માતૃવાત્સલ્ય નીતરતા બે ગીતો

        ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ સીધા –સાદા-સરળ શબ્દોમાં લખાયેલી આ પંક્તિઓમાં કેટલી તાકાત છે. દુનિયાભરના શબ્દકોશો તપાસી લો એમાં રહેલો એક શબ્દ ‘મા’ બધા કરતાં ચડિયાતો છે. ‘મા’ શબ્દ સાંભળતા, બોલતા, કે વાચતા મનમાં કેટલાં સ્પંદનો જાગે છે. મા તેના સર્વ સંતાનોનું ‘રક્ષાકવચ’ છે. માના ખોળામાં બાળક નિર્ભય હોય છે. ગર્ભમાં હોય ત્યારથી જ બાળકને એવી પ્રતીતિ કરાવે છે કે ‘મા’ હમેંશા તેની સાથે જ છે. ‘મા’ વિશે આપણાં કવિઓએ ઘણી કવિતાઓનું સર્જન કરેલું છે, અને એ બધી કવિતાઓ ખૂબ જાણીતી બની છે. દલપતરામથી માંડીને દામોદર ખુશાલદાસ બોટાદકર, મણીલાલ દેસાઈ, રતિલાલ સોલંકી, નટવરલાલ પંડ્યા, ઇન્દુલાલ ગાંઘી, મનોહર ત્રિવેદી, મુકેશ જોષી, અનીલ ચાવડા. આ કવિઓએ એમની કવિતામાં માતૃવાત્સલ્યને ખૂબ પ્રેમથી વર્ણવ્યો છે. મારો ઉપક્રમ અહી ‘માતૃવાત્સલ્ય નીતરતી કવિતા’નો આસ્વાદ કરાવવાનો રહેલો છે. મેં અહી બે કવિતાઓ આસ્વાદ માટે પસંદ કરી છે. એક તો ‘હતો હું સૂતો પારણે’ દલપતરામની રચના અને બીજું ‘જનનીની જોડ સખી’ દામોદર ખુશાલદાસ બોટાદકરની રચના. આ બન્ને કવિતા લગભગ સૌ કોઈ પ્રાથમિક શિક્ષા દરમ્યાન ભણ્યા હશું. ક્રમશ આ કવિતાને માણીએ.

        ‘હતો હું સૂતો પારણે’ આ શીર્ષકસ્થ કવિતાના સર્જક છે દલપતરામ. દલપતરામની કવિતા આપણને જિંદગીના પાઠ શીખવે છે. શિશુ અવસ્થાથી જ બાળક ગીતો ગાતાં ગાતાં અવનવી રીતોથી જીવન જીવવાની કળાઓ સારી રીતે શીખી લે છે. ને અભ્યાસના ભાગરૂપે કવિતામાં સાતવારના નામ કે દરેક ઋતુના નામ ગીત ગાઈને કંઠસ્થ કરાવવાનું કેટલું સાતત્યપૂર્ણ લાગે ! દલપતરામે હડૂલા, જોડકણાં અને કાવ્યો દ્વારા મહત્ત્વનું શિક્ષણ પ્રદાન કર્યું છે. તેની કવિતામાં માતા અને સંતાનના સ્નેહની સરવાણીને વહેવડાવતી ખૂબ જાણીતી કવિતા એટલે ‘હતો હું સૂતો પારણે પુત્ર નાનો’. આ કવિતા લગભગ બધા પ્રાથમિકશાળા અધ્યયન દરમ્યાન ભણ્યા હોય, બધાંને કંઠસ્થ જ હશે. આ કવિતાને વારંવાર ગણગણ્યા કરવાનું અને મમળાવવાનું મન થાય તેવી આ રચના છે.

‘હતો હું સૂતો પારણે પુત્ર નાનો,

રડું છેક તો રાખતું કોણ છાનો ?

મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું ?

મહા હેતવાળી દયાળી જ મા, તું !’

        ઉપરોક્ત પંક્તિમાં પારણામાં પોઢેલો નાનો પુત્ર પોતાનાપરના માતાના વાત્સલ્યને પ્રગટ કરે છે. પારણામાં પોઢ્યો હોઉં અને નિદ્રામાંથી જાગીને રડવા લાગુ ત્યારે મને કોણ છાનું રાખતું ? અને જયારે જયારે મને કોઈ શારીરિક પીડા સતાવતી હોય ત્યારે મને દુઃખી જોઈને તું પણ દુઃખી થઈ જતી. મા ! તું ખૂબ હેતાળ અને દયાળુ છે.

‘સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,

પીડા પામી પંડે તજે સ્વાદ તો તે

મને સુખ માટે કટુ કોણ ખાતું ?

મહા હેતવાળી દયાળી જ મા, તું !’

        શિશુ રાત્રે માની સાથે પથારીમાં પોઢે છે. ત્યારે રાત્રી દરમ્યાન થોડી થોડીવારે પથારી ભીની કરે છે. મા રાત્રી દરમ્યાન ઘડી ઘડીવારે જાગીને જોયા કરે છે કે તેનું બાળક ભીનામાં તો નથી સુતું ને, ભીનામાં સૂઈ રેશે તો શરદી થઈ જશે, બીમાર પડશે. એટલે કેટલીયે વાર માતા ભીનામાં સૂઈ હશે પણ તેના બાળકને કોરી જગ્યામાં સુવરાવે છે. અને બાળક જયારે માતાના દૂધ પર નિર્ભર હોય ત્યારે માતા પોતાના ખોરાક પ્રતિ વિશેષ ધ્યાન રાખે છે. વાયુવાળા પદાર્થો તે ખાતી નથી કેમકે બાળકને પેટમાં દુખે, એટલે તે કડવાણી ખાય છે કેમકે તેના બાળકની તંદુરસ્તી જાળવવાની છે. આ બધું મારા માટે મારી હેતાળ અને દયાળી માતા તું કરે છે.

‘લઈ છાતી સાથે બચી કોણ લેતું ?

તજી તાજું ખાજુ મને કોણ દેતું ?

મને કોણ મીઠા મુખે ગીત ગાતું ?

મહા હેતવાળી દયાળી જ મા, તું !’

        માતાનું વાત્સલ્ય તો અજોડ છે. માતા તેના બાળકને હેતથી છાતી સાથે વળગાડીને બચી ભરી વહાલ વરસાવે છે. પોતે વાસી ખોરાક ખાય છે અને તેના બાળકને તાજો ખોરાક ખાવા આપે છે. પોતે કષ્ટો વેઠીને પણ બાળકને મોટું કરે છે. મીઠા ગીતો ગાઈને મને કોણ  પોઢાડતુ ? મા તું કેટલી હેતાળ અને દયાળુ છો !

‘પડું કે ખડું તો ખમા આણી વાણી,

પડે પાંપણે પ્રેમના પૂર પાણી

પછી કોણ પોતાતણું દૂધ પાતું ?

મહા હેતવાળી દયાળી જ મા, તું !’

        ચાલતાં ચાલતાં હું જયારે પડું – આખડું ત્યારે તારો ;ખમ્મા’ શબ્દ સંભળાઈ છે. તું મને એટલું વહાલ કરે છે કે હું પડું તો તારી આંખમાં પાણીના પૂર આવે છે, અને તરત જ તું મને ઊંચકી ખોળામાં લઈ તારું દૂધ પીવડાવી શાંત કરે છે. આવું હેત વરસાવનારી દયાળી મા તું જ છે.

‘મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ ?

તળે તાપ પાપ મળે જેથી મુક્તિ ?

ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચાતું ?

મહા હેતવાળી દયાળી જ મા, તું !’

        મા ! તું મને આધ્યાત્મિક જ્ઞાનની વાર્તાઓ કહી પાપ-પુણ્યના ભેદ શીખવી ભક્તિ – મુક્તિની વાતો કરતી. તારા ચિત્તમાં સદાય મારા માટે ચિંતા રાખતી. મા તું કેટલી હેતાળ અને દયાળુ છો.

‘તથા આજ તારું હજી હેત એવું,

જળે માછલીનું જડ્યું હેત જેવું,

ગણિતે ગણ્યાથી નથી એ ગણાતું !

મહા હેતવાળી દયાળી જ મા, તું !’

        બાળક મોટું થાય છે, ત્યારે એ માના વાત્સલ્યને બરાબર સમજે છે. બાળક જન્મે છે ત્યારથી લઈને તેની વયના દરેક તબક્કે માતાનો પ્રેમ તો એવોજ નિર્મલ રહે છે. જેમ માછલી જળનો  કદીય ત્યાગ કરતી નથી, માછલીને જળ બહાર કાઢો તો તે થોડા સમય માં જ મૃત્યુ પામે છે. એટલે કે માછલીનો પાણી સાથેનો સંબંધ અભિન્ન છે. એ જ રીતે માતા અને બાળકનો છે. માતાના પ્રેમની તુલના કોઈ સાથે કરી ન શકાય. એના હેતને , વહાલને દુનિયાનું કોઈ ગણિત ગણી શકતું નથી. મા તું કેટલી હેતાળ અને દયાળુ છો.

‘અરે, આ બધું શું ભલું જૈશ ભૂલી ?

લીધી ચાકરી આકરી જે અમૂલી ?

સદા દાસ થૈ વાળી આપીશ સાચું ?

મહા હેતવાળી દયાળી જ મા, તું !’

        પુત્ર મોટો થાય છે ત્યારે વિચારે છે કે માતા પાસેથી ખૂબ આકરી સેવા લીધી છે. હું મોટો થતા શું આ બધું ભૂલી જઈશ ? હું નાનો હતો ત્યારે માએ મને ખૂબ લાડ – પ્યારથી ઉછેર્યો છે. હવે માતાની સેવા ચાકરી કરવાનો મારો ધર્મ છે. હું સદાય માતાનો સેવક બનીને મારી માની સેવા કરીશ. મા તું ખૂબ હેતાળ અને દયાળુ છો.

‘અરે દેવના દેવ આનંદ દાતા

મને ગુણ જેવો કરી મારી માતા,

સામો વાળવા જોગ દેજે સદા તું !

મહા હેતવાળી દયાળી જ મા, તું !’

          હે આનંદ આપનારા દેવ મારી માતાએ મને સારા ગુણ – લક્ષણ આપ્યા છે. મારો ઉછેર ઉત્તમ રીતે કર્યો છે. સદાય મારું ભરણ પોષણ કરીને મારી ચાકરી કરી છે. મને પણ એવો યોગ પ્રાપ્ત થાય કે હું મારી માતાની સેવા ચાકરી કરી શકું. તેમણે આપેલા સદગુણને મારા જીવનમાં ખીલવીને મારી માતાનું ઋણ ચૂકવી શકું, મારી માતા કેટલી હેતવાળી અને દયાળી છે. પંક્તિને અંતે આવતું આવર્તન કવિતામાં રહેલાં માતૃવાત્સલ્ય ભાવને ઘટ્ટ બનાવે છે.

‘શીખે સાંભળે એટલા છંદ આઠે,

પછી પ્રીતથી જો કરે નિત્ય પાઠે,

રીઝી દેવ રાખે, સુખી સર્વ પાવે,

રચ્યા છે રૂડા, છંદ દલપતરામે.’

અંતે દલપતરામે ઉપરોક્ત આઠ છંદની રચના કરી છે તેનો નિત્ય પાઠ કરવાનું કહે છે. આનો નિત્ય પાઠ કરવાથી ઈશ્વરની કૃપા દ્રષ્ટિ બની રહેશે. આપણે જયારે ધાર્મિક કથા – વાર્તાના પુસ્તકો વાંચીએ છીએ ત્યારે અંતે આ પ્રકારનું જ નિવેદન કરવામાં આવ્યું હોય છે એટલે એક રીતે આ માતૃવાત્સ્લ્યની કવિતાનું મૂલ્ય ધાર્મિક ગ્રંથથી જરાયે ઓછું નથી એવું સાબિત થાય.

        માતૃવાત્સલ્યનું નિરૂપણ કરતી બીજી કવિતા દામોદર ખુશાલદાસ બોટાદકરની ખૂબ જાણીતી રચના ‘જનનીની જોડ સખી’ છે. કવિ બોટાદકર આપણા ગુજરાતી કવિતા સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિવિધ ભાવસંવેદનનું નિરૂપણ કરતી તેમની ઘણી કવિતા જાણીતી છે. પ્રસ્તુત કવિતા આપણે સૌ પ્રાથમિકશાળા અધ્યયનમાં ભણ્યા હોઈશું. ‘મા’ કે’તા મોઢું ભરાઈ જાય એવી માની વાત કરવી છે. આ કવિતા જોઈએ –

‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,

એથી મીઠી તે મોરી મત જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        આ કાવ્યમાં માતાની તુલના જુદી જુદી ચીજ – વસ્તુઓ સાથે કરવામાં આવી છે. કવિતાની પ્રથમ પંકિતમાં કવિ કહે છે, કે મધ અને મેહુલા મીઠા લાગે છે, પરંતુ એથી પણ મારી માં મીઠી છે. મારી જનનીની સરખામણી કોઈની પણ સાથે ન થઈ શકે. તે અજોડ છે.

‘પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,

જગથી જૂદેરી એની જાત જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        ઈશ્વરે માનું સર્જન કર્યા પછી બીજી કોઈ વસ્તુના સર્જનની જરૂર નહી રહી હોય. માતા તો પ્રભુના પ્રેમની અને હેતની પૂતળી(મૂર્તિ) છે. સાક્ષાત પ્રભુનો અવતાર જ જોય લો. માનું સ્વરૂપ આખા જગત કરતાં જુદું છે. માતાનું સર્જન પ્રભુએ કર્યું છે એટલે પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ સમાન છે. એનું રૂપ જગતના લોકો કરતાં નિરાળું છે. આખા જગતમાં માતાની જોડ સૌથી જુદી છે.

‘અમીની ભરેલ એની આંખડી રે લોલ,

વ્હાલના ભરેલ એના વેણ જો,

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        માતાની આંખોમાં અમૃત ભરેલું છે. અને તેના વેણમાં વ્હાલપ નીતરે છે. આવું વાત્સલ્ય આપનાર મારી જનની છે. હે સખી ! માતાની પ્રેમની આવી જોડ ક્યાંય નહી મળે.

‘હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,

હૈયું હેમંત કેરી હેલ જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        માતાના હાથ જાણે હીર- રેશમથી ગુંથેલા હોય તેવા સુંવાળા છે. અને તેનું હૈયું હેમંતઋતુની શીતળતાથી ભરેલ પાણીની હેલ જેવું શીતલ છે. હે સખી ! માતાની આવી જોડ ક્યારેય નહી જડે.

‘દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ,

શશીએ સિંચેલ એની સોડ્ય જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        માતાનું દૂધ તો દેવોને પણ દુર્લભ છે. એનો અધિકારી હું છું, અને માતાનો ખોળો ચન્દ્રની ચાંદનીથી સીંચેલો હોય એવો શીતળ છે. હે સખી ! માતાની આવી જોડ બીજે ક્યાંયે નહી જડે.

‘જગનો આધાર એની આંગળી રે લોલ,

કાળજામાં કૈક ભર્યા કોડ જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        માતાની આંગળી પકડીને બાળક ચાલતા શીખે છે. અને થોડુ મોટુ થતાં એને આંગળી પકડીને શાળા સુધી મૂકવા જાય છે. એટલે આખા જગતનો આધાર બાળક માટે માતાની આંગળી જ છે. બાળક માતાની આંગળી પકડે છે એટલે નિર્ભય બની જાય છે. માતાના હૈયામાં તેના બાળક માટે કેટકેટલા કોડ(અરમાન) ભર્યા છે. હે સખી ! માતાની જોડ બીજે ક્યાંયે નહી જડે.

‘ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ.

પળના બાંધેલ એના પ્રાણ જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        પોતાના બાળકને બધી રીતે યોગ્ય બનાવવા માતા સતત મથામણ કરતી હોય. બાળકની સતત ચિંતા પણ કરતી હોય, બાળક શાળાએ ગયું હોય ત્યાંથી ઘરે પાછું ન આવે ત્યાં સુધી એને ચેન ન પડે. મારું બાળક પડ્યું – આખડ્યું તો નહી હોય ને. એ ભૂખ્યું થયું હશે તો? કેટકેટલી ચિંતાથી એનું મન વ્યાકુળતા અનુભવે છે. કુંભારના ચાકડાની જેમ માતાનું મન પણ ચક્કર ચક્કર ફર્યા કરે છે. પ્રત્યેક પળે એના પ્રાણ બાળક સાથે જોડાયેલા છે. હે સખી ! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે.

‘મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,

લેતા ખૂંટે ન એની લ્હાણ જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        માતાની આંખો અને હ્રદય સતત બાળકને આશિષ આપતાં હોય છે. મનમાં ને મનમાં તે મલકતી જાય અને બાળકના મીઠડાં લેતી જાય. માતાના પ્રેમની સરવાણી અવિરત ચાલુ જ રહે છે. તે ગમે તેટલો લઈએ તો પણ ક્યારેય ખૂટતો નથી. હે સખી ! જનનીની આવી જોડ બીજે ક્યાંય નહી જડે.

‘ધરણી માતાએ હશે ધ્રૂજતી રે લોલ,

અચળા અચૂક એક માંય જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        હે સખી ધરતી માતા પણ ક્યારેક ધ્રૂજતી હશે પણ માતા પોતાના બાળક પ્રત્યેના વાત્સલ્યથી વિચલિત થતી નથી. એનો પ્રેમ અજોડ છે તેથી માતાની જોડ ક્યાંય જડે તેમ નથી.

‘ગંગાના નીર તો વધે ઘટે રે લોલ,

સરખો એ પ્રેમનો પ્રવાહ જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        ઉપરોક્ત પંક્તિમાં ભારતની પવિત્ર ગણાતી ગંગાનદીની સરખામણી માતાના પ્રેમ પ્રવાહ સાથે કરે છે, ત્યારે ગંગાનદીનો પ્રવાહ ક્યારેક વધે તો ક્યારેક ઘટતો હશે. પરંતુ માતાના પ્રેમનો પ્રવાહ નિરંતર એકસરખો જ રહે છે. માતાનો પ્રેમ પ્રવાહ ક્યારેય વધ – ઘટ થતો નથી. માતા તેના પ્રત્યેક સંતાનને એક સરખો જ પ્રેમ કરે છે. હે સખી ! માતાના પ્રેમની જોડ ક્યાંયે નહી મળે.

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,

માડીનો મેઘ બારેમાસ જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        અહી વરસાદ અને માતાનો પ્રેમમેઘ એની સરખામણી કરવામાં આવી છે. ચોમાસામાં ક્યારેક વાદળી ચડે તો મેઘ વરસી જાય, પરંતુ માતાના સ્નેહરૂપી મેઘ બારેમાસ તેના બાળક પર સ્નેહવર્ષા કરતો રહે છે. હે સખી ! માતાના સ્નેહની આવી જોડ જગતમાં ક્યાંય નહી જડે.

‘ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,

એનો નહી આથમે ઉજાસ જો

જનનીની જોડ સખી નહી જડે રે લોલ.’

        અહી ચન્દ્રમા સાથે માતાની તુલના કરતાં કવિ કહે છે કે ચન્દ્રની ચાંદનીમાં પણ વધ ઘટ થયા કરે છે શુક્લપક્ષનો ચંદ્રમાં તેની એક એક કળા વધારતો જાય તેમ તેની ચાંદની ખીલે છે, અને જેમ કૃષ્ણપક્ષનો ચંદ્ર તેની એક એક કળા ઘટાડતો જાય તેમ તેની ચાંદની ઘટતી જાય છે. પરંતુ માતાનો ઉજાસ તો હમેંશા રહે છે. માતાના પ્રેમમાં ક્યારેય વધ ઘટ થતી નથી. હે સખી ! આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહી મળે.

        ઉપરોક્ત બન્ને કવિતાઓમાંથી પસાર થતાં કવિએ માતાના વિવિધ સ્વરૂપોનું નિરૂપણ કરીને માતૃવાત્સલ્યની છબી ઉપસાવી છે. માતાની તુલના જગતની કોઈ વસ્તુ સાથે કરી શકાતી નથી. બન્ને ગીતોનો અભ્યાસ કરતાં એટલું તો ચોક્કસ પામી શકાય કે માતાનો સ્નેહ નિર્વ્યાજ સ્નેહ છે. અને આ બન્ને કવિઓની કવિતાએ આપણી જીવન જીવવાની પાઠશાળા છે. મનોહર ત્રિવેદીની એક પંક્તિ ટાંકીને મારી વાત પૂરી કરું. ‘દશે ટેરવાં અડે ને પીડા છું થાતી પલભરમાં….’

સંદર્ભ:

૧. ‘હતો હું સૂતો’ ‘દલપત –કાવ્ય’, દલપતરામ

૨. ‘જનની’, ‘રાસતરંગિણી’, દામોદર ખુ. બોટાદકર

ડૉ. અરુણા ત્રિવેદી

આસીસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ

શ્રી એન. કે. મહેતા અને શ્રીમતી એમ. એફ. દાણી આર્ટસ કૉલેજ, માલવણ

તાલુકો: કડાણા, જીલ્લો: મહીસાગર

પીનકોડ: ૩૮૯૨૬૫

Email: arunatrivedi10@gmail.com

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 6 issue 2 March – April 2025