આજ મારું મન, મનમાં ઉતરી ઝીણું ઝીણું ગાતું!
મનની ડાળે ઝાકળ બાઝી, પાન ફૂટ્યું એક રાતું
સહિયર, મારે તો બસ આવી ને આવી વાતું!
હૈયામાં જે ચડે હિલોળા, સપનું ગોથાં ખાતું,
સૂરજનો રહેંટુંડો લઈ હું દિવસ પછેડો કાંતું
સહિયર, મારે તો બસ આવી ને આવી વાતું!
હૃદય અરીસે ઝલપ જોઈ ને કોણ અજાણ્યું જાતું!
હૈયાની ડબ્લીમાં સઘળું કેમ કરી નવ માતું!
સહિયર, મારે તો બસ આવી ને આવી વાતું!
— મધુસૂદન પરમાર