લેખ:૪. મહાકવિ ભાસ રચિત કર્ણભાર પરિચય – ડૉ. સુરેશભાઈ બારૈયા

            ભાસ રચિત ૧૩ રૂપકો ટી. ગણપતિશાસ્ત્રીને ત્રિવેન્દ્રમથી મળી આવ્યા હતા. એમાં મહાભારત પર આધારિત (૧) પંચરાત્રમ્ (૨) દૂતવાક્યમ્ (૩) દૂત ધટોત્કચ (૪) મધ્યમવ્યાયોગ અને (૫) કર્ણભારમ્.

  • કર્ણભારનાટકનું શીર્ષક :-

           શેકસપિયર ભલે ‘what is in a name ?’ માં માનતા હોય, છતાં નામની પણ એક અસર હોય જ છે. શીર્ષક દ્વારા સમગ્ર કૃતિનું સૂચન પ્રાપ્ત થઈ જતું હોય છે. ‘शीर्ष एव शीर्षकः’ એ ન્યાયે શરીરમાં માથાનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ શીર્ષકનું છે. સંસ્કૃત આલંકારિકોએ નાટ્યકારોની લગભગ બધી સ્વતંત્રાઓ છીનવી લીધી છે. તેમને શીર્ષક આપવાની સ્વતંત્રતા પણ રહેવા દીધી નથી ! કેટલાક સર્જક – શાર્દૂલોએ કૃતિઓના શીર્ષકો સ્વેચ્છાએ પસંદ કર્યા છે એ વાત પણ નોંધવી જોઈએ. સામાન્ય રીતે નાટકનું શીર્ષક નાયકના નામ પરથી, નાયિકના નામ પરથી કોઈવાર બંનેના નામો પરથી પડતું હોય છે. દા.ત. ‘રત્નાવલી’, ‘પ્રિયદર્શિકા’, ‘માલતીમાધવ’, ‘માલવિકાગ્નિમિત્ર’,  કોઈકવાર નાટકનું નામકરણ કૃતિના મુખ્ય પ્રસંગ કે ઘટના પરથી પણ પાડવામાં આવે છે. દા.ત. ‘ઊરુભંગ’, ‘મૃચ્છકટિક’ વગેરે. આ સંદર્ભમાં આપણે ‘કર્ણભાર’ શીર્ષક વિચારીએ. (૧) कर्णस्य भारम् अधिकृत्य कृतं नाटकम्કર્ણના ભારને ઉદ્દેશીને લખાયેલું નાટક તે કર્ણભાર. આ ભાર તે શારીરિક બોજો નહિ, માનસિક ચિન્તાનો ભાર. 

           ડૉ. જી. કે. ભટ્ટ “Phsychological burden” ની વાત કરે છે. કર્ણને અર્જુન જેવા મહારથી સામે લડવાનું છે, પરશુરામનાં શાપથી શસ્ત્રો નકામાં નીવડ્યાં છે, મા કુન્તાને તે વચન આપી ચૂકયો છે, પોતાના નાના ભાઈઓ એવા પાંડવો સામે લડવાનું છે, આ બધા માનસિક તણાવ સાથે તે કવચ અને કુંડળ પણ આપી દે છે. આ રીતે કર્ણની માનસિક વિષાદભરી સ્થિતિ ‘ભાર’ શબ્દ દ્વારા સૂચવાઈ છે. (૨) કર્ણને સેનાપતિપદ મળ્યું છે, એ પણ તેને માથે આવી પડેલો ભાર છે. ભીષ્મ ઉદ્યોગપર્વમાં સેનાપતિપદ સ્વીકારતી વખતે એને ‘ભાર’ રૂપ લેખે છે :- समुद्यतोऽयं भारो मे सुमहान् सागरोपमः (ઉદ્યોગપર્વ.૧૬૮-૩૦)   વેણીસંહારમાં પણ આવો ઉલ્લેખ છે. કૃપાચાર્ય સેનાપતિ – પદને ‘समर-भरः’ કહે છે :- राजन्, सुमहान् खलु द्रोणपुत्रेण वोढुमध्यवसितः समरभरः (૩) કર્ણ પરશુરામની પાસે જૂઠું બોલીને વિદ્યા શીખવા ગયેલો એ અસત્યનો ભાર પણ કર્ણને કોરી ખાતો હશે. કર્ણે આ ભારને જીવનભર વહ્યો છે. કર્ણ શલ્ય પાસે પોતાના અસત્યનો એકરાર કરે છે , એ પણ સૂચિત થાય છે. (૪) ડૉ.પુસાલકર કર્ણનો અર્થ કાન કરે છે ! કાનને ભારરૂપ કુંડળ ત્યાગીને કર્ણે પોતાની દાનવીરતા પ્રગટ કરી છે. વાત તો સાચી. ( આ સંસ્કૃતની ખૂબી છે ને ! હરિનો અર્થ વિષ્ણુ પણ થાય, વાંદરો પણ થાય ! ) પણ કર્ણ માત્ર કુંડળનું દાન નથી કરતો, કવચ પણ સાથે આપે છે – અથવા વધુ સ્પષ્ટતા કરીએ તો કવચ સાથે કુંડળ આપે છે, કુંડળ સાથે કવચ નહિ (देयं तथापि कवचं सह कुण्डलाभ्याम्…) શ્રીપુસાલકર મહાશયનો મત સ્વીકારીએ તો કવચનો છેદ જ ઉડી જાય (કવચ કાનને ભારરૂપ નથી માટે !) (૫) ડૉ. વિન્ટરનિટ્ઝ કર્ણભાર શીર્ષકનો અર્થ “The difficult task of karna” કરે છે. કર્ણ સત્યપ્રતિજ્ઞ અને દાનવીર હતો, તે બ્રાહ્મણને કદાપિ ના ન પાડતો. કર્ણ કવચ – કુંડળ સાથે પોતાનું જીવન પણ ખોઈ બેસે છે. કર્ણને માટે આ અધરું કામ છે. કર્ણનો કવચ – કુંડળ દાનમાં આપવાનો નિર્ણય ગ્રીક કરુણાન્ત નાટકોમાં બને છે તેમ તેના વિનાશનું કારણ છે. (૬) પ્રા.ગૌ.ચુ.ઝાલા માને છે કે કર્ણભારનો અર્થ ‘ કર્ણનું (મહાભારતના યુદ્ધમાં સૈન્ય તરફ) પ્રસ્થાન’ એવો થઈ શકે છે. કર્ણનું પ્રસ્થાન મૃત્યુ તરફ જ છે. આ પ્રસ્થાનનો પ્રસંગ કરુણાંતિકાના મૂળમાં છે. (૭) ડૉ.મૅકસ લિણ્ડેન્યૂએ ભારનો અર્થ કવચ કર્યો છે. તેમણે આ શીર્ષકનો પર્યાય ‘કવચાંક’ એમ આપેલ છે. (૮) શ્રી વુલનરનું માનવું છે  કે આ એકાંકી દુઃખાન્ત છે. તેનું ધ્યેય ‘કર્ણનો દુ:ખાન્ત’ (Karna’s Tragedy) પણ થઈ શકે છે. સમગ્ર ચર્ચાને અંતે કહી શકાય કે ‘કર્ણભાર’ શીર્ષક ચીલાચાલુ કે ‘શેકસપિયર’ શીર્ષક આપે છે તેમ લાકડે માકડું વળગાડ્યું હોય એવું નથી. આ શીર્ષક નાટકના ભાવને ખરેખર અભિવ્યકત કરે છે . ભાસનું માનસશાસ્ત્રીય નિરૂપણ પણ આ શીર્ષકમાં ધ્વનિત થઈ જાય છે.

  • કવિભાસરચિત કર્ણભાર રૂપકની કથાવસ્તુ તથા રસદર્શન :-

        નાન્દી અને પ્રસ્તાવના :- નાન્દીને અંતે સૂત્રધાર પ્રવેશીને મંગળ શ્લોક બોલે છે. આ શ્લોકમાં નરસિંહના સ્વરૂપે દર્શન આપનાર વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે. અહીં મનુષ્યો તથા દેવ – દાનવો અને પાતાળવાસીઓને ભ્રમમાં નાખનાર, નખરૂપી વજ્રની ધારથી હિરણ્યકશિપુની છાતી ચીરનાર, દાનવ – સૈન્યના વિનાશક શ્રીધર વિષ્ણુનું સ્તવન કરવામાં આવ્યું છે. 

          સૂત્રધાર નાન્દી જેવો મંગળ શ્લોક બોલીને સજ્જન પ્રેક્ષકોને નિવેદન કરવાની શરૂઆત કરે છે ત્યાં જ પડદા પાછળથી શબ્દ જેવું સંભળાય છે. સૂત્રધાર “દુર્યોધનની આજ્ઞાથી ભય પામેલો પરિચારક કર્ણને નિવેદન કરવા જાય છે” એમ કહીને કર્ણ પાસે ઉપસ્થિત થનાર યોદ્ધાનો પરિચય આપીને જતો રહે છે.

  • યોદ્ધાનું નિવેદન :- 

         ભાસે પ્રસ્તાવનામાં જણાવ્યું છે તે મુજબ દુર્યોધનનો સંદેશો લઈને એક યોદ્ધો અંગરાજ કર્ણને નિવેદન કરવાનું જણાવે છે કે અસહ્ય તેજવાળો દુર્યોધન રણમેદાન તરફ જવા રવાના થયો છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું છે. અર્જુનના ધ્વજની સામે હાથી, ઘોડા અને રથ પર બેઠેલા સિંહ જેવા પ્રસન્ન રાજાઓએ સિંહનાદ કર્યો છે. યુદ્ધના આવેગવાળો દુર્યોધન પણ શત્રુઓની ગર્જનાથી પરિસ્થિતિ પામી ગયો છે. ત્યાં જ યોદ્ધાને કર્ણનાં દર્શન થાય છે. કર્ણ યુદ્ધનો પોષક ધારણ કરીને શલ્યરાજ સાથે પોતાના ભવનમાંથી બહાર નીકળીને યુદ્ધના મેદાન તરફ જ આગળ ધપી રહ્યો છે. યોદ્ધો યુદ્ધના ઉત્સવોમાં અગ્રગણ્ય, પ્રખ્યાત પરાક્રમવાળા કર્ણના હૃદયનો સંતાપ શા કારણે હશે તે સમજી શકતો નથી. બુદ્ધિમાન કર્ણને આ સમયે આનંદ અને આવેગ હોવો જાઇએ તેને બદલે તે શોકાતુર કેમ હશે એ યોદ્ધાને સમજાતું નથી. યોદ્ધો કર્ણને વાદળોના સમૂહથી આચ્છાદિત સૂર્ય સમો શોભતો નિહાળે છે. કર્ણને આગળ વધતો જોઈને યોદ્ધો બાજુમાં ખસી જાય છે.

  • કર્ણનો યુદ્ધોત્સાહ તથા વ્યથા :- 

કર્ણ અને શલ્યનો પ્રવેશ થાય છે. કર્ણ કહે છે કે તેનાં બાણોનાં લક્ષ્ય બનેલા રાજવીઓ જીવતા રહ્યા હોય એવુ બન્યું નથી. જો યુદ્ધમાં આજે અર્જુન સામે મળે તો તે કૌરવોને ગમતી વસ્તુ કરી શકે. તે શલ્યરાજને કહે છે કે તે તેનો રથ જ્યાં અર્જુન છે ત્યાં લઈ જાય. રણ – મેદાનમાં પરસ્પરના શસ્ત્ર પ્રહારથી કપાયેલા અંગોવાળા ઘોડાઓ, તૂટેલા રથો વગેરે જોઈને પરાક્રમી કર્ણના શરીરમાં પણ ધ્રૂજાઓ છૂટી જાય છે. પોતે યમરાજની જેટલો ક્રોધે ભરાયેલા હોવા છતાં ક્ષોભ અનુભવે છે. (वैधुर्यमापतति चेतसि युद्धकाले ।।૬।।) 

     કર્ણની બે વ્યથાઓ :-  કર્ણ કહે છે કે :- 

पूर्वं कुन्त्यां समुत्पन्नो राधेय इति विश्रुतः

युधिष्ठिरादयस्ते मे यवीयांसस्तु पाण्डवाः।।

પોતે કુન્તી દ્વારા ઉત્પન્ન થયો હોવા છતાં કૌન્તેયને બદલે રાધેય કહેવાયો તે કેટલું દુઃખદ છે ! કર્ણ જાણે છે કે યુધિષ્ઠિર વગેરે તો પોતાના નાના ભાઈઓ છે. કર્ણ જે સમયની રાહ જોઈને બેઠો છે, તે સમય આવી પહોંચ્યો છે. આજે અર્જુન જેવા સમોવડીયા સાથે લડવાનું સુખ મળવાનું છે, પણ કર્ણને બે વાતનો સંતાપ છે :-

       (૧) કર્ણ માતા કુંતાના વચનથી બંધાયેલો છે. 

       (૨) કર્ણના શસ્ત્રો નિરર્થક ગયાં છે. 

કર્ણએ માતા કુંતાને વચન આપ્યું હતું કે તે પાંડવોમાંથી માત્ર અર્જુનને જ હણશે. કાં તો પોતે હણાશે કાં અર્જુન હણાશે એ સંજોગોમાં કુંતાના પાંચ પુત્રો રહેશે જ ! આ વાતનો નિર્દેશ અહીં કર્ણ કરે છે. 

શલ્યરાજ કર્ણની આ ઉક્તિથી કુતૂહલ-વશ થઈને અસ્ત્રવિદ્યાનો વૃત્તાન્ત જણાવવા કહે છે. 

કર્ણનાં અસ્ત્રો નિષ્ફળ જવાનું કારણ- (પરશુરામના શાપનો વૃત્તાન્ત)- કર્ણ શલ્યને પોતાનાં અસ્ત્રો નિર્વીર્ય થવાની હકીકત પાછળની ઘટના જણાવે છે. કર્ણ પરશુરામ પાસે શસ્ત્રવિદ્યા શીખવા ગયો હતો. પરશુરામે કર્ણને ‘તું કોણ છે ?’ એમ પૂછ્યું. કર્ણે પોતે બ્રાહ્મણ છે એમ કહીને પરશુરામ પાસે વિદ્યા શીખવા માંડી. પરશુરામ બ્રાહ્માણ સિવાય અન્ય કોઈને શસ્ત્રવિદ્યા શીખવાડતા ન હતા તેથી કર્ણને જૂઠું બોલવું પડ્યું કેટલાક સમય બાદ કર્ણ પરશુરામ સાથે ફળ, મૂળ, સમિધ, દર્ભ અને પુષ્પો લેવા ગયો. વનમાં ભ્રમણ કરવાથી ગુરુ થાકી ગયા અને કર્ણના ખોળામાં સૂઈ ગયા. નસીબ જોગે વજ્રમુખ નામનો એક કીડો કર્ણની સાથળને કોરવા લાગ્યો. એ કીડાએ કર્ણની બંને સાથળોને કોરી નાખી. ગુરુની ઊંઘમાં ખલેલ ન પહોંચે તેથી ધીરજપૂર્વક વેદના સહી લીધી. કર્ણના સાથળમાંથી વહી નીકળતાં લોહીના સ્પર્શથી પરશુરામ એકદમ જાગી ગયા. પરશુરામ સમજી ગયા કે કર્ણ બ્રાહ્મણ નથી (કેમ કે બ્રાહ્મણમાં આવી સહનશકિત ન હોય) પરશુરામે કર્ણને ઓળખીને શાપ આપ્યો કે “અણીના સમયે તારાં અસ્ત્રો નિષ્ફળ જશે.”

  • કર્ણની નિરાશાભરી મનઃસ્થતિ :- 

        કર્ણની સ્થિતિ અત્યારે નિરાશાભરેલી છે. તે એવા યુદ્ધમાં ઝંપલાવવાનો છે, જેમાં એના પક્ષે ઉધારપાસું છે કે તેનાં શસ્ત્રો નિર્વીર્ય થઈ ગયાં છે તે પાંડવોને પોતાના ભાઈઓ તરીકે ઓળખે છે એ તેની બીજી નિરાશા છે. કર્ણ પોતાનાં શસ્ત્રોની પરીક્ષા કરી જૂએ છે, પણ શસ્ત્રો તેજ વિનાનાં છે. દીનતાને લીધે આંખો મીંચી ગયેલા, વારંવાર ઠોકરો ખાતાં ઘોડાઓ ને મદોન્મત્ત હાથીઓ જાણે તેને યુદ્ધમાંથી પાછા ફરવાનું સૂચવતા હોય એવું લાગે છે. શંખ અને દુંદુભિઓ પણ શાંત થઈ ગયા છે. આ બધું તેના નિરુત્સાહમાં વધારો કરે છે. શલ્યને પણ દુઃખ થાય છે, પણ કર્ણ નિરુત્સાહી બનવા માગતો નથી. તે મરણિયો બનીને પોતાના ગૌરવને ઉચિત ઉક્તિ બોલે છે –  

हतोऽपि लभते स्वर्गं जित्वा तु लभते यशः

          उभे बहुमते लोके नास्ति निष्फलता रणे ।। (૧૨)

 તે અશ્વોને પોતાનું રક્ષણ કરવા જણાવે છે. યુદ્ધ તરફ અગ્રેસર થતો . કર્ણ ગાયો, બ્રાહ્મણો, પતિવ્રતા સ્ત્રીઓ, યુદ્ધમાંથી પાછા ન ફરનાર યોદ્ધઓનું કલ્યાણ ઈચ્છે છે. પોતાનો અંતકાળ નજીક આવ્યો છે એવું જાણવા છતાં કર્ણ સ્વસ્થ અને પ્રસન્ન છે. તે પાંડવોની સેનામાં પ્રવેશીને ધર્મરાજને પકડીને, અર્જુનને બાણોથી પાડી દઈને યુદ્ધમોરચાને ખુલ્લો કરવા ઈચ્છે છે.

  • કવચ-કુંડળના દાનનો પ્રસંગ :-

ઇન્દ્રનો પ્રવેશ કર્ણ શલ્યને કહે છે કે “જ્યાં અર્જુનનો રથ હોય ત્યાં તેનો રથ લઈ જાય” ત્યાં જ નેપથ્યમાંથી ભગવાન ઇન્દ્ર “હે કર્ણ હું ખૂબ જ મોટી ભિક્ષા માગું છું” એમ કહેતા પ્રવેશે છે. કર્ણ અવાજ સાંભળતાં જ સ્તબ્ધ થઈ જાય છે. ઈન્દ્રના પ્રભાવશાળી અવાજથી ઘોડાઓ ચીતરેલા હોય એમ ઊભા રહી જાય છે. કર્ણ પ્રથમ તો શલ્યને કહે છે કે એ બ્રાહ્મણને બોલાવો, પણ પછી તેને મનમાં એમ કરવામાં અવિનય થતો હોય એવું લાગતાં પોતેજ ઇન્દ્રને બોલાવે છે. દેવરાજ ઇન્દ્ર કર્ણ પાસે આવતાં પહેલાં પોતાની સાથે આવેલાં વાદળોને પાછા મોકલી દે છે. (ઇન્દ્ર વરસાદના દેવ છે એ નોંધવું ઘટે છે) ઇન્દ્ર કર્ણની પાસે આવતાં જ મોટી ભિક્ષાની યાચના કરે છે. કર્ણ કોઈ યાચકને આવેલો જોઈને પ્રસન્ન થાય છે. કર્ણના પગને મહાન રાજવીઓ પ્રણામ કરે છે, પણ કર્ણ પોતાના મસ્તકને શ્રેષ્ઠ બ્રાહ્મણોની ચરણરજથી પવિત્ર બનાવીને કૃતાર્થતા અનુભવે છે. ઇન્દ્ર સ્વગત વિચારે છે કે જો પોતે કર્ણને ‘ચિરંજીવ થા’ એમ કહેશે તો ર્ણ ચિરંવી થઈ જશે, જો પોતે કોઈ આશીર્વાદ નહીં આપે તો કર્ણ માનશે કે ‘આ કોઈ મૂર્ખ બ્રાહ્મણ છે.’ તેથી તે પોતાનો તિરસ્કાર કરશે. હવે શું કરવું ? શા આશીર્વાદ આપવા ? ઇન્દ્ર કર્ણને બુદ્ધિપૂર્વક આશીર્વાદ આપે છે, भो कर्ण! सूर्य इव, चन्द्र इव, हिमवान् इव, सागर इव तिष्ठतु ते यशः કર્ણને ખ્યાલ આવે છે કે બ્રાહ્મણે તેને દીર્ઘાયુ થવાનો આશીર્વાદ ન આપ્યો તે કહે છે કે મનુષ્યએ યત્નપૂર્વક ધર્મને સાધવો જોઈએ. રાજ્યલક્ષ્મી સર્પની જીભ જેવી ચંચળ હોય છે. કર્ણ કહે છે કે हतेषु देहेषु गुणाः धरन्ते કર્ણનો આ ભવ્ય આદર્શ છે કે દેહ નાશ પામે તો પણ ગુણો ટકી રહે છે. ઇન્દ્ર પોતાની ‘મોટી ભિક્ષા’ આપવાની માગણી દોહરાવે છે. કર્ણ અમૃત સમું દૂધ આપતી સોનાના શિંગડાંવાળી હજારો ગાયો આપવા તૈયાર થાય છે. ઇન્દ્ર તો ‘હું ભાગ્યે જ દૂધ પીઉં છું. હું તે ઈચ્છતો નથી’ એમ કહીને દાનનો અસ્વીકાર કરે છે. આ પછી કર્ણ અનુક્રમે હજાર ઘોડાઓ, અનેક હાથીઓના ટોળાં આપવા તૈયાર થાય છે. ઇન્દ્ર તેમનો પણ અસ્વીકાર કરે છે. કર્ણ અપર્યાપ્ત સોનું આપવા તૈયાર થાય છે. ધડિક તો ઇન્દ્ર સોનું લઈ લેવા તૈયાર થાય છે, પણ થોડુંક ચાલીને ઇન્દ્ર સોનાની પણ પોતાને ઈચ્છા નથી એમ કહી દે છે. એ પછી કર્ણ ઇન્દ્રને સમગ્ર પૃથ્વી જીતીને દાનમાં આપવા તૈયાર થાય છે, એ પછી અગ્નિષ્ટોમ નામના યજ્ઞનું ફળ પણ આપવા ઈચ્છે છે. ઇન્દ્ર તેનો પણ અસ્વીકાર કરે છે. હવે કર્ણ પોતાનું મસ્તક દાનમાં આપવા તૈયાર થાય છે. ઇન્દ્ર એ પન્ન લેવાની ના પાડે છે. કર્ણ પાસે હવે આપવા જેવી બે વસ્તુઓ બાકી રહી છે, એ છે કવચ અને કુંડળ.

         દાનેશ્વરી કર્ણ દેવો અને દાનવો વડે અભેદ્ય એવું કવચ કુંડળ સહિત આપવા તૈયારી બતાવે છે. ઇન્દ્ર તરત જ તેનો સ્વીકાર કરે છે. કર્ણ સ્વગત વિચારે છે કે આ બ્રાહ્મણની આ જ ઈચ્છા લાગે છે. ‘શું આ કપટબુદ્ધિવાળા કૃષ્ણનું કારસ્તાન હશે ?’ કર્ણ આવું વિચારીને એક જ ક્ષણમાં પોતાનું મન વિચારોમાંથી પાછું વાળી લે છે. હવે શોકનો કોઈ અર્થ નથી. આ સમયે શલ્ય કર્ણને રોકે છે, अङ्गराज, दातव्यं, दातव्यम् પણ મહાન વ્યક્તિત્વવાળો કર્ણ – ઇન્દ્ર કવચ – કુંડળ દાનમાં સ્વીકારીને જાય છે. તે અર્જુનના વિજય માટે આ વાત દેવોએ નક્કી કરી હતી એમ પોતે કર્યું છે એમ કહે છે. ઇન્દ્ર પણ ઐરાવત પર બેસીને અર્જુન અને કર્ણનું યુદ્ધ જોવા ઈચ્છે છે. શલ્ય કર્ણને કહે છે કે કર્ણ ઇન્દ્રથી છેતરાયો છે, પણ કર્ણ સાચું જ કહે છે કે ખરેખર તો ઇન્દ્ર પોતાનાથી છેતરાયો છે કેમકે દાનવોનો શત્રુ, સર્વલોકોને પૂજનીય, ઐરાવત પર બેસનાર દેવરાજ ઇન્દ્રને પોતાની પાસે યાચક બનવું પડ્યું છે.

  • દેવદૂતનું આગમન :-

       ઈન્દ્ર દ્વારા કવચ કુંડળના સ્વીકાર પછી બ્રાહ્મણના રૂપમાં દેવદૂત આવે છે. દેવદૂત આવીને કર્ણને જણાવે છે કે ઈન્દ્રને કવચ અને કુંડળ લઈ લેવાને કારણે પશ્ચાત્તાપ થયો છે. આથી પાંડવોમાંથી કોઈપણ એક પુરુષનો નાશ કરનારી વિમલા નામની અમોઘ શક્તિ તેણે કર્ણને ભેટ મોકલી છે, પણ કર્ણ તે સ્વીકારવાની ના પાડે છે. તે સ્વમાનપૂર્વક કહે છે धिक् दत्तस्य प्रतिगृह्णामि દેવદૂત કહે છે ‘આ તો બ્રાહ્મણનું વચન છે તેથી તમે સ્વીકારો.’ કર્ણ હવે લાચાર બની જાય છે કેમકે તેણે આ પહેલાં કદી બ્રાહ્મણનું વચન ઉથાપ્યું નથી. તે દેવદૂતને શકિત કયારે મેળવશે એમ પૂછે છે. દેવદૂત જણાવે છે કે વિમલા શક્તિ કર્ણ જ્યારે ઈચ્છશે ત્યારે તેને પ્રાપ્ત થશે. કર્ણ દેવદૂતનો આભાર માનીને ફરી પાછો રથારૂઢ થાય છે. તે શલ્યને ‘જ્યાં અર્જુન હોય ત્યાં મારો રથ લઈ જાઓ’ એવો આદેશ આપે છે. ત્યાં જ તેને કાને પ્રલયકાળના સમુદ્ર જેવો ધીરગંભી૨ શંખ-ઘોષ સંભળાય છે. યુધિષ્ઠિરની હારથી ગુસ્સે ભરાયેલો અર્જુન આજે પૂરી તાકાતથી યુદ્ધ કરશે એવી કર્ણને ખાતરી થાય છે. 

          અંતે ભરતવાકયમાં ભાસે સર્વત્ર સમૃદ્ધિ થાય, વિપત્તિઓ નાશ પામે, રાજાના ગુણોથી યુક્ત રાજા પૃથ્વી પર રાજ્ય કરો એવી શુભેચ્છાઓ વ્યકત કરી છે.

પ્રા.ડૉ.સુરેશ એલ. બારૈયા 

મદદનીશ પ્રાધ્યાપક (સંસ્કૃત)

સરકારી વિનયન કોલેજ, વલ્લભીપુર.