-ભરત મકવાણા
હમણાં જ (ફેબ્રુઆરીમાં ૨૦૨૪) વિશ્વ માતૃભાષા દિવસ ગયો. ગુજરાતમાં ઘણીબધી સંસ્થાઓએ માતૃભાષા દિવસને ઉત્સાહભેર ઉજવ્યો. વિવિધ પ્રોગ્રામ અને કવિ સંમેલન કે વ્યાખ્યાનોનું આયોજન થયું. ઘણી મોટી સંખ્યામાં કાર્યક્રમો થયા. એ જોઇને અપેક્ષાઓ વધી છે. હજુ વધુ થવા જ જોઈએ. માતૃભાષા ઉત્કર્ષ માટે દરેક ગુજરાતીએ મથવું પડશે, નહીં તો આવનારી પેઢીને આપણે શું જવાબ આપશું ? અમે માતૃભાષા માટે શું શું કર્યું ? એની વિગતો આપણે આપી નહીં શકીએ. માતૃભાષા દિવસની સિમિતતા પણ વિસ્તારવી પડશે. જેટલા અને જેવા કાર્યક્રમો થયા એ સિવાય પણ નવાનવા કાર્યક્રમો વિશે વિચારવું પડશે. અન્ય ભાષાઓમાંથી પ્રેરણા લેવી પડશે.
બાળકનો પાયો ગુજરાતી માધ્યમમાં જ ઘડાય એ અંગે જાગૃતિ જરૂરી છે. આજકાલ સોસાયટીમાં પોતાનું બાળક ગુજરાતી માધ્યમમાં ભણે છે એવું કહેતા શરમાતા વાલીઓ ને ખાસ જગાવવાની જરૂર છે. બાળકનો પાયો ગુજરાતી માધ્યમમાં જ ઘડાય એ અંગે જાગૃતિ જરૂરી છે. આજકાલ સોસાયટીમાં પોતાનું બાળક ગુજરાતી માધ્યમમાં ભણે છે એવું કહેતા શરમાતા વાલીઓ ને ખાસ જગાવવાની જરૂર છે. વાલી દ્વારા જ ઘરમાં પ્રથમ શુદ્ધ ગુજરાતી અને બાદમાં અંગ્રેજીનો ઉપયોગ શરૂ થાય તો બાળકમાં આપોઆપ માતૃભાષા નાનપણથી જ દ્રઢ બને. આપણો ઉત્સાહ ઓસરી ના જાય એની કાળજી આપણે જ લેવી રહી. પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમાંથી જ, બાળપણથી જ માતૃભાષા તરફ આકર્ષણ ઉદ્ભવે એવું કરવું પડશે. કેવળ પ્રાથમિક કે માધ્યમિકના ભાષાનાં શિક્ષકો ઉપર જવાબદારી નાખવાથી નહીં થાય, કૉલેજ અને યુનિવર્સિટીના અધ્યાપકોએ પ્રાથમિક કે માધ્યમિક શાળામાં જવું પડશે, ગુજરાતી ભાષાનાં સર્જન સાથે જોડાયેલ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજી પ્રાથમિક કે માધ્યમિક શાળામાં જવું પડશે. જુદીજુદી સ્પર્ધાઓ પાછળ ખર્ચ કરવું પડશે. બાળકો માટે સ્પેલિંગ બી ટાઇપ કે સાહિત્યિક કે જોડણી વિષયક પ્રશ્નોતરીની સ્પર્ધાઓ કરવી પડશે. માતૃભાષાના વાંચન-લેખનની સ્પર્ધાઓ કરવી પડશે. આપણા ઘરમાં કે આસપાસ બાળક ગુજરાતી માતૃભાષામાં કેટલું બોલે છે એ જોવું પડશે, શક્ય હોય તો ઠપકો સાંભળીને શીખવવું પડશે. શેરી કે સોસાયટીમાં કાર્યક્રમો કરવા પડશે.
બાળકોને આપણે કાર્ટૂન જોતા અટકાવી શકીએ તો ખૂબ સારી વાત પણ એમાં આપણું નિષ્ફળ થવાનું વધુ જોખમ છે. જે આપણે અટકાવી ના શકીએ તેને અપનાવી બદલવાનો પ્રયાસ કરીએ. બાળક કાર્ટૂન જો માતૃભાષામાં જોશે તો બાળકની માતૃભાષા પ્રત્યેની પકડ મજબૂત બનશે. માતૃભાષા પ્રત્યેનું આકર્ષણ પણ વધશે. ઘણી કાર્ટૂન ચેનલો પર ચાર-પાંચ ભારતીય ભાષામાં (હિન્દી, તમિલ, મરાઠી, બંગાળી, કન્નડ) જુદાજુદા કાર્ટૂન શો પ્રસારિત થાય છે. આપણે એ ચેનલોને ગુજરાતી ભાષામાં પણ શો પ્રસારિત કરે એવું કહેવું જોઈએ. આજે આપણે ઈમેલથી પણ આવી રજૂઆત કરી શકીએ. એ પણ આપણો માતૃભાષા પ્રેમ જ હશે. સરકારી બાળકલ્યાણ વિભાગ પાસે પણ આપણે આવી ચેનલોને કાર્ટૂન શો ગુજરાતીમાં પ્રસારિત કરે એવો પત્ર લખાવી શકીએ, લખે એવી રજૂઆત કરી શકીએ. જો માંગ વધુ હશે તો ચેનલે એ સ્વીકારવું જ પડશે.
તરુણો કે યુવાનો રીલ્સની ભાષા બોલતા થયા છે. આપણે ચોખ્ખી અને શુદ્ધ માતૃભાષા- ગુજરાતી બોલતા યુવાનોને રીલ્સ બનાવતા ઉત્સાહિત કરવા જોઈએ. એની પણ સ્પર્ધાઓ કરી શકાય. જે ગુજરાતી યુવાઓ સોસિયલ મીડિયામાં પ્રખ્યાત છે, તેમની ગુજરાતી સુધારવા પણ પ્રયત્નો કરી શકાય. જેથી સમાજ, તરુણો કે યુવાનો પાસે જે ભાષા આવે તે શુદ્ધ ગુજરાતી હોય.
ડૉ. ભરત મકવાણા : મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જામ કલ્યાણપુર.
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 1 January- February 2024