મિત્તલ આર. ચૌહાણ
ભૂમિકા:-
મનુષ્ય ચિંતનશીલ પ્રાણી છે. દરેક માણસની વિચારવાની શક્તિ વિશિષ્ટ હોય છે અને તેથી દરેક માણસના વિચારો ભિન્ન હોય છે. એરિસ્ટોટલ મનુષ્યને વિવેકશીલ પ્રાણી કહે છે. વિવેક એટલે બુદ્ધિની પ્રધાનતા. દરેક માણસએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને એક જ વસ્તુને ભિન્ન રીતે દર્શાવે છે. મનુષ્યમાં રહેલી બૌદ્ધિકતા જ તેને નવી નવી વસ્તુ જાણવા માટે ઉત્સુક બનાવે છે.
મનુષ્યના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી રહે છે. તેને હલ કરવા માટે દર્શનશાસ્ત્રનું સર્જન થયું છે. માણસે પોતાના દુઃખો અને કલેશોમાંથી મુક્તિ મેળવવા માટે દર્શનશાસ્ત્રનો રસ્તો અપનાવ્યો છે. મનુષ્યના જીવનમાંથી દુઃખો દૂર કરવા માટે દર્શનની ઉપયોગિતા વધારે છે. તેથી જ પ્રો. હિરિયાણા કહે છે કે “પાશ્ચાત્ય દર્શનની જેમ ભારતીય દર્શનનો પ્રારંભ આશ્ચર્ય તથા ઉત્સુકતાથી થતો નથી પરંતુ જીવનની નૈતિક અને ભૌતિક બાબતોનાં દમનથી થાય છે. દાર્શનિક પ્રયત્નો મૂળ ઉદ્દેશ જીવનનો દુઃખોનો અંત શોધવાનો છે તથા તાત્વિક પ્રશ્નોનો સિલસિલો જાળવી રાખવાનો છે.”
સાહિત્યશાસ્ત્રના ગ્રંથો ભારતમાં પ્રાચીનકાળથી જોવા મળે છે. આ પ્રક્રિયાનો શાસ્ત્રીય પ્રારંભ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’થી થયેલો છે.
ભારતીય સાહિત્ય મીમાંસા:-
ભરતમુનિએ સાહિત્યમીમાંસાના આદિ આચાર્ય છે. ભરતમુનિ પાસેથી મળતા ‘નાટ્યશાસ્ત્ર’ માં રહેલી વિષયે પરત્વેની સૂક્ષ્મ દ્રષ્ટિ, વ્યાપ, ઊંડાણ વગેરે જોવા મળે છે. ‘નાટ્યશાસ્ત્ર’ ની રચના કેટલાક પ્રાચીન ગ્રંથોને આધારે થઈ હોવાનું મનાય છે.
ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ ગ્રંથમાં નાટ્યલેખન, રંગભૂમિ, અભિનય, રસ, વૃત્તિ, ગુણ, નાટ્યસ્વરૂપ, નાટ્યઅંગો, નાટ્યપ્રકારો વગેરેનો સૂક્ષ્મ અને વ્યાપક અભ્યાસ કરેલ છે. તેમાં ભરતમુનિ રસનિષ્પતિ કેવી રીતે થાય છે? તે વર્ણવ્યું છે અને તેની સાથે સાથે રસના વિવિધ પ્રકારો પણ જણાવ્યા છે. ‘રસ’ વિના કોઈ પણ વસ્તુ ઉદ્ભવતી નથી. ભરતનું પ્રસિધ્ધ રસસૂત્ર આ પ્રમાણે છે: ‘વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોના સંયોગથી રસનિષ્પતિ થાય છે.
રસ એટલે શું?
કોઈપણ કાવ્ય, લોકગીત, લોકકથા, નાટક, જોતાં, વાંચતા કે સાંભળતા પ્રેક્ષક, વાચક કે શ્રોતાના અંત:કરણની જે સ્થિતિ થાય છે તેને સાહિત્યની પરિભાષામાં ‘રસ’ તરીકે ઓળખવામાં આવે છે.
ભાવ એટલે શું? વ્યક્તિમાં ભાવ ક્યારે ઉત્પન્ન થાય?
સચોટવાણી, અંગ કે સાત્વિક અભિનય વડે કાવ્ય કે નાટકને જે આસ્વાદ યોગ્ય બનાવે છે તે ભાવ. લેખક કે કવિની વાણી જ એવી હોય કે પ્રેક્ષક કે વાચકમાં ભિન્ન પ્રકારના ભાવ ઉત્પન્ન થાય. આચાર્ય ભરતે કુલ ૪૯ ભાવો ગણાવ્યા છે તેમાં ૮ સ્થાયીભાવો, ૩૩ વ્યભિચારી ભાવો અને ૮ સાત્વિકભાવોનો સમાવેશ થાય છે.
સ્થાયીભાવો:-
અમુક ભાવો સ્થાયીભાવો તરીકે ઓળખાય છે. એમાં ભરતે રતિ, હાસ, શોક, ક્રોધ, ભય, ઉત્સાહ, જુગુપ્સા અને વિસ્મય એ ૮ સ્થાયીભાવો છે. માનવીની મૂળભૂત વૃતિઓ ઈચ્છાઓ કે વાસનાઓ રૂપે માનવપ્રકૃતિમાં તે સ્થાયીરૂપે રહેલા હોવાથી તેને ‘સ્થાયીભાવ’ કહે છે.
વિભાવ:-
‘વિભાવ’ એટલે સ્થાયીભાવને જાગ્રત કરતી બાબતો તેના બે પ્રકાર છે:
(૧) આલંબન વિભાવ
(૨) ઉદ્દીપન વિભાવ
(૧) આલંબન વિભાવ:
કોઈ પાત્રના ચિત્તમાં અમુક લાગણીના પ્રાદુર્ભાવ માટે અન્ય કોઈ પાત્ર નિમિત્ત બને તેને ‘આલંબન વિભાવ’ કહે છે.
(૨) ઉદ્દીપન વિભાવ:
અમુક વસ્તુઓ જાગ્રત ભાવનું ઉદ્દીપન કરે છે. જેમ કે, જાગ્રત રતિભાવ ચંદ્ર, ઉદ્યાન અને સ્ત્રીના શારીરિક સૌંદર્યથી ઉદ્દીપન પામે છે. આથી એ બધા ‘ઉદ્દીપન વિભાવ’ ગણાય.
અનુભાવ:
જાગ્રત ભાવ અમુક ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે. જેમ કે, કોઈ ક્રોધિત થાય તો તેના ચહેરા તંગ બને, આંખો પહોળી થઈ જાય. આવી ચેષ્ટાઓને ‘અનુભાવ’ કહે છે.
વ્યભિચારી:
અમુક વખત એવું બને છે કે મુખ્ય ભાવ દૂર થઈ જાય અને બીજા ભાવો આવી જાય છે. સ્થાયીભાવની સાથે જે અનેક ક્ષણજીવી ભાવો આવી-આવીને મુખ્યભાવને પોષીને ચાલ્યા જાય, તેને ‘વ્યભિચારીભાવો’ અથવા ‘સંચારીભાવો’ તરીકે ઓળખવામાં આવે છે. નિર્વેદ, ગ્લાનિ, શંકા, શ્રમ, આલસ્ય, ચિંતા, મોહ વગેરે જેવા ૩૩ વ્યભચારીભાવો છે.
સાત્વિકભાવો:
અમુક સમય પ્રેક્ષક તેમજ વાચકના મનમાં ભાવો પ્રગટ થાય છે. સત્વ એટલે ‘ચિત્ત’ અથવા ‘મન’. મનમાંથી પ્રગટતા ભાવોને ‘સાત્વિકભાવો’ કહેવામા આવે છે. સ્તંભ, રોમાંચ, અશ્રુ વગેરે ૮ સાત્વિકભાવો છે.
કેટલાક આને અનુભવોમાં જ સમાવી લે છે, જ્યારે કેટલાક એમને અલગ ગણે છે. બંનેના મતે એમનો વ્યાપાર તો આનુભાવનનો જ છે. સાત્વિક ભાવોને જુદા પાડવાની કોઈ જરૂર નથી. પણ અમુક સમયે આ સાત્વિકભાવો બીજા ભાવોથી જુદા તારી આવે છે.
‘દશરૂપક’ અને ‘સાહિત્યદર્પણ’ બીજાના દુઃખ, હર્ષ વગેરે ભાવોને અત્યંત અનુકૂળ અંતઃકરણ એટલે સત્વ અને એ સત્વોમાંથી ઉત્પન્ન થતાં ભાવો તે સાત્વિક ભાવો એમ કહેવાય. એટલે કે સાત્વિક ભાવોની ઉત્પત્તિ પરહ્રદય સાથેના અત્યંત સમભાવમાંથી થાય છે.
રસાસ્વાદના પ્રકારો:
અમુક વિભાવાદિ અમુક એક જ રસના અને બીજા રસના બીજા એવું નેથી, રસનો કોઈ એક જ પ્રકાર હોય તેવું નથી. ઉદાહરણ: વાઘ… વગેરે વિભાવો જેમ ભયાનક રસના છે તેમ વીર, અદ્ભૂત રૌદ્રના છે. અશ્રુપાત વગેરે, અનુભાવો જેમ શૃંગારના તેમ કરુણ અને ભયાનક પણ છે; ચિંતા વગેરે વ્યભિચારી ભાવો શૃંગારના, તેમ વીર, કરુણ અને ભયાનકના પણ છે. આથી સામાન્ય રીતે રસનિર્ણય માટે વિભાવ, આનુભાવ અને વ્યભિચારી ભાવોનું સંયોજન જરૂરી બની રહે છે. ઘણી વાર કાવ્ય, નાટક, લોકગીત કે લોકકથામાં ક્યા પ્રકારના રસ આલેખાયા છે તેની સમજ પડતી નથી.
દરેક સાહિત્યમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ એ બધાનું નિરૂપણ થાય જ છે તેવો નિયમ નથી. ઘણીવાર સાહિત્યમાં માત્ર વિભાવ, અનુભાવ કે વ્યભિચારી ભાવનું જ આલેખન હોય, પણ તે અસાધારણ હોય કે બાકીના બેનું સામગ્રીનું સંયોજન કે એમાનું કોઈ એક જ તત્વ જ ચમકતું હોય, ત્યારે આસ્વાદમાં ફેર પડવાનો. જ્યાં ભાવક વિભાવાદિ સામગ્રીના સંયોજનથી જાગતા સ્થાયીની પ્રતીતિ કરે છે અને એ સ્થાયીની ચર્વણા દ્વારા આસ્વાદ પામે છે. ત્યારે રસની ઉત્પતિ જોવા મળે છે.
ઘણી વખત સ્થાયી ભાવ પણ વ્યંજિત થતો હોય અથવા એ સ્થાયીભાવ એવા વિષય પ્રત્યેનો હોય જ્યાં આસ્વાદને સ્થાન રહેતું નથી અથવા સ્થાયી ભાવ પ્રગટ થતો ન હોય અને વ્યભિચારી ભાવ પ્રગટ થતો હોય. આવી આલંકારિક ભાષાએ સાહિત્યમાં જોવા મળે છે.
આચાર્ય અભિનવગુપ્ત કહે છે તેવી રીતે વિપ્રલંભ શૃંગાર રહેલો હોવા છતાં, આસ્વાદની જે વિશેષતા છે તે ‘વિતર્ક’ નામના વ્યભિચારીના ચમત્કારને લીધે છે.
ભાવની ત્રણ અવસ્થા હોય શકે: ઉદય, સ્થિતિ અને લય કે શાંતિ. ‘ભાવધ્વનિ’ માં ભાવની સ્થિતિનું નિરૂપણ હોય છે. ભાવના ઉદયને નિરૂપતા કાવ્યને ‘ભાવોદયધ્વનિકાવ્ય’ કહેવામા આવે છે. અને ભાવની શાંતિને નિરૂપતા કાવ્યને ‘ભાવશાંતિધ્વનિકાવ્ય’ કહેવામાં આવે છે. આ ઉપરાંત ભિન્ન ભિન્ન ભાવોની એક સાથે ઉપસ્થિત પણ થાય.
રસાભાસ અને ભાવાભાસ:
રસાભાસ અને ભાવાભાસના બે પ્રકારો છે. મમ્મટ અનૌચિત્યથી પ્રવર્તતા રસ અને ભાવને રસાભાસ અને ભાવાભાસ ગણે છે. અમુક વિષયમાં ઉત્સુકતા બતાવી રતિ જ્યાં વ્યંજિત થાય છે તેને એ રસાભાસનું ઉદાહરણ ગણે છે અને સીતાની પ્રીતિ પ્રાપ્ત કરવાની રાવણની ચિંતા જ્યાં વ્યંજિત થાય છે તે તેનું ભાવભાસનું ઉદાહરણ ગણે છે. મમ્મટની દ્રષ્ટિ અનૌચિત્ય એટલે નીતિનું અનૌચિત્ય હોય છે.
આચાર્ય અભિનવગુપ્ત વિભાવ અને અનુભાવના આભાસના કારણે રસાભાસ ઉદ્ભવે છે. સીતા પ્રત્યેના રાવણના રતિભાવને એ રત્યાભાસ ગણે છે, કારણ કે ‘સીતા મારા પ્રત્યે ઉપેક્ષા રાખે છે. મારો દ્વેષ કરે છે.’ એ ખ્યાલ રાવણને નથી. એવો ખ્યાલ એને આવે તો, એનો અભિલાષ વિલીન થઈ જાય.
સામાજિક દ્રષ્ટિના અનૌચિત્ય અને આભાસસમયતા વચ્ચે કદાચ ભેદ કરી શકાય. મમ્મટ જે ઉદાહરણો આપે છે. તેમાં સામાજિક દ્રષ્ટિએ જ અનૌચિત્ય છે. સીતા માટે રાવણની ચિંતાને ભાવભાસ ગણવા પાછળ એમની દ્રષ્ટિ સીતાને આપણે દેવી ગણીએ છીએ અને તેથી તેના પ્રત્યે રતિભાવ ન સંભવી શકે એ જાતની ગણાય છે. આચાર્ય અભિનવ ગુપ્ત સીતા રાવણની પ્રીતિનો પડઘો પાડી શકે તેમ નથી, એ વાત પર ભાર મૂકતાં જણાય છે. એમાં સામાજિક નીતિમત્તાની વાત નથી, પણ આલંબનવિભાવ જ રતિભાવને પોષક નથી અને તેથી સંપૂર્ણ રસસિધ્ધિ થવી અશક્ય છે એવું સૂચન જણાય છે.
આમ, રસાભાસ અને ભાવાભાસની ભારતીય કાવ્યશાસ્ત્રીઓની ચર્ચા બહુ સ્પષ્ટ નથી. પણ તે આસ્વાદનો એક પ્રકાર છે. આમ વિવિધ કાવ્યો, લેખ, લોકકથા, લોકગીત અથવા નાટકોમાં ભિન્ન ભિન્ન રસનો અભ્યાસ કરવામાં આવે છે.
સંદર્ભગ્રંથ:
(૧) ભારતીય કાવ્યસિદ્ધાંત – જયંત કોઠારી/ નટુભાઇ રાજપરા
(૨) ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા – ડૉ. રમેશ એમ ત્રિવેદી
મિત્તલ આર. ચૌહાણ (પીએચ.ડી. સ્કૉલર), ભાષા- સાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. ઈ- મેલ :mrchauhan2504@gmail.com
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 1 January- February 2024