બારોટ વાસુદેવ રમણભાઈ
ગતિશીલતા એ સાહિત્યનું એક આગવું લક્ષણ છે. અને આ ગતિશીલતા સાહિત્યમાં પરિવર્તન લાવે છે. ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપમાં પણ કાલાંતરે આવું પરિવર્તન થતું રહ્યું છે. ધૂમકેતુથી આરંભાયેલી ગુજરાતી ટૂંકીવાર્તા એકાધિક સ્થિત્યંતરોમાંથી પસાર થઈ છે. પૂર્વ આધુનિક, આધુનિક અને અનુઆધુનિક એમ ત્રણ તબક્કાઓમાં આ સ્થિત્યંતરોને આપણે તપાસી શકીએ. પૂર્વ આધુનિક વાર્તા વસ્તુકેન્દ્રી હતી. આ વાર્તાઓમાં સમાજલક્ષિતા આંખને ઊંડીને વળગે એવી હતી. જ્યારે આધુનિક વાર્તામાંથી સમાજ દૂર થાય છે અને વાર્તા રૂપકેન્દ્રી બને છે. એમાંથી વ્યક્તિવિશેષ, સ્થળવિશેષ અને સમયની બાદબાકી થઈ આથી વાર્તા નીરસ બની. અનુઆધુનિક વાર્તા ફરીથી સમાજાભિમુખ બને છે. અને આ ગાળાની વાર્તાઓમાં સામાજિક વાસ્તવ, વ્યક્તિવિશેષ, સ્થળવિશેષ, બોલીવિશેષને લક્ષમાં રાખી વાર્તાઓ રચાય છે. સમાજ, ગ્રામ્ય પરિવેશ,જીવનવાસ્તવ એના મૂલ્યો, રહેણીકરણી, રીતરિવાજ, તળબોલી, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, માન્યતાઓ, પહેરવેશ, ખાનપાન, ભૂગોળ, સંસ્કૃતિ, પ્રકૃતિ આ બધું જ આ વાર્તાઓમાં આલેખાય છે. આ સંદર્ભે અનેક પ્રયોગો સાથે અનેક વાર્તાકારો બહાર આવ્યાં છે એમાંનું જ એક નામ એટલે મોહન પરમાર. ગુજરાતી ટૂંકીવાર્તા સાહિત્યમાં આ નામ વાર્તાના પર્યાય રૂપ બની ગયું છે. માનવજીવનની વેદના વ્યથા, પીડાઓ, સમસ્યાઓ, શોષણનું સંવેદનાત્મક આલેખન એમની વાર્તાઓમાં થયું છે. જ્યાં આપણે વાર્તાકાર તરીકેની એમની આગવી કળાસૂઝને પામી શકીએ છે. અને આથી જ એમની વાર્તાઓને અનેક વિવેચકોએ વિવેચી છે જે મોહન પરમારને અનુઆધુનિક ગુજરાતી ટૂંકીવાર્તા સાહિત્યમાં એક બલિષ્ટ વાર્તાકાર તરીકે સ્થાપી આપે છે. તેમની કલમે સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ સત્ત્વશીલ વાર્તાઓનું સર્જન થયું છે. ‘કોલાહલ’ ‘નકલંક’ ‘કુંભી’ ‘પોઠ’ ‘અંચળો’ ‘હણહણાટી’ ‘અચરજ’ જેવા સાત વાર્તાસંગ્રહોમાં ૧૧૫ કરતાં વધુ વાર્તાઓમાં આ સર્જકની સર્જકતા અને વાર્તાકળા પ્રત્યેની નિસબતને આપણે પામી શકીએ છીએ. જાણીતા વિવેચક શ્રી ભરત મહેતા તેમને “ તેઓ કેવળ મહત્વના ગુજરાતી વાર્તાકાર નથી પણ ઉચ્ચકોટીના ભારતીય વાર્તાકાર છે એમ કહી પોંખે છે.” (પ્રસ્તાવના,અંચળો) તો એમની વાર્તાઓની વિશેષતાઓને તપાસતા હરીશ વટાવવાળા નોંધે છે એ મુજબ: “એમની વાર્તાઓમાં એક આવકાર્ય લક્ષણ તેમનું સમન્વયલક્ષી વલણ. તેમણે અનુઆધુનિકતાના પ્રભાવે કલાવિધાન, નૂતન અભિગમ અને પ્રયોગલક્ષી વલણ પણ અપનાવ્યું છે. તો બીજી બાજુ તેમણે લોકપરિચિત, લોકભોગ્ય વિષયોને વાચકની રસરુચિને ધ્યાનમાં રાખી તર્કસંગત રીતે વિકસાવી તેનું વાર્તામાં રૂપાંતર પણ કર્યું છે.” (પ્રસ્તાવના, મોહન પરમાર વાર્તા-આસ્વાદ અને અધ્યયન)
પોતાની વાર્તા રચનાપ્રક્રિયા વિશે સંધ્યા ભટ્ટ સાથેની પ્રશ્નોત્તરીમાં મોહન પરમાર જણાવે છે કે, મારી “ વાર્તાઓના વિષયની પસંદગી બીબાઢાળ નથી. ધૂમકેતુ કહેતા તેમ હું આંખકાન ખુલ્લા રાખીને ફરું છું. એટલે મને આ જગતની અનેક સમસ્યાઓ દૃષ્ટિગોચર થાય છે. એક દૃશ્ય જોયા પછી મારી વાર્તાઓમાં રચેલી પરિસ્થિતિઓ અને પાત્રોના મનોગતને આલેખવા તે મારી અંગત મૂડી. આ અંગત મૂડીને કારણે હું વાર્તાકાર તરીકે ટકી ચુક્યો છું, ટકી રહ્યો છું.” (તાદર્થ્ય, જૂન-૨૦૨૩ પૃ.૩૮-૩૯) હમણાં હમણાં જ ડૉ.ભરત મહેતા, દશરથ પરમાર અને ડૉ. રાકેશ રાવતે મોહન પરમારના સાહિત્ય સર્જનનું સંપાદન કરી મોહન પરમાર અધ્યયન ગ્રંથ શ્રેણી પ્રકાશિત કરી. જે ગુજરાતી સાહિત્ય પ્રત્યેની આ સર્જકની પ્રતિબદ્ધતાનું જ્વલંત ઉદાહરણ બની રહે છે.
અહીં તેમના વાર્તાસંગ્રહ ‘હણહણાટી’ માંથી પ્રથમ વાર્તા ‘દેરી’ને પ્રાદેશિકતા સંદર્ભે તપાસવાનો ઉપક્રમ રાખ્યો છે. ‘દેરી’ વાર્તા વિશે વાર્તાસંગ્રહના નિવેદનમાં જ સર્જક લખે છે: “ દેરી વાર્તાથી મારા છઠ્ઠા વાર્તાસંગ્રહના પગરણ મંડાયા. સાચું કહુ; ‘કુમાર’ સામયિક માટે પણ ‘દેરી’ મારું પહેલું લખાણ…” ( નિવેદન, હણહણાટી ) એ સંદર્ભે પણ આ વાર્તા સર્જકને મન કેટલું મહત્વ ધરાવે છે એ આપણે સમજી શકીએ છીએ. ‘હણહણાટી’ વાર્તાસંગ્રહની વાર્તાઓ વિશે ડૉ.પ્રવીણ દરજી પોતાની સમીક્ષામાં નોંધે છે કે, “ હણહણાટીની વાર્તાઓ શ્રી મોહન પરમારના ‘ટચ’ સાથે અવતરી છે. મોહન પરમારની ખાસિયત એ છે કે તે કશે પ્રતિબદ્ધ નથી રહ્યાં, તેમની પ્રતિબદ્ધતા ‘વાર્તા’ સાથે છે. તે વાર્તા તત્ત્વના જાણતલ છે. ‘વારતા’ થી જ ‘વાર્તા’ નિર્માણ પામે તે પણ જાણે છે ને નિર્માણ માટેની તરબીદોના પણ તે માહિર છે. તેઓ પ્રયોગ કે ચીલો ચાતરવાની વાત કર્યા વિના પોતાની રીતે નવતા સિદ્ધ કરે છે. તેમનું લક્ષ્ય કોઈ વર્ગ નથી, ‘મનુષ્ય’ છે. તેની ભીતરના સમુદ્રોનો ઉછાળ છે. તેઓ તે સર્વને પ્રત્યક્ષ કરે છે, કશાનો પક્ષ લીધા વિના. પરિણામે તેમનું વિષયવૈવિધ્ય, તેમની ભાષાસમૃદ્ધિ એ સર્વ રૂટીન રૂપે નહી, પણ પડકાર રૂપે પ્રતીત થઇ રહે છે.” (પરબ, માર્ચ-એપ્રિલ ૨૦૧૭ પૃ.૪૪)
આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓ છે એમાંની પ્રથમ વાર્તા તે ‘દેરી’, 33 પૃષ્ઠોમાં ફેલાયેલી લાંબી આ વાર્તામાં ગ્રામીણ પરિવેશ અને એના સામજિક વાસ્તવને પ્રગટાવતું કથાવસ્તુ છે. સર્વજ્ઞ કથનકેન્દ્ર વાળી આ વાર્તાની ઘટના વાર્તાનાયક તરસંગજીની આસપાસ ઘટતી જાય છે. વાર્તાનો આરંભ ઘર દેરીમાં વસતા ગૃહિણી ઠકરાણા સાથેની સ્નેહ આસક્તિથી થાય છે. ઠકરાણા તરસંગને ફૂલેલા ગાલ સાથે સોહામણા લાગે છે. અહીં તરસંગ અને ઠકરાણાનું દાંપત્ય છે. “તરસંગજી દેરીએ ચાલ્યા?” વાર્તાકથક આ પ્રશ્નાર્થ સાથે દેરીને સ્થાપિત કરી આપે છે. ગમે તે કારણસર તરસંગજી રોજ દેરીએ જાય છે. ખેતરે આવતાં જતા તે દેરીએ અચૂક માથું ટેકવે છે. દેરીનો ઇતિહાસ ગામના પ્રભાશંકર પાસેથી તે સાંભળવા ઝંખે છે. પણ પ્રભાશંકર ચાલાક બ્રાહ્મણ છે. દેરી વિશેનું રહસ્ય ગોપવી રાખતા પ્રભાશંકર તરસંગજીએ સાફસૂફ કરીને મઠારેલી દેરી વિશે એક કપોળકલ્પિત કથા ઘડી કાઢી તેના અધિપતિ બની બેસે છે. નાના મોટા મંદિરોના પૂજારી થઈને રોજીરોટી કમાવવામાં ન માનતા પ્રભાશંકર તકસાધુ છે. વાર્તામાં આવેલો આ સંવાદ એટલો જ સૂચક બની રહે છે જે પ્રભાશંકરના વ્યક્તિત્વને ઉઘાડુ પાડી આપે છે. “મહંત બનવું હોત તો ક્યારનોય બની ગયો હોત. ગામમાં બે મંદિર, એક હનુમાનદાદાનું અને બીજું મહાદેવનું… ગામના આપી આપીને આપે શું ? આવક વગરના મંદિરના મહંત બનીએ કે ના બનીએ બધુંય સરખું છે.” (પૃ.૮) આવા પ્રભાશંકર તરસંગજીની આસ્થા સાથે જોડાયેલી સામાન્ય દેરીને સતની દેરી તરીકે સ્થાપી દેરી માતાના પરચાઓની કથા ગામ આખાને કહેતા, હોંશિયારીપૂર્વક ઉપજાવી કાઢેલી કથામાં પોતાને જોડી, વિષ્ણુના મુગટનો પૂર્વ આયોજિત પરચો કહી પ્રભાશંકરમાંથી પ્રભુશંકર બની બેસે છે. પ્રભાશંકરનું આ રીતે પ્રભુશંકરમાં થતું પાત્રંતર વાર્તાના કરુણગર્ભને ચીંધે છે. જે દેરી પર ગ્રામજનો નવરાશે પણ નજર નાંખવા નવરા ન હતા. તેમને પોતાની પ્રભાથી આંજી દેનારા પ્રભાશંકરનો વધતો પ્રભાવ ને તરસંગની થઈ જતી બાદબાકીને વાર્તાકારે અંતે,“એકાએક ટોપીઓ આગળ ધસી આવીને પાઘડીઓ પાછળ ધકેલાતી ગઈ” થી સૂચિત કર્યો છે. પાછળ ધકેલાતા જતા તરસંગજીનું ભીડમાં ધકે ચડવું અને દેરીમાં પ્રભાશંકરને ઝગમગાટ સિવાય કશું ન દેખાવું એક લાંબા નિ:સહાય નિસાસા રૂપે વાર્તાના અંતને આકારે છે. નાયકનો આ નિસાસો સૂક્ષ્મ ગતિયાત્રામાં શબ્દાંકન પામ્યો છે.“ભીડને ચીરતો નિસાસો પ્રભાશંકર સાથે અથડાયો. પ્રભાશંકરના હાથમાં રહેલા મુગટને ટાપલી મારીને નિસાસો જાળી વાટે દેરીમાં પેઠો. ચોમેર ઘૂમી વળ્યો. દેરી કશાય ઝગમગાટ વિના સૂનીસમ દેખાતી હતી. હવે કાળામેશ પથરા સિવાય કશું દેખાતું નહોતું” (પરબ,પૃ.૩૩)
અહીં આ વાર્તા સંદર્ભે ડૉ.પ્રવીણ દરજીનાં આ શબ્દો નોંધવા જેવા છે : “વાર્તાને અંતે પ્રભાશંકર માટે બધું ઝગમગ ઝગમગ છે. તો તળસંગ માટે કાળોમેશ પથરા જેવું છે. વાર્તા તે આ. અણધાર્યું બની રહે કાળજે કોતરાઈ જાય. અને વળી ‘વાસ્તવમાં આવું જ હોય’ તેવું બોલાઈ રહે- સહજ રીતે બોલાઈ રહે. અને ભાવક એ વાર્તાને નવી રીતે વિસ્તારવા ભીતર મથતો રહે – બસ, વાર્તાની એ સંસિદ્ધિ.” ( પરબ, પૃ.૪૧)
અહીં ‘દેરી’ દેરી રહીને પ્રતીકાત્મક સ્તરે ઊંચકાય છે.ગ્રામ્યપરિવેશમાં એના તળવાસ્તવને પ્રગટાવતી આ વાર્તામાં ગ્રામ્યવાસ્તવના દ્યોતક એવા પાત્રો વાર્તાને પ્રાદેશિક સંદર્ભ પૂરો પાડે છે. અહીં ખેડૂત તળસંગજી એનું દામ્પત્યજીવન અને દેરી પ્રત્યેની એની શ્રદ્ધા સાથે વાર્તાની ઘટના આગળ વધે છે. તળસંગજીને દેરી સાથે અનેરો લગાવ છે. ખેતરમાંથી થાકીને લીરેલીરા થઈ ગયેલો હોય તો પણ તેનાથી દેરીની માયા મૂકાતી નથી. તેના દેરી પ્રત્યેના આકર્ષણથી પત્ની ઠકરાણા પણ ગાલ ફુલાવે છે. દેરી સાથે ઠકરાણાને જોડતો તરસંગજી દેરી સાથે જોડાઈ ગયો છે. દેરીએ જવા ઠકરાણા સામે દાડિયાના વાહમાં જવાના બહાના બનાવી પણ એ દેરીએ અચૂક જતો રહે છે. દેરી તરફનું આકર્ષણ ઠકરાણાને પણ સોહામણા ભાળે છે અને દેરીને પણ સોહામણી જૂએ છે. એ સવાર સાંજ ઘડી-બેઘડી દેરીએ કશું ગણગણી ચાલતો થતો. દેરી વિશે એણે ઘણું બધું જાણવું છે પણ કશું જાણી શકાયું નહોતું. તળસંગનું દેરીને સુધારવા, શણગારવા, નેત્રહાર પ્રદર્શિત કરવા, અથાક મહેનત મજૂરી કરવી એ દેરી તરફનું એનું તીવ્ર ખેંચાણ દર્શાવી આપે છે. વાર્તાકારે ગ્રામીણ ખેડૂત તરસંગજીના પાત્રનિરૂપણમાં ગ્રામીણ ભોળા લોકોમાનસને પ્રગટ કરી આપ્યું છે. સાવ નોંધારી, ગામનું કોઈ ભાગ્યે જ દર્શન કરવા જાય એવી ભેંકાર દેરીને તળસંગજી જીવંત કરે છે. દેરી તરફની એની નિષ્ઠા જ દેરીને લોકોમાં પ્રખ્યાત કરે છે. વાર્તાકારે તળસંગના પાત્રને વિકસાવવામાં એના વ્યક્તિત્વની વિભિન્ન રેખાઓ આલેખી છે. ઠકરાણા સાથે બહાના બતાવતો, પ્રભાશંકર પર નારાજ થતો, દેરીની સાફ-સફાઈ કરતો, એમાં શ્રદ્ધા ધરાવતો, વેણીદા અને બીજા ગ્રામજનોને દેરીએ લઈ જતો, દેરીને ખરા અર્થમાં જીવંત બનાવતો, દેરીનો બધો હવાલો સંભાળતો તળસંગ વાર્તાનું જીવંત પાત્ર બની રહે છે. એની આ સ્વગોક્તિ જોવા જેવી છે, “પહેલાં દેરીને કોઈ આભનો રાઈ સૂંઘતો ન’તો. હું ના હોત તો…’ એમ વિચારતો તે તરત જ મન પલટે છે “હવે અભિમોન કરવાનું છોડી દે ભલા’દમી! આ દેરીને જાગતી કરી એમાં તી ચીયી મોટી ધાડ મારી સે. એ તો પે’લેથી જાગતી જ હતી…’ અને દેરી પર માથું ટેકવી માફી માગતો, પ્રભાશંકર પાસેથી દેરીના પરચા જાણવા આતુર, અંતે હડસેલાતો, ચકરાવે ચડતો, ધક્કે ચડતો, નિસાસા નાખતો તરસંગજી વાર્તાકારની આગવી પાત્રનિરૂપણ કળાનું ઉદાહરણ બની રહે છે. પાત્રગત આંતર સંચલનો અને માનસિકતાનું સંવેદનશીલ નિરૂપણ એ મોહન પરમારની પાત્રસૃષ્ટિની એક નોંધપાત્ર વિશેષતા છે. એમના પાત્રમાં માત્ર દેહધારી સર્જકની કઠપૂતળીઓ નથી પરંતુ સમય સંજોગો અનુસાર વ્યક્તિત્વનો ઉઘાડ આપતા અને વાર્તાસૃષ્ટિને જીવંત રાખતા પાત્રો છે. જે અહીં આલેખાયેલા તરસંગજીના પાત્ર દ્વારા પ્રતીત થાય છે. આ પાત્રો એની આસપાસના પરિવેશ સાથે એકરૂપ હોય એવા જણાય છે. એવું જ પાત્ર છે પ્રભાશંકર. મહંત બનવાની ઘેલછા તો મનમાં છે જ પરંતુ આવક વગરના મંદિરમાં મહંત બનીને શું ફાયદો એમ વિચારતો પ્રભાશંકર અને એનું પાત્રલેખન વાર્તાને સબળ બનાવે છે. વાર્તાકારે વાર્તાના ૭માં પૃષ્ઠથી પ્રવેશતાં પ્રભાશંકરના પાત્રને સૂચક બનાવી આપ્યું છે. એ દેરી વિશે ઉટપટાંગ વાતો કરીને બધાને મૂંઝવે છે. લોકોને એમની એ વાતોનો કશો ટાળો મળતો નથી. છેવટે એ દેરી વિશે બોલવાનું બંધ કરી દે છે. આ પાત્ર ગ્રામીણ સમાજમાં વસતા આવા તકસાધુઓને આપની સમક્ષ ખુલ્લા પણ પાડી આપે છે.
દેરીની જગ્યાનું નામ સાંભળી ચહેરાના હાવભાવ બદલી નાખતા પ્રભાશંકર દેરીના સ્વનિર્ભર બનવાની સાથે જ તક ઝડપી વિષ્ણુના મુગટની સ્વકલ્પિત કથા જોડી ભોળા લોકજનોને ભોળવવામાં સફળ થઈ જાય છે. ગામલોકો વચ્ચે દેરી માતાના પરચાની વાત કહેતા પ્રભાશંકર એ ગ્રામીણ લોકોની શ્રદ્ધા સાથે રમત રમતાં ચાલક બ્રાહ્મણોની વાસ્તવિકતાને પ્રગટાવી આપે છે. પ્રભાશંકરની પણ જુદી જુદી વ્યક્તિત્વ રેખાઓ વાર્તાકારે અહીં આલેખી છે. પ્રથમ દેરીના નામથી હમચી જતા, દેરીની કીર્તિ જોઈ એની વાત ગામ લોકોને કહેવા તૈયાર થતા, કપોળકલ્પિત વિષ્ણુના મુગટની વાત માંડતા, દેરી પાછળથી મુગટનું ઉત્ખનન કરાવતા, વિષ્ણુ ભગવાનની જેમ મરક મરક હસતાં, અને પ્રભાશંકરમાંથી પ્રભુશંકર બનતા પ્રભાશંકરનું રૂપ તળસંગ માટે કાળામેશ પથરા સમ બની રહે છે. આ ઉપરાંત વાર્તામાં વેણીદા, આખો ગ્રામ્યસમાજ પાત્ર બનીને ઉપસે છે. ગ્રામીણ કૃષિજીવનના દ્યોતક અને ગ્રામીણ પરિવેશમાં શ્વસતા પાત્રો પ્રાદેશિકતાને મૂર્ત કરી આપે છે. વાર્તાકાર મોહન પરમારે અહીં ગ્રામ્યસમાજ, પરિવેશ અને એના વાસ્તવનું સફળ નિરૂપણ કર્યું છે. એ સાથે જ ગ્રામ્યબોલી એમાંય ઉત્તર ગુજરાતની તળપદ બોલીના લય, લહેકા, હુંકાર, તુંકાર, સંબોધનો, લોકોક્તિઓનો સર્જનાત્મક વિનિયોગ કર્યો છે. સર્જકે પોતાના સત્ત્વને અકબંધ રાખીને જનપદના વિષયવસ્તુને કલાત્મક રીતે આલેખી આપ્યું છે. જે વાર્તામાં પ્રાદેશિકતાને મૂર્ત કરી આપે છે. આ બોલીનો ઉપયોગ અહીં સૂઝ સમજપૂર્વક કર્યો છે. બોલીને કારણે વાર્તા અપ્રત્યયનશીલ બનતી નથી. વાર્તામાં પ્રયોજાયેલી બોલી તળજીવન અને તળવાસ્તવને સબળ રીતે પ્રગટાવી આપે છે. આ બોલી સર્જનાત્મક બની રહેવા પામી છે. વાર્તાના થોડાક સંવાદો જોતા આ વાત વધુ સુસ્પષ્ટ થશે.
-‘આ દિયોરોનેઅ ઘરમાંય કોઈ હઘરતું લાગતું નથી’. (પૃ.૨)
-‘આ દેરી આગળ થઈને નેક્ળું સું તાણે મને ઈમ થાય સે કે આ દેરી ઈમનેમ નઈ બની હોય. ઇનાય કાંક પરચા તો હશે, હોં !’( પૃ.૭)
-“બસ સેતર,ઘર અને દેરી …કાય વાતવગત આવડે સે કે નઈ !” (પૃ.૧૦)
-“ચ્યમ વે’લા વે’લા. સેતરમાં અતારના પહોરમાં તમારી કુણ રાહ જોઇને બેઠું હશી !” (પૃ. ૧૧)
-“ મારા હાળા દાડિયા બઉ મોડા મોડા આવે સે. આજ થ્યું કે ઈમના વાહમાં જઈને સાબદા કરું …”( પૃ.૧૧)
– “હવે મોણ નાશ્યા વિના કહી નાખો ને !” (પૃ.૨૧)
– “તો અતાર હુધી મૂંગા ચ્યમ રયા ? આ દેરીના પરચા જાણવા ચેટલી વાર મી તમને પૂછ્યું. પણ તમી તો મગનું નામ મરી જ પડતા ન’તા. એવું ચ્યમ કરતા’તા ?”(પૃ.૨૧)
– “બીજે ચ્યાય નઈને દેરીની જગ્યા પર જ ચ્યમ ? ને ત્યાં આવીને એ ચ્યમ થાચ્યા?”(પૃ.૨૭)
– “સે નેનું નૈડું ને ચાણનું ડબડબ કરી રયું સે. તારા બાપગોતરમાંય મુગટ ભાળ્યો સે તી…”(પૃ.૨૯)
આવા બીજા ઘણા ઉદાહરણો નોંધી શકાય. તળબોલીના ચમકારા વાર્તાના ગદ્યને ખીલવે છે અને સર્જનાત્મક બની રહે છે. તો વાર્તાના ગદ્યને અનુરૂપ ઉપમાઓ પણ પ્રયોજાઈ છે. જેમ કે ‘દેરીની ફરફરતી ધજાના લીરેલીરાની જેમ આખો દિવસ થાકીને એ લીરેલીરા થઇ ગયો હતો’. (પૃ.૬) તો પ્રાદેશિક રૂઢિપ્રયોગો કહેવતો, એકલીઅટૂલી, ઘડીબેઘડી, અવરજવર, મંદિરબંદિર, હોથલપાથલ, ઉબડખાબડ, વેરણછેરણ, અદલબદલ જેવી દ્વિરુક્તિઓ પણ આકર્ષક બની રહે છે. વાર્તાના ગદ્યમાં ભાષા પાસેથી સર્જક શબ્દ ચિત્રાંકન સાધે છે. વાર્તાકારે તાક્યું તીર મારવા બોલીનો પણ અહીં ઉત્તમ વિનિયોગ કર્યો છે. એ આપણે ઉપરોક્ત સંવાદો દ્વારા જાણી શકીએ છીએ. આ બોલી પાત્રાનુસાર, પ્રદેશાનુસાર તેમજ તેની પ્રાદેશિકતાને જીવંત કરી આપે છે. ગ્રામ્ય પરિવેશ અને એનો બોલીપ્રયોગ છે પણ આ બોલી કઠતી નથી વાર્તાને વાર્તા બનાવવા માટે એ કેટલી ઉપકારક બની રહે છે એ વાર્તામાંથી પસાર થતો સંનિષ્ઠ ભાવક ચોક્કસ આ બાબતથી અજાણ નહીં રહે.
મોહન પરમારની વાર્તાકળા વિશે હરીશ વટાવવાળા તેમના પુસ્તક મોહન પરમાર વાર્તા-આસ્વાદ અને અધ્યયનમાં નોંધે છે, “સર્જકની વાર્તાકથનરીતિમાં ગ્રામ્યસમાજ, પરિવેશ, પહેરવેશ, વાસ્તવનું નિરૂપણ, માનવમનના સંચાલનો, દલિતસમાજની વાસ્તવિકતા, માનવીય ગુણો-અવગુણો, ટેવો, ગમા-અણગમા, સ્ત્રી-પુરુષના જાતીય સંબંધો, આવેગો, અવૈદ્ય સંબંધો, કૌટુંબિક સંબંધો, હિન્દુ-મુસ્લિમ દ્વેષભાવ, નારી શોષણ, મનોગત વાસ્તવનું નિરૂપણ, ગ્રામબોલી અને તેમાંય ખાસ તો પદદલિતોની તળપદ બોલીના લય-લહેકા જાતીય આવેગો અને વૃત્તિઓ, સંવાદોનું સભાનતાપૂર્વક આલેખન કર્યું છે. તો પ્રતીકો દ્વારા તેમને પોતાના આગવા અવાજની ઉદ્ઘોષણા પણ કરી છે. સાથે સાથે રિવાજો, વહેમો, વ્રતો, રીતિઓ, ભાતીગળ લોકજીવનનો પરિચય પણ કરાવ્યો છે.” (પૃ.૨૩૩)
મોહન પરમારનું વતન ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું ભાસરિયા ગામ. પોતાના જનપદને તળને પ્રતિબદ્ધ રહી આ સર્જકે આ ગામ-તળ અને એના માનસને એના વાસ્તવને ગુજરાતી વાર્તાઓમાં કલાત્મક રીતે આલેખ્યું છે. આમ તો આ સર્જક વાર્તાકળાને પ્રતિબદ્ધ રહ્યાં છે. પણ સર્જક પોતે જે સમાજનું ઘડતર છે. તો એના સર્જનમાં એનો સમાજ, દેશ, પ્રદેશ એનો જન ચોક્કસપણે આવવાના જ. કોઈ પણ સર્જક આ વાતથી અલિપ્ત નથી. આ વાસ્તવિકતાને તેમણે વાર્તાઓમાં યથાતથ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. દેરી વાર્તામાં વાર્તાકારે ઉત્તર ગુજરાતના ગ્રામીણ પરિવેશને તેના તળવાસ્તવ સાથે કલાત્મક રીતે કંડાર્યો છે. દેરી સાથે સંલગ્ન કથાવસ્તુ આ પ્રદેશ અને એના વાસ્તવને ઉજાગર કરી આપે છે. દેરીના લોકાલનું વિગતવાર વર્ણન તાદૃશતાનો નમૂનો છે એ જોઈએ તો, “ ગામમાં જવાનો રસ્તો હતો તેની બાજુમાં થોડું ચરા જેવું હતું. ચરો ખાસા વિસ્તારમાં પથરાયેલો હતો. સાવ સુકોભઠ્ઠ, લીલોતરી વિનાનો. ગામમાં જવાના રસ્તાથી આ ભાગ જરા ઊંચાણવાળો લાગતો હતો. ચરામાં એકલીઅટૂલી એક દેરી તડકામાં તપતી હતી.વર્ષો પહેલા દેરીને કોઈકે ચૂનો લગાવ્યો હશે. તેના માત્ર અવશેષો બચ્યા હોય તેમ તેની દીવાલો કાબરચીતરી લાગતી હતી. તડકામાં તપી તપીને ડેરીનો રંગ સાવ બદલાઈ ગયો હતો. દેરીની આજુબાજુ તૂટક તૂટક વાડ પથરાયેલી હતી.” ( પૃ.૬, દેરી)
આવી નોંધારી, કોઈ ભાગ્ય જ દર્શન કરવા જાય એવી, ભેંકાર, બે-ત્રણ વખડાને ગુંદીના વૃક્ષ આગળ કશાય મહત્વ વિનાની, કશાય પરચા વિનાની, દેરી એકલીઅટૂલી છે.દેરીના વર્ણનમાં દેરી અને તેના લોકાલને આપણે પામી શકીએ છીએ. વાર્તાકારે દેરીનાં વર્ણન દ્વારા ગ્રામીણ સ્થળનો ચોક્કસ નિર્દેશ કરી આપ્યો છે જે બહુધા પ્રાદેશિક બની રહે છે.દેરીની આસપાસ જ વાર્તા વિકસતી રહે છે. અહીં દેરી પણ એક પાત્ર બનીને આવે છે. એટલે કે વાર્તાનું કેન્દ્ર દેરી છે. તો તળસંગજી જેવા ખેડૂ માણસનું આવી નોંધારી દેરી તરફનું આકર્ષણ ગ્રામીણ લોકમાનસ અને એની સંવેદનાને પણ પ્રગટાવી આપે છે. તરસંગજી, પ્રભુશંકર જેવા તકસાધુ બ્રાહ્મણ, વેણીદા જેવા પાત્રો પ્રાદેશિક જીવનવાસ્તવને ચરિતાર્થ કરી આપે છે. આ પાત્રો એમની ગતિવિધિઓ દ્વારા ગ્રામીણ પ્રાદેશિક પરિવેશમાં દેરી વાર્તા વિકસે છે. ગ્રામીણ લોકજનો એમનું ભોળપણ વાર્તામાં પ્રાદેશિકતાને મૂર્ત કરી આપે છે. અહીં ઉત્તર ગુજરાતના તળ ગ્રામ્યપરિવેશને તાદૃસ કરી આપતા ફળિયું, ગામનો ચોરો, દાળિયા, ચોરા પર બેઠેલા ગ્રામજનો, વાઢવા-લણવાની વાતો, ધારિયું, બોરડી, કંથારના ઝાખરા, ડાળખા, કુવાડીયા અને સંગથરા, વખડા અને ગુંદીના ઝાડ, એમાં ગૂંચવાયેલો બખોલ જેવો ભાગ, ઢાળિયાના પુડા, જેવા સંદર્ભો એક આગવો પ્રાદેશિક સંદર્ભ ઊભો કરી આપે છે. ગ્રામીણ જીવનમાં દેરી એ લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે. આ શ્રદ્ધાને પ્રગટ કરતો તરસંગજી આ ગ્રામ્ય લોકમાનસને પણ પ્રગટાવી આપે છે. તો બીજી તરફ ગ્રામીણ લોકોના ભોળપણ, આસ્થાની સાથે રમત રમતો પ્રભાશંકર જેવો ચાલક બ્રાહ્મણ પણ આ ગ્રામ્ય લોકમાનસનો જ એક ભાગ છે. આ બધા જ પાત્રો ગામડાંના છે. ગ્રામ્યજીવનનો ધબકાર, પ્રકૃતિ સાથેનું તેમનું જોડાણ અને સંવેદના આપણે તેમની ક્રિયા પ્રતિક્રિયાઓ દ્વારા તાગી શકીએ છીએ. વાર્તાકારે અહીં બ્રાહ્મણ, ઠાકોર, વાળંદ જેવી જ્ઞાતિઓના વ્યવહારો, રહેણીકરણી, રીતરિવાજો, માન્યતા, પરંપરા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વહેમ, પોશાક, ખાનપાન, જનસ્વભાવ, વ્યસનો, વ્યવસાયો, બોલી વાર્તામાં આલેખ્યું છે જે પ્રાદેશિકતાને મૂર્ત કરી આપે છે. ગ્રામ્ય જનજીવનમાં વણાયેલા રીતરિવાજોને દર્શાવી આપતું આ વર્ણન જૂઓ: ‘ગામ લોકો સજી ધજીને ચોતરે એકઠાં થયા. પ્રભાશંકરે પાંચ કન્યાઓને તૈયાર કરી માથે બેડાં ઉપડાવ્યાં. તો એમની ગોરાણીના હાથમાં થાળી આને દીવો પકડાવીને આગળ કર્યા. એમની સાથે અન્ય સ્ત્રીઓય ચાલવા લાગી. દેરી માતાની પ્રશસ્તિના ગાણા શરૂ થયા. તરસંગજી એક ઢોલીને શોધી લાવ્યો. ઢોલીએ ઢોલ પર જ્યાં દાંડી પીટી ને ગામ આખું ગાજી ઉઠ્યું.’ ( પૃ.૩૦ )
ગ્રામીણ રીતરિવાજો, માન્યતાઓને, પરંપરાઓને તાદૃશ કરી આપતું આ વર્ણન પ્રાદેશિક બની રહે છે. ઉપરાંત વાર્તામાં પ્રયોજાયેલા ઓસરી, બખોલ, ઝાંખરા, દાડિયા, બૈરું, સેતર, હોનાવૈણી, એરાઝાંઝર, પરચા, ડેલી, ગોરબાપા, મૂરત જેવા શબ્દો પણ પ્રાદેશિક સંદર્ભ ઉભો કરી આપે છે.
સમગ્ર રીતે જોતા વાર્તામાં ઉત્તર ગુજરાતની ભૂગોળ, એનો ગ્રામ્ય પરિવેશ એનું લોકજીવન, કૃષિ, તળબોલી અને તળવાસ્તવ એના પ્રાદેશિક ધબકાર સાથે પ્રગટ્યું છે. જે આ વાર્તામાં પ્રાદેશિકતાને મૂર્ત કરી આપે છે.
સંદર્ભ:
(૧) ‘હણહણાટી’, મોહન પરમાર, રન્નાદે પ્રકાશન, અમદાવાદ પ્ર.આ ૨૦૧૬
(૨) ‘મોહન પરમાર:વાર્તા-આસ્વાદ અને અધ્યયન’, સં.હરીશ વટાવવાળા, રન્નાદે પ્રકાશન અમદાવાદ પ્ર.આ.૨૦૦૮
(૩) ‘હણહણાટી’- ઓર્બિટ અને ઓર્બિટ બહાર, પ્રવીણ દરજી, પરબ માર્ચ-૨૦૧૭ પૃ.૪૦
(૪) સુક્ષ્મ મન:સંચલનોનું સાર્થક કલારૂપ, ગુણવંત વ્યાસ, પ્રત્યક્ષ નવેમ્બર ૨૦૧૭ પૃ.૧૬
(૫) વાર્તાકાર-નવલકથાકાર મોહન પરમાર સાથે પ્રશ્નોત્તરી-સંધ્યા ભટ્ટ, તાદર્થ્ય જૂન-૨૦૨૩ પૃ.૩૮-૩૯
બારોટ વાસુદેવ રમણભાઈ(NET JRF) (શિક્ષણ સહાયક), શ્રી આદર્શ સરસ્વતી વિદ્યામંદિર,નગરા
તા.ખંભાત જિ.આણંદ