માનવ જીવનની નશ્વરતા શાશ્વત હોવા છતાં વ્યક્તિ દુનિયાની મોહ-માયાને કારણે સંબંધોની માયાજાળમાં ફસાય છે. આથી તેને સ્વજનની વિદાય ખટકે છે. એ વિયોગની વેદના આંસુ રૂપે વહે છે. તે શબ્દદેહ ધરે છે, ત્યારે લોકો તેનું વારંવાર ગાન કરીને પોતાની વેદના ભૂલાવવા પ્રયત્ન કરે છે. એ પરંપરા માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ વિશ્વના બધા જ દેશો, વિવિધ ભાષાઓ અને વિવિધ પ્રદેશોમાં દ્રષ્ટિગોચર થાય છે. એ વિષય સાર્વભૌમ અને સનાતન જણાય છે.
આપણે ત્યાં વર્ષોથી ગ્રીક પરંપરાનાં નાટકો યુ.જી.-પી.જી.માં ભણવામાં આવે છે, તેમાંથી આપણે `ઈડિપસ રેક્સ’ નાટક જોઈએ તો એ નાટકમાં જે ભજવણીની રીતિ છે, જેમાં કોઈ એક વ્યક્તિની ફરતે કોરસ(લોકો), એ વ્યક્તિ જે બોલે તેના બોલ ઝીલતા હોય છે. એજ પ્રકારે કંઈક આપણે ત્યાં મૃત્યુ પ્રસંગે મરસિયાનું ગાન કરવામાં આવે છે – તેમાં એક અથવા બે સ્ત્રીઓ કોરસ(લોકો-અન્ય સ્ત્રી)ની વચ્ચે મૃત્યુ પામનારનું નામ લઈને સીધી રીતે અથવા પૌરાણિક પાત્રોને ગૂંથી એના ગુણો-અવગુણોનું મહરબોલતી હોય છે અને બીજી સ્ત્રીઓ છાતી કૂટતા કૂટતા બોલ ઝીલતી હોય છે. સ્મશાનયાત્રા વખતે અથવા કાણના દિવસે આંગણામાં ઊભાં-ઊભાં, છાતી કૂટતાં-કૂટતાં સ્ત્રીઓ મરસિયા ગાતી હોય છે. તેથી મૃત્યુ પ્રસંગે મરેલાને ઉદ્દેશીને ગવાતાં ગીતોને આપણે મરસિયા (મહર) કહીએ છીએ. તો મરસિયાની વ્યાખ્યા આપતા ખોડીદાસ પરમાર નોંધે છે:”વિલાપને બદલે મરનારની ગુણ પ્રશસ્તિ તે મરસિયા. મરનારનાં વય, જાતિ, ગુણોને છાજે તેવું ગાન તે છાજિયાં. મરનારને ત્યાં વહેલી સવારે ગવાતાં વિલાપ ગીતોને `પરોઢિયા’ કે `પરોળિયા’ કહે છે. ગુજરાતમાં વગડાના `હરિયા’ અને ઈસ્લામમાં `માતમકૂટણા’ વગેરે મૃતકનાં શોક-પ્રશસ્તિનાં ગીતો છે.”
આટલી ભૂમિકા પછી આપણે અહીં; `મહુવા પંથકમાં લોકમુખે ગવાતાં મરસિયામાં વ્યક્ત થતું સામાજિક ચિત્ર’ આલેખવાનો ઉપક્રમ છે. અહીં મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકમુખે સાંભળેલાં મરસિયાના આધારે વાત મૂકી છે, આમ તો મરસિયા એ સમગ્ર વિશ્વમાં શોકને ગાનરુપે રજૂ કરી શોક શમાવવા, મૃત્યુ પામનારના ગુણ-અવગુણને રજૂ કરે છે.
મરસિયામાં માનવ જીવનની તમામ સંવેદનાઓ, લાગણીઓ, ભાવનાઓ, સંસ્કાર, રૂઢિ, રીતિરિવાજો, પ્રસંગો અને ઈતિહાસ ગ્રાહ્ય છે, તથા મરસિયામાં સ્થાનિક ભૂગોળ, લોકમાન્યતા, રહેણી-કહેણી, વ્યવસાય લોકસંસ્કૃતિ, લોકસંસ્કાર, લોકસભ્યતા, પશુપક્ષી, પ્રકૃતિનાં જડ અને ચેતન તત્વો વગેરે જેની સાથે માનવનો ગાઢ સંબંધ છે તેવી પ્રત્યેક જીવ-જગત, જલ-સ્થલ પ્રકૃતિ સમસ્ત સૃષ્ટિનો સમાવેશ થાય છે. મરસિયા એ આમ જોઈએ તો યુગયુગના લોકજીવનનો આંખે દેખ્યો અહેવાલ છે. એમાં સમય સમયની અને યુગયુગની અસર ઝીલાયેલી જોવા મળે છે – તેમાં લોકમાનસ અને લોકજીવનનુ સીધું જ પ્રતિબિંબ પડેલું હોય છે. તેનાં કેટલાંક ઉદાહરણો જોઈએ;
“ચાબકા રે જેવડો શાન્તુબાનો ચોટલો,
શાન્તુમાડી મોઢડિયા દેખાડ રે…
હિમત ગોઝારા અસ્તરી(સ્ત્રી) હત્યા તને લાગશે,
પેલો રે ઝાટકો શાન્તુબાને માર્યો,
બીજા રે ઝાટકે કાઢી નાખ્યાં પ્રાણ રે…
હિમત ગોઝારા અસ્તરી (સ્ત્રી) હત્યા તને લાગશે” (૧)
અહીં શરુઆતની પંક્તિઓ છે, જેમાં આપણને જણાઈ આવે કે, `શાન્તુબા છે તે મૃત્યુ પામનાર વ્યક્તિ છે, અને મૃત્યુનું કારણ તેના પતિ દ્વારા થતો ચાબૂકનો પ્રહાર છે. તેથી આ મરસિયામાં શાન્તુબાના ચોટલાને ચાબૂકની ઉપમા આપવામાં આવી છે. આ મરસિયામાં સમાજમાં થતા સ્ત્રી પરના અત્યાચારની આટલી કથાવસ્તુ છે, જેના આધારે આપણને સમાજમાં થતા સ્ત્રી પરનાં દમન, અત્યાચાર, બળપ્રયોગ અહીં દેખાય આવે છે. અને સમાજમાં રહેલાં કલહ, રાગદ્વેષ, પતિનો પત્ની પ્રત્યેનો અ-લગાવ અને મારપીટ વગેરેથી સમાજમાં સ્ત્રીજીવન પર થતાં અત્યાચારોનું આબેહૂબ ચિત્ર અહીં આ મરસિયામાં બે રીતે ઊપસી આવે છે, ૧.આ મરસિયું મૃત્યુ પહેલાના સ્ત્રીજીવનને છતું કરે છે.૨. આ મરસિયામાં સ્ત્રીનાં સાંસારિક જીવનની ખટપટનનુંઆલેખન દેખાઈ આવે છે. તો બીજા એક મરસિયામાં વ્યવસાય જોડાઈને આવે છે તે જોઈએ;
હાય હાય રે… ડુંગર માથે દેરડી,
હાય હાય રે… નારે સોનીના હાટ છે,
હાય હાય રે… નથડી હોરી છે મોંઘામૂલની,
હાય હાય રે… પેરી છે એવી ઉતરી.
હાય હાય રે… ડુંગર માથે દેરડી,
હાય હાય રે… નારે મણિયારાના હાટ છે,
હાય હાય રે… બંગડી હોરી છે મોંઘામૂલની,
હાય હાય રે… પેરી છે એવી ઉતરી. (૨)
પ્રસ્તુત મરસિયામાં સમાજજીવનની વ્યવસાયિકતા જોડાઈને આવે છે. જેમાં જે-તે સમાજનાં અલગ-અલગ વ્યવસાયો સહજભાવે જોડાએલા જોવા મળે છે. આ મરસિયામાં રુપક આવે છે; `હાઈ હોય રે… નારે સોનીડાનાં હાટ છે’, `હાય હાય રે… નારે મણિયારાના હાટ છે’, `હાય હાય રે… નારે વાણિયાનાં હાટ છે’ – આ બધાં વાક્યમાં રુપકો વ્યવસાયને લગતાં છે, જેમાં તે સમાજજીવનની આસપાસનું વ્યવસાયિક ચિત્ર ખડું કરે છે. તો આગળ આ જ મરસિયામાં પુરાણકથાનું કથા-કથન આવે છે; જેમાં `રંડાણી રાણક દેવડી’ એવું કથન છે. જેનો ભરથાર મૃત્યુ પામ્યો છે એ અર્થમાં – આ રાણકદેવી ઈતિહાસનું એક અમર પાત્ર છે, જે લોકમુખે હોવાથી સ્ત્રીઓ કલ્પનાશક્તિ દ્વારા આવાં મૌલિક રુપકો મરસિયામા સહજતાથી વણીલેતી હોય છે. જેમાં આપણને સમાજમાં પ્રચલિત લોકકથા કે ઈતિહાસનું ચરિત્ર-ચિત્રણ; લોકમુખે ગવાતાં મરસિયામાં સહજ રીતે મળી આવતું હોય છે.
આમ, અહીં મહુવા પંથકમાં ગવાતાં મરસિયામાં સમાજનાં રહેણી-કહેણી, લોકસભ્યતા, રુચિ-ધોરણો, સ્થળ-કાળ વગેરે જેવા પરિવેશમાંથી અહીંનાં સામાજિક ચિત્રો ઊપસી આવે છે.
સંદર્ભપુસ્તક:
૧. લોક ગુર્જરી સળંગ અંક ૩૭
માહિતીદાતાની વિગત:
૧. ૦૬/૦૨/૨૦૧૯ રુબરુ સંભળાવનાર; રતુબેન જહાભાઈ શિયાળ, ઉંચા કોટડા.
૨. ૧૧/૦૨/૨૦૧૯ રુબરુ સંભળાવનાર; લાભુબેન ગોપાભાઈ બાટિયા, દયાળ.
- મનીષ એમ. શિયાળ
પીએચ.ડી. શોધછાત્ર – ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ
૪૮, ચામુંડા નગર મેઈન રોડ, ઉંચા કોટડા, મહુવા, ભાવનગર ૩૬૪૧૩૦
shiyalmanish1996@gmail.com
9974870365