– ડૉ. મનોજ માહ્યાવંશી
મારા મતે ભારતીય સાહિત્ય એટલે સમયે સમયે ધબકતા ભારતની સાહિત્યમાં ઝીલાયેલી છબી. કાશ્મીરથી કન્યાકુમારીનું ભારત અનેક વૈવિધ્યોથી ભરેલું છે. દરેક ક્ષેત્રના વર્ષો જૂનાં સાંસ્કૃતિક વારસાને જયારે લેખક પોતાની કૃતિમાં કલાત્મકતાપૂર્વક લાવે છે ત્યારે ભારતના કોઈ એક ક્ષેત્રનું એ સાહિત્ય જે તે ક્ષેત્રનું ન રહેતા સમગ્ર ભારતીય ઉપખંડનું સાહિત્ય બની જાય છે. વેદો, ઉપનિષદો, પંચતંત્ર, રામાયણ, મહાભારતથી માંડીને આજે ૨૦૨૪માં સર્જાતા સાહિત્યને ભારતીયતા સાથે અવિનાભાવી સંબંધ છે. ભારતના અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ ભાષા-બોલીનાં સાહિત્યમાંથી તેના વિશેષો તારવી શકાય છે. અહીં એક વાત સ્વીકારવી રહી કે અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ ભાષા-બોલીમાં સર્જાતા સાહિત્યને હિન્દી અથવા અંગ્રેજીમાં અનુવાદનો ટેકો મળે તો તે ભાષાના સાહિત્યની વિશેષતા બીજી ભાષા જાણનારો પણ મેળવી શકે છે. કારણ કે, આ બે ભાષાઓમાંથી કોઈ એકની સમજ તો હોવાની જ. સામાન્ય રીતે સમજવું હોય તો હિન્દીભાષામાં અનુવાદ લગભગ દરેક ભારતીય સમજી શકે છે અને એ અનૂદિત કૃતિ ભારતીય કૃતિ તરીકે રાષ્ટ્રીય સ્તરે નામના મેળવે છે જયારે અંગ્રેજી ભાષામાં અનુવાદ એ જે તે કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવે છે. જો કે, મૂળ કૃતિની કલાત્મકતાનો સંદર્ભ જ ભારતીય સાહિત્યની દૃષ્ટિએ અગત્યનો લેખાવો જોઈએ. એટલે કે, નબળી કૃતિઓના અનુવાદનું કોઈ ખાસ મૂલ્ય રહેતું નથી. જો કે, સબળ કળાત્મક કૃતિઓના અનુવાદ કરવાનું કામ પણ ખાસ્સું એવું અઘરું હોય છે. પરંતુ તે અનુવાદની પ્રક્રિયામાંથી પસાર થઈને જે તે કૃતિ વાચક પાસે પહોંચી જાય તો એ કૃતિ પછી જે તે પ્રદેશની ન રહેતા સમગ્ર ભારતની અને કેટલાક કિસ્સામાં સમગ્ર વિશ્વની કૃતિ બની જાય છે. જેમ કે, અંગ્રેજીમાં ‘INDIA A TRAVELLER’S LITERARY COMPANION’ નામનું વાર્તાઓનું એક નોંધનીય સંપાદન થયેલું છે. ચંદ્રહાસ ચૌધરી એના સંપાદક છે. આ સંપાદનમાં ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી કાશ્મીરના સલમાન રશ્દી, દિલ્હીના કુર્રુતલ હૈદર, આગરાના કુણાલ બાસુની વાર્તાઓ છે. ઉત્તરપૂર્વીય ભારતના ક્ષેત્રમાંથી અરુણાચલ પ્રદેશના મમંગ દાઈની વાર્તા છે. પૂર્વીય ભારતના ક્ષેત્રમાંથી બિહારના ફણીશ્વરનાથ રેણુ, કલકત્તાના વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, ઓરિસ્સાના ફકીર મોહન સેનાપતિની વાર્તાઓ છે. પશ્ચિમ ભારતના ક્ષેત્રમાંથી ગુજરાતના નાઝીર મનસુરી, મુંબઈના વિક્રમ ચંદ્રા, ગોવાના અંજુમ હસનની વાર્તાઓ છે. દક્ષિણના ક્ષેત્રમાંથી કર્ણાટકના જયંત કૈકીની, કેરાલાના લલીથામ્બિકા અન્થેરજનમ, તમિલનાડુના ગીતા હરિહરનની વાર્તાઓ છે. આમ, અહીં ભોગૌલિક દૃષ્ટિએ ભારતના પાંચ વિસ્તારના કુલ તેર જેટલા ભારતીય સર્જકોની અનૂદિત વાર્તાઓને સ્થાન મળ્યું છે. આ સંપાદન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું એટલે કે ભારતીય સાહિત્યનું પ્રતિનિધિત્વ છે, એમ કહીએ તો એમાં કશું ખોટું નથી, કારણ કે એક જ પુસ્તકમાં ભાતીગળ ભારતની છબી રજૂ કરતી આ વાર્તાઓ સમગ્ર ભારતની અત્યંત નોંધપાત્ર વાર્તાઓ બની રહે છે.
જો કે, એ વાત પણ સમજી શકાય છે કે જે તે પ્રાદેશિક ભાષાનો વાચક એની પ્રાદેશિક ભાષામાં અનૂદિત થયેલી કૃતિ વાંચવા તરફ વધારે ઝોક ધરાવતો હોય. વાચક હિન્દી કે અંગ્રેજીની ભાષામાં પણ પડવા નહીં માંગતો હોય પણ તમામ ભારતીય ક્ષેત્રની ભાષાઓમાં ઉત્તમ ભારતીય કૃતિઓના અનુવાદ થાય એ પણ શક્ય નથી. એટલે મોટેભાગે વિકલ્પ હિન્દી કે અંગ્રેજીનો જ બચે છે. જો હિંદી કે અંગ્રેજીમાં અનુવાદ પ્રાપ્ય બને તો એ અનુવાદને આધારે જે તે પ્રાદેશિક ભાષામાં પણ અનુવાદ થઈ શકે છે. ભારતની-વિશ્વની અન્ય ભાષાની ઘણી કૃતિઓ ગુજરાતી ભાષામાં એ રીતે જ અનુદિત થઈ છે. હું માનું છું કે ખરો અભ્યાસી પોતાની ભાષાના સર્જન પૂરતો મર્યાદિત અભ્યાસ નહીં જ કરે. તેનામાં ભારતની અને વિશ્વની બીજી ભાષાઓના સાહિત્યસર્જકને વાંચવાની સમજવાની એક જિજીવિષા કે બેચેની પણ હોવી જ જોઈએ. પોતાની જ ભાષાના સાહિત્યના કુંડાળામાં ગોળગોળ ફરવાની પ્રવૃત્તિનો એક ગેરલાભ એ પણ છે કે જે કૃતિમાંથી ખાસ કંઈ જીવનદર્શન કે રહસ્ય પ્રાપ્ત ના થતું હોય તો પણ તે કૃતિને ખોટું મહત્વ અને માનપાન મળી જતા હોય છે. હકીકતે આવી કૃતિઓ કાલાંતરે વિસરાઈ જતી હોય છે અને ટકી રહે છે માત્ર ખરેખર અનોખા જીવનદર્શનની સબળ કલાકૃતિ. વળી, વાટકીવહેવાર નિમિત્તે પણ નબળી કૃતિ વિશે સારું સારું લખવાનું અને બોલવાનું એવું બધું ચાલતું જ હોય ત્યારે ખરા ભારતીય સર્જકો કે જેઓ આપણી પીઠ થાબડવા આવવાના નથી કે એમના વિશે લખવા બદલ આપણો આભાર માનવાના નથી એવા વ્યાસ, વાલ્મિકી, કાલિદાસ, કબીર, નરસિંહ, અખોથી માંડીને ગાલિબ, ફૈઝ અહમદ ફૈઝ, મીર તકી મીર, જૌન એલિયા કે ટાગોર, પ્રેમચંદ, મન્ટો, ઈસ્મત ચુગતાઈ, ગિરીશ કર્નાડ, રાહી માસુમ રઝા, યુ.આર. અનંતમૂર્તિ, અરુણ કોલટકર સુધીના સર્જકો વિશે ઈમાનદારીપૂર્વક માત્ર અભ્યાસએષણાથી વંચાવું લખાવું જોઈએ.
આનો એટલો સંકુચિત અર્થ એ પણ નથી કે, જેઓ હયાત હોય, હાલમાં લખતા હોય તેમના વિશે અભ્યાસ નહીં કરવો કે નહીં લખવું. પણ સાહિત્યના સમયના ક્રમબદ્ધ ઇતિહાસનું પણ મહત્વ નોખું છે. એ ઇતિહાસના સમયના મહાન બિંદુ પરના સાહિત્યજગતનું જ્ઞાન અને માન બંને જળવાવું જોઈએ અને તેમાંથી ફલિત થતાં જીવનદર્શનને સમજવું ખરા અભ્યાસી માટે અનિવાર્ય બાબત લેખાવી જોઈએ. જો આવું થાય તો સાંપ્રત સમયમાં લખાતા-સર્જાતા સાહિત્યની દશા અને દિશા બંનેનો સાચો ખ્યાલ આવે. એટલે કે, સાહિત્યક્ષેત્રની જાગૃતતા આવે અને જે તે સર્જકના કલાકીય કૌવતના સ્તરને પિછાણવાની ગુણવત્તાસભર સમજ કેળવાશે અને પછી કોઈ સામાન્ય કક્ષાના લેખક માટે મહાન, અદ્ભુત કે નીવડેલા જેવા અતિશયોક્તિ ભરેલા શબ્દો વાપરતા પહેલાં અભ્યાસી સો વાર વિચાર કરશે. ભારતીય સાહિત્યના ઇતિહાસની-અગત્યના સર્જકોની જાણકારી એ સાંપ્રત સાહિત્યને મૂલવતા પહેલાની પ્રાથમિક લાયકાત મનાવી જોઈએ.
ભારતીય સાહિત્યની કોઈ ચોક્કસ વ્યાખ્યા તો નથી, પણ સમગ્ર ભારતખંડની ચેતનાને એકરૂપમાં જોવાની-સમજવાની સમજણ વ્યક્ત કરતું સાહિત્ય ‘ભારતીય સાહિત્ય’ કહી શકાય. વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભગવદગીતા એ જૂનામાં જૂનું ભારતીય સાહિત્ય છે. વળી આપણા ભારતીય સાહિત્ય મીમાંસકોએ આપેલ સાહિત્યમીમાંસા પણ અનેક રીતે નોંધનીય બની રહે છે. રામાયણના રામ-સીતા-લક્ષ્મણ જેવા પાત્રો સાથે સમગ્ર ભારતીય વર્ગની ભાવના જોડાયેલી છે. એ અર્થમાં ‘રામાયણ’ ભારતીય જનજીવન પર પ્રભાવ પાડનારી મહત્વની કૃતિ તરીકેની છાપ છોડે છે. રામની પુત્ર, ભાઈ કે રાજા તરીકેની વિશેષતાની સાથેસાથે સીતાત્યાગ અને શમ્બુક જેવા પ્રસંગોના સંદર્ભ આજે પણ દલિતસાહિત્ય અને નારીવાદી સાહિત્ય નિમિતે ચર્ચાતા હોય છે. વેદવ્યાસે ‘મહાભારત’રૂપે આપેલ વૈશ્વિક સંદેશો એ પણ ભારતીય સાહિત્યનું સોનેરી સોપાન છે. મહાભારતમાં જે છે તે દુનિયામાં છે અને મહાભારતમાં જે નથી તે દુનિયામાં નથી એ કથન અમસ્તું જ જાણીતું નથી બન્યું. એમ જોવા જઈએ તો મહાભારત એ યુદ્ધકથા છે. પણ એ યુદ્ધકથા પહેલાની બુદ્ધકથા બનવા મથતી સઘર્ષકથા તરીકેની કૃતિ છે. કૃષ્ણના કેન્દ્રીય પાત્રનો પ્રભાવ હોવા છતાં દરેક પાત્રો પોતપોતાની રીતે અનોખી છાપ છોડીને જીવનની કોઈને કોઈ બાબત-વાસ્તવ અને પરિણામ તરફ દિશાનિર્દેશ કરી રહે છે. અહીં ઉલ્લેખનીય છે કે બી. આર. ચોપડાએ મહાભારત સિરિયલ બનાવી તેના ડાયલોગ લખવા માટે રાહી માસુમ રઝા સામે પ્રસ્તાવ રાખેલો, ત્યારે રઝાએ એ પ્રસ્તાવ નહીં સ્વીકારેલો. પણ આ વાત બહાર ફેલાઈ જતા વિરોધનું વાતાવરણ સર્જાયું અને બી. આર. ચોપડા ઉપર પત્રો દ્વારા લોકો ગુસ્સો ઠાલવવા લાગ્યા કે, આ હિંદુ ધર્મના મહાકાવ્યના સંવાદો મુસ્લીમ એવા રઝા પાસે લખાવવું ઠીક નથી. રઝાને આ વાતની ખબર પડી અને નક્કી કર્યું કે, હવે તો મહાભારતના સંવાદ તેઓ જ લખશે. તેમણે લખેલા સંવાદોવાળી મહાભારત સિરિયલ આખા ભારતભરમાં પ્રખ્યાત બની ગયેલી. અહીં એ વાત પણ નોંધીએ કે, થોડા સમય પહેલા ‘રામાયણ’ ઉપરથી બનેલ ‘આદિપુરુષ’ ફિલ્મના સંવાદ હિંદુ એવા મનોજ મુંતશીરે લખ્યા હતા, પણ પ્રેક્ષકોએ તેની ખૂબ ટીકા કરી. એટલે સર્જકના ધર્મ કે જાતિની સાથે તેની રચનાની ગુણવત્તાને કોઈ લેવાદેવા નથી, એ ભારતીય સાંસ્કૃતિક સમજ છે. એજ રીતે, છાંદોગ્યોપનિષદ, તૈતરીયોપનિષદ, કઠોપનિષદ, મૂંડકોપનિષદ જેવા ઉપનિષદોમાં પણ સૃષ્ટિનું જ્ઞાન અને માનવજીવનની રજૂઆત છે. શ્રીમદભગવદગીતા યુદ્ધના મેદાનમાં જીવનની વિવિધ દુવિધાઓને ચર્ચતી અગત્યની ભારતીય સાહિત્ય કૃતિ છે. ભક્તિના સાહિત્યની પણ એક અલગ જ છબી ભારતીય સાહિત્યમાં જોઈ શકાય છે. દક્ષિણ ભારત-તમિલ સાહિત્યમાં બે મહાકાવ્યો નોંધપાત્ર છે. ‘સિલાપદીકરમ’ અને ‘મનીમેકાલાઈ’. તમિલ મહાકાવ્ય ‘સિલાપદીકરમ’ના સર્જક પ્રાચીન તમિલના ભિક્ષુક અને કવિ તરીકે જાણીતાં ઇયાન્ગો અદીગલ છે અને એ કથાવસ્તુને આગળ વધારતું મહાકાવ્ય ‘મનીમેકાલાઈ’ કુલવનીકન સીતાલીક સતાનારે આપ્યું છે. બંને મહાકાવ્યોમાં તમિલ સંસ્કૃતિ જોઈ શકાય છે. સિલાપદીકરમમાં જૈન ધર્મનો પ્રભાવ છે તો મનીમેકાલાઈમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ છે. જે રીતે રામાયણ અને મહાભારતની અસર સમગ્ર ભારતભરમાં છે, એ રીતે ઈ.સ. પૂર્વે ૪૦૦ના આ બે મહાકાવ્યોએ પણ ત્યારબાદના સાહિત્ય પર અસર કરી છે. બંને મહાકાવ્યોમાં મુખ્ય પાત્ર પણ નાયિકા છે. પ્રણયત્રિકોણની આ કથામાં કાવેરી નદીના કાંઠે વસતા વિવિધ સ્તર સમાજના પાત્રો અને આદિવાસી જનજીવન મહત્વપૂર્ણ છે. સમગ્ર ભારતીય સાહિત્યમાં કૃષ્ણલીલાનું ગાન છે તે વૃંદાવનની રાસલીલાનું પણ વર્ણન અહીં છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત, અપભ્રંશ એમ ક્રમાનુસાર ભાષાપરિવર્તનને લીધે અલગ અલગ પ્રાદેશિક ભાષાઓના અસ્તિત્વનું નિમાર્ણ થતાં એ બધી ભાષાઓમાં પણ શરૂઆતનું સાહિત્ય એ ભક્તિપ્રધાન સાહિત્ય જ રહ્યું. સમયે સમયે અલગ પ્રજાના શાસન સાથે જે તે ભાષાના સાહિત્યમાં પણ ફેરફારો આવ્યા પણ સાહિત્યમાં વર્ણવાતા વિષયો તો લગભગ સરખા જ રહ્યાં. ધાર્મિક વિષયના અભ્યાસી સંશોધક ફ્રેડરિક એમ. સ્મિથ કે જેઓ યુ.એસ.ની યુનિવર્સીટી ઓફ લોવામાં Department of Religious Studies અને College of Liberal Arts and Sciencesમાં World Languages, Literatures and Cultures વિભાગમાં સક્રિય છે. તેઓએ ઉત્તર ભારતની ભક્તિનું તત્વજ્ઞાન, દક્ષિણ એશિયાના દેવી-દેવતા, આત્મા, આયુર્વેદ, યોગ, સંસ્કૃત મહાકાવ્યોનો અભ્યાસ કર્યો છે. તેઓ ભક્તિ વિશે કહે છે કે ‘ભક્તિ એટલે ધાર્મિક અભ્યાસના ઉદ્દેશ્યથી પ્રેમપૂર્વક જોડાવાની બાબત. દરેક ધર્મમાં ઊંડાણપૂર્વક થતું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય એટલે ભક્તિ. જૂના સંસ્કૃત ધર્મગ્રંથોમાં જે ભક્તિ જોવા મળે છે તે કોઈ ચોક્કસ હેતુઓમાં સીમિત નથી કે કોઈ સમયગાળા પ્રદેશ કે પ્રથાની બાબતમાં પણ સંકુચિત નથી.’ ભારતીય ભક્તિના સંદર્ભમાં ફ્રેડરિક એમ. સ્મિથના કેટલાક અભ્યાસ કરવા જેવા પુસ્તકો આ મુજબ છે:
The Self Possessed: Deity and Spirit Possession in South Asian Literature and Civilization.
Modern and Global Ayurveda: Pluralism and Paradigms.
“Yogasutras II.25 and the Conundrum of Kaivalya.” In Classical and Contemporary Issues in South Asian Studies,
Predestination and Hierarchy: Vallabhacarya’s Discourse on the Distinctions Between Blessed, Rule-Bound, Worldly, and Wayward Souls (the Pustipravahamaryadabheda)
A Brief History of Indian Religious Ritual and Resource Consumption: Was there an Environmental Ethic?” Asian Ethnology
Sattvavajaya, Psychology, and Ritual Possession in India.” Asian Medicine, Tradition and Modernity
ભારત નામ એ વિવિધતામાં એકતા ધરાવતા વિશાળ દેશનું નામ છે. અનેક નદીઓ અને વિશાળ સમુદ્રકિનારો તેમજ હિમાલય જેવા પર્વતો અને જંગલોથી સમૃદ્ધ એવા આ દેશનું નામ પુરાણો મુજબ દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતના નામ ઉપરથી પડ્યું છે એમ કહીએ છીએ ત્યારે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રગટ થયેલ ‘પ્રાચીન ભારત ભાગ ૧’ પુસ્તકમાં ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી જે બાબત નોંધે છે તે પણ નોંધનીય છે- “ ભારત અને પાકિસ્તાન એવા ભાગલા તો તાજેતરમાં (૧૯૪૭)માં પડ્યા. તે પહેલાં બ્રિટિશ કાલમાં આ આખા દેશને ‘હિન્દુસ્તાન’ કહેતા. આ નામ ખાસ કરીને મુસ્લિમ કાલથી પ્રચલિત થયું હતું. એ પહેલાંના પ્રાચીન કાલમાં એને બદલે ‘ભારતવર્ષ’ નામ પ્રચલિત હતું. ભારતવર્ષ એટલે ભરતોનો દેશ ભરતો આર્યોમાં અગ્રણી હતા, ભારતવર્ષની પશ્ચિમે આવેલા ઇરાનના લોકો પશ્ચિમ ભારતના સિંધુ પ્રદેશને ‘હિંદુ’ કહેતા એ પરથી યુરોપીય ભાષાઓમાં ‘ઇન્ડિયા’ નામ પ્રયોજાયું ને એ નામ અતિવ્યાપ્તિથી આખા દેશ માટે એ પ્રચલિત થયું. આગળ જતા મુસ્લિમોએ વળી આ દેશના નિવાસીઓ માટે ‘હિંદુ’ અને દેશ માટે ‘હિંદુસ્તાન’ નામ પ્રયોજ્યું. બ્રિટિશ કાલને અંતે પાકિસ્તાન છૂટું પડતા આપણા દેશને માટે પાછુ ‘ભારત’ નામ પ્રયોજાયું. પશ્ચિમની ભાષાઓમાં તો આ બધો વખત ‘ઇન્ડિયા’ નામ જ ચાલુ રહ્યું. એ નામના મૂળમાં રહેલો સિંધનો પ્રદેશ હવે પાકિસ્તાનમાં આવેલો હોવા છતાં ય હજી એ રૂઢ નામનો પ્રયોગ ચાલુ છે ! ભારતના ઇતિહાસમાં ૧૯૪૭ પહેલાંના ઇતિહાસ માટે સમસ્ત ભારતવર્ષ કે હિંદુસ્તાનનો સમાવેશ થાય છે.” એટલે પુરાણો મુજબ ભારત નામની જે ઉત્પતિ માનવામાં આવે છે એના સંદર્ભમાં હકીકતની સંભવિતતા બાબતે ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રીએ અગત્યની નોંધ મૂકી છે- “આ નામની ઉત્પત્તિ પુરાણો દુષ્યન્તના પુત્ર ભરત ચક્રવર્તી સાથે અને જૈન અનુશ્રુતિ આદિનાથ ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી સાથે સાંકળે છે પરંતુ આ નામ એવી કોઈ અમુક વ્યક્તિને બદલે ભરતોના કુલ પરથી પડ્યું હોય એ વધારે સંભવિત છે. પાંડવો ય એ કુલના ગણાતા.”
ફારસી ભાષામાં ભારતને હિન્દુસ્તાન તરીકે એટલે કે હિન્દુઓની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. હિન્દુઓની ભૂમિ હોવા છતાં હિંદુ ઉપરાંત ઈસ્લામ, ખ્રીસ્તી, શીખ, બૌધ, પારસી અને જૈન જેવા ધર્મોએ દેશની વિવિધતામાં અમૂલ્ય યોગદાન આપીને ભવ્ય ભારતનું નિર્માણ કર્યું છે. એટલે આ ભારતીય સાહિત્યમાં આ તમામ ધર્મોના સિદ્ધાંતો કે જીવનમૂલ્યોનું આલેખન પણ સમયે સમયે જોઈ શકાય છે. દા.ત. ગુજરાતી સાહિત્યની શરૂઆતમાં જૈન સાહિત્યકારોની કૃતિ અને તેમાં જૈન ધર્મના ઉપદેશનું આલેખન સીધી કે આડકતરી રીતે જોઈ શકાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘સંદેશક રાસ’ નામની ઉલ્લેખનીય કૃતિ કે જેમાં અભ્યાસીઓ કાલિદાસના મેઘદૂતની છાંટ જુએ છે એ કૃતિ અબ્દુર રહેમાન નામના મુસ્લિમ સર્જકે લખી છે. ઈરાન જેવા બીજા દેશમાંથી આવીને વસેલા પારસી સર્જકોએ સુધારકયુગમાં મહત્વની સાહિત્યિક પ્રવૃત્તિ આદરી હતી. ૧૫૪૦માં મલિક મહમદ જાયસીએ ‘પદમાવત’ નામનું મહાકાવ્ય અવધિમાં લખ્યું હતું. ગુજરાતી સાહિત્યમાં જેમ નરસિંહ મીરાંના પદોનું મહત્વ છે એવું જ કન્નડ સાહિત્યમાં વચનનું સ્થાન છે. બસ્વા કે બસન્ના તરીકે ઓળખાતા આ સર્જકે ૧૧૩૧-૧૧૯૬ દરમિયાન પોતાના સર્જન દ્વારા સામાજિક પુનરુત્થાનનું કાર્ય કર્યું છે એ નોંધનીય છે. જાતિગત ભેદભાવ સામે લડનારા આ સર્જક મધ્યકાળના ભારતના શિક્ષણવિદ અને ખરાં સમાજસુધારક કહી શકાય. આ બસ્વા કે બસન્ના તરીકે ઓળખાતા સમાજસુધારકના જીવનને કેન્દ્રમાં રાખી ગિરીશ કર્નાડ ૧૯૯૦માં ‘તલેદંડ’ નાટક રચે છે તે પણ સાહિત્યજગતમાં નોંધનીય કૃતિ છે. આઝાદીની ચળવળ નિમિત્તે ગાંધીજીના યોગદાનની અસર તે સમયની ભારતની તમામ ભાષાઓના સાહિત્યમાં જોઈ શકાય છે. પ્રેમચંદ જેવા સર્જક ૧૯૩૬માં જાહેર મંચ પરથી સામાજિક બદલાવની જીકર કરે છે અને સામાજિક ભેદભાવના વિરુદ્ધમાં સાહિત્યની ભૂમિકાને ચર્ચે છે. એટલે કે, સામાજિક અસમાનતા પણ સાહિત્ય દૂર કરી શકે એવું એમનું માનવું હતું. ‘દલિત’ શબ્દ પણ એમણે પ્રયોજેલો. તેમની ‘ગોદાન’ કૃતિ એ સામાજિક પ્રતિબદ્ધતાની સાબિતી છે. ભારતભરના ખેડૂતજીવનનો ચિતાર એમાં છે. ભારતને એક રાષ્ટ્ર તરીકે જોતા આ સર્જકે આઝાદી પહેલાના રાષ્ટ્રીય પ્રશ્નોને ઈમાનદારીપૂર્વકની વાચા આપી છે. પ્રેમચંદે એવું કહ્યું હતું કે न्याय और नीति लक्ष्मी के खिलौने हैं, वह जैसे चाहती है नचाती है આજે પણ સામાજિક ભેદભાવ નવા સ્વરૂપ બદલીને સમાજમાં હાજર હોય ત્યારે પ્રેમચંદના સંદર્ભે કોઈકે ખરું જ કહ્યું છે કે- हमारा समाजिक दुर्भाग्य यह है कि प्रेमचंद की कहानियाँ आज भी समझ आती हैं। ठाकुर बदल गए हैं। ठाकुर का कुआँ जस का तस है। બાબાસાહેબ આંબેડકરે પણ સામાજિક રાજકીય રીતે સક્રિય રહીને, ‘મૂકસેવક’ દ્વારા એવું જ મહત્વનું કાર્ય કર્યું હતું. ત્યારબાદના સાહિત્યજગતમાં દલિત સાહિત્ય જે રીતે હરણફાળ ભરે છે તે જોતા પ્રેમચંદ કે આંબેડકર જેવા પ્રતિભાશાળી પ્રતિબદ્ધ વ્યક્તિની ભૂમિકા સમજી શકાય છે. જ્યોતિબા ફૂલે અને એમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેના સામાજિક બદલાવના, અસ્પૃશ્યતા નિવારણના અને શિક્ષણની જાગૃતતાના પ્રયત્નો ઇતિહાસમાં નોંધનીય ઘટના તરીકે અંકિત થયેલા છે. રાજા રામમોહનરાય પણ સામાજિક કુરૂઢિઓ વિરુદ્ધ જે ઝૂંબેશ આદરે છે તેનું પણ યોગદાન છે. તમીલનાડુમાં થઇ ગયેલા સમાજસુધારક ઈ. વી. રામાસ્વામી પેરિયાર કે જેઓ દ્રવિડિયન ચળવળના પિતા તરીકે ઓળખાય છે તેમણે બ્રાહ્મણો દ્વારા થતાં શોષણના વિરુદ્ધમાં કાબિલેદાદ ઝૂંબેશ ચલાવી હતી. એટલે તો તેમના જન્મદિનને તમિલનાડુમાં ‘Social Justice Day’ તરીકે ઉજવવામાં આવે છે. જાતિગત ભેદભાવ સામેની તેમની લડાઈ ભારતભરમાં જાણીતી છે. આત્મસમ્માનના મહત્વને તેમજ નારીના હક્કની મહત્તાને સ્થાપી આપવા તેમણે સૈદ્ધાંતિક યોગદાન આપ્યું છે. તાબીશ ખેરનું એક અંગ્રેજી પુસ્તક છે Babu Fiction જેમાં એક આખા પ્રકરણનું નામ ‘caste the Hiranyagarbha syndrom’ છે. એમ પણ જાતિ, વર્ગ અને લિંગ એટલે કે caste, class and genderને કારણે થતાં ભેદભાવના પ્રશ્નો પ્રાચીન સાહિત્યથી લઈને અત્યાર સુધીના સાહિત્યમાં રજૂ થતાં આવ્યા છે. નિમ્ન સ્તરના વ્યક્તિની વેદના, શોષણ અને દુઃખોથી ભરેલું જીવન એ પણ ભારતદેશની જ વાસ્તવિકતા છે જે દલિત સાહિત્યને જોતા સમજાય છે. એની યાદી કરીએ તો લાંબી થાય એમ છે, પણ ઓમપ્રકાશ વાલ્મિકીની આત્મકથા ‘જુઠન’ અને શરણકુમાર લીમ્બાલેની આત્મકથા ‘અક્કરમાશી’ કે લક્ષ્મણ ગાયકવાડની ‘ઉઠાઉગીર’ જેવા નામો કાફી છે. મુલ્કરાજ આનંદની ૧૯૩૫માં લખાયેલી ‘અનટચેબલ’ નવલકથા પણ વર્ણભેદ અને જાતિભેદને ચર્ચતી કૃતિ છે. ભારતીય જાતિ વ્યવસ્થાને કારણે ઉદ્ભવતી સામાજિક ગુલામી વિશે લેખકને કંઇક કહેવું છે. આ કૃતિ લખતા પહેલા લેખક ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહ્યા હતા એટલે ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ આ કૃતિ પર છે. ભારતના કોમી ઐક્યમાં સૂફી કવિતાનું પણ ખૂબ નોંધપાત્ર સ્થાન છે. ધર્મ કે ઈશ્વરના નામે બીજા લોકો સાથે અપમાનભર્યું વર્તન કરવું અને એના જેવી બીજી અનેક ખોટી માન્યતાઓ રીવાજોને ભારતીય સૂફી કવિતા પડકારે છે. નરસિંહ મહેતા અને અખો મધ્યકાલીનયુગમાં જે કહે છે એ જ વાત સૂફી કવિતા ભારતીય સાહિત્યના રૂપમાં કહે છે અને એનો ઇતિહાસ પણ ખાસ્સો લાંબો છે. ખાસ કરીને સૂફી કવિતા પર્શિયન, ઉર્દુ, હિંદી, સિંધી અને પંજાબી ભાષામાં રચાતી આવી હતી. એવું માનવામાં આવે છે કે સૂફીઓ જયારે હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારે બૌદ્ધ, જૈન અને જર્થોસ્ટ્રીયન ધર્મની અસર હતી. મહમદ રૂડકી, અબુ મન્સુર દકીકી, અબુલ કાસિમ ફીરદોસી, હકીમ સનાઈ જેવા સૂફી કવિઓએ અલગ અલગ રાજાના શાસનમાં સૂફી કવિતાઓ રચી છે. અત્તર અને રૂમી જેવા લોકપ્રિય કવિઓ પર હકીમ સનાઈનો પ્રભાવ છે. તેઓનું માનવું હતું કે, ભગવાનને બહાર શોધવાની જરૂર જ નથી. હોય તો એ માણસમાં જ છે. ઉત્તર ભારતના અમિર ખુશરોએ પર્શિયન અને હિન્દવામાં લખ્યું જે પછી ‘કવ્વાલી’ તરીકે ઓળખ પામ્યું. નુંદ ઋષિ અથવા શેખ નુરઉદ્દીન નુરાની એ કાશ્મીરી સંત પણ ભારતીય સાહિત્યમાં માનભેર લેવાતું નામ છે. અરેબીક અને પર્શિયન ભાષાનું જ્ઞાન ધરાવનાર આ સર્જકની કવિતામાં સામાજિક સૌહાર્દ અને માનવીયતા જ કેન્દ્રમાં છે. પંજાબના સૂફી કવિ બુલ્લેશાહે જે કાફીઓ રચી એ પણ નોંધપાત્ર ભારતીય સાહિત્ય ગણાય છે. સૂફી કવિતામાં સોળમી સદીમાં થઈ ગયેલા કબીર, નાનક અને સુરદાસ એ તો ભારતના મહત્વના સર્જકો તરીકે ખ્યાત છે જ. આજે પણ જે સ્વરૂપ ખૂબ જાણીતું છે એ ગઝલનું સ્વરૂપ પણ આ સૂફી અને ભક્તિની ચળવળમાંથી જ ઉતરી આવ્યું છે એવું મનાય છે. એમ તો ગઝલ અરેબીક, પર્શિયન, જર્મન, સ્પેનીશ અને અંગ્રેજીમાં પણ લખાતી હતી. એનું ખરું માન ઉર્દૂ ભાષાને કારણે વધ્યું. સમગ્ર ભારતીય ઉર્દૂ સાહિત્યમાં ગઝલનું સ્વરૂપ અનેક રીતે મહત્વ ધરાવે છે. ગોપીચંદ નારંગે એક નોંધપાત્ર પુસ્તક લખ્યું છે, જેનું નામ છે, ‘The Urdu Ghazal- A Gift Of India’s Composite Culture’ અનેકવિધ સાંસ્કૃતિક ઓળખ એ ભારતની ભવ્ય ઓળખ છે અને એ ગઝલરૂપે પણ વ્યક્ત થયેલી છે. ખાસ કરીને હિંદુ અને ઇસ્લામ પરંપરાઓના પ્રભાવને લીધે ગઝલના સ્વરૂપમાં આપણે મિશ્રિત સંસ્કૃતિ જોઈ શકીએ છીએ. આજે પણ આ સ્વરૂપ ભરપૂર માત્રામાં ખેડાઈ રહ્યું છે. મીર તકી મીર, ગાલિબ, અકબર ઈલાહાબાદી, જિગર મુરાદાબાદી, જોશ મલીહાબાદી, સાહિર લુધિયાનવી, અલી સરદાર જાફરી, જાં નિસાર અખ્તર, કૈફી આઝમી, મઝરૂહ સુલ્તાનપુરી, ફૈઝ અહમદ ફૈઝ જેવા સદાબહાર સર્જકોએ પોતાના સમયની સ્થિતિને ગઝલમાં અવાજ આપ્યો છે. આમાંના કેટલાક સર્જકોની ગઝલોને જગજીત સિંઘ-ચિત્રા સિંઘ, ગુલામ અલી, મહેંદી હસન, આબિદા પરવીન, બેગમ અખ્તર જેવા ગાયકોએ ગાઈને અમર બનાવી દીધી છે.
અંગ્રેજોએ આપેલી શિક્ષણ પદ્ધતિ તેમજ વૈજ્ઞાનિક-ઔદ્યોગિક શોધખોળોના ઉપયોગને લીધે સમગ્ર ભારતીય જનજીવનમાં ધરમૂળથી ફેરફારો આવ્યા. ગુજરાતી સર્જક દલપતરામે ગાયું કે ‘હરખ હવે તું હિન્દુસ્તાન’. ગુજરાતી સાહિત્યની જ વાત કરીએ તો એ સમય દરમિયાન અંગ્રેજ અધિકારીઓના સૂચન અને સહકાર થકી આપણા સર્જકો સાહિત્યના નવાનવા પ્રકારો ખેડવા માટે સમર્થ બનતા દેખાય છે. એટલે કે, અંગ્રેજોના ઉપકાર અને ગુણગાનનું સાહિત્ય પણ એક તબક્કે ભારતીય સાહિત્ય જ છે અને થોડા સમય બાદ આઝાદીની લડત નિમિત્તે સાહિત્ય જે રીતે અંગ્રેજો સામે વિદ્રોહની જ્વાળા પ્રગટાવે છે તે પણ ભારતીય સાહિત્ય જ છે. ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણીએ આપેલી સ્વતંત્રતાની ચળવળ અને ગાંધીવિષયક કવિતાઓનું સ્થાન મહત્વનું છે. ૧૮૩૫માં અંગ્રેજી શિક્ષણનો કાયદો અમલમાં આવ્યો જેને ‘મેકોલે મિનીટસ’ તરીકે ઓળખવામાં આવે છે. જેને કારણે સાહિત્યમાં અને સાહિત્યને કારણે સમાજમાં પણ ખાસ્સો એવો બદલાવ આવેલો જોઈ શકાય છે. ગુજરાતમાં ધાર્મિક પાખંડ અને શોષણના વિરુદ્ધમાં લેખ લખવા બદલ ૧૮૬૨માં કરસનદાસ મુળજી ઉપર વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ માનહાનીનો કેસ દાખલ કરે અને એ આખી લડતમાં સમાજસુધારક કરસનદાસ મુળજી જીતે છે તે સત્યઘટનાનો ‘મહારાજ લાયબલ’ નામથી જાણીતો થયેલો કેસ કરસનદાસના લેખને કારણે જ ઉદ્ભવ્યો હતો. હાલમાં જ એ કેસ ઉપરથી ‘મહારાજ’ નામની હિંદી ફિલ્મ બની છે જેમાં અંતિમ સંવાદ કંઇક આવો છે, ‘ઈશ્વર તક પહુંચને કે લિયે કિસી માધ્યમ કી આવશ્યકતા નહીં હૈ. ધર્મ ભગવાન બનને કા નહીં, અચ્છા ઇન્સાન બનને કા માધ્યમ હૈ.’ આટલું સમજાય જાય તો વર્તમાન સમયમાં વિવિધ ધર્મોના સંપ્રદાયોમાં ચાલતી પદ-પૈસા માટેની કે જાતિ-લિંગભેદની લડાઈ જ ખતમ થઈ જાય. ભારતીય સાહિત્ય આવી સ્વાર્થ અને શોષણની પ્રવૃત્તિને કદી ટેકો આપતું નથી. ધાર્મિક સંપ્રદાયોની રાજકીય ક્ષેત્રની સક્રિયતા કે પછી રાજકીય પક્ષોની ધાર્મિક સંપ્રદાયો દ્વારા લાભ લેવાની બદવૃત્તિ પણ ભારતીય સાહિત્યને સ્વીકૃત નથી. અને છતાં એવું જયારે થતું હોય છે ત્યારે આ ભવ્ય ભારતના કોઈ ને કોઈ ખૂણામાંથી સાહિત્ય પ્રશ્નો પૂછે જ છે. જેને નજરઅંદાઝ તો કરી શકાય પણ ઇતિહાસમાંથી બાદ નહીં કરી શકાય. ૧૮૬૪માં બંકીમચંદ્ર ચેટરજી Rajmohan’s Wife નામની અંગ્રેજી નવલકથા આપે છે. જેમાં ૧૯મી સદીમાં સ્ત્રીની બદલાતી છબી જોઈ શકાય છે. શોષણ સામેની સ્ત્રીની લડત એક નવા ભારતને દર્શાવે છે. ઓ ચંદુમેનને ૧૮૮૯માં મલયાલમમાં લખેલી ‘ઇન્દુલેખા’માં પણ સ્ત્રી પાત્રને મુખ્ય પાત્રરૂપે દર્શાવવામાં આવેલ છે અને એ રીતે એક નવો પ્રવાહ જોઈ શકાય છે. આ નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ થયો હતો. ઇન્દુલેખા કૃતિમાં સંયુક્ત કુટુંબપ્રથા અને ખાસ કરીને લગ્નપ્રથા સંદર્ભે ચિંતન રજૂ થયું છે. શિક્ષણ-સ્ત્રીશિક્ષણને કારણે આવેલી જાગૃતિને લીધે પરંપરામાં ચાલતી આવેલી કુરૂઢિ સામે પાત્રો પ્રશ્નો કરે છે. આઝાદી મળી ગયા બાદ દેશ સામે ભાગલાનો ઘા હતો અને પ્રજાના વિકાસ માટેના પડકારો હતા. આઝાદી મળી અને ગાંધીહત્યા થઈ ત્યારબાદના સમયમાં રચાયેલા સાહિત્યમાંથી લોકશાહી સામે ઉભા થયેલા પ્રશ્નો જેમાં બેકારી ગરીબી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ જેવી બાબતો મુખ્ય હતી. એ બધું જે તે વખતના સાહિત્યમાં આવે છે. ૧૯૫૫માં આર. કે. નારાયણ ‘waiting for the mahatma’ નવલકથા આપે છે. જેમાં ગાંધીજીએ ચલાવેલી હિંદ છોડો ચળવળ કેન્દ્રમાં છે અને આઝાદી, ભારતના ભાગલા તેમજ ગાંધીજીની હત્યા જેવા બનાવો સાથે આ કૃતિ પૂરી થાય છે. ૧૯૬૦માં રાજા રાવ ‘kanthapura’ નવલકથા આપે છે તેમાં પણ ગાંધીજીના આદર્શ મુજબનું ગામડું બનાવવામાં પડતી મુશ્કેલીઓ અને સંઘર્ષનું આલેખન છે. ભારતના ભાગલા નિમિત્તે લોકોએ વેઠેલી યાતના મન્ટોની વાર્તાઓમાં જોઈને આપણને માણસ હોવા તરીકેના ગુમાનને જમીનમાં દાટી દેવાની ઇચ્છા થઈ આવે. ગુલઝારે આપેલ કેટલીક રચનાઓ અને ‘રાવી પાર’ વાર્તાસંગ્રહ પણ એ જ ભાગલાના કારમા ઘાની વાત માંડે છે. વિકાસની વાત જયારે નદી અને જંગલ સુધી પહોંચે છે ત્યારે ત્યાંના જનજીવન પર શું અસર પડે છે અને વિકાસના નામે ભારતીય ગ્રામીણજીવનને શું વેઠવું પડે છે એ હિન્દીની વીરેન્દ્રકુમાર જૈનની ‘ડૂબ’ અને ‘પાર’ જેવી નવલકથાઓમાં જોઈ શકાય છે. આ બંને નવલકથામાં આઝાદી પછીના ભારતીય ગ્રામીણજીવનની વાત છે. ભારતીય નાગરિક નથી એવા સલમાન રશ્દી પોતાની નવલકથામાં આઝાદી પહેલાના અને આઝાદી પછીના ભારતની વાત સચોટ રીતે Megical Realismની શૈલીએ કરે છે. આજે અત્યાધુનિક જમાનામાં ઇન્ટરનેટની સુવિધામાં ૨૧મી સદીના આ ભારતનું જનજીવન નોખા પ્રશ્નોમાં ગૂંચવાયેલું છે ત્યારે વર્ષો જૂના સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસાને સમજવા માટે ભારતની આ દીર્ઘ પરંપરાના સાહિત્યને તબક્કાવાર જોવું સમજવું માત્ર આવશ્યક જ નહીં પણ અનિવાર્ય થઈ પડે છે.
પ્રાચીન ભારતીય સાહિત્યથી લઈને આજદિન સુધીનું અનુઆધુનિક ભારતીય સાહિત્ય Range Of Writer અને Range Of Genreની બાબતમાં ઘણું સમૃદ્ધ છે. એક અર્થમાં એ આપણા રાષ્ટ્રગીતની પંક્તિ ‘ભારત ભાગ્ય વિધાતા’ છે. કેટલાક સર્જકો અને કૃતિઓ સમગ્ર ભારતીય સાહિત્યમાં સીમાચિહ્નરૂપ બની ગયેલા જોઈ શકાય છે. सर्वेभ्यः स्वस्ति જેવા મંત્રમાં સર્વનું કલ્યાણ ઈચ્છતી કે પછી असतो मा सद्गमय જેવા મંત્રમાં અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ ગતિ કરવાની ભાવના એ ખરી ભારતીય ભાવના છે. આ દેશમાં વિવિધતાસભર સાંસ્કૃતિક ભૂમિકા નિમિત્તે કામસૂત્રથી લઈને કાવડયાત્રા સુધીના વિષયો ચર્ચાતા રહ્યાં છે. પરંતુ એમાં મૂળભૂત રીતે વિવાદ નહીં પરંતુ સમજણયુક્ત સંવાદ જ અભિપ્રેત હોય એ ગુણ પણ ભારતીય સાહિત્યની વિવિધતા જ આપણને આપે છે. રાજકીય પરિસ્થિતિ ક્યારેય એક સરખી રહી નથી અને રહેવાની પણ નથી, પણ આ દેશની અખંડિતતા ટકી રહી છે એમાં ભારતીય સાહિત્યનું મોટું યોગદાન છે. એટલે ભારતીય સાહિત્યનું પરિશીલન આપણા ગૌરવવંતા વારસાને સમજવામાં અને જાળવી રાખવામાં ઉપકારક બને છે. સામાજિક સૌહાર્દની જયારે પળે પળે કસોટી થતી હોય, સંકુચિત માનસિકતાનું વાતાવરણ અખંડ સાંસ્કૃતિક ઐક્યને ખંડિત કરવા પ્રયત્ન કરી રહ્યું હોય ત્યારે આપણું આ ભારતીય સાહિત્ય જ માણસને તેની ભારતભૂમિના ભવ્ય એવા વિવિધતાથી ભરેલા મહત્વનું ભાન કરાવશે. જાતિ-ધર્મથી ઉપર માણસ છે અને માણસાઈ એ માણસ હોવાની નિશાની છે, એવું ભારતીય સાહિત્ય પોકારી પોકારીને સદીઓથી કહી રહ્યું છે. આપણા ખૂબ જાણીતા ગીતકાર શૈલેન્દ્રનું એક ગીત છે,
કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર
કિસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર
કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર
જીના ઇસી કા નામ હૈ…
આ ગીતમાં જાણે ભારતીયતા-Indiannessનો સાર છે. ઉપર ભારતીય સાહિત્ય નિમિત્તે વિગતે માંડેલી વાતમાં જે સર્જકો અને કૃતિઓનો ઉલ્લેખ છે એમાં કોઈ ને કોઈ રીતે આ ભારતીયતા-Indianness જોઈ શકાય છે અને છતાં વિશાળ ફલક હોવાને લીધે હજુ કેટલાય એવા અગત્યના નામો હશે જેનો ઉલ્લેખ કરવાનો હું અહીં ચૂકી ગયો હોઈશ. અહીં આ પુસ્તકમાં સંકલિત થયેલા ભારતીય સાહિત્ય વિષયક લેખો આ ભારતીયતા-Indianness નિમિત્તે જ સમયે સમયે લખાયા અને છપાયાં છે. અમૃતા પ્રીતમ, નિદા ફાઝલી, યુ. આર. અનંતમૂર્તિ કે મહાશ્વેતા દેવીના અવસાનના સમાચાર મળે તો મન બેચેન થઈને એમના વિશે લખવા ઈચ્છે. સલમાન રશ્દી પોતાના પર થયેલા હિંસાત્મક હુમલાના જવાબમાં પુસ્તક પ્રગટ કરવાની જાહેરાત કરે તો એ ઘટના મહામુલી લાગી છે. સામાન્ય માણસના હકની લડાઈમાં બીમાર હોવા છતાં નાકમાં નળી લઈને સાથ આપવા ઉભા રહેતા ગિરીશ કર્નાડની સંવેદનશીલતા એ ભારતીય સાહિત્યનો સંવેદનશીલ ચહેરો છે. કોઈ સેમિનારમાં સાહિત્યમાં સર્વગ્રાહી જીવનની વાત કરવાનું આવે તો જેમના કથાસાહિત્યમાં જંગલમાં રહેતા આદિવાસીઓનું સર્વગ્રાહી જીવન કલાત્મક રીતે વ્યક્ત થયું છે એવા મોના પાત્રાવાલા વિશે વાત કરવાનું ગમ્યું છે. વિશ્વમાં સૌથી મોટી નવલકથા અત્યારે જેના નામે છે એ માર્શલ પ્રુસ્તની જગ્યાએ સમર્થ ગુજરાતી દરિયાઈ કથાસર્જક નાઝીર મનસુરીનું નામ ટૂંક સમયમાં મૂકાવાનું છે ત્યારે તેઓ ભારતના અજોડ સર્જક બની રહે છે. વિષાદની સ્થિતિમાં અડધી રાતે મીર, ફૈઝ, નિદાની ગઝલો સાંભળવા હંમેશ મન લલચાયું છે. મોટાભાગના લેખો વિશે આવી જ કોઈને કોઈ વાત થઈ શકે એમ છે.
* ‘અભ્યાસ-આલેખ’ (ભારતીય સાહિત્ય વિષયક લેખો) શીર્ષક હેઠળ પ્રગટ થનારા પુસ્તકનો પ્રાસ્તાવિક લેખ…
ડૉ. મનોજ માહ્યાવંશી
મદદનીશ પ્રાધ્યાપક,
ગુજરાતી વિભાગ,
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ગવર્મેન્ટ કોલેજ–સિલવાસા,
દાદરા નગર હવેલી-૩૯૬૨૩0
E-mail: drmanojmahyavanshi@gmail.com
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 6 issue 1 January – February 2025