સાંડેશ ધર્મિષ્ઠા જીવરાજભાઈ
તેત્સુકો કુરોયાનાગીનો જન્મ 9 ઓગસ્ટ, 1923માં થયો હતો. તેઓ જાપાની અભિનેત્રી, વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરના સલાહકાર, યુનિસેફના સદભાવના રાજદૂત છે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનાર પ્રથમ જાપાની વ્યક્તિ તરીકે તેમને નામના મળી છે. ‘તેત્સુકો રૂમ’ નામે તેમણે બે ફેબ્રુઆરી, 1976થી એક ટોક-શો શરૂ કર્યો જે ત્યાંના એક ટેલિવિઝન ચેનલથી પ્રસારિત થતો. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના નેતા-અભિનેતા, ખેલાડીઓ પ્રસિદ્ધ વ્યક્તિઓની મુલાકાત તેમના દ્વારા દર અઠવાડિયે એકવાર લેવામાં આવતી. 2011માં આ શોને એક જ મેજબાન દ્વારા સૌથી વધુ પ્રસારણ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અપાય છે.
આ આત્મકથનાત્મક સંસ્મરણોનું પુસ્તક દુનિયાના બેસ્ટ સેલરમાંનું એક છે. ‘યંગ વુમન’ પત્રિકામાં 1979-80માં હપ્તાવાર આ સંસ્મરણો લેખરૂપે પ્રગટ થતા હતા. પછી બધા લેખોને એક પુસ્તક સ્વરૂપે 1981માં પ્રગટ કરાયું. જેણે પચાસલાખથી પણ વધુ વેચાણ કરીને જાપાની પ્રકાશનના ઇતિહાસમાં સ્ત્રી લેખિકાનું સૌથી વધુ વેચયેલું પુસ્તક થવાની નામના મેળવી.
આ પુસ્તકની શરૂઆત તોતો-ચાનને શાળામાંથી કાઢી મૂકવાની વાત શિક્ષિકા તેની માતાને કહે છે ત્યાંથી થાય છે. શિક્ષકોની નજરમાં તે એક તોફાની છોકરી છે જે બધાને પરેશાન કરે છે, યોગ્ય અભ્યાસ કરતી નથી. પરંતુ તોતો-ચાનનાં મમ્મી તેની દીકરીનાં તોફાનની પાછળનાં કારણને જાણવા સમજવાના પ્રયત્નો કરી તેની બાળસહજ કુતૂહલવૃત્તિને સમજે છે. ટેબલનું ખાનું વારંવાર ખોલ બંધ કરવું, બારી પાસે ઊભા રહીને બહારની દુનિયાને જોવી અને વળી રસ્તે ફરતા, ચમકતા કપડાવાળા ગાવાવાળાઓની ટોળીને બોલાવવી, આ બધી બાબતો એક બાળકી માટે આનંદ અને આશ્ચર્યની વાત છે પરંતુ તે શિક્ષિકા માટે ત્રાસદાયક છે. માતા તોતો-ચાનને આ વાત કહેતા નથી અને ઘણી તપાસ કર્યા પછી તેઓને બીજી શાળા મળે છે જેનું નામ છે ‘તોમોએ’. ત્યાંના હેડમાસ્ટર સોસાકુ કોબાયાશી જે એક શિક્ષણવિદ છે. તોમોએ શાળા શરૂ કરી તે પહેલા હેડમાસ્ટર સોસાકુ કોબાયાશી દેશ-વિદેશ ફરીને ત્યાં બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિઓ જાણી. ઘણા શિક્ષણશાસ્ત્રીઓની સાથે તેમણે ચર્ચાઓ પણ કરેલી. આ બધા જ પરિશ્રમનું ફળ આ તોમોએ શાળા હતી. તેમના કારણે તોતો-ચાનનું જીવન પરિવર્તન પામે છે અને આજે તેઓ આ મુકામે પહોંચ્યા છે.
બાળપણમાં દરેક વ્યક્તિ મોટા થઈને શું બનવું તેના વિચારો કરતાં હોય તેમ તોતો-ચાન પણ વિચારે છે તે પ્રથમ ગાવા બજાવવાવાળા સાથે જવા ઈચ્છે છે પછી તેની ઈચ્છા બદલાઇને જાસુસ થવાની થાય છે, ત્યારબાદ એને રેલ્વે સ્ટેશન પર રંગબેરંગી ટિકિટો જોઈ ટિકિટમાસ્તર થવાનો વિચાર આવે છે. આવા વિચારો કરતાં-કરતાં તે પોતાની નવી શાળાએ પહોંચે છે અને શાળાનું પ્રવેશ દ્વાર જોતાં જ આશ્ચર્ય પામે છે. દ્વારના નામે બે બાજુ ઝાડના ઊંચા થડ હતા ને હજુ એની ટોચ પર થોડાક ડાળી પાંદડા પણ હતા. તોતો-ચાન બોલી ઊઠે છે કે,
‘અરે આ દરવાજો તો ઊંચો વધ્યે જ જાય છે ને! એ વધતો જ જશે ને ટેલિફોનના થાંભલાથી એ ઉંચો થઈ જશે!’ (પૃષ્ઠ-8)
તેણે અંદર નજર કરી ત્યાં તેને ટ્રેનનાં ડબ્બા દેખાયા. અહીં છ ટ્રેનનાં ડબ્બાઓનો વર્ગખંડ તરીકે ઉપયોગ કરવામાં આવતો. બાળકોને તરત આશ્ચર્ય થાય કે ‘ટ્રેનમાં સ્કૂલ!’ તોતો-ચાનને આ નિશાળ ગમી ગઈ! પરંતુ માની ચિંતા વધતી જતી હતી કે આ શાળાના હેડમાસ્તર તોતો-ચાનને યોગ્ય ગણશે કે નહીં? હેડમાસ્તરજીને મળતા જ તોતો-ચાને પ્રથમ પ્રશ્ન કર્યો કે ‘તમે હેડમાસ્ટર છો કે સ્ટેશનમાસ્તર?’ તેઓ હસી પડ્યા! અહીંથી જ તોતો-ચાનનું જીવન તેમના હાથમાં સોંપાઈ ગયું. લગભગ ચાર કલાક જેટલી વાતો તેઓ બંને વચ્ચે થઈ છતાં પણ અકળાયા, ખીજાયા વિના જ માસ્ટરજીએ તોતો-ચાનની બધી જ વાતો ધ્યાનથી સાંભળી અને તેને મહત્વ પણ આપ્યું અંતે તોતો-ચાનની બધી વાતો પૂરી થઈ ગઈ. હેડમાસ્તરજીએ તેના માથા પર મમતા ભર્યો હાથ રાખી કહ્યું,
‘તો, આજથી તુ આ સ્કૂલની વિદ્યાર્થિની…’ (પૃષ્ઠ-12)
બાળકો જે કંઈ પણ કરે છે તેની પાછળ કોઈને કોઈ કારણ હોય જ છે તે કારણ વડીલો માટે નજીવું પણ બાળક માટે તો તે તેની પોતાની સમજ છે. તોતો-ચાન પેલા ડબ્બામાં આવેલી પ્રથમ છોકરી પાસે બેસવાનું નક્કી કરે છે તેનું કારણ તેણે પહેરેલ પીનાફર પર લાંબા કાનવાળું સસલું દોરેલું હતું તે છે. બાળકોની પંચેન્દ્રિયો ખૂબ જ સતેજ હોય છે તેની ગ્રહણ શક્તિ પણ તેવી જ હોય છે તેથી જ તેને નાની-મોટી વસ્તુઓ જલ્દી આકર્ષે છે. હવામાં ફરતાં પાંદડાઓ, આકાશમાં થતી વીજળીઓ, ટમટમ કરતા તારા, ચાંદા, પંખી, પતંગિયાં બધું જ તેને માટે આશ્ચર્યરૂપ છે એને જાણવા અને માણવા મથતા રહે છે.
સામાન્ય રીતે શાળાના સમયપત્રક પહેલેથી તૈયાર હોય તે જ પ્રમાણે વર્ગ લેવાય. પરંતુ અહીં કોઈ સમયપત્રક નહીં. દિવસની શરૂઆતમાં બાળકોને આખા દિવસના મુદ્દાઓ અને પ્રશ્નો આપી દેવાતા પછી બાળકોને જ્યાંથી શરૂ કરવું હોય ત્યાંથી શરૂ કરી શકે. એટલે કોઈ જાપાની શીખે કે અંકગણિત કરે, નિબંધ લખે, વિજ્ઞાનનાં પ્રયોગો કરે કે બીજું કંઈપણ પોતાની રુચિ પ્રમાણે શરૂ કરી શકે છે. ભણાવવાની આવી પદ્ધતિ હોવાથી શિક્ષકો બાળકોનાં રસ-રુચિ અને તેની આવડત તથા સ્વભાવ વિશે જાણી શકે. વિદ્યાર્થીઓનું સાચું માપ કાઢવાની આ આદર્શ પદ્ધતિ છે. વ્યવહારવાદ પ્રમાણે વિદ્યાર્થીઓના રસ-રુચિ અનુસાર શિક્ષણ પધ્ધતિઓ અપનાવવી જે અહી જોવા મળે છે.
બાળકનાં શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ થવા માટે નાની-નાની વાતની પણ અહીં કાળજી રખાતી જેમકે રિસેસમાં ભોજનમાં ફરજિયાત ‘કંઈક દરિયાવાળું ને કંઈક પહાડ વાળું’ લઈને ડબ્બો બનાવવાનો જેથી બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે. કોઈ બાળકનાં ડબ્બામાં કઈ ખૂટતું હોય તો હેડમાસ્તરજી તેમના ડબ્બામાં તે ઉમેરી દેતા. જમતાં પહેલા એક ગીત ગવાતું જેમાં બાળકોને રમત-રમતમાં ભોજન ચાવીને ખાવાનું શીખવવામાં આવતું. જેથી ભોજનનું યોગ્ય રીતે પાચન થઈ જાય. ત્યારબાદ પ્રાર્થના કરીને ભોજન લેવાતું. તેમાં પણ હેડમાસ્તરે એક નવું ઉમેર્યું કે ભોજન પછી કોઈ એક વિદ્યાર્થીએ કંઈકને કંઈક વાત કરવી. આના પાછળનો હેતુ એ હશે કે વિદ્યાર્થીઓ બધા વચ્ચે ઊભા થઈને મૂંઝાયા વિના મુક્ત મને અને સ્પષ્ટતાથી પોતાના વિચારો રજૂ કરવાની તાલીમ મેળવે. પ્રકૃતિવાદ પ્રમાણે શિક્ષણનો એક હેતુ ‘બાળકોનાં વ્યક્તિત્વનો વિકાસ’ જે અહી સિદ્ધ થાય છે.
દિવસની શરૂઆતમાં આપેલું કાર્ય જો બાળકો સમય પહેલા પૂર્ણ કરે તો શાળામાંથી આજુબાજુનાં સ્થળો પર પગપાળા ફરવા લઈ જાય ને રસ્તામાં આવતા ખેતરો, ફૂલો, પંખીઓ વિશે શિક્ષક માહિતી આપે. ફૂલોમાં રહેલ પિસ્ટિલ (સ્ત્રિકેસર)ને સ્ટેમન (પુંકેસર) વિશે સમજાવે એમ વિજ્ઞાન જેવા અઘરા વિષય છે જે બાળકો રમત-રમતમાં શીખી જાય છે ત્યાંજ પતંગિયા ફૂલોની ખીલવામાં મદદ કરતા નજરે ચડે છે આમ મનગમતી મોજ કરવા ફરતાં-ફરતાં બાળકો વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ઇતિહાસના કેટલા મોટા પાઠ સરળતાથી શીખતાં જાય અને સાથે-સાથે બાળમનને પ્રકૃતિનાં રમ્ય સ્વરૂપ પ્રત્યે પ્રેમ અને સમ્માનથી ભરી મૂકે છે. બાળકોને પ્રકૃતિઅભિમુખ કરવાનો પ્રકૃતિવાદનો હેતુ અહી સિદ્ધ થતો જાણી શકાય છે.
બાળકોની કુતૂહલવૃત્તિને વેગ આપીને તેને સંતોષવી તે પણ શિક્ષકની ફરજ છે પછી તે કુતૂહલ ગમે તેવું બાલ્ય હોય. તોમોએ શાળા ટ્રેનનાં છ ડબ્બામાં સમાયેલી ને સાતમો ટ્રેનનો ડબ્બો આવવાનો હતો. તે કઈ રીતે આવશે કે ગોઠવાશે તે જાણવાની ઈચ્છાને પોષવા આ નાનાં-નાનાં ભૂલકાંઓ શાળામાં જ રાતવાસો કરીને વહેલી સવારે ટ્રેનનાં ડબ્બાને આવતાં જોઈ ખુશ થાય છે. અહી પ્રત્યક્ષ અનુભવ દ્વારા શિક્ષણ અને રોજબરોજના અનુભવ દ્વારા શિક્ષણનો હેતુ સિદ્ધ થાય છે.
આપણે આ અત્યાધુનિક યુગમાં પણ બાળકોને જાતીય શિક્ષણ કેવી રીતે અને કેટલું આપવું તેની ચર્ચાઓ કરીએ છીએ. આ વિષયનો અભ્યાસ કરાવતાં શિક્ષકો પણ ઘણું ખરું ગુપ્ત રાખીને કે સંકોચ રાખીને જ ભણાવે છે. ત્યારે તોમોએ શાળામાં હેડમાસ્તર કોબાયાશીએ શાળાનાં સ્નાનાગારમાં બાળકોને નિર્વસ્ત્ર જ નાહવાની પરવાનગી આપી. આની પાછળના કારણોમાં લેખિકા કહે છે કે,
“છોકરાં-છોકરીઓનાં શારીરિક તફાવતો અંગે કોઈ નકામી કે વિકારી ઉત્કંઠા બાળકોમાં જાગે નહીં શરીરને છુપાવવું એ વાત જ બાળકો અંગે એમને અસ્વાભાવિક અને અકુદરતી લાગતી હતી.”
(પૃષ્ઠ-41)
બીજું એમના મનમાં એ પણ હતું કે શાળામાં અમુક બાળકો પોલિયોગ્રસ્ત, ઠીંગણા કે વિકલાંગ પણ હતાં. તેમને પોતાના શરીર પ્રત્યે લઘુતાગ્રંથી આ ઉંમરથી જ ન આવી જાય, તેઓ પણ બીજા બાળકોની સાથે તેવી જ રીતે આનંદ વ્યક્ત કરી શકે અને મુક્ત રહી શકે, મોકળાશથી શરમ સંકોચ દૂર કરી શકે.
નાના બાળકોને ત્યાં જેટલી સ્વતંત્રતા મળે છે તેના કારણે બાળકોનો માનસિક વિકાસ ઝડપી થાય છે. તોતો-ચાન હજુ પહેલા ધોરણમાં જ છે ત્યાં તે નિશાળે જવા માટે રોજ ટ્રેનની મુસાફરી કરે છે. ટેન્ક બનાવીને બાળકો નિશાળમાં રાતવાસો કરે છે, ટ્રેનનાં ડબ્બાને કેવી રીતે લાવશે તે જોવા માટે બાળકો આખી રાત શાળામાં જ રહે છે, ગરમ પાણીનાં ઝરાની સહેલ કરવા ત્રણ દિવસ અને બે રાતનો પ્રવાસ યોજાય છે જ્યાં પહોંચવા માટે પ્રથમ ટ્રેનની ત્યારબાદ દરિયામાં વહાણની મુસાફરી કરે છે. અગાઉથી શિસ્ત બાબતે કોઈ સૂચનાઓ પણ આપી નહીં છતા બાળકો સ્વયંશિસ્તનું પાલન કરતાં હતાં. આવી નાની-નાની બાબતો બાળકોનાં શારીરિક વિકાસ અને ખાસ કરીને માનસિક વિકાસને વધુ મદદ કરે છે.
હેડમાસ્ટર સોસાકુ કોબાયાશી ‘યુરિદ્મિક્સ’ (તાલ-વ્યાયામ) જાપાનમાં પ્રાથમિક શાળામાં શરૂ કરનારા પ્રથમ વ્યક્તિ હતા. તાલ-વ્યાયામના ધ્યેયો જોઈએ તો બાળકોને એકાગ્રતા વધારવા, શરીર અને મનને લય અંગે સભાન બનાવવા અને આખરે બાળમનની કલ્પના શક્તિને જગાડીને સર્જનશક્તિને વિકાસમાન કરવાનો આશય હતો. હેડમાસ્તરજી તેમના સમયની શિક્ષણ પદ્ધતિના ટીકાકાર હતા. લેખિત શબ્દ પર વધુ ભાર મૂકાતા બાળકને ઇન્દ્રિય સંવેદના ઓછીને ઓછી થતી જાય છે, સાહજિક કુદરતી ગ્રહણશીલતા પણ ઓછી થતી જાય છે તેમ તેમનું માનવું હતું.
બાળકોને સૌથી ખરાબ કપડાં પહેરાવવા જેથી કરીને બાળકોને તે ગંદા થવાની ચિંતા ના રહે. અને બાળકો મન મૂકીને રમતો રમી શકે. આવા વિચારો હેડમાસ્તરજીના હતા તેથી જ તેઓએ તેમની શાળાના વિદ્યાર્થીઓ માટે કોઈ જ ડ્રેસકોડ રાખ્યો ન હતો. વિદ્યાર્થીઓનાં વાલીઓને સુચના અપાય હતી કે બાળકોને ખરાબમાં ખરાબ કપડાં જ પહેરાવીને શાળામાં મોકલવા.
શાળાનાં રમતોત્સવમાં પણ વિશિષ્ટ પ્રકારની રમતો, સ્પર્ધાઓ હેડમાસ્તરજી રાખતા. જે સ્વસ્થ બાળકો અને યાસુકી-ચાન તથા તાકાહાશી જેવા શારીરિક ખામીવાળા બાળકો માટે પણ આનંદદાયક અને તેમની પોતાની શરીર પ્રત્યેની લઘુતાગ્રંથી દૂર કરે તેવી હોય. સ્પર્ધામાં નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીઓને તેઓ ઇનામમાં જુદાં-જુદાં શાકભાજી આપતા અને ‘આજે રાતે તમારા આખા કુટુંબના ભોજનમાં તમે તમારી પોતાની મહેનતથી મેળવેલું કંઈક ઉમેરવાના છો.’ (પૃષ્ઠ-85) એમ સમજાવતા તેમની આવી વાતો બાળકોનાં ઉત્સાહમાં વધારો કરનારી હોય છે. પ્રકૃતિવાદ પ્રમાણે બાળકોનાં સર્વાંગી વિકાસનો હેતુ અહી જોઈ શકાય છે.
નાનાં-નાનાં પ્રસંગોમાં પણ હેડ માસ્ટર સતેજ રહીને બાળકોનાં મનને ઘડે છે. દીકરી-દીકરાની સમાનતાની વાત આજે પણ આપણે કરવી પડે છે ત્યારે તે સમયમાં હેડમાસ્તરજી બાળમનને જ તૈયાર કરે છે તેઓ બાળકોને કહે છે કે, ‘છોકરીઓ સાથે બહુ વિવેકથી વર્તન કરવું જોઈએ એમની કાળજી રાખવી જોઈએ.’ (પૃષ્ઠ-99)
કોઈપણ શાળાનાં શિક્ષક બનવા માટે તેમની પાસે શૈક્ષણિક તાલીમનું પ્રમાણપત્ર કે ડિગ્રી જરૂરી છે પરંતુ હેડમાસ્ટરજી માટે તો જે વ્યક્તિ પાસેથી બાળકોને કંઈક સારી વસ્તુ શીખવા મળે તે જ તેમના શિક્ષક. તેથી જ તેઓ ખેતરમાં ખેતીકામ કરતા ખેડૂતને પણ બાળકોને ખેતી વિશે કઈક વાતો શીખવવા માટે લઈ આવતા અને તેમને ખેતીના શિક્ષક તરીકે ઓળખાવતા.
બાળકોનાં તોફાનને સમજવા અને તેની પાછળ રહેલા આશયને સમજીને તેને યોગ્ય દિશા કેવી રીતે આપવી તે હેડમાસ્ટરજી સારી રીતે જાણતા. પોતાના તોફાનોને કારણે જ નિશાળમાંથી કાઢી મૂકાયેલી તોતો-ચાનનાં આ શાળામાં પણ ઓછા તોફાનો ન હતા. ગટરમાં ભૂલથી કૂદી પડવું કે વ્યાયામ કરવાના થાંભલા પરના આડા જાડા સળિયા પર લટકી જતી. ત્યાંના શિક્ષકો પણ તેની ફરિયાદો હેડમાસ્ટરજીને કરતા પણ તેમના માતા-પિતાને ક્યારેય ઠપકો આપવા માટે હેડમાસ્તરે બોલાવ્યા નથી ઉપરથી તેઓ જ્યારે-જ્યારે તોતો-ચાનને મળતા ત્યારે તેને કહેતા કે,- ‘બહુ જ સારી છોકરી છે તું, સાચે જ.’ (પૃષ્ઠ-120) આ શબ્દોએ જ તોતો-ચાનની જિંદગીને નવા વળાંકો આપ્યા છે. નવી દિશાઓ નિશ્ચિત કરી આપી છે.
બાળકોને નવી વસ્તુ જોવા જાણવા ને સમજવાની તીવ્ર ઈચ્છા હોય છે અને પોતે પણ તેવું કરવા કે મેળવવાના પ્રયત્નો કરે છે. જીયુગાઓકા સ્ટેશન પર બે છોકરા અને એક છોકરીને હાથની આંગળીઓ વડે અવાજ કર્યા વિના હસી-હસીને વાત કરતા જોઈ તોતો-ચાન અવાક રહી ગઈ તેને પણ તેવી રીતે વાત કરતા શીખવાની ઈચ્છા થઈ ગઈ. તેને માટે એ મૂંગા-બાહેરાની હાથના સંકેતોની ભાષા એ નવીન વાત હતી.
તે સમયમાં વિશ્વયુદ્ધની પરિસ્થિતિને કારણે દેશ-દેશ વચ્ચેની સ્થિતિ કથળેલી હતી. તેની પ્રતીતિ કરાવતી ઘટનાઓ પણ અહીં મળે છે. જાપાનીઝ લોકો કોરિયન લોકોને હિન ભાવથી જોતા અને તેને પરેશાન કરતા. તેવામાં એક કોરિયન બાળક રસ્તામાં જતી તોતો-ચાનને કોરિયન કહીને ખીજાય છે. તેને મન આ કોરિયન એ કોઈ અપશબ્દ છે. તેને કોરિયનનો સાચો અર્થ શું થાય તેની જાણ જ નથી તે બાળકનું નામ માસાઓ-ચાન.
યુદ્ધનાં ઘેરા વાદળો વિશ્વ પર ઘેરાયેલા હતા. જુદા-જુદા દેશો એકબીજાની સામ-સામે હતા. તેમાં જાપાન અને અમેરિકા એકબીજાના વિરોધીઓ હતા. તેથી જાપાનની શાળાઓમાં પણ ‘અમેરિકનો રાક્ષસ છે.’ (પૃષ્ઠ-138) કહીને અંગ્રેજી ભાષાને પણ અભ્યાસમાંથી બાકાત રાખી હતી. આવા સમયે એક અમેરિકન બાળક આ તોમોએ શાળામાં એડમિશન લે છે અને તેના દ્વારા શાળામાં જાણે કે જાપાન અને અમેરિકા મિત્રો હોય તેવા દ્રશ્યો સર્જાતા જાય છે. યુદ્ધની અસરો હજુ આ શાળા સુધી હેડમાસ્તરે પહોંચવા દીધી ન હતી. યુદ્ધને કારણે હવે ખાણીપીણી અને રહેણીકરણીમાં પણ ફેરફાર થતા હતા. મુશ્કેલીઓ વધતી હતી. જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળવી મુશ્કેલ હતી. તોતો-ચાનનાં પિતાજી એક પ્રસિદ્ધ સંગીતકાર હતા. તેઓ વાયોલિનવાદક હતા. તેમને યુદ્ધ માટે પ્રેરે તેવું સંગીત વગાડે તો જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહેશે એવી ઓફર અપાય છે પરંતુ તેમણે ના પાડી તેમના આદર્શો તેમને એવું કરતા અટકાવે છે. તે સમયે તોતો-ચાન તેમની ભાવનાઓ સમજી શક્તી નહીં પરંતુ આજે તેને તેના પિતાનો તે નિર્ણય માનભર્યો લાગે છે.
પરિસ્થિતિ એવી સર્જાઈ કે યુદ્ધમાં લડવા માટે એક પછી એક બધા પુરૂષોને સૈનિક તરીકે જોડાવા માટે જવું અનિવાર્ય થયું. શાળામાંથી જ્યારે તોતો-ચાન ઘાયલ સૈનિકોને મળવા હોસ્પિટલ ગયેલી ત્યારે તે સૈનિકોના ચહેરા પર તેણે અલગ જ આનંદ દેખાયો હતો. હવે શાળાનાં નાના-મોટા કાર્યક્રમો પણ બંધ થઈ ગયા, શિબિરો, પ્રવાસો બંધ થયા બાળકો હવે જાણે પહેલાની જેમ આનંદ ક્યારેય માણી નહીં શકે, દરિયાકિનારો પણ સુમસામ હતો.
તોમોએ સ્કૂલનો ચોકીદાર રયો-ચાન. તેને હવે લશ્કરને મોરચે જવાનો વારો આવ્યો ત્યારે હેડમાસ્ટરજીએ તેને વિદાયમાનના મેળાવડામાં ટી-પાર્ટી ગોઠવી જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ તેમને કંઈ ને કંઈ કહ્યું તેમાં તે નાના ભૂલકાઓની ભાવનાઓ વ્યક્ત થતી હતી. આ મહેફિલ શાળાની છેલ્લી મહેફિલ થઈ રહી.
આકાશમાં યુદ્ધનાં વિમાનો હવે અહીં પણ નજરે પડ્યાં. રાતનાં સમયમાં બી-29 નામના વિમાનોએ બોમ્બ બારી શરૂ કરી અને એક બોમ્બ આ સ્કૂલનાં ક્લાસરૂમ તરીકે વપરાતા રેલવેના ડબ્બાઓ પર પણ પડ્યો અને સ્કૂલ સળગી ગઈ. આ અગ્નિની જ્વાળાઓ જોતાં હેડમાસ્તરજી તેમના પરિવાર સાથે રસ્તા પર ઉભા છે પોતાના હંમેશાના વેશમાં જ. અને પોતાના પુત્રને સવાલ કરે છે કે, ‘હવે આપણે કેવી સ્કૂલ બાંધીશું?’ (પૃષ્ઠ-161) તેમનો પુત્ર તોમોએ જેના નામ પરથી જ આ સ્કૂલ હતી તે ડઘાઈ ગયો પણ હેડમાસ્તરજીનો બાળકો માટેનો પ્રેમ અને શિક્ષણ માટેની સમર્પણ શીલતાની ભાવના એ આગની જ્વાળાઓ કરતા ક્યાંય ઊંચી હતી! તેઓ હજુ તૂટ્યા ન હતા. સ્વસ્થ જ હતા અને નવી શાળા બનાવવા માટે તત્પર હતા.
બધાં જ શહેર છોડીને બીજા પ્રદેશમાં જાય છે. તોતો-ચાન પણ ભીડ ભરેલી ટ્રેનમાં યાત્રા કરી જઈ રહી છે. બહાર અંધકાર છે પણ તેના મનમાં તો હેડમાસ્ટરે રોપેલા શબ્દો જ ખીલેલા છે ‘તું સાચે જ ખૂબ સારી છોકરી છે’ ને અહી આ કથા પૂર્ણ થાય છે.
સાંડેશ ધર્મિષ્ઠા જીવરાજભાઈ, શોધ છાત્ર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 4 July – August 2024