સ્વાતિના સાસરામાં કોઈના લગ્ન હતા એટલે એને સાસરે તેડી હતી. બે-ત્રણ દિવસ ત્યાં રહીને સ્વાતિ પાછી આવી ત્યારે ભાભી લોપા નણંદના અનુભવો જાણવા બહુ જ આતુર હતી, ખાસ તો એટલા માટે કે સગાઇ પછી સ્વાતિ પહેલી વાર સાસરે ગઈ હતી. લોપાના ધ્યાનમાં આવી ગયું હતું કે પાછી આવી ત્યારથી નણંદના પગ ઢીલા પડતા હતા અને મોં પણ થોડું પડી ગયેલું હતું.
લોપા પોતે સ્વાતિના ફીઆન્સે, સાસુ ,સસરા, વગેરેને સગાઇ પહેલા પણ એક-બે વાર ઔપચારિક રીતે મળી હતી અને એને એ બધાનો સ્વભાવ બહુ જ સારો લાગ્યો હતો. એટલે જ હમેશા હસતી રહેતી સ્વાતિનું વિલાયેલું મોં જોઇને એને આશ્ચર્ય થતું હતું. કડક સ્વભાવના મમ્મી-પપ્પા પાસે તો નણંદ મોં ખોલશે જ નહીં એની એને ખબર હતી. એટલે સાંજે એ સ્વાતિને બહાર ફરવા લઇ ગઈ.
રસ્તા ઉપર ચાલતા ચાલતા વાતવાતમાં લોપાએ પૂછી લીધું, ‘શું બેના, કેવો રહ્યો સાસરાનો પહેલો અનુભવ? બધાનો સ્વભાવ તો બહુ જ સારો લાગે છે, હેં ને?’
જવાબમાં સ્વાતિ ફિક્કું હસી. પછી જાણે વાત બદલવી હોય એમ અચાનક રસ્તાની એક બાજુએ વાવેલી મહેંદીની વાડમાંથી એક પાંદડું તોડ્યું અને બોલી, ‘ભાભી, આ મહેંદી કેવી હોય છે, નહીં? ઉપરથી લીલીછમ દેખાય અને અંદરથી એનો રંગ લાલ નીકળે.’
થોડી વાર સુધી લોપા કંઇક વિચારતી રહી અને પાંદડાને આંગળીઓ વચ્ચે રમાડતી સ્વાતિના મ્લાન ચહેરાને જોતી રહી. પછી એણે એ પાંદડું એના હાથમાંથી લઈને ફેંકી દીધું અને દૂરની એક બીજી વાડ બતાવતા બોલી, ‘જુઓ, પેલી લાલ રંગની મહેંદી છે. ઉપરથી અને અંદરથી સરખી. આપણે આપણા બગીચામાં આવી મહેંદી વાવીએ તો કેવું રહેશે?’
- ગિરિમા ઘારેખાન
૧૦, ઇશાન બંગલોઝ, સુરધારા-સતાધાર રોડ
થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન-૮૯૮૦૨૦૫૯૦૯