જુના સમયમાં સુરતમાં નવાબી રાજ્ય.તેમાં નીલકંઠ મહેતા નામના ગૃહસ્થ કારભારી હતા. એમનું નામ એટલું બધું પ્રતિષ્ઠિત થઈ ગયું કે એમના પછી એમના વંશજોએ નીલકંઠ અટક ધારણ કરી. આ કુટુંબમાં ૧૯મી સદીમાં મહીપતરામ રૂપરામ નીલકંઠ થઈ ગયા. ગુજરાતનાં સમાજ સુધારણા આંદોલનમાં જે જે આદિપુરુષો થઇ ગયા તેમના એક હતા. તેમણે `બુદ્ધિવર્ધક’, `રાસ્તગોફતાર’ અને `સત્યપ્રકાશ’ નામના સામયિકોમાં લેખો લખેલા. ત્રણ નવલકથાઓ (૧) સાસુ વહુની લડાઈ (૨) વનરાજ ચાવડો અને સઘરા જેસંગનો સાળો આપી છે. ૧૮૬૨માં `ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન એવો પ્રવાસગ્રંથ પણ આપ્યો છે.
મહીપતરામના જમાનામાં દરિયો ઓળંગીને વિદેશ જવા સામે ઘણો વિરોધ હતો 1860માં કંપની સરકારે ઇંગ્લેન્ડ ટ્રેનિંગ કોલેજનો અનુભવ લેવા મહિપતરામને મોકલેલા, પરત આવ્યા ત્યારે નાગરી નાતે એમને ખૂબ જ પજવેલા. નાત બહાર મૂકેલા. સાત વર્ષ સુધી ચાલેલા આ સંઘર્ષને અંતે મહીપતરામને નમતું મૂકવું પડેલું. આવા સુધારક, સાહિત્યકાર, શિક્ષણવિદ પિતાને ઘરે અમદાવાદમાં ૧૩મી માર્ચ 1868ના રોજ રમણભાઈ નીલકંઠનો જન્મ થયો
રમણભાઈના માતુશ્રીનું નામ પાર્વતીકુંવર હતું. તેવો ઝાઝું ભણેલાં ન હતાં. પરંતુ એ જમાનાના સુધરેલા કુટુંબના સંસ્કારબળે સાચા અર્થમાં મહીપતરામ નીલકંઠના સહધર્મચારીણી બની રહેલાં. જે જમાનામાં દેશ આખામાં ભયંકર અંધશ્રદ્ધા વ્યાપી ગઈ હતી એ જમાનામાં પાર્વતીકુંવરે સંતાનપ્રાપ્તિ માટે મંતરેલું પાણી પીવાની ના પાડી દીધી હતી. જ્ઞાતિ બહિષ્કારના કપરા સમયમાં તેઓ હિંમતભેર પતિની પડખે ઊભાં રહ્યાં હતાં.
ખાનદાન, કેળવણીકાર, સમાજસુધારક કુટુંબ નકામી રૂઢિ પરંપરામાં માનતું ન હતું. બાળકને એકી સંખ્યાના વર્ષે ભણવા બેસાડવો એવી રૂઢિ સામે રમણભાઈને ચાર વર્ષની વયે ભણવા બેસાડ્યા ને રૂઢિનો ભંગ કર્યો જાનુડી નો ભંગ કર્યો. પંદરવર્ષની વયે ૧૮૮૩માં (તેઓ) રમણભાઈ મેટ્રીક પરીક્ષામાં પાસ થયા. અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ અંગ્રેજ કવિ વિલિયમ વર્ડઝવર્થના પૌત્ર એમની પાસે ભણવા જવા માટે મુંબઇથી એલ્ફીન્સ્ટન કોલેજમાં ભણ્યા. 1886-1887થી પ્રારંભ કરીને મૃત્યુ સુધી(૧૯૨૮) `જ્ઞાનસુધા’ સામયિકના તંત્રી પદે રહ્યા
માત્ર ૧૬ વર્ષની વયે 1884માં 13 વર્ષની વય ધરાવતી સુરતની એક અન્ય યુવાન કન્યા હસવદન સાથે લગ્ન થયું એ જમાનાની દૃષ્ટિએ આ મોડા લગ્ન હતા આ લગ્ન પણ એક પ્રકારનું સુધારાવાદી હતું. ચાર વર્ષ પછી ૧૮૮૮માં હસવદનનું 17 વર્ષની વયે અવસાન થયું. ૧૮૮૯માં નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા ભાણેજ વિદ્યાગૌરી ધ્રુ સાથે રમણભાઈના લગ્ન થયા. વિદ્યાબહેન સાથેનું રમણભાઈનું ચાલીસ વર્ષનું દાંપત્યજીવન એ સમયમાં જ નહીં પણ સર્વકાલીન દંપતીઓ માટે ઉદાહરણરૂપ કહેવાય એવું હતું
ઇ.સ. ૧૮૯૧માં કોલેરાની બીમારીમાં મહીપતરામ અચાનક અવસાન પામ્યા. રમણભાઈને ત્યારે કોર્ટના ક્લાર્કની પદવીમાંથી શીરસ્તેદારની પદવી પર બઢતી મળેલી. અંગ્રેજી ભાષા પર ખૂબ જ પ્રભુત્વ હતું. સાક્ષી દેશી ભાષામાં જુબાની આપે તે રમણભાઈ લખતા જાય અને એ જ વખતે એનું અંગ્રેજી ભાષાંતર બોલતા જાય. ખરેખર વિરલ કહેવાય એવી શક્તિ તેમનામાં હતી. ઈ.સ.1983માં રમણભાઈ સબજજ તરીકે નિમાયા. વારંવાર બદલી થયા કરે તો પત્ની વિદ્યાગૌરીના વિદ્યાર્થીઓનો અભ્યાસ રજની જાય એથી સજની નોકરી ન સ્વીકારતાં વકીલાત સ્વીકારી.
ઈ.સ.૧૮૯૧માં મુંબઈના આર્યન બ્રધરહુડ નામની સંસ્થાએ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ટાળવા પ્રીતિ ભોજન રાખેલું તેનું આયોજન રમણભાઈએ કર્યું. રમણભાઈએ તેમાં અંત્યજોને સામેલ કર્યા. તેમની સાથે પ્રીતિ ભોજનમાં ભાગ લીધો. મુંબઈના `ગુજરાતી’ પત્રે આમાં ભાગ લેનારાં તમામ સ્ત્રીપુરુષોના નામો જાહેર કર્યા. ખૂબ ઉહાપોહ કર્યો એટલે નાગર જ્ઞાતિ એ નાત બહાર મૂકયા. પ્રાયશ્ચિત કરી જ્ઞાતિમાં ભળી જવા બધાએ ખૂબ સમજાવ્યા રમણભાઈ જેનું નામ જિંદગી પર નાત બહાર રહ્યા. પ્રાયશ્ચિત ન કર્યું તે ન જ કર્યું! રમણભાઈ અતિશ્રમવાળુ જીવન જીવતા હતાં. ડોક્ટરોએ ચેતવણી આપી હતી પણ ગણકારે કોણ? ૬.૩.૧૯૨૮ના રોજ ૬૦ વર્ષની વયે તેમનું અવસાન થયું જીવનમાં વારસો ન ભરી શક્યા વરસોમાં જીવન ભરી દીધું. ફોરોઝ દાવરે કહ્યું `અડધો ડઝન માણસોનું કામ એમણે એકલે હાથે કર્યું.’
નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના બધાં જ લક્ષણો રમણભાઈમાં હતા. અમદાવાદના નગરશેઠ જેટલું માનઅમદાવાદીઓએ આપેલું. પણ તેમનામાં અભિમાનનો અંશ પણ ન હતો. કોઈ અણસમજુ માણસ અપમાન કરી બેસે તો એવો સ્વસ્થતા ખોતા નહીં. સ્વાભિમાની હતા – સરકારના માનીતા હતા પણ ખુશ થયા નહોતા. તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. બધા સાથે પુરા વિનયથી વાત કરતા. બધાને મળતા. ક્રોધ અને દ્વેષથી પર હતા. પરોપકારી હતા. પોતાના માટે કશું જ ન કરનાર પોતાના પરિચિતો માટે પોતાનાથી બનતું બધું જ કરી છૂટતા. તેઓ સત્યવ્રતી અને નિર્ભય હતા. હારેલા હરીફોના મહોલ્લામાં ખુલ્લી ઘોડાગાડીમાં ગયેલા.
આ સર રમણભાઈ નીલકંઠ ગુજરાતી ભાષાના અગ્રણી પ્રશિષ્ટ હાસ્યલેખક છે. એમની પાસેથી પ્રથમ હાસ્ય નવલકથા ભદ્રંભદ્ર(૧૯૦૦), હળવા નિબંધો હાસ્યમંદિર(૧૯૧૫) અને મંજુલના પાત્ર દ્વારા નાટકમાં પ્રગટતું – એ નિમિત્તે રાઈનો પર્વત(૧૯૧૩) એટલું હાસ્ય સાહિત્ય મળે છે.
ટી.એસ. એલીયટે સભ્યતા ભાષા અને સાહિત્ય પરિપક્વ બને ત્યારે પ્રશિષ્ટ કૃતિ સંભવી શકે એવી વાત કરી છે. પ્રશિષ્ટ સાહિત્ય માટે અસંખ્ય વિચારો અને સંસ્કારો કવિમાં ઓતપ્રોત થયેલા હોવા જોઈએ. આખી પ્રજાના પરિપક્વ માણસનું પ્રતિબિંબ પાડતી સર્વસાધારણ શૈલી ઘડાય તો પ્રશિષ્ટ કૃતિઓ રચાય. મહાન કૃતિના સર્જન માટે કલાકારે સર્વગ્રાહીતા અને સર્વ અસાધારણતાના ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. આપણા સાહિત્યમાં ઘણે અંશે એ ગુણો જોવા મળે છે. રમણભાઈ નીલકંઠ આમાના એક છે. ગુજરાતી ભાષાના પ્રથમ હાસ્યકાર – પ્રથમ હાસ્ય નવલકથા લેખક છે.
`ભદ્રંભદ્ર’ ગુજરાતી સાહિત્ય ચિરંજીવી નવલકથા છે. એક ઉત્તમ નવલકથા છે. જ્યોતીન્દ્ર દવેએ પોતાની નવલકથા `અમે બધા’ને અતૃતીય કહી છે (કેમકે દ્વિતીય તો ભદ્રંભદ્ર છે!) વધુમાં તેમણે જણાવ્યું છે કે ભદ્રંભદ્રને પદભ્રષ્ટ કરે એવો મહાનુભાવ હાસ્યસૃષ્ટિમાં જન્મવો હજી બાકી છે. ઈ.સ.૧૯૦૦માં ભદ્રંભદ્ર પ્રગટ થઈ આજે ૧૧૭ વર્ષે પણ તે ચર્ચામાં છે. સર્જકતાના સ્વકીય બળ વગર કોઈ કૃતિ આ રીતે ટકી ન શકે. એ સમયનું યુગબળ આ કૃતિના સર્જન માટે નિમિત્ત બન્યુ હતું.
૧૮૫૭માં મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટી સ્થાપવા પછી વડોદરા, અમદાવાદ, ભાવનગર અને જૂનાગઢમાં કોલેજો સ્થપાઈ. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. નવજાગૃતિ નો સંચાર થયો સમાજમાં વ્યાપેલા વહેમો, અંધશ્રદ્ધા, રૂઢિજડતા, બાળલગ્ન પ્રથા વગેરે દૂષણો સામે સમાજ સુધારણા આવી. પણ જૂનું બધું જૂનું હોવાને કારણે સારું અને નવું હંમેશા નવું હોવાને કારણે જ ખરાબ એવું માનનારો એક વર્ગ સદાય હોય છે. આ રૂઢિ સરક્ષણ વર્ગ નવજાગૃતિના પ્રચંડ આંદોલનની સામે આવ્યો. `પશ્ચિમનું છે તે ખરાબ છે તેને રોકવું અને જુનું છે તેનું રક્ષણ કરવું’ આવું પ્રત્યાઘાતી વલણ આવ્યું. ભણેલા અને સાહિત્યકારો પણ આ પક્ષમાં હતા – સામે સુધારા તરફી રમણભાઈ હતા. પોતાના પક્ષના આગેવાન હતા. સુધારાની આ લડાઈમાં રમણભાઈએ `ભદ્રંભદ્ર’નું બ્રહ્માસ્ત્ર છોડ્યું. તેનો સામનો કરવા અંબાલાલ ત્રવાડીએ `ભ્રમણચંદ્ર ભદ્રંભદ્ર’ લખ્યું. એની સામે મોતીલાલ છોટાલાલ વ્યાસે. `ભદ્રંભદ્ર ભેદુનો ભવાડો’ નામથી કૃતિ આપી. પરંતુ સર્જનશક્તિ વગર લખાયેલી આ બન્ને નવલકથાઓ આજે ભૂલાઈ ગયેલી છે. જ્યારે ભદ્રંભદ્ર અદ્યપી જીવંત છે.
રમણભાઈએ રૂઢિવાદી, પ્રાચીનતાના પક્ષકારોની મશ્કરી કરવા `ભદ્રંભદ્ર’ની રચના કરી છે. જે વિદ્વાનો સંસ્કૃતમય પદાવલીઓનો જ પ્રયોગ કરતા. -એ વલણનો ઉપહાસ કરવાનું પરમ અને ચરમ લક્ષ્ય હતું. આ માટે એ જ સંસ્કૃતમય ભાષા તેમના માટે સબળ માધ્યમ- સાધન બની રહી. `ભદ્રંભદ્ર’ એની ભાષાથી જ જીવે છે એ સર્વથા સાર્થક છે. કેટલાક હાસ્ય પ્રેરક રસસ્થાનો નીચે મુજબ છે.
ભદ્રંભદ્રનું મૂળ નામ દોલતશંકર છે. પણ `દોલત’ શબ્દ યવન ભાષા છે. પોતાની ફોઈને પાપી માની શંકર કૃપાએ પોતાનું નામ ભદ્રંભદ્ર ઠેરવે છે. આગગાડીમાં મલેચ્છ, ચાંડાલિકાના સ્પર્શથી દૂષિત થયેલા પાટિયા પર બેસી શ્વાસ સુદ્ધા લઇ શકાય નહિ એવું કહેનારા ભદ્રંભદ્રને અંબારામ શ્વાસ લેવામાં હરકત નથી, એવો શાસ્ત્રાર્થ કરી બતાવે છે.
ભદ્રંભદ્ર ખૂબ જ બીકણ છે. શિયાળને વરુ ધારી ને દોડ્યા હતા. મુંબઈ જવા માટે રેલવે ટીકીટમાં ખભા સુધી ડોકું અંદર ઘાલી ભદ્રંભદ્રે કહ્યું “શ્રી મોહમયી નગરીની બે મૂલ્ય પત્રિકા આપો,” ટીકીટ માસ્તર પારસી હતો. “શું બકેચ?” આય તો તિકિત ઓફીસ છે. ભદ્રંભદ્રએ ઉત્તર આપ્યો – “યવન તેથી હું અજ્ઞ નથી. મારે મોહની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. ટિકિટ ઓફિસમાં એક હિન્દુ હતો એણે કહ્યું “સોરાબજી એને ગ્રાન્ટ રોડની બે ટિકિટ આપો.” ટિકિટ આપતા સોરાબજી બોલ્યા “સાલો મેદ થયેલોચ.” ભદ્રંભદ્ર કોપ શમાવી શક્યા નહીં એમણે મોટે નાદે કહ્યું `દુષ્ટ યવન તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મુર્ખ…” આગળ બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા પણ મને તો એટલું જ કહ્યું કે `દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે માટે મારે સ્નાન કરી લેવું પડશે.”
આગગાડીમાં વાતો કરનારા કેવા હોય તે જુઓ! પ્રશ્નાર્થમાં જ્યોતીન્દ્ર દવેએ જે વાત કરી છે તે અહીં પણ છે.
અંબારામ : હવે કયું સ્ટેશન આવશે
મુસાફર : તમારે ક્યાં ડાકોરજી જવું છે?
અંબારામ : અમારા ના અમે તો મુંબઈ જઈએ છીએ.
મુસાફર : ક્યાં રહેવું.
અંબારામ: અમદાવાદ.
મુસાફર: બ્રાહ્મણ હશો. છોકરા છે કે?
અંબારામ : (ચૂપ)
મુસાફર : બાયડી તો હશે?
અંબારામ: (ચૂપ)
મુસાફર : પરણેલા જ નહીં કે મરી ગઈ છે?
અંબારામ : મરી ગઈ છે.
મુસાફર : સુવાવડમાં મરી જાય કે તાવ આવતો હતો ?
અંબારામ: (ચૂપ)
મુસાફર : કોઈ સારો વૈદ નહીં મળ્યો હોય, કે દાકતરનું ઓસડ કરતા’તા?
અંબારામ : વૈદનું.
મુસાફર : કયા વેદનું ?
કેટલીક શબ્દો આર્યનીતિરીતિગીતિધીતિપીતિ પ્રીતિભીતિ. અશ્દ્ધયાકૃષ્ટ ચતુશ્ચક્ર કાચગવાક્ષ સપાટચ્છાદન સમેત રથ પ્રસન્ન મન શંકરે ભદ્રંભદ્ર માટે મોકલ્યો હતો. વિદ્વાનો માટે વપરાતો શબ્દ અક્ષરસમસનવ્યપૃતપુરુષ દુષ્ટ સુધારા વાળાના મળતિયા હશે!
`ભદ્રંભદ્ર’નો હાસ્યરસ પ્રથમ પ્રકરણથી છ પ્રકરણ સુધી વધતો રહે છે ત્યાર પછી એકધારાપણું પ્રવેશી જાય છે. ૨૫માં પ્રકરણમાં વંદાનો વધ થયો હોવાથી કોર્ટમાં કેસ ચાલે છે. મેજિસ્ટ્રેટ અને ભદ્રંભદ્રનો સંવાદ જુઓ:
મેજિસ્ટ્રેટ : તમારું નામ શું ?
ભદ્રંભદ્ર: વિદ્યમાન ભદ્રંભદ્ર.
મેજિસ્ટ્રેટ: તમારું નામ વિદ્યમાન અને તમારા બાપુનું નામ ભદ્રંભદ્ર ? પણ હું ધારું છું કે તમારું પોતાનું નામ જ ભદ્રંભદ્ર લખાયેલ છે. ખરું શું છે ?
ભદ્રંભદ્ર : મારું નામ ભદ્રંભદ્ર છે, પણ હું જીવું છું માટે શાસ્ત્રધારે પોતાને વિદ્યમાન કહું છું.
મેજિસ્ટ્રેટ : (થોડીવાર તાકી રહ્યા પછી) બાપનું નામ?
ભદ્રંભદ્ર : પ્રશ્નસ્ય અનૌચિત્યમ.
મેજિસ્ટ્રેટ : પરશોતમ ?
વકિલ : અવિદ્યમાન વિષ્ણુશંકર.
મેજિસ્ટ્રેટ : ધંધો શશો કરો છો ?
ભદ્રંભદ્ર : સનાતન આર્ય ધર્મના સદોદિત યશ:પૂર્ણ વિજયનો.
રતિલાલ બોરીસાગરે કહ્યું છે કે નવલકથાની સુશ્લિષ્ટતા જળવાઈ ન હોવા છતાં, હાસ્યરસનું નિર્વહણ એકધારુ ને અસ્ખલિત ન હોવા છતાં આજે સો વર્ષ પછી પણ `ભદ્રંભદ્ર’ ગુજરાતી હાસ્ય સાહિત્યની અદ્વિતીય નવલકથા રહી છે. ભદ્રંભદ્રને ઝાંખા પાડે એવું હાસ્યરસનું બીજું પાત્ર ગુજરાતી સાહિત્યમાં આજે આટલા વર્ષો પછી પણ સર્જાયું નથી. કોઈ પણ કળાકૃતિ માટે આ કેવડી મોટી સિદ્ધિ છે.
ડૉ. પ્રવીણ સલિયા
મદદનીશ પ્રાધ્યાપક (ગુજરાતી)
સરકારી વિનયન અને વાણીજ્ય કૉલેજ, ભીલાડ.