અત્રે, તત્ર, સર્વત્ર સૌ પુછે મને એક સવાલ;
મોટી થઈ બનવું શું તને?
ઊડી, નજર આભે પડી;
સૂર્ય જોઈ તેની આભા થવું મને,
ત્યાં ફરર..ઉડતા પંખી જોઈ;
નિર્ભય બની ઉંચે ઉડવું મને….
ઉડવાની ઇચ્છા સાથે કલ્પના સ્ફુરી,
ઝરમર વરસતો વરસાદ સાંભર્યો,
આહ! પાણી બની આખી અવની પર પસરુ….
પણ, આ શું?
મારી નજર અરીસે અટકી!
હું… હું તો માનવબાળ;
અનંત અમાપ શક્તિનો ભંડાર;
મને, અંધાધૂંધ: આમ, તેમ, જેમ, એમ ન રહેવાય,
ને: આ, તે, પેલું, આવું, તેવું, જેવું બધુંજ શીખવું પડે;
અરે, ઘડાવું તો પડેને?
પાંચ હજાર વર્ષથી ઘડાતા આવેલા માનવ સમાજના માળખામાં ફીટ થવાનું ને!
પણ હું શું કરી શકવાની?
ને, મારે કરવાનું પણ શું હોય?
કર્મ, માત્ર કર્મ, કેવળ કર્મ ;
ખેડૂત બીજ વાવે- ઝાડવા જાતે ઉગે,
ગુરુ દીશા ચીંધે- જ્ઞાન જાતે થાય,
વૈદ્ય ઉપચાર કરે- દર્દ જાતે મટે;
હું, કેવળ કર્મ: પરિણામ સ્વયંભૂ;
તો પણ, હું ઈચ્છું સામર્થ્ય કરવા એક કર્મ;
મારી શક્તિઓ સતત ઉદ્વગામી બનાવું,
મારી ચેતના ઝળહળતી રાખું;
ના દોડ, ના રેસ, ના હરિફાઈ માત્ર સફર;
આમ, ચાલતા-ચાલતા-ચાલતા ક્યાં પહોંચું?
‘માનવતા સુધી’
મારું એકજ કર્મ: મારે પહોંચવું માનવતા સુધી.
- ભક્તિ સુથાર