સૂરજ ધીમે ધીમે આથમણી દિશા તરફ ગતિ કરી રહ્યો હતો. અસ્તાચળ પર્વત ઉપરથી આવતા રવિના કિરણો અંધકારને આવકાર આપી રહ્યા હતા. તેવા જ સમયે ઘરમાં કોઈ મહેમાનને આવકારવાનું સંબોધન સંભળાયું. ઘરની ઓસરીમાં જઈને જોયું તો એક માણસ આવ્યો હતો. તેના હાથમાં એક થેલી હતી. થેલી જોતા તો એવું લાગતું હતું કે થેલીમાં કપડાં ભરેલા હશે. મહેમાન ઘરમાં પ્રવેશ્યો. બાએ બેસવા માટે ખાટલો ઢાળ્યો. મહેમાનગતિમાં પાણી અને ચા આપવામાં આવી. મહેમાને બા- બાપુજી સાથે વાતચીત ચાલુ કરી. તેમની વાતો પરથી મહેમાન બા-બાપુજીને બરાબર ઓળખતો હોય તેવું લાગતું હતું. તે કંઇક મુશ્કેલીમાં કે તણાવમાં હોય તેવો આભાસ થતો હતો પણ કોઈ ચોક્કસ તારણ કાઢી શકાય તેમ ન હતું.
મહેમાન બા-બાપુજી બન્નેનાં સગામાંથી હતો એટલે તેઓ બંને તેમની સાથે વાતોમાં પરોવાયા. અમે પણ થોડા પરિચયમાં હતા એટલે અમે મહેમાનને આવકાર આપ્યો અને બા- બાપુજી જોડે વાતો સાંભળવા માટે બેઠા. મહેમાનની વાતો પરથી તો ક્યાંક ઝઘડો કરીને આવ્યો હોય એવા અણસાર જાણી શકાતા હતા પણ જયારે મહેમાને પોતાની વાત રજૂ કરી ત્યારે ખબર પડી કે તે પોતાની મા સાથે ઝઘડો કરીને આવ્યો હતો.
મહેમાનનું નામ હતું સંકેત. સંકેત નાનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા હતા. તેમની માનું નામ હતું સંઘ્યા. સંઘ્યાબા એ જ દીકરાને પિતાની છાયા અને માની મમતા આપીને ઉછેર્યો હતો. માતા થોડી ભણેલી હતી એટલે પોતાનો દીકરો પણ ભણે- ગણે અને પગભર થાય તેવી ઈચ્છા રાખતી. સંઘ્યાબાએ સંકેતના ઘડતરમાં ક્યાંય પણ પાછી પાની કરી ન હતી. સમાજમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થામાં બાળકનાં નામની પાછળ પિતાનું નામ લખાતું હોય છે. જ્યારે આ સંઘ્યાબાએ આ પરંપરાથી ઉપરવટ જઈને પોતાના દીકરાનાં નામની પાછળ પોતાનું નામ લખાવ્યું હતું.દીકરાને ખૂબ ભણાવ્યો સાથે સાથે નોકરી પણ મેળવે તેના માટે સંઘ્યાબાએ અનેક ખાનગી કચેરીઓમાં ભલામણ કરી હતી અને સંઘ્યાબાની મહેનત રંગ લાવી પણ ખરી. દીકરા સંકેતને એક ખાનગી કંપનીમાં નોકરી પણ મળી ગઇ. સંઘ્યાબાએ નાનપણથી સંકેતને સારા સંસ્કાર આપ્યા હતા પણ ‘સંગ તેવો રંગ’ કહેવત પ્રમાણે સંકેતને નોકરીના સ્થળે કેટલાક કર્મચારીઓ સાથે મુલાકાત થાય છે અને તેના મિત્ર બની જાય છે. આ તમામ મિત્રો વ્યસની હતા. તેમની સંગતમાં આવીને ધીમે ધીમે સંકેત પણ વ્યસની બની ગયો. દરરોજ ઘરે આવે ત્યારે દારૂ પીને આવતો અને પત્ની સાથે ઝઘડો કરતો. સંઘ્યાબાથી આ બધું જોઈ શકાતું ન હતું. માતા અવારનવાર તેને ઠપકો આપતી. છતાં પણ ‘પથ્થર ઉપર પાણી’ ની જેમ સંકેતને કોઈ અસર થતી ન હતી. ધીમે ધીમે તેનું આ દારૂનું વ્યસન તેની આદત બની જાય છે. તેના વ્યસનનાં કારણે તેને નોકરીમાંથી પણ કાઢી દેવામાં આવે છે. પત્ની પણ તેના ત્રાસથી પોતાને પિયર ચાલી ગઈ હતી. હવે સંકેત તણાવમાં આવીને વધુ દારૂ પીવા લાગ્યો. આખો દિવસ દારૂ પીને ઘરમાં પડ્યો રહેતો. માતાના અવારનવાર સમજાવવા છતાં ‘ભેંસ આગળ ભાગવત’ની જેમ સંકેત ને કોઈ અસર થતી નથી. તેનો ત્રાસ વધવાથી સંઘ્યાબા એક દિવસ કંટાળીને તેના પર હાથ પણ ઉપાડે છે. ત્યારે સંકેત પીધેલી હાલતમાં પોતાની માતા ને પણ માર મારે છે. ભગવાનની કૃપાથી સંઘ્યાબા તો બચી જાય છે પણ હાથમાં ફેક્ચર આવી ગયું હતું. સંઘ્યાબાએ ડર ના માર્યા માણસોને ભેગા કર્યા અને પોતાના દીકરા સાથેના તમામ પ્રકારના વ્યવહારો તોડી નાખવાનો નિર્ણય જાહેર કર્યો. હવે સંઘ્યાબા અને સંકેત વચ્ચે સંબંધ માત્ર મિલકત પુરતો રહ્યો હતો. દીકરો પણ એવો કપાતર હતો કે તેને માં સાથેનો સંબંધ તૂટ્યો એનું દુઃખ થવાને બદલે તેણે તો સામેથી પોતાનો વારસો માંગ્યો. માતાએ પણ તેને પોતાની મિલકતમાંથી જે પણ તેનો ભાગ મળતો હતો તે તેને આપી દેવાની હા પાડી . અને તે જ દિવસે સંકેત અમારા ઘરે આવ્યો હતો.
સંકેતની વાતો બા-બાપુજીએ સાંભળી અને તેને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો. પણ ‘ભેંસ આગળ ભાગવત’ની જેમ સંકેતની આગળ સમજદારીની શિખામણ નકામી હતી. સંકેત પોતાના ઘરેથી ઝઘડો કરીને અહીં આવ્યો હતો એટલે ભૂખ્યો હતો અને જમવાનો સમય થયો હતો તેથી બાએ સંકેતની પણ થાળી પીરસી. ચારેબાજુ અંધારું છવાઈ ગયું હતું. રાત્રીના અંધકાર જેવો જ અંધકાર સંકેતના જીવન માં છવાઈ ગયો હતો. બા બાપુજીએ સંકેતને આજની રાત અમારા ઘરેજ રોકાવા કહ્યું. સંકેતે આનાકાની કરી પણ અંતે બા બાપુજીની દલીલથી માની ગયો. બા એ ઘરની ઓસરીમાં મારી અને સંકેતની પથારી કરી. અમે સુવા પડ્યા. હું ખાટલામાં સુતા સુતા મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો ત્યારે સંકેતે મને બોલાવ્યો અને કહ્યું કે “તારા મોબાઇલમાં ઇન્ટરનેટ ચાલુ છે”. મે કીધુ “હા ચાલુ છે” મેં વળતો સવાલ કર્યો કે “કંઇક કામ હતું સંકેત ભાઈ” તેમણે મને તેમની પાસે બેસાડ્યો અને કહ્યું કે “એક રીકવેસ્ટ મોકલવી છે”. હું તો રીકવેસ્ટ શબ્દ સાંભળતા જ ખુશ થઈ ગયો. મને તો લાગ્યું કે બા-બાપુજી ના સમજાવવાથી સંકેતભાઈનું હૃદય પરિવર્તન થયું. તેથીજ પોતાની માં પાસે માફી માટેની રીકવેસ્ટ મોકલવા તૈયાર થયા . મારા તો આનંદનો પાર ન રહ્યો. કારણકે, રસ્તો ભૂલેલો દીકરો પાછો સાચા રસ્તે આવતો હતો. પણ મારા મનની મારા મનની આકાંક્ષાઓ સંકેતભાઈના ભાઈના એક જ વાક્યથી ધરાશાઈ થઈ ગઈ. તેમણે મને કીધું કે “બે-ત્રણ દિવસથી ફેસબૂક આઈડી ખોલી નથી તો ફેસબુક પર જોડાયેલ નવા મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી છે”.
હું સ્તબ્ધ રહી ગયો. મેં જે રિક્વેસ્ટ વિચારી હતી તેનાથી ઉલટી રિક્વેસ્ટની વાત સંકેતભાઈ કરી રહ્યા હતા. ખરેખર ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની ‘રિક્વેસ્ટ’ કોઈકે તો મોકલવી જ પડશે.