જાનવર 

  • એકતા દોશી

એક સરખા આછા દુધિયા રંગથી રંગાયેલી સોગિયા દીવાલો ઉપર લટકાયેલું મોટું ઘડિયાળ સાવ મંથર ગતિએ એના કાંટા ફેરવી રહ્યું હતું. એટલું ધીમે કે એકએક ક્ષણ હાથમાં, પેટમાં ખૂંચતી સોયો કરતાં પણ વધારે મારા મગજમાં અને મનમાં તીક્ષ્ણ રીતે ખૂંચતી હતી. કોને ખબર કેટલા કલાક, કેટલા દિવસ! કાંટાળા ઘડિયાળથી મોઢું ફેરવ્યું, આજુબાજુ સુનકાર, ભારેભરખમ ખાલીપણું, ફરતીફરતી મારી નજર પહોળી મોટી બારીના કાચની આરપાર સામે આવેલા એક ઝાડ ઉપર દોડાવી. મન અને નજર બે જ વસ્તુ તો દોડી શકે એમ હતી! નજર વર્તમાનમાં અને મન ભૂતકાળમાં!  ઝાડ હજુ થોડા સમયથી જ સંપૂર્ણ વિકાસ પામ્યું હોય એવું લીલુંછમ હતું. કયું ઝાડ હશે? કયાં ફળ આવતાં હશે? એના ફૂલોની સુગંધ કેવી હશે, વિચારમાં એ સોડમ માણું ન માણું એ અગાઉ સ્પિરિટની તીવ્ર વાસ મારા નાકના ફોયણાંમાં ઘુસી ગઈ. ફરી એક સોય. ડૉક્ટરની નજર મારા પ્રતિભાવ ઉપર હતી, સ્પિરિટની વાસની નોંધ મારા મગજે લીધી એ એમને સમજાયું પણ સોયની અણી જરાય તીક્ષ્ણ નહોતી લાગી, ડૉકટર અને ઘરના લોકો માટે એ ચિંતાની વાત હતી. શું ખરેખર કાંઈ ન ખૂંચવું એ ચિંતાની બાબત છે? મને તો એમ હતું કે એ સારી બાબત છે એટલે જ તો ગમે ત્યારે કોઈપણના લોહીલુહાણ કરી નાખે એવા વર્તનને હસતાં મોઢે પચાવી જાણેલું. ન કોઈ ફરિયાદ, ન લાગણીમાં ઓટ, ન વ્યવહારમાં ફરક. ત્યારે કેમ કોઈને નહીં લાગ્યું હોય કે આને કાંઈ ખૂંચતુ નથી, આને કોઈ અસર નથી થતી, કે અન્ય કોઈ જાતની ચિંતા નહીં કરી હોય! મન ભૂતકાળના રસ્તે દોડયું. 

“હેવી પેરાલીસીસમાંય કાર્ડિયોગ્રામ બહુ સરસ આવે છે. હાર્ટ ઉપર અસર નથી થઈ એ પોઝિટિવ સાઈન છે, આમનું હાર્ટ ઘણું સ્ટ્રોંગ છે.” ડૉક્ટર્સ અંદરોઅંદર વાત કરતા સંભળાયા. ‘સ્ટ્રોંગ હાર્ટ’?  આજ સુધી તો ‘સ્ટોન હાર્ટેડ’, ‘હાર્ટલેસ’ એટલીવાર સાંભળ્યું હતું કે હૃદય છે એ પણ ભુલાઈ ગયેલું. એટલે મારે મજબૂત હૃદય છે એ સાંભળી જરા હસવાની ઈચ્છા થઈ પણ હોંઠે પહોળા થવાંમાં વિરોધ નોંધાવ્યો, થોડી મહેનત કરવાથી થાક લાગ્યો, બીજા વિચારો પડતાં મૂકી મેં મારી નજર ફરી ઝાડ ઉપર ખોડી. એ ઝાડ ઉપર મેં વધારે ધ્યાન પરોવ્યું, આમેય પથારીમાં પડ્યાંપડ્યાં મારે કામ પણ શું હતું! 

એ ઝાડ ઉપર પંખીઓ કલરવ કરતાં હતાં, ફૂલો પણ ખીલ્યાં અને ફળ બેસવાની તૈયારીમાં હતાં, ગમતું દૃશ્ય સર્જાતું હતું. એ ઝાડ નીચે બેસી કોઈની રાહ જોવામાં પણ મજા આવે, મજા મણું ન માણું ત્યાં જ થોડીવારમાં એ દૃશ્યને કદરૂપું બનાવતું એક વિચિત્ર જાનવર આવ્યું, ઝાડને ચાટવા લાગ્યું અને પછી તે ઝાડનું થડ ખોતરતું હોય એવું લાગતું. મને તે જાનવર ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. થયું આજુબાજુથી કાંઈક ઉપાડીને ફેંકુ પણ મારું શરીર મગજની વાત ક્યાં માનતું હતું! હાથમાં કશુંક પકડવું હતું પણ સાવ ખાલી ચડી ગયેલી. ફક્ત ઝણઝણાટી. હાથ ઊંચકાતો જ નહોતો. તે જાનવર ઝાડને બરોબર ખોતરી રહ્યું હતું ત્યાં કશોક મોટો અવાજ સાંભળી તેણે મોઢું ઊંચું કર્યું, બહુ જ ગંદુ અને વિચિત્ર મોઢું હતું, એના ઉપર ચોંટેલો લાકડાનો વેર તેને વધારે ચિતરી ચડે એવો દેખાવ આપતો હતો, રક્ત-માંસના લોચા ખાઈને પેધેલા રાનીપશુ જેવો. જોઈને ઉબકો આવી ગયો, મારા મોઢાની કિનારીથી પ્રવાહી નીકળવા લાગ્યું. મારું ગળું, તકિયો ભીના થતાં હતાં પણ મારાથી લુંછાય તેમ ય નહોતું, એક સ્ટાફનું ધ્યાન પડ્યું અને તેણે મોઢું બગાડી મને અને તકીયાને સાફ કરવાની પ્રક્રિયા આદરી. એ સ્ટાફ, મારા શરીરને મન ફાવે તેમ ઊંચુનીચુ કરતાં હતાં, દુખાવો નહોતો થતો પણ પોતાની અસહાયતા ઉપર દુઃખ થતું હતું. ખબર છે ન થવું જોઈએ, નકામી ચીજોને કાંઈ લાગણી હોય ખરી! પણ મને તકલીફ પડતી હતી, આટલી લાચારી કે પડખું પણ ન ફરી શકઃય, મારા જીવવાનો કોઈ મતલબ હતો ખરો!

ફરી ઝાડ તરફ મીટ માંડી, એ જાનવર હજુ ઝાડ ખોતરવામાં મશગુલ હતું. તેને જોઈને મને જેટલો ગુસ્સો આવ્યો એટલો જ ડર લાગ્યો. નક્કી એ જાનવર ઝાડને ખોખલું કરી તેને પૂરું કરી નાખશે અને ઝાડને ખાઈ લીધા પછી આ બારીમાંથી કૂદીને અહીં આવશે અને પછી મને આ જ રીતે…ભયથી મારી આંખો મીંચાઈ ગઈ. 

“દવાની અસર થઈ છે. ઘેન ચડ્યું છે. આરામ કરશે તો સુધારો આવશે.” મારા ઘરના લોકોના અવાજ હતા. 

“બી પ્રેક્ટિકલ, સુધારો આવશે તો કદાચ પોતાનું કામ માંડમાંડ કરી શકશે. એનાથી વધારે કાંઈ નહીં કરી શકે.”  એ પણ કોઈક પોતાનું જ હતું, પોતાનું? બી પ્રેક્ટિકલનો મતલબ? વિચારો મજબૂત ભરડો લેતા હતા. આખરે, દવાની અસરમાં ખરેખર ઊંઘ આવી ગઈ. ખબર નહીં ક્યારે સુવાયું અને ક્યારે ઉઠાયું પણ આંખ ખોલી ત્યારે ઘડિયાળના કાંટા ખાસ ફર્યા નહોતા. 

શરીર માટે ખોરાક, એના વિસર્જનની પ્રક્રિયા, તબિયત સુધારની દવાઓ બધું અલગ-અલગ નળીઓ વાટે ચડી-ઉતરી રહ્યું હતું. પણ મન માટે ખોરાક પૂરો પાડે તેવી કોઈ વ્યક્તિ આસપાસ નહોતી. સપ્તપદીના ફેરા લેનાર પણ ક્યારેક જ દેખા દે. ખબર નહીં કઈ વ્યસ્તતા હોય છે, એણે ક્યારેય કોઈ જવાબદારી ક્યાં લીધી છે કે ક્યાંય આવવું જવું પડે!

” જલ્દી સારું થઈ જવાનું છે, હોં.” જેણે હાથમાં હાથ મૂકી સાત જનમના વચન આપ્યા હતા, એનો હાથ દિવસમાં માંડ એકાદવાર મને અડતો, માંડ એકાદવાર જ. જેના સ્પર્શે જીવનનો થાક ઉતરી જાય એની હૂંફ જોઈતી હતી છતાંય ખબર નહીં કેમ પણ એના સ્પર્શમાં શાતા નહોતી મળતી. એવું લાગતું કે એને પણ મારાથી છુટકારો જોઈએ છે. એને પણ હવે મારું જીવંત હોવું એ મારા મૃત્યુ કરતાં વધારે અઘરું પડતું હતું. મને એકલતાનો અભિશાપ આપતી એની સતત વ્યસ્તતા હતી કે મારાથી દૂર રહેવાનું બહાનું. પાસે હોય ત્યારે પણ મોબાઈલમાં વ્યસ્ત. ક્યારેક મને લાગતું એણે પોતાની જરૂરિયાતો સંતોષવા અન્ય કોઈ ગોતી લીધું છે, મને અહીં મૂકી ચોક્કસ એની પાસે જ જાય છે. એનું થોડીવાર માટે પણ મારાથી દૂર રહેવું મને અકળાવતું. એ નક્કી અન્ય કોઈક સાથે… મારા મૃત્યુની રાહ તો જોઈ હોત. મને લાગતું હતું કે મારી આંખોમાંથી લોહી પાણી રૂપે વહી રહ્યું હતું. ખૂબ અશક્તિ લાગતી હતી. 

“પેલા ઝાડને ખરેખરી ઉધઈ લાગી છે, ખવાઈ જાય એ અગાઉ એને કપાવી નાખવું જ જોઈએ.” 

“પણ કેટલું લીલુંછમ્મ છે, હજુ તો લુમીઝૂમી રહ્યું છે.” 

“ઉધઈ લાગે એટલે આયુષ્ય કેટલું? અને વળી આજુબાજુના લાકડાઓને પણ અસર પડે.” 

“ઉધઈ લાગી એટલે પણ કાપી થોડું નંખાય? કોઈ ટ્રીટમેન્ટ ન થાય?” 

“ટ્રીટમેન્ટથી કદાચ બીજા આસપાસના લાકડાઓને બચાવી શકાય. પણ એ ઝાડ તો ટકે એટલું સાચું.” 

“તોય એવું ન કરાય, તે કેટલા બધાં પક્ષીઓનું આશ્રયસ્થાન છે?” 

“તને શું લાગે છે, આ ઝાડ પડી જાય તો પક્ષીઓને બીજું કાંઈ નહીં મળી જાય?”  

સ્ટાફના લોકોની અંદરોઅંદર થતી વાતોથી મારા મનમાં ધ્રાસકો પડ્યો. વાત તો સાચી જ હતીને, દુનિયા કોઈના વગર અટકતી નથી. કોઈનું અસ્તિવ તો પાણીમાં રાખેલી આંગળી જેટલું, આંગળી ખેંચી લો એટલે બધું જેમનું તેમ. મારા હોવા ન હોવાથી ખરેખર કોઈને ફરક નહીં પડે? જેને મારું મારું કરી વળગી રહું છું એ કોઈ અત્યારે દેખાયું? ન દીકરો, ન દીકરી, ન કોઈ અન્ય મૈત્રી સંબંધો, તો શું આ પક્ષીઓની જેમ એ બધાં પણ! સહન નથી થતું, રિબાઈરિબાઈને જીવવું એના કરતાં તો મૃત્યુ જ સારું. 

“કાપી જ નાંખો, નહીં કાપો તો પેલું કદરૂપુ જાનવર એ ઝાડને કોરી ખાશે. છેવટે ખોખલું થઈ એ પડી જશે, પછી એ જાનવર મારી પાસે આવશે.”  મારે આ બધું જ કહેવું હતું, મારો બોલવાનો પ્રયાસ ચાલુ હતો પણ હોઠ ખુલતા નહોતા. 

“શું થાય છે? અરે, કોઈ તો જુવો..ડૉકટર ડૉકટર…”  ફરી સોયો ભોંકાઈ, ફરી ઓક્સિજન માસ્ક પહેરાવાયો. ફરી બોટલમાં પ્રવાહી ચડાવાયું. 

“અરે, મને કોઈ સાંભળવાની તસ્દી તો લ્યો. મને કાંઈ નથી થયું. મારે કશું કહેવું છે.” જ્યારે પણ બોલવાની કોશિશ કરી ત્યારે મને સમજ્યા વગર ફેંસલો લેવાઈ જતો અને સજા અપાઈ જતી. ભણતી વખતે હોશિયાર બાળકો થોડા આર્ટસ લે કહી સાયન્સની સજા અપાયેલી. વાંદાને ચીરતી વખતે સંવેદનાઓ ચિરાતી હતી. પોતાનું નામ કરવું હતું, બિઝનેસ શરૂ કરવો હતો પણ એમ.આર બની ડોક્ટરોના પગથિયાં ઘસતી વખતે પણ ક્યાં કશું કહી શકાયું હતું. લગ્ન વખતે પણ સમય આવે પરણી જવાનું કહી દેવામાં આવેલું. બરોબર આજની જેમ જ બોલવાની કોશિશ વ્યર્થ ગયેલી. જરાવારમાં જ મને સમજાઈ ગયું કે હંમેશની જેમ શાંત થઈ જવામાં જ ભલાઈ છે. ફરી ઘેન, ફરી વિચારોને આરામ. હવે મારે કાંઈ કહેવાનું, સમજવાનું નહોતું હંમેશની જેમ. 

ફરી આંખ ખુલી ત્યારે ઘડિયાળની એ જ મંથર ગતિ. કદાચ દિવસ બદલાયો હતો. ફરી એ સુગાળુ પ્રાણી આવી ગયું, ઝાડને ચાટવા, ખોતરવા. આ પ્રાણી ખરેખર બહુ જ ક્રૂર હતું. એ ચોક્કસપણે મને ખાઈ જવાનું છે. એનું લાકડાનો વહેર ચોંટેલું મોઢું વધારેને વધારે મોટું થતું હોય તેવું લાગતું, 

“હવે તો નક્કી આ પહેલા ઝાડને ખાશે અને પછી મને ઝડપથી ખાઈ જશે.” મેં બૂમ પાડી. મારો અવાજ ગળાની બહાર પણ આવ્યો. 

“કોણ? કોને?  કોની વાત કરી?” એણે મારા માથે હાથ ફેરવ્યો. ખબર નહીં કેમ પણ એ ચહેરાની બદલે મને પેલું ગંદુ જાનવર દેખાયું. ” પ્લીઝ, ડોક્ટરને બોલાવોને. આ કશુંક કહે છે પણ બરોબર નથી બોલાતું.” લાકડાના વહેરથી ભરેલું મોઢું બોલતું હતું. મને ખબર છે, બહુ જલદી એ વહેરની જગ્યાએ મારા માંસના લોચા આવી જવાના હતાં. જો કે મને સમજાઈ ગયું છે, આ જાનવર જ મારા મિત્રો, બાળકોને મારી પાસે આવવાથી રોકે છે.

ડૉકટરે આવી, ગંભીર ચેહરે મારું નિરીક્ષણ કર્યું. તબિયત માટે બધા જરૂરી માપદંડો જોયા.

“બોલો, શું કહેતા હતા?” ડૉકટરે મારી સામે બેસીને પૂછ્યું.

“સામે…સામે ..જો પેલું .ઝાડને ખાઈ..” ,મેં કહ્યું પણ ત્યાં ઝાડ પાસે કોઈ નહોતું. ક્યાંથી હોય એ તો મારી પાસે ઉભુંઉભું એનો ઉબકા આવે એવો ચહેરો દેખાડતું હતું. 

“જુવો, આ પ્રકારના સ્ટ્રોક પછી આટલો અવાજ પાછો આવવો પણ ઘણો અઘરો છે. આપણે સારી રિકવરીની આશા રાખી શકીએ. મગજમાં હજુ તાર બરોબર જોડાયા ન હોય ત્યારે ભ્રમણાઓ સામાન્ય છે. પણ વી કેન ટેક ઇટ એઝ સાઈન ઓફ ઇમપ્રુવમેન્ટ. અમારી કોશિશ અને તમારી સેવા રંગ લાવી રહી છે. જો કે હજુ કાંઈ કહી ન શકાય.”  એમણે મારી સામે જોતા એ કદરૂપા, સુગાળા, ખોતરી ખાનાર જાનવરને કહ્યું. 

ડૉકટરના ગયા પછી મારો ડર બેવડાઈ ગયો, એ જાનવર એકદમ મારી પાસેની ખુરશીમાં આવીને બેસી ગયું. બસ, હવે તો મારો અંતિમ સમય …મેં આંખ મીંચી દીધી. 

સવારે આંખ ખુલી ત્યારે સૂરજના કિરણો ઓરડામાં ચમકતાં હતાં.  મારી પાસેની ખુરશીમાં એ જાનવર થાકેલુંપાકેલું ઊંઘતું હતું. મેં ઝાડ સામે જોયું તો ત્યાં પણ રોજની જેમ જ એ જાનવર ઝાડને ખોતરતું હતું. અહીં પણ બેઠું હતું અને ત્યાં પણ ..

“તને ખબર પડી, પેલા ઝાડને કાપવું નહીં પડે.” 

“અરે વાહ! કેવી રીતે બન્યું?”

“ત્યાં જો, રોજ પેલું ઉધઈખોર આવે છે અને ધીરેધીરે એણે બધી ઉધઈને ખાઈ લીધી.”  વાતો સાંભળી મને અચરજ થયું, એ સુગાળુ જાનવર તો એ ઝાડની જીવાદોરી સાબિત થયું. 

એ જ સમયે મારી દીકરી આવીને મને વળગી પડી. “હવે કેટલા દિવસ પથારીમાં રહેવાનું છે, પપ્પા? મને પરણાવવાની નથી? મારી માની દયા નથી આવતી?”  એણે આંગળી ચીંધી, મેં ખુરશી તરફ જોયું. દોડાદોડી, ઉજાગરાથી થાકવા છતાંય એક આશાવંત રૂપાળો ચહેરો પોતાના મોઢામાં મારા ભાગની ઉધઈ ભરી બેઠો હતો.