સંવાદી બનાવી દીધું છે. કારણ કે તેમણે પોતાની જ નિશાનચૂકને કારણે આવી પડેલી સંવાદિતાનો ભંગ કર્યો હતો. એટલે શિક્ષા પણ ભોગવે છૂટકો. આવી શિક્ષા સોફોક્લિસનો `ઇડીપસ’, શેક્સપિયરનો `મેકબેથ’, દોસ્તોયેવસ્કીનનો નાયક `રાસ્કોલ નિકોલ’, રામાયણના `રામ’, નળાખ્યાનના `નળરાજા’, અને કવિ કાન્તના `સહદેવ’, `પાંડુ’, અને `ચક્રવાક- ચક્રવાકી’ પણ ભોગવે છે.
એરિસ્ટોટલની દ્રષ્ટિએ કાવ્યબાનીમાં વિશદતા અને ઔચિત્ય હોવાં જરૂરી છે. એરિસ્ટોટલે ટ્રેજેડીમા સામાન્ય વ્યવહારની ભાષાને સ્થાન આપ્યું નથી. પરંતુ વિવિધ પ્રકારની અને સર્વ પ્રકારની, કલાત્મક આભુષણોથી અલંકૃત એવી ભાષાની અપેક્ષા રાખી છે. `ચક્રવાકમિથુન’નું કલાવિધાન નવીન પધ્ધતિનું છે. સંસ્કૃત કવિ કાલિદાસના ખંડકાવ્યો `મેઘદૂત’ કે `ઋતુસંહાર’ થી કાવ્યનું આ ખંડકાવ્ય તદ્દન ભિન્ન અને બિલકુલ સ્વતંત્ર છે. સંસ્કૃત અને અંગ્રેજી કવિતાના રસાસ્વાદથી ઉત્કૃષ્ટ બનેલા કાન્તના કવિતામાનસમાંથી જન્મેલો આ એક અનોખો જ કાવ્યપ્રકાર છે. જે એરિસ્ટોટલની ટ્રેજેડીની વિભાવનાને સાર્થક કરે છે. ચરિત્ર, પદરચના, વિચાર,અને દ્રશ્ય વિધાનની રીતે જોઈએ તો ચક્રવાક- ચક્રવાકી આદર્શ પાત્રો તો છે. તો પક્ષીયુગ્મની પ્રણયક્રીડાના સ્વભાવોક્તિ પૂર્ણચિત્રો, તરુવર તણી શાખાઓમાં છુપાતી, લપાતી ચક્રવાકી પતિ દ્વારા શોધી કાઢતા એને થતો આહલાદક અનુભવ ઉત્તમ પદરચના નમૂનારૂપ છે.
“શાખાઓમાં તરુવર ધણી ચક્રવાકી છુપાતી,
શોધી કાઢે દયિત નયને, જોઈને હૃષ્ટ થાતી;
ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે,
ક્રીડા એવી કંઈ કંઈ કરે મૌગ્ધ્યમા દંપતી તે.” (પૃ.૮૫)
આકાશમાં બંનેનું ઉડ્ડયન, પવનના પ્રવાહ સાથે જળમાં પડવું, વિમુખ એકલી ન્હાતી પ્રિયાશિરે પતિ દ્વારા થતો જલાભિષેક, જળમાં પડતા એકબીજાના પ્રતિબિંબ જોઈને વધતો સ્નેહ, અને પરિણામે એકબીજાનો આશ્લેષ- એરિસ્ટોટલ જેને ઉત્તમ પદરચના, શૈલી, કે દ્રશ્યવિધાન કહે છે તે અહીં ચક્રવાક-ચક્રવાકીનો નિર્મળ પ્રેમ કાન્તની કલમે મધુર કલ્પનાના ચમત્કારરૂપે વ્યક્ત થયો છે. તેમણે કોઈપણ દ્રશ્યને ચારેક પંક્તિમાં પૂર્ણ કર્યું છે. પરિસ્થિતિના નિરૂપણમાં આ વિગતપસંદગી, શબ્દપસંદગીમાં પણ કાન્તે એરિસ્ટોટલની ટ્રેજેડીને યથાયોગ્ય એવું અપૂર્વ કૌશલ્ય દાખવ્યું છે. અવાજના, ગતિના, સ્પર્શના, અને રંગના એમ ઘણા બધા તાદ્દશ વર્ણનો પણ ટ્રેજેડી જન્માવવામાં ઉપકારક બન્યા છે. મનોભાવોનાં આલેખનોને તાદ્દશ કરવાની શક્તિને લીધે તેમના કાવ્યમાં ભાવો ખૂબ જ સરળતાથી મૂર્ત થયા છે.
એરિસ્ટોટલના મતે ટ્રેજેડીમાં સર્જક ઇન્દ્રિયો દ્વારા દેખાતા જગતનું અનુકરણ કરતો નથી. પરંતુ દેખાતાજગતની પાછળ જે શાશ્વત સત્ય રહેલું છે તેને આલેખતો હોય છે. એરિસ્ટોટલના કહેવા મુજબ વાસ્તવમાં જે ઘટનાઓ બની ગઈ હોય તેનું નિરૂપણ કરવામાં કવિકર્મ નથી. પણ જે ઘટનાઓ બની શકે અથવા સંભાવના કે અનિવાર્યતાના નિયમોને આધારે બનવાની ક્ષમતા ધરાવતી હોય તેનું નિરૂપણ કવિ કરતો હોય છે. (પૃ.૧૫૬)
`ચક્રવાકમિથુન’ના અંતે પણ કવિએ કરુણતા આલેખી છે. દુઃખમાંથી સુખમાં હોય, કે સુખમાંથી દુઃખમાં હોય કોઈક પ્રકારની ગતિ તો સૂચવાઈ જ છે. અહીં કશું અસ્વાભાવિક લાગતું નથી. સર્જકની મનસ્વિતા પણ નથી. સંભાવના અને અનિવાર્યતા નિયમોને ધ્યાનમાં રાખીને કાન્તે આ ખંડકાવ્યને ગતિ આપી છે.
કલાસૂઝભરી વસ્તુપસંદગી, પાત્રોના મૂર્ત મનોભાવો, શબ્દ, અર્થ અને લયનું સાયુજ્ય, ભાવનાસભર આવતા અનુષ્ટુપ, દ્રુતવિલંબિત, મંદાક્રાન્તા વૃત્તો, સ્વાભાવોક્તિ, ઉત્પ્રેક્ષા જેવા અલંકારો, આદિ મધ્ય અને અંતનું નાટ્યાત્મક સંયોજન – આ સઘળું તપાસતા ‘ચક્રવાકમિથુન’ એરિસ્ટોટલની ટ્રેજેડી સંદર્ભે ઉત્તમ કરુણાંતિકા સાબિત થાય છે.
સંદર્ભ :
(૧) પશ્ચિમનું સાહિત્ય વિવેચન ભાગ-૧ : લે.શિરીષ પંચાલ (યુનિ.ગ્રંથ નિર્માણ બોર્ડ)
(૨) સાહિત્યના સિદ્ધાંતો: લે. રમેશ ત્રિવેદી
(૩) કાન્તનો પૂર્વાલાપ :સંપાદક ચંદ્રકાન્ત શેઠ
પ્રા. ડૉ. વંદના રામી
મદદનીશ પ્રાધ્યાપક (ગુજરાતી)
શ્રી આર.આર.લાલન કોલેજ,ભુજ
મો.- 9924818600
Email:drvandanarami@gmail.com