- ડો. વંદનાબેન રામી
તારાશંકર બંદોપાધ્યાયનો જન્મ ૨૩ જુલાઇ ૧૮૯૮ ના રોજ બીરભૂમ જિલ્લાના લાભપુર ગામે (બંગાળ) થયો હતો. તેમણે ૬૫ નવલકથાઓ, ૫૩ વાર્તાસંગ્રહો, ૧૨ નાટકો, ૪ નિબંધસંગ્રહો, ૪ આત્મકથાઓ, ૨ પ્રવાસવર્ણનોની રચના કરી છે. ૧૯૫૯ માં તેમણે એક બંગાળી ફિલ્મ – આમ્રપાલી નું દિગ્દર્શન પણ કર્યું છે. ઉત્તમ સાહિત્યસર્જન માટે તેમને – રવિન્દ્ર પુરસ્કાર, સાહિત્ય અકાદમી એવાર્ડ, જ્ઞાનપીઠ એવાર્ડ, પદ્મશ્રી, અને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ‘આરોગ્યનિકેતન’ અને ‘ગણદેવતા’ તેમની ઉત્તમ નવલકથાઓમાંની એક છે. ‘આરોગ્યનિકેતન’ પર બીજોય બોઝે ફિલ્મ પણ બનાવી છે. શરદબાબુ પછી બંગાળીના સૌથી વધુ લોકપ્રિય નવલકથાકાર હોય તો તે તારાશંકર બંદોપાધ્યાય છે. ભારતીય વાચકો એમની કળાથી અજાણ્યા નથી. તારશંકર બંદોપાધ્યાય કૃત ‘આરોગ્યનિકેતન’ નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ શ્રી રમણીક મેઘાણીએ કર્યો છે.
ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનું વિશેષ મહત્વ જોવા મળે છે. ઇતિહાસમાં ચરક અને સુશ્રુત જે વેદ હતા તેમાં પણ આયુર્વેદ થકી રોગોનો ઈલાજ કરવાની વાત કરવામાં આવી છે. આ કૃતિમાં પણ કથાનાયક રોગીઓનો આયુર્વેદ થકી ઉપચાર કરે છે. ‘આરોગ્ય નિકેતન’ તારાશંકર બંદોપાધ્યાયની શ્રેષ્ઠ રચનાઓમાંની એક છે. નવી-જૂની ઉપચાર પદ્ધતિના સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં જીવન અને મરણના અંતિમ અભિપ્રાય જેવા ગહન દાર્શનિક વિષયની મીમાંસાં કરવા છતાં સ્વાભાવિકતા અને જનજીવનની સચ્ચાઈના સૂત્રને ક્યાંય હાથમાંથી સરકી જવા ન દેવું એ તારાશંકરની વિશેષતા છે. ઉત્તર રાઢ (પશ્ચિમ બંગાળ) ના ખેડૂતોના સુખદુઃખને, ગ્રામીણ જનતાના પ્રત્યેક સ્તરના જીવન અને ચરિત્રને એમણે અસામાન્ય અર્તદૃષ્ટિ સાથે આ પુસ્તકમાં આલેખ્યાં છે. અહીં નાડીવૈદ્યના કૌશલ્યની વાત છે. જે તબીબીશાસ્ત્ર ભણીને આવેલા પ્રદ્યોત નામના યુવાન ડૉક્ટરને પણ વિચારતો કરી દે છે. આ કૃતિના પાત્રોની વાત કરીએ તો કથાના આરંભે પિતા જીવતમસાના પુત્ર જીવનમસાને નાડીવિદ્યામાં રસ નથી, તેને તો તબીબીશાસ્ત્રનો અભ્યાસ કરવો છે. માટે તે પિતાને કહી તબીબીશાસ્ત્રના અભ્યાસ હેતુ શહેરમાં ભણવા જાય છે, પણ શહેરમાં જઈ મંજરી નામની યુવતીના પ્રેમમાં પડે છે પરંતુ મંજરી તો ભૂપેનને ચાહે છે, આ વાતની જાણ થતાં જીવનમસા, ભૂપેન સાથે ઉગ્ર મારામારી કરે છે. તેની ઉપર આરોપ આવે એ પહેલાં જીવનમસા શહેર છોડી ગામમાં પિતા પાસે આવી જાય છે. અને ત્યારબાદ જીવતમસા એને નાડીવિદ્યા શીખવે છે. આ જીવતમસાના એક નાનકડા દવાખાનાનું નામ આરોગ્યનિકેતન છે. ટૂંક સમયમાં પિતાના મૃત્યુ પછી જીવનમસા સંભાળે છે. જીવનમસા નાડી તપાસવાની વિદ્યામાં પારંગત હોય છે.- કોઈ માણસને કોઈ રૂપ ગુપ્ત રોગ છે કે નહીં? મટશે કે કેમ? એ માણસ જીવતો રહશે કે મરી જશે? – આ સઘળા પ્રશ્નોના જવાબ માત્ર નાડી તપાસીને જ આપી દે છે. અને આ બધું તેમને પિતા પાસેથી વારસામાં મળે છે અને પોતે એને સાચવે છે. પરંતુ પોતાના જ ગામમાં યુરોપીય પદ્ધતિથી તબીબીશાસ્ત્ર ભણીને આવેલો ડોક્ટર પ્રદ્યોત જીવનમસાની અવગણના કરે છે. પરંતુ એક-બે ઘટનાઓ એવી બને છે કે દર્દીને તપાસમાં તપાસતાં પ્રદ્યોતની વિદ્યા કરતા જીવનમસાની વિદ્યા સફળ સાબિત થાય છે. કથા વર્તમાન અને ભૂતકાળ બંનેમાં એક સાથે ચાલે છે. મરતા મરતા જીવતમસાએ પોતાના પુત્ર જીવનમસાના લગ્ન આતરવહુ સાથે કરાવે છે. લગ્નજીવન દરમિયાન તે ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં પિતા બને છે. જીવનમસા પોતાના જીવનમાં ખુબ સુખી છે. જીવનમસાનો દીકરો મોટો થતાં દારૂની લતે ચડે છે, ત્યારે જીવનમસા તેને જોઈને જ પોતાની પત્નીને કહી દે છે કે આપણો દિકરો હવે છ મહિનાનો જ મહેમાન છે. પત્નીને આ વાત ગમતી નથી. પત્ની તેમને દીકરાને સાજો કરવા માટે દવા કરવાનું કહે છે પણ જેની સામે મોત ઊભું હોય તેની કશીય દવા ન હોય. અને જીવનમસાના ભાખ્યા મુજબ તેમનો દીકરો છ મહિના બાદ તરત જ મૃત્યુ પામે છે ત્યારે તેમની પત્નીને ખૂબ દુઃખ થાય છે કે તમે એવા તો કેવા પિતા છો કે પોતાના જ દિકરા નું મૃત્યુ ભાખો છો,અને તેના ગુસ્સાનો પાર રહેતો નથી. બંને વચ્ચે સતત વાદ વિવાદ ચાલ્યા કરતા હોય છે. પણ દીકરો તો મૃત્યુ પામે છે એવી જ રીતે પોતાના દીકરા નો ખાસ મિત્ર શશાંક અને તેની પત્ની અભયા ખુબ સુંદર છે ખબર નહી એક દિવસ જીવનમસા શશાંકને જુએ છે અને તરત જ અભયાને એ કહી દે છે કે,તારો પતિ થોડા જ દિવસો નો મહેમાન છે અને સાચવજે. અભયાને ખૂબ દુઃખ લાગે છે. અભયા એમને કડવા વેણ સંભળાવી ત્યાંથી ચાલી જાય છે, પણ જીવનમસાના ભાખ્યા મુજબ શશાંક મૃત્યુ પામે છે. કારણ કે તેના શરીરમાં કોઇ ગુપ્ત રોગ ગળી ગયો હોય છે. જીવનમસાએ આખી જિંદગી લોકોની સેવા જ કરી છે પૈસા મળે કે ન મળે તેની ઝાઝી પરવા કરી નથી અત્યારે જીવનમસા મરણપથારીએ પડ્યા છે ત્યારે પોતાના ભૂતકાળને વાગોળે છે. તેમણે પોતાના પિતા જીવતમસાને વચન આપેલું કે હું મારા મૃત્યુને મોઢામોઢ જોઇશ. સાચું કહી દેવાથી ક્યારેય ડરીશ નહિ, અને મારા અંતિમ શ્વાસ સુધી નાડીવૈધના કૌશલને આધારે સૌની સેવા કરીશ. આ વચનને તેઓ અંતિમ શ્વાસ સુધી પાળે છે.
કથાને અંતે એક સુંદર ઘટના મૂકી છે. તબીબીશાસ્ત્ર ભણીને આવેલો પ્રદ્યોત જે કથાના આરંભે જીવનમસાની અવગણના કરતો હોય છે, તે જ પ્રદ્યોત પોતાની પત્ની મંજુલા ખૂબ બીમાર હોય છે ત્યારે વિચારે છે કે હું જીવનમસાને બોલાવું? અને તે જીવનમસાને બોલાવે છે. જીવનમસા પ્રદ્યોતના ઘરે જઈ તેની પત્ની મંજુલાની નાડી તપાસી કહે છે, એને કોઈ મેલેરિયા નથી, પણ હું કહું એ રીતે ઓસડિયા લાવી તેની દવા કર ટૂંક સમયમાં એને તાવ ઓછો થઈ જશે અને આજથી ત્રીજા દિવસે મંજુલા ઊભી થઈ જશે. અને જેવી પહેલા હતી તેવી જ. જીવનમસાના બતાવ્યા મુજબ પ્રદ્યોત કરે છે, અને એમણે જે રીતે કહ્યું હતું એ રીતે મંજુલા સાજી થઈ જાય છે. આ ઘટના પછી પ્રદ્યોત જીવનમસાના સંપૂર્ણ શરણે થઈ જાય છે. અને સાજી થઈ ગયેલી મંજુલા જીવનમસાનો હાથ પકડી કહે છે “જીવનમસા મને નાડી વિદ્યા શીખવશો” ત્યારે જીવનમસા ખુબ સરસ જવાબ આપે છે. તમે શું કરશો આ શીખીને? અને ત્યાં જ બહાર ઘોડા-ગાડીનો અવાજ સંભળાય છે. ઘોડા-ગાડી માંથી ઉતરી મંજરી પ્રદ્યોતના ઘરમાં પ્રવેશ લે છે. કારણ કે પ્રદ્યોતની પત્ની મંજુલા મંજરીની પૌત્રી હોય છે. એક જ નજરે મંજરીને જોઈ જીવનમસા જાણી જાય છે કે આ તો એ જ મંજરી જેને યુવાનીમાં પોતે મેળવવા ઇચ્છતો હતો. મંજરી પણ તેને ઓળખી જાય છે એનો ભૂતકાળ એકાએક જીવિત થાય છે પણ જીવનમસા હવે ઉંમર પ્રમાણે એમનામાં કોઈ અનુકંપા જાગતી નથી. નાનપણમાં જીવનમસાના જીવનમાં મંજરી મરણ બનીને આવે છે તો આતરવહુ દર્દ બનીને આવે છે. મરતાં મરતાં પણ જીવનમસા મૃત્યુ ને સુંઘે છે, સ્પર્શે છે, અને જુએ છે. જીવનભર મૃત્યુની આરાધના કરતો આ માણસ જીવન અને મૃત્યુની સમાનતા કરતો આ માણસ, કેટલાય લોકોને બચાવી શકેલો આ માણસ, કેટલાય લોકોના તિરસ્કારનો સામનો કરી ચૂકેલા આ માણસ, પોતાના મૃત્યુના ઝાંઝરને સાંભળી આંખ મીંચી દે છે. જીવન અને મૃત્યુના વિશે આપણા વેદો, ઉપનિષદો અને ઋષિઓ સમજાવે છે. આવા ગહન અને ગૂઢ વિષયને નવલકથાના સ્વરૂપમાં મૂકીને તારાશંકર બંદોપાધ્યાયે અદભૂત વાત કરી છે. અને મૃત્યુની આરાધના કરનાર વ્યક્તિનું નામ તો જુઓ જીવનમસા છે. અગત્યની વાત એ છે કે એના પિતા જીવતમસા છે. જીવન અને મરણ એક સિક્કાની બે બાજુઓ છે. એવું માનીને મૃત્યુનો જે ડર સમાજમાં અને કોમન મેનમાં છે આ લેખકે એ ડરને એકદમ હટાવીને મૃત્યુને શાશ્વત સનાતન સત્ય તરીકે પ્રગટ કર્યું છે. આ કૃતિમાં મૃત્યુનું સ્વરૂપ નાવીન્ય ધારણ કરે છે.
સર્જકે કથામાં એક સુંદર વાત કરી છે. જ્યારે બ્રહ્માજીએ મૃત્યુને પેદા કર્યું, મૃત્યુ દેવી છે.ત્યારે મૃત્યુદેવી બ્રહ્માને કહે છે, “આ તમે શું કર્યું મને સૌ લોકોને મારવા માટે તમે ઉત્પન્ન કરી?” તેણે ખૂબ તપ કર્યું અને બ્રહ્મા પ્રગટ થયા, દેવીએ કહ્યું હું કોઈને મારીશ નહીં. બ્રહ્માએ કહ્યું કે, તારે આ કામ તો કરવું જ પડશે. આ રીતે મૃત્યુદેવીએ ત્રણવાર તપ કર્યું, પણ ત્રણેવાર બ્રહ્માએ આ જ કહ્યું, ત્યારે મૃત્યુદેવી રડવા લાગ્યા. તેમના આંસુ ખોબામાં ઝીલી પૃથ્વી પર વેરતા બ્રહ્માએ કહ્યું કે, જુઓ તમારા આંસુને હું પૃથ્વી પર વેરું છું, આ જ આંસુ જુદા જુદા રોગોનું નિમિત્ત બનશે, તમારે તો કશું જ કરવાનું નથી માત્ર જોઈ રહેવાનું છે. અને માણસ આ રોગોથી જ મૃત્યુ પામશે, તમે ક્યાંય નિમિત નહીં બનો, બ્રહ્મા આગળ કહે છે કે, એક સમય એવો આવશે મૃત્યુદેવી કે તારું આવવું મીઠા મધ જેવું લાગશે, એટલે તું તો જીવનનું અમૃત છે, મીઠું મધ છે, જીવનનો વ્યંગ છે, તારે ચિંતા શાની. આખી કૃતિ આપણને જુદા જ ભાવલોકમાં લઈ જાય છે. મૃત્યુનું આવું પણ એકરૂપ હોય જ્યાં માણસ આરામ કરે છે ને વિરામ પામે છે. આ જ વસ્તુ જીવનમસાને દેખાય છે, જે લેખકને પણ સમજાય છે.
આ કૃતિ આપણને શબવત બનાવી દે એવું સુંદર આલેખન છે. સર્જકે અહીં મૃત્યુને પણ કેવું સુંદર સર્જકરૂપ આપ્યું છે. અહીં વૈદકશાસ્ત્રનો પણ તારાશંકરે અભ્યાસ કર્યો છે અને તેની સમજ આપણને પણ આપી છે. કથનશૈલી તો દાદ માગી લે તેવી છે. જીવનમસાનું પાત્ર નાડીવૈદ્ય તરીકે ભગવાન સમું ઉપસી આવે છે.
સંદર્ભ:
- આરોગ્યનિકેતન : લે. તારાશંકર બંદોપાધ્યાય
ગુ. અનુવાદ : રમણીક મેઘાણી
ડૉ.વંદના બી.રામી
મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલ
B-4,41 વંદન એપાર્ટમેન્ટ
રામદેવનગર, સેટેલાઈટ
તા.જી., અમદાવાદ
Email- drvandanarami@gmail.com
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 6 issue 1 January – February 2025