ઠીબ

  • દક્ષાબા સોલંકી

  સવારથી સતીમાનો જીવ ઘરમાં ચોંટતો ન્હતો. સગી દીકરી કોઈ વળગાડનો ભોગ બની છે એ વાત સાંભળી ત્યારથી જ એમના માન્યમાં આવતી ન હતી.  છેલ્લા એક મહિનાથી વેવાણ સમાચાર પર સમાચાર મોકલાવ્યે જતી ‘તી, “તમારી દીકરીને વળગાડ છે. આવીને નજરે જોઈ જાઓ, તેડી જાઓ.”  

   બે વખત સતીમા દીકરીના સાસરે આંટો મારી આવ્યાં. રતનશી તો દીકરીની હાલત જોઈ પણ શકતો ન હતો. કમરથીય બે વેંત નીચે આવતા કાળા ભમ્મર ખુલ્લા વાળ, કપાળ પર મોટો ચાંદલો ને હાથમાં કાચની બંગડીઓ! ને માખણના લોંદા જેવું શરીર. ધૂણતી જાય ને ખડખડાટ હસતી જાય!  એવું અટ્ટહાસ્ય કરે કે ભલભલાના કાળજા કંપી જાય… 

   રતનશી દીકરીની આવી હાલત જોઈ માતાજીને ચોંધાર આંસુએ કરગરતો ‘તો,  “હેં, માડી! મારી દીકરીના રખોપા કર… આવો વળગાડ ક્યાંથી વળગ્યો? જે કોઈ ભૂત પલીત હોય એને કંકુના કોઠામાંથી બહાર કાઢ.. મારી મા! આજીવન તારી ટેકરી પર પૂનમે દીવો ભરવા આવીશ.” રડતો જાય ને ગામની ટેકરી પર બિરાજેલા માતાજીને વિનવતો જાય. 

      વેવાણનું કહેણ મળતાં સતીમા જ્યારે કંકુના સાસરિયે જાય, દીકરીને પ્રેમથી બોલાવે. કંકુ પણ હરખથી માની આગતા સ્વાગતા કરે. મા સાથે મસ્ત મજાની વાતો કરે! માને જમાડે. સાસુની સેવા કરે. પણ જેવા સતીમા પ્રેમથી એને મનાવીને પિયર સાથે આવવાની વાત એના કાને નાખે એટલે હસીને ના પાડી દે. ચોખ્ખું કહી દે, “મા, આ જોને. હું તારી હારે આવું તો બળ્યું આ ઘરનું બધું કામ અટકી રે’. મારે નથ આવવું,,,” ને વાતને અધવચ્ચે જ ઉડાડી દે. આખો દિવસ ચહેરા પર નરમાશ લઈને ફરતી કંકુ પુરા ખંતથી ઘરની જવાબદારી નિભાવ્યે જાય પણ સંધ્યાટાણું થાય એટલે અચાનક કંકુના શરીરમાં ગજબનો સંચાર શરૂ થઈ જતો. ઘરની એકેય વ્યક્તિને કંકુ ઓળખે જ નહીં. કોઈ સાથે વાતચીત પણ નહીં.. ઘરમાં કોઈ કામ નહીં,,,,, જેઠ જેઠાણીના ઓરડામાં જઈને એક ખૂણો પકડી લે,, ઘૂંઘટો તાણીને નાભિ સુધી લાજ કાઢીને ઊભડક પગે બેસી રહે.. ને ગામના મંદીરમાં જેવો ઘંટારવ સંભળાય, અહીં ઘરમાં કંકુ ધૂણવા માંડે. એવી ધૂણે કે ચાર ચાર માણસોથી કંકુનું જોર ઝાલ્યું ઝલાય નહીં. આખા ઓરડામાં ગોળ ગોળ ફરે.. ધૂણી ધૂણીને થાકે એટલે પોતાની મેળે ઢળી પડે, બરાબર ઓસરીની વચ્ચોવચ્ચ. એનો જેઠ ભૈરવ અને જેઠાણી સવિતા દૂર ઊભા ઊભા જોયા કરે. મરદ જેવો મરદ થઈને ભૈરવ હવે તો સંધ્યાટાણે ઘરની બહાર જ રહેવા લાગ્યો હતો. રાત પડ્યે એને પોતાના ઓરડામાં તો ઠીક, ઘરમાં પગ દેતાંય ભયની કંપારીઓ છૂટી જતી હતી.

        સવિતા એની સાસુને કહ્યાં કરતી, “નક્કી,,, આંબલિયેથી જ કશુંક વળગ્યું છે. એક તો અમાસ હતી ને પાછું કહ્યું ‘તું તોય એ માની નહીં.. ખરાબપોરે બળબળતા તાપમાં બળતણ લેવા ગયેલી. સાંજે હું ને રાજી બંને ગયેલા ત્યારે આંબલીયે એક મોટી ઠીબ પડેલી. એમાં નાનું પુતળું ને ચોખા ને ચુંદડી ને બળ્યું કઈંત રાતું પીળું પડ્યું ‘તું. અમે તો એ બાજુ નજરેય ન્હતી કરી. કહું છું કશેક જોવડાવો. નક્કી એ ઠીબનો ઉતાર જ વળગ્યો છે. ઉતારનાર તો છૂટી ગયું પણ આ ભોળી કંકુને ઝાલી લીધી એનું શું? મને તો મારા ઓરડામાં પગ મુકતાય જીવ નથી ચાલતો. ક્યાંક મારા કોઠે ન ઘુસી જાય!”  

     જેઠાણી મોટા ઘરની દીકરી ને ઉપરથી બે દીકરા જણીને ઘર પર રાજ કરતી હતી. કંકુ પ્રત્યે ઉપર ઉપરથી પ્રેમ બતાવતી.. ને આખો દિવસ ‘મારો કાન્હો રડે છે..’ કહીને પોતાના છ મહિનાના દીકરાને ખોળામાં ઘાલીને બેસી રહેતી. કાંતો મન ફાવે ત્યારે પિયર રોકાવા જતી રહેતી. જેથી ઘરનો બધો બોજો કંકુ ઉપાડીને ફર્યા કરે. રૂપરૂપના અંબાર સમી કંકુ પરણીને આવી ત્યારથી આમેય સવિતા એને જોઈ બળી મરતી ‘તી. પણ હવે તો કંકુની હાલત જોઈ મનોમન રાજીપો અનુભવી રહી હતી. 

    કંકુની સાસુને કંકુ સાથે જરાય બનતું નહીં. પરણીને આવ્યાને બે વરસ થવા આવ્યા હતાં. બાર મહિના થયાં ન થયાં ત્યાં તો વાંઝણી વાંઝણી કરીને એવા કટુવેણ સંભળાવતા કે કંકુ મુરઝાઈ ગઈ હતી પણ સાસુના મ્હેણાંને કદીયે એ મન પર લેતી નહીં. 

માધાને બિચારી પત્ની પર દયા આવતી. પણ કરે શું? સાંત્વના આપવા સિવાય એ કશું કરી શકતો નહીં. આખો દિવસ ઘરના કામનો રીતસરનો ઢસરડો, ભેંસોના ખાણ-ચારા, છાણ-વાસીંદુ ને કૂવેથી માટલા ભરી ભરીને પાણી લાવીને આંગણે મુકેલી કૂંડીઓ ભરતી કંકુને જોઈ એ એકલો એકલો રડી લેતો. 

“માતાજી પર ભરોસો રાખ, સહુ સારાવાના થશે.” કહીને કંકુને સધિયારો આપતો.  કંકુની આવી હાલત જોઈ તેને વધું હૂંફ આપવાનો પ્રયત્ન કરતો. પરંતુ અંદરથી એ પણ ડરી ગયેલો. 

               બીજી બાજુ આજે સવારે મળેલા વાવડથી સતીમાનો ઉચાટ કેમેય શાંત થતો ન્હતો. “તમારી દીકરીને તેડી જાઓ.. ક્યાંક અડધી રાતે અમને બધાંને બાળી મેલશે.” 

       બનેલું એવું કે, આગલી રાતે બે વાગે ચુલો પેટાવી હાથમાં સળગતું ડુંઘાણિયું લઈ કંકુએ ભયાનક રૂપ ધારણ કરેલું. આખા ઘરમાં આંટા મારતી કંકુને રોકવાની કે એની બાજુમાં જવાનીય કોઈની હિંમત ન્હતી થઈ. રાસડા લેતી હોય એમ કમરથી વાંકી વળીને તાળીઓ પાડતી જાય ને કશુંક બોલતી જાય… ગઈ રાત્રે કંકુનું આવું વિકરાળ સ્વરૂપ જોઈ ઘરના બધાંય હલબલી ગયેલા. ભૈરવને એક થપાટે હેઠો પાડી એની છાતી પર કંકુ ચડી બેઠેલી. એની વિસ્ફારિત આંખો અને ધમણની જેમ હાંફતી છાતી સામે નજર કરવાનું આજે ભૈરવનું ગજુ રહ્યું ન્હતું. 

       ક્યારે રતનશી ઘેર આવે અને ક્યારે કંકુના સાસરે પહોંચાય એની રાહ જોતા સતીમા પગ વાળીને ઘરમાં બેસતા ન્હતાં. ઘડીક ઝાંપે, ઘડીક ઘરના ઉંબરે આંટાફેરા કરી લેતા હતાં. મોડી સાંજે ઘેર આવેલા રતનશીએ પત્નીને સમજાવીને હૈયાધારણા આપી કે ગમે એ કરીને આવતી કાલે કંકુને ઘેર લઈ આવશું.  ઘરમાં ચુપકીદી છવાઈ ગઈ હતી. 

રતનશીએ કશોક ઊંડો વિચાર કરીને પત્નીને પુછ્યું, “હેં, કંકુની મા! આપણી કંકુ નાની હતી ત્યારથી તારા ભેગી વગડો ખૂંદવા ને બળતણ વીણવા હારે ને હારે આવતી કે નહીં? ” 

સતીમાએ ડોકું હલાવીને હાકરમાં જવાબ આપ્યો. 

“તને યાદ છે,, તું રોજ ઘેર આવીને એની ફરિયાદ કરતી કે વાડે કે ખીજડા હેઠે,  નેળિયે કે ચાર રસ્તે ઠીબો પડી હોય છે એ કંકુ ફોડી નાખે છે.”

સતીમાએ “હ્ં” કહીને યાદ કર્યું અને ઉમેર્યું, “હા, એ ઠીબને ઊંધી વાળી એના પર બેય પગે ઊભી રહીને એને ભાંગી નાખતી. કહેતી, ‘એનો પટ પટ અવાજ કેવો સંભળાય છે!’ ને સમજણી થયા પછીય એની એ કટેવ ક્યાં છૂટી હતી? ” 

રતનશીએ નવાઈ પામીને પુછ્યું, “તોય એ કદીયે માંદી ન્હતી પડી. તો અચાનક આવો વળગાડ………?! કશું સમજાતું નથી.” 

સતીમા પણ બે ઘડી વિચારમાં પડી ગયાં. બોલ્યા, 

“જે હોય એ,,, કાલે જ જઈને કંકુને અહીં તેડી લાવવી છે, ક્યાંક કચોઘડિયામાં ઠીબ હડફેટે ચડી ગઈ હશે! બધા દહાડા સરખા નથ હોતાં. એના માથે ઉતાર ફેરવી ઠીબ કાઢવી જ પડશે.” આવું રટણ કરતા સતીમા રતનશી સાથે બીજી સવારે કંકુના પિયર જવા રવાના થઈ ગયાં. 

      આંગણે મા બાપને જોતા કંકુએ તો હરખથી બંનેને આવકાર્યા. ચા પરોણા કરાવ્યાં.. એમ કરતાં સંધ્યાટાણું થવા આવ્યું. કંકુએ ઘરના ગોખલે બેસાડેલા મંદીરીયામાં દીવા કર્યા. ધૂપ કર્યું. જેની સોડમથી ઘરનો ખૂણે ખૂણો મ્હેકી ઊઠ્યો.

બીજી બાજુ આંગણે બેઠેલી બંને વેવાણો વચ્ચે ધીમા સાદે સંવાદ રચાઈ રહ્યો હતો. 

કંકુના સાસુ બળાપો કાઢી રહ્યાં હતાં, 

” તમતમારે લઈ જ જાઓ. કાલ રાતે તો એકનો જીવ લઈને રે’ત. કાઈંક નવાજુની થાય એ પહેલા તેડી જ જાઓ આ વળગાડને અહીંથી. એની બીકમાં મારો ભૈરવ એના બૈરી છોકરાંવ લઈને જુદો થઈ ગયો. રામ જાણે,, શું થવાનું છે? ” 

 “વેવાણ, તમે ચિંતા ન કરો. કાલ સવાર ઉગતા જ અમે કંકુને અમારી હારે લઈ જશું. એક ભૂવાજીને કહી રાખ્યું છે. જોવડાવીને ઉતાર કાઢી દઈશું.” સતીમાએ હૈયાધારણા આપી. 

    કંકુથી છાની વાતો થઈ રહી હતી ને જેવો ગામને પાદરે મંદીરમાં ઘંટારવ થયો, કંકુના સાસુ સસરા સહીત સતીમા અને અમરશીના જીવ અધ્ધર થઈ ગયાં. માધો ખાટલેથી ઊભો થઈ ગયો. બધી આંખો બારણા તરફ મંડાઈ. વેવાણે આંખના ઈશારે સતીમાને ઘરમાં ધકેલ્યાં.

 સતીમા હળવેકથી ઘરમાં દાખલ થઈ કંકુના પડખે જઈને ઊભા રહ્યાં. પણ કંકુ તો આજે પહેલાની જેમ સહજ હતી. એ મા સામે જોઈ આછું મલકી. સતીમાને થોડા દિવસ પહેલા જોયેલું કંકુનું અટ્ટહાસ્ય યાદ આવી ગયું. કંકુ થોડી નજીક આવી. સતીમાના ધબકારા બમણા વેગે વધી ગયાં. પોતાની જનેતાના કાનમાં કંકુ હળવેકથી ગણગણી, “મા, તારી કંકુ બહુ મોટી ઠીબની હઠફેટે ચડતા રહી ગઈ. સમજી લે મા, કે  ઉતાર ગયો મારે માથેથી! ”