ઝવેરચંદ મેઘાણીનો જન્મ સંવત 1896માં 15 ઑગસ્ટના દિવસે ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’ના બિરુદથી નવાજ્યા હતા. ગુજરાતના લોકપ્રિય અને લોકહૈયે વસેલા સાહિત્યકાર એટલે ઝવેરચંદ મેઘાણી. મેઘાણીના વ્યક્તિત્વના અનેકવિધ બહુરંગી પાસાંઓમાં કવિ, નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, અનુવાદ, પત્રકાર, સંશોધક, સંપાદક, વિવેચક અને બુલંદ કંઠના ગાયક સુધી એમની પ્રતિભા વિસ્તરી છે. પરંતુ, લોકોને તેમની પરંપરાપ્રાપ્ત રોનકમાં જુનાં લોકગીતો અને નવાં દેશભક્તિનાં કાવ્યો પોતાના મીઠા અને રણકતા બુલંદ અવાજે ગાઈ સંભળાવીને ઘેલા કરી મુકનારા એક અને અદ્વિતીય કવિ એટલે ઝવેરચંદ મેઘાણી. મેઘાણી પાસેથી ‘વેણીના ફૂલ’ (1923), ‘કિલ્લોલ’ (1930), ‘સિંધુડો’ (1930), ‘કોઈનો લાડકવાયો અને બીજાં ગીતો’ (1931), ‘યુગવંદના’ (1935), ‘એકતારો’ (1940,), ‘બાપુનાં પારણાં’ (1943), ‘રવીન્દ્રવીણા’(1944) જેવા કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે
મેઘાણીનાં શૌર્યગીતોની ગાથા સિંધુડો :
મહાત્મા ગાંધીનું હિન્દ સ્વરાજ’ પુસ્તક અંગ્રેજોએ જપ્ત કર્યું હતું. ‘સિંધુડો’ કાવ્યસંગ્રહ પણ અંગ્રેજોએ જપ્ત કરી લેવો પડેલો. સ્વતંત્રતા સંગ્રામમાં દેશભક્તિની સૌથી વધારે સંવેદના મેઘાણીની કવિતામાં ઝીલાઈ છે. દાંડીકૂચ અને ધોલેરા સત્યાગ્રહ નિમિત્તે મેઘાણી રચિત દેશભક્તિનાં 15 ગીતોનો સંગ્રહ પ્રકાશિત થયો – ‘સિંધુડો’. આ કાવ્યસંગ્રહમાં ‘કાલ જાગે’, ‘કવિ તને કેમ ગમે’, ‘સ્વતંત્રતાની મીઠાશ’, ‘છેલ્લી પ્રાર્થના’, ‘શિવાજીનું હાલરડું’ જેવાં ગીતો સમાવિષ્ટ છે.
‘તરુણોનું મનોરાજ્ય’ કાવ્યમાં કવિ લખે છે કે –
‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’
મેઘાણીની આવી સ્વાતંત્ર્ય ઝંખનાવાળી કવિતાઓ એ સમયે દેશના યુવાનોમાં નવો જોમ, જુસ્સો ઉત્પન્ન કરતી.
‘નવ કહેજો’ કવિતામાં કવિ દેશભક્તિ માટે શહીદ થવા આહ્વાન કરે છે :
‘અમારા રક્તના હોજ છલકાવશું;
માતનો ધ્વજ ફરી વાર રંગી જશું.’
કવિનાં ‘સિંધુડો’ કાવ્યસંગ્રહનાં વિવિધ ગીતો પાછળ જતાં ‘યુગવંદના’ અને ‘કિલ્લોલ’ કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ પામ્યાં છે.
મેઘાણીનાં સ્વાતંત્ર્ય-સંગ્રામનાં ગીતો :
‘બંગભંગ’થી માંડીને ‘હિંદ છોડો’ સુધીની દેશને મુક્ત કરવાની લડતોમાં રાષ્ટ્રગીતોનો આગવો ફાળો છે. મેઘાણીના સ્વાતંત્ર-સંગ્રામના ગીતો સાંભળી ડોલનારા અને નવા ચૈતન્યની ઉછળનારા આઝાદીની લડતમાં લાખો યુવાનો પ્રાપ્ત થાય છે. આઝાદીના આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી. તેમજ ફાંસીને માંચડે પણ આઝાદીના ગીતો ગાતાં ગાતાં સિધાવ્યા હતા :
‘આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !;
યારો ફનાના પંથ પર આગે કદમ’
ઉપરનું ગીત સાંભળીને દેશના કરોડો યુવાનોને રાષ્ટ્ર કાજે સર્વસ્વ ન્યોછાવર કરવાની ભાવના જાગૃત થઈ હતી.
‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ;
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા.’
ઉપર્યુક્ત ‘સિંધુડો’ કાવ્યસંગ્રહની ‘છેલ્લી પ્રાર્થના’ કવિતા સાંભળીને મુસ્લિમ ન્યાયાધીશની આંખોમાં પણ આંસુ આવ્યાં હતાં.
મેરી લાકૉત્સે નામની ફ્રેંચ યુવતીની કવિતાના અંગ્રેજીમાં થયેલા અનુવાદ ‘સમબડીઝ ડારલીંગ’ પરથી 1930માં ‘કોઈનો લાડકવાયો’ નામનો ભાવાનુવાદ આપે છે. આ કાવ્યની બે – ત્રણ પંક્તિઓ જોઈએ કે જેમાં કાવ્યની મૂળ કૃતિ કરતાં પણ મેઘાણીની કૃતિ ચઢિયાતી લાગે છે. જૂઓ :
‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે ;
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે’
સરહદ પર જતા જવાનોને પાનો ચડાવે તેવી આ કવિતા છે. સૈનિકોની શહીદીના સમાચાર આજે પણ આવતા જ રહે છે. આ એ જ રક્ત ટપકતી સો સો ઝોળીની વાત છે. યુદ્ધના મેદાનમાં ઘવાતા સૈનિકોની પરિસ્થિતિને અહીં, દર્શાવવામાં આવી છે.
ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે :
`છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !’
ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાંથી પાછા વળ્યા ત્યારે :
‘માતા ! તારો બેટડો આવે !
આશાહીન એકલો આવે ;
જો જો ! મારો બેટડો આવે :
સંદેશાઓ ખેપિયા લાવે.’
ઉપર્યુક્ત ગાંધી વિશેની કવિતા ‘છેલ્લો કટોરો’ જ્યારે બાપુએ જોઈ ત્યારે બાપુને થયું કે આ કવિતામાં મારા હૃદયની વાત રજૂ થઈ છે. ત્યારે બાપુ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપે છે.
મેઘાણીની કવિતામાં રાષ્ટ્રીય અસ્મિતા :
ગાંધીયુગની કવિતામાં મેઘાણી પોતાની કવિતામાં પરિવર્તન, પ્રગતિ, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રભક્તિ, ફનાગીરી, જોમજુસ્સો વગેરે વિષયો લઈ આવ્યા. કવિ જીવનમાં પડેલાં બધાં દુઃખો ભૂલી જઈને તેના શોકની ચાદર દૂર કરી પોતાના અસલ લડાયક મિજાજ ઉપર આવી જઈને વીર રસની નિષ્પત્તિ કરે છે :
‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.’
વીર રસની આવી નિષ્પત્તિ મેઘાણીની રાષ્ટ્રીય અસ્મિતાની કવિતાની એક મુખ્ય લાક્ષણિકતા છે. દાંડીકૂચ સત્યાગ્રહ વખતે રચાયેલા ‘મોતનાં કંકુઘોળણ’માં મર્દાનગીભર્યા મોત માટેનું આકર્ષણ ભારતીય અસ્મિતાનું દ્યોતક બને છે :
‘કંકુ ઘોળજો જી કે કેસર રોળજો !
પીઠી ચોળજો જી કે માથાં ઓળજો !
… જોદ્ધા ભાગિયા જી કે કાયર ભાગિયા,
ડંકા વાગિયા જી કે હાકા ભાગિયા.’
પરંતુ, અહીં જે યુદ્ધની વાત કરવામાં આવી છે તે અન્યને મારવા માટે નથી. પરંતુ, શીશ સમર્પવા માટેનું છે. એમ કહીને ગાંધીના નેતૃત્વ નીચે લડાતા આઝાદીના સંગ્રામની એક વિશેષતા કવિએ દર્શાવી છે.
મેઘાણીની કવિતામાં કસુંબલ રંગનું દર્શન :
શૌર્ય, શહીદી, રાષ્ટ્રીય ભાવના, ક્રાંતિ વગેરે વિશેના કાવ્યોમાં આ કસુંબીનો રંગ સૌપ્રથમ દેખાય છે. મેઘાણી લોકહૃદયમાં ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે સ્થાન ‘કસુંબીનો રંગ’, ‘સૂના સમદરની પાળે’, ‘કોઈનો લાડકવાયો’ અને ‘તરુણોનું મનોરાજ્ય’ જેવાં કાવ્યોથી મેળવે છે. ભલે બાપુએ ‘છેલ્લો કટોરો’ કાવ્ય વાંચીને એ બિરુદ આપ્યું.
‘જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ !’
અહીં, ધોળા ધાવણની ધારાનું કસુંબીના રંગમાં થતું રૂપાંતર રમ્ય છે. આ આખુંય ગીત જ્યારે જ્યારે ગવાય છે ત્યારે ત્યારે તે વાતાવરણમાં જીવંતતા બક્ષે છે. કસુંબીના રંગનું પાન ‘જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં’ અને ‘બહેનીના કંઠે નીતરતાં હાલરડાં’માં થયું છે. તેથી વાત્સલ્યનાં, ભાઈબહેનના હેતનાં તેમ નિર્દોષ રમણીય બાલભાવના કાવ્યોમાં કસુંબલ રંગ મેઘાણીની કવિતાનું એક આગવું સર્જન છે.
મેઘાણીની કવિતામાં પીડિત દર્શન :
વાસ્તવદર્શન અને દીન-દલિત, પીડિત-શોષિત પ્રત્યે અનુકંપા જેવાં ગાંધીયુગની કવિતાનાં પ્રમુખ પરિબળો મેઘાણીની કવિતામાં એની પૂરી તીવ્રતાથી આવ્યાં છે. તેમને થતા અન્યાય સામે જાગૃત થવા કવિ ઉદ્બોધે છે. ‘કાલ જાગે’ કવિતામાં મેઘાણીનો સાદ સાંભળો :
‘જાગો, જગતના ક્ષુધાર્ત ! જાગો, દુર્બલ-અશક્ત !
ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે’
નવા યુગનાં મંડાણ થવાનાં છે જેમાં ગરીબો અને શ્રમજીવીઓને મુક્તિનો અહેસાસ થવાનો છે. મેઘાણીનું આ સૌ પહેલું અને આપણી કવિતાનુંય સૌ પહેલું – પીડિત ગીત.
‘કોદાળીવાળા’, ‘કાલ સૈન્ય આવ્યાં’, ‘વિરાટ દર્શન’, ‘બીડીઓ વાળનારીનું ગીત’, ‘દૂધવાળો આવે’, ‘કવિ તને કેમ ગમે ?’, ‘ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત’ તથા ‘કેદીનું કલ્પાંત’ જેવાં ગીતોમાં મેઘાણી દીનપીડિત જનોને અને તેમનાં દુઃખ-દર્દોને પ્રત્યક્ષ કરાવે છે.
મેઘાણીની બાળકવિતા :
બાળકવિતામાં બાળકની મનઃસૃષ્ટિનું અને કલ્પનાશક્તિનું આલેખન જોવા મળે છે. મેઘાણી બાળગીતમાં આલેખાતા વિષયનું કામ ખૂબ જ સુંદર રીતે કરી શક્યા છે. મેઘાણીનો પહેલો બાળગીત સંગ્રહ ‘વેણીનાં ફૂલ’ 1928માં અને ‘કિલ્લોલ’ 1929માં પ્રસિદ્ધ થાય છે. ‘વેણીનાં ફૂલ’ કાવ્યસંગ્રહમાં આવતું ‘દરિયો’ કાવ્ય જૂઓ :
‘દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.’
અહીં, કવિ માઝમ રાતે ડોલતા દરિયાની સાથે પારણે ઝૂલતા ભાઈનું સરખાપણું બતાવીને સુંદર રીતે શબ્દચિત્ર રજૂ કરી આપે છે. મેઘાણીની ‘ચારણ કન્યા’ કવિતા બાળકોના બાળમાનસમાં બહાદુરીની અમિટ છાપ છોડી જાય તેવી છે. જૂઓ :
‘ચૌદ વરસની ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા.’
ચૌદ વરસની હીરબાઈ નામની ચારણની દીકરી સિંહને એક કૂતરાની જેમ ભગાડી મૂકે છે. તેની બહાદુરીને પ્રગટ કરતી આ કવિતા અદ્ભુત છે. તો બાળકોને અતિપ્રિય એવાં ગલુડિયાં વિશેની કવિતા ‘હાલો ગલૂડાં રમાડવા જી રે’ આ કાવ્યથી ગુજરાતનું કયું બાળક અજાણ હોઈ શકે ?
‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં,
ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !’
કવિ `પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ની પશુ-પંખીઓની બોધકથાઓની જેમ ગલુડિયાને વિષય બનાવી બાળકોને આનંદ આપે તેવી સુંદર કવિતા કરી શક્યા છે. ‘વનરાજનું હાલરડું’ અને ‘શિવાજીનું હાલરડું’ પણ વીર રસ નિષ્પન્ન કરતાં મેઘાણીનાં જાણીતાં કાવ્યો છે. આ કવિતામાં કવિ વાત્સલ્ય અને વીરત્વના ભાવને સબળ રીતે ઉપસાવી શક્યા છે. જેમકે :
‘આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા ડોલે
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.’
આમ, હાલરડાં બાળકોને પ્રિય હોય છે અને ખાસ તો તે બાળકો માટે રચાતાં હોય છે. મેઘાણીએ લખેલ હાલરડાંમાં શૈશવના ભાવની સાથે સાથે શૌર્યથી સિંચાયેલો સમરાંગણનો પરિવેશ પણ પ્રગટતો જોઈ શકાય છે.
કવિતામાંથી પસાર થતાં તેમની કવિ તરીકેની સફળતાનો સુખદ અનુભવ થાય છે. મેઘાણીએ સૌરાષ્ટ્રના એક ખૂણામાં રહીને કવિતાના શબ્દને તાત્કાલિક ગુજરાતના આકાશમાં ગુંજતો કર્યો. એનો ગુંજારવ ગુજરાત પૂરતો જ સીમિત ન રહ્યો ; એ ગુજરાતની સીમાઓનેય વટી શક્યો. આ સોરઠી કવિના શબ્દોમાં સોરઠની ધરતીનું ધાવણ હતું. પણ એ ધાવણમાં રાષ્ટ્ર અને વિશ્વને પોષક સત્વ શામિલ હતું.
મેઘાણીની કવિતામાં શૌર્ય, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય અસ્મિતા, કસુંબલ રંગ, પીડિતદર્શન, બાળકવિતા જેવા વિવિધ વિષયો સ્થાન પામ્યા છે.
સંદર્ભસાહિત્ય :
૧). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ – 4, (સંપાદકો : ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ., બીજી આવૃત્તિ સંપાદક : રમણ સોની, પ્ર.આ. 1981, પુનર્મુદ્રણ, 2007, પ્રકાશન : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
૨). યુગવંદના – ઝવેરચંદ મેઘાણી, પ્ર.આ. 1935, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.
૩). મેઘાણીનાં કાવ્યો – સંપાદકો : બચુભાઈ રાવત, મકરન્દ દવે, મહેન્દ્ર મેઘાણી, પ્ર. આ. 1972, પ્રકાશન : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર.
૪). રેલ્યો કસુંબીનો રંગ – સંપાદક : પ્રતિભા મ. દવે, પ્ર.આ. 1996, મુખ્ય વિક્રેતા : આર.આર. શેઠની કંપની, મુંબઈ, અમદાવાદ.
૫). કાવ્યવિશેષ : ઝવેરચંદ મેઘાણી, સંપાદક : સુરેશ દલાલ, પ્ર. આ. 1996, ઇમેજ પબ્લિકેશન પ્રા. લિ., મુંબઈ.
૬). સ્વાતંત્ર્ય-સંગ્રામનાં ગીતો – સંપાદક : મહેન્દ્ર મેઘાણી, પ્ર.આ.1997, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા.
૭). સમગ્ર મેઘાણી સાહિત્ય : ગ્રંથ – ૧, સોના નાવડી સમગ્ર કવિતા – ઝવેરચંદ મેઘાણી, સંપાદક : જયંત મેઘાણી, પ્ર.આ. 1997, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
ભીખાભાઈ વી. દેસાઈ
Ph.d શોધછાત્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – ૩૮૦૦૧૪
મોબાઈલ નંબર : ૮૯૮૦૨૭૫૧૪૯/૯૬૮૭૫૪૪૯૫૦
ઈ-મેઈલ : bhikhajetalpura9371@gmail.com
માર્ગદર્શકશ્રી : ડૉ. સંજય મકવાણા
ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ