બાનો છાંયડો એવો તો અમારા પર કે તકી ક્યારે મોટો થઈ ગ્યો ખબર જ ન પડી. બાકી તો કળજુગના પારકીમા જેવાં તડકા ક્યાં કોઈના કાળજે ટાઢક પુગાડે એમ છે ,તમે જ કોં ને ! લ્યો,તમને ગમ પડે તે ધરથી વાત માંડું.
હું અને તમારા ભાઈ પરણ્યા મોર્ય નાતે-જાતે નોંખા. ઘરમાં સૌથી નાના. એમનાં વચેટ બે ભાઈ હજી ઘરેબારે નહીં થયેલા. હુંય અડબટાઉ,કોઈને રીઝવતા તો આવડે નહીં ! અધૂરામાં પૂરું આ અવળચંડો સમાજ. બાએ એવો તો તોડ કાઢ્યો ને અમને કરી દીધાં ભેગા.એટલે તો કહું કે “ બા એટલે બા.“ બાપુ એટલે કે મારા સસરાને તો હું પહેલથી જ બહુ વહાલી. અમારી સ્થિતિ સાધારણ. બે પાંદડે થવા અમે બેયમા’ણા દા’ડીએ જતાં. બાપુ મારા ગગાને તકી કે’તા. તકી પેટમાં હતો ત્યારેય હું દા’ડીએ જતી. સાંજે ઘેરે પૂગી બાને મોં ન દેખાડું ત્યાંલગણ બા ઊભા જીવે હોય. તકીના આવવાથી બાનો દિ’ હર્યોભર્યો રે’તો. બાપુને ગગો બહુ વહાલો પણ મારા નસીબે જ ભમરો. તકી રમાડવા જેવડો થયો ત્યાં બાપુ મોટું ગામતરું કરી ગ્યા.પણ,પછી બાએ કદી અમને બાપુની ખોટ વર્તાવા દીધી ન્થ હોં !
વ્હેલી પરોઢે ગગો બાને ઉઠાડે. આખો દા’ડો બાનું સંધુંય કામ ગગાને લગતું હોય. હું તો કહી-કહીને થાકી કે ગગાને આટલો પંપાળો મા,પણ માને એ બા ! દા’ડીને હિસાબે ત્રીજા માહે જ ધાવણ છૂટી ગયેલું. બા બચાડા રાત્રે તકીને ઝુલાવતાં-ઝુલાવતાં જ ભીંતને ટેકે નીંદર કરતાં. ક્યારેક તકીને લેતી વેળા મારાથી બાના પગના અંગૂઠે બાંધેલી ઘોડિયાની દોર જો સેજેય હલે તો તો “શું થ્યું મારા પેટને ?”કે’તાક એવાં તો સફાળા ઊભા થાય,જાણે જુવાનજોધ બાઈ ના હોય ! બા નિરક્ષર વિદુષી હતાં. બાના છાંયડે તકી એવો તો ખીલ્યો કે ભણવામાં ઈને કોઈ ના આંબે ! બા ચોપડીના પૂઠાંના રંગ પરથી ગગાને કે’તા “ બટા..! લાલ ચોપડી કાલે કરી’તી. આજ તો ભૂરીનો વારો છે ઈ લઈ લ્યે.” બાની વાત લાટસા’બ માની પણ જાય,બોલો !!
રાત પૂરી ન થાય ત્યાંલગણ દિ’ને ન વખોડવો એમ બાપુ અમને સમજાવતાં. આમેય વડલા આગળ તો માણસને છાંયડાની જ આશા હોય ને ! બાકી તો આ માત્ર મારા મનની મનખાં. આ ઝંખનામાં જ અત્યાર લગણના તે…સુવાવડથી માંડીને મારો તકી થ્યો સોળનો સંધાય સારાં-નરસાં કામ તમારા ભાઈએ ‘બા’બનીને એવાં તો પાર પાડ્યાં છે કે આ ભવ તો શું ભવોભવ એનો પડછાયો બનું તોય ….
સાચું કહું….આજેય મારા ગગાને તો ‘મા’થી વધુ વહાલી ‘બા’જ છે હોં ! હા….તે હોય જ ને .
*************************************************************************************